ડિયર ઝિંદગી

દાસ્તાન-એ-ઝિંદગી

***

અઢી કલાકની ‘ડિયર ઝિંદગી’ કોઈ ફિલ્મ કરતાં એક સાઇકાયટ્રિસ્ટના લાંબા સૅશન જેવી વધારે લાગે છે.

***

પૃથ્વીના નકશા પર જે દેશનું નામ શોધવું પણ અઘરું પડે એવા કોઈ દેશમાંથી આવેલી ફિલ્મ કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાલતી હોય. ફિલ્મ આમ સરસ હોય, પણ પડદા પર ખાસ કશું બનતું ન હોય. તેનાં મુખ્ય પાત્રો પણ જાણે વડાપ્રધાન સાથે મીટિંગ કરવા આવ્યાં હોય તેમ વાતો જ કર્યે જતા હોય. તમને અંદરથી થતું હોય કે ‘હા ભઈ, સમજી ગયા. હવે આગળ વધો ને’, પણ ડિરેક્ટર તો પાણી પર તરતી મૂકેલી કાગળની હોડીની સ્પીડમાં જ ફિલ્મ આગળ ધપાવવાના મૂડમાં હોય. છતાં બે અઢી કલાકે ફિલ્મ પતે પછી ઠીકઠાક સંતોષ પણ થાય કે ચલો જીવનમાં ક્યાંક કામ લાગે એવું જાણવા તો મળ્યું. ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. ઇવન કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનાં અરમાન હોય તેમ આ ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉમેરવામાં આવ્યાં છે.

ઝૂમ ઇન દર્દ

કાયરા (આલિયા ભટ્ટ) એક ટેલેન્ટેડ સ્ટ્રગલિંગ સિનેમેટોગ્રાફર છે. કેમેરાની ફ્રેમમાં એને પર્ફેક્ટ દૃશ્ય પકડતાં આવડે છે, પણ જ્યાં વાત પોતાની લાઇફ પર ફોકસ કરવાની આવે ત્યાં પીડા અને દર્દ જ ઝૂમ ઇન થયા કરે. આવી એક દર્દીલી અવસ્થામાં એ પોતાના ઘરે ગોવા રિટર્ન થાય છે. ત્યાં એને થાય છે કે આ જૂની પીડાનું પોટલું માથે લઇને ફરવા કરતાં એક સારા સાઇકાયટ્રિસ્ટને બતાવીએ તો સમું પડે એમ છે. એટલે એ પહોંચી જાય છે ડૉ. જહાંગીર ખાન (શાહરુખ ખાન) પાસે. જહાંગીર અલગ અલગ સૅશનમાં બહુ ધીરજથી કાયરાની વાતો સાંભળે છે, પોતાની રમતિયાળ સ્ટાઇલોમાં એની અંદરના જૂના ઘા સાફ કરીને તેના પર મલમ લગાવે છે. અમુક સેશન્સ પછી એક નવી જ કાયરા બહાર આવે છે, જે કોન્ફિડન્ટ છે અને ડિયર ઝિંદગી સાથે દો દો હાથ કરવા માટે તૈયાર છે.

