Annamalai Karu

અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.
અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.

આજની ‘સાલા ખડૂસ’ની રિલીઝે મને થોડાક ફ્લેશબૅકમાં જવા મજબૂર કરી દીધો… (ઇમેજિન કરો આપણે ફ્લૅશબૅકમાં જઈ રહ્યા છીએ…)
***
કટ ટુઃ FTII થિયેટર
ટાઇમઃ જૂન, ૨૦૧૩
ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ (FAC)ની પૂર્ણાહૂતિ વખતે (જેમને ભારતમાં ક્યારેક ડર લાગે છે એવાં) કિરણ રાવના હસ્તે અમારા સૌનો ફેલિસિટેશન વિધિ ચાલતો હતો. વન બાય વન સૌનાં નામ બોલાય, સર્ટિફિકેટ મળે અને તાળીઓ પડે એવો ક્રમ. પરંતુ એક નામ એનાઉન્સ થયું કે દસગણું વધારે ચિયર થયું અને સ્ટેન્ડિંગ ઑવેશન પણ અપાયું. એ નામ હતું, અન્નામલાઈ કરુ. ઇવન કિરણ રાવે પણ આશ્ચર્યથી પૂછ્યું કે, ‘આ ભાઈ કોઈ સેલિબ્રિટી છે કે શું?’

એ જાણવા માટે ફ્લૅશબૅકના પણ ફ્લૅશબૅકમાં જવું પડશે.
***
કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ અમારા FACના પહેલા દિવસનું એન્ડિંગ
કલ્ચરલ એમાલ્ગામેશન જેવા કોર્સના એ પહેલા દિવસે સૌનાં ઇન્ટ્રો-બિન્ટ્રો થયા, લાંબાં લેક્ચર્સ ભરીને સૌ થાક્યા. પછી રાત્રે બૅક ટુ બૅક બે ફિલ્મો જોઈ. એટલે ઓર ટેં થઈ ગયા. પરંતુ હળવો ટ્વિસ્ટ બીજા દિવસે હતો.

કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ FACના બીજા દિવસની સવાર
બધા એક બીજાને પૂછતા હતા કે આ અન્નામલાઈ કરુ કોણ છે? આપણી જ બૅચમાં છે? કે પછી અહીં FTIIના મેનેજમેન્ટનું કોઈ છે?

એનું કારણ એ હતું કે પહેલા દિવસે બધાં લેક્ચર્સમાં જે જે ફિલ્મોનાં નામોનો ઉલ્લેખ થયેલો એ તમામનું મસ્ત લિસ્ટ તે દરેકની યુટ્યુબ લિંક્સ સાથે અમારા FACના ગૂગલ ગ્રૂપમાં મેઇલ થઈ ગયેલું હતું! ઇવન રેફરન્સ બુક્સનાં નામ, લેખક વગેરેની ડિટેલ્સ પણ એમાં હતી!

પછી ખબર પડી કે અન્નામલાઈ કરુ એટલે આપણો બૅચમેટ ફ્રોમ ચેન્નઈ. એકદમ સ્ટુડિયસ બૉય જેવો દેખાવ, સિમ્પલ ડ્રેસિંગ અને જેન્યુઇન સ્માઇલ. અભિમાનનો એકેય છાંટો વર્તાય નહીં. વાતો માંડે તો દૂર તલક જાયે. લોચો માત્ર એક જ, હિન્દીમાં બોલો તો પ્રેમથી કહેશે, ‘સોરી, પ્લીઝ ઇંગ્લિશ!’ (આમેય આપણું તમિળ તો પહેલેથી જ કાચું!)

