Social Scroll_730 X 548_13‘યે સવાલ તુમ આઠ પોર્ટુગિઝ પુલિસ ઓફિસર કી લાશોં સે પૂછના…’

ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની હૃતિક રોશન-ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વૉર’માં આ ડાયલોગ બોલાય છે તેની માંડ પાંચ-સાત મિનિટ પહેલાં આપણા દેશી ટોમ ક્રૂઝે એક વ્યક્તિને જેર કરવા માટે ભારતીય વાયુસેનાનું આખે આખું (ચાર એન્જિનવાળું બોઈંગ ગ્લોબમાસ્ટર-3) કાર્ગો વિમાન, તેમાં રહેલા સંખ્યાબંધ સૈનિકો અને માલસામાન સાથે ફૂંકી માર્યું છે (વેલ, આ સ્પોઈલર નથી, બલકે આ આખું મુવી પોતે જ ‘સ્પોઈલર-મૂડ સ્પોઈલર’ની કેટેગરીમાં આવે એવું છે!). ફિલ્મનો હીરો દેશ માટે દેશના જ નિર્દોષ સૈનિકોનો ભાજીમૂળાની જેમ ખાત્મો કરી રહ્યો હોય ને ટેક્સપેયરોનાં પૈસામાંથી આવતી મોંઘીદાટ ડિફેન્સ સામગ્રીનો કચ્ચરઘાણ વાળી રહ્યો હોય, ત્યારે તમે ઓડિયન્સ પાસેથી દેશભક્તિના ઈમોશનની અપેક્ષા રાખો એ કોઈ કાળે હજમ થાય એવું નથી. પછી ભલે તમે દિલ્હીના કનોટ પ્લેસમાં લહેરાતા જાયન્ટ રાષ્ટ્રધ્વજના એરિયલ શોટ્સ વારેઘડિયે બતાવ્યા કરો કે તિરંગાના બેકગ્રાઉન્ડમાં હૃતિક રોશનના ક્લોઝઅપ્સ બતાવો. ડેમેજ ઓલરેડી થઈ ચૂક્યો છે.

સ્પાય થ્રિલર બનાવવી છે? આ રહ્યો મસાલો!

RAW જેવી ભારતીય જાસૂસી સંસ્થા અને તેના માટે કામ કરતા સિક્રેટ એજન્ટ્સને કેન્દ્રમાં રાખીને બનતી વાર્તાઓ આપણે ત્યાં છેલ્લા થોડા સમયમાં વરસાદી ફૂદાંની જેમ ફૂટી નીકળી છે. RAWના ફુલફોર્મમાં પણ જેને સ્પેલિંગ મિસ્ટેક થતી હોય તેવો કોઈ શીખાઉ લેખક પણ અમુક સ્ટાન્ડર્ડ મસાલા ભભરાવીને આવી એક સ્ટ્રીટફૂડ જેવી સ્પાય થ્રિલર વાર્તાનો ઘાણ ઉતારી શકે તેવી સ્થિતિ આવી ગઈ છે. એક નો-નોન્સેન્સ સિરિયસ દેખાતો રૉ ટાઈપની એજન્સીનો ચીફ, ફિલ્મમાં માત્ર એકાદ-બે સીન માટે અને માત્ર પ્રેશર ઊભું કરવા માટે જ દેખાતા મિનિસ્ટર (જેને જે તે સમયની સરકારના મંત્રીનો ગેટઅપ પણ આપી શકાય), એક નર્ડ-ગીક જેવો દેખાતો કમ્પ્યુટર એનાલિસ્ટ જેનું કામ આખી ફિલ્મ કે વેબ સિરીઝમાં જાતભાતનાં કમ્પ્યુટરો કે સિક્યોરિટી કેમેરા હેક કરવાનું જ હોય અને ટાણે કમ્પ્યુટર/ટેબલેટ/પ્રિન્ટઆઉટ લઈને પોતાના ચીફની પાસે ધસી જઈને ‘સર, કુછ મિલા હૈ, યુ નીડ ટુ સી ધીસ’ બોલવાનું જ હોય, ગ્લેમર ક્વોશન્ટ ઉમેરવા માટે એક ફીમેલ એજન્ટ (જેને વાર્તાના હીરો પ્રત્યે અંદરખાને ક્રશ હોય) અને એક એવો એજન્ટ જે તેમના ચીફના મતે એમની સંસ્થાનો ‘નંબર વન’, ‘બેસ્ટ’ કે ‘એક હી ઐસા આદમી’ હોય… આ તમામ લોકો દ્વારા બોલાતા સંવાદોમાંઃ ISIS, તાલિબાન, હક્કાની, જૈશ, મિશન, સ્યુસાઇડ મિશન, એજન્ટ, સેફ હાઉસ, ફોલો માય ઓર્ડર્સ, રોગ (Rogue), રિપોર્ટ ટેબલ પર ચાહિયે, ટ્રેપ, ઈટ્સ અ ટ્રેપ, હની ટ્રેપ, ડબલક્રોસ, ડિવાઈસ, ટ્રાન્સમિટર વગેરે શબ્દો ભભરા દેને કા. અને હીરો જે કેસ, સોરી, મિશન પર કામ કરી રહ્યો છે તેનું રિસર્ચ કરવા માટે રોજ રાત્રે આંખમાં તેલનાં ટીપાં નાખીને જાગે છે એ બતાવવા માટે એના ખૂફિયા રૂમની દીવા પર નકશા-ફોટા-સ્કેચ-અખબારોનાં કટિંગ્સ-સ્કેચપેનથી નોંધ કરેલી સ્ટિકી નોટ્સ લગાવી દેવાની અને લાલ-પીળી નાડાછડી લઈને આ બધાને આડુંઊભું જોડી દેવાનું. 