ઍન્ટર ધ લાઇફ

સિનેમાનો એક બૅઝિક નિયમ છે, ‘શૉ, ડૉન્ટ ટૅલ.’ મતલબ કે તમારી પાસે કેમેરા છે તો દૃશ્યને બોલવા દો ને, પાત્રોએ આખો વખત ચપડ ચપડ કરવાની ક્યાં જરૂર છે? ‘ડિયર ઝિંદગી’ જોયા પછી પહેલો સવાલ આ જ થાય. ફિલ્મનો મોટા ભાગનો સમય શાહરુખ- ધ સાઇકાયટ્રિસ્ટ અને આલિયા- ધ બ્રોકનહાર્ટ-ઇન્સોમ્નિઍક-ડિપ્રેસ્ડ પૅશન્ટ વચ્ચેના કાઉન્સેલિંગમાં જ પસાર થાય છે. જાણે કોઈ મનોચિકિત્સકની ક્લિનિકની અંદર કેમેરા મૂકી દીધો હોય એવી જ ફીલ આવ્યા કરે. દિગ્દર્શિકા ગૌરી શિંદેએ પોતાના કોઈ સાઇકાયટ્રિસ્ટ મિત્ર સાથેની વાતો પરથી કે પોતાના અનુભવો પરથી બનાવી હોય એ હદે આ ફિલ્મમાંથી આત્મીયતા ઝલકે છે. ફિલ્મમાં કાયરા પોતાનાં બાળપણના અનુભવોને કારણે એક કોશેટામાં પુરાઈ ગઈ છે અને હવે સતત એક બીકમાં ફર્યા કરે છે. ડૉ. જહાંગીર ખાન ઝાડની ડાળીમાં ફસાયેલી પતંગની માવજતથી કાયરાને તે કોશેટામાંથી બહાર કાઢે છે અને પોતાના આકાશમાં મુક્ત કરે છે. આ ફિલ્મનું પૅકેજિંગ, પાત્રો, એમની વચ્ચેની વાતચીત, એમની લાઇફસ્ટાઇલ બધું જ હાડોહાડ અર્બન છે. કાયરા અત્યારના અર્બન યુથનું પ્રતિનિધિત્વ કરે છે. એવું યુથ જે સતત લવ-બ્રેકઅપ્સનાં અપડાઉનમાં ફસાયેલું છે. એટલે પોતાની અંદર આ પ્રકારનું દર્દ લઇને ફરતા લોકોને આ ફિલ્મમાં પિરસાયેલું જ્ઞાન અપીલ કરી શકે. ઘટનાઓને બદલે માત્ર ફિલોસોફિકલ વાતચીત જ હોવા છતાં પોતાની લવલાઇફ કે ભૂતકાળની લાઇફથી પરેશાન લોકો આ ફિલ્મને બાબાજીના પ્રેરકવચનની જેમ ગળે ઉતારી જાય. પરંતુ બાકીના લોકો સતત ધીમે ધીમે ચાલ્યા કરતી આ પ્રવચનમાળાથી કંટાળી જાય એવું પણ બનશે.

ભૂતકાળની કડવી યાદોમાંથી કેવી રીતે બહાર નીકળવું, પોતાની જાતને-પોતાનાં માતાપિતાને કે આપણને નુકસાન પહોંચાડનારા તમામ લોકોને માફ કરીને કઈ રીતે આગળ વધવું, જેમ શરીરને ડૉક્ટરની જરૂર પડે તેમ મનને પણ ડૉક્ટરની જરૂર પડે અને તેમાં કશી જ શરમ જેવી વાત નથી એવી કેટલીયે વાતો માત્ર બોલીને સમજાવવાને બદલે કંઇક નવી જ સ્ટાઇલમાં પ્રેક્ટિકલી કરી બતાવી હોત તો ફિલ્મ ક્યાંય રસપ્રદ બની જાત. ભૂતકાળમાં બાસુ ચૅટર્જીની ‘છોટી સી બાત’માં, રાજકુમાર હિરાણીની ‘મુન્નાભાઈ’ અને ‘3 ઇડિયટ્સ’માં આ વસ્તુ બહુ અસરકારક રીતે ઍક્ઝિક્યુટ થઈ હતી.