એ પછી તો FACમાં રોજનો ક્રમ થયો. દિવસ પતે એટલે તે દિવસે મૅન્શન થયેલી તમામ ફિલ્મો, બુક્સ, આર્ટિસ્ટ્સની લિંક્સ સાથેની ડિટેલ્સ લેક્ચરવાઇઝ ગોઠવાઇને અમારાં સૌનાં ઇનબૉક્સમાં પહોંચી જ ગઈ હોય. બધાને એ જ સવાલ થાય કે રાત્રે બાર-એક વાગ્યે અમારા સૌના કિલોમીટર પૂરા થઈ ગયા હોય ત્યારે આ માણસ આટલું બધું કરે છે ક્યારે અને કઈ રીતે?! (અને આવી ખાલીપીલી મજૂરી, કાયકુ?!)

નેચરલી, અન્નામલાઈ કરુ અમારા FACનો મોસ્ટ પોપ્યુલર સ્ટુડન્ટ.
***
પછી તો હું જેટલી વાર IFFI, GOA ગયો ત્યાં પણ એ હાજર હોય, એ પણ પૂરેપૂરા દસેય દિવસ. આ વખતે તો એણે અમારું એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને પોતે જે જે ફિલ્મો જોઈ (અને બહુ બધી જોઈ), એનાં નામ-ઠામ અને ઇમોજી સાથેનો ક્વિક રિવ્યૂ ફટાફટ સેન્ડ કરતો રહે. કોઈ સુપર્બ મુવીનું રિ-સ્ક્રીનિંગ હોય તો એનીયે જાણ કરે.
***
એ બધી અવરજવર દરમ્યાન વાત થયેલી કે એ ચેન્નઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) છે અને ‘ગોલમાલ’ની કોઈ રિમેકમાં અને અમુક અન્ય ફિલ્મોમાં એણે કામ કર્યું છે. પરંતુ આ વખતે IFFIમાં એણે અમને જસ્ટ એમ જ કહેલું કે જાન્યુઆરીમાં અમારી માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ આવે છે (ના, એ એનો ડિરેક્ટર નથી, પણ ચારેક એસોસિએટ ડિરેક્ટર્સમાંનો એક છે). પરંતુ ‘બોસ, આપણે આઈ ગયા છીએ’ એવી કોઈ ગુલબાંગો નહીં. ઇવન એ FB-ટ્વિટર પર ખાસ એક્ટિવ પણ નથી.

પરંતુ આજે મેં ‘સાલા ખડૂસ’ જોયું અને એમાં ટાઇટલ (અને એન્ડ) ક્રેડિટ્સમાં એનું નામ જોયું, તો આમ જરાક પ્રાઉડ જેવી ફીલિંગ આવી. ત્યાં ‘ઝલ્લી પટાખા’ સોંગમાં તો ભાઈ સદેહે એક નાનકડા કેમિયોમાં દેખાયા. એના સ્ક્રીનશોટ્સ મૂક્યા છે, જેમાં એ ‘કોમનમેન’ સ્ટાઇલના શર્ટમાં ચશ્માં સાથે દેખાય છે.

બસ, આટલી અમથી વાત. લાઇફમાં એક મસ્ત માણસને મળ્યાનો આનંદ અને એની પ્રગતિ જોઇને પ્રાઉડ ટાઇપની ફીલિંગ!
Carry on Annamalai Karu!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Cinema, The Great Unifier

cinephileગઈ કાલે હું ‘રોમ કોમ’ જોવા પીવીઆર (એક્રોપોલિસ, અમદાવાદ) પહોંચ્યો ત્યાં પાર્કિંગમાં જ એક વ્હાઇટ લૂંગી (કે વેષ્ટિ કે મુંડું)માં સજ્જ સાઉથ ઇન્ડિયન ભાઈને ફેમિલી સાથે બાઇક પરથી ઊતરતા જોયા, ત્યારે જ લાગેલું કે કોઈ ધમાલ ફિલ્મ આવી લાગે છે. (બાય ધ વે, આ સાઉથ ઇન્ડિયન પુરુષો બાઇક પર લુંગી કઈ રીતે મેનેજ કરતા હશે?!)

