41gmu7n5jllરિશી કપૂરની લાઈફના ઇન્ટરેસ્ટિંગ પ્રસંગો, એમના જ શબ્દોમાં, એમની આત્મકથામાંથી…
***
‘એક અજાણ્યા માણસે મને કહ્યું, દાઉદ સાબ તમારી સાથે ચા પીવા ઈચ્છે છે’
1988નું વર્ષ હતું. એ વખતે મોબાઈલ ફોનનું કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું. હું એ વખતે મારા ખાસ મિત્ર બિટ્ટુ આનંદની સાથે આશા ભોસલે-આર.ડી. બર્મન નાઈટ માટે દુબઈ લેન્ડ થયેલો. શૈલેન્દ્ર સિંહ ગાવાના હતા અને હું અને અસરાની પર્ફોર્મ કરવાના હતા. દાઉદ ઈબ્રાહિમના માણસો કાયમ દુબઈ એરપોર્ટ પર રહેતા અને VIPઓની આવન-જાવન પર નજર રાખતા. એ વખતે મુંબઈ અને દુબઈ વચ્ચે આજના જેટલી ફ્લાઈટો પણ નહોતી.

હું એરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો, ત્યાં જ એક અજાણ્યો માણસ મારી પાસે આવ્યો અને મારા હાથમાં ફોન પકડાવી ગયો. મને કહે, ‘દાઉદ સાબ બાત કરેંગે.’ ઓબ્વિયસલી, આ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પહેલાંનો સમય હતો અને દાઉદ એ વખતે દેશનો દુશ્મન નહોતો બન્યો. અથવા તો મારા મનમાં એના વિશે એવી ઈમ્પ્રેશન હતી. દાઉદે મને દુબઈમાં વેલકમ કર્યો અને કોઈપણ વસ્તુની જરૂર હોય તો કહેવા ઓફર કરી. ઈવન એણે તો મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. હું બઘવાઈ ગયો, પણ મેં હા એ હા કરીને વાત પતાવી.

હું એ વખતે દુબઈની હ્યાત્ત રીજન્સી હૉટેલમાં રોકાયો હતો. દાઉદના માણસો ત્યાંનું જિમ વાપરવા આવતા. ત્યાં એક ગોરો, જાડિયો માણસ મારી પાસે આવ્યો. એ બાબા હતો, દાઉદનો જમણો હાથ. મને કહે, ‘દાઉદ સાબ તમારી સાથે ચા પીવા ઈચ્છે છે.’ મને એમાં કોઈ વાંધો ન લાગ્યો. એ દિવસે સાંજે મને અને બિટ્ટુને એક ચકચકાટ રોલ્સ રોયસ કારમાં અમને પિક કરાયા. કાર સીધી દાઉદના ઘરે જવાને બદલે ચક્કર ચક્કર કાપીને ગઈ, જેથી અમને ઘરનું સરનામું ખબર ન પડે. કાર ફોન પર જાતભાતની સૂચનાઓ પણ અપાતી હતી. કારમાં કચ્છી બોલીમાં વાતો ચાલતી હતી, જે હું સમજતો નથી. દાઉદના બંગલે પહોંચ્યા ત્યારે મેં નોટિસ કર્યું કે કોઈ ચૂપકીદીથી અમને જોઈ રહ્યું છે. એ દાઉદ હતો.

rishikapoor-dawoodibrahim-story_647_011617013104દાઉદે અમને આવકાર્યા અને માફીના સૂરે કહ્યું કે, ‘મેં તમને ચાય-બિસ્કિટ પર બોલાવ્યા છે કેમ કે હું દારૂ પીતો કે પીરસતો નથી.’ પછી અમે ત્યાં ચાર કલાક સુધી જાતભાતની વાતો કરી. દાઉદે પોતે નાની મોટી ક્રિમિનલ પ્રવૃત્તિઓ કરી હોવાનું કહ્યું, જેનો એને કોઈ રંજ નથી એવું પણ કબૂલ્યું. જોકે એણે કહ્યું કે એણે કોઈની હત્યા નથી કરી. એણે કહ્યું કે અલ્લાહની વિરુદ્ધમાં જવા બદલ એણે મુંબઈની કોર્ટમાં કોઈના પર ફાયરિંગ કરાવેલું. ડિરેક્ટર રાહુલ રવૈલે એ ઘટનાને ‘અર્જુન’ (1985) ફિલ્મમાં કોર્ટ રૂમમાં થતા મર્ડર તરીકે ફિલ્માવી હતી. દાઉદે કહ્યું કે ‘તવાયફ’ ફિલ્મમાં એને મારું કામ ખૂબ જ ગમેલું, કારણ કે તેમાં મારું નામ ‘દાઉદ’ હતું! વર્ષો પછી નિખિલ અડવાણીની ‘ડી-ડે’ ફિલ્મમાં મેં ફરી પાછી દાઉદની ભૂમિકા ભજવી.