અર્બન અને ઑફબીટ એવી આ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ બની છે, તેનો સૌથી મોટો શ્રેય આલિયાને આપવો પડે. એના કૅરેક્ટરમાં ઇન્સિક્યોરિટી, પ્રેમી તરીકે એક સિક્યોર વ્યક્તિનો સાથ મેળવવાની ઝંખના, ડિપ્રેશન, ઊંડે ધરબાયેલો ગુસ્સો, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ, ચીડિયાપણું, સમાજના દંભ સામે અકળામણ એવા કેટલાય શૅડ્સ છે, અને એ છોકરીએ બધી જ ફીલિંગ્સને જબરદસ્ત કાબેલિયતથી વ્યક્ત કરી બતાવી છે. પોતાના બાળપણની વાત કહેતો એનો એક લાંબો મોનોલોગ, ‘હાઇવે’ ફિલ્મની યાદ અપાવતો એનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટતી વખતનો સીન જેવાં કેટલાંય દૃશ્યોમાં એની એક્ટિંગ જુઓ તો આલિયાના નામનો એક પણ જોક ફોરવર્ડ કરવાની ઇચ્છા ન થાય. સામે પક્ષે શાહરુખે પણ ફાલતુ હીરોગીરીમાંથી વેલકમ બ્રેક લઇને આવો પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ કર્યો છે, જે એની ઉંમર અને પર્સનાલિટી બંનેને એકદમ ટૅલરમૅડ સૂટ કરે છે. લોકોને ગમે કે ન ગમે તે પછીની વાત છે, પરંતુ લીડ સ્ટાર્સ સાથે આવી ઍક્સપરિમેન્ટલ ફિલ્મ બને તે બદલ પણ બ્રૅવરી અવૉર્ડ આપવો પડે.

‘ડિયર ઝિંદગી’ની સપોર્ટિંગ કાસ્ટ પણ એકદમ હુંફાળી છે. ખાસ કરીને કાયરાની બહેનપણીઓ બનતી ‘આઇશા’ ફેમ ઇરા દુબે અને ‘ફોબિયા’ ફેમ યશસ્વિની દાયમા યંગસ્ટર્સને ચ્યુઇંગમની જેમ ચિપકી જશે. કેમકે, એકદમ નૅચરલ ઍક્ટિંગ ઉપરાંત ચૅટિંગની ભાષામાં એમની વાતચીત, ‘કોકો’, ‘જૅકી’, ‘ફૅટી’ જેવાં એમનાં ફન્કી નિકનૅમ બધું યંગસ્ટર્સને અપનેવાલેની ફીલ આપે તેવું જ છે. થોડાક મૅલ શોવિનિસ્ટ શૅડ ધરાવતા પાત્રમાં પોની ટેઇલ્ડ કુણાલ કપૂર ઘણા સમયે નોંધપાત્ર ફિલ્મમાં દેખાયો છે. ફિલ્મની શરૂઆતમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું ડિસ્ક્લેમર દેખાય એટલે શંકા જાય કે આ ફિલ્મમાં કોઈ પાકિસ્તાની ઍક્ટર હોવો જોઇએ. ત્યાં જ ગિટાર ખખડાવતો અલી ઝફર દેખાય. અલબત્ત, એણે ગાયેલું ‘તારીફોં સે તૂ નહીં માનનેવાલી’ ગીત ખરેખર સરસ છે. થૅન્ક્સ ટુ, સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર કૌસર મુનીર.

ગૌરી-બાલ્કી દંપતી ઍડ્વર્ટાઇઝિંગ વર્લ્ડમાંથી આવે છે. એટલે જ બડી ચાલાકીથી એ બંને પોતાની ફિલ્મોમાં પ્રોડક્ટ મૂકી દે છે. અહીં પણ ત્રણ ઠેકાણે ઈ-કોમર્સ સાઇટ ‘ઇ-બે’નું બેશરમ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે (જસ્ટ એ બતાવવા માટે કે આલિયા કમ્પલ્સિવ બાયર બની ગઈ છે, એ પ્લેનમાં બેઠાં બેઠાં ઈ-બે પરથી વસ્તુઓ ઑર્ડર કરે, ઘરે પહોંચે ત્યાં સુધીમાં આવી પણ જાય. એટલું જ નહીં, પાછળથી ઈ-બેમાંથી કસ્ટમર સેટિસ્ફેક્શનનો ફોન પણ આવે! વાહ! હા, નવી આવેલી બુકને જે રીતે આલિયા સૂંઘે છે એ આપણને ગમ્યું!). એક ઠેકાણે તો ‘ઇરોસ’માં પોતાની જ ‘કી એન્ડ કા’ ચાલતી દેખાય છે અને એક ડાયલોગમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ શબ્દપ્રયોગ પણ થયો છે. આવું બધું શોધવાનો પુષ્કળ ટાઇમ મળી રહે છે કેમકે ફિલ્મ અઢી કલાકની તોતિંગ લંબાઈ ધરાવે છે.

