Ice Age: Collision Course

  • 481-film-page-largeછેક ૨૦૦૨માં શરૂ થયેલી ‘આઇસ એજ’ ફ્રેન્ચાઇઝ ફાઇનલી હવે ‘આઇસ એજઃ કલિઝન કોર્સ’થી (હોપફુલી) પૂરી થઈ રહી છે. જો એવું ન હોય અને મૅકર્સ ‘કિસ યૉર આઇસ ગુડબાય’ની ટૅગલાઇન સાથે આવેલી આ ફિલ્મની વધુ એક આવૃત્તિ લાવવાનું સિક્રેટલી વિચારી રહ્યા હોય તો એમને બે હાથ જોડીને કહેવું પડે કે ભઈ હવે બસ કરજો. હવે આ આઇસ એજનો બરફ પીગળવા માંડ્યો છે અને એમાં રહેલી મજાનું બાષ્પીભવન થવા માંડ્યું છે. તેનું એક્ઝેક્ટ ઉદાહરણ એટલે આ નવી ફિલ્મ.
  • આ ફિલ્મ ફ્રન્ચાઇઝનાં મુખ્ય પાત્રો યથાતથ જાળવી રાખવામાં આવ્યાં છે. જેમ કે, ટોળાંનો મુખ્ય મૅમથ હાથી ‘મૅની’, બે લાંબા દાંતવાળો વાઘના પૂર્વજ જેવો સ્મેઇલડૉન ‘ડિએગો’, એકદમ ગૂફી એવો ‘સિદ’ સ્લોથ, સતત અકૉર્ન મેળવવાની મથામણમાં પડ્યો રહેતો સ્ક્રેટ ખિસકોલી વગેરે. આ વખતે આમાં નવાં મેમ્બર્સ પણ ઉમેરાયાં છે.
  • આઇસ એજનો સૌથી મોટો USP એની ફેમિલી વેલ્યૂઝ, ફ્રેન્ડશિપ અને એના પ્રિહિસ્ટોરિક સેટિંગમાંથી પેદા થતી કોમેડી છે. સાથોસાથ સ્ક્રેટની પોતાનું એકૉર્ન પાછું મેળવવાની મથામણની ટોમ એન્ડ જેરી ટાઇપની કોમેડી. એ બધા રાબેતા મુજબના જ કીમિયા અહીં અજમાવવામાં આવ્યા છે. એટલે હવે આ ફ્રેન્ચાઇઝમાં એઝ સચ કશું જ નવું લાગતું નથી. કોઈ જૂની ફિલ્મના જ વધેલા ફૂટેજ જોઈ રહ્યા હોઇએ એવું ફીલ થાય છે.
  • અલબત્ત, મૅમથના ફેમિલીની, પપ્પા મૅનીની એની યુવાન દીકરી અને એણે પસંદ કરેલા યંગ જીવનસાથી સાથે એડજસ્ટ થવાની સ્ટોરી માણસોમાં પણ ફેમિલી વેલ્યૂઝ સમજાવે છે. મોટાં થતાં, ઇન્ડિપેન્ડન્ટ થતાં સંતાનો સાથે કેવી રીતે કામ પાર પાડવું જોઇએ તે આ ફિલ્મ હસતાં હસતાં કહી જાય છે. એમાં ક્યાંય ઉપદેશોનો ભાર પણ વર્તાતો નથી.
  • વળી, અહીં સાયન્સ ફિક્શન સ્ટોરીનો પણ હળવો ટચ છે. સ્ક્રેટ ખિસકોલી પોતાનું અકૉર્ન પાછું મેળવવાની લાલચમાં ભૂલથી પૃથ્વી પર ઉલ્કાપાત સર્જી દે છે. એ ઉલ્કાપાતને કારણે તોળાઈ રહેલા આઇસ એજના વિનાશથી બચવાની મથામણમાં જ આખી ફિલ્મ પૂરી થઈ જાય છે. પ્રોબ્લેમ એ છે કે એ ક્વાયતમાં રહેલા ટ્રેક અત્યંત બોરિંગ છે. માંડ દોઢ કલાકની હોવા છતાંય આ ફિલ્મ ધીમી અને લાંબી લાગવા માંડે છે. કારણ કે મીનિંગલેસ ઘટનાઓ બનતી રહે છે. ગ્રૅની, લામા જેવાં બિનજરૂરી પાત્રો આવ્યા કરે છે અને કંટાળામાં વધારો કરતાં રહે છે. ઇવન અગાઉની ફિલ્મો જોઈ ચૂકેલાં નાનાં બચ્ચાંને પણ આ ફિલ્મમાં કંટાળો આવવા માંડે એવી પૂરી શક્યતા છે.
  • 3D એનિમેશન દર વખતની જેમ સરસ છે. પાત્રોની ફાસ્ટ મુવમેન્ટ્સ અને તેની સાથે પર્ફેક્ટ્લી સિંક થયેલાં એક્સપ્રેશન્સ અને એફર્ટલેસ ડબિંગ આ ફિલ્મને એકવાર જોવા જેવી તો બનાવે જ છે. પરંતુ ફિલ્મમાં નવીનતાના નામે મોટું મીંડું છે તે હકીકત છે.
  • જો થિયેટરમાં જોવાનો આગ્રહ ન રાખીએ તો DVDમાં પણ આરામથી જોઈ શકાય તેવી આ ફિલ્મને એવરેજ બે સ્ટાર આપી શકાય.

    Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ધ જંગલ બુક

હેડિંગઃ ચડ્ડી પહન કે બ્યુટિફુલ ખિલા હૈ

***

ઇન્ટ્રોઃ મોટા પડદે ફરીવાર સજીવન થયેલી મોગલી અને એના દોસ્તારોની આ કથા કોઈ કિંમતે ચૂકવા જેવી નથી.

***

આપણા મનમાં દરેક યાદગીરી એની સાથે અમુક તસવીરો, સુગંધ અને અવાજ લઇને જોડાયેલી હોય છે. જેમ કે, નેવુંના junglebooktriptych3દાયકામાં મોટા થયેલાં લોકોના મનમાં રવિવારની યાદ એટલે ઈ.સ. ૧૯૯૩માં ‘દૂરદર્શન’ પર આવેલી એનિમેટેડ ટીવી સિરીઝ ‘ધ જંગલ બુક’નું ટાઇટલ સોંગ અને મોગલીની એના દોસ્તારો સાથેની ઊછળકૂદ. આવી જ યાદ સાથે જોડાયેલી કોઈ ફિલ્મ-સિરિયલ વગેરેની રિમેક બને એટલે પહેલો ધ્રાસ્કો એ પડે કે આપણા મનના ખૂણે સંઘરાયેલી એ યાદગીરીનો ભાંગીને ભુક્કો ન થઈ જાય. પરંતુ ‘આયર્નમૅન’ ફેમ ડિરેક્ટર જોન ફેવરોને બે હાથે સલામ કરવી પડે કે જૂની યાદોને એણે અફલાતૂન રીતે સજીવન કરી છે. આ ફિલ્મના પ્રેમમાં પડવું મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.

યારી-દોસ્તી મોગલી સ્ટાઇલ

આમ તો મોગલીની વાર્તા કહીએ તો ટાબરિયાંવ પણ ‘અંકલ કા ટીવી ડબ્બા હૈ’ જેવો ડાન્સ કરીને આપણી મજાક ઉડાવે. છતાં શૉર્ટ કટ મેં જાણી લઇએ કે મામલા ક્યા હૈ. માનવબાળ મોગલી મધ્યપ્રદેશના સિઓનીના જંગલમાં ભૂલું પડી ગયું છે. વરુઓનું એક ટોળું અને એક બ્લૅક પૅન્થર બગીરા એનું બૅબી સિટિંગ કરીને મોગલીને મોટો કરે છે. અમેરિકામાં જન્મીને મોટાં થતાં આપણાં દેશી બાળકોની જેમ હવે મોગલી પણ ‘હ્યુમન બોર્ન કન્ફ્યુઝ્ડ વુલ્ફ’ છે. એને બનવું છે સાચો વરુ, પણ છે તો એ માણસ. આ કશમકશમાં ફરતા મોગલી પર વર્ષોથી જંગલના ગબ્બર સિંઘ એવા શેરખાન-ધ ટાઇગરનો ડોળો છે. બસ, એક તરફ મોગલી પર્ફેક્ટ વરુ બનવા ટ્રાય કરે છે, તો બીજી તરફ શેરખાન મોગલીની ગેમ ઓવર કરવા માટે ઉધામા મચાવી રહ્યો છે. પણ વેઇટ, મોગલી માથે બીજું પણ એક જાયન્ટ સાઇઝનું જોખમ છે, એ તો હવે તમે જુઓ ત્યારે ખબર પડે.