આ મુલાકાત માર્ચ, 1988માં થયેલી અને 2 જૂનના રોજ મારા પિતાનું દિલ્હી ખાતે અવસાન થયું. અમે 3 જૂને દિલ્હીથી મુંબઈ આવ્યા. બીજા જ દિવસે દાઉદનો માણસ બાબા સવારે સાડા છ વાગ્યે અમારા ચેમ્બુરના ઘરે આવ્યો. એણે કહ્યું કે, ‘હું દુબઈથી દાઉદ ભાઈના બદલે ખરખરો કરવા આવ્યો છું અને મારે તરત જ પરત જવાનું છે.’

એ પછી હું દાઉદને માત્ર એક જ વખત (ફરી વાર દુબઈમાં) મળેલો. મને શૂઝ ખરીદવા ખૂબ ગમે. હું અને નીતૂ ત્યાંના ‘રેડ શૂ કંપની’ નામના લેબેનીઝ સ્ટોરમાં આંટા મારી રહ્યાં હતાં. દાઉદ પણ ત્યાં હતો. એના હાથમાં મોબાઈલ હતો અને આજુબાજી આઠ-દસ બોડીગાર્ડ હતા. બધાની પાસે મોબાઈલ ફોન હતા. દાઉદે ફરી વાર ઑફર કરી કે તમારે કંઈ પણ જોઈતું-કારવતું હોય તો મને કહો. મને કહે, ‘ચલો, હું તમને કંઈક ખરીદી આપું.’ મેં પ્રેમથી ના પાડી કે, ‘પ્લીઝ મને શરમમાં ન મૂકો. હું તમારી આ ઑફરની કદર કરું છું, પણ હું મારું શોપિંગ જાતે જ કરું છું.’ એ સમજી ગયો. એણે મને પોતાનો મોબાઈલ નંબર આપ્યો. જોકે સામે હું મારો મોબાઈલ નંબર આપી શકું તેમ હતું નહીં, કેમ કે, એ 1989નું વર્ષ હતું અને ભારતમાં મોબાઈલ ફોન નહોતા આવ્યા. છેલ્લે દાઉદ કહે, ‘હું ભાગતો ફરું છું કેમ કે મને ખબર છે કે મને ભારતમાં ન્યાય નહીં મળે. ત્યાં બહુ બધા લોકો મારી વિરુદ્ધમાં છે. ત્યાં ઘણા લોકોને મેં ખરીદી રાખ્યા છે. ઘણા નેતાઓ મારા ખિસ્સામાં છે.’ મેં એને કહ્યું, ‘દાઉદ, પ્લીઝ મને આ બધામાંથી બાકાત રાખો, યાર. હું એક એક્ટર છું અને આ બધામાં ઈન્વોલ્વ થવા નથી માગતો.’ એ સમજી ગયો.

એ પછી એના પરિવારના અન્ય લોકો સાથે પણ મારે મળવાનું થયેલું. મેં ‘શ્રીમાન આશિક’ નામની એક ફિલ્મ કરેલી, જેમાં નદીમ-શ્રવણનું મ્યુઝિક હતું અને દાઉદના ભાઈ નૂરાએ તેનાં ગીતો લખેલાં. રાત્રે બબ્બે વાગ્યે દાઉદના માણસો નદીમને ફોન કરીને કહેતા, ‘નૂરા તમારી સાથે વાત કરવા માગે છે.’1991માં ‘હિના’ ફિલ્મ વખતે અમારો સત્કાર સમારંભ યોજાયેલો, તેમાં નૂરા પણ હતો. એણે ફિલ્મની પાકિસ્તાની હિરોઈન ઝેબા બખ્તિયાર અને ફિલ્મની સમગ્ર ક્રૂને એક લાખ દીરહામ ભેટમાં આપવાની પેશકશ કરેલી. જોકે ડબ્બૂ (રણધીર કપૂર)એ તે લેવાની ના પાડી અને કહ્યું કે, ‘અમે અહીં તમારા પૈસા માટે નહીં, પ્રેમ માટે આવ્યા છીએ. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનની મૈત્રી પર બની છે. રાજ કપૂરનું સપનું હતું કે આપણા બંનેના દેશ એક થઈ જાય.’ મને યાદ છે કે એ આખી સાંજ નૂરાએ કિરણ કુમાર સાથે ગપ્પાં મારવામાં વીતાવેલી, જેની સાથે એની ખાસ્સી મૈત્રી હતી.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s