વેલકમ ઝિંદગી

‘ડિયર ઝિંદગી’ ફિલ્મ તરીકે તો ખાસ્સી ધીમી, પ્રીડિક્ટેબલ અને ઍવરેજ છે. અગાઉ ન કહેવાઈ હોય તેવી કોઈ નવી વાત પણ તેમાં નથી. પરંતુ તમને તે કેવીક ગમે છે તે તમારી પોતાની મનોસ્થિતિ, ટેસ્ટ અને ધીરજ પર આધાર રાખે છે. મંજે એક વખત આ ફિલ્મને તક આપવામાં કોઈ જ વાંધો નથી. કોને ખબર તમને પણ જૂના ઘાવ ભરવાનો મલમ કે આગળ વધવા માટેની પાંખો આ ફિલ્મમાંથી જડી આવે? કંઈ નહીં તો બ્યુટિફુલ લૉકેશન્સ જોઇને ગોવાની ટિકિટ કઢાવવાની તો ઇચ્છા થઈ જ આવશે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

કિલ દિલ

ગુંડે રિટર્ન્સ

***

યશરાજ ફિલ્મ્સની જ અગાઉ આવેલી ગુંડે ફિલ્મની વધીઘટી સ્ક્રિપ્ટમાંથી બનાવી હોય એવી કિલ દિલમાં કશો ભલીવાર નથી.

***

kill-dil-vertical-posterયશરાજ પ્રોડક્શન્સ જો ફિલ્મો બનાવવા ઉપરાંત રિસાઇકલિંગનો પણ બિઝનેસ શરૂ કરે તો સરસ ચાલી શકે તેવું છે. આ જ વર્ષે આવેલી અને ખુદ યશરાજ પ્રોડક્શન્સે જ બનાવેલી ફિલ્મ ‘ગુંડે’નો વધ્યોઘટ્યો મસાલો ફરીથી વઘારીને પિરસી દીધો હોય એવી વાસ આ ‘કિલ દિલ’માંથી આવે છે. એક તો ફિલ્મમાં નવીનતાના નામે કશું નથી, ઉપરથી હવાઈ ગયેલા પાપડ જેવી સ્ક્રિપ્ટ બગાસાં પ્લસ કંટાળાનો તીવ્ર હુમલો લાવે છે.

દિલ, દોસ્તી ઔર ઢીશ્ક્યાઉં

વર્ષો પહેલાંની વાત છે. દિલ્હીના શાર્પશૂટર ભૈયાજી (ગોવિંદા)ને કચરાપેટીમાં બે નવજાત બાળકો મળી આવ્યાં હતાં. ભૈયાજીએ દયા ખાઈને બંનેને સગ્ગા દીકરાની જેમ ઊછેર્યાં. એ બંને મોટા થઈને બન્યાં દેવ (રણવીર સિંહ) અને ટુટુ (અલી ઝફર). ફિલ્મમાં કહે છે એમ, ધૃતરાષ્ટ્રના દીકરા કૌરવ જ બને. એ રીતે ‘એ ફોર એપલ’ શીખવાની ઉંમરે બંને ‘ડી ફોર ઢીશ્ક્યાઉં’ શીખવા માંડ્યા અને મૂછનો દોરો ફૂટ્યો ત્યાં તો બેઉ જણા ભૈયાજી માટે કામ કરતા ખૂનખાર કિલર્સ બની ગયા. હવે બંને જાણે મચ્છર મારતા હોય તેમ લોકોને ગોળીએ દેતા ફરે છે.