જંગલ કે કાયદે પ્લસ કાનૂન

ટકાટક ટેક્નોલોજી, અફલાતૂન ઇમેજિનેશન અને સુપર્બ સ્ટોરીટેલિંગની મદદથી એક ક્લાસિક વાર્તાને કેવી રસાળ રીતે કહી શકાય તેનું આ ‘ધ જંગલ બુક’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. એક બાજુ જરાય બાલિશ થયા વિના હૉલીવુડવાલે બાબુ બાળકોની બેમિસાલ ફિલ્મો બનાવ્યે જાય છે અને બીજી બાજુ આપણું પ્રાગઐતિહાસિક યુગનું સૅન્સર બૉર્ડ હાસ્યાસ્પદ નિર્ણયોની પરંપરા સર્જ્યે જાય છે. આ ફિલ્મને પણ તેણે ‘U/A’ સર્ટિફિકેટ આપ્યું છે. મતલબ કે ટાબરિયાંવની સાથે એનાં મમ્મીપપ્પાએ પણ ફિલ્મ જોવી પડશે. આ નિર્ણયને પોઝિટિવલી લઇને કહી શકાય કે સૅન્સર બૉર્ડ ન કહે તોય, પેરેન્ટલોગે પોતાના બાળપણમાં ટાઇમટ્રાવેલ કરવા માટે આ ફિલ્મ જોવી જ જોઇએ. બીજું, આ ફિલ્મ માત્ર ટાઇમપાસ મનોરંજન નથી, બલકે એક સરસ એજ્યુકેશનલ અનુભવ પણ છે.

‘ધ જંગલ બુક’નાં લિટરલી સ્ટાર એટ્રેક્શન છે, તેનાં પાત્રો પાછળ રહેલાં ડબિંગ સ્ટાર્સ. હિન્દી વર્ઝનમાં ઑરિજિનલ શૅરખાન નાના પાટેકર ઉપરાંત ઓમ પુરી, ઇરફાન ખાન, પ્રિયંકા ચોપરા અને ઇંગ્લિશ વર્ઝનમાં બૅન કિંગ્સ્લી, બિલ મરી અને સ્કાર્લેટ જોહાનસન. એટલે હિન્દી વર્ઝન જોવું કે અંગ્રેજી એ ગળકુડી મુંઝવણ થવાની છે. શોખીનો તો દૂધ-દહીં બંનેમાં પગ રાખશે.

લાઇવ ઍક્શન મૉશન કૅપ્ચર ટેક્નિકથી શૂટ થયેલી જંગલ બુક એવી ઝીણવટથી સર્જવામાં આવી છે કે આ બધું કમ્પ્યુટરથી ક્રિએટ થયું છે તેવી ‘ઇત્તુ સી’ શંકા ન થાય. પ્રાણીઓ, જંગલ, વૃક્ષો-પાંદડાં, નદી, ખંડેર ઇવન મધમાખી સુદ્ધાંનું બારીક નકશીકામની અદાથી ધ્યાન રખાયું છે. ઍનિમેટેડ હોવા છતાં પ્રાણીઓના હાવભાવ, એમની મુવમેન્ટ્સમાં પણ ક્યાંય કચાશ રખાઈ નથી. ઉપરથી 3Dનો ટેસ્ટી વઘાર.

આખી જંગલ બુકનું સેન્ટ્રલ કેરેક્ટર એટલે અફ કૉર્સ મોગલી. અહીં મોગલી બનતો NRI નીલ સેઠી જાણે આપણી ઇમેજિનેશનમાંથી જ ડાઉનલોડ કર્યો હોય એવો નૅચરલ લાગે છે. એ અંગૂઠા જેવડો છે પણ એના ચહેરા પર તમે ગુસ્સો, દુઃખ, રાહત, પ્રેમ, ડર, ફ્રસ્ટ્રેશન જેવાં તમામ એક્સપ્રેશન્સની રૅન્જ જોઈ શકો. એની ક્યુટનેસ જોઇને આપણને ઇચ્છા થઈ આવે કે જમ્પ મારીને શેરખાનની આગળ જઇને ઊભા રહી જઇએ અને ડાયલોગ ફટકારી દઇએ કે, ‘મોગલી તક પહૂંચને સે પહલે તુમ્હે મેરી લાશ પર સે ગુઝરના હોગા.’ બસ, અહીં મોગલીના ફેવરિટ હથિયાર બૂમરેંગની ખોટ વર્તાય છે.

આ ફિલ્મ જંગલનો અને તેના પરથી લાઇફ લેસન્સ શીખવાનો ગોલ્ડન ચાન્સ પણ છે. મમ્મી-પપ્પા સાથે હોય, તો બાળકોને વરુ, વાઘ, બ્લૅક પૅન્થર, રીંછ, વાંદરાં, અજગરથી લઇને શાહુડી, આર્મડિલો, ફ્લાઇંગ સ્ક્વિરલ, મીરકેટ જેવાં પ્રાણીઓનો પણ પરિચય કરાવી શકે (જો પેરેન્ટ્સને ખબર હોય તો).

હસતાં હસાવતાં આ ફિલ્મ એવા મસ્ત મેસેજીસ આપી જાય છે, જે કદાચ દળદાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. જેમ કે, પ્રાણી જીવતા રહેવા માટે શિકાર કરે એ સ્વીકાર્ય છે, પણ શેરખાનની જેમ માત્ર આનંદ ખાતર કે પોતાનો પાવર બતાવવા ખાતર શિકાર કરવો એ તદ્દન ખોટું છે. મતલબ કે સ્પાઇડર મેન કહી ગયો છે તેમ, મહાન શક્તિની સાથે જવાબદારી પણ આવે. એવું જ અગ્નિનું છે. અગ્નિ એટલે કે ટેક્નોલોજી કે પછી કોઇપણ આવડત તમને ટોચે પહોંચાડી શકે, પણ તેનો બેજવાબદારીથી ઉપયોગ કરો તો આખું જંગલ ખાખ થઈ જતાં વાર ન લાગે. જાઇજેન્ટોપિથેકસ પ્રકારનો પ્રચંડ વાનર અન્ડરવર્લ્ડના માફિયાની જેમ તે અગ્નિને જંગલમાં લાવવા મોગલીને લાલચ આપે છે, પણ મોગલી જાણે છે કે એક વખતનું લાલચ આખું જંગલ તબાહ કરી શકે છે. કશું જ બોલ્યા વિના મહેનતથી જંગલ સંભાળતા હાથીઓ એટલે કે સમાજના મહેનતકશ લોકોને પૂરેપૂરું માન આપવું જોઇએ. કટોકટી વખતે કોનો સાથ આપવો એ પણ માણસને ખબર પડવી જોઇએ. જ્યારે સવાલ અસ્તિત્વનો હોય, ત્યારે સૌએ દુશ્મની ભૂલી જઇને પણ જંગલને (વાંચો, પૃથ્વીને) બચાવવાને પ્રાયોરિટી આપવી જોઇએ. કોઇએ બીજા જેવા બનવાને બદલે પોતાની આવડતો શોધીને તે વિકસાવવી જોઇએ. અહીં શેરખાન માત્ર ખૂનખાર જ નથી, બલકે બ્રેઇનવૉશિંગ કરતો આતંકવાદી જેવો ખતરનાક વિલન છે. બાળકોને એ પણ શીખવવું પડે કે હકીકતમાં વાઘ આપણા મિત્રો છે, પણ ‘બૅડ પીપલ’ ક્યારેય જીતે નહીં. આ બધી વાતો ભલે કિન્ડરગાર્ટન છાપ સિમ્પલ લાગે, પરંતુ મોટેરાંએ પણ શીખવા માટે જરાય મોડું થયું નથી.

સેન્સિટિવ રાઇનો, પાણીથી અકળાઈ જતાં દેડકાં કે પોતાના જ કાંટા સંભાળી ન શકતી શાહુડી જેવી એકદમ હાર્ટવૉર્મિંગ કોમિક સિચ્યુએશન્સ આ ફિલ્મમાં સતત આવતી રહે છે. આપણી ઉંમર ભલે ગમે તે હોય, પણ લાઇફમાં મોજિલા બલુ અને બગીરા જેવા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઇડની જરૂર તો હંમેશાં રહેવાની. હા, અહીં અજગર એવા ‘કા’નું જાતિપરિવર્તન કરીને તેને સ્ત્રી શા માટે બનાવી દેવાયો છે અને તેને માત્ર એક જ સીન શા માટે અપાયો છે તે સમજાયું નહીં. ઇવન ફિલ્મના પ્રમોશનમાં વપરાયેલું આઇકનિક ‘જંગલ જંગલ બાત ચલી હૈ’ ગીત પણ ફિલ્મમાં નથી. અફસોસ.