હવે આમાં તમે આતંકવાદીઓ-પાકિસ્તાન દેશના કોઈ શહેર પર મોટો હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે એવું બતાવો, કોઈ ઉચ્ચાધિકારીનું મર્ડર બતાવો, કોઈ કારણસર હાથથી ગયેલો (rogue) એજન્ટ કે સંન્યાસ લઈ ચૂકેલો એજન્ટ બતાવો અને તેને સરહદ પાર જોખમી પરિસ્થિતિમાં તે ‘સાઝિશ નાકામ’ કરવા મોકલો, ત્યાં ઓલરેડી કામ કરતા આપણા એજન્ટને જાગ્રત કરો, દેશની સિક્રેટ સંસ્થામાંથી જ કોઈ વ્યક્તિને ફૂટેલી-ગદ્દાર બતાવો અને બજેટ પ્રમાણે વાર્તાના હીરો એજન્ટને વિવિધ દેશોની યાત્રા કરાવો… 

બસ, તમારી ક્લિશે સ્પાય થ્રિલર વાર્તાનો મસાલો તૈયાર!

સ્ટાર વૉર્સ

પાંચ વર્ષ પહેલાંની નવરાત્રિમાં આ જ હૃતિક રોશન સાથે થોરના હથોડા જેવી ફિલ્મ ‘બેન્ગ બેન્ગ’ આપી ચૂકેલા સિદ્ધાર્થ આનંદની ‘વૉર’માં આ તમામ મસાલા મોજુદ છે. રાધર એમણે કશું જ નવું કરવાનો પ્રયાસ કર્યો હોય એવું ક્યાંય દેખાતું નથી. રાઈટિંગ ડિપાર્ટમેન્ટમાં સિદ્ધાર્થ ભાઉ ઉપરાંત શ્રીધર રાઘવન અને અબ્બાસ ટાયરવાલા જેવાં નામો હોવા છતાં ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લેમાં ક્યાંય કોઈ સ્માર્ટનેસ કે ક્રિએટિવિટીના ચમકારા દેખાતા નથી. તેને બદલે પ્રોડક્શન હાઉસે બે બિગ સ્ટાર્સના ચાર્મ, એક્શન સિક્વન્સીસ અને ફોરેન લોકેશન્સમાં કરાયેલી ચકાચક સિનેમેટોગ્રાફી પર જ પૂરેપૂરું ફોકસ રાખ્યું છે. જો એટલા માત્રથી જ ઓડિયન્સ ખુશ થઈને હોલિવૂડ ઓવારી જતી હોય, તો પછી અપેક્ષાના પોટલાને ચંદ્રયાન ભેગું અંતરિક્ષમાં જ મોકલી દેવાનું રહે. કેમ કે, જો ઈમોશનલ કનેક્ટ ન હોય અને વાર્તા ખાસ ગ્રિપિંગ ન હોય તો આ પ્રકારની સિક્વન્સીસને વીડિયો ગેમ બની જતાં વાર નથી લાગતી.