ત્યાં જ દેવબાબુને એક ચુલબુલી દિશા (પરિણીતી ચોપડા) સાથે પહલા પહલા પ્યાર થઈ જાય છે. દિશાના પ્રેમમાં પડતાં જ દેવબાબુ કહે છે કે બહુ થયો આ લોહિયાળ જંગ. ભલે વીમાની પોલિસી વેચીશ, પણ હવે તો હુંય તે અચ્છો આદમી બનીને બતાવીશ. આ બંદૂક સાથે હવે મારે કોઈ લેવાદેવા નથી. ત્યાં જ ભૈયાજી પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે અને બરાડી ઊઠે છે કે મેરા બિલ્લા ઔર મુઝ સે મ્યાંઉ? હવે તો તમારી દિશા ને દશા બેય નો બગાડું તો મારું નામ ભૈયાજી નહીં. બસ, એટલે આપણે પડદાની સામે બેઠાંબેઠાં એ વિચારવાનું કે આ અચ્છાઈ અને બુરાઈની કબડ્ડી મેચમાં કોણ જીતે છે!

કિલ દિલ, દિમાગ, ટાઇમ અને લોજિક

હોલિવૂડના ડિરેક્ટર ક્વેન્ટીન ટેરેન્ટીનોની કલ્ટ ગણાતી ક્રાઇમ ફિલ્મો ‘કિલ બિલ’ જેવું નામ રાખવા પાછળનું લોજિક તો જાણે સમજ્યા કે જરા હટ કે અસર ઊભી કરી શકાય. પરંતુ એક પણ તબક્કે જરાય ઇમ્પ્રેસ ન કરી શકે તેવી પત્તાંના મહેલ જેવી તકલાદી સ્ક્રિપ્ટ ધરાવતી આ ફિલ્મ બનાવવા પાછળનું એક પણ લોજિક સમજાય એવું નથી. પહેલી વાત, આ જ રણવીર સિંહને લઇને આ જ વર્ષે આ જ આદિત્ય ચોપડા આ જ ટાઇપની ફિલ્મ ‘ગુંડે’ બનાવી ચૂક્યા છે. જેમાં બે અનાથ બાળકો મોટાં થઇને ગુંડા બની જાય છે. ફરક માત્ર એટલો કે તેમાં બંનેને એક જ છોકરી (પ્રિયંકા ચોપડા) સાથે પ્રેમ થયો અને અહીં એક ગુંડા (રણવીર)ને પ્રેમ થયો એમાં મોટા ગુંડા (ગોવિંદા)ના પેટમાં તેલ રેડાયું. એટલું જ થયું. બાકીની આખી ‘કિલ દિલ’ ફિલ્મમાં ગોવિંદા કુર્તાના ખિસ્સામાંથી ફોટા કાઢે છે, બંને હોરોલોગ બંદૂકડીમાંથી પોપકોર્નની જેમ ગોળીઓ ફોડે છે અને રણવીર સસ્તાં વનલાઇનર્સની ફેંકાફેંક કરીને પરિણીતીની આગળપાછળ ફર્યા કરે છે. ધેટ્સ ઑલ.

ફિલ્મો કે વાર્તામાં જ્યારે ઘિસીપિટી વાતો આવે તેના માટે અંગ્રેજીમાં ‘ક્લિશે’ એવો શબ્દપ્રયોગ છે. આવા ક્લિશેથી આ ફિલ્મ ફાટફાટ થાય છે. જેમ કે, કચરાપેટીમાં પડેલાં બાળકોને કોઈ ગુંડો ઊછેરે, હીરો ડિસ્કોથેકમાં જાય તો એને ત્યાં હિરોઇન મળી જાય, સચ્ચાઈની મિસાઇલ જેવી હિરોઇન સાથે રહીને ગુંડા હીરોમાં પણ પવિત્રતાની સરવાણીઓ ફૂટી નીકળે, ખુશ થાય કે દુઃખી થાય બધાં દયા અને જેઠાની જેમ ગીતો ગાવા મંડી પડે, હીરોને ગમે ત્યાં ગોળી વાગે તોય એ બે જ મિનિટમાં પાછો ઘોડાની જેમ હણહણવા માંડે, દિલ્હી ભલે સલામત શહેર ન મનાતું હોય, પણ પોલીસનું તો જાણે અસ્તિત્વ જ ન લાગે… ઉફ્ફ. આ ફિલ્મમાં બધું જોઇને તમને એવો પણ વિચાર આવી જાય કે અત્યારે ખરેખર ૨૦૧૪ ચાલે છે કે ૧૯૮૦ના દાયકાનું કોઈ વર્ષ?

