ઇમોશનલ બ્લેકમેલ કરીને છેતરવાનો ધંધો

છેલ્લા થોડા દિવસથી મને દિલ્હીના કોઈ ‘રિલીફ ઇન્ડિયા ટ્રસ્ટ’માંથી શાલુ નેગી નામની વોલન્ટિયરનો ફોન આવે છે. સામે છેડેથી બોલતી કન્યા કહે છે કે સર, દિલ્હીમાં અંશિકા નામની એક વર્ષની છોકરીને કેન્સરની સારવારની તાત્કાલિક જરૂર છે. હવે મારો નંબર ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં રજિસ્ટર કરાવેલો છે. એટલે એ બહેનને પહેલાં તો મેં એ પૂછ્યું કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો. તો કહે કે સર, અમારી પાસે ડેટાબેઝ હોય છે અને એ ડેટાબેઝ ક્યાંથી આવે છે એ એમને ખબર ન હોય (આ દેશમાં ધર્મ અને વિજ્ઞાનના નામે તમે કોઇને પણ મુર્ખ બનાવી શકો).

એ પછી મને શંકા ગઈ કે આ કોઈ નવા પ્રકારનો ‘ઇમોશનલ ફ્રોડ’ છે, પણ પેલી શાલુ શાણી હતી. મેં ડિટેલ્સ માગી તો એણે મને ત્રણ મેસેજ કરીને પોતાના એનજીઓનો રજિસ્ટર્ડ નંબર આપીને ભારત સરકારની સાઇટ પર ક્રોસચેક કરી લેવા જણાવ્યું. મેં કર્યું. તો ભારત સરકારની સાઇટ પર આ એનજીઓ રજિસ્ટર થયેલો છે. એટલે થયું કે આ કદાચ ફ્રોડ ન પણ હોય. પણ આજે ફરીથી ફોન આવ્યો અને એણે જિદ્દ પકડી રાખી કે પૈસા આપો ને આપો. એટલે પછી મેં નેટ પર સર્ચ માર્યું. તો ‘કન્ઝ્યુમર કમ્પ્લેઇન્ટ્સ’ સહિતની સાઇટો પર મને આ જ એનજીઓના નામે ટનબંધ ફરિયાદો મળી આવી. ઇવન વિષ્ણુ ગોપાલ નામના કોચી-કેરળના એક ટેક્નોક્રેટે અહીં દાન કરીને ફસાયાની વાત પોતાના બ્લોગ પર પોસ્ટ મૂકી તો એનજીઓએ એને લીગલ નોટિસ મોકલાવી દીધી. ‘ક્વૉરા’ પર પણ ડઝનબંધ લોકોએ આ જ પ્રકારની ફરિયાદો કરી છે. એનજીઓની બેઝિક વેબસાઇટ અને એક્ટિવ ટ્વિટર હેન્ડલ જોઇને સહેજે આપણને તેના પર વિશ્વાસ બેસી જાય. નેટ પર બીજા લોકોનો અનુભવ કહે છે કે આ લોકો કોઇપણ ભોગે તમારો પીછો છોડતા નથી અને તમે ડોનેટ કરવામાં મોડું કરો અથવા ના પાડો તો પણ તેઓ કૉલ અને મેસેજ કર્યા કરે છે. આટલા બધા કેસીસ પછી હવે મને આ એનજીઓ પર વિશ્વાસ બેસતો નથી અને હું તેમને એક રૂપિયાનું પણ દાન આપવાનો નથી.
***
બે એક વર્ષ પહેલાં મારા પર ડિશ ટીવીમાંથી કૉલ આવ્યો અને એકદમ ડિટેલમાં મારા ડિએક્ટિવેટ કરાવેલા ડિશ ટીવી અકાઉન્ટની વિગતો આપી. ‘તમે તમારું બંધ પડેલું સેટ ટૉપ બોક્સ અને રિમોટ કંટ્રોલ પાછું સબમિટ કરાવી દો તો તમારી બાકી રહેલી ૧૦૦૦ રૂ. ડિપોઝિટ એક મહિનાની અંદર તમને પરત આપી દઇશું’ એવી વાત પણ એમણે કરી. મને વિશ્વાસ ન બેઠો અને મેં વાત ઉડાડી દીધી. ફરી થોડા મહિના પછી કૉલ આવવા શરૂ થયા. આખરે કંટાળીને મેં એમની વાત સ્વીકારી લીધી. દરમિયાન આળસમાં ને આળસમાં મેં ડિશટીવીની હેલ્પલાઇનમાં ફોન કરીને ક્રોસ ચેક ન કર્યું (કેમ કે હેલ્પલાઇનમાં ફોન કરવો હોય તો પાછી નોકરીમાંથી અડધા દિવસની રજા લેવી પડે!). આખરે મારા ઘરે બે જણા સેટ ટોપ બૉક્સ લેવા આવ્યા. મેં એમનું આઈ કાર્ડ માગ્યું તો કહે કે, ‘સર, અમે ન્યુ રિક્રુટ છીએ એટલે કાર્ડ હજી નથી આવ્યા, પણ તમે અમારા વર્ટિકલ હેડ સાથે વાત કરી લો.’ વર્ટિકલ હેડે પણ ફોન પર એ જ વાત કરી અને મેં સેટ ટોપ બૉક્સ-રિમોટ આપી દીધાં. એ વાતને છ મહિના ઉપર થયા એટલે એમના નંબર પર ફોન કર્યો, તો રેકોર્ડેડ મેસેજ સંભળાયો કે ‘પ્લીઝ ચેક ધ નંબર યુ હેવ ડાયલ્ડ.’ નેટ પર જોયું તો ગ્રાહક સુરક્ષામાં ‘સિદ્ધ એન્ટરપ્રાઇઝ’ નામની આ જ કંપની સામે આવી સેઇમ ફરિયાદ નોંધાયેલી હતી.
