અમે આંધી વચ્ચે અંધાધૂંધીના માણસ

Social Scroll_730 X 548_20_Newઆપણે એવું માનીએ છીએ કે અત્યારનો યુગ કમ્યુનિકેશનનો છે અને દુનિયાની તમામ માહિતી આપણને એક જ ક્લિકમાં મળી જાય છે. લેકિન આપણા જ દેશમાં અફલાતૂન ફિલ્મો બને છે ને આપણને એની જાણ સુદ્ધાં થતી નથી. દુનિયાભરની ફિલ્મો ‘નેટફ્લિક્સ’, ‘પ્રાઈમ વીડિયો’ જેવી વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સ થકી આપણા મોબાઈલવગી છે, છતાં આપણે એવી ગલતફહમીમાં જીવીએ છીએ કે બોલિવૂડ યાને કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભારતમાં સૌથી સારી ફિલ્મો બનાવે છે.

આવી જ બીજી એક ગલતફહમીમાં આપણે જીવીએ છીએ કે આપણે તો મૉડર્ન થઈ ગયા છીએ. આપણે માનીએ છીએ કપડાંથી લઈને ટેક્નોલોજી અને આહારથી લઈને વિચારો સુધી બધામાં આપણે આધુનિક છીએ. લેકિન આપણી ચામડીનું ઊપલું પડ સહેજ ખોતરીએ એટલે આપણી મૉડર્નિયતની કાંચળી ઊતરી જાય અને આપણી અસલિયત બહાર આવી જાય. બહારથી આપણે ભલે બદલાયા હોઈએ, પરંતુ અંદરથી આપણે હજી આદિમાનવ જ છીએ એવું બતાવી આપતી એક જબરદસ્ત ફિલ્મ માંડ એકાદ મહિના પહેલાં રિલીઝ થયેલી. ફિલ્મનું નામ છે ‘જલ્લિકટ્ટુ’. આ ફિલ્મ ‘ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ પોતાના પરચમ લહેરાવી આવી છે. પરંતુ આપણને તેની જાણ સુદ્ધાં નથી કેમ કે, આ ફિલ્મ મલયાલમ ભાષામાં છે, અને ફિલ્મનો સબ્જેક્ટ, ટ્રીટમેન્ટ જોતાં હિન્દીમાં તેની રિમેક બને એવી પણ કોઈ શક્યતા નથી.

ભેંસ ભાગી ને ગોકિરો થયો

image‘જલ્લિકટ્ટુ’ નામ પરથી કદાચ એવું લાગે કે આ ફિલ્મ તમિલનાડુના પેલા બળદને કાબુમાં લેવાના વિવાદાસ્પદ ઉત્સવ પર આધારિત હશે. લેકિન એવું નથી. હા, અહીં ફિલ્મના કેન્દ્રમાં એક ભેંસ છે અને તેને કાબૂમાં લેવા માટે લોકો તલપાપડ છે, એટલા પૂરતું જ તેને પેલા ફેસ્ટિવલનું નામ અપાયું છે. માંડ 95 મિનિટની આ ફિલ્મની વાર્તા એકદમ પાતળી છે. કેરળના કોઈ નાનકડા ગામમાં કતલખાનેથી એક ભેંસ છેલ્લી ઘડીએ છટકી જાય છે. આ ભેંસને પકડવા માટે ગામ ગાંડું થાય છે. ઈવન આજુબાજુનાં ગામના લોકો પણ ધસી આવે છે અને પરિસ્થિતિ લિટરલી કાબૂ બહાર જતી રહે છે. 

હવે આવી કાગળ જેવી પાતળી અને વિચિત્ર લાગતી સ્ટોરી પર ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ બની શકે? હા, જો ફિલ્મના ડિરેક્ટર તરીકે લિજો જોસ પેલ્લિસેરીનું નામ બોલતું હોય. 40 વર્ષના લિજો જોસ પેલ્લિસેરીએ 2017માં ‘અંગમાલિ ડાયરીઝ’ અને 2018માં ‘ઈ. મા. યો’ નામની એક પછી એક ચકાચક ફિલ્મો આપીને ‘જલ્લિકટ્ટુ’ સાથે અફલાતૂન ફિલ્મોની હેટ્રિક કરી છે, પ્લસ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે એવા ફિલ્મમેકર્સમાં પણ પોતાની જગ્યા બનાવી છે.

