કાશ, મર્દાની-2 એ તમિળ ફિલ્મની રિમેક હોત…

 • mv5bzwq1yjawmjetytgyoc00mmfhltkzztutmjmxmzfjmgyxogqwxkeyxkfqcgdeqxvymta3oty2nzi5._v1_ql50_પાંચ વર્ષ પહેલાં ગોપી પુથરને લખેલી અને (‘પરિણીતા’ ફેમ) પ્રદીપ સરકારે ડિરેક્ટ કરેલી ‘મર્દાની’ આવી ત્યારે તેમાં જે બેઝિક પ્લસ-માઈનસ પોઈન્ટ્સ હતા, તે હવે આવેલી ‘મર્દાની 2’માં પણ છે. અગાઉની જેમ જ રાની મુખર્જી ‘શિવાની શિવાજી રોય’ નામની નો-નોનસેન્સ ટફ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ વખતે પણ ફિલ્મની લંબાઈ એકદમ ટાઈટ-103 મિનિટની જ છે. આ વખતે પણ તેનો પનારો સ્ત્રીઓ સાથે ઘૃણાસ્પદ કામો કરતા સાઈકો વિલન સાથે પડે છે, જે સામે ચાલીને એને લલકારે છે. અને આ વખતે પણ ફિલ્મ ન્યાયતંત્રની ઐસીતૈસી કરીને સડક પર જ ફેંસલો કરી નાખવાના ‘વિજિલાન્ટે જસ્ટિસ’ની અને મોબ લિન્ચિંગની વાતને જ પ્રમોટ કરે છે.
 • તેમ છતાં ‘મર્દાની’ વાસ્તવિકતાની નજીક હતી, મહામહેનતે વર્ક-લાઈફ બેલેન્સ કરતી મહિલા પોલીસ અધિકારીની વાત હતી. જ્યારે તેનો આ બીજો હપ્તો કનફ્યુઝ્ડ છે. તેને એકસાથે બે ઘોડા પર સવારી કરવી છે. એક જ સમયે એક સાઈકો વિલનની રેપ+કિલિંગની થ્રિલર સ્ટોરી પણ કહેવી છે અને પુરુષોના આધિપત્યથી ખદબદતી દુનિયામાં સ્ત્રીઓનાં સશક્તિકરણનો મેસેજ પણ છાપરે ચડીને આપવો છે. અને એ સ્ક્રીનપ્લેમાં સ્માર્ટ ફાઈન ટ્યુનિંગ પણ કરવું નથી. નતીજા? સાઈકોટિક વિલનને પકડવાની આ સ્ટોરીમાં મેસેજનું રંગરોગાન તદ્દન ઉપરછલ્લું, લાઉડ અને તાળીઉઘરાઉ લાગે છે. પ્લસ, તેની મુખ્ય સ્ટોરી એવી ચોર-પોલીસની ચેઝમાં પણ તદ્દન ડાબે હાથે કામ થયું છે. જરા માંડીને વાત કરીએ.

  2014માં આવેલી ‘મર્દાની’ ફિલ્મનો રિવ્યુ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.

 • ‘મર્દાની 2’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે એવી છાપ પડેલી કે કોઈક રીતે આ ફિલ્મ 2018માં આવેલી તમિળ
  mv5botgwntk0ntmtmteyni00ytuxlwi0ywutywrhyzi2nmezmjfjxkeyxkfqcgdeqxvymzyxotq3mdg40._v1_ql50_sy1000_sx640_al_
  તમિળ ફિલ્મ ‘રાચાસન’નું પોસ્ટર

  સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘રાચાસન’ (Ratsasan)થી કોઈક રીતે ઈન્સ્પાયર્ડ હશે. રાચાસનમાં પણ એક સાઈકો સિરિયલ કિલર ટીનએજ કિશોરીઓનું અપહરણ, બળાત્કાર અને અત્યંત ટોર્ચર કર્યા પછી કરપીણ હત્યા કરીને તેની લાશ લોકો જોઈ શકે તેમ છોડી જતો હતો. ક્લાસિક ‘હુ ડન ઈટ’ પ્રકારની તે વાર્તામાં પાછા એકથી વધુ કોન્ફિક્ટ અને ટ્વિસ્ટનાં લૅયર્સ ચડાવેલાં હતાં. ‘મર્દાની 2’માં સ્ત્રીઓ માટે તદ્દન હોસ્ટાઈલ વાતાવરણમાં એક સ્ત્રી પોલીસ અધિકારી કેવી રીતે એક બળાત્કારી-સાઈકોટિક વિલનને પકડે છે તેની સિમ્પલ ચોર-પોલીસની વાર્તા માત્ર છે.

 • ‘મર્દાની 2’ ભલે શરૂ અને ખતમ ભારતમાં બળાત્કારના આંકડાઓ સાથે થતી હોય, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આપણને અસહજ બનાવીને થ્રિલ પેદા કરવાનો છે. એટલે જ ફિલ્મની શરૂઆત તો અપેક્ષા મુજબ જ એક દુષ્કર્મના બનાવથી થાય છે, પરંતુ હત્યારો (અભિનેતા વિશાલ જેઠવા) પોતે જ સ્ક્રીન પર પહેલાં પ્રગટે છે. એટલું જ નહીં, તે સીધો આપણી એટલે કે દર્શકોની સાથે, કેમેરામાં જોઈને- નાટકની ભાષામાં કહીએ તો અદૃશ્ય એવી ફોર્થ વૉલ બ્રેક કરીને સંવાદ સાધે છે. સ્ત્રીઓ વિશેના પોતાના તદ્દન વાહિયાત વિચારો તે સીધો આપણી સાથે શૅર કરે છે. (હા, એ વાત અલગ છે કે ઈન્ટરવલ આવતાં સુધીમાં ફોર્થ વૉલ તોડીને આપણી સાથે વાત કરવાની આ ટેક્નિકને અભેરાઈએ ચડાવી દેવાય છે!) ડિરેક્ટર યુવતીના ક્ષત-વિક્ષત હાલતમાં રહેલા મૃતદેહ પર ખાસ્સા એવા સમય સુધી કેમેરા માંડી રાખે છે. તેની સાથે થયેલી હિંસાનું પણ ડિટેઈલ્ડ વર્ણન કરાય છે ને મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ તે હાલત જોઈને ઊલટી કરી પડતી બતાવાય છે. હેતુ આપણને ક્રૂરતા બતાવીને અસહજ કરવાનો છે. જોવા જેવી વાત એ છે કે આ પીડિતાઓના પરિવારજનો પર શું વીતી હશે તેના પર કેમેરા માંડવાનો વિચાર સુદ્ધાં કરાયો નથી.

