Good Bye Rhythm House

rhythm-house-1ગઈ કાલે મુંબઈના લેજન્ડરી મ્યુઝિક સ્ટોર ‘રિધમ હાઉસ’નો છેલ્લો દિવસ હતો. ગયા વર્ષે ‘કેફે સમોવર’ બંધ થયા પછી સાઉથ બોમ્બેના વારસા પર પડેલો આ બીજો મરણતોલ ઘા છે. રિધમ હાઉસની વિદાય એ ડિજિટલ રિવોલ્યૂશનની બહુ પેઇનફુલ સાઇડ ઇફેક્ટ છે.

સાત દાયકા કરતાં પણ વધારે જૂનો આ સ્ટોર કેવો ગ્રૅન્ડ ભૂતકાળ ધરાવતો હશે તેની એ વાત પરથી જ ખબર પડી જાય કે એકથી એક ચડિયાતી ફિલ્મી હસ્તીઓ તેની ફૅન હતી. શમ્મી કપૂરે પોતાની ‘અનપ્લગ્ડ’ સિરીઝમાં એક કિસ્સો કહેલો, કે એ જ્યારે ઇત્તુ સા હતા એ વખતે નરગિસે એને કહેલું કે, ‘શમ્મી બાબા, જો તું મને રાજ (કપૂર) સાથે ફિલ્મ મેળવી આપે તો હું તને કિસ કરીશ.’ થોડાં વર્ષ વીત્યાં. શમ્મી ગભરુ જવાનમાં કન્વર્ટ થઈ ગયેલા. નરગિસને માશાઅલ્લાહ રાજ કપૂર સાથે ફિલ્મ પણ મળી ગયેલી અને શમ્મીએ નરગિસને પેલી કિસ યાદ કરાવી. પણ એ તો ‘શમ્મી બાબા’ને કિસ કરવાની હતી, યુવાન ‘શમ્મી- ધ ડૅશિંગ’ને નહીં! થોડી આનાકાની-દોડાદોડી પછી સૅટલમેન્ટ થયું. શમ્મીએ કિસને બદલે ગ્રામોફોન પ્લેયર માગ્યું. નરગિસ એ વખતે જાતે ડ્રાઇવ કરીને શમ્મીને લઈ ગઈ. ગ્રામોફોન પ્લેયર અપાવ્યું અને પછી ‘રિધમ હાઉસ’માં જઇને મોં માગી રેકર્ડ્સ અપાવી. (આ કિસ્સો શમ્મીજીના મોઢે સાંભળવા માટે પહેલી કમેન્ટમાં લિન્ક આપી છે.) ઇવન ‘દિલ તો પાગલ હૈ’માં પણ રિધમ હાઉસનો ઉલ્લેખ છે.
***
મારા વન ઑફ ધ ફેવરિટ રાઇટર્સ એવા બિશ્વનાથ ઘોષે એમના લેટેસ્ટ લેખમાં લખ્યું છે કે એમને ઈ-બુક્સ નથી ગમતી. એમને તો પેલી જેમાંથી કાગળ અને શાહીની સુગંધ આવે એવી ટ્રેડિશનલ બુક્સ જ ગમે છે. તે માટે એમણે એક કારણ એવું પણ આપ્યું છે કે ધારો કે તમારા કિન્ડલમાં ૫૦૦ બુક્સ હોય, તોય કોઇને ખબર પડવાની નથી, પણ ઘરમાં ૫૦૦ બુક્સ હોય, તો નાનકડી લાઇબ્રેરી ખડી થઈ જાય, જે જોઇને ઘરનાં બાળકો પણ વાંચતાં થાય. આવું જ કંઇક કેસેટ્સ-સીડી-ડીવીડીનું પણ છે.

