બાલ કે આગે જહાં ઔર ભી હૈ!

Social Scroll_730 X 548_1_17_Hબોલિવૂડની ઘંટી જાડું દળે છે. અને લોકો પણ એ ‘કકરા’ લોટની બનેલી ‘વાનગીઓ’ ઝાપટવા જ ટેવાયેલા છે. અથવા તો લોકોને જાડા લોટની વાનગીઓ જ માફક આવે છે એટલે જ બોલિવૂડિયન પ્રોડક્ટ્સ પણ એવું જ દળે છે. આ વાત દર વર્ષે સૌથી વધુ કમાણી કરતી હિન્દી ફિલ્મોનું લિસ્ટ ચેક કરો એટલે સમજાઈ જ જાય. આવી એક લમણે વાગે ને ઢીમણું કરી દે એવી વધુ એક હિન્દી રિમેક રિલીઝ થઈ છે. નામ છે, ‘ઉજડા ચમન’. આમ તો ‘ઉજડા ચમન’ અને આયુષ્માન ખુરાનાની ‘બાલા’ની કોર્ટરૂમ બેટલને કારણે એટલું તો ક્લિયર છે કે આ બંને ફિલ્મો નાની ઉંમરે માથા પર ટાલ પડી જવાને કારણે યુવાનને પડતી મુશ્કેલીની ટ્રેજિ-કોમિક સિચ્યુએશન પર બની છે. 

એક નહીં, બબ્બે ફિલ્મોની રિમેક

વિકિપીડિયા પર આંટાફેરા કરવાની ટેવ હશે તો એય માલુમ હશે કે ‘ઉજડા ચમન’ એ 2017માં આવેલી કન્નડ ફિલ્મ ‘ઓન્ડુ મોટ્ટેયા કાથે’ની સત્તાવાર રિમેક છે. લેકિન ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ કન્નડ ફિલ્મની આ જ વર્ષે એક મલયાલમ રિમેક પણ આવેલી, ‘તમાશા’ (Thamasha). ‘ઉજડા ચમન’ બનાવી રહેલા ડિરેક્ટર અભિષેક પાઠક અને રાઈટર દાનિશ સિંઘે અગાઉની બંને ફિલ્મોમાંથી યથાશક્તિ ‘માધુકરી’ કરી છે અને તેમાં હિન્દી ઓડિયન્સને માફક આવે એવા તામસિક મસાલા નાખીને જંકફૂડ જેવી આ વાનગી તૈયાર કરી છે.

ટાલની ઓબ્વિયસ કોમેડી

ટાલનાં જનીન પુરુષોમાં જ પ્રભાવી રહે છે, સ્ત્રીઓમાં મોટે ભાગે તે પ્રચ્છન્ન એટલે કે સુષુપ્ત રહે છે. એટલે જ સામાન્ય સંજોગોમાં સ્ત્રીઓને માથે ટાલ પડતી નથી. ટાલ જેવા વિષય પર હાસ્ય લેખથી લઈને ફિલ્મ લખવી હોય, તો ઓબ્ઝર્વેશન આધારિત ઓબ્વિયસ મુદ્દા સૂઝે. પહેલાં તો ઊતરતા વાળ અને ઘટતી હેરલાઈન નોટિસ થાય, પછી અગાશીમાં પાપડ સૂકવ્યા હોય એમ બચેલા વાળથી પડેલી ટાલને ઢાંકવાનો પ્રયાસ થાય, ખરતા વાળને રોકવા અને નવા વાળના અંકુર ફૂટે તે માટે જાતભાતના અખતરાઓથી લઈને લોશન-દવાઓનો પ્રયોગ અને લોકોની સલાહોનો મારો ચાલુ થાય. ઘણા લોકો માથા પર વધ્યાઘટ્યા વાળને સુવેનિયર તરીકે સાચવી રાખે, તો ઘણા લોકો ક્રૂર થઈને માથા પર સફાચટ કરાવી નાખે. માથા પરના વાળ બળવાખોર નેતાઓની જેમ વૉકઆઉટ ચાલુ રાખે અને વાળની માયા છૂટે નહીં એટલે આખરી ઉપાય તરીકે વિગ પહેરવાનું ચાલુ થાય અને રાતોરાત માથું રાકેશ રોશનમાંથી હૃતિક રોશન જેવું બની જાય. પૈસા અને ધીરજ બંનેનું બેલેન્સ પૂરતા પ્રમાણમાં હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટનો રસ્તો પણ અજમાવવામાં આવે. (આવી સિચ્યુએશનો પર અમે પોતે એક્ઝેક્ટ સાત વર્ષ પહેલાં એક હાસ્યલેખ લખી ચૂક્યા છીએ.) આ તમામ તબક્કાઓમાંથી પસાર થયા બાદ છેવટે વાર્તાનો પ્રોટાગનિસ્ટ પોતાની ટાલને સ્વીકારી લે. કમનસીબે બે અઠવાડિયાંના ગેપ પર આવી રહેલી બંને ફિલ્મો (‘ઉજડા ચમન’ અને ‘બાલા’) આ ઓબ્વિયસ સિનારિયોથી ખાસ આગળ જતી નથી. ‘બાલા’ આવે ત્યારે તેની વાતો ડિટેઇલમાં કરીશું, અત્યારે ‘ઉજડા ચમન’ની મુલાકાત લઈએ.

‘એ હીરો, તૂ ચોમુ હૈ!’

અત્યારે તો સ્ટ્રેસ, ભંગાર લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ, ઊંચાં TDSવાળું પાણી વગેરેને લીધે નાની ઉંમરે જ મેલ પેટર્ન બૉલ્ડનેસ અત્યંત કોમન થઈ પડી છે. એટલે ટાલને અમુકથી વધારે સિરિયસલી કોઈ લેતું નથી. ત્યારે એક્ઝેક્ટ આ જ સ્ટોરી પરની ફિલ્મ થોડી આઉટડેટેડ તો છે જ. તેમ છતાં વિદેશોની સરખામણીએ આપણે ત્યાં વાળની ઘેલછા થોડી વધારે છે એ પણ સ્વીકારવું પડે. એટલે નાની ઉંમરે વાળ ખરવા માંડે એટલે વાળની સાથોસાથ આત્મવિશ્વાસ પણ ખરવા માંડે. પરંતુ આત્મવિશ્વાસ વાળનો મોહતાજ નથી. વાળની નીચેના બોડીમાં બીજી એવી હજાર બાબતો છે જે માણસને પ્રિય-અપ્રિય, સફળ-નિષ્ફળ બનાવે છે. કમનસીબે ‘ઉજડા ચમન’નો હીરો વાળ સિવાય એક પણ એવી ટેલેન્ટ ધરાવતો નથી, જેને કારણે એની સામે કોઈ બીજી વાર જુએ કે એને બે મિનિટ સાંભળે. એ હદ બહારનો અંતર્મુખી છે કે ફિલ્મનું જ એક પાત્ર કહે છે એમ એ ‘ચોમુ’ છે એ જ સમજાય નહીં. એનાં કપડાં, બોડી લેન્ગ્વેજ, વાતો, રસ-રુચિ… કશુંય એવું નથી કે લોકો એને સહેજ પણ ભાવ આપે. એ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાં હિન્દીનો પ્રોફેસર છે, લેકિન એની ભણાવવાની સ્ટાઈલ પણ હાડોહાડ બોરિંગ છે. ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાએ લખ્યું છે એમ, ‘જો એનું માથું વાળથી ભરચક હોત તોય કોઈ છોકરીને એ એટ્રેક્ટિવ લાગ્યો ન હોત.’

દરઅસલ, ‘ઉજડે ચમન’ જેવી સ્ટોરીનો હીરો (અહીં ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફેમ અદાકાર સન્ની સિંહ) ‘છોટી સી બાત’ના અમોલ પાલેકર જેવો હોવો જોઈતો હતો, કે એની પાસે સોશિયલ સ્કિલ્સ અને આત્મવિશ્વાસ તો નહોતા, ઉપરથી માથા પરથી હરિયાળી પણ ગાયબ થઈ ગઈ. એને કર્નલ જુલિયસ નાગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંહ જેવા કોઈ મેન્ટરની જરૂર હતી. અધૂૂરામાં પૂરું મેન્ટાલિટીની દૃષ્ટિએ પણ એ મેલ શોવિનિસ્ટ અને સ્ત્રીઓને ઓબ્જેક્ટિફાય કરનારો છે. ચોવીસે કલાક એનું મગજ ટાલ અને છોકરીની વચ્ચે જ લોલકની જેમ ફર્યા કરે છે. જે રીતે એ યુવતીઓને જુએ છે એ પણ ક્રીપ કે પોટેન્શિયલ સેક્સ્યુઅલ પ્રીડેટરની કેટેગરીમાં આવે તેવું છે. 

જાડું દળો, પૈસા રળો

ઓરિજિનલ કન્નડ ફિલ્મમાં ટાલ ઉપરાંત ત્યાંની માતૃભાષા કન્નડ પ્રત્યેના લોકોના એટિટ્યૂડ અને કન્નડ પ્રાઈડ વિશે પણ (સાઉથના સુપરસ્ટાર રાજકુમારની ફિલ્મોની ક્લિપિંગ્સ બતાવીને) ટંગ ઈન ચિક કમેન્ટ કરાઈ હતી. પરંતુ આ પ્રકારની કોઈ સબટેક્સ્ટ હિન્દી રિમેકમાં આવે તેવું તો કલ્પી શકાય એમ જ નથી. કેમ કે અગાઉની મોટા ભાગની સાઉથની ફિલ્મોની હિન્દી રિમેકમાં આવી સબટેક્સ્ટ અને નિર્દોષતાનું બાષ્પીભવન થઈ જાય છે (ફોર એક્ઝામ્પલ, ‘ઓ.કે. કન્મની’ની રિમેક ‘ઓકે જાનુ’). જોકે અહીં ડિરેક્ટરને માર્કેટમાં ખપે છે એવું જાડું દળવામાં જ રસ છે. એક તો મોટાભાગનાં કેરેક્ટર્સ સિમ્પ્લિસ્ટિક અને વન નોટ. જેમ કે લાઉડ પંજાબી પેરેન્ટ્સ, છોકરીઓ સાથે ચોંટેલો રહેતો ભાઈ, આખી કોલેજમાં એક જ માસ્તરની મજાક ઉડાવવાનું જેમનું એકમાત્ર લક્ષ્ય છે એવાં ચાઈલ્ડિશ કોલેજિયનો, ગોલ્ડડિગર યુવતી, અપોર્ચ્યુનિસ્ટ અને ઈમોશનલ પાર્કિંગ તરીકે યુઝ કરતી કલીગ વગેરે. પ્લસ, આ બધાંમાંથી પેદા થતી કોમેડી પણ બીજા ધોરણનાં બાળકોને પણ બાલિશ લાગે તેવી જુવેનાઈલ અને ક્યાંક ક્યાંક વલ્ગર છે.

સુંદરતાની ટિપિકલ વ્યાખ્યામાં જેને ક્રૂરતાપૂર્વક બાકાત રાખવામાં આવે છે તેવી સ્થુળ વ્યક્તિ જો હીરોને પરણવાની સ્થિતિ ઊભી થાય તો? ડિટ્ટો, આ સિચ્યુએશન પર આયુષ્માન ખુરાના-ભૂમિ પેડનેકર સ્ટારર ‘દમ લગા કે હૈશા’ બની હતી. તેમાં પોતાના શરીર પ્રત્યે સહેજ પણ ન શરમાતી સ્વમાની અને શિક્ષિત યુવતીનું મસ્ત દમદાર કેરેક્ટર લખાયું હતું. અહીં ફૂવડ કોમેડીને બદલે પોતાની શારીરિક ત્રુટિથી લઘુતાગ્રંથિ અનુભવતા યુવાન અને એવી લઘુતાગ્રંથિમાં ન પડતી અપરાઈટ યુવતીની સરસ સ્ટોરી લખી શકાઈ હોત. તેને બદલે અલગ અલગ સબપ્લોટ્સના સાંધા જોડ્યા હોય તેવા સીન અને ઈન્ટરવલ પછી ઉપરછલ્લી લવસ્ટોરી, ટેન્શન અને એક મેન્ડેટરી ફિલોસોફિકલ મોનોલોગ સાથે રિઝોલ્યુશન અને ગુરુ રંધાવાના પંજાબી સોંગ સાથે વાર્તા પૂરી.

સંવેદનશીલ મલયાલમ રિમેક

mv5byjbln2yxm2etowq0ys00mdazltgyymytogrkmgyxodfkyja0xkeyxkfqcgdeqxvymjkxnzq1ndi40._v1_ql50_એક જ કન્નડ ફિલ્મ પરથી બની હોવા છતાં આ વર્ષે જ આવેલી તેની મલયાલમ રિમેક ‘તમાશા’ આમાંથી એકેય ટ્રેપમાં ફસાઈ નથી. તે એક નખશિખ સંવેદનશીલ, રોમેન્ટિક કોમેડી બની છે. ‘ઉજડા ચમન’માં તો મેકર્સનું ફોકસ ફાલતુ કોમેડીમાં જ છે (એટલે જ સો કોલ્ડ ‘આઈરની’ પેદા કરવા માટે હીરોનું નામ ‘ચમન’ અને હિરોઈનનું નામ ‘અપ્સરા’ રાખ્યું છે. ‘બાલા’માં પણ એ જ ક્લિશે છે.) મલયાલમ તમાશાનો હીરો પોતાના દેખાવને લીધે સભાન છે, પરંતુ કોઈપણ પ્રકારની બિનજરૂરી લઘુતાગ્રંથિ કે ક્રીપિનેસથી પીડાતો નથી. યુવતીઓની નિકટ જવાના એના પ્રયાસો એકદમ નેચરલ છે, છતાં એના માથે પડેલી ટાલ એના સંબંધોની વચ્ચે આવે છે. અહીં પણ ‘ઉજડા ચમન’ની જેમ હિરોઈનની એન્ટ્રી ફિલ્મના સેકન્ડ હાફમાં પડે છે, પરંતુ ત્યારપછીથી સ્ટોરી એક અલાયદી સ્વીટ રોમકોમની જેમ આગળ વધે છે. આ મલયાલમ ફિલ્મમાં પણ વ્યક્તિના દેખાવ પરથી તેમને જજ કરવાનો અને કશું જ વિચાર્યા વગર બેફામ કમેન્ટ્સ કરવાની દુનિયાની ક્રૂરતા પર કમેન્ટ છે, લેકિન એક સેકન્ડ માટે પણ લાઉડ બન્યા વગર આ મેસેજ કહેવાઈ જાય છે. ત્યાંથી એક ડગલું આગળ વધીને ઓર એક સંવેદનશીલ ટ્વિસ્ટ પણ મુકાયો છે. હોસ્પિટલવાળી ‘ઉજડા ચમન’ની એક આખી સિક્વન્સ થોડાં મોડિફિકેશન્સ સાથે આ મલયાલમ ફિલ્મમાંથી લેવાઈ છે. જો લોકોને હસાવવાનો એકમાત્ર ઉદ્દેશ રાખ્યા વિના એક સંવેદનશીલ વાર્તા કહેવાનો હેતુ હોત તો ‘ઉજડા ચમન’ પ્રત્યે ઓડિયન્સને આપોઆપ સહાનુભૂતિ થઈ હોત.

હિન્દી ફિલ્મોના નકલી ટાલિયાઓ

ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ‘ઉજડા ચમન’ના સ્રોત એવી કન્નડ અને મલયાલમ બંને ફિલ્મોમાં હીરોને રિયલ લાઈફમાં 164523પણ ટાલ છે. પરંતુ આપણે ત્યાં ટાલિયા હીરો લોકોને ખપતા નથી. અમિતાભ, રાજકુમાર, રાકેશ રોશનથી લઈને સલમાન, આમિર જેવા અભિનેતાઓએ વિગ પહેરીને કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને પોતાની કરિયરની ગાડી ચલાવી. પરંતુ મલયાલમ સિનેમાના ફહાદ ફાઝિલની જેમ કોઈ મેઈનસ્ટ્રીમ હીરો ટાલ સાથે સુપરહીટ ફિલ્મો આપતો હોય એવું તો આપણે કલ્પી પણ ન શકીએ (એમાંય રજનીકાંતનો કેસ તો ઓર યુનિક છે!). સામે વિન ડીઝલ, ડ્વેન જ્હોન્સન (ધ રૉક), જેસન સ્ટેધમ, બ્રુસ વિલિસ જેવા હોલિવૂડના હીરોલોગને આપણે ફૂલડે વધાવીએ છીએ! હેરલોસ અને ટાલને જ ધ્યાનમાં રાખીને ‘ટેકો’ નામની એક બંગાળી ફિલ્મ આ મહિને આવી રહી છે. તેમાં વાળ વધારવાનો દાવો કરતી દવાઓના દાવાને કોર્ટમાં પડકારવાની વાત છે (અને તેમાં ફેરનેસ ક્રીમ, ડિઓ સ્પ્રે વગેરેને પણ આંટીમાં લીધા છે). આ ફિલ્મનો હીરો રિત્વિક ચક્રવર્તી પણ રિયલ લાઈફમાં ટકલુ છે. ઉજડા ચમન અને બાલા બંનેમાં રિયલ લાઈફમાં ઘનઘોર વાળ ધરાવતા પંજાબી હીરોલોગને બૉલ્ડ કેપ પહેરાવીને પરાણે ટકલુ બનાવવામાં આવ્યા છે, જે અતિશય નકલી અને સતત તેના પર જ ધ્યાન જાય એવા લાગે છે. સાચુકલી ટાલ આટલી વિચિત્ર અને કાર્ટૂનિશ નથી લાગતી.

સ્ટોક કેરેક્ટર્સ

ફિલ્મના તમામ કલાકારોને સિંગલ લાઈન બ્રીફ અપાયેલી છે. હીરોને ટાલથી દુઃખી અને વાળ તથા સ્ત્રીઓને જોઈને લાળ ટપકાવતા યુવકની, બંને સાઈડના પેરેન્ટ્સને લાઉડ હેલિકોપ્ટર પેરેન્ટ્સ તરીકેની અને હિરોઈનને તાત્કાલિક પ્રેમમાં પડી જતી સમજુ યુવતીની, ધેટ્સ ઈટ. હવે સની સિંહની એક્ટિંગ ટેલેન્ટ મર્યાદિત છે, એ અમોલ પાલેકર નથી. એટલે અડધો કેસ તો ત્યાં જ હારી જવાય છે. બાકીના કલાકારો સશક્ત છે, પણ એમના ભાગે પ્રીડિક્ટેબલ ડાયલોગ્સ બોલવા સિવાય કશું કરાવાયું નથી. અમારા જેવા નેવુંના દાયકાના લોકોને તો હીરોની મમ્મીનાં રોલમાં દેખાતાં ગ્રૂશા કપૂરને જોઈને ‘તારા’ સિરિયલની ‘દેવયાની’ જ યાદ આવે! હિરોઈન માનવી ગાગરૂને ઈન્ટરનેટના રસિયાઓ ‘TVF પિચર્સ’, ‘ટ્રિપલિંગ’ અને ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની દમદાર એક્ટર તરીકે ઓળખે છે. આ બ્લેન્ડ/ફિક્કી અને લાઉડ સ્ક્રિપ્ટમાં એમના ભાગે ઝાઝો સ્કોપ હતો જ નહીં.

જુવેનાઈલ પ્રોડક્ટ

‘ઉજડા ચમન’ જેવી જુવેનાઈલ ફિલ્મ, જેનું ગ્રામર જ રોંગ છે, તેને જોઈને ન તો હીરો પ્રત્યે કોઈ સહાનુભૂૂતિ થાય છે કે ન તો સતત એની મજાક ઉડાવતી દુનિયા પર ગુસ્સો આવે છે. કેમ કે, આ ફિલ્મમાં જેટલું બતાવે છે એ હદે દુનિયા બાલ અને ટાલની આસપાસ ફરતી નથી. અને હા, ‘ઉજડા ચમન’ (અને ‘બાલા’)ની જેમ જો સ્ત્રીઓ પોતાની પસંદગીના પુરુષમાં માત્ર વાળ જ જોતી હોત તો હવે તો દુનિયાના કરોડો યુવાનો કાયમ માટે વાંઢા જ ફરતા હોત!

રેટિંગઃ ** (બે સ્ટાર)

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s