કિલ દિલને ગોવિંદાની કમબેક ફિલ્મ ગણાવવામાં આવતી હતી, એ પણ નેગેટિવ શેડમાં. નો ડાઉટ, ગોવિંદાને આવા અલગ અંદાજમાં જોવો ગમે છે, પણ ફિલ્મમાં બિચારાની પાસે કરાવવા માટે કશું જ નથી. ઇવન આખી ફિલ્મમાં એ એકપણ વખત પોતાના ‘અડ્ડા’ની બહાર સુધ્ધાં નીકળતો નથી. પોતાની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી લઇને બધી જ ફિલ્મમાં રણવીર સિંહે એકસરખાં જ પાત્રો કર્યાં છે. એ પડદા પર હોય કે ઑફ સ્ક્રીન, બધે જ એ સરખા ગાંડાવેડા કરે છે, બેશરમ સંવાદો બોલે છે અને છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે. કોઈ માને કે ન માને, પણ એ આવા ‘દિલ્લી કા લૌંડા’ ટાઇપનાં પાત્રોમાં ટાઇપકાસ્ટ થઈ ગયો છે.

સોનાક્ષીની જેમ શરીર વધારવામાં જરાય પાછીપાની ન કરતી પરિણીતી ચોપડાએ પણ આ ફિલ્મ કરવા ખાતર જ કરી હોય એવું લાગે છે. ફિલ્મમાં એ કંઇક ગુનેગારોને સુધારવાની સમાજસેવા કરે છે અને પોર્શે જેવી મોંઘી ગાડીઓમાં ફરફર કરે છે. એ એટલી બધી ધનાઢ્ય છે કે દિલ્હીમાં રહેતી પરિણીતીને સરપ્રાઇઝ બર્થડે પાર્ટી આપવા માટે બધા પાંચ જ મિનિટમાં લવાસા સિટી પહોંચી જાય છે!

પાકિસ્તાની એક્ટર-સિંગર અલી ઝફર જોવા-સાંભળવામાં સારો લાગે છે, પણ કોઈ મ્યુઝિક બેન્ડમાંથી ભાગીને હાથમાં ગિટારને બદલે બંદૂકડી પકડી લીધી હોય એવી સતત ફીલ આવ્યા કરે છે. આ સિવાય આ ફિલ્મમાં ઉલ્લેખ કરવા જેવું પણ કોઈનું પાત્ર નથી. હા, અડધી-પોણી ફિલ્મ પતે એટલે બાબુજી આલોક નાથની ગેસ્ટ એન્ટ્રી થાય છે. ‘જીવન સંબંધ’ નામની વીમા કંપની ચલાવતા બાબુજી અમસ્તા જ પોતાની ઑફિસની દીવાલ પર નિરુપા રૉયનો ફોટો ટાંગી રાખે છે, તમે માનશો?

આ દિલને કિલ કરી નાખો

આ ફિલ્મમાં સારી બાબત તરીકે માત્ર તેનાં ગુલઝારે લખેલાં અને શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં બે-એક ગીતો અને વચ્ચે ઘૂંટાયેલા સ્વરમાં ગૂંજતો ગુલઝાર સાહેબનો અવાજ, બસ એટલું જ છે. રસપ્રદ વાત એ છે કે આ પિક્ચરના ટાઇટલ સોંગમાં વાગતી વ્હિસલ સતત ‘શોલે’ ફિલ્મની આર.ડી બર્મને કમ્પોઝ કરેલી ટ્યૂનની જ યાદ અપાવે છે. પરંતુ કિલ દિલનાં ગીતો તો આપણે મોબાઈલમાં પણ સાંભળી શકીએ, એના માટે કંઈ પૈસા, સમય અને મગજ બગાડવા થિયેટર સુધી લાંબા ન થવાય. મોટા બેનરની હોવા છતાં આવી જૂનો ગંધાયેલો માલ પધરાવતી ફિલ્મો શ્રીલંકાની બેટિંગની જેમ ફ્લોપ જવી જ જોઇએ, તો જ ફિલ્મોના નામે પિરસાતો આવો કચરો સાફ થશે. આવી ફિલ્મ ન જોવી એ પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને ટેકો આપવા જેવું જ દેશસેવાનું કામ છે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ટોટલ સિયાપા

ટોટલ વેસ્ટ

***

અત્યંત ખરાબ રીતે લખાયેલી આ ફિલ્મના પ્રોમો આખી ફિલ્મ કરતાં વધારે ફન્ની હતા!