ટૉરેન્ટ-ઈકોમર્સ વગેરે સાઇટ્સ પરથી ડાઉનલોડ કરવામાં ઇન્સ્ટન્ટ્લી બુક્સ-મુવીઝ અવેલેબલ થઈ જાય છે. ઇવન આ ડાઉનલૉડિંગ કલ્ચરે મારા જેવા ફિલ્મોના શોખીનને તો ઘેરબેઠાં જન્નત આપી દીધી છે. પણ એનાથી મેમરીઝ-યાદો બનતી નથી. સ્ટોરવાળા તમારા દોસ્તાર બનતા નથી. તમારા જેવા શોખીનો એ સ્ટોર પર ભેગા થઈ જાય અને વગર કોઈ ઓળખાણે તમે એમની સાથે ગમે તે વિષય પર ગપાટા મારવા માંડો એવું ડાઉનલોડ કલ્ચરમાં ક્યારેય નથી બનતું. બુક સ્ટોર કે ડીવીડી લાઇબ્રેરી પર છોકરો-છોકરી પ્રેમમાં પડી શકે, ટૉરેન્ટ પર નહીં. આજથી પંદર વર્ષ પહેલાં ઝીટીવી પર આવતી ‘રિશ્તે’ નામની સિરીઝમાં અદ્દલ આવી જ સ્ટોરી આવેલી. એમાં છોકરો-છોકરી મ્યુઝિક સ્ટોરમાં જ પ્રેમમાં પડે છે. ‘અતિથિ તુમ કબ જાઓગે’વાળા અશ્વની ધીરે લખેલી-ડિરેક્ટ કરેલી ‘જો કહા ન જાયે’ નામની એ બ્યુટિફુલ- વેરી બ્યુટિફુલ સ્ટોરીમાં જોતાં જ પ્રેમમાં પડી જઇએ એવી ગુજરાતણ કરિશ્મા મોદી પણ છે (એ હાર્ટવૉર્મિંગ લવસ્ટોરી જોવી હોય, તો તેની લિંક પણ પહેલી કમેન્ટમાં મૂકી છે!).
***
આપણી લાઇફનો એક ભાગ બની ગયેલું કાયમી ઠેકાણું બંધ થઈ જાય ત્યારે કેવી સ્થિતિ થાય એ હું અમદાવાદમાં મારાં ફેવરિટ કૅફે અને rhythm-house-2‘બિગ ફ્લિક્સ’ બંધ થયાં ત્યારે અનુભવી ચૂક્યો છું (આજે પણ એ રસ્તે પસાર થતી વખતે ત્યાં જોવાઈ જાય છે). ત્યારે ગઈકાલે કેટલાંય લોકો ‘રિધમ હાઉસ’નાં છેલ્લાં દર્શન કરવાં સ્પેશિયલી ત્યાં ગયેલાં અને એકબીજાને ભેટીને રીતસર ધ્રુસકે ધ્રુસકે રડેલાં (એનીયે લિંક મૂકી છે). તેનો એક ફોટો પણ આ પોસ્ટ સાથે અટેચ કર્યો છે.

આપણે ત્યાં ભલે બુક-ડીવીડી શૉપ્સનાં વળતાં પાણી હોય, પણ બધે એવું નથી. ‘એમેઝોન’એ ગયા નવેમ્બરથી સિએટલ (અમેરિકા) ખાતે પોતાનો પહેલો ફિઝિકલ બુક સ્ટોર ખોલ્યો છે. આપણે ત્યાં પણ ‘લેન્સકાર્ટ’, ‘ફર્સ્ટક્રાય’, ‘ફૅબફર્નિશ’ જેવા ઑનલાઇન પ્લેયર્સે પણ પોતાના ફિઝિકલ સ્ટોર્સ શરૂ કરી દીધા છે (મેં પોતે જ આવા એક સ્ટોરમાંથી હમણાં જ ચશ્માંની એક ફ્રેમ ખરીદી). લંડનમાં થોડા દિવસ પહેલાં જ ‘લાઇબ્રેરિયા’ નામનો એક નવો બુક સ્ટોર ખૂલ્યો તેનાં વધામણાં ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ અખબારે પણ ખાધાં છે. (વધામણાંની લિંક, તમને ખબર જ છે કે પહેલી કમેન્ટમાં છે!)

મુવીઝ-મ્યુઝિક-બુક્સ એ બધું એક્સપિરિયન્સ છે અને એ ફીલ ફિઝિકલ પ્રેઝન્સથી જ આવે. સમય સાથે બદલાઇએ, પણ મેમરીઝ-એક્સપિયિરન્સના ભોગે નહીં. એક આખું કલ્ચર મરી પરવારે ત્યારે પારાવાર દુઃખ થાય.