  સ્ટોરીનાં બધાં પત્તાં આપણી સામે પહેલેથી જ ખોલી દેવાય છે, અને એટલે જ ‘મર્દાની-2’ હુ ડન ઈટ પ્રકારની સ્ટોરી તો બનતી જ નથી. પરંતુ પોલીસ પ્રોસીજરની આ વાર્તામાં પણ ડિટેલિંગ કે ઓથેન્ટિસિટીના અભાવે અને વિલનની સાઈકોગીરી પ્રત્યેના અહોભાવને કારણે ફાઈનલી વિલન કેવી રીતે ખતમ થાય છે એ જોવાનું જ બાકી રહે છે.
 • બીજી વાત, નાટક કે ફિલ્મમાં જે પાત્ર ફોર્થ વૉલ બ્રેક કરીને ઓડિયન્સ સાથે વાત કરે, તે પાત્ર આપોઆપ સૂત્રધાર બની જાય અને દર્શકોની નજીક આવી જાય. અહીં એ કામ સાઈકો વિલન કરે છે. પરિણામે મુખ્ય પ્રોટાગનિસ્ટ એવી શિવાની રોય (રાની મુખર્જી)ની નજીક જવાનો કે તેના થ્રૂ ઈમોશન્સ ફીલ કરવાનો સમય રહેતો નથી.
 • વીસેક વર્ષનો તીનપાટિયા જેવો છોકરડો રાજસ્થાનના કોટા જેવા માંડ દસેક લાખની વસ્તી ધરાવતા વિદ્યાર્થીઓની બહુલતા ધરાવતા શહેરમાં બિનધાસ્ત વન બાય વન બળાત્કાર, હત્યાઓ, કિડનેપિંગ કરતો હોય, એક પછી એક વાહનો ચોરતો હોય, નાસતો ફરતો હોય, લિટરલી પોલીસના નાક નીચેથી ગંભીરતમ અપરાધો કરતો હોય… અને છતાં પોલીસને તેની ગંધ સુધ્ધાં ન આવે તે વાત કોઈ કાળે ગળે ઊતરે તેવી નથી. એક તરફ શિવાની રોય ક્રાઈમ સીન અને મૃતદેહને જોવા માત્રથી ‘શેરલોક’ અને ‘મેન્ટાલિસ્ટ‘ જેવી સિરીઝોની સ્ટાઈલમાં કાતિલનાં શારિરીક લક્ષણો, તે ડાબોડી છે કે જમણેરી વગેરે કહી આપે છે, પરંતુ પોતાનાં જ પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી છતાં કાતિલ ત્યાં ઘૂસી જાય, ક્રાઈમ કરે, દિવસો સુધી ત્યાંનો ત્યાં જ રહે, જાતભાતનાં નાટકો કરે છતાં તેને ગંધ ન આવે! આખા ગામનાં CCTV ફૂટેજ ચેક કરવાની તજવીજ કરનારાં શિવાની રોયને પોતાના પોલીસ સ્ટેશનનાં CCTV યાદ જ ન આવે! ભલભલા ક્રિમિનલ્સને રેમ્બો સ્ટાઈલમાં ભોં ભેગા કરી દેનારાં શિવાની રોય એક સુકલકડી વિલનને ધૂળ ન ચટાડી શકે અને ચેઝ ચાલ્યા જ કરે! ખરેખરા ક્રાઈમ બને ત્યારે કે વિલન સામે ચાલીને શિવાની રોયને ફોન કરે ત્યારે કૉલ ડિટેલ્સ કે ફોનનું લોકેશન ટ્રેક કરવાનું પણ કોઈને સૂઝતું નથી!