***

totalsiyapaa1લંડનમાં રહેતી એક હિન્દુસ્તાની છોકરી એક પાકિસ્તાની છોકરા સાથે પ્રેમમાં પડે અને જ્યારે છોકરીના પરિવારને આ વાતની ખબર પડે, ત્યારે મામલો કાશ્મીર સમસ્યાથી પણ વધારે ગૂંચવાઇ જાય, રાઇટ? આ બ્યુટિફુલ સિંગલલાઇન સ્ટોરી પરથી બનેલી કોમેડી ફિલ્મ ‘ટોટલ સિયાપા’ (મતલબ કે પૂરેપૂરો લોચો, ખીચડો, પ્રોબ્લેમ, અંધાધૂંધી) એકાદ-બે સીનને બાદ કરતાં જરાય ફન્ની નથી. બલકે ત્રાસ વર્તાવી દે એવું ભંગાર રાઇટિંગ છે ફિલ્મનું. ઉપરથી ફિલ્મનાં અમુક પાત્રો સખત ઇરિટેટ કરી દે છે.

કોમેડી ઓફ એરર્સ

લંડનમાં રહેતી મૂળ ભારતીય પંજાબી આશા (‘વિકી ડોનર ફેઇમ’ યામી ગૌતમ) પાકિસ્તાની મ્યુઝિશિયન અમન (અલી ઝફર)ના પ્રેમમાં પડે છે. વન નોટ સો ફાઇન ડે, આશા અમનને પોતાના પરિવારને મળાવવા લઇ જવાનું નક્કી કરે છે. પણ પહેલે જ કોળિયે માખી આવે એમ પોલીસવાળા એને ત્રાસવાદી સમજીને પકડે છે અને નિર્દોષતાની ખાતરી થતાં છોડે છે. અમનને ખબર નહોતી કે વધુ મોટી મુશ્કેલીઓ એની રાહ જોઇ રહી છે. આશાના પરિવારમાં એની કકળાટિયણ મમ્મી (કિરણ ખેર), એની પતિથી ઝઘડીને ઘરે આવી ગયેલી બહેન (સારા ખાન), એની પાંચ વર્ષની દીકરી, આશાના ભૂલકણા-બહેરા અને ઓછું દેખતા દાદા (વિશ્વ બડોલા), સતત પોતાના પાકિસ્તાની પાડોશી સાથે ઝઘડવાની ફિરાકમાં રહેતો આશાનો ભાઇ (અનુજ પંડિત) અને પાછળથી એન્ટ્રી લેતા આશાના પપ્પા (અનુપમ ખેર) ભેગા મળીને આખી વાતનો જબરદસ્ત ખીચડો કરે છે. એક પછી એક એવા લોચા થાય છે કે એમાં બિચારા અમન (અલી ઝફર)નો મરો થાય છે.

કોથળામાંથી બિલાડું

2004માં આવેલી સ્પેનિશ ફિલ્મ ‘ઓન્લી હ્યુમન’ પરથી બનેલી ‘ટોટલ સિયાપા’નું નામ અગાઉ ‘અમન કી આશા’ રાખવાનું હતું. આ ફિલ્મ સાથે બે જાણીતાં નામ જોડાયેલાં છે. એક તો ફિલ્મના લેખક નીરજ પાંડે, જેમણે અગાઉ ‘અ વેન્સ્ડે’ અને ‘સ્પેશિયલ 26’ જેવી અદભુત ફિલ્મો આપી છે. જ્યારે ડિરેક્ટર ઇશ્વર નિવાસ, જેમણે અગાઉ ‘શૂલ’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’, ‘દે તાલી’ જેવી ફિલ્મો આપી છે. રેડીમેઇડ કોમેડી મસાલા પરથી જ ફિલ્મ બનાવવાની હોવા છતાં નીરજ પાંડેએ લખવામાં એટલી વેઠ ઉતારી છે કે ફિલ્મમાં માંડ એકાદ સીનમાં હસવું આવે છે.