ચલો જંગલ

જંગલ બુકની ટીવી સિરીઝે આપણે ત્યાં સાબિત કરેલું કે એનિમેટેડ કાર્યક્રમ એટલે માત્ર બાળકોનું જ મનોરંજન નહીં. હવે આ નવી ‘ધ જંગલ બુક’એ ફરીવાર મત્તું માર્યું છે કે તે પર્ફેક્ટ ફેમિલી વેકેશન એન્ટરટેનર છે. એ જોયા પછી તમને વાંદરાંની કે પછી ખુદ માણસોની બીક લાગવા માંડે તો નવાઈ નહીં. તેમ છતાં મોગલીની જેમ તમને આ જંગલ છોડીને જવાની ઇચ્છા નહીં થાય. હવે આશા રાખીએ કે ‘ડિઝની’ મોગલીની આખી સિરીઝ ચલાવે અને આમ જ જલસો કરાવતા રહે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

The Peanuts Movie

Caution: Mild Spoilers Ahead

બાજીરાવ, દિલવાલે આણિ તુફાન પહેલાંની શાંતિમાં આજે મેં જોયું એક મસ્ત હાર્ટવૉર્મિંગ એનિમેટેડ મુવી ‘સ્નૂપી એન્ડ ચાર્લી બ્રાઉનઃ ધ પીનટ્સ મુવી.’ બસ, મુવી પહેલાં એટલું જ આર એન્ડ ડી કરી શકેલો કે આ તો ચાર્લ્સ શૂલ્ઝની ક્લાસિક કોમિક સ્ટ્રિપ ‘પીનટ્સ’ પરનું મુવી છે અને ચાર્લ્સના દીકરા-પૌત્રે લખ્યું-પ્રોડ્યુસ કર્યું છે. છેક ગુરુવારની સાંજે ટ્રેલર જોયું અને અઢી મિનિટ પછી આપણું નક્કી હતું, ‘ગુડ ઓલ્ડ ચાર્લી બ્રાઉન, હિઅર આઈ કમ!’

ફિલ્મમાં છે ટેણિયો ચાર્લી બ્રાઉન, એનો પાળેલો ડૉગી સ્નૂપી અને એના દોસ્તોરાની આખી ગૅન્ગ. જે લોકો પીનટ્સ કોમિક્સ ફોલો કરતા હશે એ લોકો કહેશે, ‘અમાં યાર, મુદ્દાની વાત પર આવો ને કે ફિલ્મમાં શું છે!’ ચાર્લી બ્રાઉન એ જ જૂનો દુનિયાની નજરે લુઝર, ઇનસિક્યોર, અંતર્મુખી, છેલ્લી બૅન્ચે બેસતો ટેણિયો છે, જેને કોઈ ઝક્કાસ છોકરી ઘાસ ડાલતી હોય એવું સપનું પણ આવી જાય તો જાગીને વિચાર આવે કે ભૂલથી બીજા કોઇનું સપનું આપણા સરનામે ડિલિવર થઈ ગયું હશે! એવા ચાર્લીના પાડોશમાં એક લાલ વાળ ધરાવતી એકદમ ક્યુટ બાર્બી જેવી છોકરી રહેવા આવે છે. એ પાછી એની ક્લાસમૅટ પણ ખરી. બીજી જ મિનિટે ચાર્લી વૉઝ ઇન લવ! હી વૉઝ ઇન લવ….!

પણ આ ટબુડી એની સામે જુએ તોય એ બૅન્ચ નીચે છુપાઈ જાય, વાત તો ક્યાંથી કરે? પછી સ્નૂપી એનો બૅલ્ટ ટાઇટ કરે કે, જા ચાર્લી જા, દિખા જલવે ઔર બન જા દિલવાલા. રેડ હેર્ડ ગર્લને પટાવવા ચાર્લી ડાન્સ શૉમાં ભાગ લે, સ્ટેજ પર ચડીને જાદુના ખેલ કરે, રોડસાઇડ સાઇકાયટ્રિસ્ટની ને સેલ્ફ હેલ્પ બુક્સની મદદ લે એન્ડ વ્હોટ નોટ. બીજી બાજુ સ્નૂપી ટાઇપરાઇટર કાઢીને એક એવિએટર અને એક ક્યુટી પાઇલટની મસ્ત સ્ટોરી લખે. લેકિન લાસ્ટમાં શું થશે? વિલ શી ઓર વૉન્ટ શી? અને ડૉગી ટાઇપરાઇટર પર વાર્તા લખે? રિયલી? એને ને ચાર્લી બ્રાઉનને શી લેવાદેવા?

પીનટ્સના સર્જક ચાર્લ્સ શૂલ્ઝે જે વિચાર્યું હોય એ, મને કંઇક આવું લાગ્યું. વી ઑલ આર લાઇક ચાર્લી બ્રાઉન. ઓકે ચલો, બધા નહીં તો મોટા ભાગના (અમુક લોકો તો કોમ્પ્લાનને બદલે કોન્ફિડન્સ પીને મોટા થયા હોય છે). આપણે સૌ એ જ આપણી સિક્યોર કોચલાની લાઇફની બીબાંઢાળ લાઇફ જીવીએ છીએ, જેમ ચાર્લી બ્રાઉન રોજ એકસરખાં યલ્લો ટીશર્ટ પહેરે છે. ચાર્લી ફન્ની છે, ઉદાર છે, દયાળુ છે, પ્રેમાળ છે, ફેમિલી કે ફ્રેન્ડ્સ માટે કંઇપણ કરી છૂટે એવો છે. બસ એક કૉન્ફિડન્સ નથી. ‘આ કામ તો આપણાથી ન થાય’ એવી લઘુતાગ્રંથિ એને છોડતી નથી. દુનિયાની સામે પર્ફોર્મ કરવાનું આવે ત્યારે ટાંટિયા ઢીલા થઈ જાય. પણ હા, ચાર્લીની એક વાત જોરદાર છે, એ ક્યારેય વાતનો તંત મૂકતો નથી. પતંગ ભલે ન ચગે, આઇસ સ્કેટિંગ-રગ્બી ભલે ન આવડે, ટ્રાય કરવાનું છોડવાનું નહીં. ‘વૉર એન્ડ પીસ’ જેવી તોતિંગ બુક ભલે ઊંચકાય નહીં, પણ વાંચ્યે છૂટકો કરવાનો. પેલી લાલ વાળવાળી છોકરી ભલે આપણને સૂકું ઘાસ ન નાખે, લેકિન લગે રહો મામુ.

ડૉગી સ્નૂપી છે એની અંદરની પર્સનાલિટી, અઘરી ભાષામાં કહીએ તો ઑલ્ટર ઇગો. એટલે જ તો ક્રિએટિવ ચાર્લીને આખેઆખી વૉર એન્ડ પીસ વાંચ્યા પછી બે લીટી ન સૂઝે એવો રાઇટર્સ બ્લોક આવે, પણ રિયલ લાઇફની અશક્ય લાગતી લવસ્ટોરીને એ સ્નૂપી બનીને કલ્પનાનો માંજો બાંધીને કાગળ પર ઉતાર્યે જાય. પેલી ક્યુટ બાર્બી રેડ હેર્ડ ગર્લના ઘરની બૅલ દબાવીને એને ફૂલ આપવાનું હોય કે એની સાથે ડાન્સ કરવો હોય, બધામાં એને હેલ્પ કરે આ સ્નૂપી. એની અંદરનો ખરેખરો દિલવાલો ચાર્લી, જે એને સતત ધક્કો મારતો રહે.