સિનેમેટિક જલસો

Gods Eye
ગોડ્સ આઈ વ્યૂ તરીકે ઓળખાતા માણસોના ટોળાના આ ડ્રોન શોટમાં ભેંસનો ચહેરો પણ દેખાશે. યાને માણસ=જાનવર!

ડિરેક્ટર લિજો જોસ પેલ્લિસેરીની આ ફિલ્મ ‘જલ્લિકટ્ટુ’ 95 મિનિટનો એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે. એમાં ભારોભાર ક્રૂરતા છે, બ્લેક/ડાર્ક કોમેડી છે, ભયંકર કેઓસ/અંધાધૂંધી છે, માનવસ્વભાવની વિચિત્રતાઓના શૅડ્સ છે અને ખાસ તો એ કે આપણામાં અને હજ્જારો-લાખો વર્ષની ઉત્ક્રાંતિ છતાં અગાઉના આદિમાનવમાં અને આપણામાં તસુભાર પણ ફરક નથી.

જલ્લિકટ્ટુમાં આપણને એક સેકન્ડ માટે પણ ચસકવા ન દેતી બાબત છે તેની આંખો પહોળી કરી દે તેવી સિનેમેટોગ્રાફી અને રૂંવાડાં ખડાં કરી દે તેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ફિલ્મની શરૂઆત સૂતેલાં માણસોની (જે ફિલ્મનાં પાત્રો પણ છે) આંખોના એક્સ્ટ્રીમ એટલે કે અતિશય ક્લોઝઅપથી થાય છે. બેકગ્રાઉન્ડમાં ઘડિયાળની એકદમ લાઉડ ટકટક સંભળાય છે અને વન બાય વન લોકોની આંખો ખૂલે છે. ખૂલતી આંખોની સાથે ડિરેક્ટર જીવજંતુઓના શોટ્સ પણ બતાવે છે. જાણે કહ્યા વિના માણસોની ઓકાત બતાવતા હોય. એ પછી આ વાર્તા જ્યાં આકાર લે છે તે કેરળના પહાડી ગામના સૂર્યોદયનો એકેય કટ વિનાનો લગભગ અઢી-ત્રણ મિનિટનો શોટ આવે છે. વહેલી સવારના ઝાંખા પ્રકાશમાં એક કસાઈ પોતાના સાથીદાર સાથે પોતાનું ‘કામ’ શરૂ કરી રહ્યો છે. હથોડાના એક પ્રચંડ ઘા સાથે કસાઈ ભેંસનું કામ તમામ કરી નાખે છે, લોહીનું ખાબોચિયું ભરાય છે, પછી ફટાફટ કટિંગ શરૂ થાય છે, દિવસ ચડતાં તે કસાઈની દુકાને તે માંસ ખરીદવા આવનારા લોકોની ભીડ જામે છે. ફરી પાછો બીજો દિવસ, કસાઈ હથોડો ઉગામે, કટિંગ, લોકોની ભીડ અને રિપીટ… સ્વાભાવિક રીતે જ ભેંસની કતલ ડિરેક્ટરે આડકતરી રીતે બતાવી છે (આ તો સેન્સર બોર્ડમાંથી પાસ થયેલી ફિલ્મ છે!). એક પછી એક શોટ્સના ફટાફટ કટ્સ વાગે છે, તે શોટ્સનાં સંકલન (મોન્ટાજ)થી આપણને આ લગભગ રોજનો ઘટનાક્રમ છે તે સમજાઈ જાય છે. વાંચીનેય થથરી ઊઠીએ એવી આ લોહિયાળ ઘટના અને તેની સાથે જોડાયેલી બીજી બાબતોને પણ કેવી રસપ્રદ રીતે રજૂ કરી શકાય તેમાં આ ડિરેક્ટરની માસ્ટરી છે.