  રાઈટર-ડિરેક્ટર ગોપી પુથરને વિલનને એટલી બધી લોંગ રોપ-છૂટછાટો, સિનેમેટિક લિબર્ટીઝ આપી છે કે માંડ 103 મિનિટની હોવા છતાં આ ફિલ્મ એક ટાઈટ, ગ્રિપિંગ કે નેઈલ બાઈટિંગ થ્રિલરની કેટેગરીમાંથી તડીપાર થઈને એક ટાઈમપાસ મસાલા પોટબોઈલર મુવી બનીને રહી જાય છે. પોલીસ પ્રોસિજર પ્રકારનાં ક્રાઈમ મુવીમાં વિલન ખરેખર સ્માર્ટ હોવો જોઈએ, પોલીસને ડફોળ બતાવીને કે સિનેમેટિક લિબર્ટીની ‘કાપલીઓ’થી ચઢાવો પાસ થાય એવો ન હોવો જોઈએ!
 • મહિલા પોલીસ અધિકારી પોલીસ સિસ્ટમનો જ ઉપયોગ કરીને અપરાધીને પકડે તે હમણાં આપણે ‘નેટફ્લિક્સ’ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’માં જોયેલું. તેમાં શેફાલી શાહને જરાય ગ્લેમરાઈઝ કર્યાં વિના કે સ્લો મોશન શોટ લીધા વિના સમગ્ર દેશને હચમચાવી નાખનારો ક્રાઈમ સોલ્વ કરતાં બતાવ્યાં હતાં. સરેરાશ એક કલાકની લંબાઈ ધરાવતા સાત એપિસોડ્સ હોવા છતાં આ સિરીઝ એક મિનિટ માટે પણ ધીમી કે ડલ પડી નહોતી, કે ઈવન તેમાં ફિલ્મી સિનેમેટિક લિબર્ટીઝની મદદ પણ લેવાઈ નહોતી. મહિલા પોલીસ અધિકારી પુરુષોના આધિપત્ય નીચે, ચારેકોર ખદબદતી પેટ્રિયાર્કી, મેલ શોવિનિઝમ સાથે કામ કરીને પણ પોતાની ફરજ બજાવતી રહે અને ગુનેગારોને પકડતી રહે તેની વાત નેટફ્લિક્સની જ મુવી ‘સોની’માં કહેવાઈ હતી. ‘સોની’નું તો સ્ટોરીટેલિંગ અને રિયલિસ્ટિક ટ્રીટમેન્ટ (બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિનાના લોંગ ટેક્સ વગેરે) તો ડિટ્ટો જાણે કોઈ ઈરાનિયન ફિલ્મ જોઈ રહ્યા હોઈએ તેવી જ હતી. આ બંને કૃતિઓ જેવી જ સામગ્રી ‘મર્દાની 2’માં હોવા છતાં તે બંનેની નજીક પણ પહોંચી શકે તેવી બની શકી નથી.
 • આગળ કહ્યું તેમ ‘મર્દાની 2’ને એક કાંકરે બે પક્ષી મારવા છે. એક પોપ્યુલર ક્રાઈમ થ્રિલર કથા પણ કહેવી છે અને ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ તથા પેટ્રિયાર્કી વિશે બુલંદ અવાજે કમેન્ટ પણ કરવી છે. આ મુદ્દે લાઉડ થવાનો નિર્ણય પાછળથી લેવાયો હોય કે ગમે તે, પણ ઈન્ટરવલ પછી 48 કલાકના કટોકટ સમયમાં કાતિલને પકડવાની ક્વાયતમાં અચાનક ક્યાંકથી મેલ શોવિનિસ્ટ ન્યૂઝ એન્કરના પાત્રમાં અદાકાર રાજેશ શર્મા ફૂટી નીકળે છે. એમનું કામ રાની મુખર્જીને સબજ્યુડિસ એવા કૅસ વિશે વિગતો માગીને અત્યંત વાંધાજનક (જે મોસ્ટલી કોઈ ચેનલ પૂછવાની હિંમત ન કરે તેવા) સવાલો પૂછવાનું જ છે. નતીજા? રાની મુખર્જીનો સ્ત્રીઓની સ્થિતિ પરનો લાંબો મોનોલોગ. નો ડાઉટ, એ વાત અત્યંત વાજબી છે, ચોટદાર છે અને લોકો તેને તાળીઓથી વધાવી લે તેવી પણ છે, લેકિન ફિલ્મની ગતિ માટે મસમોટું સ્પીડબ્રેકર છે. એ આખા સીનને ફિલ્મમાંથી કાઢી લો તો ફિલ્મને તસુભાર પણ ફરક ન પડે એવો સાંધો છે એ!
 • આ ફિલ્મના પ્રવાહમાંથી કિનારે આવીને તેના સ્ક્રીનપ્લેનું અવલોકન કરીએ તો જણાય છે કે ‘મર્દાની 2’ની શિવાની રોય 48 કલાકમાં કેસ સોલ્વ કરવાની ડેડલાઈન જાતે સ્વીકારી લે છે તે માત્ર વાર્તામાં થ્રિલ પેદા કરવાનું એક ડિવાઈસ માત્ર છે. જો રાઈટર-ડિરેક્ટરે વાર્તામાં વિલનને સિરિયલ કિલર બતાવ્યો હોત, પત્રકાર દંપતીની હત્યાના તદ્દન બિનજરૂરી ટ્રેક ન ઘુસાડ્યા હોત, તો તે અર્જન્સીની ફીલિંગ આપોઆપ પેદા થઈ ગઈ હોત.
 • એક રિયલિસ્ટિક ક્રાઈમ થ્રિલરને ન છાજે એવા બીજા કેટલાક પ્રશ્નો પણ આ રહ્યાઃ શિવાની રોયની હાજરી છતાં એક પછી એક હત્યાઓ થતી રહે છે, એમના નાક નીચે કાતિલ ફરતો રહે છે, છતાં તેને ગંધ સુદ્ધાં નથી આવતી, તો તે એક પ્રોટાગનિસ્ટ તરીકે એની કાબેલિયત પર સવાલ નથી? વળી, એ એક જ ક્રાઈમ પર એટલી બધી ફોકસ્ડ છે કે બીજી હત્યા વિશે દેખીતો ક્લુ મળવા છતાં તેના પર કાર્યવાહી કરવાનું એને શા માટે સૂઝતું નથી? શા માટે કોટા શહેરના બીજા કોઈ પોલીસ અધિકારીને ગુનાખોરી ડામવા વિશે લેશમાત્ર ચિંતા નથી? શેરલોકની જેમ ક્રાઈમ સીન પર વિગતો સૂંઘી લેતી શિવાની રોયને ઓબ્વિયસ વસ્તુઓ દર્શકોને બોલીને સમજાવવી પડે છે (‘દિવાલી કી રાત મેં યે ઘર મેં અંધેરા ક્યૂં હૈ?’, ‘ઈતની ગાડિયાં આને કે બાવજૂદ યે સિક્યોરિટી ગાર્ડ ઉઠા ક્યૂં નહીં?’)? 
 • અલબત્ત, ‘મર્દાની 2’માં રાની મુખર્જી અને નવોદિત ગુજરાતી અભિનેતા વિશાલ જેઠવાની એક્ટિંગ ખરેખર
  Vishal Jethwa
  ગુજરાતી એક્ટર વિશાલ જેઠવાઃ લંબી રેસ કા ઘોડા…