અને આ ક્યુટ રેડ હેર્ડ ગર્લ એટલે સક્સેસ, લક્ષ્ય, ડ્રીમ જે કહો તે. આપણને લાગે કે આપણે અહીંયા આટલા બધા પાપડ વણીએ છીએ, પણ પેલી રેડ હેર્ડ ગર્લને તો આપણા અસ્તિત્વની પણ ખબર નથી, તો એ આપણને ક્યાંથી મળવાની? ચાર્લી બિચારો ગમે તેટલી મહેનત કરે ક્યાંકથી એક લાલ રંગનું નાનકડું પ્લેન આવીને એના પ્લાનની વાટ લગાડી દે. ત્યારે ચાર્લી ઇંગ્લિશમાં કહે, પૂરી કાયનાતે મારા નામની સુપારી લીધી લાગે છે! નિષ્ફળતા મળે તો ચાર્લીની નાનકડી બહેન પણ ‘ટચ્’ કરીને કહે, ‘ભાઈ-બેનના છૂટાછેડા થાય ખરા?’ અને ઇત્તુ સી સફળતા મળે કે દોસ્તારો કહે, ‘ચાર્લી ઇઝ અ હીરો, ચાર્લી ઇઝ અ હીરો!’ ત્યારે ચાર્લી વિચારે, ‘આ લોકો ખરેખર મને પસંદ કરે છે? કે પછી હું હકીકતમાં જેવો નથી એવો મને માનીને મને પંસદ કરે છે?’ વન્સ અગેઇન, ફ્લૂકની ઑવર પૂરી અને ચાર્લી ઇઝ બૅક ટુ સ્ક્વેર વન. બોલે તો, હીરો સે ઝીરો. લેકિન ત્યારે કામ લાગે છે, સ્નૂપીની વાર્તાનું ચેપ્ટર-7: નેવર ગિવ અપ. તમે ઇચ્છતા હો કે સક્સેસ વાળી રેડ હેર્ડ ગર્લ સાથે તમારી ફેવિકોલ કા મજબૂત જોડ જેવી દોસ્તી થઈ જાય, તો ઓલ્વેઝ રિમેમ્બર ચેપ્ટર-7.

બસ, આ છે મારું ‘ધ પીનટ્સ મુવી.’ એકદમ સિમ્પલ ક્યુટ ક્લિન ઇન્સ્પાયરિંગ મુવી. હૃષિકેશ મુખર્જી પ્લસ આઇસ ઍજ, કુંગફુ પાન્ડા જેવી ગૂફી અને સિમ્પલ કોમેડીથી ભરપુર. અહીં કોઈ મોટેરાં-ટીચરો દેખાતાં નથી. મોટેરાં બોલે તોય બ્લો હોર્ન વાગતું હોય એવો ‘બ્લા બ્લા’ ટાઇપનો અવાજ જ સંભળાય. ફિલ્મ સ્ટાર્ટ થાય એટલે ’ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ’ની વિખ્યાત સિગ્નેચર ટ્યૂન પિઆનો પર બિથોવનના મ્યુઝિકની સ્ટાઇલમાં સંભળાય. શું કામ? તો કહે ચાર્લીનો દોસ્તાર શ્રોડર બિથોવનનો પાક્કંપાક્કો શાહરુખ કરતાંય મોટો ફૅન છે. એટલેસ્તો એના રૂમનો અલાર્મ પણ બિથોવનની સ્ટાઇલમાં વાગે છે. ઑરિજિનલ કોમિકની આવી નાની નાની પ્લેફુલ ડિટેલ્સથી આખી ફિલ્મ ભરચક છે. વળી, હાઇટેક એનિમેશનને બદલે આખી ફિલ્મ જાણે ચાર્લ્સ શૂલ્ઝે જ ડ્રૉ કરી હોય એવા ઑરિજિનલ સ્ટ્રોક્સવાળી જ સિમ્પલ લાગે છે. એમાં ક્યાંય મોબાઇલ ફોન, ફેસબુક એટસેટરા નથી. બસ, સિમ્પલ લાઇફ છે.

મને લાગ્યું કે હીરો બનવા માટે કંઈ નોબેલ પ્રાઇઝ કે ઑસ્કર જીતવાની જરૂર નથી. ફિલ્મમાં કહે છે એમ કમ્પેશનેટ, કાઇન્ડ, હેલ્પિંગ, લવિંગ, થોડા સા બ્રેવ અને ખાસ તો ફની બની રહીએ તોય પેલી રેડ હેર્ડ ગર્લ નોટિસ કરવાની જ છે. દોઢ કલાકને અંતે ફિલ્મ પતવા આવી ત્યારે મને એવી સોલ્લિડ ઇચ્છા થઈ આવી કે નથી જવું યાર બહાર, કૂદકો મારીને સ્ક્રીનની અંદર જતો રહું અને ત્યાં ચાર્લી બ્રાઉનના ખભે હાથ મૂકીને એના જ દોસ્તારો સાથે પતંગ ચગાવતો ફરું. મારા તરફથી આ મુવીને *** (ત્રણ સ્ટાર). પીનટ્સ કોમિક્સ કે આ ચાર્લી બ્રાઉન તમને ટચ કરતો હોય તો આ ફિલ્મ તમારી છે.

અને હા, અત્યારે મારું ફેવરિટ ગીત આ ફિલ્મમાં લેવાયેલું મેગન ટ્રેઇનરનું ‘બૅટર વ્હેન આઇ એમ ડાન્સિંગ’ છે અને હું તેને લૂપમાં સાંભળી રહ્યો છું. એકદમ સુપર્બ ઝક્કાસ ફેન્ટાબ્યુલસ ડાન્સિંગ નંબર છે. અહીં એની યુ ટ્યૂબ લિંક મૂકું છું, નવરાશની પળે સવાસો ટક્કા સાંભળજો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Motion Capture Animation

મોશન કેપ્ચર એનિમેશનઃ એનિમેશનના રજનીકાંતની ભારતમાં એન્ટ્રી

***

‘દુશ્મનોં કો હરાને કે સૈંકડો તરીકે હૈ. સબસે પહલા હૈ, માફી’… ‘બદલાવ ઝરૂરી હૈ. જો વક્ત કે સાથ બદલેગા, ઝિંદા રહેગા’… ‘સબ્ર કરો, ઈન્તેઝાર કરો. તુમ છલની સે પાની ભર સકતે હો, અગર પાની કે બર્ફ હોને તક ઈન્તેઝાર કર સકતે હો…’ ચારેકોર ગ્રીન કલરના પડદા લગાવેલા એક વિશાળ હૉલમાં એક્ટર ‘ધ રજનીકાંત’ એમની આગામી ફિલ્મ ‘કોચડયાન’ના આ જાનદાર ડાયલોગ્સ બોલી રહ્યા છે. શૂટિંગ વખતે તેઓ એકલા જ છે, એમની આસપાસ કોઈ દેખાતું નથી. પણ જ્યારે આપણે ફિલ્મનો પ્રોમો જોઈએ છીએ ત્યારે એમની આસપાસ સેંકડો લોકો દેખાય છે. એટલું જ નહીં, શૂટિંગ વખતે તો રજનીસરે કોઈપણ પ્રકારનો મેકઅપ, વિગ કે કોશ્ચ્યુમ પહેર્યાં નહોતાં, પરંતુ પડદા પર તો આ 63 વર્ષના અભિનેતા એક જાંબાઝ નવયુવાન યોદ્ધાના ગેટઅપમાં દેખાય છે! શું છે, આ બધું? અને કઈ રીતે થઈ રહ્યા છે આ ચમત્કાર?! જરા માંડીને વાત કરીએ…

kochadaiyaan-new-postersમાની લો કે આ 2012ની સાલનો ઉનાળો ચાલી રહ્યો છે, અને અત્યારે લંડનના વિખ્યાત પાઈનવૂડ સ્ટુડિયોઝમાં રજનીકાંત અને દીપિકા પદુકોણ સ્ટારર થ્રીડી એનિમેશન ફિલ્મ ‘કોચડયાન’ (અર્થાત્ લાંબી, કર્લી કેશવાળી ધરાવતો શેરદિલ રાજા)નું શૂટિંગ ચાલી રહ્યું છે. લંડનના આ પાઈનવૂડ સ્ટુડિયોઝમાં જેમ્સબોન્ડ, સુપરમેનથી લઈને લારાક્રોફ્ટઃ ટોમ્બ રેઈડર, દા વિન્ચી કોડ અને શેરલોક હોમ્સ જેવી સંખ્યાબંધ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રજનીકાંતને એનિમેટેડ અવતારમાં ચમકાવતી અને રજનીકાંતની જ દીકરી સૌંદર્યાએ ડિરેક્ટ કરેલી આ પિરિયડ ફિલ્મનું ટ્રેલર થોડાં અઠવાડિયાં પહેલાં અમિતાભ બચ્ચનના હસ્તે રિલીઝ કરાયું અને આવતા મહિને તે રિલીઝ પણ થઈ રહી છે. પરંતુ એવી તે શી ખાસિયત છે આ ફિલ્મમાં કે તેના શૂટિંગ માટે છેક લંડન સુધી લાંબા થવું પડ્યું? વેલ, જવાબ એવો છે કે આ ફિલ્મ ભારતની સૌપ્રથમ સંપૂર્ણપણે ‘મોશન કેપ્ચર’ કે ‘પરફોર્મન્સ કેપ્ચર’ ટેક્નિકથી તૈયાર થનારી એનિમેટેડ ફિલ્મ છે (જોકે બે વર્ષ પહેલાં આવેલી તમિલ એક્શન ફિલ્મ ‘માત્તરાન’માં અમુક ભાગ માટે ભારતમાં સૌપ્રથમવાર આ ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો). ભારત માટે આ ટેક્નિક નવી છે, પણ હોલિવૂડમાં લૉર્ડ ઑફ ધ રિંગ્સ, અવતાર, સ્ટિવન સ્પીલબર્ગની ધ એડ્વેન્ચર્સ ઑફ ટિનટિન જેવી ફિલ્મોમાં વર્ષોથી મોશન કેપ્ચર ટેક્નિકનો ઉપયોગ થતો આવ્યો છે. એકદમ રિયલ લાગતી આધુનિક થ્રીડી વીડિયો ગેમ્સનું શૂટિંગ પણ પહેલાં આ જ રીતે થાય છે, પછી એમાં કમ્પ્યુટર ગેમ્સનાં એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે.

ટ્રેડિશનલ એનિમેશન વર્સસ થ્રીડી એનિમેશન

હવે ભૂતકાળ થઈ ગયેલી ફિલ્મની રીલને હાથમાં લઈને ધ્યાનથી જોઈ હશે તો ખ્યાલ હશે કે તેમાં આસપાસની બે ઈમેજ વચ્ચે સહેજ મુવમેન્ટ સિવાય કશો ફેર હોતો નથી. હવે જરાતરા આગળ વધતી સિક્વન્સવાળી તસવીરોને એક સેકન્ડની ચોવીસ ફ્રેમ (કે તસવીર)ની ઝડપે આપણી આંખ સામેથી ફેરવવામાં આવે, ત્યારે આપણને છૂટક તસવીરોનું કલેક્શન નહીં, બલકે હાલતોચાલતો વીડિયો દેખાય છે! વાસ્તવમાં આપણી આંખની આ મર્યાદા છે, અને આ જ મર્યાદા સિનેમાનો પાયાનો સિદ્ધાંત છે! પરંતુ એ તસવીરોને કેમેરા દ્વારા શૂટ કરેલી હોય છે, તેને બદલે જો હાથેથી ચિત્ર દોરીને આંખ સામેથી એક સેકન્ડની ચોવીસ તસવીરોની સ્પીડે ફેરવવામાં આવે, તો તેને કહેવાય એનિમેશન. આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ તે મિકી માઉસ, ડોનલ્ડ ડક, ટોમ એન્ડ જેરી જેવી એનિમેટેડ કાર્ટૂન ફિલ્મોમાં ડઝનબંધ કલાકારો જે તે પાત્રની દરેકે દરેક હરકતને ડ્રોઈંગ બોર્ડ પર ચિતરતા. સ્ટોરી પ્રમાણે આ રીતે હજારો ચિત્રો તૈયાર કરવામાં આવે, જેના પરથી પછી એનિમેટેડ ફિલ્મ તૈયાર થતી.

જોકે આ જ કારણસર અગાઉ સિને રિસર્ચરો એનિમેટેડ ફિલ્મોને સિનેમા ગણવા તૈયાર જ નહોતા. એમની સીધી વ્યાખ્યા એવી કે જેમાં કેમેરાની સામે કશુંક બનતું હોય અને કેમેરા તેને કેપ્ચર કરતો હોય, તો તે રીતે બનેલી ફિલ્મને સિનેમા કહી શકાય. વળી, મોટે ભાગે ટ્રેડિશનલ એનિમેટેડ ફિલ્મો બાળકોને જ ધ્યાનમાં રાખીને બનતી આવી હોવાથી એક ગેરમાન્યતા એવી બની ગઈ કે એનિમેટેડ ફિલ્મો એટલે કાર્ટૂન ફિલ્મો અને એ માત્ર બાળકો માટે જ હોય. કોચડયાન બનાવનારી રજનીકાંતની દીકરી સૌંદર્યા પણ અકળાઈને કહે છે કે એનિમેટેડ ફિલ્મો એ મેઈનસ્ટ્રીમ સિનેમા જેવો જ સિરીયસ બિઝનેસ છે, જે કોઈ ચોક્કસ ઉંમરના દર્શકો માટે સીમિત નથી.

જ્યારથી સિનેમામાં કમ્પ્યુટર્સ અને લેટેસ્ટ સોફ્ટવેર્સનો પ્રવેશ થયો, ત્યારે પગરણ થયાં, થ્રીડી એનિમેશનનાં. થ્રીડી મુવી મેકર, એડોબી ફ્લેશ, અલાદ્દીન ફોરડી, હુડિની, માયા, ક્લારા, પોઝર, સ્કેચઅપ વગેરે સંખ્યાબંધ થ્રીડી એનિમેશન સોફ્ટવેર્સની મદદથી કાગળ પર હજારો સ્કેચિઝ બનાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળ્યો. આર્ટિસ્ટ્સ ફિલ્મ મેકરની કલ્પના પ્રમાણેનાં અમુક સ્કેચ કે કેમેરા એન્ગલ્સ માટેનાં સ્ટોરીબોર્ડ કાગળ પર તૈયાર કરે એટલા પૂરતાં જ સ્કેચ તૈયાર કરવાના થાય, બાકીનું બધું જ કામ આ સોફ્ટવેર ઉપાડી લે. વળી, આ થ્રીડી એનિમેશન સોફ્ટવેરની મદદથી એનિમેશન ફિલ્મોમાં ઊંડાઈનું ત્રીજું પરિમાણ ઉમેરાયું. તેનાથી બે ફાયદા થયા. એક તો એનિમેશન વધું જીવંત અને ડિટેઈલવાળું થયું, અને બીજું થ્રીડી ચશ્માં પહેરીને જોઈ શકાય એવી ખરા અર્થમાં થ્રીડી એનિમેશન ફિલ્મો બનવા લાગી. પરંપરાગત એનિમેશન અને થ્રીડી એનિમેશન વચ્ચે એક તાત્ત્વિક ફરક એ છે કે પરંપરાગત એનિમેશનમાં જે વસ્તુ કે પાત્રના શરીરનો ભાગ બતાવવાનો ન હોય, તે દોરવામાં આવતો નથી. જ્યારે થ્રીડી એનિમેશનમાં આખું પાત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર તૈયાર કરી દેવાય છે, પછી તેને જે રીતે ઈચ્છીએ એ રીતે ફેરવી શકાય છે.

એન્ટર ધ મોશન કેપ્ચર

મોશન કેપ્ચર ટેક્નિકની શોધ એક્ઝેક્ટ કયા તબક્કે થઈ એ તો કહેવું મુશ્કેલ છે, પણ હા, છેક 1995માં રિલીઝ થયેલી અતારી કંપનીની વીડિયો ગેમ ‘હાઈલેન્ડર’માં આ ટેક્નિકનો ઉપયોગ કરીને એનિમેશન તૈયાર કરવામાં આવ્યું હતું. હવે કોઈ કહેશે કે અરે ભાઈ, પણ આ ટેક્નિક એટલે એક્ઝેક્ટ્લી કેવી ટેક્નિક? તો જનાબ, એ સમજવા માટે આપણે વાતને થ્રીડી એનિમેશનના તબક્કાથી આગળ વધારવી પડે. થ્રીડી એનિમેશનમાં જ્યાં કાગળ પરથી કે પછી સંપૂર્ણપણે કમ્પ્યુટર પર મોડલ તૈયાર થાય છે, ત્યાં મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકમાં હાડ-ચામનાં જીવતા મનુષ્યોને ખાસ પ્રકારનાં કપડાં પહેરાવીને એમનું શૂટિંગ કરવામાં આવે છે. જરા ડિટેઈલમાં સમજીએ.

નામ જ કહી આપે છે એ રીતે આ પદ્ધતિમાં મોશન એટલે કે હલનચલનને કેપ્ચર કરવામાં આવે છે. એ માટે કલાકારને making203ખાસ પ્રકારનાં શરીર સાથે ચપોચપ ચોંટી જાય તેવાં (સ્વિમિંગ કોશ્ચ્યુમ જેવાં) કપડાં પહેરાવવામાં આવે છે. આ કપડાં પર ઠેકઠેકાણે, ખાસ કરીને જ્યાંથી શરીર વળે છે તે સાંધાઓ પર નાનકડાં ટપકાં જેવાં ઓપ્ટિકલ માર્કર લગાડેલાં હોય છે. આ દરેક માર્કર પર તે સ્ટુડિયોમાં લગાવેલાં એકસાથે ચાલીસ જેટલા કેમેરા નજર રાખતા હોય છે. એટલે ધારો કે રજનીકાંત શૂટિંગમાં ડાન્સ કરતો હોય, તો તે દૃશ્ય એકસાથે ચાલીસ કેમેરાથી શૂટ થતું હોય છે! વળી, આ કેમેરા પણ ગજબ છે. તે માત્ર સેન્સરને જ ઓળખે. મતલબ કે તેમાં માત્ર ઓપ્ટિકલ માર્કરની મુવમેન્ટ્સ જ કેપ્ચર થાય. આ મુવમેન્ટ કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ સમયે એક હાલતુંચાલતું હાડપિંજર જેવું સ્ટ્રક્ચર બતાવે છે. જેના પરથી પાછળથી હાડ-ચામનાં વાઘાં પહેરાવવામાં આવે છે. હવે તો મોશન કેપ્ચરની ટેક્નિક એટલી આગળ વધી ગઈ છે કે શૂટિંગ દરમિયાન જ એક્સપર્ટ અને ડાયરેક્ટરને એ જ સમયે જે તે પાત્રના એક્ચ્યુઅલ ગેટઅપમાં તેની મુવમેન્ટ જોવા મળે છે.

એનિમેટેડ ફિલ્મને વધુ વાસ્તવિક બનાવવા માટે પાત્રોના ચહેરા પરના હાવભાવ પણ ડિટેઈલમાં ઝીલાય તે મહત્ત્વનું છે. આ માટે કલાકારના ચહેરા પર (હોઠ, ગાલ, દાઢી, કપાળ, નેણ, આંખનાં પોપચાં, કાન વગેરે પર) પણ વિવિધ માર્કર લગાવવામાં આવે છે. ડિટેઇલિંગની માગ પ્રમાણે એક કલાકારના ચહેરા પર આવાં 32થી લઈને 300 સુધીનાં માર્કર ચોંટાડવામાં આવે છે. હાસ્ય, રૂદન, ક્રોધ, નિરાશા વગેરે હાવભાવ પ્રમાણે ચહેરાની ત્વચા જે રીતે સંકોચાય, તે જ પ્રમાણે માર્કર પણ તેની સાથે ખસે છે. આ પ્રકારનાં માર્કરને ટેક્નિકલ ભાષામાં ‘એક્ટિવ માર્કર’ કહે છે (પેસિવ માર્કર પ્રકાશનું રિફ્લેક્શન કરતા મટિરિયલના બનેલા હોય છે). એક્ટિવ માર્કરની આ મુવમેન્ટ્સને ટ્રેક કરવા માટે કલાકારે માથા પર એક હેલમેટ જેવું ડિવાઈસ પહેરવું પડે છે. આ હેલમેટ સાથે ચહેરાની સામે તકાયેલું રહે તે રીતે ચહેરાથી અમુક ઈંચ છેટે એક કેમેરા અથવા તો લેસર સ્કેનર ફિટ કરેલું હોય છે. ફિલ્મની વાર્તા અને દૃશ્યની ડિમાન્ડ પ્રમાણે કલાકાર ડાયલોગ્સ બોલે અને એક્ટિંગ કરે, તે બધું જ વાયા એક્ટિવ માર્કર, ચાલીસ અને એક માથા સાથે જોડાયેલા ટોટલ એકતાલીસ કેમેરા દ્વારા કેપ્ચર થાય છે. પછીથી કમ્પ્યુટર પર આ કેપ્ચર કરેલી આકૃતિઓનું એક તારની જાળી જેવું વાયર-ફ્રેમ થ્રીડી મોડલ તૈયાર કરવામાં આવે છે. જેમ આપણા હાડકાંના તંત્ર પર ઈશ્વરે માંસ અને ચામડીનું આવરણ મઢીને આપણને એક ચોક્કસ રૂપ આપ્યું છે, એ જ રીતે વાયર-ફ્રેમમાં તૈયાર થયેલી આકૃતિને સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે રંગેરૂપે મઢવામાં આવે છે અને તેને યોગ્ય હાવભાવ આપવામાં આવે છે. ત્યારબાદ મોશન કેપ્ચરના ચાલીસ કેમેરાએ ઝડપેલી મુવમેન્ટ્સની આસપાસ વાર્તાના સીન પ્રમાણે કમ્પ્યુટર જનરેટેડ ઈમેજીસ (સીજીઆઈ) તથા અન્ય સ્પેશિયલ ઈફેક્ટ્સ ઉમેરવામાં આવે છે.

avatar-mo-cap-21રસપ્રદ વાત એ છે કે ફિલ્મની સ્ટોરીમાં ગમે તેટલાં આઉટડોર લોકેશન્સની વાત આવતી હોય, પરંતુ મોશન કેપ્ચર પદ્ધતિથી કરાતું સમગ્ર શૂટિંગ તેના સ્પેશિયલ સ્ટુડિયોની અંદર ઈન્ડૉર જ થાય છે. મતલબ કે કોચડયાનમાં રજનીકાંતનું પાત્ર ઘોડા પર સવાર થઈને જંગલો ખૂંદતું હોય, પણ શૂટિંગ વખતે જંગલ તો ઠીક, ઘોડો પણ હોતો નથી. એક સ્ટેન્ડ સાથે દોરી બાંધીને તેની લગામ બનાવાય છે અને ઘોડેસવારી જેવી એક્ટિંગ કરાય છે, જેમાં પાછળથી રજનીકાંતના બે પગ વચ્ચે સીજીઆઈની મદદથી ઘોડો ફિટ કરી દેવામાં આવે છે! એ જ રીતે ‘અવતાર’ ફિલ્મમાં તો નિબિરુ નામના ગ્રહની વાત હતી, જ્યાં તેનાં પાત્રો એલિયન ‘નાવી’ બનીને નિબિરુનાં જંગલોની ડાળીઓ પર કૂદાકૂદ કરતાં હતાં, પરંતુ શૂટિંગ વેળાએ તેઓ મોશન કેપ્ચરિંગ માર્કરવાળાં કપડાં પહેરીને સ્ટુડિયોમાં રાખેલાં ટેબલ્સ પર જ કૂદતાં હતાં! પાત્રોની આસપાસનું સમગ્ર વાતાવરણ અને સ્ટોરી પ્રમાણેનું ડિટેઈલિંગ સીજીઆઈ સ્વરૂપે પોસ્ટ પ્રોડક્શનના તબક્કે કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા ઉમેરવામાં આવે છે.

એ રીતે જોઈએ તો કલાકારો માટે આ મોશન કેપ્ચર પ્રકારની ફિલ્મોમાં કામ કરવું વધારે અઘરું બની જાય છે. કારણ કે રેગ્યુલર ફિલ્મોથી તદ્દન વિપરિત અહીં એમની આસપાસ કશું જ નથી હોતું. ખીણ પરથી ઘોડો કુદાવવાનો હોય, જાહેર જનતાને સંબોધવાની હોય, દુશ્મનોનો પીછો કરવાનો હોય, દોડીને કોઈ વાહન પર ચડી જવાનું હોય, ઝાડ પર ચડવાનું હોય વગેરે દરેકે દરેક સિચ્યુએશનની કલાકારોએ સંપૂર્ણપણે કલ્પના જ કરવાની હોય છે અને તે પ્રમાણેના હાવભાવ લાવવાના હોય છે. એટલે આ રીતે કામ કરવામાં સ્વાભાવિકતા લાવવાનું કલાકારો માટે અત્યંત અઘરું બની જાય છે.

મોશન કેપ્ચરિંગ ટેક્નિકનાં જમાઉધાર

આ ટેક્નિકનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં એકદમ રિયલ ટાઈમમાં એનિમેશન ક્રિયેટ કરી શકાય છે. મતલબ કે શૂટિંગ વખતે જ કલાકારોના હાવભાવ પ્રમાણે જે તે એનિમેટેડ પાત્ર કેવું લાગશે તે જોઈ શકાય છે. સાથોસાથ જ્યારે મર્યાદિત સમયમાં શૂટિંગ આટોપી લેવાનું હોય, ત્યારે પરંપરાગત એનિમેશન ટેકનિક્સની સરખામણીમાં ઓછા સમયમાં પુષ્કળ માત્રામાં એનિમેટેડ સામગ્રી ઊભી કરી શકાય છે, જેથી ફિલ્મની ડેડલાઈન (સમયમર્યાદા) સાચવવામાં કોઈ તકલીફ પડતી નથી. મોશન કેપ્ચર ટેક્નિકથી એકદમ રિયલ લાગે તેવું એનિમેશન સર્જી શકાય છે. અહીં ઈનડૉર સ્ટુડિયોમાં જ સમગ્ર શૂટિંગ કરવાનું હોઈ કોઈ પ્રકારના સેટની જરૂર પડતી નથી. મતલબ કે જંગલ, દરિયો, મહેલ, પ્રાચીન નગર, આકાશ… જે કંઈ સર્જવાનું હોય, તે એકવાર કલાકારોનું શૂટિંગ થઈ ગયા પછી પાછળથી કમ્પ્યુટર પર જ ક્રિયેટ કરવામાં આવે છે. હા, ક્યારેક થોડી ઘણી બેઝિક ફ્રેમ ટાઈપની પ્રોપર્ટીની જરૂર પડે છે, જે કોઈ નાટકના સેટ કરતાં પણ ઓછી હોય છે. આગળ કહ્યું તેમ અહીં ચાલીસેક જેટલા સ્પેશિયલ મોશન કેપ્ચર કેમેરા એકસાથે શૂટિંગ કરતા હોય છે. આનો અર્થ એ થયો કે સિનેમેટોગ્રાફરને તથા ડાયરેક્ટરને એક જ શોટના ચાલીસ અલગ અલગ એન્ગલ મળે છે, જેથી વિશાળ માત્રામાં પસંદગીને અવકાશ પણ રહે છે. એકવાર મોશન કેપ્ચર્ડ માળખું તૈયાર થઈ જાય, પછી તેના પર તમે ચાહો તે સર્જી શકો. મતલબ કે રજનીકાંતને કેશ્ટો મુખરજી પણ બનાવી શકો અને ઈન્ક્રેડિબલ હલ્ક પણ બનાવી શકો! વળી, કલાકાર ગમે તેવો દેખાતો હોય અથવા તો ગમે તે ઉંમરનો હોય, તેને મેકઅપ કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી.

જોકે આ ટેક્નિકનો લોચો એ છે કે તે મોટા પ્રોડ્યસરોને જ પોસાય તેવી અત્યંત ખર્ચાળ છે. વળી, અમુક જ સ્ટુડિયો મોશન કેપ્ચરિંગ ટેક્નિકમાં માસ્ટરી ધરાવે છે. જેમ કે, ભારતમાં હૈદરાબાદમાં ખૂલેલા એપલ આર્ટ્સ સ્ટુડિયો, મોબિલિટી આર્ટ સ્ટુડિયોઝ અને ઈવા મોશન સ્ટુડિયોઝ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલનો તિરુવનંતપુરમ ખાતે આવેલો વિસ્મયાસ મેક્સ સ્ટુડિયો તથા આ જ શહેરમાં આવેલો એક્સેલ એનિમેશન સ્ટુડિયોઝ જેવાં ગણ્યા ગાંઠ્યા ઓપ્શન્સ જ ઉપલબ્ધ છે (બાય ધ વે, કોચડયાનના અમુક હિસ્સાનું શૂટિંગ તિરુવનંતપુરમના એક્સેલ એનિમેશન સ્ટુડિયોમાં પણ થયું છે).

મોશન કેપ્ચરનું લેટેસ્ટ

અત્યારે (આપણે ત્યાં) લેટેસ્ટ ગણાતી મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકમાં પણ હવે અવનવી અપડેટ્સ આવી ગઈ છે. જેમ કે, નવાં એક્ટિવ માર્કર એલઈડીથી સજ્જ હોય છે, જે પ્રકાશ રિફ્લેક્ટ કરવાને બદલે જાતે જ ઉત્પન્ન કરે છે. આવાં એલઈડી અને તેની સાથે રેડિયો સિન્ક્રોનાઈઝેશન પદ્ધતિ સાથેનાં માર્કરની મદદથી આઉટડૉરમાં સૂર્યપ્રકાશમાં પણ મોશન કેપ્ચર કરી શકાય છે. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઈટી)ના ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંના સંશોધકો સાથે મળીને ‘પ્રકાશ’ નામની નવી મોશન કેપ્ચર ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિક અત્યંત સસ્તી છે અને ગજબનાક એક્યુરસી ધરાવે છે. કેમ કે તે મોશન કેપ્ચર કરવા માટે કેમેરાને બદલે ઈન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે. આ ટેક્નિકથી ગીચ ટ્રાફિકમાં અત્યંત સ્પીડમાં ફરતાં વાહનોને પણ માર્કર લગાવીને કેપ્ચર કરી શકાય છે. ગેમિંગના શોખીનોને ખ્યાલ હશે જ કે 2010માં રિલીઝ થયેલી માઈક્રોસોફ્ટનું ગેમિંગ કોન્સોલ એક્સબોક્સનું કાઈનેક્ટ મોડલ પણ મોશન કેપ્ચર ટેક્નોલોજીથી સજ્જ છે. આ કામ માટે તે અદૃશ્ય એવાં ઈન્ફ્રારેડ વિકિરણોનો ઉપયોગ કરે છે.

સ્ટેનફર્ડ યુનિવર્સિટી, એમઆઈટી તથા અમેરિકાની જ મેક્સપ્લાન્ક યુનિવર્સિટીના સંશોધકોએ મળીને નવી માર્કરલેસ મોશન કેપ્ચર ટેક્નિક પણ વિકસાવી છે, જે મોશન કેપ્ચર કરવા માટે કોઈ માર્કરની મોહતાજ નથી. તેનાં ખાસ પ્રકારનાં કમ્પ્યુટર અલગોરિધમ વ્યક્તિનાં હલનચલનને કારણે પ્રકાશમાં થતા સૂક્ષ્મતમ ફેરફારને પણ માપી લે છે અને તેને આધારે થ્રીડી ઈમેજ બનાવી આપે છે. આ ઉપરાંત પ્રાયોગિક ધોરણે હલનચલનને કારણે થતા વીજચુંબકીય ક્ષેત્રના ફેરફારને માપતી, રડારની જેમ રેડિયો ફ્રિક્વન્સીને આધારે મોશનને કેપ્ચર કરતી વગેરે ટેક્નિક્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

મોશન કેપ્ચર એનિમેશન એ એનિમેટેડ ફિલ્મોની આવતીકાલ છે. તેની મદદથી કોઈ કલાકારને તેના મૃત્યુપર્યંત પણ જીવંત રાખી શકાય છે. આ ટેક્નિકમાં થઈ રહેલાં સંશોધનો તેને વધુ સુલભ બનાવશે. જ્યારે કોચડયાન જેવી ફિલ્મો ભારતમાં પણ એનિમેશન મુવીઝનો નવો યુગ શરૂ કરશે તેવી આશા રાખવી અસ્થાને નથી.

P.S. મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકથી રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘કોચ્ચડયાન’ કેવી રીતે બની તેનો સત્તાવાર વીડિયો જોવા માટે ક્લિક કરો અહીંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો!

***

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ.

***

mahabharat-3d-animation-movie-posterમહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે જે અહીં છે તે જ સઘળે છે, અને જે અહીં નથી તે ક્યાંય નથી. આ સંસારની બધી જ સ્ટોરીઓનું, દરેક પ્લોટનું અનુસંધાન મહાભારતની કથામાં મળી આવે. પ્રેમ, દોસ્તી, દગો, રાજકારણ, મિસ્ટ્રી, ફેન્ટેસી, ચમત્કાર, યુદ્ધ, ભક્તિભાવ કે ઇવન સાયન્સ ફિક્શનની કડીઓ પણ તમે મહાભારતમાંથી શોધી શકો. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિની એવી મહાગાથા, જે ક્યારેય જૂની થતી નથી. હજારો વર્ષો થયા પછીયે આપણને એવી ને એવી જ તરોતાજા અને નવી લાગે છે. યુગો યુગોથી અનેક સર્જકો પોતપોતાની શક્તિ અને મતિ પ્રમાણે આ કથા ફરી ફરીને કહેતા આવ્યા છે અને આવનારાં સૈકાઓમાં પણ આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. આ જ ક્રમમાં વધુ એક કડી એટલે અમાન ખાન દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાભારત’. પરંતુ બોલિવૂડના જથ્થાબંધ સ્ટાર્સને લઇને બનાવાયેલી આ ફિલ્મ વિશે ખુશ થવા જેવી એકેય વાત નથી.

