દમ લગા કે હૈશા

શુદ્ધ દેસી રોમાન્સ

***

એકદમ ફ્રેશ રાઇટિંગ, પાવરફુલ પરફોર્મન્સ અને જેન્યુઇન કોમેડીના પાયા પર ઊભી રહેલી આ નાનકડી મીઠડી ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી.

***

dlkh1આપણી ફિલ્મોની વર્ષોથી ફિલોસોફી રહી છે કે હીરો ભલે દસમી ફેલ હોય, પણ હિરોઇન તો એને જુહી ચાવલા જેવી જ જોઇએ. પરંતુ એવું ન થાય તો? ખરેખરા દસમી ફેલ હીરોને એક્સ્ટ્રા લાર્જ  સાઇઝની યુવતી સાથે લગ્ન કરવાનો વારો આવે તો? તો જનાબ, સર્જાય ‘ભેજાફ્રાય’ જેવી અફલાતૂન કોમેડી લખી ચૂકેલા ડિરેક્ટર શરત કટારિયાની ફિલ્મ ‘દમ લગા કે હૈશા’. લગભગ શરૂઆતથી જ હવે આગળ શું થવાનું છે એની ખબર હોવા છતાં આ ફિલ્મના એકેએક સીન પર લાગેલો ‘ઑથેન્ટિક’નો સિક્કો તેને એન્જોયેબલ બનાવે છે. અને હા, ફિલ્મનું ‘વજનદાર’ સરપ્રાઇઝ એલિમેન્ટ છે, તેની નવોદિત અભિનેત્રી ભૂમિ પેડનેકર.

લવ, એક્સ્ટ્રા લાર્જ

વાત છે ૧૯૯૫ની. હરિદ્વારમાં ગંગામૈયાને કિનારે રહે છે પ્રેમ પ્રકાશ તિવારી (આયુષ્માન ખુરાના). એમણે ભણવામાં તો કોઈ રેકોર્ડ બનાવ્યા નથી, એટલે પપ્પા (સંજય મિશ્રા)ની ઑડિયો-વીડિયો કેસેટની દુકાને બેસીને કેસેટમાં ગીતો રેકોર્ડ કર્યા કરે છે. બાપાને થયું કે કમાતી ધમાતી છોકરી સાથે આને પરણાવી દઇએ તો છોકરો ઠેકાણે પડી જાય અને ઘરમાં પણ બે પૈસા આવે. એટલે મહાપરાણે અરેન્જ્ડ મેરેજ ગોઠવાય છે સંધ્યા વર્મા (સુપર્બ નવોદિત ભૂમિ પેડનેકર) સાથે. લોચો એક જ છે, સંધ્યા થોડી વધારે પડતી હેલ્ધી છે અને આપણા હીરોને દીઠી ગમતી નથી. એટલે બંને વચ્ચે સતત તડાફડી બોલ્યા કરે છે. પણ હા, બીએડ થયેલી સંધ્યા છે એકદમ શાર્પ. જરાય ખોટું સહન ન કરી લે તેવી. શું ગંગામૈયા આ બંનેના પ્રેમની વૈતરણી પાર કરાવશે?
પ્રેમનું ટાઇમટ્રાવેલ

પરાણે લગ્ન થાય અને એ પછી પ્રેમ થાય એવી ‘હમ દિલ દે ચૂકે સનમ’થી લઇને (આ જ યશરાજ બેનરની) ‘રબને બનાદી જોડી’ જેવી ફિલ્મોની જ લાઇનમાં આ ‘દમ લગા કે હૈશા’ આવે છે. પરંતુ અહીં નવું, નોખું ને નવતર છે ફિલ્મના દરેક સીનમાંથી ટપકતી ઑનેસ્ટી. આપણે ત્યાં ભાગ્યે જ કોઈ ફિલ્મ હરિદ્વારમાં શૂટ થઈ છે. હરિદ્વાર, ઋષિકેશનાં એકદમ ઓરિજિનલ અને જરાય ગ્લેમરસ ન લાગે એવાં લોકેશન. જ્યાં સતત પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર વાતાવરણ વહેતું હોય, ત્યાં ફિલ્મના ડિરેક્ટરે એક હળવીફુલ લવસ્ટોરી બનાવીને બતાવી છે. એમ તો આ ફિલ્મની જેમ સામુહિક વિવાહ પણ ભાગ્યે જ આપણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