ટોળાંના ચહેરા

હવે એ ભેંસો જેમના માટે પોતાનો જીવ આપી રહી છે તે લોકોનો એક પછી એક પરિચય સ્ટાર્ટ થાય છે. જેનાથી વાત શરૂ થઈ તે કસાઈની બહેન તેમની સાથે કામ કરતા એક માણસ પર લટ્ટુ છે, અને ત્યાંનો જ બીજો એક માણસ તે છોકરી પર લટ્ટુ છે. લેકિન છોકરી તેને ભાવ આપતી નથી. તે કસાઈની પોતાની પણ એક હિસ્ટરી છે. બીજી તરફ ગામનો એક શેઠિયો છે જેને પોતાની દીકરીની સગાઈમાં ભેંસના મીટની કોઈ વાનગી પીરસવી છે, અને એની જુવાન દીકરી કંઈક બીજા જ પ્લાનિંગમાં છે. એક પોલીસ અધિકારી પોતાની પત્નીને ડફણાં મારતો ફરે છે, એક માણસને પોતાને ત્યાં વાવેલી ઔષધિય વનસ્પતિઓની ચિંતા છે, ગામમાં એક માથાભારે ચંદનચોર છે, ગાંજાની ખેતી કરે છે, અત્યારે પોલીસના સકંજામાં છે અને એ પોતાનો જૂનો હિસાબ પૂરો કરવાની ફિરાકમાં છે, એક પાદરી છે જેનામાં શાંતિ સિવાય બધું જ છે… આ સિવાય પણ અન્ય ઘણાં પાત્રો આવનજાવન કરતાં રહે છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં આમ જુઓ તો કોઈ જ હીરો કે હિરોઈન નથી. બલકે બધાં ટોળાંનો જ એક ભાગ છે.

ટોળાંના સ્વાર્થ

એકાએક ભેંસ છટકે છે, ગામમાં તોફાન મચાવવાનું શરૂ કરે છે અને ટેન્શનનો પારો ઊંચે ચડવાનું શરૂ થાય છે. અનુરાગ કશ્યપની 2014માં આવેલી ફિલ્મ ‘અગ્લી’માં એક નાની બાળકી ગાયબ થઈ જાય છે અને તેની શોધમાં લાગેલા લોકો પોતપોતાનો સ્વાર્થ સાધતા ફરે છે. અહીં પણ ભેંસ ગાયબ થતાંની સાથે જ લોકો પોતપોતાના સ્કોર સેટલ કરવાની ફિરાકમાં પડી જાય છે. ધીમે ધીમે ભેંસને પકડવી (અને અફ કોર્સ, પકડીને વધેરી નાખવી) એ એક ઉત્સવ બની જાય છે. ભેંસ જે વિસ્તારમાં હોઈ શકે છે તેની આસપાસ તાપણાં થાય છે, લોકો મિજબાનીઓ ગોઠવે છે, ગીતડાં ગવાય છે. ભેંસને પકડવી એ કોઈને મન મફતનું માંસ મેળવવાનો અવસર છે, કોઈને મન પોતાની મર્દાનગી સાબિત કરવાનો છે, કોઈ પોતાની પસંદગીની સ્ત્રી સામે પોતાને ચડિયાતો સાબિત કરવાની મથામણમાં છે, કોઈને પોતાનાં વેરનાં વળામણાં કરવાં છે…

ભય, ભૂખ, મૈથુન

mv5bn2jhmzdhzgutyjg0zi00mzi4lwfmntmtzmrkmtrizdjimjc3xkeyxkfqcgdeqxvyoda1ndg5mty40._v1_ql50_ફિલ્મમાં કેઓસ/અંધાધૂંધી ધીમે ધીમે વધતી રહે છે અને છેલ્લે ચરમસીમા પર પહોંચે છે. ભેંસને મારવા માટે સેંકડોની સંખ્યામાં કોઈ હિંસક પ્રાણીની જેમ ત્રાડો પાડતાં દોડતા મનુષ્યોને અને એમના ચહેરા પરથી ટપકતી જંગાલિયત જોઈને આપણને એક જ સવાલ થાય કે આમાંથી માણસ કોણ છે અને જાનવર કોણ છે? ત્રણ વર્ષ પહેલાં ‘ટ્રેઈન ટુ બુસાન’ નામની એક સાઉથ કોરિયન હોરર-ઝોમ્બી મુવી આવેલી. તેમાં પણ માણસોની પાછળ પડેલા ઝોમ્બીને જોઈને એક તબક્કે એવો સીન ઊભો થાય છે કે આપણે વિચારતા રહી જઈએ કે આમાં માણસ કોણ છે ને ઝોમ્બી કોણ છે! જલ્લિકટ્ટુમાં સતત જાણે ભાષા શોધાયા પહેલાંના આદિમાનવો જેવા અવાજો કરતા હશે એવા જ હાકલા-પડકારા થતા રહે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં તો ડિરેક્ટરે અત્યારના માણસોને આદિમાનવ સાથે સરખાવીને આપણી એ માન્યતા પર પુષ્ટિનો સિક્કો મારી દીધો છે. 2013ની હોલિવૂડ ફિલ્મ ‘વર્લ્ડ વૉર ઝી’ની અને 2017ની ‘મધર’ ફિલ્મની યાદ અપાવે તે રીતે એક બીજા પર ચડતા, પછડાતા જાનવર જેવા માણસોનો પિરામિડ અને એની નીચે કચડાતી માનવતાનું એ દૃશ્ય અરેરાટી થયા વિના જોવું અઘરું છે. ભય, ભૂખ, નિદ્રા, આહાર, મૈથુન જેવી પ્રાણીઓની મૂળભૂત વૃત્તિઓ પર ડિરેક્ટર લિજો જોસ પેલ્લિસેરીએ કેમેરા ફોકસ કર્યો છે. અલબત્ત, તેમાં મૈથુનની વાતનો અણસાર માત્ર જ આપ્યો છે.