ઇન્ટરવલમાં બહાર નીકળ્યો ત્યારે આ મસ્ત દ્રશ્ય જોવા મળ્યું કે 13-14 જુવાનિયાઓનું આખું ગ્રુપ એકસાથે ફિલ્મ જોવા આવેલું ને બધા એક સાથે ફોટો પડાવતા હતા. (આ રીતે ગુજરાતીઓ ગ્રુપમાં ગુજરાતી ફિલ્મ જોવા આવે તો એકેય શૉ કેંસલ ન થાય!) એમને આમ જલસો કરતા જોઇને મારાથી રહેવાયું નહીં, એટલે એ લોકોનો ફોટો પાડતો ફોટો મેંય પાડી લીધો! પછી તો બે જ મિનિટમાં એમની સાથે દોસ્તી થઈ ગઈ, નંબરોની ને ફોટાની આપ-લે પણ થઈ! મેં પૂછ્યું તો કહે કે અમે તમિળ મુવી ‘રજિની મુરુગન’ જોવા આવ્યા છીએ. તો મેં પણ ઠપકાર્યું કે હુંય ગુજરાતી ફિલ્મ ‘રોમ કોમ’ જોવા આવ્યો છું!

ચાર વર્ષ પહેલાં મનાલીમાં એક દક્ષિણ ભારતીય પરિવાર સાથે આ જ રીતે ‘મહેશ બાબુ’એ દોસ્તી કરાવી આપેલી, એ પણ રિવર રાફટીંગ દરમ્યાન!

રિયલી, સિનેમા ઇઝ ધ ગ્રેટ યુનિફાયર! રિલિજિયન ડિવાઇડ્સ, સિનેમા યુનાઇટ્સ! પ્રાઉડ ટુ બી અ સિનેફાઇલ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Cinema, Spoilers & Sadists

જેવી રીતે રસ્તા પર થૂંકાય નહીં, જાહેરમાં સૂસૂ-પોટી ન કરાય, જાહેર સ્થળે ફોનમાં બરાડા ન પડાય, ક્યૂમાં ધક્કામુક્કી કર્યા વિના શાંતિથી આપણા વારાની રાહ જોવાય, બસ-ટ્રેન વગેરેમાં સ્ત્રીઓ-વડીલો આવે તો એમને જગ્યા અપાય… આવી જ એક સિવિક સેન્સ છે, સસ્પેન્સ-મિસ્ટ્રી ફિલ્મ (નાટક કે વાર્તા)નું સિક્રેટ ક્યારેય જાહેર ન કરાય. ભલે ને એ પાંચ-છ દાયકા પહેલાંની ફિલ્મ હોય કે પછી ‘જઝબા’ જેવી કંગાળ ફિલ્મ હોય. સિક્રેટ રિવીલ ન કરવું અને બીજાની મજા ન બગાડવી એ એક બેઝિક કર્ટસી છે, શિષ્ટાચાર છે. તમે જોઈ નાખ્યું એટલે સેડિસ્ટ થઇને ફેસબુકના ઓટલે સસ્પેન્સના વટાણા વેરતા ફરો તો તમારા ચોક્કસ ભાગે લાલચોળ ડામ દેવાની ઇચ્છા થઈ આવે. અફસોસ, કે ઘણા નમૂનાઓ એ વાત નથી સમજતા. ક્યારેક રિવ્યૂઅરો પણ કોઈ મુદ્દો સમજાવવાની લાયમાં આડકતરી રીતે સ્પોઇલર આપી દે છે. આજથી બે વર્ષ પહેલાં મારાથી પણ એક ફિલ્મની વાત કહેતી વખતે અમુક જાણકારો માટે આડકતરી રીતે સ્પોઇલર રિવીલ થઈ ગયેલું (જેના માટે મેં મારી જાતને આજેય માફ નથી કરી). આજે ‘વઝીર’ વખતે પણ આવા જનાવરો છુટ્ટા ફરી રહ્યા છે. આવા લોકોને તો હિચકોક, અગાથા ક્રિસ્ટી, આર્થર કોનન ડોયલ વગેરેના આત્માઓએ સપનાંમાં આવી આવીને હેરાન કરી મૂકવા જોઇએ, એમને કબજિયાતોના સજ્જડ ડાટા લાગી જવા જોઇએ…