હૃતિક અને ટાઈગર બંને જેમાં બેસ્ટ છે એ બધું જ અહીં કરે છે. ટાઈગર ‘ફ્લાઈંગ ટાઈગર’ બનીને ફ્લાઈંગ એન્ટ્રી મારે છે, સ્પાઈડર મેનને પણ લઘુતાગ્રંથિનો ગંભીર હુમલો આવી જાય એ હદે એકથી બીજાં મકાનો પર ‘પાર્કર’ (Parkour) તરીકે ઓળખાતી કૂદાકૂદ કરે છે, ફાઈટ કરે છે અને ડાન્સ પણ કરે છે. 

જ્યારે હૃતિકથી માત્ર આપણે જ નહીં, ‘વૉર’ ફિલ્મના મેકર્સ અને ખુદ ટાઈગર પણ પ્રભાવિત છે. હૃતિકની એન્ટ્રીનો એક ત્રણેક મિનિટનો સ્લો મોશનમાં શૂટ થયેલો એક સીન છે, જેમાં કોઈ મિશન પતાવીને આવેલા હૃતિક કુમાર (મેજર કબીર) હેલિકોપ્ટરમાંથી બહાર નીકળીને નિયત કરેલા મકાનની અંદર જાય છે. ધેટ્સ ઈટ. એ વખતે કેમેરા પણ જાણે કોઈ શિલ્પકાર પોતે સર્જેલી બેનમૂન મૂર્તિ સામે અહોભાવ અને સંતોષથી તાકી રહ્યો હોય એમ હૃતિકના આખા બદન પર કેમેરા ફરે છે. ટાઈગર અહોભાવથી હૃતિકને નિહાળે છે, ભારતીય ઉચ્ચ જાસૂસી સંસ્થાના વડા કર્નલ લુથરા પણ એને ‘આવ્યો મારો લાલો’વાળા લુકથી નીરખે છે. બંને આંખોથી ‘કામ હો ગયા’ ટાઈપના લુક એક્સચેન્જ કરે છે. એ ત્રણેક મિનિટ સંપૂર્ણપણે હૃતિકની એન્ટ્રીને જ સમર્પિત છે. એના કસાયેલા બદન પર ઘાવનાં નિશાન, માથા પર બંને બાજુએ વાળમાં આવેલી સફેદી, ચાલમાં ગર્વિષ્ઠ આત્મવિશ્વાસ બધું જ છલકે છે. વળી, સિનિયર ટીમ લીડર હોવા છતાં એ સૌથી છેલ્લે બહાર નીકળે છે. આ બધું જ એના કેરેક્ટરની ઓવરઓલ પર્સનાલિટી અને એક્સપિરિયન્સ વિશે કશું જ બોલ્યા વિના ઘણું બધું કહી આપે છે. લેકિન અફસોસ, એવી સટલ્ટી બાકીની ફિલ્મમાં લગભગ ગાયબ છે. 

જોકે એટલું તો માનવું પડે કે આ ફિલ્મમાં હૃતિક રોશન અદભુત, સુપર ડુપર હેન્ડસમ, બોલે તો, એકદમ કિલર લાગે છે! એક ફાઇટરમાંથી ‘ઓક્ઝેમ્બર્ગ’ જેવી કોઈ રેડીમેઇડ કપડાંની બ્રાન્ડના મોડલમાં અને તેમાંથી ટોમ ક્રૂઝ જેવા મારફાડ એજન્ટમાં થતું રહેતું ટ્રાન્સફર્મેશન આપણે બડી લિજ્જત જોતા રહીએ (થિયેટરમાં સિસકારા પણ સંભળાય તો નવાઈ નહીં!)

પૈસા હો તો ક્યા નહીં હો સકતા!