બે વર્ષ પહેલાં અમે મુંબઈ ગયાં ત્યારે કાલાઘોડા પાસેથી પસાર થતી વખતે અચાનક જ ‘રિધમ હાઉસ’ પર ધ્યાન પડ્યું અને ગિટારના તાર જેવી ઝણઝણાટી શરીરમાંથી પસાર થઈ ગઈ. એ વખતે રિધમ હાઉસની બહાર મસ્તીભર્યો ફોટો પડાવવાની લાલચ રોકી શકાઈ નહીં. પણ ત્યારે ખબર નહોતી કે બે જ વર્ષમાં આ ફોટો ઇતિહાસનો એક ભાગ બની જશે.
અલવિદા, ‘રિધમ હાઉસ.’

P.S. 1 શમ્મી કપૂરનું નરગિસ સાથે કિસને બદલે ગ્રામોફોનનું બાર્ગેનિંગઃ
https://www.youtube.com/watch?v=56RcuxBHIEM

P.S. 2 લેખમાં ઝી ટીવીની ‘રિશ્તે’ ટીવી સિરીઝના જે ‘જો કહા ન જાયે’ નામના એપિસોડની વાત છે, તેની લિંક આ રહીઃ

P.S. 3  ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’નો એ લેખ વાંચવાની ઇચ્છા હોય તો, એ પણ વિશ ગ્રાન્ટેડ!
http://www.independent.co.uk/arts-entertainment/bookshops-are-back-because-you-cant-meet-a-lover-on-your-kindle-a6893841.html

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Star Wars – The Force Awakens

– આ ફિલ્મની મોસ્ટ થ્રિલિંગ મોમેન્ટ કઈ હતી ખબર છે? મારી બાજુની સીટ પર એક યંગ પપ્પા પોતાનાં બે ટાબરિયાંવને લઇને ફિલ્મ જોવા આવેલા, એક દીકરો ને એનાથી નાની એક દીકરી. દીકરાની ઉંમર પૂરાં દસ વર્ષ પણ નહોતી. મતલબ કે ૨૦૦૫માં આવેલી છેલ્લી સ્ટાર વૉર્સ ફિલ્મ (એપિસોડ-૩: રિવેન્જ ઑફ ધ સિથ) વખતે એ માંડ જન્મ્યો હશે. પણ ફિલ્મમાં જેવી હાન સોલો (હેરિસન ફોર્ડ)ની એન્ટ્રી પડી કે બાપ-દીકરા બંનેએ એકસાથે મોટ્ટા અવાજે ચિયર કરીને વધાવી લીધી. બોસ, આને કહેવાય લેગસી! એ ટાબરિયાના પપ્પાએ કદાચ એના પપ્પા સાથે આ ફિલ્મ જોઈ હશે, અથવા તો પોતાના દોસ્તારો સાથે કોલેજમાં જોઈ હશે. અને દીકરો પણ સ્ટાર વૉર્સને કેવો ઘોળીને પી ગયેલો! હાન સોલો, પ્રિન્સેસ લેઆ, R2D2, C-3PO, લુક સ્કાયવૉકર, સ્ટોર્મ ટ્રૂપર્સ વગેરે એકેએક પાત્રની એન્ટ્રી પડે કે તરત જ એ એનું નામ બોલે.