***
વળી, દોઢેક વર્ષ પહેલાં ફાંકડું અંગ્રેજી બોલતા વીસ-બાવીસ વર્ષના બે જુવાનિયા આવ્યા અને કહ્યું કે અમે જસ્ટ એન્જિનિયરિંગ પાસ કર્યું છે. અત્યારે વેકેશનમાં સોશ્યલ કૉઝ માટે હેલ્પેજ ઇન્ડિયા સાથે કામ કરીએ છીએ અને ઓલ્ડ પીપલ માટે ડૉનેશન કલેક્ટ કરીએ છીએ. મેં એમને ઘરમાં બેસાડીને એમનાં ક્રેડેન્શિયલ્સ ચેક કર્યાં. મને જેન્યુઇન લાગ્યું (વળી, સ્કૂલકાળમાં એક વખત હેલ્પેજ ઇન્ડિયા માટે ફાળો ઉઘરાવવા માટે હું પણ આ જ રીતે ઘર ઘર રખડેલો). એટલે મેં કહ્યું કે, ‘સારું, હું તમને ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ આપી શકું.’ તો મોંઘી બ્રૅન્ડેડ ઘડિયાળ અને શૂઝ પહેરેલા એ છોકરા કહે કે, ‘સર, તમારે મિનિમમ કંઇક ૧૨૦૦ કે ૩૦૦૦ જેટલી અમાઉન્ટ તો આપવી જ પડે. ફાઇવ હન્ડ્રેડ તો પીનટ્સ કહેવાય.’ મેં કહ્યું કે, ‘એક મિનિટ, ડૉનેશન વૉલન્ટરી હોય, યુ કાન્ટ ફોર્સ મી લાઇક ધીસ.’ તો એ લોકો એજિટેટ થઈને ‘વ્હોટેવર’ બોલીને જતા રહ્યા. છએક મહિના પછી ફરી પાછા બીજા બે રિચ ચાઇલ્ડ પ્રકારના જુવાનિયા ડિટ્ટો આ જ રીતે હેલ્પેજ ઇન્ડિયામાંથી આવ્યા હોવાનું કહીને આ જ પ્રકારની વ્હોટએવરવાળી વાત કરીને જતા રહ્યા. એ છોકરાંવ મને ફ્રોડ તો નહોતા લાગ્યાં, પણ કદાચ ફોરેન વિઝા માટે કોઈ બેલ્ટ્સ મેળવવા માટે આવાં કામ કરતાં હોય કે કદાચ જેન્યુઇન કૉઝ માટે આવ્યાં હોય, પણ એમનો બધા લોકો પૈસાદાર જ હોય એવો દમદાટીવાળો એટિટ્યુડ મને ન ગમ્યો.
***
હજીયે અવારનવાર, ‘સર, અમે LICમાંથી બોલીએ છીએ, તમારી પૉલિસી પર તમને અમુક લાખ રૂપિયાનું બોનસ મળવાપાત્ર છે’ પ્રકારના કૉલ્સ આવતા રહે છે. આપણે કહીએ કે આ ફ્રોડ છે, હું કમ્પ્લેઇન કરીશ, તો તરત જ (અથવા ક્યારેક ગંદી ગાળો બોલીને) ફોન કાપી નાખે છે.
***
ટૂંકમાં વાત એટલી કે નવા નવા ફ્રોડ માર્કેટમાં રિલીઝ થતા જ રહે છે. આપણે ચેતતા રહેવું અને આવું કંઇક ધ્યાનમાં આવે તો શૅર કરતા રહેવું.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements