ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં

Social Scroll_730 X 548_16 (1)

Spoilers Ahead
ધ સ્કાય ઈઝ પિંક’માં એક પણ શબ્દ વિનાનો એક નાનકડો સીન છે, જેમાં થોડા સમય પહેલાં મૃત્યુ પામેલી પોતાની ટીનએજ દીકરીની કબર પર એની માતા ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે છાંટે છે. સાવ સાઇલન્ટ્લી આવીને જતો રહેતો આ નાનકડો સીન અંગત મતે આખી ફિલ્મના સૌથી મુવિંગ સીન પૈકીનો એક છે. એ માતા અદિતિ ચૌધરી (પ્રિયંકા ચોપરા)ની 18 વર્ષની દીકરી રોગ પ્રતિકારક તંત્ર વિના જન્મેલી. એટલે સાવ સામાન્ય શરદી થઈ જાય એવો ચેપ પણ એના માટે જીવલેણ બની શકે. અને એટલે જ એની માતા સતત એની આજુબાજુની વસ્તુઓ પર ડિસઈન્ફેક્ટન્ટ લિક્વિડ છાંટતી રહે. સતત અઢાર વર્ષ સુધી દરરોજ એક માતાએ આ કામ કર્યું છે. લેકિન હવે દીકરી તો જતી રહી છે. પરંતુ માતાનું હૃદય એ શૂન્યાવકાશને સ્વીકારવા તૈયાર નથી. એને મન તો એની દીકરી ત્યાં નીચે આરામથી સૂતી છે. એટલે ત્યાં પણ એ ચેપથી-બીમારીથી દૂર રહેવી જોઈએ ને?!
અલબત્ત, ડિરેક્ટર શોનાલી બોઝની ‘ધ સ્કાય ઈઝ પિંક’ ફિલ્મમાં આવી શાંત-સટલ મોમેન્ટ્સ ઓછી છે, છતાં જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષની વાત કહેતી આ ફિલ્મ આપણને સતત એક આંખે હસાવતી અને બીજી આંખે રડાવતી રહે છે.

લાખોમાં એક, બીમારી
ટર્મિનલ ઈલનેસ એટલે કે અસાધ્ય બીમારીઓ પર બનેલી ‘આનંદ’થી લઈને ‘આશાયેં’ અને ‘ધ બકેટ લિસ્ટ’થી લઈને ‘ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ સુધીની ફિલ્મોથી ‘ધ સ્કાય ઈઝ પિંક’ (TSIP) બે રીતે અલગ છે. એક, આ ફિલ્મના કેન્દ્રમાં બીમારીથી પીડાતી વ્યક્તિ નહીં, બલકે તેને જીવાડવાનો સંઘર્ષ કરતાં તેનાં માતાપિતાની જદ્દોજહદ છે. બીજું, આ ફિલ્મ પૂરેપૂરી સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ વિશે થોડું ઘણું વાંચી ચૂકેલા લોકોને ખ્યાલ હશે જ કે મૂળ દિલ્હીનાં નિરેન અને અદિતિ ચૌધરીની નાની દીકરી આઈશા ‘સિવિયર કમ્બાઈન્ડ ઈમ્યુન ડેફિશિઅન્સી’ (SCID) નામની લાખોમાં કોઈકને જ થતી દુર્લભ જનીનિક ખામી સાથે જન્મેલી. તેની સારવાર માટે આઈશાને લંડનમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાયેલી. તેમાંથી સાજી થયા બાદ લગભગ સોળ વર્ષની ઉંમરે આઈશાને પલ્મોનરી ફાઈબ્રોસિસનું નિદાન થયું અને તેને કારણે જ 2015માં એ 18 વર્ષની ઉંમરે મૃત્યુ પામી.

અને લાખોમાં એક, આઈશા ચૌધરી
આ ફેક્ટને ફિલ્મનું સ્પોઈલર ગણતા હો તો સોરી, પરંતુ આઈશા ચૌધરી ખાસ્સી ફેમસ હતી. એ અત્યંત ટેલેન્ટેડ ચિત્રકાર હતી. પોતાના રોજેરોજના સંઘર્ષ પર એણે ‘માય લિટલ એપિફનીસ’ નામનું પુસ્તક લખેલું (એન્ડ બિલીવ મી, શી વોઝ અ ગિફ્ટેડ રાઈટર!). TED સહિતનાં પ્લેટફોર્મ્સ પર એણે સુપરહીટ પ્રેરણાત્મક પ્રવચનો પણ આપેલાં. ઈન્ટરનેટ પર આઈશાની તમામ ડિટેઇલ્સ સરળતાથી ઉપલબ્ધ છે. આટલું ટેલેન્ટેડ જીવન તેજલિસોટાની જેમ પૂરું થઈ જાય ત્યારે ઈશ્વરને ફરિયાદ કરવાની ઈચ્છા થાય કે, ધીસ ઈઝ નોટ ફેર.

ચાલો, લડી લઈએ
લેકિન ફિલ્મની મજા એ છે કે તેનું એકેય પાત્ર એકેય તબક્કે ‘ધીસ ઈઝ નોટ ફેર’ કે ‘વ્હાય મી?’ જેવા સવાલો પૂછીને રડીને બેસી રહેતું નથી. બલકે સતત તેમાંથી બહાર નીકળવા મથામણ કરતાં રહે છે. ફિલ્મનો બીજો એક સીન છે. જેમાં આઈશાના પિતા નિરેન (ફરહાન અખ્તર) સાંજે નોકરી કરીને ઘેર પાછા આવે છે. ત્યારે પાંચેક વર્ષના દીકરા ઈશાન અને છએક મહિનાની દીકરી આઈશાને મહામહેનતે સંભાળતી મમ્મી (પ્રિયંકા) પતિ પર અકળાઈ ઊઠે છે, પણ પછી હસીને દીકરીને પિતાના હવાલે કરીને પોતે નાઈટ શિફ્ટની નોકરી કરવા નીકળી પડે છે. પિતા બંને બાળકોને જમાડી-સુવડાવે છે. વહેલી સવારે નોકરી કરીને મમ્મી ઘરે આવે છે અને ત્યારે બાપ-દીકરો ઊઠે છે. મમ્મી થોડી ઊંઘ ખેંચવાનો પ્રયાસ કરે છે અને બીજી બાજુ પપ્પા દીકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલે છે. એક સાથે બે રૂમનાં દૃશ્યો જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવીને પેરેલલ ફ્રેમમાં આ ઘટનાક્રમ જોઈ શકાય છે. આવો સાઈલન્ટ સંઘર્ષ TSIPમાં સતત ચાલતો રહે છે.
TSIPની રાઈટર્સ ટીમ શોનાલી બોઝ, નિલેશ મણિયાર અને જુહી ચતુર્વેદીએ ફિલ્મની નેરેટર/સૂત્રધાર તરીકે ખુદ આઈશાને જ બનાવી છે. ફિલ્મની શરૂઆતમાં જ આઈશા વોઈસ ઓવરમાં કહે છે કે એ પોતે તો મૃત્યુ પામી છે. એના દ્વારા સતત નેરેટ થતી આ વાર્તા આઈશાનાં જન્મ પહેલાંથી શરૂ કરીને એના મૃત્યુ પછીયે ચાલતી રહે છે. જેમાં આઈશાનાં માતાપિતા-નિરેન અને અદિતિ (ફરહાન-પ્રિયંકા) જ કેન્દ્રમાં રહે છે. એમની ચાંદની ચોકની લવસ્ટોરી, ગંભીર બીમારી સાથે સંતાનનો જન્મ, તેમના ઈલાજ માટે ફાઈનાન્શિયલ-ઈમોશનલ સંઘર્ષ અને પછી આઘાત પચાવીને ખાલીપા સાથે જીવવાનો સંઘર્ષ આકાર લેતો રહે છે.

મોત સાથે ઘરોબો
જોતી વખતે સતત ફીલ થયા કરે કે આ ફિલ્મ સાથે મેકર્સનો પર્સનલ ટચ હોવો જોઈએ, નહીંતર ગંભીર માંદગીના બિછાને પડેલી દીકરીનાં માતા-પિતાની જિંદગીની ઘણી માઈન્યૂટ ડિટેઈલ્સ કઈ રીતે ઝીલી શકાય! વાત સાચી છે. ડિરેક્ટર શોનાલી બોઝે 2010માં સોળ વર્ષની ઉંમરના દીકરા ઈશાનને ગુમાવેલો. અમેરિકામાં નિવાસ દરમિયાન એમનો દીકરો ઈલેક્ટ્રિક શેવરથી દાઢી કરતી વખતે લાગેલી આગમાં ગંભીર રીતે દાઝીને મૃત્યુ પામેલો. એ પછી શોનાલી અને એમના ફિલ્મમેકર પતિ બેદબ્રત પાઈન (જેમણે ‘ચિત્તાગોંગ’ નામે ફિલ્મ બનાવેલી)એ મળીને તે રેઝર બનાવતી કંપની સામે કેસ પણ માંડેલો, પણ કમનસીબે તેઓ હારી ગયેલાં. એ પછી આ દંપતીના છૂટાછેડા થઈ ગયા. અત્યારે એમનો નાનો દીકરો વિવાન અમેરિકા રહે છે. TSIPના એક સીનમાં આઈશા વોઈસ ઓવરમાંથી કહે છે કે નાની ઉંમરે સંતાન ગુમાવનારાં 80 ટકા દંપતીઓના છૂટાછેડા થઈ જાય છે, તે વાતનો પડઘો પણ ડિરેક્ટર શોનાલી બોઝની પર્સનલ લાઈફમાંથી પડે છે. શોનાલીએ પોતાની પાછલી ફિલ્મ ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ (જે એમણે પોતાની કઝિન માલિની છિબની લાઈફસ્ટોરી પરથી બનાવેલી)માં પણ સ્વજનને ગુમાવવાની પીડા ઝીલી હતી.
શોનાલીની સહ લેખિકા જુહી ચતુર્વેદીએ (શૂજિત સરકારની) ‘ઓક્ટોબર’ ફિલ્મ વખતે કહેલું કે એમની મમ્મી રિયલ લાઈફ ‘શિઉલી’ હતી. એ પણ 30 વર્ષ સુધી હેમરેજ/કિડની ફેલ્યોર/કેન્સર/ટ્રાન્સપ્લાન્ટ/કોમા વગેરેની માણસને તોડી નાખે એવી પીડામાંથી પસાર થયેલી. એટલે આ બંને સ્ત્રીઓએ પ્રિયજનનું મોત, મોત આવે તે પહેલાંની પારાવાર પીડા અતિશય નજીકથી જોઈ છે, અનુભવી છે.

હસતે હસતે, કટ જાયે રસ્તે
જે ફિલ્મના દરેક દૃશ્યમાં મોતનો ભય ઝળુંબતો હોય તે બહુ આસાનીથી મેલોડ્રામેટિક બની જવાનું જોખમ રહે. રડતાં સ્વજનોના કે આપણા ગળે ડૂમો ભરાઈ આવે, આંખના ખૂણા ભીંજાઈ જાય એવા સીન વગર આવી ફિલ્મ બનાવવી અઘરી છે. TSIP નોન-મેલોડ્રામેટિક અને નોટ સો સિરિયસ બનવાનો ભરચક પ્રયત્ન કરે છે, સતત. એટલે જ ફિલ્મની શરૂઆતથી જ મૃત્યુ પામેલી ટીનએજર વોઈસ ઓવરમાં પોતાના મૃત્યુને તદ્દન હળવાશથી લે છે. ઈવન એના ફ્યુનરલના દૃશ્ય વખતે પણ બેકગ્રાઉન્ડમાં હેપ્પી મ્યુઝિક વગાડવામાં આવ્યું છે. TSIPને એ પણ ખબર છે કે આ ફિલ્મને આ ઝોનરામાં અગાઉ આવી ગયેલી ફિલ્મોની હરોળમાં બેસાડવામાં આવશે. એટલે વોઈસ ઓવર પણ એ જ રીતે રખાયો છે જેથી તે આ વાત વિશે ‘સેલ્ફ અવેર’ છે એનો ખ્યાલ આપતી રહે. અને ફિલ્મના ઘણા બધા સીનમાં હળવો ટોન સતત વહેતો રહે છે. ફરહાન-પ્રિયંકાની લવસ્ટોરી, એ ચાર જણના ફેમિલીના સીન, મા-દીકરીના શોપિંગની અને દીકરીને આનંદની પળો આપવા માટેની જદ્દોજહદનાં દૃશ્યો… એ બધાં સરસ હળવાફુલ બન્યાં છે. સ્કૂલના એક સીનમાં ઝાઈરા વસીમ પોતાની જ પાછલી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ના કો-સ્ટાર આમિર ખાનની મિમિક્રી કરે છે અને આપણા ચહેરા પર મેટા-હ્યુમરવાળું સ્માઈલ આવી જાય છે. ઉપરાંત ‘સોનિયા નામ મેં હી ઈતના ઉમ્ફ હૈ કિ પ્રાઈમ મિનિસ્ટર તક હિલ જાતે હૈ’ જેવી તોફાની લાઈન પણ છે! (જાગો, સેન્સર, જાગો!) છતાં TSIP ક્યાંય પણ લાઉડ થયા વિના કે આપણને ઈમોશનલ કરવાનો પ્રયાસ કર્યા વિના અંદર સુધી સ્પર્શી જાય છે. બાય ધ વે, જે રીતે SCID નામની બીમારી આપણા માટે નવી છે, એ જ રીતે હિન્દી ફિલ્મો માટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની (બાપ્ટિઝમ)ની વિધિ પણ નવી છે! (છેલ્લે પ્રિયંકાની જ ‘સાત ખૂન માફ’માં એને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી જોયેલી!)

સવાલ યે હૈ કિ
હા, એક ફિલ્મ તરીકે TSIPમાં ઘણા પ્રશ્નો છે. જેમ કે, કશા જ દેખીતા કારણ વગર ફિલ્મ સતત અલગ અલગ કાળખંડમાં ચાલ્યા કરે છે જેને કારણે પાત્રોની પીડા સાથે કનેક્ટ થવામાં અને પીડા માઉન્ટ થવામાં વિક્ષેપ પડે છે. ફિલ્મમાં વોઈસ ઓવરમાંથી પ્રિયંકા, ફરહાન અને એના ભાઈ (એક્ટર રોહિત શરાફ, જે ‘લવ યુ ઝિંદગી’માં આલિયાનો પણ ભાઈ બનેલો)ને ‘મૂઝ’, ‘પાન્ડા’ અને ‘જિરાફ’ કહીને સંબોધવામાં આવે છે. એ ત્રણેયનાં નિકનેમ યાદ રાખવામાં આપણને ઠીક ઠીક ટાઈમ લાગે છે. પ્રિયંકા-ફરહાનની લવસ્ટોરી દિલ્હીના ચાંદની ચોકથી શરૂ થાય છે, પરંતુ બંને કોઈ પૉશ એરિયામાંથી ચાંદની ચોકમાં માત્ર શૂટિંગ કરવા જ આવ્યાં હોય એવું જ લાગ્યા કરે છે. અમુક દીકરાના પેટરનિટી ટેસ્ટ, પતિ પર શક… એવા તદ્દન બિનજરૂરી ટ્રેક્સ ઓલરેડી લાંબી ફિલ્મને ઓર લંબાવે છે. ડિટ્ટો, સોંગ્સ. એક સીનમાં પ્રિયંકા કહે છે કે આઈશા સિવાય કોઈના માટે કશું કરતાં મને ક્યારેય આવડ્યું જ નથી. આ વાત કહેવાને બદલે અમુક દૃશ્યોનો મોન્ટાજ (દૃશ્યોનું સંકલન) કરીને બતાવી હોત તો વધુ ધારદાર બની જાત.

મમ્મીઃ મીણનું હૃદય, ખડકની સ્થિરતા
છતાં ફિલ્મમાં પ્રિયંકાના પાત્રમાં થથરાવી મૂકે તેવો નોન-સેન્ટિમેન્ટલ અને પ્રેક્ટિકલ અપ્રોચ પણ છે. જેમ કે, એક દીકરીને ગુમાવ્યા બાદ છએક મહિનાની બીજી દીકરીને પણ એવી જ ઉંમર ગંભીર બીમારી વિશે ખબર પડ્યા બાદ પ્રિયંકા પતિ ફરહાનને કહે છે કે એની સાથે તમને બાપ-દીકરાને વધુ અટેચમેન્ટ થઈ જાય એ પહેલાં હું એને તમારા બંનેથી દૂર લઈ જાઉં છું.
એ જ રીતે દીકરીની સતત કથળતી હાલત જોઈને પ્રિયંકા સમજી જાય છે કે એની દીકરી હવે ગણતરીના કલાકોની જ મહેમાન છે. એ રડીને બેસી રહેવાને બદલે ફટાફટ ફોન કરીને પતિ, દીકરો અને સગાંને બોલાવે છે. દીકરીની પબ્લિશ થઈ રહેલી બુકની પહેલી કૉપી મેળવવા પ્રકાશકને ફોન કરે છે. રસોડામાં જઈને કંઈક બનાવે છે. ઘડી ભર માટે પણ આપણી જાતને એની જગ્યાએ મૂકીને વિચારીએ તો ભયનું લખલખું શરીરમાંથી પસાર થઈ જાય.
પ્રિયંકા, ફરહાન અને ઝાઈરા ત્રણેયે પોતાની એક્ટિંગ ટેલેન્ટ ઓલરેડી સાબિત કરી દીધી છે. અહીં નવેસરથી એ વાતની પ્રતીતિ થાય છે. સાથોસાથ ઝાઈરા પર ગુસ્સોય ચડે કે આવી સરસ એક્ટિંગ કરતી છોકરી શા માટે આ ફિલ્ડ છોડીને જતી રહી હશે? ફિલ્મના એક સીનમાં પ્રિયંકા અચાનક પોતાના અવાજનો ટોન જે રીતે ચેન્જ કરે છે અને આપણે હબકી જઈએ છીએ, એ જોઈને લાગે કે પ્રિયંકા પાસે એક ફુલ ઓન હોરર ફિલ્મ કરાવવી જોઈએ. એ સીન ખાસ જોજો. એ જ રીતે પરિવાર અને દીકરીના ઈલાજ માટે ફરહાનનું કેરેક્ટર કઈ રીતે કોઈ જ ફરિયાદ કર્યા વિના મહેનત કરતો રહે છે એ પણ એના ચહેરા પરથી રિફ્લેક્ટ થતું રહે છે.

તો ઝિંદા હો તુમ
‘ધ સ્કાય ઈઝ પિંક’ ભલે મૃત્યુના કાળા રંગ પર આધારિત હોય, પરંતુ એ મૃત્યુની કાળાશ કે પીડાના બ્લ્યુ રંગ પર નહીં, બલકે પ્રેમ, ખુશી, નિર્દોષતા, બાળપણના રંગ પર વધુ ફોકસ કરે છે. ઈશ્વરે એમના આકાશમાં વેદનાનો બ્લ્યુ રંગ પૂર્યો હોય તો તેને ચેલેન્જ કરીને તેમાં ગુલાબી રંગ ભરવાની ચેલેન્જની પણ દાસ્તાન છે. કેવી રીતે એક પરિવાર સાથે મળીને લડે છે, જીવે છે, હારે છે, જીતે છે અને જીવે છે. પ્રેમ-સેક્સથી લઈને ગંભીર માંદગી સુધી કશું જ છુપાવવાને બદલે ખુદ દીકરી સાથે જ તે ડિસ્કસ કરવાથી લઈને દીકરાના ખોળામાં ભાંગી પડતા બાપ સુધીના તમામ સીન ડિરેક્ટર શોનાલી બોઝે ભારોભાર સંવેદનશીલતાથી ફિલ્માવ્યા છે.
જો હૃદયના કોઈ ખૂણે સંવેદનશીલતા સળવળતી હશે તો આ ફિલ્મ આંખના ખૂણા ભીંજવશે, એ વાતમાં બેમત નથી. છતાં ફિલ્મમાં ઈમોશન્સ પર સતત હળવાશની ઈસ્ત્રી ફેરવતા રહેવાને બદલે ઈમોશન્સને તેના પ્રાકૃતિક રૂપમાં રાખ્યાં હોત તો ફિલ્મ વધુ ઊંડે સુધી અસર કરી શકી હોત.

(શીર્ષકઃ કવિ જગદીશ જોશી)

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 thoughts on “The Sky Is Pink

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s