આવી જ બીજી એક પ્રજાતિ પણ છે. સસ્પેન્સ-મિસ્ટ્રી ફિલ્મ આવે એટલે ‘આપણને તો અડધી ફિલ્મે જ ખબર પડી ગઈ’તી કે આ જ સસ્પેન્સ છે’, ‘મેં તો સ્ટોરી વાંચીને જ કહી દીધેલું કે આણે જ ખૂન કર્યું હશે…’ આવી ફાંકા-ફોજદારી કરનારાઓ વરસાદી દેડકાંની જેમ ફૂટી નીકળે. એક્ચ્યુઅલી, એ મહાન દૂરદર્શી લોકો આ ફેસબુક વગેરે પર પોતાની ટેલેન્ટ વેડફી રહ્યા છે. ખરેખર તો એમણે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી થઈ જવું જોઇએ, જેથી આતંકવાદીઓ દેશમાં ઘૂસે એ પહેલાં જ એમને ખબર પડી જાય. સાલા ફાંકોડીઓ કમ સે કમ દેશને તો ખપમાં આવે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

થિયેટરમાં ફિલ્મ જોવાના પૈસા ચૂકવીએ છીએ કે જાહેરખબરો?

divya-bhaskarગ્રેટ! આ વાતની મેઇનસ્ટ્રીમ મીડિયામાં પ્રોમિનન્ટલી વાત થવી જ જોઇતી હતી. હમણાં પીવીઆરમાં અમે બાજીરાવ મસ્તાની જોવા ગયા ત્યારે ફિલ્મની શરૂઆત અને ઈન્ટરવલ પછી એ લોકોએ 40 મિનિટની એડ્સ બતાવી. (સ્ટાર વોર્સમાં 30 પ્લસ મિનિટની). ઈન્ટરવલની 12 મિનિટ તો અલગ. મારો મગજ ગયો અને હું ત્યાંના મેનેજર સાથે ઝઘડવા ગયો. વિરલ શાહ નામના એ મેનેજર એક તો જાણી જોઈને ખાસ્સી વારે આવ્યા, અને એ પછીયે મારો આક્રોશ સાંભળ્યા બાદ એમની પાસે કહેવા માટે માત્ર આટલું જ હતું, “સર, એ તો 26 મિનિટ એડ્સની અમારી કોર્પોરેટ પોલિસી છે, જે દિલ્હીથી નક્કી થાય. અમે એમાં કશું જ ના કરી શકીએ.”

મેં કહ્યું, વાહ ભાઈ! એક તો અમે મોર્નિંગ શૉના પણ 200-230₹ ચૂકવીએ, અને તમે અમારા મુવી એક્સપિરિયન્સની પત્તર ઠોકાઈ જાય, રસભંગ થાય, ઈન્ટરવલ પહેલાં શું જોયેલું એ ભૂલી જઈએ એટલી બધી એડ્સ બતાવીને બંને બાજુથી પૈસા ઉસેટો?! હજી આમાં તૂટેલી સીટો, કંગાળ પ્રોજેક્શન, ઓડિટોરિયમમાં ફરતાં બિલાડાં (હા, ખરેખર), પીવાનાં પાણીની અપૂરતી વ્યવસ્થા… એની તો વાત જ નથી કરતા (આપણે પાછા સહિષ્ણુ ભારે રહ્યા ને)! થોડા દિવસ પહેલાં પીવીઆરમાં જ ભયંકર એડ્સથી ત્રાસીને લોકોએ હુરિયો બોલાવેલો અને નછૂટકે એડ્સ સ્કિપ કરવી પડેલી. મેં પીવીઆરમાં લેખિત ફરિયાદ મોકલી, પણ એ બ્લેકહોલમાંથી કોઈ રિપ્લાય નથી. ગયા વર્ષે આપણા વરિષ્ઠ નાટ્યકાર/અદાકાર સંજયભાઈ ગોરડિયાએ પણ પીવીઆર જુહુ માટે ફેસબુકમાં ફરિયાદ લખેલી કે એમને કંઇક એક કલાક ઉપરની એડ્સ બતાવવામાં આવેલી.

