Social Scroll_730 X 548_12પોતાની મનપસંદ ટેલિવિઝન ચેનલ તરીકે કોઈ ‘રાજ્યસભા’ ટીવીનું નામ ન લે તે સમજી શકાય તેવું છે. પરંતુ તેની પાંત્રીસ લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ ધરાવતી યુટ્યૂબ ચેનલને કારણે આ ચેનલનો એક પ્રોગ્રામ શોખીનોમાં ખાસ્સો લોકપ્રિય થયો છે. પ્રોગ્રામનું નામ છે, ‘ગુફ્તગૂ’. નામ જ કહી આપે છે તેમ આ પ્રોગ્રામ મોટે ભાગે ફિલ્મી હસ્તીઓના ઈન્ટરવ્યૂઝનો કાર્યક્રમ છે. તેના એન્કર સૈયદ મોહમ્મદ ઈરફાન કોઈ જ ઉતાવળ વિના કે લોકોને પરાણે એન્ટરટેન કરવા માટે ‘રેપિડ ફાયર’ ટાઈપના સવાલોની ભાંજગડમાં પડ્યા વિના ઈન્ટરવ્યૂ કરે છે. જે તે હસ્તીને ઊઘડવાની તક આપતા ઈરફાને થોડા સમય પહેલાં ‘મિન્ટ’ અખબારની સેટરડે પૂર્તિની એક સ્ટોરીમાં કહેલું, ‘કેટલીયે જાણીતી હસ્તીઓ યોગ્ય રીતે રેકોર્ડ થયા વિના જ મૃત્યુ પામી. મને ખબર જ નથી કે ઈફ્તેખાર ખરેખર કેવા માણસ હતા? મુકરી કેવા હતા એ પણ મને ખબર નથી. એક વ્યક્તિ તરીકે ઓમ પ્રકાશ કોણ હતા? એ. કે. હંગલની લાઈફ સ્ટોરી કેવી હતી?’ 

ભારતીય સિનેમાનું કંગાળ ડોક્યુમેન્ટેશન

ઈરફાનની વ્યથા તદ્દન સાચી છે. આપણે ત્યાં ડોક્યુમેન્ટેશનની પ્રથા નથી અને ડોક્યુમેન્ટેડ ખજાનાની કોઈને પરવા નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ છે NFAI, નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા. જેનું કામ જ ભારતીય સિનેમાના વારસાને સાચવવાનું છે, એવી આ સંસ્થાએ 31 હજારથી પણ વધુ દુર્લભ ફિલ્મ રીલ્સ કાયમ માટે ખોઈ નાખી છે. આ ચોંકાવનારી વિગત આ વર્ષે જ બહાર પડેલા CAGના રિપોર્ટમાં બહાર આવી હતી. એ પહેલાં પણ 2003માં NFAIમાં લાગેલી પ્રચંડ આગમાં જેમના નામે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર એનાયત થાય છે તેવા દાદાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ચંદ્ર’ (ભારતની સૌપ્રથમ ફીચર ફિલ્મ), ‘લંકા દહન’, ‘કાલિયા મર્દન’ જેવી ફિલ્મો સહિત 607 દુર્લભ ફિલ્મો અને 5,097 અન્ય રીલ ભસ્મીભૂત થઈ ગયેલી. ભારતની પહેલી ટૉકી (બોલતી) ફિલ્મ ‘આલમ આરા’ની ઓરિજિનલ પ્રિન્ટ પણ આપણે કાયમ માટે ખોઈ નાખી છે. NFAIના ડિરેક્ટર તરીકે પી. કે. નાયર હતા ત્યાં સુધી (એટલે કે 1991 સુધી)માં એમણે પર્સનલ ઈન્ટરેસ્ટ લઈને 8 હજાર ભારતીય સહિત 12 હજારથી પણ વધુ ફિલ્મો NFAIના આર્કાઈવમાં કલેક્ટ કરી હતી.