– હેરિસન ફોર્ડને મેં મારા હાર્ટનો એક હિસ્સો ૯૯ વર્ષની લીઝ પર લખી આપ્યો છે. મારું ચાલે તો એની કોઇપણ ફિલ્મ હું સ્લો મોશનમાં દોડતો જોઈ આવું. પણ હવે મારા સ્કૂટરને ‘મિલેનિયમ ફાલ્કન’ની જેમ ‘લાઇટ સ્પીડે’ દોડાવીને સીધો થિયેટર પર પહોંચીને કામ ચલાવી લઉં છું! ફોર્ડ રિયલ લાઇફમાં પણ હાન સોલો જેવો જ કાબેલ પાઇલટ છે, એ જસ્ટ જાણ સારું. લેકિન ‘સ્ટાર વૉર્સઃ ધ ફોર્સ અવેકન્સ’માં ૭૩ વર્ષના હેરિસન ફોર્ડના ચહેરા પર ઊતરી આવેલી વૃદ્ધત્વની છાયા જોઇને મારું હૈયું ચિરાઈ ગયું. પેલા મારી બાજુમાં બેઠેલાં ટાબરિયાંવમાંથી ટબુડી બોલી, ‘હી લુક્સ સો ઓલ્ડ!’ ત્યાં પેલો ટેણિયો કહે, ‘તું બડી હો જાયેગી તો બુઢ્ઢી નહીં હોગી ક્યા?!’ એ જ સૅકન્ડે મને સ્ટ્રાઇક થયું કે મારા કરતાં તો આ ટેણિયો વધુ મૅચ્યોર છે. હું તો મારા બાળપણમાં જ ક્યાંક ફ્રીઝ થઈ ગયો છું. પણ એ જ બાળપણ અને એ જ યુવાનીની સુપર ડુપર નોસ્ટેલ્જિક ટ્રિપ એટલે આ નવી સ્ટાર વૉર્સ ફિલ્મ.

– આખું થિયેટર એના ડેડિકેટેડ ચાહકોથી ભરચક હતું (જેમાં ઓલમોસ્ટ અડધોઅડધ ટાબરિયાંવ હતાં!). આઈ મસ્ટ કન્ફેસ કે, મેં અગાઉની એકેય સ્ટાર વૉર્સ ફિલ્મ થિયેટરમાં નહોતી જોઈ. એટલે આખા સ્ક્રીનમાં પહેલીવાર સિગ્નેચર ટ્યૂન સાથે જાયન્ટ સાઇઝમાં યલ્લો અક્ષરે ‘સ્ટાર વૉર્સ’ લખાયેલું જોયું એટલે ટચવૂડ, શરીરમાંથી રોમાંચની એક લહેરખી પસાર થઈ ગઈ. એમાં હું એકલો નહોતો. આખા થિયેટરે ચિચિયારીઓથી એને વધાવી લીધેલું. એ પછી ચિત-પરિચિત સ્ટાઇલમાં ફ્લાઇંગ કાર્પેટની જેમ નીકળતા અક્ષરોમાં કહેવાતી બૅક સ્ટોરીએ પણ એવો જ ચિયર ઉઘરાવ્યો.

– અગાઉના છ ભાગ જોયા હોય તો સ્ટોરીમાં એઝ સચ કંઈ નવું ન લાગે, પણ આ લોકો જૂની સ્ટોરીના દોરામાં જે કાબેલિયતથી નવા મણકા પરોવે છે એ જોઇને એમની સ્માર્ટનેસ પર માન થઈ જાય. નવી આવેલી ‘રે’ ક્યુટ અને ફિઅરલેસ લાગે છે, પણ તોય મને જૂનાં કેરેક્ટર્સને સાઇડમાં ધકેલાતાં જોવાનું કઠે છે. ત્યાં જ મને એપિસોડ-1માં નાનકડા સુપરક્યુટ એનાકિન સ્કાયવૉકરને એની મમ્મીએ છૂટા પડતી વખતે કરેલી વાત યાદ આવી કે, ‘ચેન્જ અનિવાર્ય છે, તું એને કોઈ કાળે રોકી શકવાનો નથી.’

– આ ફોર્સ અવેકન્સ વિન્ટેજ વાઇન જેવો પ્યોર નોસ્ટેલ્જિઆ છે, ખાસ કરીને ફર્સ્ટ થ્રી પાર્ટ (એપિસોડ 4, 5, 6)નો. હેરિસન તો ઠીક, પણ R2D2 કે C-3PO જેવા રોબોટ કે ચ્યુઈ જેવો વૂકી-વાનર આવે તોય આપણને જૂના દોસ્તાર મળ્યા હોય એવી હાર્ટવૉર્મિંગ ફીલિંગ થઈ આવે. ઇન ફૅક્ટ, સ્ટાર વૉર્સની જેમ આપણને પણ થાય કે આપણને આપણી શક્તિઓની પિછાણ કરાવનારા કોઈ ‘યોડા’, મુશ્કેલી-ડિપ્રેશન વખતે રસ્તો બતાવનારા કોઈ ‘ઓબી વાન કનોબી’, ગમે તેવું જોખમ ખેડીને બચાવનારો દોસ્તાર ‘હાન સોલો’, સતત સાથ દેનારો કોઈ ‘ચ્યુબૅકા’ આપણી લાઇફમાં હોય તો કેવી મજા આવે! તો મજાલ છે કે આપણે ‘ડાર્ક ફોર્સ’થી આકર્ષાઇએ?!