ઉપરથી ફિલ્મમાં જે હ્યુમર નાખવામાં આવી છે એ સાવ ઊતરતી કક્ષાની છે. ફોર એક્ઝામ્પલ્સ, પાંચ વર્ષની ટેણી પોતે પ્રેગ્નન્ટ છે એવી રમત રમે છે, એ ટેણીની મમ્મી ઘરમાં ખાલી ટોવેલ પહેરીને ફરે છે, દાદા છાતીએ અડીને નક્કી કરે છે કે સામેની વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી અને એક સીનમાં તો હીરો અલી ઝફર અને દાદા બંને ગંદી પોઝિશનમાં ટોઇલેટની અંદર જોવા મળે છે.

ફિલ્મમાં હીરો અલી ઝફર છે, પણ કિરણ ખેરના ભાગે સૌથી વધુ સીન્સ અને ડાયલોગ્સ આવ્યા છે. અને એ હસાવવાને બદલે સખત ઇરિટેટ કરે છે. દાદા અને પાકિસ્તાની હેટિંગ ભાઇ પણ ઓછો ત્રાસ વર્તાવતા નથી! અલી ઝફર પાગલખાના જેવા પરિવારની વચ્ચે સેન્ડવિચ થયેલા યુવાનના પાત્રમાં સરસ લાગે છે, પણ આપણને હસવું આવે એના કરતાં વધારે તો એના પર દયા આવે છે. હિરોઇન યામીના ભાગે ફિલ્મમાં સારા દેખાવા સિવાય બીજું કશું જ કામ નથી. આના કરતાં વધારે કામ તો એ ફેર એન્ડ લવલીની એડમાં કરે છે!

એવું નથી કે ફિલ્મમાં કોઇ જ પ્લસ પોઇન્ટ નથી. ફિલ્મમાં ત્રણેક ગીતો છે, જે ખુદ અલી ઝફરે જ કમ્પોઝ કર્યાં છે અને ગાયાં છે. પણ ખરેખર, સાંભળવા ગમે એવાં ગીતો છે. બીજો પ્લસ પોઇન્ટ છે, ફિલ્મની લંબાઇ, સોરી ‘ટૂંકાઇ’! ફિલ્મ માંડ પોણા બે કલાકની છે, પણ એટલો સમય કાઢતાં પણ નાકે દમ આવી જાય છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઇ બ્રિટિશ કોમેડી જેવું રખાયું છે. અરે હા, ફિલ્મમાં એક ડફોળ બ્રિટિશ પોલીસમેન પણ છે, જે મિસ્ટર બીન જેવા જ દેખાય છે અને એમના જેવી જ એક્ટિંગ કરવાનો પ્રયત્ન કરે છે, એ માર્ક કરશો તો થોડો કંટાળો ઓછો આવશે!

રિઝલ્ટ?

ટોટલ સિયાપાના ક્લાઇમેક્સમાં અલી ઝફર અને યામી વચ્ચે ભારત-પાકિસ્તાનના મુદ્દે તૂતૂ મૈંમૈં વાળો એક સીન છે, જેમાં આખી ફિલ્મના સૌથી સારો લખાયેલા સંવાદો છે. જો આખી ફિલ્મમાં આ જ રીતે શાર્પ ઓબ્ઝર્વેશન્સ ઠાંસી ઠાંસીને ભર્યાં હોત તો એક અફલાતૂન ઇન્ડો-પાક કોમેડી સર્જાઇ શકી હોત. અફસોસ, ઇટ્સ અ લુઝ લુઝ સિચ્યુએશન!

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.