વિજુ ખોટેની વિદાય

જેમનું પ્રોપર ‘ડોક્યુમેન્ટેશન’ ન થયું એવી એક વધુ એક વ્યક્તિએ 30 સપ્ટેમ્બરે આપણી વચ્ચેથી વિદાય લીધી. તે વ્યક્તિ એટલે વિજુ ખોટે. મીડિયામાં એમના અવસાનની જેટલી નોંધ લેવાઈ તેમાં વિજુ ખોટે એટલે ‘શોલે’ના ‘કાલિયા’ અને ‘અંદાઝ અપના અપના’ના ‘રોબર્ટ’ એવો જ ઉલ્લેખ થયો. આ બંને એમણે ભજવેલાં સૌથી યાદગાર અને સુપરહિટ પાત્રો હતાં, એટલે લોકોને તે જ યાદ આવે તે સ્વાભાવિક છે. પરંતુ વિજુ ખોટે એક માણસ તરીકે, અદાકાર તરીકે કેવા હતા? એમના વ્યક્તિત્વનાં બીજાં પાસાં કેવાંક હતાં? તેઓ પોતાના અલગ અલગ રોલની તૈયારી કેવી રીતે કરતા? એમના પિતા નન્દુ ખોટે અને વિજુ જેમને ‘બુઆ’ (ફોઈબા) કહીને બોલાવતા એ પીઢ અભિનેત્રી દુર્ગા ખોટે પાસેથી એ એક્ટિંગની કેવી આંટીઘૂટીઓ શીખ્યા? એમનાં મોટાં બહેન શુભા ખોટે સાથે એમની કેમિસ્ટ્રી કેવીક હતી? 300થી પણ વધુ ફિલ્મોમાં પથરાયેલી એમની પાંચ દાયકાની અભિનય યાત્રામાં એમને કેવા કેવા યાદગાર અનુભવો થયેલા? એમણે જે આઈકનિક ફિલ્મમેકર્સ અને એક્ટર્સ સાથે કામ કર્યું, તો એમની નજરે એ ફનકારો કેવા હતા? 

આવા અનેક સવાલો હવે વિજુ ખોટેની સાથે જ અકબંધ હાલતમાં આ દુનિયામાંથી વિદાય થઈ ગયા છે. ગૂગલમાં સર્ચ મારીએ તો વિજૂ ખોટેનો એક પણ પ્રોપર ઈન્ટરવ્યૂ મળતો નથી. જે ગણ્યા ગાંઠ્યા ઈન્ટરવ્યૂઝ મળે છે, તેમાં કાં તો કોઈ જ સજ્જતા વિનાના પ્રશ્નકર્તા એમને કુછ ભી સવાલે પૂછ્યે જાય છે, અથવા તો એ ઈન્ટરવ્યૂ જ વિજુ ખોટેની ગરિમાને છાજે એ રીતે શૂટ થયેલો નથી હોતો. જેમ કે, એક ઈન્ટરવ્યૂમાં વિજુ ખોટે સસ્તા કપમાં બિસ્કિટ ડુબાડીને ખાઈ રહ્યા છે અને ખાતાં ખાતાં બોલી રહ્યા છે, ને ઈન્ટરવ્યૂ પત્યે તે એન્કર ઓન કેમેરા જ એમની પાસેથી માઈક્રોફોન માગી લે છે!

વિલન કા આદમી અને દો સીન વાલા કોમેડિયન

વિઠ્ઠલ ખોટે તરીકે આઝાદી પહેલાંના કાળમાં એટલે કે 1941માં જન્મેલા વિજુ ખોટેના પિતા નન્દુ ખોટે પણ અચ્છા અદાકાર હતા. એવું જાણવા મળે છે કે નન્દુ ખોટે ભારતીય સાઈલન્ટ ફિલ્મોમાં ખાસ્સા સક્રિય હતા. 1930-40ના દાયકામાં એમણે ‘સિંહાસન’, ‘બાલા જોબન’, ‘ભૂલ કા ભોગ’, ‘પરદેસી સૈંયા’ જેવી ફિલ્મો કરેલી, પરંતુ સમ ખાવા પૂરતી એકેય ફિલ્મનો એક નાનકડો સીન પણ અત્યારે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી (સામે પક્ષે હોલિવૂડ અને વર્લ્ડ સિનેમાની 1920-30ના દાયકાની સંખ્યાબંધ ફિલ્મો ડિજિટલી રિમાસ્ટર થઈને સરસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે!). નન્દુ ખોટે થિયેટરમાં પણ ખાસ્સા સક્રિય હતા. યુટ્યૂબ પર અવેલેબલ એક ઓડિયો ઈન્ટરવ્યૂમાં વિજુ ખોટે કહે છે કે એમણે પોતાના પિતાના દિગ્દર્શનમાં બનેલા બે નાટકોમાં એક્ટિંગ કરવાથી શરૂઆત કરેલી. એમની શરૂઆતી ફિલ્મ ‘જીને કી રાહ’ (1969)માં એમણે પોતાનાં જ ‘બુઆ’ દુર્ગા ખોટેની સાથે સ્ક્રીન શૅર કરીને એક નાનકડી ભૂમિકા ભજવેલી. એ પછી એમણે વિલનના આદમી લોગની નાનકડી ‘બ્લિન્ક એન્ડ મિસ’ ભૂમિકાઓ ભજવ્યે રાખી અને એમાં જ વિજુ ખોટે ટાઈપકાસ્ટ થતા ગયા. એમાં આપણી સિક્કા મારવાની ઈન્ડસ્ટ્રીની આદતનો પણ એટલો જ વાંક છે.

કેવી રીતે સર્જાયો કાલિયા?

જેના માટે એમને અને એમના કેરેક્ટરને કાયમ માટે યાદ રાખવામાં આવશે એવા ‘શોલે’ના ‘કાલિયા’નો રોલ એમને (એમણે જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે) અમજદ ખાનના કહેવાથી મળેલો. ફિલ્મ રિસર્ચર અવિજિત ઘોષની સાથેની એક જૂની વાતચીતમાં વિજુ ખોટે કહે છે કે ‘શોલે’ સ્ટાર્ટ થઈ એ પહેલાં એમણે અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ સાથે એક નાટક કરેલું, જેને કારણે તેઓ અમજદ ખાનના પણ લાઈવ ટચમાં હતા. શોલેમાં કાલિયાના રોલ માટે એમનું માંડ દસેક દિવસનું જ શૂટિંગ હતું (અને સ્ક્રીન પર તો તે માંડ ગણતરીની મિનિટો માટે દેખાય છે). છતાં વિજુ ખોટેએ કબૂલેલું કે સિપ્પી ફિલ્મ્સનું એ શૂટિંગ એકદમ પ્રોફેશનલ હતું. શૂટિંગની આગલી રાતે એક કવર એમના રૂમ પર પહોંચી જાય, જેમાં પછીના દિવસે કેટલા વાગ્યે કયા સીનનું શૂટિંગ છે તેની તમામ વિગતો લખેલી હોય. શોલેનો સીન કરતાં પહેલાં એ પાંચ-છ વાર ઘોડા પરથી પડી ગયેલા (જે રેસકોર્સની રિટાયર્ડ ઘોડી હતી), નસીબજોગે ખાસ ઈજા નહોતી થઈ. શોલેના એ સીનની લાઈન (‘ઔર બાકી ક્યા અપની બેટી કે બારાતિયોં કો ખિલાને કે લિયે રખ્ખી હૈ…?’ના ડબિંગ વખતે એમને કંઈક અઢારેક રિટેક થયેલા. બાય ધ વે, ‘કાલિયા’ના રોલ માટે એમને અઢી હજાર રૂપિયા મળેલા. 

‘સ્ક્રિપ્ટ સામેથી આવે તે સ્ટાર, બાકી બધા એક્ટર’

ઈન્ટરનેટ પર અવેલેબલ એમના છૂટક ઈન્ટરવ્યૂઝમાં ક્યાંક ક્યાંક ઈન્ટરેસ્ટિંગ એનેક્ડોડ્સ મળે છે ખરા. જેમ કે, યશજી (ચોપડા) પાસે એક વખત તેઓ કોઈ રોલ માગવાના ઈરાદે ગયેલા, અને યશ ચોપડાએ એમને કહેલું કે, ‘જો યાર વિજુ, મારી ફિલ્મોમાં ના તો પોલીસ આવે છે કે ના તો કોઈ કોમેડિયન હોય છે…’ (એટલે તારા માટે કોઈ રોલ નથી.) સંજીવ કુમાર વિશે વિજુ ખોટે કહે છે, ‘એ માણસ ગજબનાક રીતે કેરેક્ટરની અંદર-બહાર આવી-જઈ શકતો. એ કોઈક મજાક કરતો હોય, ડિરેક્ટર એક્શન બોલે એટલે કેરેક્ટરમાં, અને કટ્ બોલાય કે બીજી જ સેકન્ડે મને કહે કે યાર વિજુ તારી ટાઈ સરખી કર ને…’ સંજીવ કુમાર વિશે એમનું બીજું એક સ્ટેટમેન્ટ પણ રસપ્રદ છે, ‘હિન્દી સ્પીકિંગ પંજાબી હીરોલોગની સામે એક ગુજરાતી હીરો તરીકે એમણે પોતાનું મજબૂત સ્થાન બનાવેલું.’ દિલીપ કુમાર અખૂટ ધીરજ રાખીને ડાયલોગ્સનું રિહર્સલ કરાવતા… પોતાને શુભા ખોટેના ભાઈ હોવાનો ખાસ્સો ફાયદો મળેલો… મહેમૂદે એમને ગમે તેવો નાનકડો રોલ હોય તો પણ ન છોડવાની ‘આઉટ ઓફ સાઈટ આઉટ ઓફ માઈન્ડ’ની આપેલી સલાહ… સુભાષ ઘાઈ, રાજકુમાર સંતોષી સાથેના એમના હુંફાળા સંબંધો… એમની જાણીતી સિરિયલ ‘ઝબાન સંભાલ કે’ માટે એમને બે વિકલ્પ હતા, મદ્રાસીનો અને મરાઠી ઘાટીનો. પોતે મરાઠી હોવાને નાતે મરાઠી ભાષાના ન્યુઆન્સિસ આસાનીથી પકડી શકશે એમ કહીને તે મરાઠી વ્યક્તિનો રોલ સ્વીકારેલો. ભરત દાભોળકર સાથે એમણે ‘ગોડ ઓન્લી નૉઝ’ જેવાં અંગ્રેજી નાટકો પણ કરેલાં.

એક જગ્યાએ બહુ પ્રામાણિકતાથી વિજુ ખોટે સ્વીકારે છે કે જ્યારે મેકર્સ તમારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવે અને કહે કે ‘સર, આ રોલ છે, તમે કરશો?’, ત્યારે તમે ખરેખરા સ્ટાર બન્યા કહેવાઓ, બાકી તો એક્ટર્સ જ. ‘શૂટિંગ પહેલાં સ્ક્રિપ્ટ તો સ્ટાર લોકોને વાંચવા મળતી, અમને તો સીધા સેટ પર બોલાવવામાં આવતા અને ફરફરિયું પકડાવીને કહેતા કે આ આજના સીનનો ડાયલોગ છે. ક્યારેક તો રાઈટર હજુ સીન લખીને મોકલવાનો હોય અને તે પહેલાં જ અમારી પાસે એકાદો સીન શૂટ કરાવી લેતા!’

સાધારણ અભિનેતા? નોવ્વે!

ત્રણસો પ્લસ ફિલ્મો અને દારા સિંહથી લઈને રણબીર કપૂર-અજય દેવગણ સુધીના અભિનેતાઓ સાથે કામ કરી ચૂકેલા વિજુ ખોટે એક વખતે બહુ નિખાલસતાથી સ્વીકારે છે કે પોતે અત્યંત સાધારણ અભિનેતા છે અને એમને જે કંઈ સફળતા મળી છે તે ઉપરવાળાની મહેરબાની અને નસીબને કારણે મળી છે. વેલ, અંગતપણે વિજુ ખોટે મને ક્યારેય સાધારણ અભિનેતા લાગ્યા નથી. ફનકારોને એક ચોક્કસ બીબામાં ફિટ કરી દેવાની આપણી માનસિકતાએ એમના એક્ટિંગ ફલકને મર્યાદિત રાખ્યું એમ કહેવું વધારે બહેતર રહેશે.

અલવિદા વિજુ ખોટે સા’બ!

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 thoughts on “વિજુ ખોટેઃ ચરિત્ર અભિનેતાઓ પાછળના માણસોને આપણે ઓળખવાનો પ્રયાસ ક્યારે કરીશું?

  1. સદેહે હવે સ્વર્ગીય પરંતુ એક ઉમદા કલાકાર તરીકે સદૈવ સૌનાં મનમાં વસતા રહેશે એવા વીજુ ખોટે જીનો અહીં ટૂંકમાં છતાં સુંદર પરિચય વાંચવા-જાણવા મળ્યો..આભાર..!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s