એકચ્યુઅલી, ફિલ્મોને હજી આપણે ત્યાં લક્ઝરી મનોરંજન અને છાકટાવેડાનું માધ્યમ જ ગણવામાં આવે છે. આપણી બિઝનેસ માઈન્ડેડ મેન્ટાલિટીએ સિંગલ સ્ક્રીનનો તો ઘડો લાડવો કરી નાખ્યો, હવે મલ્ટિપ્લેક્સમાં પણ નાગાઈઓ શરુ થઇ ગઈ છે. એટલે સામાન્ય લોકોએ તો થિયેટરમાં ફિલ્મો જોવા જવાનું ભૂલી જ જવાનું ને? આવી બધી બાબતો માટે આપણે ત્યાં હજી ગ્રાહક સુરક્ષામાં જવાનું કે પીઆઈએલ કરવાનું કાદાચ શરુ થયું નથી, પણ મીડિયામાં આ રીતે ચર્ચાતું થાય તો પણ પ્રેશર ઊભું કરી શકાય. બ્રાવો, દિવ્ય ભાસ્કર!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

What to we watch when we watch movies at theatre?

છેલ્લાં ત્રણ વર્ષથી દર શુક્કરવારે જેટલી ફિલ્મો જોઈ છે એના કરતાં ક્યાંય વધારે નમૂનાઓને ઓબ્ઝર્વ કર્યા છે. પરંતુ આજે ‘હીરો’માં જે નમૂનો જોયો એ ખરેખર આઇટેમ નંબર વન હતો. મારી જ રૉમાં મારાથી ત્રણ સીટ છોડીને બેઠેલા એ કોલેજિયન પ્રાણીને પિચ્ચરમાં કંઇક પ્રચંડ કંટાળો આવી ગયો કે ગમે તે, પણ એ ચાલુ પિક્ચરે બાકાયદા પોતાના મોબાઇલમાં વીડિયો ચાલુ કરીને જોવા માંડ્યો! ફુલ વોલ્યુમ પર! બે મિનિટ તો મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો,કે WTF?! આ સાલો સાઇકો છે કે આનું ક્રેક છે પછી પાગલપનનો અટેક આવ્યો છે? માન્યું કે તમે મોબાઇલની ધાવણી ચૂસ્યા વગર રહી શકતા નથી, પણ એક ટકાની એટિકેટ નહીં? બે પૈસાની સેન્સ નહીં કે ક્યાં શું ઑપન કરાય અને ક્યાં શું બંધ રખાય! અલબત્ત, એ પ્રાણી એક હાકલનો જ ઘરાક હતો, એટલે મારી એક બૂમે જ શાંત થઈ ગયો, પણ વીડિયો બંધ કરીને મારી સામે એવી રીતે જોઈ રહ્યો જાણે મેં તો એને શુંયે મોટા હક્કથી વંચિત રાખી દીધો હોય! એના ચહેરા પરનાં એક્સપ્રેશન્સ એવાં હતાં, કે જાણે એ ICUમાં પડ્યો હોય અને મેં એના ચહેરા પરથી ઑક્સિજન માસ્ક ખેંચી લીધો હોય!