એનિમેશન નહીં, ઝોમ્બિફિકેશન

આ ફિલ્મની સ્ટોરી એટલે કે મૂળ મહાભારતની સ્ટોરી તો ગજિનીના આમિર ખાન જેવો દિમાગી કેમિકલ લોચો ધરાવતા લોકોને પણ ખબર હોય, એટલે એમાં ઊંડા ઊતરવાની કશી જરૂર નથી. ઇવન ફિલ્મના મેકર્સ પણ મહાભારતની કથાના મુખ્ય મુખ્ય બનાવોને બાદ કરતાં એમાં ઊંડા ઊતર્યા નથી.

મહાભારત ફિલ્મ વિશે ઊડીને આંખે ખૂંચે એવી પહેલી વાત છે તેનું અત્યંત નબળું અને રાધર, ગંદું એનિમેશન. આ ફિલ્મ મોટી ઉંમરના લોકોને તો અપીલ કરી શકે એવી છે નહીં, એટલે એવું સ્વીકારી લઇએ કે બાળકો તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો પછી તેનું એમેચ્યોરિશ એનિમેશન બાળકોને પણ અપીલ કરી શકે એવું નથી. કારણ કે, અત્યારનાં બાળકો હોલિવૂડની લાયન કિંગ, આઇસ એજ, માડાગાસ્કર, બ્રેવ, ટેન્ગલ્ડ વૉલ ઇ, ફાઇન્ડિંગ નિમો જેવી સુપર્બ એનિમેશનવાળી ફિલ્મો જોઇ જ ચૂક્યાં છે. એટલું જ નહીં, બાળકોની ચેનલ્સમાં પણ અફલાતૂન ક્વોલિટીનું એનિમેશન પિરસાય છે. ત્યારે આ ફિલ્મનું એનિમેશન બાળકોને પણ ચાઇલ્ડિશ લાગે એ હદે બાલિશ છે. આ પ્રકારના એનિમેશનમાં નથી કોઇ પાત્રના ચહેરા પર હાવભાવ આવતા, નથી એમનું હલનચલન સ્વાભાવિક કે નથી એમના હોઠ પ્રોપર્લી ફફડતા. સોરી ટુ સે, પણ બધાં જ પાત્રો હાલતાં ચાલતાં ઝોમ્બી જેવાં દેખાય છે.

મહાભારતનું બોલિવૂડીકરણ

વળી, લોકોને આકર્ષવાના એક ભાગરૂપે હોલિવૂડ સ્ટાઇલમાં અહીં દરેક મુખ્ય પાત્ર માટે બોલિવૂડનાં સુપરસ્ટાર્સનો અવાજ લેવામાં આવ્યો છે. જેમ કે, અમિતાભ બચ્ચન (ભીષ્મ પિતામહ), શત્રુઘ્ન સિંહા (શ્રીકૃષ્ણ), અજય દેવગણ (અર્જુન), અનિલ કપૂર (કર્ણ), સન્ની દેઓલ (ભીમ), મનોજ બાજપાઇ (યુધિષ્ઠિર), જેકી શ્રોફ (દુર્યોધન), વિદ્યા બાલન (દ્રૌપદી), અનુપમ ખેર (શકુનિ), દીપ્તિ નવલ (કુંતી) વગેરે. આ સ્ટાર વેલ્યૂ ઉમેરવાની લાલચમાં દરેક પાત્રનો ચહેરો પણ જે તે સ્ટાર જેવો જ કરવામાં આવ્યો છે. એટલે ભીષ્મ પિતામહ અમિતાભ જેવા અને અર્જુન અજય દેવગણ જેવો દેખાય એવું. એટલે સુધી કે મનોજ બાજપાઇના લમણે છે તે મસો પણ અહીં યુધિષ્ઠિરના લમણે મુકાયો છે! એટલે કોઇ પાત્ર મહાભારતનું હોય એવું લાગતું જ નથી, બલકે તદ્દન ફિલ્મી લાગે છે. એમાંય સન્ની દેઓલવાળું ભીમનું પાત્ર તો એટલું ફિલ્મી લાગે છે કે જાણે હમણાં બોલી ઊઠશે, ‘યે હાથ નહીં, ઢાઇ કિલો કા હથૌડા હૈ. એક બાર પડતા હૈ તો…!’ શકુનિનો અવાજ આપનાર અનુપમ ખેરે વીતેલા જમાનાના ખલનાયક જીવનની યાદ અપાવે એવો અવાજ કાઢ્યો છે, જ્યારે એમનો લુક અનુપમના જ ભાઇ રાજુ ખેર જેવો લાગે છે. સૌથી નિરાશાજનક પોર્ટ્રેયલ શ્રીકૃષ્ણનું છે. એક તો એમનો લુક ‘અશોકા’ ફિલ્મમાં હતો એ દક્ષિણના હીરો અજિતકુમાર જેવો છે અને અવાજ શત્રુઘ્ન સિંહાએ આપ્યો છે, જે શ્રીકૃષ્ણની રમતિયાળ પર્સનાલિટીને જરાય મેચ નથી કરતો.

રિસર્ચના નામે મીંડું

આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ હોવાનું અને સાત વર્ષની મહેનત પછી બની હોવાનું કહેવાય છે. જો એ વાત સાચી હોય તો થોડોક ખર્ચો રિસર્ચ માટે પણ કરી લેવો જોઇતો હતો! આ તો કોઇએ માત્ર બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ જોઇને આ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે છે. કેમ કે, એક તો મહાભારતના જાણીતા પ્રસંગો સિવાય એક પણ સબપ્લોટના ઉંડાણમાં જવામાં નથી આવ્યું. એટલું પૂરતું ન હોય એમ, હસ્તિનાપુરના રાજમહેલ જયપુરના સિટી પેલેસ જેવા લાગે છે. એનાથી પણ ખરાબ, ઘણા પેલેસમાં ચોખ્ખી ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ દેખાઇ આવે છે. હવે ઇતિહાસ કહે છે કે મહાભારતકાળમાં ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. પાત્રો પાસે જે હિન્દી બોલાવવામાં આવ્યું છે તે પણ ઉર્દૂમિશ્રિત છે, જે ન હોવું જોઇએ. ઘણાં બધાં પાત્રો અને ઘટનાઓ અહીં મિસિંગ છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ છે.

હસ્તિનાપુરનું સભાગૃહ, માયામહલનું ડિઝાઇનિંગ અને યુદ્ધનાં દૃશ્યો સારાં બન્યાં છે, પરંતુ બાકીના પ્રસંગો જોઇએ તેટલા ભવ્ય નથી લાગતા, જે એક એનિમેશન મુવી પાસેથી અપેક્ષિત હોય છે. જો આ ફિલ્મનું એનિમેશન રિયલિસ્ટિક હોત અને ફિલ્મને થ્રીડીમાં બનાવવામાં આવી હોત તો તેની આભા જ કંઇક ઓર હોત.

ખરેખર તો મહાભારત જેવી મહાગાથા પરથી ફિલ્મ બનાવવી હોય તો કાં તો તેની કોઇ સબસ્ટોરી કે કોઇ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઇએ, અથવા તો તેને અલગ એંગલથી કે અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઇએ. નહીંતર આ રીતે એકની એક રીતે સ્ટોરી કહેવામાં સમય, શક્તિ અને (મેકર્સ તથા પ્રેક્ષકો બંનેના) પૈસાની બરબાદી સિવાય કશું જ નથી.

આ મહાભારત જોવું કે ન જોવું?

જો આપ ‘ધૂમ-3’ના આઘાતમાંથી બહાર આવી ગયા હો અને બાળકોને મહાભારતની કથા વિશે ઉપરછલ્લી માહિતી આપવા માગતા હો તો આ ફિલ્મ એમને બતાવી શકાય. બાકી, બી. આર. ચોપરાની મહાભારત સિરીયલ આજે પણ એટલી જ અસરદાર છે. છતાં આ ફિલ્મને જે કંઇ રેટિંગ મળે છે એ માત્ર સારા ઇરાદા, અત્યારે આ સ્ટોરી કહેવાની હિંમત અને અમુક સારી સિક્વન્સીસને જ આભારી છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.