પ્રોડ્યુસર્સ પાસે એક ફિલ્મમાં ખર્ચવા માટે કેટલા પ્રચંડ રૂપિયા હશે તેનો ખ્યાલ આ ફિલ્મમાં સતત બદલાતા રહેતા લેન્ડસ્કેપ્સ પરથી જ ખ્યાલ આવી જાય. દિલ્હીથી શરૂ કરીને માલ્ટા, ઈટાલી, મોરોક્કો, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ, ઉત્તર ધ્રુવની નજીક આર્કટિક સર્કલમાં ક્યાંક, અહીંયા ભારતમાં કેરળ, મિડલ ઈસ્ટનો કોઈ યુદ્ધગ્રસ્ત વિસ્તાર… ‘જુરાસિક પાર્ક-1’ના હિન્દી ડબિંગનો ડાયલોગ ‘ખર્ચે મેં કોઈ કસર નહીં છોડી’ આપણને સતત સંભળાતો રહે!

શરૂઆતમાં ટાઈગરની એન્ટ્રીના (મોટે ભાગે) સિંગલ ટેક શોટવાળી ફાઈટથી શરૂ કરીને પહાડી રસ્તાઓ પર થતી ચેઝ સિક્વન્સ, વિમાનમાં થતી હવાઈ ફાઈટ, જેમ્સ બોન્ડની ‘ડાઈ અનધર ડે’ની યાદ અપાવે તેવી બર્ફીલી સપાટી પર થતી કાર ચેઝ, તમામ હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ અને શૂટઆઉટ્સ… બધું જ ઈમ્પ્રેસિવલી કોરિયોગ્રાફ, એક્ઝિક્યુટ અને શૂટ થયું છે. ફુલ માર્ક્સ ટુ સિનેમેટોગ્રાફર બેન્જામિન જેસ્પર.

એક્ટર્સનું પ્રશ્નોપનિષદ

‘મારા લુક્સ જ કાફી છે’ એવું વિચારતો હૃતિક, ‘હું તો ઊછળી ઊછળીને જ લોકોને ઈમ્પ્રેસ કરી દઈશ’ એવું વિચારતો ટાઈગર, ‘મારે સરકારી પ્રેશર, રખડુ એજન્ટોને સંભાળવાનું પ્રેશર અને પૈસા માટે આવા રોલ કરવા પડે બાકી હું સારો એક્ટર છું એનું ધ્યાન રાખવાનું પ્રેશર… બધું જ એકસાથે મેનેજ કરવું પડે છે’ એવું વિચારતા આશુતોષ રાણા, ‘યશરાજ મેં અપના કાફી ચલતા હૈ’ એવું વિચારીને ડાન્સ કરીને જતી રહેતી વાણી કપૂર, ‘આના કરતાં તો સલમાન ભાઈની ટાઈગર ઝિંદા હૈમાં મને સારો રોલ મળેલો’ એવું વિચારીને ટૂથપેસ્ટની મોડલ જેવું સ્માઈલ વેરતી અનુપ્રિયા ગોએન્કા… આ બધાને જોઈએ તો લાગે કે આ ફિલ્મમાં સટલ્ટીની કમી તો નથી, બસ, એને ડિકોડ કરતા આવડવું જોઈએ!!

ટિકિટ ઊંચી, અપેક્ષા નીચી

‘વૉર’ ટાઈપની ફિલ્મને હોલિવૂડમાં ‘હોલિડે મુવી’ કહે છે. તહેવારોમાં રિલીઝ થાય, (આપણે ત્યાં ઊંચી ટિકિટો ખર્ચીને) લોકો પરિવાર સાથે જોવા જાય, એકના એક ચવાયેલા તરીકાઓથી માઈલ્ડ મનોરંજિત થઈને બહાર આવે અને ‘ના, પણ મને તો મજા આવી હોં! પેલો કેવો મસ્ત લાગે છે! પેલો સીન તો જે સુપર્બ છે…આપણે તો હૃતિક જેવા ગોગલ્સ લેવા છે…’ ટાઈપની કમેન્ટ કરતાં બહાર નીકળે અને પોતાની રૂટિન લાઈફમાં મશરૂફ થઈ જાય. જો આવી મોડરેટ અપેક્ષાઓ લઈને જઈએ તો ‘વૉર’ ખાસ્સી મનોરંજક ફિલ્મ ગણી શકાય. 