  દમદાર છે. હિન્દી ફિલ્મમાં એક મહિલા પોલીસ અધિકારી કેસ સોલ્વ કરતી હોય અને વિલન લોગ સાથે દો-દો હાથ કરતી હોય એ જોવાની મજા જ કંઈ ઓર છે! સાઈકો વિલન તરીકે વિશાલ જેઠવા ખાસ્સો ખૂંખાર લાગે છે, પણ અગેઈન એની ‘ખૂંખારિયત’ લાઉડ એક્ટિંગ અને ક્રિએટિવ લિબર્ટીનું કોમ્બિનેશન વધારે છે. ડિરેક્ટરે એના પાત્રની બેકસ્ટોરી માત્ર બોલીને ટૂંકમાં પતાવી દેવાને બદલે ફ્લેશબેકમાં બતાવી હોત તો વધુ ઈફેક્ટિવ બન્યું હોત.

  રિયલ લાઈફમાં બનતી દુષ્કર્મની ઘટનાઓ પાછળ અહીં બતાવ્યો છે એવા સાઈકો વિલન નહીં, બલકે નોર્મલ દેખાતા અને નોર્મલ બનીને રહેતા લોકો જ હોય છે. એવા કોઈ રેગ્યુલરને પણ વિલન બનાવી શકાયો હોત. ખેર…

 • ‘મર્દાની 2’ એક ક્રાઉડ પ્લીઝિંગ એવરેજ થ્રિલર મુવી છે, જેમાં સટલ્ટી, લોજિક કે લૅયર્સને સ્થાન નથી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s