કેમેરા પાછળના જાદુગર

જલ્લિકટ્ટુ ફિલ્મ માટે યોગ્ય રીતે જ ‘વિઝ્યુઅલ સ્પેક્ટેકલ’ શબ્દ પ્રયોગ થયો છે. ડિરેક્ટર લિજો જોસ પેલ્લિસેરી પોતાના સિનેમેટોગ્રાફર ગિરીશ ગંગાધરનની સાથે આપણને તે ફિલ્મ જ્યાં આકાર લઈ રહી છે ત્યાં ખેંચી જાય છે. ભેંસની સાથે, ભેંસની પાછળ દોડતા લોકો સાથે સતત કેમેરા પણ દોડતો રહે છે. ફિલ્મનાં ઘણાં બધાં દૃશ્યો લોંગ ટેકમાં શૂટ થયાં છે અને તેમાં કોઈ કટ્સ વાગ્યા વિના કેમેરા પાત્રોની સાથે દોડતો રહે છે. જેમ કે, એક સીનમાં તોફાને ચડેલી ભેંસને કાબુમાં લેવામાં પોલીસની નિષ્ફળતા બદલ લોકો ધમાલે ચડે છે, પોલીસને ઘેરી લઈને ધક્કે ચડાવે છે અને પોલીસની નજર સામે જ એમની જીપ બાળી નાખે છે. આ આખી પ્રોસેસમાં ક્યાંય કોઈ કટ નથી વાગતો. જીપ સળગી રહી છે એ આપણને પોલીસ અધિકારી જઈને જુએ છે ત્યારે ખબર પડે છે અને સળગતી જીપ દેખાય તે પહેલાં તેનો પ્રકાશ પોલીસ અધિકારીના ચહેરા પર દેખાય છે.

એક તરફ સીનની અંદર ખેંચી જતી લોંગ ટેક્સ છે, તો બીજી બાજુ ધડાધડ કટ્સ સાથેના ક્લોઝ અપવાળા ક્વિક શોટ્સ પણ છે. જેમ કે, મશાલો સળગે, લાકડીઓ છોલાય, હથિયારો ઉઠાવાય, ખીલ્લા ખોડાય, ઝાડના થડ પર કુહાડી ઝીંકાય, જમીન પર પાવડો વાગે, ધડાધડ માંસના ટુકડા થાય… 

આખી ફિલ્મમાં કેમેરા સતત  પોતાની ભૂમિકાઓ બદલતો રહે છે. ક્યારેક તે ભીડમાં દોડતી કોઈ વ્યક્તિ બની જાય છે, તો ક્યારેક તે ભીડને કિનારે રહીને તમાશો જુએ છે, ક્યારેક તે આકાશમાંથી બર્ડ આઈ વ્યૂ કે ગોડ્સ આઈ બનીને બધો તાલ જુએ છે, તો ક્યારેક ખુદ ભેંસનો વ્યૂ બની જાય છે. એક સીનમાં તાડના ઝાડ પર ચડેલા એક માણસની પડખે રહીને કેમેરા નીચે ચાલતો તમાશો જુએ છે!