ઔર લોજિક, યે ગયા બાઉન્ડરી કે બાહર!

હા, પછી તેમાં તમારે લોજિકલ સવાલો નહીં પૂછવાના કે ભઈ, મિશનની બરાબર વચ્ચે સ્પીડ-થ્રિલ બ્રેક કરતાં હાડોહાડ કંગાળ સોંગ્સ ક્યાંથી અને શા માટે આવી ગયાં? (ઓબ્વિયસલી, બે અદભુત ડાન્સર તમારી ફિલ્મમાં હોય તો ડાન્સિંગ સોંગ્સ તો બનતે હૈ!) ‘મિશન ઈમ્પોસિબલઃ રોગ નેશન’ જેવી પ્લેન સાથે ચિપકીને ઊડવાની સિક્વન્સ તો લીધી, પણ એની તમામ ફિલ્મોમાં જોવા મળતી એક કોમન સ્ટોરી ટેલિંગ ડિવાઈસ પણ લઈ લેવાની? અચ્છા, લીધું તો લીધું, પણ એ એટલું ઝડપથી કેવી રીતે થઈ જાય? તો પછી એનાથી જ બધું કામ પતાવી ન લેવાય? આ લોકો હેન્ડ ટુ હેન્ડ ફાઈટ્સમાં આટલો બધો ટાઈમ શા માટે બગાડતા હશે? જો એક ટીમ મેમ્બર લીડરનું કહ્યું ન માને અને પોતાની રીતે જ વર્તે તો એના પર ટ્રક ભરાઈને પ્રાઉડ કેવી રીતે થાય? ઉત્તર ધ્રુવમાં પણ ટાઈગર શ્રોફ ટીશર્ટ ફાડીને ઉઘાડા ડિલે ફાઈટ કેવી રીતે કરી શકે છે? ફિલ્મમાં ફિરોઝ કોન્ટ્રાક્ટર નામના માણસનું પાત્ર ગુલશન ગ્રોવરની જુનિયર આવૃત્તિ જેવું કેમ દેખાય છે? સિદ્ધાર્થ આનંદને એક પછી એક હથોડા મુવીઝ ડિરેક્ટ કરવાની પરવાનગી કેવી રીતે મળી જાય છે? (ઓકે, છેલ્લા બે સવાલો ઓપ્શનમાં કાઢી શકાય!)

આજ કુછ મીડિયોકર કરતે હૈં!

લેકિન વાત એ છે કે રજાઓના દિવસોમાં ઊંચી કિંમતની ટિકિટો ખરીદીને ‘માઉન્ટેન ડ્યૂ’ કે ‘થમ્સ અપ’નાં એક્સ્ટેન્ડેડ વર્ઝન જેવી અને હોલિવૂડમાં પણ ચવાઈ ગયેલી ક્લિશે સ્પાય થ્રિલર ફિલ્મ જોવામાં અને બે હેન્ડસમ હીરો પર ભાંતિ ભાંતિનાં લોકેશન્સ પર ફિલ્માવાયેલી ફાઈટ સિક્વન્સીસ જોઈને જ ખુશ થવામાં વાંધો ન હોય, તો બોલિવૂડને એક પછી એક મીડિયોકર ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો પરવાનો આપણે આપી દઈએ છીએ. 

આ જ પ્રોડક્શન ક્વોલિટીવાળી ફિલ્મ વધુ સારી, ગ્રિપિંગ અને મેચ્યોર સ્ટોરીલાઈન સાથે સુપર્બ બની શકી હોત. ખેર, યશ રાજ ફિલ્મ્સ ‘વૉર’ને પણ ‘ધૂમ’ જેવી ફ્રેન્ચાઈઝ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે જે ‘વૉર’નો એન્ડ જોતાં સમજી શકાય છે. આશા રાખીએ કે આગામી ફિલ્મોમાં માત્ર પૈસા વેરીને જ આપણને ઈમ્પ્રેસ કરવાને બદલે વાર્તા અને રાઈટિંગ પર પણ ધ્યાન આપે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s