સો-બસ્સો રૂપયડીની ટિકિટો ખરીદીને લોકો જાણે આખું થિયેટર એમના પિતાશ્રીની જાયદાદ હોય એ રીતે બિનધાસ્ત ફોન પર ગેમો રમે, ચેટિંગ કરે, ફુલ અવાજે ધંધાના ફોનો કરે… અને આપણે તો સાલા એના બાપ-દાદાઓને ત્યાં ગુલામી લખાવીને આવ્યા હોઇએ એ રીતે સહન કર્યા કરવાનું! કહીએ તો હડકાયા કૂતરાની જેમ સામાં વડચકાં ભરે! સાલી એવી કેવી કમજાત પ્રજા થઈ ગઈ છે કે બે-ત્રણ કલાક મોઢું અને મોબાઇલ બંધ ન રાખી શકે? ખરેખર થિયેટરોમાં મોબાઇલ જામરો લગાડવા વિશે પણ કંઇક કરવું જોઇએ. કોઇપણ શૉમાં, કોઇપણ થિયેટરમાં જઇએ, ત્રણ કલાક ટૉર્ચર ચેમ્બર જેવું જ ફીલ થાય છે. આ જંગલી પ્રજાનાં મોઢાં બંધ કરાવવા માટે મલ્ટિપ્લેક્સના સ્ટાફનો એક પણ માણસ ક્યારેય શોધ્યો જડે નહીં, અને પકડવાની પેરવી કરીએ તો આપણી ફિલ્મ એ પકડદાવમાં જ જાય.

ઉપરથી આ વાહિયાત થિયેટરવાળાઓએ સિનેમા હૉલને રેસ્ટોરાંમાં ફેરવી નાખ્યા છે. નવાબ વાજિદ અલી શાહના વંશજોને સીટ પર અન્નકૂટ ધરવાની પરોણાગતમાં એ લોકોના માણસો સતત આપણી અને સ્ક્રીન વચ્ચે ભૂતની જેમ ભટક્યા કરે. અને લોકોય સાલા એવા તે કયા જનમના ભૂખ્યા થઇને આવે કે સીટ બેસતાંવેંત જાણે ન્યાતની પંગત બેસાડી હોય એમ બધું ગળચવા મંડી પડે. પિક્ચર અને બીજા લોકો જાય ચૂલાની ખાડમાં.

ઇવન નાટક જેવા ફ્રેજાઇલ મીડિયમમાં પણ લોકો પોતાનાં ધાવણાં છોકરાંને લઇને આવે અને છોકરાંવ બિચારાં સ્વાભાવિક રીતે જ ભેંકડો તાણ્યા વિના ન રહે. તોય સાલાં નીંભર-નકટાં મા-બાપોનાં પેટનું પાણી ન હલે. ચાર ગાળો ખાય પછી જ એમનું છોકરું આપણા લીધે રડ્યું હોય એવો તોબરો ચડાવીને બહાર નીકળે.
***
આજે નેશનલ કન્ઝ્યુમર કોર્ટે આદેશ કર્યો છે કે થિયેટરવાળા લોકોને ઑવરપ્રાઇસ્ડ બૉટલ્ડ વૉટર ખરીદવાની ફરજ પાડી શકશે નહીં. એમણે ફરજિયાતપણે લોકોને ફ્રી પીવાનું પાણી પૂરું પાડવું પડશે. નહીંતર તે એમની સર્વિસમાં ઊણપ તરીકે નોંધાશે. અમદાવાદમાં પીવીઆર અને સિનેપોલીસ પીવાનું ઠંડું પાણી ફ્રી આપે છે (એય કેટલું ચોખ્ખું હશે એ તો ઈશ્વર જાણે). જોઇએ હવે, આ આદેશનો કેવોક અમલ થાય છે. ફ્રી પાણીની વાત છોડો, મલ્ટિપ્લેક્સોમાં આપણી પાણીની બૉટલ લઈ જવા દે છે એય એ લોકોની કૃપા ઓછી છે?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.