જલ્લિકટ્ટુમાં કેટલાંય દૃશ્યોમાં જથ્થાબંધ માણસો કંઈક ને કંઈક કરતા દેખાય છે. જેમ કે, આગળ કંઈક મગજમારી ચાલતી હોય અને બેકગ્રાઉન્ડમાં કેટલાક લોકો ભેંસે પાડી નાખેલી નાસ્તાની લારી ઊભી કરતા હોય, રસ્તા પર લોકોનું ટોળું બથ્થંબથ્થા ઝઘડતું હોય અને એક પેસેન્જરો સાથેની ટેક્સી-જીપ હોર્ન વગાડતી પસાર થઈ જાય… આ બધું જોઈને આપણને થાય કે ડિરેક્ટરે આ બધું મેનેજ કઈ રીતે કર્યું હશે? જેમ કે, ઘોર અંધકારમાં જંગલમાં સળગતી મશાલો લઈને દોડતા સેંકડો લોકો, એકની માથે એક ચડતા-પટકાતા-પીંખાતા લોકો… ડિરેક્ટરે જણાવ્યા પ્રમાણે આમાંનું કશું જ સ્પેશિયલ ઈફેક્ટ્સથી સર્જાયું નથી.

આપણી લાલચનું પ્રતિબિંબ 

જલ્લિકટ્ટુ ડાર્ક, કેઓટિક ફિલ્મ છે, માણસજાતના અંધાધૂંધીવાળા જંગલી સ્વભાવને રિફ્લેક્ટ કરે છે. સાથોસાથ તે

Man is beast
માણસનું પગલું=જાનવરનું પગલું, બંને સરખાં!

બ્લેક કોમેડી પણ છે અને એબ્સર્ડિટી પણ છે. સ્વાભાવિક રીતે જ એક ભેંસને મારવા માટે આટલા બધા લોકોની જરૂર ન પડે, આટલા લોકો એકઠા પણ ન થાય. પરંતુ ભેંસ અહીં માનવજાતની સનાતન લાલસાનું પ્રતીક છે, સિનેમેટિક ભાષામાં કહો તો મેટાફર છે. ભેંસની જગ્યાએ સત્તા, પૈસો, સ્ત્રી, પેટ્રોલિયમ, ધર્મ… કંઈ પણ મૂકતા જાઓ, માણસનું આવું જ જંગલી બિહેવિયર બરાબર સમજાઈ જશે. આ ફિલ્મ તો મૂળે એસ. હરીશ નામના મલયાલી લેખકની ટૂંકી વાર્તા ‘માઓઈસ્ટ’ પરથી બનાવાઈ છે. તેમાં વ્યક્તિના જીવવાના મૂળભૂત અધિકાર પર મારવામાં આવતી તરાપ પર લેખકે કટાક્ષ કરેલો. જલ્લિકટ્ટુ ફિલ્મમાં એક તબક્કે એક પાત્ર કહે છે, ‘ખબર છે દુનિયામાં સૌથી ટેસ્ટી માંસ કોનું હોય છે? માણસનું!’ અન્ય એક દૃશ્યમાં કાદવમાં માણસનું પગલું અને તેની જ પડખે ભેંસનું પગલું બતાવીને પણ કહે છે કે આ બંને સરખાં જ છે. અન્ય એક દૃશ્યમાં એક વૃદ્ધ માણસ કહે છે, ‘આ માણસો બે પગે ફરે છે, પણ એ લોકો જાનવર જ છે!’

સ્થળ, કાળ, સમાજની તસવીર

ડિરેક્ટર લિજો જોસ પેલ્લિસેરી ફિલ્મ બનાવે ત્યારે માત્ર વાર્તા કહેવાને બદલે જે તે સ્થળ, જ્યોગ્રાફી, ત્યાંના લોકો, ત્યાંની ખાણીપીણી, એમની બોલી, સોશિયો-પોલિટિકલ પ્રવાહો વગેરે પાર વિનાની બાબતો પણ વણી લે છે. એટલે માની લો કે આ પ્રકારની હિંસક, એક્સપરિમેન્ટલ કે અંધાધૂંધીવાળી ફિલ્મમાં ખાસ મજા ન આવે, તોય તેની આસપાસની અનેક ચીજો અને સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન વગેરે માટે પણ જલ્લિકટ્ટુ જેવી ફિલ્મો જોવી જોઈએ. 

(શીર્ષક પ્રેરણાઃ ભગવતીકુમાર શર્માની ગઝલ ‘અમે આંધી વચ્ચે તણખલાંના માણસ’)

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s