– આ સિરીઝના ચાહક હોઇએ એટલે ‘અ લોંગ ટાઇમ અગો ઇન અ ગૅલેક્સી ફાર ફાર અવે’, ‘આઈ હેવ અ બૅડ ફીલિંગ અબાઉટ ધિસ’, ‘વી આર ડૂમ્ડ’, ‘વી હેવ ગોટ અ કંપની’ અને સ્પેશ્યલી ‘મૅ ધ ફોર્સ બી વિથ યુ’ જેવાં આઇકોનિક વનલાઇનર્સ પણ કાનમાં મધની જેમ રેડાય! એ જ કારણથી તમને CGI જોઇને ખબર પડી જાય કે આ યાન હવે પ્રકાશની ગતિએ ભાગી રહ્યું છે.

– સ્ટોરી વિશે વધુ લખવામાં તો જોખમ છે, પણ આ ફિલ્મમાં રહેલા બેમાંથી એક શૉક જો સાચો પડશે તો હું આ સિરીઝ જોવાનું છોડી દઇશ.

– એક નાનકડો લોચો એ છે કે ફેઇથફુલ ફૅન્સને આ ફિલ્મ અત્યંત પ્રીડિક્ટેબલ લાગશે. બે શૉકને બાદ કરતાં મોટાભાગનાં ટ્વિસ્ટ કળી શકાય છે.

– ગુડ વર્સસ ઇવિલના આ જંગમાં ડાર્ક સાઇડવાળાનો ‘ફર્સ્ટ ઑર્ડર’ હિટલરના ‘થર્ડ રાઇક’ જેવો, એમનો ધ્વજ ‘નાઝી સ્વસ્તિક’ જેવો, જનરલની સ્પીચ હિટલરના જેવી અને એમનું સેલ્યુટ પણ નાઝી સેલ્યુટની યાદ અપાવે છે.

– બધી ફિલ્મોની જેમ અહીં પણ રામાયણ અને મહાભારતના પેરેલલ્સ ડ્રૉ કરી શકાય છે (શ્રીકૃષ્ણ અને વિભિષણ, ટુ બી પ્રિસાઇસ). ઇવન આપણી પાર વિનાની હિન્દી ફિલ્મોનો એક હિટ કન્સેપ્ટ પણ અહીં છે (આપણી ફિલ્મોનાં નામ કહીશ તો પણ સ્પોઇલર થઈ જશે!).

– અહીં હજી લુકાસ ફેમ ઑરિજિનલ હ્યુમર અકબંધ છે. જેમ કે, નામ પૂછે તોય એવી સળી કરે કે, ‘તારું કોઈ નામ છે ખરું?’ (જેમ કે, રમેશ મહેતા પૂછતા, ‘હું નામ રાઇખાં, ગોરી?!’) ક્યુટડી રે પૂછે કે, ‘તમે હાન સોલો છો?’ તો ફોર્ડ એની ટિપિકલ વાયડાઈથી કહે, ‘આઈ યુઝ્ડ ટુ બી!’

– મીન્સ, સો ફાર સો ગુડ. નોસ્ટેલ્જિઆ એની જગ્યાએ, સસ્પેન્સફુલ શૉક્સ એની જગ્યાએ. નવી સિક્વલ ટ્રિલજીનાં ટિપિકલ લુકાસ સ્ટાઇલમાં જ મંડાણ થઈ ગયાં છે. હવે બાકીની બે ફિલ્મોમાં આ ફિલ્મોના સૅટ્સ અને યાન જેવડું જ આપણું મોં ખુલ્લું રહી જાય એવી સ્ટોરી લઈ આવો. આ ફિલ્મ બિલકુલ થિયેટરમાં જ અને બને તો ઇંગ્લિશમાં જોવાનું જ મટિરિયલ છે (અંગ્રેજીમાં સબટાઇટલ્સ પણ છે, બાય ધ વે). પણ જો અગાઉના ભાગ ન જોયા હોય, તો પ્લીઝ જોઈ કાઢજો. એટલિસ્ટ, ફર્સ્ટ થ્રી (ઓરિજિનલ ટ્રિલજી, એપિસોડ 4,5,6) તો મસ્ટ. કેમ કે આની સ્ટોરી એના જ ત્રણ દાયકા પછી આગળ વધે છે. આ ફિલ્મને મારા તરફથી ૩, ચલો, ૩.૫ સ્ટાર્સ!