બીજી મજાની વાત એ છે કે આ આખી ફિલ્મ ૧૯૯૫ના વર્ષમાં આકાર લે છે. સીડી-ડીવીડી, ઇન્ટરનેટ, મોબાઇલ ફોનના આગમન પહેલાંનો એ યુગ. કૅબલ ટીવી નવું નવું આવેલું એ યુગ. અને ફિલ્મોમાં કુમાર સાનુ-અલકા યાજ્ઞિક-સાધના સરગમના અવાજ ગૂંજતા હતા એ યુગ. એ સમયગાળાને ગજબની કુનેહથી ડિરેક્ટર શરત કટારિયાએ સજીવન કરી બતાવ્યો છે. બૅકગ્રાઉન્ડમાં ક્યાંક ‘મિલે સૂર મેરા તુમ્હારા’ વાગતું હોય, ઝી ટીવીમાં સંજીવ કપૂર ‘ખાના ખજાના’ ખોલીને બેઠા હોય, એસટીડીના પૈસા ન બગડે એટલા માટે દીકરીઓને પહોંચી ગયાના સમાચાર તરીકે લૅન્ડલાઇન ફોનમાં એક અને બે રિંગના મિસ્ડ કૉલ મારવાનું કહેતા હોય, રૂમને હરિસન તાળા મારવાના ટોણા મરાતા હોય, સમાચારમાં પ્રધાનમંત્રી પી.વી. નરસિંહ રાવનો ઉલ્લેખ આવતો હોય અને મનપસંદ ગીતો સાંભળવા માટે ઑડિયો કેસેટવાળાને લિસ્ટ આપવું પડતું હોય, કેસેટોની વચ્ચે ‘કોમ્પેક્ટ ડિસ્ક’ (સીડી)નો પ્રવેશ થતો હોય અને એની કિંમત પણ લાખોમાં બોલાતી હોય… નેવુંના દાયકામાં મોટા થયેલા લોકો તો આ ફિલ્મ જોઇને ભાવુક થઈ ઊઠવાના.

એકદમ ઝક્કાસ વાત છે આ ફિલ્મની હિરોઇન. આમ તો તે હીરોની નહીં, બલકે કોઇનીયે ‘ડ્રીમગર્લ’ ન હોય એવી ઓવરસાઇઝ છોકરી છે. એવી છોકરી, જે નાનપણથી પોતાના માટે ‘જાડી’, ‘મોટી ભૈંસ’ જેવાં વિશેષણો સાંભળીને મોટી થઈ હોય. પરંતુ હૈયે ટાઢક વળે એવી વાત એ છે કે આ હિરોઇન પોતાના સ્થુળ કદ માટે જરાય ભોંઠપ અનુભવતી નથી. પરાણે પાતળી થવાના વ્યર્થ પ્રયત્નો કરતી નથી. સીધી વાત છે, હું જેવી છું એવી સ્વીકારો. એ ભણેલી ગણેલી છે, સ્વાભિમાની છે, ખોટું જરાય સાંખી લેતી નથી અને એક તબક્કે પોતાને અપમાનિત કરનારા પોતાના પતિનેય સૌની સામે લાફો મારી દેતાં અચકાતી નથી. એને ખબર છે કે પતિ પોતાને પસંદ નથી કરતો, તેમ છતાં એ લગ્નની ગાડી પાટે ચડાવવાના પ્રામાણિક પ્રયાસો કર્યે રાખે છે. સાસરિયાં એને ટોણા માર્યે રાખતાં હોવા છતાં, એ ટીવીમાંથી રેસિપી જોઇને સૌને બનાવીને ખવડાવવાના પ્રયત્ન પણ કરતી રહે છે. આ બધા જ શૅડ્સ નવોદિત અભિનેત્રી ભૂમિ પેડનેકરે ગજબનાક આત્મવિશ્વાસથી અને પૂરી પ્રામાણિકતાથી ભજવી જાણ્યા છે. ભારતીય સિનેમાને આવી-પોતાના શરીરથી, ગ્લેમરથી નહીં-બલકે પોતાની ટેલેન્ટથી આગળ આવતી અભિનેત્રીઓની જરૂર છે.

એકના એક દીકરાને ‘લપ્પુ’ કહીને એના જીવનનો એકેય નિર્ણય પોતાની મેળે ન કરવા દેતા પિતા (સંજય મિશ્રા) અને એમના અંગૂઠા નીચે દબાયેલા દીકરા (આયુષ્માન) વચ્ચેની તડાફડીના લગભગ બધા જ સીન અફલાતૂન બન્યા છે. ફિલ્મ જોયા પછી યાદ રહી જાય એવાં દૃશ્યોમાં ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની-સસરા વચ્ચે મચતી તડાફડી, પતિ અને પત્ની વચ્ચે માત્ર ટેપની કેસેટ બદલીને અલગ અલગ ગીતો વગાડીને થતી તકરાર, ઠાલી રાષ્ટ્રભાવનાનાં ઇન્જેક્શન આપતી ‘શાખા’ પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.

સંજય મિશ્રા તો વિરાટ કોહલીની જેમ દર વખતે સુપર્બ હિટિંગ કરે જ છે, પરંતુ અહીં આયુષ્માન ખુરાનાને પણ દાદ દેવી પડે. કેમ કે, અગાઉ ‘દિલ્લી કા લૌંડા’ના ટિપિકલ રોલ કરતાં કરતાં હમણાં જ એણે મરાઠી માણુસ (‘હવાઈઝાદા’) અને હવે યુ.પી.ના ભૈયાનું પાત્ર ગજબનું આત્મસાત્ કર્યું છે. ઈવન હીરો-હિરોઇનનાં પરિવારજનોનાં પાત્રોમાં પણ ખરેખરી જીવંતતા દેખાય છે.

ઉપરથી અનુ મલિકનું સૂધિંગ અને નેવુંના દાયકાનાં ગીતોની યાદ અપાવે તેવું સંગીત. ખાસ કરીને કુમાર સાનુ અને સાધના સરગમે ગાયેલું ‘દર્દ કરારા’ ગીત તો સીધું જ ટાઇમટ્રાવેલ કરાવીને વીસ વર્ષ પાછળ લઈ જાય છે. પણ હા, આ ગીત સાંભળવા માટે તમારે છેક સુધી બેસવું પડશે. કમાલની વાત એ છે કે જ્યાં ધાર્મિકતા બે કાંઠે વહેતી હોય, તે લક્ષ્મણ ઝૂલાના પુલ પર આ ડિરેક્ટરે લવ સોંગ શૂટ કર્યું છે.

મોટો લોચો માત્ર એક જ છે કે આ ફિલ્મની સ્ટોરી એકદમ પ્રીડિક્ટેબલ અને અત્યંત ટૂંકી છે. સાવ બે કલાકની અંદર ખાસ કશા મોટા વળાંકો સાથે પૂરી થઈ જતી ફિલ્મમાં ઈમોશનલ લેવલે પૂરતી ડેપ્થ નથી આપતી. હા, એટલું ખરું કે તેની એકદમ ક્રિસ્પ લંબાઈને કારણે તે જરાય કંટાળો આપતી નથી અને સતત કોમેડીની પિચકારીઓ છોડ્યા કરે છે.

કમ ફૉલ ઇન લવ

આ ફિલ્મ બેશક ફેમિલી સાથે થિયેટરમાં જોવા જેવી છે. આ ફિલ્મનો હીરો સિક્સ પૅક એબ્સવાળો નથી, કે હિરોઇન તો જરાય ઝીરો ફિગરવાળી નથી. અહીં બિકિનીમાં વિદેશી કન્યાઓ નાચતી નથી અને એકેય પાર્ટી સોંગ નથી. પરંતુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ દમદાર છે, પરફોર્મન્સ જાનદાર છે અને મ્યુઝિક ‘કાનદાર’ છે. તાજી હવાની લહેરખી જેવી આ ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી. પ્રેમ કોઈ ‘સાઇઝ’નો મોહતાજ નથી અને સ્ત્રી સન્માનનો મસ્ત મેસેજ પણ આ ફિલ્મ આપે છે. પામી શકો તો નફો તમારો જ છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હવાઈઝાદા

ઈશકઝાદા

***

જો સંજય લીલા ભણસાલીના ‘સાંવરિયા’એ પ્રેમ કરવા સિવાયનો ટાઇમપાસ કરવા માટે પ્લેન બનાવ્યું હોત તો એ આ ‘હવાઈઝાદા’ કરતાં જરાય જુદો ન હોત.

***

hawaizaadai_film_posterબાયોપિક બનાવવી એ વાઘની સવારી કરવા જેવું અઘરું કામ છે. એક તો જે હસ્તી પર ફિલ્મ બનાવી રહ્યા છે તેની આભાને નુકસાન ન પહોંચે તે ધ્યાન રાખવાનું અને સાથોસાથ એ વ્યક્તિની પ્રતિભા યથાતથ લોકો સુધી પહોંચે એ પણ જોવાનું. એમાંય જો ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મમાં બાયોપિકનું સળગતું લાકડું પકડીએ અને ઉપરથી આપણે અગાઉ સંજય લીલા ભણસાલી જેવા દિગ્દર્શકના આસિસ્ટન્ટ રહી ચૂક્યા હોઇએ ત્યારે તો ખેલ ઓર ખતરનાક બની જાય છે. આ ડિરેક્ટર એટલે વિભુ વિરેન્દર પુરી, જે આ શુક્રવારે આપણા માટે લઇને આવ્યા છે ‘હવાઈઝાદા’. હવાઈઝાદા બાયોપિક છે શિવકર બાપુજી તળપદેનું, જેમણે ઈ.સ. ૧૮૯૫માં વિશ્વમાં પહેલું વિમાન બનાવીને ઉડાડ્યું હોવાનું કહેવાય છે. એટલે કે અમેરિકાના રાઇટ બ્રધર્સે પહેલું વિમાન ઉડાડ્યાનાં પણ આઠ વર્ષ પહેલાં. આ હકીકતની કેટલીયે કડીઓ ખૂટે છે, પરંતુ વિભુ પુરીએ તેમાં ભારતીયોને માફક આવે એવી કલ્પનાના રંગો પૂરીને વાર્તા રજૂ કરી છે. વાંધો અહીંથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની એટલી બધી સ્ટ્રોંગ છાપ વર્તાય છે કે જાણે એમનો ‘સાંવરિયો’ પ્રેમમાં પડીને સાઇડમાં પ્લેન બનાવવા નીકળ્યો હોય એવું લાગે છે.

પ્રેમનો રનવે અને કલ્પનાની ઉડાન

વાત છે ઈ.સ. ૧૮૯૫ના અરસાના મુંબઈની. શિવકર બાપુજી તળપદે (આયુષ્માન ખુરાના) નામનો જુવાનિયો આમ બુદ્ધિશાળી. શાસ્ત્રોનું વાંચન પણ ખરું, પરંતુ દુન્યવી બાબતોમાં ઝાઝો રસ ન પડે. એટલે જ ચોથા ધોરણમાં આઠવાર દાંડી ડૂલ થયેલી. એની આવી હરકતોથી ઘરના લોકો પરેશાન. ઉપરથી એ એક નાચનારી યુવતી સિતારા (પલ્લવી શારદા)ના પ્રેમમાં પડી ગયો. એટલે બાપાએ કર્યો ઘરમાંથી તડીપાર. ત્યાં પંડિત સુબ્બાઆર્ય શાસ્ત્રી (મિથુન ચક્રવર્તી) નામના સનકી આધેડને લાગ્યું કે આ છોકરો તો હીરો છે. એટલે એમણે આ શિવકરને પોતાના ખૂફિયા પ્રોજેક્ટમાં જોતરી દીધો. એ ખૂફિયા પ્રોજેક્ટ એટલે માણસને લઈને આભને આંબે એવું વિમાન બનાવવું. એક તો પૈસાના અભાવે આ તરંગી વિચારને સાકાર બનાવવાનું પ્રેશર. ઉપરથી એક ભારતીય થઇને આવું પરાક્રમ કરી જાય તો અંગ્રેજ સરકારની પણ ખફગી વહોરવી. તો આ વિમાન બનાવવું તો કઈ રીતે?

વિમાનની વાર્તામાં લવસ્ટોરીનું હાઇજૅક

કોઈ ભારતીય કશુંક નક્કર કામ કરી ગયો હોય અને આજે એનું પ્રદાન કાળની ગર્તામાં ધરબાઈ ગયું હોય એવા અઢળક દાખલા છે. પરંતુ સમયની એ ધૂળ ખંખેરીને એ વિભૂતિનું પ્રદાન આપણી સામે લાવે તેવી ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ (દાદાસાહેબ ફાળકે) અને  ‘રંગરસિયા’ (રાજા રવિ વર્મા) જેવી ફિલ્મો બને તો આપણે દસેય આંગળીએ ટચાકા ફોડીને તેનાં ઓવારણાં લઇએ. પરંતુ વિભુ પુરીની આ પિરિયડ ડ્રામા ફિલ્મ ‘હવાઈઝાદા’માં એક શોધકના ઝનૂનને બદલે એક આશિકની દીવાનગી વધારે દેખાય છે. અઢી કલાક ઉપરની આ ફિલ્મમાં ખાસ્સો એવો સમય લવ સ્ટોરી ખાઈ જાય છે. શોધક પ્રેમમાં પડે તેમાં આપણને જરાય વાંધો ન હોય, પરંતુ જ્યારે એ પ્રેમકહાણી ફિલ્મની મૂળ વાર્તા પર ગ્રહણ લગાડવા માંડે ત્યારે કાન ખેંચવો પડે.

વળી, સવાસો વર્ષ પહેલાંના સમયની વાર્તાને અનુરૂપ સેટ ઊભા કરવા પડે એ પણ સમજી શકાય. પરંતુ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના શિષ્ય રહી ચૂક્યા હોય એટલે એમની ફિલ્મોમાં હોય છે એવા જ સેટ બને એ કેવું?. એટલું જ નહીં, જાણે એ સેટ બતાવવા માટે ફિલ્મ બનાવી હોય એ હદે સેટ ફિલ્મ પર હાવી થઈ જાય એવું લાગવા માંડે. ઇન ફેક્ટ, દિલફેંક આશિક જેવો હીરો નાટકોમાં કામ કરતી એક અદાકારાની આગળ-પાછળ ગરબા ગાયા કરે એવી જ ‘સાંવરિયા’ ફિલ્મ જેવી ટ્રીટમેન્ટનું અહીં શબ્દશઃ રિપીટેશન થયું છે (ઇવન ફિલ્મનું પોસ્ટર પણ ‘સાંવરિયા’ની જ યાદ અપાવે છે). તેની સાથે દર થોડી વારે આવતાં ગીતો આ ફિલ્મને કોઈ પેશનેટ શોધકની નહીં, બલકે આશિકની વાર્તા કહેતા હોય એવી બનાવી દે છે.

saawariya-year-2007-director-sanjay-leela-bhansali-sonam-kapoor-ranbir-bdpde1ભણસાલીનો પ્રભાવ આ ફિલ્મ પર એટલો બધો વર્તાય છે કે ફિલ્મના ડાયલોગ પણ એમની યાદ અપાવે છે. જેમ કે, ‘હવાઈઝાદા’માં એક સંવાદ છે, ‘પ્યાર મેં હિસાબ બરાબર નહીં હોતા… પ્યાર મેં તો હિસાબ હી નહીં હોતા.’ આની સામે ભણસાલીની ‘દેવદાસ’માં એક સંવાદ છે, ‘તવાયફોં કે નસીબ મેં શૌહર નહીં હોતે… તવાયફોં કે તો નસીબ હી નહીં હોતે, ઠકુરાયન!’

ફિલ્મમાં આયુષ્માન અને મિથુનનાં પાત્રો વિમાન બનાવવા માટે એકદમ ઝનૂની છે, પરંતુ ફિલ્મ ક્યારેય એ લોકો વિમાન કેવી રીતે બનાવે છે તેની ટેક્નિકમાં ઊતરતી જ નથી. બસ, બંને જણા સતત મુગ્ધ બનીને વિમાનનાં મોડલોની સામે જોઈ રહે છે. ડિરેક્ટર પ્રેમના ડિટેલિંગમાં જેટલા પડ્યા, એટલા પ્લેનના ડિટેલિંગમાં નથી પડ્યા. શિવકર તળપદે વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે એ તો સમજ્યા, પરંતુ આ ફિલ્મમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને લોકમાન્ય ટિળક જેવા મહાનુભાવો પણ આવે છે. એટલે ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ તારવવાનું લગભગ અશક્ય બની જાય છે.

ક્રૂ મેમ્બર્સ

એટલું તો માનવું પડે કે દિગ્દર્શક વિભુ પુરીએ ફિલ્મ પાછળ ખાસ્સી મહેનત કરી છે. એટલી જ મહેનત આયુષ્માન ખુરાનાની એક્ટિંગમાં દેખાય છે. અત્યાર સુધી દિલ્હીના પંજાબી યુવકની ભૂમિકામાંથી એણે મરાઠી યુવકમાં આબેહૂબ પરકાયા પ્રવેશ કર્યો છે. મિથુન ચક્રવર્તી એમના સનકી શોધકના પાત્રમાં બિલિવેબલ લાગે છે, માત્ર એમની ગંદી વિગ સિવાય. બોરિંગ હિરોઇન પલ્લવી શારદા સાથેની ઢીલી અને કંટાળાજનક લવસ્ટોરીને સ્પેસ આપવામાં જયંત કૃપલાણી, બ્રિજેન્દ્ર કાલા, લિલેટ દુબે, મેહુલ કજારિયા વગેરેને તદ્દન ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. હા, ‘બોમ્બે ટૉકિઝ’ અને ‘ચિલ્લર પાર્ટી’ ફેમ ટેણિયો નમન જૈન અહીં પણ કોઈ મંજાયેલા અભિનેતા જેવી એક્ટિંગ કરી ગયો છે.

આ ફિલ્મનું સ્ટોરી પર હાવી થઈ ગયેલું સંગીત ભલે આખી ફિલ્મને કોઈ બ્રોડવેના મ્યુઝિકલની ફીલ આપી દેતું હોય, પરંતુ અત્યારનાં બીબાંઢાળ ઘોંઘાટિયાં ગીતોની સરખામણીએ ખાસ્સું ફ્રેશ અને કાનને ગમે તેવું છે.

બૉર્ડિંગ પાસ મંગતા?

જો તમને સંજય લીલા ભણસાલી જે પ્રકારની ફિલ્મો બનાવે છે તે ગમતી હોય, આયુષ્માન ખુરાનાના ગાલનાં ડિમ્પલ પર તમે ફિદા હો અને અબોવ ઑલ એક વીસરાઇ ગયેલા ભારતીયનું પરાક્રમ તાજું કરવાની ઇચ્છા હોય, તો થિયેટર સુધી ધક્કો ખાઈ શકાય. બાકી આ ફિલ્મ રનવે પરથી ટેક ઑફ્ફ કરીને ઝાઝી ઊંચે જઈ શકી નથી એ હકીકત છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બેવકૂફિયાં

મંદીના માહોલમાં મહોબ્બત

***

હબીબ ફૈઝલની કલમમાંથી નીકળેલી આ એવરેજ ફિલ્મમાંથી યંગસ્ટર્સ બચતનો મેસેજ લે તો પણ ઘણું છે!

***

bewakoofiyaan2જ્યારે ‘દો દૂની ચાર’ અને ‘ઇશકઝાદે’ના લેખક-દિગ્દર્શક અને ‘બેન્ડ બાજા બારાત’ જેવી ફિલ્મોના લેખક જનાબ હબીબ ફૈઝલ ફરી પાછી કલમ ઉપાડે ત્યારે એમની પાસેથી કશુંક નવું, તરોતાજા અને હૃષિકેશ મુખરજી ટાઇપની કૃતિ મળવાની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. પરંતુ હબીબે લખેલી તથા નુપૂર અસ્થાનાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘બેવકૂફિયાં’ આપણી અપેક્ષાઓમાં ઊણી ઊતરે છે.

ઇશ્ક-વિશ્કનું ક્રેશલેન્ડિંગ

મોહિત ચઢ્ઢા (આયુષ્માન ખુરાના) અને માયરા સેહગલ (સોનમ કપૂર) અત્યારનું ટિપિકલ વર્કિંગ કપલ છે. મોહિત એક એરલાઇન્સમાં સિનિયર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે અને એનો પગાર 65 હજાર રૂપિયા છે. જ્યારે માયરા એક બેન્કમાં છે, જેનો પગાર 72 હજાર રૂપિયા છે. આવતીકાલની ચિંતા કર્યા વિના બંને બે હાથે કમાય છે અને ચાર હાથે ખર્ચે છે.

પરંતુ કહાનીમાં એકસાથે બે પ્રોબ્લેમ્સ આવે છે. પ્રોબ્લેમ નંબર વન, માયરાના સૂકા નાળિયેર જેવા કડક પપ્પા મિસ્ટર કે. એસ. સેહગલ (ઋષિ કપૂર). એકદમ ઇમાનદાર એવા સેહગલ સાહેબ દિલ્હીના સચિવાલયમાં રિટાયર થવા જઇ રહેલા આઇએએસ ઓફિસર છે. એમની પાસે એમની દીકરી કા હાથ માગવાની જવાબદારી જ્યારે મોહિત એટલે કે આયુષ્માનના શિરે આવે છે, ત્યારે એની ઇમ્પ્રેશન એકદમ ટાંય ટાંય ફિસ્સ થઇ જાય છે. પરંતુ દીકરી માયરા એ મોહિતને પરણવા માટે મક્કમ છે. એટલે છોકરાને અલગ અલગ પેરામીટર્સથી પરખવા માટે સેહગલ સાહેબ મોહિતને છ મહિનાના પ્રોબેશન પર રાખે છે અને એના છોતરાં કાઢી નાખે છે.

પ્રોબ્લેમ નંબર ટુ, વિશ્વવ્યાપી રિસેશનને પગલે મોહિતની એરલાઇન કંપની ધબાય નમઃ થાય છે અને તે મોહિત સહિત જથ્થાબંધ કર્મચારીઓને છૂટા કરે છે. બેકાર થયેલો મોહિત બેફામ ખર્ચાઓને કારણે થોડા જ દિવસમાં દેવાળિયો પણ થઇ જાય છે.

એક તરફ પપ્પાજીને મનાવવાનું પ્રેશર અને બીજી બાજુ નવી નોકરી શોધવાનું પ્રેશર, આ બંને પ્રેશરમાં કૂકરમાં મૂકેલા ભાતની જેમ બફાઇ રહેલો મોહિત ફ્રસ્ટ્રેટ થઇને માયરા યાને કે સોનમ સાથે પણ બ્રેકઅપ કરી બેસે છે. હવે બંનેના પ્રેમનું પ્લેન ફરી પાછું ટેઇક ઓફ કઇ રીતે થાય છે એ જોવાનું રહે છે.

પપ્પા, પૈસા અને પ્યાર

હબીબ ફૈઝલ અત્યારના સમયના અત્યંત ટેલેન્ટેડ રાઇટર છે. પરંતુ એ પણ જ્યારે હોલિવૂડની ફિલ્મોથી ‘ઇન્સ્પાયર’ થઇને ફિલ્મ લખે ત્યારે આપણને અકળામણ થાય. આ ફિલ્મ ‘બેવકૂફિયાં’ હોલિવૂડમાં 2000ના વર્ષમાં આવેલી રોબર્ટ ડી નિરો-બેન સ્ટિલર સ્ટારર ‘મીટ ધ પેરેન્ટ્સ’નું ભારતીય વર્ઝન હોય એવું દેખાઇ આવે છે. વળી, આખી ફિલ્મમાં ક્યાંય તમે હસી હસીને બેવડ વળી જાઓ એવી એક પણ સિચ્યુએશન નથી. એવું કહી શકાય કે આ ફિલ્મ એક ટાઇમપાસ રોમકોમ છે. હા, એટલું કહેવું પડે કે આપણે ત્યાં કિંગફિશર એરલાઇન્સ પાણીમાં બેસી ગઇ અને એના પાપે બેકાર થયેલા યુવાનોને પાત્ર તરીકે લઇને બનેલી આ પહેલી ફિલ્મ છે.

માંડ બે કલાકની હોવા છતાં આ ફિલ્મ એનાં અત્યંત કંગાળ ગીતોને કારણે લાંબી લાગે છે. અને હિરોઇનના પપ્પાને કન્વિન્સ કરવાનો ટ્રેક આપણે છેક દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેના જમાનાથી જોતા આવ્યા છીએ. અહીં એમાં નવા એન્ગલ તરીકે પૈસાની એન્ટ્રી થઇ છે, અને એ જ ફિલ્મનો સૌથી સ્ટ્રોંગ પોઇન્ટ છે. એક જમાનામાં સરકારી નોકરીઓમાં આખી જિંદગી કાઢી નાખતા પપ્પાઓએ રિટાયર્મેન્ટ વખતે પણ જેટલો પગાર ન મેળવ્યો હોય, એટલો પગાર બે-પાંચ વર્ષમાં જ મેળવવા લાગેલાં જુવાનિયાંવને પૈસા અને બચતની કદર હોતી નથી. પાર્ટીઓ, બેફામ શોપિંગ, હોલિડેઝ, ગાડીઓ, મોંઘા મોબાઇલ્સ વગેરેમાં આખો સેલરી ક્યાં ઊડી જાય છે એનો એમને ખ્યાલ જ આવતો નથી. હાયર એન્ડ ફાયરના આ જમાનામાં જો યોગ્ય બચત ન કરી હોય તો ગમે તેટલા ગાઢ પ્રેમની વચ્ચે પણ પૈસાની કાંટાળી દીવાલ ઊભી થઇ શકે છે. ક્રેડિટ કાર્ડ ઘસાવવાથી વસ્તુ મળે, પ્રેમ નહીં. બીજું, આ ફિલ્મમાં ઋષિ કપૂર રિટાયર થયા પછી પણ નવરા બેસી રહેવાને બદલે બાકાયદા ઇન્ટરવ્યૂ આપીને એક કંપનીમાં જોબ સ્વીકારે છે. એટલું જ નહીં, એ કમ્પ્યુટર પણ શીખે છે. આ બંને મેસેજ જો અનુક્રમે અત્યારના યંગસ્ટર્સ અને રિટાયર્ડ જનો આ ફિલ્મમાંથી લે તો ફિલ્મ નબળી હોવાના બધા ગુના માફ કરી શકાય.

યંગ એક્ઝિક્યુટિવ અને અર્બન પ્રેમી તરીકે આયુષ્માનની એક્ટિંગ એકદમ પરફેક્ટ છે, પરંતુ સતત બે-ત્રણ દિવસની વધેલી દાઢીવાળા એક્ઝિક્યુટિવને કોઇ કશું કહે નહીં? ઋષિ કપૂરને જોઇને પણ આપણને લાગે કે હા હોં, આ ભાઇ કોઇ આઇએએસ ઓફિસર જેવા લાગે તો છે! જ્યારે સોનમે તો પોતાનો ‘આઇશા’ ફિલ્મવાળો રોલ જ રિપીટ કર્યો હોય એવું લાગે છે. બધી વાતમાં ‘વિથ માય હમ્બલ ઓપિનિયન’થી જ વાત શરૂ કરતા સેક્રેટરીના નાનકડા રોલમાં કોમેડિયન ગુરપાલ પણ જામે છે. એ અદભુત કલાકારને કેમ ઝાઝા રોલ નહીં મળતા હોય?

પ્રીડિક્ટેબલ સ્ટોરી, મોટા ટ્વિસ્ટ્સનો અભાવ અને નબળાં ગીતો આ ફિલ્મને એવરેજ લેવલથી ઊંચી આવવાં જ નથી દેતાં. એક માત્ર ‘જેબોં મેં ભરે ગુલછર્રે’ ગીત ઠીકઠાક છે.

જોવાની બેવકૂફિયાં, કરવા જેવી ખરી?

જો તમે ગયા અઠવાડિયે ક્વીન જોઇ લીધી હોય, અને આ અઠવાડિયે ફરી પાછી ફિલ્મ જોવાની ઇચ્છાઓ સળવળી રહી હોય, તો બેવકૂફિયાં ટ્રાય કરી શકાય. લેકિન, કોઇ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના (જેથી પાછળથી પસ્તાવો ન થાય!).

રેટિંગઃ ** ½ (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.