– બધું જ જોઈ પાડો તો જોવા જેવી એક ફિલ્મ છે, સ્ટાર વૉર્સની ઑરિજિનલ ટ્રિલજીના મૅકિંગની, તેની સોશિયો-કલ્ચરલ ઇમ્પેક્ટની સુપર ડુપર દાસ્તાન કહેતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘સ્ટાર વૉર્સઃ એમ્પાયર ઑફ ધ ડ્રીમ્સ.’ યુટ્યૂબ પર આખી પડી છે. હા, અઢી કલાકની છે!

– સો, મૅ ધ ફોર્સ બી વિથ યુ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Goa & Mario Miranda

mario-miranda

મારિયો મિરાન્ડા અને ગોવા બંને એકબીજામાં એટલા બધા ભળી ગયા છે કે અલગ જ ન પાડી શકાય. પણજીની શાકમાર્કેટમાં મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન્સનાં આવાં ત્રણ જાયન્ટ કોલાજ પેઇન્ટ કરવામાં આવ્યાં છે. ઈવન અહીંના મડગાંવ રેલવે સ્ટેશનની દીવાલો પણ મિરાન્ડાનાં કાર્ટૂન્સથી ભરચક છે. અલબત્ત, તેને લોકલ આર્ટિસ્ટ પાસે મીરાન્ડાની સ્ટાઈલમાં બનાવાયા છે. સ્ટેશનમાં જયારે પણ કલરકામ થાય, આ કાર્ટૂન્સને કાળજીપૂર્વક સાચવી લેવામાં આવે.

Advertisements

You know you are in Goa when…

iffi-beerCoffee ₹ 70
Tea ₹ 60
And
Beer ₹ 40
You are in GOA!

Advertisements

What to we watch when we watch movies at theatre?

છેલ્લાં ત્રણ વર્ષથી દર શુક્કરવારે જેટલી ફિલ્મો જોઈ છે એના કરતાં ક્યાંય વધારે નમૂનાઓને ઓબ્ઝર્વ કર્યા છે. પરંતુ આજે ‘હીરો’માં જે નમૂનો જોયો એ ખરેખર આઇટેમ નંબર વન હતો. મારી જ રૉમાં મારાથી ત્રણ સીટ છોડીને બેઠેલા એ કોલેજિયન પ્રાણીને પિચ્ચરમાં કંઇક પ્રચંડ કંટાળો આવી ગયો કે ગમે તે, પણ એ ચાલુ પિક્ચરે બાકાયદા પોતાના મોબાઇલમાં વીડિયો ચાલુ કરીને જોવા માંડ્યો! ફુલ વોલ્યુમ પર! બે મિનિટ તો મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો,કે WTF?! આ સાલો સાઇકો છે કે આનું ક્રેક છે પછી પાગલપનનો અટેક આવ્યો છે? માન્યું કે તમે મોબાઇલની ધાવણી ચૂસ્યા વગર રહી શકતા નથી, પણ એક ટકાની એટિકેટ નહીં? બે પૈસાની સેન્સ નહીં કે ક્યાં શું ઑપન કરાય અને ક્યાં શું બંધ રખાય! અલબત્ત, એ પ્રાણી એક હાકલનો જ ઘરાક હતો, એટલે મારી એક બૂમે જ શાંત થઈ ગયો, પણ વીડિયો બંધ કરીને મારી સામે એવી રીતે જોઈ રહ્યો જાણે મેં તો એને શુંયે મોટા હક્કથી વંચિત રાખી દીધો હોય! એના ચહેરા પરનાં એક્સપ્રેશન્સ એવાં હતાં, કે જાણે એ ICUમાં પડ્યો હોય અને મેં એના ચહેરા પરથી ઑક્સિજન માસ્ક ખેંચી લીધો હોય!

સો-બસ્સો રૂપયડીની ટિકિટો ખરીદીને લોકો જાણે આખું થિયેટર એમના પિતાશ્રીની જાયદાદ હોય એ રીતે બિનધાસ્ત ફોન પર ગેમો રમે, ચેટિંગ કરે, ફુલ અવાજે ધંધાના ફોનો કરે… અને આપણે તો સાલા એના બાપ-દાદાઓને ત્યાં ગુલામી લખાવીને આવ્યા હોઇએ એ રીતે સહન કર્યા કરવાનું! કહીએ તો હડકાયા કૂતરાની જેમ સામાં વડચકાં ભરે! સાલી એવી કેવી કમજાત પ્રજા થઈ ગઈ છે કે બે-ત્રણ કલાક મોઢું અને મોબાઇલ બંધ ન રાખી શકે? ખરેખર થિયેટરોમાં મોબાઇલ જામરો લગાડવા વિશે પણ કંઇક કરવું જોઇએ. કોઇપણ શૉમાં, કોઇપણ થિયેટરમાં જઇએ, ત્રણ કલાક ટૉર્ચર ચેમ્બર જેવું જ ફીલ થાય છે. આ જંગલી પ્રજાનાં મોઢાં બંધ કરાવવા માટે મલ્ટિપ્લેક્સના સ્ટાફનો એક પણ માણસ ક્યારેય શોધ્યો જડે નહીં, અને પકડવાની પેરવી કરીએ તો આપણી ફિલ્મ એ પકડદાવમાં જ જાય.

ઉપરથી આ વાહિયાત થિયેટરવાળાઓએ સિનેમા હૉલને રેસ્ટોરાંમાં ફેરવી નાખ્યા છે. નવાબ વાજિદ અલી શાહના વંશજોને સીટ પર અન્નકૂટ ધરવાની પરોણાગતમાં એ લોકોના માણસો સતત આપણી અને સ્ક્રીન વચ્ચે ભૂતની જેમ ભટક્યા કરે. અને લોકોય સાલા એવા તે કયા જનમના ભૂખ્યા થઇને આવે કે સીટ બેસતાંવેંત જાણે ન્યાતની પંગત બેસાડી હોય એમ બધું ગળચવા મંડી પડે. પિક્ચર અને બીજા લોકો જાય ચૂલાની ખાડમાં.

ઇવન નાટક જેવા ફ્રેજાઇલ મીડિયમમાં પણ લોકો પોતાનાં ધાવણાં છોકરાંને લઇને આવે અને છોકરાંવ બિચારાં સ્વાભાવિક રીતે જ ભેંકડો તાણ્યા વિના ન રહે. તોય સાલાં નીંભર-નકટાં મા-બાપોનાં પેટનું પાણી ન હલે. ચાર ગાળો ખાય પછી જ એમનું છોકરું આપણા લીધે રડ્યું હોય એવો તોબરો ચડાવીને બહાર નીકળે.
***
આજે નેશનલ કન્ઝ્યુમર કોર્ટે આદેશ કર્યો છે કે થિયેટરવાળા લોકોને ઑવરપ્રાઇસ્ડ બૉટલ્ડ વૉટર ખરીદવાની ફરજ પાડી શકશે નહીં. એમણે ફરજિયાતપણે લોકોને ફ્રી પીવાનું પાણી પૂરું પાડવું પડશે. નહીંતર તે એમની સર્વિસમાં ઊણપ તરીકે નોંધાશે. અમદાવાદમાં પીવીઆર અને સિનેપોલીસ પીવાનું ઠંડું પાણી ફ્રી આપે છે (એય કેટલું ચોખ્ખું હશે એ તો ઈશ્વર જાણે). જોઇએ હવે, આ આદેશનો કેવોક અમલ થાય છે. ફ્રી પાણીની વાત છોડો, મલ્ટિપ્લેક્સોમાં આપણી પાણીની બૉટલ લઈ જવા દે છે એય એ લોકોની કૃપા ઓછી છે?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements