kabir-singh-arjun-reddy-thumbSpoilers Warning: નીચેના આર્ટિકલમાં કબીર સિંઘ (અર્જુન રેડ્ડી)ની કોઈપણ સ્પોઈલરની સાડાબારી રાખ્યા વિના વાત કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી જ વાંચશો. 

અત્યારે એક વરસાદી સાંજે અમો આ લખી રહ્યા છીએ ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંઘ’ વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે કે હવે કબીર સિંઘની ટીકા કરવાને ‘રાષ્ટ્રીય અપરાધ’ જાહેર કરવાનું અને તેની ટીકા કરનારાઓને પોલીસ રક્ષણ આપવાનું જ બાકી રહ્યું છે! ક્લાસિક ‘દેવદાસ’ને સ્ટાઈલિશ અર્બન સ્પિન આપીને કહેવાયેલી આ સ્ટોરીએ બંને ભાષામાં જે સફળતા મેળવી છે એ જ બતાવે છે કે પ્રેમ અને પ્રેમમાં બધી રીતે બેન્કરપ્ટ થવાની ફેશન ક્યારેય આઉટડેટેડ થતી નથી (હમણાં થોડા સમયમાં જ તેની તમિણ આવૃત્તિ ‘આદિત્ય વર્મા’ નામે રિલીઝ થવાની છે, જેમાં તમિળ એક્ટર વિક્રમનો દીકરો ધ્રુવ ડેબ્યુ કરી રહ્યો છે). બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહેલી આ મુવીનો રિવ્યુ, રિવ્યુથી આગળ વધીને કેરેક્ટર એનાલિસિસ અને અન્ય વિચારોની કેટેગરીમાં પણ જાય છે.

***

‘માય લવ સ્ટોરી ઈઝ માય લવસ્ટોરી, ઈટ્સ નન ઓફ યોર લવ સ્ટોરી!’

સઈ પરાંજપેની અફલાતૂન ક્લાસિક કોમેડી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ (1981) યાદ કરો. તેમાં બે સિક્વન્સ છેઃ ફારૂખ શેખના બંને મિત્રો (રાકેશ બેદી અને રવિ બાસવાની) વન બાય વન ફિલ્મની હિરોઇન દીપ્તિ નવલના ઘરે તેને ઈમ્પ્રેસ કરવાના ઈરાદે જાય છે અને ધૂળ ચાટીને વિલા મોંએ પાછા ફરે છે. લેકિન ઘરે આવીને પોતાની ટંગડી ઊંચી રાખવા માટે પોતાને હીરો તરીકે પ્રેઝન્ટ કરીને-આખી સ્ટોરીનો પોતાને હીરો તરીકે રજૂ કરીને  ‘ક્રિએટિવ ફ્લેશબેક’ બતાવે છે, જેમાં માત્ર પોતાને જ નહીં, આસપાસનાં પાત્રો અને તેમનાં રિએક્શન પણ પોતાને અનુકૂળ આવે એ રીતે બદલી નાખે છે. એ જ ફિલ્મના અન્ય એક સીનમાં બંને મિત્રો (રાકેશ બેદી-રવિ બાસવાની) બાઈકની કિકો મારી મારીને સ્ટાર્ટ કરવાની કોશિશ કરતા રહે છે, લેકિન બાઈક મચક આપતી નથી. ત્યાં ફારૂખ શેખ આવે છે અને એક જ કિકે બાઈક સ્ટાર્ટ કરી દે છે. ત્યારે રાકેશ બેદી કેમેરા સામે (અને કેમેરા પાછળ રહેલાં ડિરેક્ટર સામે) જોઈને મેટા હ્યુમર ફટકારે છે, ‘હીરો હૈ ના!’

‘હેરી પોટર’ વિશે પણ એક ફૅન થિયરી હતી કે, હેરી પોટર વિઝાર્ડ-બિઝાર્ડ કશું જ નથી. એ માત્ર એક દુઃખી અનાથ બાળક છે, જે પોતાના દર્દનાક વર્તમાનથી છટકવા માટે જાદુઈ દુનિયાની કલ્પના કરે છે. હોગવર્ડ્સ, હરમાયની-રૉન-ડમ્બલડોર વગેરે બધાં એનાં દિમાગની જ ઊપજ માત્ર છે.

હવે ધારો કે  ‘હેરી પોટર’ની જેમ અર્જુન રેડ્ડી aka કબીર સિંઘ પણ એણે પોતે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જોયેલું સપનું માત્ર હોય તો?! (દરિયા કિનારે પ્રીતિને આલિંગનમાં લઈને સૂતેલા કબીરના બે શૉટ્સની વચ્ચે જ આખી ફિલ્મ આકાર લે છે એ જસ્ટ નોંધવા ખાતર!).

જેને ફ્લૉડ (Flawed-ખામીયુક્ત) કેરેક્ટર ગણીને લવિંગ કેરી લાકડીએ જ ફટકારવામાં આવે છે તે ‘કબીર સિંઘ’ માણસ તરીકે જર્ક/Jerk છે. ક્લિનિકલ સારવાર લેવી પડે એ હદે શોર્ટ ટેમ્પર્ડ છે, ઈગોઈસ્ટિક છે, કંટ્રોલ ફ્રીક છે, bully (બુલી) છે, જીભનો છૂટો છે, ઈમ્પલ્સિવ છે. પોતાને ગમતી વ્યક્તિ/વસ્તુ પ્રત્યે સખત માલિકી ભાવ ધરાવનારો છે. એ સેક્સિસ્ટ પણ છે અને અત્યારે જે બે શબ્દોને સૌથી વધુ ગાળો પડી રહી છે તેવો મેલ શોવિનિસ્ટ અને મિસોજિનિસ્ટ પણ છે. એ બાયપોલર ડિસઓર્ડરથી પણ પીડાતો હોઈ શકે (એક તબક્કે સ્ત્રીઓને ઓબ્જેક્ટિફાય કરતા પોતાના મિત્રના ફ્યુચર બનેવીને વખોડી કાઢે છે, ને બીજા તબક્કે એ પોતે ‘ફૅટ ચિક્સ આર લાઈક ટેડી બેઅર’ કહીને સ્ત્રીઓને ઓબ્જેક્ટિફાય પણ કરે છે). ગમે કે ન ગમે, આ બધાં અપલખ્ખણ એનામાં દસ્તાથી કૂટીને ભર્યાં છે. આ બધાંની સાબિતી પણ ફિલ્મમાંથી જ મળી રહે છે. પરંતુ રાઈટર-ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને એની જ લવસ્ટોરી કહેવી છે. હા, આ ‘પૅકેજ’માં એ સાથોસાથ પેશનેટ લવર હોઈ શકે, પરંતુ એનાથી એનાંમાં રહેલાં આ અપલખ્ખણોનો છેદ નથી ઊડતો. આ સ્થિતિમાં એને એક કેરેક્ટર તરીકે ગમાડવો અઘરો થઈ પડે છે.

એટલે ધારી લો કે ‘દિલ ચાહતા હૈ’ (DCH)નો અયૂબ ખાન કે રામુ (RGV)ની ઓરિજિનલ ‘શિવા’નો મકરંદ કે ‘ડર’નો શાહરુખ કોઈ ચોક્કસ પ્રકારનો ‘માલ’ ફૂંકીને ‘ટ્રિપ’ પર નીકળી જાય, અને તેમાં એ પોતાની જે લવસ્ટોરી જુએ એ આ અર્જુન રેડ્ડી aka કબીર સિંઘ મુવી (જસ્ટ લાઈક ‘ચશ્મે બદ્દૂર’). યાને કે બોસ, અપુન કો ભી ઐસા, હીરો કા માફિક એકદમ ડીપ લવસ્ટોરી માંગતા. કેમ કે, થ્રુઆઉટ ધ ફિલ્મ, એ પોતાની તમામ ‘હલકાઈઓ’-અપલખ્ખણો છતાં તેમાંથી સાંગોપાંગ બરી થઈ જાય છે. એ ફૂટબૉલના ગ્રાઉન્ડમાં હરીફને મેલાં કપડાંની જેમ ટીચી નાખે છે છતાં ન તો હરીફ ટીમ એનો ખુરદો બોલાવે છે કે ન તો એની સામે સિરિયસ પોલીસ કમ્પ્લેઇન થાય છે. એ પછીયે જાણે શું યે મોટી ‘ફાઈટ ઓફ ધ સેન્ચુરી’ જીતીને આવ્યો હોય એ ટણીથી ડીનની સામે ઊભો રહે છે, (ફૂટબોલ વાયોલન્ટ/કોન્ટેક્ટ સ્પોર્ટ છે ને ફાઈટિંગથી સેટિસ્ફેક્શન મળે છે એવી ફિલોસોફી ઝાડીને) પોતાના વાયોલન્સને જસ્ટિફાય કરે છે, ડીનને પણ અપમાનિત કરે છે અને બડી બેશર્મીથી જુનિયર્સ પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન પણ અપાવાય છે. (કોઈ FIR વિના) એ એક મહિનાનું સસ્પેન્શન મેળવે છે, જેને એ બૅજ ઑફ ઑનરની જેમ લે છે. ઈવન એના પિતા પણ આ સસ્પેન્શનને એકદમ કેઝ્યુઅલી લે છે.

એ પોતે પોતાને ગમતી છોકરી (પ્રીતિ- કિયારા અડવાણી) ‘માર્ક’ કરી લે, એ હવે એની ‘બંદી’ છે તેવું ખુલ્લે આમ જાહેર કરી દે છે (અહીં પન/pun સિરિયસલી ઈન્ટેન્ડેડ છે. એ લિટરલી એને પોતાની ‘બંદી’-કેદી જ બનાવી લે છે), એ એને જાહેરમાં કિસ કરે છે અને છોકરી સામે કોઈ જ પ્રતિકાર ન કરે, ગણતરીના દિવસોમાં જ એ પ્રીતિની આખી લાઈફ પર કબ્જો કરી લે. ધીમે ધીમે એ પ્રીતિ પણ એના એકદમ ડીપલી પ્રેમમાં પડી જાય.

પોતે ગમે તેવું ઓબ્નોક્સિયસ-વાહિયાત બિહેવ કરે, મિત્રોથી લઈને એની લાઈફમાં આવતા મોટા ભાગના લોકો સતત એને હીરો સાબિત કરવાની મથામણમાં રહે. એક તબક્કે એ પોલીસ સ્ટેશન ભેગો થાય, તો સળગાવેલી એક બીડી પૂરી થાય એ પહેલાં તો છૂટી જાય. એ આલ્કોહોલિક-ડ્રગ એડિક્ટ બને, ચાકુની અણીએ છોકરીનો રેપ કરવા સુધી પહોંચી જાય, અજાણી છોકરીઓ પાસેથી સેક્સ્યુઅલ ફેવર્સ માગે, ગમે ત્યારે ગમે તેના પર હાથ ઉપાડી લે, ગ્લાસ તોડવા જેવા ફાલતુ કારણોસર પણ એ કામવાળીને હડકાયા કૂતરાની જેમ મારવા દોડે… એ કુચ્છ ભી કરે છતાં હીરો તરીકે બહાર આવે અને આપણી સિમ્પથી અર્જુન/કબીરની સાથે જ રહે. એ બેધડક એવું જાહેર કરે કે એણે પોતાની તમામ સર્જરીઓ દારૂ પીને જ કરી છે, છતાં આપણે અંદરખાને એ વાત સ્વીકારી લઈએ કે ભલે ને ગમે તે હોય પણ અગાઉ કોઈ મર્યું તો નથી ને! (આ તો દારૂ પીને બસ કે વિમાન ચલાવતા ડ્રાઈવર/પાઈલટને જસ્ટિફાય કરવા જેવી વાત થઈ. બાય ધ વે, નશાના ઘેનમાં રહેલા અર્જુન/કબીરને ડ્રગ્સના શોટ આપીને જગાડીને ઈન્ક્વાયરીમાં લઈ જવાની આખી સિક્વન્સ હોલિવૂડ ફિલ્મ ‘ફ્લાઈટ’ (2012)થી ઈન્સ્પાયર્ડ છે, જેમાં ડેન્ઝેલ વોશિંગ્ટન કોકેઇન અને વોડકાના નશામાં પ્લેન ઉડાડે છે. ફેક્ટ કર્ટસીઃ કોમેડિયન અતુલ ખત્રી.)

આખી ફિલ્મમાં જેટલી પણ સ્ત્રીઓ દેખાઈ છે એ બધી જ કબીર/અર્જુને વિચારેલું જ વર્ઝન હોય એવી લાગે છે. એની ઈચ્છા પ્રમાણે જ વર્તતી અને એના સેક્સિસ્ટ બિહેવિયર છતાં એના પ્રેમમાં પડી જતી પ્રીતિ, એના જિદ્દી-માથાભારે-મોઢે ચડાવેલા બાળક જેવા સ્વભાવને જસ્ટિફાય કરતાં એનાં દાદી, માત્ર મૂક દર્શક બની રહેતી મમ્મીઓ (કબીર અને પ્રીતિ બંનેની), એના નશેડી વર્તન છતાં એને ‘ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર’ની જેમ જોતી નર્સો, એને જોતાંવેંત ઈમ્પ્રેસ થતી, એના પ્રેમમાં પડી જતી અને એનાં કપડાં પણ ઈસ્ત્રી કરતી ફિલ્મ અભિનેત્રી, પોતાના જ પેશાબમાં આળોટતો જોયા પછીયે પોતાની બહેન જાણે રમવાનો ઘૂઘરો હોય એમ મિત્રનાં ચરણોમાં ધરી દેવાની પેશકશ કરતો એનો મિત્ર અને એની બહેનને પણ તેમાં કોઈ જ વાંધો ન હોવાની જાહેરાત… (યાદ કરો, ‘ચશ્મે બદ્દૂર’નું રાકેશ બેદી અને રવિ બાસવાનીના ક્રિએટિવ ફ્લેશબેક.)

આ ફિલ્મ આપણી હાડોહાડ મેલ ડોમિનેટેડ મેઈનસ્ટ્રીમ સિનેમાની પરંપરાના ફરજંદ જેવી છે અને તેની મેન્ટાલિટી કબીર/અર્જુનના દિમાગની જ પેદાશ છે તે સાબિત કરતું છેલ્લું કારણ એ કે જ્યારે પ્રીતિ કબીરની લાઈફમાં પાછી ફરે છે ત્યારે એ મહાન સિક્રેટ છત્તું કરતાં કહે છે કે એણે પોતાના પતિની ટચલી આંગળી સુદ્ધાં પોતાને સ્પર્શવા દીધી નથી. ઓબ્વિયસલી, હિરોઈન પર હીરો સિવાય બીજા કોઈનો અધિકાર થોડો હોઈ શકે?! એના માટે તો એ ‘ગંગા કી તરહ પવિત્ર’ રહેવી જોઈએ ને?!

પ્રીતિની યાદમાં દેવદાસ બનીને રહેવા માંડેલો કબીર પોતાની પાળતુ કૂતરીને પોતાની ગર્લફ્રેન્ડનું નામ ‘પ્રીતિ’ આપે છે (રિયલી?!). ફિલ્મ જોતાં જોતાં મને એની પાલતુ ડોગીની પણ દયા આવવા માંડેલી!

***

છતાં આપણને કબીર/અર્જુન ગમે છે, એની છટપટાહટ, એના ભયંકર સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ઝુરાપા પ્રત્યે કૂણી લાગણી થાય છે કેમ કે, ડિરેક્ટર આપણને એ મનાવવામાં ગજબનાક રીતે સફળ રહ્યા છે (તેનું એક કારણ ફિલ્મ ક્રિટિક ભારદ્વાજ રંગને નોંધ્યું છે તેમ આપણને-મેઈન સ્ટ્રીમ સિનેમાના દર્શકોને ગુડ લુકિંગ હીરોને ગમાડવાનું શીખવવામાં આવ્યું છે). અર્જુન રેડ્ડી (વિજય દેવરાકોન્ડા) કે કબીર સિંઘ (શાહિદ કપૂર)ની જગ્યાએ શિવાનો મકરંદ દેશપાંડે કે DCHનો અયૂબ ખાન પ્રીતિને માત્ર પોતાની ઈચ્છાથી જાહેરમાં કિસ કરી લેતો ઈમેજિન કરો, અને પછી વિચારો કે એ દૃશ્ય કેટલું જસ્ટિફાયેબલ લાગે છે! 

મેં ઘણી સ્ત્રીઓને પોરસાઈને એવું કહેતી સાંભળી છે કે, ‘અમારા ‘એ’ને તો ખાવામાં જરાય જેવું તેવું ન ચાલે. દાળમાં સહેજ મીઠું ઓછું-વત્તું હોય તો સીધ્ધો દાળના વાડકાનો છૂટ્ટો ઘા કરે…’ એ જ રીતે ફિલ્મની શરૂઆતમાં જ કબીરનાં દાદી (કલ્પના કાર્તિક) ફિલ્મની સ્ટોરીના સારરૂપે કહી દે છે કે કબીર નાનો હતો ત્યારે એને એક ઢીંગલી બહુ ગમતી. એક દિવસ એ ઢીંગલી ખોવાઈ ગઈ. તો રડી રડીને ખાઈને એમ જ સૂઈ ગયેલો. ડિટ્ટો, કબીર હજી બદલાયો નથી. હજીયે એને ઢીંગલી જોઈએ છે. પ્રીતિ તરીકે એ ઢીંગલી શોધી પણ લે છે, જે બધું જ કામ એની મરજી પ્રમાણે કરે. એ ઈચ્છે એ જ રીતે એ પણ એના પ્રેમમાં પડે. એના પ્રેમનો રિસ્પોન્સ આપે. કપડાં પણ એની મરજી મુજબ જ પહેરે. જરાકેય એ પોતાની મરજી વિરુદ્ધ (અને ખુદની મરજીથી સ્વતંત્ર રીતે) વર્તે તો લાફો ઠોકી દે. પરિસ્થિતિ પોતાના કંટ્રોલની બહાર જાય તો એ સેલ્ફ ડિસ્ટ્રક્શનના કોપ ભવનમાં પુરાઈ જાય. કદાચ એની સ્થિતિ પર દયા ખાઈનેય (ને ‘પોતાની ભૂલ સમજીને’) જો પ્રીતિ એની પાસે પાછી આવતી હોય તો.

***

કેરેક્ટર્સઃ ડિરેક્ટરની કઠપૂતળી

હૃતિક રોશનની ‘કાબિલ’ના એક સીનમાં એના પાત્રનું વર્તન ઘણા લોકોને ખૂંચેલું. (Spoiler) એની પત્ની બનતી યામી ગૌતમ પર અમુક હરામખોરો બળાત્કાર કરી જાય છે. મહામહેનતે યામી આ વાત હૃતિકને કહે છે. એ સાંભળીને પત્નીને ભેંટીને એને સધિયારો આપવાને બદલે હૃતિક બીજી બાજુ મોઢું ફેરવી લે છે. એ વખતે એના ચહેરા પર અણગમાના ભાવ ચોખ્ખા દેખાય છે. એ બિહેવિયર ઘણા લોકોને ચચર્યું હતું. યામીના પાત્રની આત્મહત્યા પાછળ હૃતિકના કેરેક્ટરના એ ટિપિકલ મૅલ બિહેવિયરનો પણ ફાળો હતો. ત્યારે ફિલ્મ વિશે વાત કરતી વખતે ઘણા લોકોએ એ વાત નોંધેલી કે શા માટે હૃતિકનું પાત્ર પોતાની પત્નીને સીધો સપોર્ટ નથી કરતું. તેની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ થયેલી કે તે ડિરેક્ટરે ક્રિએટ કરેલું પાત્ર છે, દર્શકોએ નહીં. એટલે એ પાત્ર પણ ડિરેક્ટરની મરજી પ્રમાણે જ બિહેવ કરશે.

ડિટ્ટો, ‘કબીર સિંઘ’માં પ્રીતિનું પાત્ર પણ ઘણી મહિલા દર્શકોને અકળાવી રહ્યું છે. શું કામ કોઈ મૅડિકલ કોલેજના કેમ્પસમાં છોકરીઓએ ‘કન્યાશાળા ધો. 5(બ)’ની સ્ટુડન્ટની જેમ કે પછી મહિલા જેલની કેદીઓની જેમ નીચી મુંડી રાખીને હરોળબંધ ચાલવું જોઈએ? શા માટે કોલેજનો ગુંડો (ભલે એ ટોપર હોય) જાહેરમાં એને પોતાની ‘બંદી’ જાહેર કરી દે, પોતાની અનિચ્છાએ જાહેરમાં કિસ કરી લે, ક્લાસમાંથી ઉઠાડીને બહાર લઈ જાય, ત્યારે એને લાફો નથી ઠોકી દેતી? પોલીસ નથી બોલાવતી? કે એની ફોર્મલ કમ્પ્લેઇન નથી કરતી? ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી આવીને કબીર જ્યારે સરાજાહેર એના ખોળામાં માથું નાખીને સૂઈ જાય ત્યારે એને હડસેલીને કાઢી મૂકવાને બદલે શા માટે એના માટે ઓઢવાની ચાદર મંગાવે છે? શા માટે એ કબીરના હાથે કારણ વિના થપ્પડ ખાઈને પણ એને કરગરતી રહે છે? ‘કબીર કી બંદી’ સિવાય પોતાની કોઈ ઓળખ નથી એવી હાડોહાડ વાંધાજનક વાત પણ એ કેમ બેવકૂફની જેમ સ્વીકારી લે છે? (ફિલ્મ ક્રિટિક સુચારિતા ત્યાગીએ નોંધ્યું તેમ) શા માટે એ ‘સ્ટોકહોમ સિન્ડ્રોમ’ને પ્રેમ સમજી બેસે છે? શું એ પ્રીતિમાં બુદ્ધિ કે સ્વમાન જેવું કશું નહીં હોય? અને શા માટે એ કબીરને સાવ સહેલાઈથી માફ કરી દે છે, જાણે એ રાહ જોતી હોય?

વેલ, આ પ્રશ્નો થવા-વાંધા પડવા તદ્દન સ્વાભાવિક છે અને થવા જ જોઈએ. આવા પ્રશ્નો થવા એ જાગ્રત થતી સ્ત્રીઓ અને હેલ્ધી-પ્રોગ્રેસિવ થતા સમાજની નિશાની છે. 1991માં જુહી ચાવલા-અનિલ કપૂર સ્ટારર ‘બેનામ બાદશાહ’ નામનું એક મુવી આવેલું. તેમાં એક પ્રોફેશનલ ગુંડો (અનિલ કપૂર) લગ્નની આગલી રાતે એક યુવતી (જુહી ચાવલા) પર બળાત્કાર કરે છે. ભાંગી પડેલી તે યુવતી તે હરામખોર ગુંડાને સજા અપાવવા માટે કોર્ટે ચડવાને બદલે શું કરે છે? તે એ ગુંડાના ઘરની નજીક રહેવા આવી જાય છે, એને પોતાની સાથે લગ્ન કરવા માટે મનાવવાની, તેને સુધારવાની ક્વાયત શરૂ કરી દે છે. એ ફિલ્મ ત્યારે સેન્સરથી લઈને દર્શકો સુધી તમામ લોકોની ટીકાઓમાંથી ઊગરી ગયેલી. વિચારો, આજે એ ફિલ્મ આવી હોય તો?

ફ્રેન્ક્લી, ડિરેક્ટરને પ્રીતિના પાત્રમાં ખાસ રસ પણ નથી. એટલેસ્તો એના મનમાં શું ચાલી રહ્યું છે તે જોવાની કોઈ તસ્દી ડિરેક્ટરે લીધી નથી. અંતર્મુખીથીયે આગળ વધીને ડિપ્રેશનના દર્દી જેવું દિવેલિયું ડાચું લઈને જ આખો દિવસ શા માટે ફરતી રહે છે તેની કોઈ ચોખવટ નથી. એટલે આપણા પક્ષે તે અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે તેની ધારણા બાંધવા સિવાય ખાસ કોઈ વિકલ્પ બચતો નથી. એક સ્કૂલ ઑફ થૉટ એવી ચાલી રહી છે કે અમુક સ્ત્રીઓને ડોમિનેટિંગ, માચો પુરુષો ગમતા હોય છે, અને પ્રીતિ એ માંહ્યલી જ છે. એટલે જ એ ક્લાસના દરવાજે ઊભા રહીને ડીનની સામે તડ ને ફડ કરતા કબીરની સામે જોયા વિના રહી શકતી નથી, એનું અટેન્શન એન્જોય કરે છે, ચાવી દીધેલા રમકડાની જેમ એની પાછળ પાછળ ચાલી જાય છે, પોતાના હાથ પર કબીરે કરેલું એનાટોમીનું ચીતરામણ પંપાળે છે અને અચીવમેન્ટની જેમ બીજાને બતાવે છે, કબીરે પોતાને કરેલી કિસનો, એની સાથે રહેવાનો કે કબીર એના પર જે રીતે હાવી થઈ જાય છે-એને જે રીતે કંટ્રોલ કરવા માંડે છે તેનો વિરોધ પણ નથી કરતી, ઊલટું, ફિઝિકલી આગળ વધવાનો ઈશારો પણ કરે છે.

બીજી સ્કૂલ ઑફ થૉટ એવી હોઈ શકે કે, પ્રીતિ ડોમિનેટિંગ ફેમિલી વાતાવરણમાં જ મોટી થઈ છે. ઘરમાં એના પિતાનું વર્ચસ્વ ચાલે છે. કબીર સાથેની એની રિલેશનશિપનો મુદ્દો ઘરમાં સળગે છે ત્યારે એની જાણ બહાર એનું લેપટોપ-ઈમેઇલ-ચેટ્સ વગેરે એની બહેન એક્સેસ કરીને સમગ્ર પરિવારની વચ્ચે તેનું પ્રદર્શન યોજાય છે. પૈસાદારો પ્રત્યે અગમ્ય પૂર્વગ્રહ ધરાવતા એના પિતાને દીકરીની પસંદ-નાપસંદ જાણવામાં કે સ્વીકારવામાં કોઈ જ રસ નથી. પ્રીતિની મમ્મી પણ બેધડક જુવાન દીકરીને લાફો મારી દે છે. શક્ય છે કે પ્રીતિનું કબીર પ્રત્યેનું ઑડ બિહેવિયર એના ડોમિનેટિંગ ઉછેરમાંથી જન્મ્યું હોય. વધુ તો હ્યુમન સાઈકોલોજીના અભ્યાસુઓ કહી શકે.

રિમેમ્બર, આ માત્ર ધારણાઓ છે. બંને સાચી અથવા બંને ખોટી પણ હોઈ શકે. તેમાંથી કોઈ એકને પરાણે સાચી ઠેરાવીને ઠોકી બેસાડવી એ દાદાગીરી પણ અયોગ્ય જ છે. બાય ધ વે, ‘કબીર સિંઘ’ની જેમ પ્રીતિને કેન્દ્રમાં રાખીને એના પોઈન્ટ ઓફ વ્યૂથી ‘પ્રીતિ સિક્કા’ (કે તેલુગુમાં ‘પ્રીતિ રેડ્ડી’) નામની ફિલ્મ અથવા તો ક્વિક વીડિયો બનાવવો જોઈએ! આ લેખમાં આગળ ઉપર 2016માં આવેલી મલયાલમ ફિલ્મ ‘કલિ’ની વાત આવવાની છે. એ ફિલ્મમાં બતાવ્યું છે એ રીતે મને અર્જુનની જેમ ડેન્જરસ શોર્ટ ટેમ્પર્ડ સ્વભાવ ધરાવતો માણસ પોતાનું લગ્નજીવન કેવી રીતે જીવે છે તે જોવામાં રસ છે. યાને કે અર્જુન સિંઘની સિક્વલ પણ ભારે ઈન્ટરેસ્ટિંગ થાય.

શરૂઆતમાં જ કહ્યું તેમ કબીર સિંઘ/અર્જુન રેડ્ડી ‘દેવદાસ’નું જ અત્યારનું વર્ઝન છે. લેકિન દેવદાસની તમામ આવૃત્તિઓમાં ‘પારો’નું કેરેક્ટર એકદમ સ્વમાની, બોલકું, પોતાની વાત નીડરતાથી મૂકતું અને ઓલમોસ્ટ દેવદાસ જેટલું જ ઈગોવાળું છે. અહીંયા આખી ફિલ્મમાં પ્રીતિના મોઢામાં તો જીભ જ નથી. એનો કોઈ કેરેક્ટર આર્ક નથી. એ યુગો યુગોથી ‘કબીરની બંદી’ બનવાને માટે જ સર્જાયેલી છે. છેલ્લે થોડી ક્ષણો માટે એનું સ્વમાન જાગી જાય છે, અને ફરી પાછું કોમામાં સરી પડે છે.

***

અર્જુન/કબીરઃ ડિરેક્ટરનો હીરો

ફિલ્મની શરૂઆતના એક સીનમાં કબીર સિંઘ બોલે છે, ‘આઈ એમ નોટ અ રેબેલ વિધાઉટ અ કોઝ.’ એ તબક્કે જો એ ‘રેબેલ’ (વિદ્રોહી) હોય તો ત્યારે તો એ ‘વિધાઉટ કોઝ’ એટલે કે લક્ષ્ય વિહોણો જ હતો. કેમ કે, એનું લક્ષ્ય (જો હોય તો) ડિરેક્ટરે તે સમજાવવાની તસ્દી લીધી નથી. સ્ટોરીમાં આગળ ઉપર જો એણે પ્રીતિને મેળવવાને કે તેની સાથે લગ્ન કરવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું હોય તો તેને પણ એ પૂરી શિદ્દતથી વળગી રહ્યો નહોતો (કેમ કે, સાહેબનો ઈગો પ્રેમ કરતાં વધુ મોટો હતો). પોતાના કોર્ટ કેસ વખતે એ કહે છે કે, ‘ધ ઓન્લી થિંગ આઈ લાઇક અબાઉટ માયસેલ્ફ ઈઝ માય કરિયર.’ જો એ વાત પણ ખરેખર સાચી હોત તો દારૂ પીને ગાડી ચલાવતા ડ્રાઈવરની જેમ એ છાંટોપાણી કર્યા પછી પોતાનાં બધાં ઓપરેશનો ન કરતો હોત (ભલે એની સાથે ગમે તે ટ્રેજેડી થઈ હોય). ફિલ્મના દરેક તબક્કે અર્જુન/કબીર અત્યારની જાર્ગનમાં કહીએ તો Jerk જ રહે છે અને એને એનો ગર્વ છે. 

તમામ અપલખ્ખણો છતાં કબીર આપણને હીરો લાગે છે કેમ કે, ડિરેક્ટરે બહુ સ્માર્ટલી તેની આસપાસની ચેલેન્જીસને પણ માઇલ્ડ કરી નાખી છે. એ કોલેજમાં મારપીટ કરે તો એના મુકાબલાનું કોઈ ન હોય, કોલેજમાંથી સસ્પેન્ડ થાય તો પિતા બહુ સહેલાઈથી તેની અવગણના કરે, એ કોઈ છોકરી પસંદ કરે તો એ ગરીબડી ગાયની જેમ એને તાબે થઈ જાય, એ છોકરીના ઘરે જઈને તોફાન કરે અને પોલીસ પકડી જાય તો બીડી પૂરી થાય ત્યાં સુધીમાં એ છૂટી જાય, એની સામે મેડિકલ નેગ્લિજન્સનો કેસ થાય ત્યાં પણ એ સાચું બોલીને શહીદી વહોરે પરંતુ દર્દી બચી ગયો છે એટલે સરજી જેલથી બચી જાય, એ આલ્કોહોલિક-ડ્રગ એડિક્ટ બને પરંતુ જ્યારે તે ઈચ્છે ત્યારે કોઈ પણ જાતનાં વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ વિના વ્યસનથી મુક્ત થઈ જાય, ઈવન હિરોઈન પ્રીતિ પણ એના પોતાના (કબીર+પ્રીતિના) સંતાન સાથે એની લાઈફમાં બહુ સહેલાઈથી પાછી આવી જાય! જો આ દરેક તબક્કે એની સામે પ્રચંડ ચેલેન્જીસ હોત અને તેમાંથી આપણો માચો હીરો બહાર આવ્યો હોત તો વાત વધુ જામત. 

બાય ધ વે, પરાણે કિસ કરવા બદલ હિરોઈને કબીરને લાફો મારી દીધો હોત, જાહેરમાં પોતાની બંદી કહેવા બદલ એણે હીરોને બરાબરનો લઈ પાડ્યો હોત અને એવા creep-stalkerના પ્રેમમાં પડવાનો ધરાર ઈન્કાર કરી દીધો હોત તો ‘ના’ સ્વીકારી ન શકતો કબીર શું કરત? એના મોં પર એસિડ ફેંકત?!

કબીર સિંઘ Vs અર્જુન રેડ્ડી

માત્ર કમાણી માટે જ બનતી મોટા ભાગની સાઉથની ફિલ્મોની હિન્દી રિમેકમાં આપણે જોયું છે કે આ ‘ટ્રાન્સલેશન’માં તેની ફાઈન ડિટેલ્સની બાદબાકી થઈ જાય છે (ઉદાહરણોની વણઝાર છે. ફરી ક્યારેક). કબીર સિંઘે તેનો ઈમોશનલ પંચ જાળવી રાખ્યો હોવા છતાં ઘણી બધી બારીક ડિટેઇલ્સ ગાયબ થઈ ગઈ છે (ને બિનજરૂરી ઉમેરવામાં આવી છે). આ જ કારણ છે કે અર્જુન રેડ્ડીની સરખામણીમાં કબીર સિંઘ વધુ પડતો ‘મિસોજિનિસ્ટિક’ (સ્ત્રીવિરોધી) લાગી રહ્યો છે. જેમ કે,

 • હિન્દી વર્ઝનમાં કબીર પ્રીતિને દુપટ્ટો વ્યવસ્થિત રાખવાનું, ‘તુ મેરી બંદી હૈ એ સિવાય તારી કોઈ આઈડેન્ટિટી નથી’ એ મતલબનું કહે છે (ને પ્રીતિ તેને સ્વીકારી પણ લે છે) તેવા કોઈ સીન ઓરિજિનલ તેલુગુ વર્ઝનમાં નથી.
 • હિન્દીમાં એક તબક્કે નશા-સેલ્ફ ડિસ્ટ્રક્શનમાંથી બહાર આવવા માટે કબીરનો ફેઇથફુલ મિત્ર શિવા તેની સાથે પોતાની બહેન પરણાવવાની ઑફર કરે છે. આવી પેશકશ તેલુગુ વર્ઝનમાં કરાતી નથી.
 • આ પેશકશના જવાબમાં કબીર જ્ઞાન પિરસે છે કે, ‘પેલો લંડનવાળો છોકરો જો તારી બહેન માટે સ્યુટેબલ નહોતો, તો હું પણ નથી.’ હવે, મજાની વાત એ છે કે લંડનવાળા એ છોકરાનો સીન હિન્દીમાં છે જ નહીં, જ્યારે તેલુગુમાં તે એકદમ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલો હતો. એ સીનમાં શિવાની બહેનનું સગપણ એક NRI યુવક સાથે નક્કી થયું છે. પરંતુ એ યુવક એર ઈન્ડિયાની એર હોસ્ટેસો માટે ભદ્દી-ઓબ્જેક્ટિફાયિંગ કમેન્ટ્સ કરે છે, જે સાંભળીને અર્જુન રેડ્ડી શિવાને કહે છે કે આ માણસ સ્ત્રીઓને ભયંકર હદે ઓબ્જેક્ટિફાય કરે છે, આર યુ શ્યોર કે આ તારી બહેન માટે યોગ્ય મુરતિયો છે? આ દૃશ્ય હિન્દી વર્ઝનમાં રાખ્યું હોત તો કબીર સિંઘ સામે થઈ રહેલી ‘મિસોજિની’વાળી ફરિયાદો મોળી પડી જાત. 
 • તેલુગુ વર્ઝનમાં એ સીન પછી તરત જ ઘરમાં કામ કરતાં બહેન ગ્લાસ તોડે અને કબીર સિંઘ તેની પાછળ હડકાયો થઈને દોડે તે સીન મુકાયો છે. બે દૃશ્યોની આ ગોઠવણીથી કબીર કેવો હતો ને કેવો થઈ ગયો તેનું જક્સ્ટાપોઝિશન પણ થતું હતું, જે હિન્દી વર્ઝનમાં થયું નહીં. 
 • તેલુગુ અર્જુન રેડ્ડીમાં એના બીજા એક મિત્રનો પણ સીન હતો, જે અલગ અલગ કાસ્ટ છતાં પોતાની પ્રેમિકા (જે અર્જુનની પણ ક્લાસમેટ હતી)ને પરણવામાં સફળ થયો હતો. તે લગ્નની કંકોતરી આપવા આવે છે ને અર્જુન લગ્નમાં આવવાની ધરાર ના પાડી દે છે. અર્જુનની આ ઈર્ષ્યાવાળો સીન પણ હિન્દી વર્ઝનમાંથી ગાયબ છે.
 • તેલુગુ પ્રીતિને ક્લાસિકલ ડાન્સિંગનો શોખ હતો. હિન્દી પ્રીતિને હડધૂત થવા સિવાય બીજો કોઈ શોખ નથી!
 • જે તબક્કે અર્જુન/કબીર પોતાના ઘરમાં પહેલી વાર ડ્રગ લે છે તેની એક્ઝેક્ટ પહેલાં અર્જુન/કબીર-પ્રીતિએ ત્યાં જ સેક્સ માણેલું હોય છે. પ્રીતિના ઘરેથી હડધૂત થઈને અને પ્રીતિને લાફો મારીને પાછા આવેલા ધૂંધવાયેલા અર્જુન રેડ્ડીને પોતાની પથારીમાંથી પ્રીતિનો એક વાળ મળે છે. એ વાળ જોઈને અર્જુનની કમાન છટકે છે અને એ મોર્ફિન લે છે. હિન્દીમાં એ વાળ પર અસ્ત્રો ફેરવી દીધો છે. (તેલુગુ વર્ઝનમાં તો એ પ્રીતિને થપ્પડ પણ હળવા હાથે મારે છે, જ્યારે હિન્દીમાં કચકચાવીને સાઉન્ડ ઈફેક્ટ સાથે લાફો મારે છે!) Btw, અર્જુન/કબીરની લાઈફ એકદમ અપસાઈડ ડાઉન કરી દે તેવી ઈફેક્ટ આપતું એ ફર્સ્ટ ‘ટ્રિપ’નું પિક્ચરાઈઝેશન ડેની બોયલની ક્લાસિક ફિલ્મ ‘ટ્રેઇનસ્પોટિંગ’ની યાદ અપાવે તેવું છે.
 • તેલુગુ વર્ઝનમાં અર્જુન પોતાના એ ‘ફેઝ’માંથી છૂટવા માટે રિહેબિલિટેશન ક્લાસ પણ જોઈન કરે છે. હિન્દીમાં ઈલ્લે! 
 • તેલુગુમાં તો અર્જુન પોતાના ઘરે જાતભાતની સ્ત્રીઓને પણ બોલાવે છે ને એમને પોતાની ટ્રેજિક લવસ્ટોરી સંભળાવતો ફરે છે! હિન્દીમાં એની પાસે આવો ટાઈમ નથી.
 • અર્જુન રેડ્ડી રિલીઝ થયા પછી તેને પણ ‘મિસોજિની’વાળી ફરિયાદો સાંભળવી પડેલી. એટલે હોય કે ગમે તે, પણ તેલુગુમાં ‘ફેટ ચિક્સ આર લાઈક ટેડીબેર…’વાળો અર્જુનના મોઢે બોલાયેલો ડાયલોગ બદલીને હિન્દીમાં ‘હેલ્ધી ચિક્સ…’ કરી નાખવામાં આવ્યો છે.

અર્જુન રેડ્ડીની જેમ 2016માં આવેલી મલયાલમ મુવી ‘કલિ’માં પણ હીરો દુલ્કર સલમાન પ્રચંડ શોર્ટ ટેમ્પર્ડ હતો. અર્જુન રેડ્ડીની જેમ જ એને ગુસ્સો આવી રહ્યો છે તે રિફ્લેક્ટ કરતું લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેમાં પણ હતું. તેના ગુસ્સાનો ભોગ તેની પત્ની (અભિનેત્રી સાઈ પલ્લવી) બનતી, પરંતુ એક, તે ક્યારેય પોતાનું સ્વમાન નેવે મૂકીને સમાધાન કરતી નહીં. બીજું, ગુસ્સો ઊતર્યા પછી દુલ્કરના કેરેક્ટર સિદ્ધાર્થને પોતાનો ગુસ્સો કંટ્રોલ ન કરી શકવાનો પસ્તાવો થતો. પોતાના આ હદ બહારના ગુસ્સાને કારણે એ મુશ્કેલીમાં પણ મુકાય છે. અફ કોર્સ, અર્જુન રેડ્ડી/કબીર સિંઘ એ કલિના દુલ્કર સલમાન નથી, પરંતુ તેમને પોતાના ગુસ્સા, વાહિયાત બિહેવિયરનો તસુભાર પણ રંજ નથી થતો. ક્લાઈમેક્સ આવતાં અર્જુન/કબીર ક્લીન શેવ કરીને આવે એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ હવે સુધરી ગયા છે (જો દાઢી અને વધેલા વાળ જ સ્વભાવ ને કેરેક્ટર સર્ટિફિકેટ હોય તો કેટકેટલા લોકોને અન્યાય થાય, વિચારો!) એ રીતે જોવા જાઓ તો અર્જુન/કબીરનો કેરેક્ટર આર્ક ભલે દેખાતો હોય, પરંતુ છે નહીં. આપણે માત્ર સાબિતી વિનાના પ્રમેયની જેમ સ્વીકારી લેવાનું રહે છે કે સાહેબ સુધરી ગયા છે. ડિરેક્ટર સંદીપ રેડ્ડીએ અર્જુન/કબીરના કેરેક્ટરને એક આર્ક-એક પોઈન્ટથી શરૂ કરીને સુધર્યાના બીજા પોઈન્ટ સુધીની જર્ની આપી હોવાનો ભાસ કરાવ્યો છે, ખરેખર એ જર્ની તે કેરેક્ટરે કાપી હોય તેવી કોઈ સાબિતી આપી નથી. કેમ કે, સો કોલ્ડ સુધર્યા પછીયે કબીર તો એ વાતે મક્કમ છે કે ‘જો હું એના વગર ખુશ ન હોઉં તો એ મારા વગર ખુશ કેવી રીતે હોઈ શકે?’ આ તબક્કે અર્જુન/કબીર જાણતો નથી કે પ્રીતિના ડિવોર્સ થઈ ચૂક્યા છે.

એટલે જ આગળ કહ્યું તેમ કબીર-પ્રીતિનું લગ્નજીવન કેવું રહે છે એ જોવું પણ રસપ્રદ થઈ પડે તેમ છે!

***

એટિટ્યુડ બિકતા હૈ, બોસ!

વર્ષો પહેલાં એક સિગારેટની એડ આવતી, જેની કૅચલાઈન હતી, ‘મારે જે જોઈએ છે તે મેળવીને જ રહું છું’ (અને ન મળે તો હું શું કરું તે ડિરેક્ટરે કબીર સિંઘમાં બતાવ્યું છે!). ઓબ્વિયસલી, કંપની સિગારેટનાં ‘પૌષ્ટિક’ ગુણો વેચી શકે નહીં. એટલે તેઓ એટિટ્યુડ વેચે છે. અહીં ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા એકદમ સફળતાપૂર્વક એટિટ્યુડ વેચી શક્યા છે. 

હીરો સુપર સ્ટાઈલિશ છે, હેન્ડસમ છે. નફિકરો છે. શોર્ટ ટેમ્પર્ડ છે, પરંતુ કોઈનીયે સાડાબારી રાખતો નથી. મનમાં છે એ તરત જ કહી દે છે. પ્રેમ-સેક્સ, સિગારેટ-દારૂ, દોસ્તી-દુશ્મની બાબતે એ (ભલે ખોટો હોય, પણ) એકદમ ક્લિયર છે. હીરોને માચો બતાવવા માટે મસ્ક્યુલિનિટીના પ્રતીક જેવું બુલેટ એને અપાવ્યું છે (એનો બેસ્ટ ફ્રેન્ડ શિવા ગમે તેટલો સમજુ-વફાદાર મિત્ર હોય, એ હીરો જેટલો માચો લાગી ન જાય એટલા માટે એ એક્ટિવા ચલાવે છે). હીરોને રડવામાં પણ છોછ નથી. ‘દેવદાસ’ મોડમાં આવ્યા પછી પણ એ સ્ટાઈલિશ લાગે એનું ડિરેક્ટરે બરાબર ધ્યાન રાખ્યું છે.

અચ્છા, ડિરેક્ટર+સિનેમેટોગ્રાફર રવિ કે. ચંદ્રને વિઝ્યુઅલી કબીર/અર્જુનની પર્સનાલિટી બખૂબી ઉપસાવી છે, અને માત્ર બે સીન વચ્ચેની કટ્સથી પણ ઈફેક્ટ-કોમેડી પેદા કરી છે. શરૂઆતમાં કબીર (પ્રીતિને જોયા પછી) ડીન પાસે સહી કરાવવા માટેનું NOC ફાડી નાખે છે (અને એ રીતે કોલેજમાં જ રહી જાય છે), પોતાની સિંગલ સીટર બુલેટ પાછળ (પિલિયન રાઈડર માટેની) એક્સ્ટ્રા સીટ બેસાડે છે, એનાટોમી (શરીર રચના) સમજાવવા પ્રીતિના હાથમાં હાડકાં ચીતરે છે, હોળીમાં પ્રીતિને પરાણે રંગી નાખનારાઓને ટીપવા જતી વખતે રસ્તામાં બેઝબોલ સ્ટિક ખરીદે છે (જે એ વાપરતો નથી, ખાલી ઈફેક્ટ જ ક્રિએટ કરે છે!) ને બિનધાસ્ત હોસ્ટેલમાં બુલેટ ઘુસાડી દે છે, એ પ્રીતિને રંગી નાખનારની સિગારેટ સળગાવી આપે છે, જ્યારે કિસ કરતાં પહેલાં એ પ્રીતિની વ્હીલચેર અને પોતાની ખુરશી એડજસ્ટ કરે છે, પોતાની ‘ગરમી’ ઠારવા એ મુઠ્ઠી ભરીને બરફ પેન્ટમાં ઘુસાડી દે છે, એ પ્રીતિના ભાઈને ગાલે કિસ કરે છે ને ઉપરથી પાર્ટીના પૈસા પણ આપે છે, કબીર એના મિત્ર શિવાને માત્ર મારવાની એક્ટિંગ કરીને જ ડરાવી દે છે, કબીરનું એ અનએક્સપેક્ટેડ બિહેવિયર, કબીરનું એકસાથે બબ્બે સિગારેટ પીવું, ઓપરેશન કર્યા પછી લોહી નીંગળતા ગ્લવ્સ અને સ્ક્રબ્સ (ઓપરેશન થિયેટરનાં કપડાં), માસ્ક સાથે જ ટેરેસ પર સિગારેટ ફૂંકવા માંડે છે, પોતાને ચડાવવાનો બાટલો એ પોતાની જ બગલમાં દબાવીને સિગારેટ ફૂંકે છે, ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની મેન્ટાલિટી ધરાવતા આપણા હીરોલોગથી અલગ અર્જુન/કબીર ગમે ત્યારે રડી પડે છે અને પોતાનાં ઈમોશન્સને કેમોફ્લાજ નથી કરી શકતો… 

એ જ રીતે માત્ર કટ્સથી કોમેડી ક્રિએટ કર્યાનાં એક્ઝામ્પલ્સઃ એક તબક્કે ભાઈ પ્રીતિના ઘરે તાયફો કરી રહ્યા છે-પોલીસને બોલાવવાની વાત થઈ રહી છે, કટ ટુ એ પોલીસ સ્ટેશનમાં ફાલતુ ક્રિમિનલોની વચ્ચે લાઈનમાં ઊભડક બેઠા છે; એક સીનમાં બે સગા ભાઈ બથ્થંબથ્થા ઝઘડી રહ્યા છે, કટ ટુ બંને શાંતિથી બેસીને દારૂ પી રહ્યા છે… કબીરના પગમાં કાચના ટૂકડાથી વાગતા ઘાથી ભૂતકાળમાં પ્રીતિની એ પ્રકારની ઈજાનું ટ્રાન્ઝિશન અને કબીરનું ક્લીન શેવનમાંથી દાઢીધારીમાં ટ્રાન્ઝિશન પણ ઈન્ટરેસ્ટિંગ છે.

કબીર જ્યારે દેવદાસ મોડમાં નશાના કોપભવનમાં પૂરાયેલો છે, ત્યારે એ પ્રીતિ જેટલો જ પોતાની બુલેટ બાઈકને પણ મિસ કરે છે. એટલે જ એ બાઈકનું જાયન્ટ રેખાચિત્ર દીવાલ પર બનાવે છે (બિચારો, પોતાની ‘માલિકી’ની બંને ‘વસ્તુઓ’થી દૂર હોય છે તે વખતે!).

આ તમામ ખાસિયતો-ખૂબીઓ-ખામીઓએ અર્જુન/કબીરને આપણા રૂટિન રોઝી-મશી-ક્યુટી હીરોલોગથી અલગ બનાવ્યો અને એટલે જ એ વ્યુઅર્સને આટલો સ્પર્શી ગયો. એને ગમાડનારા ને ધિક્કારનારા બંનેને. આ માટે વિજય દેવરાકોન્ડા અને શાહિદ કપૂર બંનેને ફુલ માર્ક્સ આપવા પડે (અલબત્ત, મહિનાઓથી લઈને હજુ સવાર સુધી જે માણસ સેલ્ફ ડિસ્ટ્રક્શનના ખાબોચિયામાં ઊંધેકાંધ પડ્યો હતો, એ માણસ પોતાનાં દાદીના અવસાન વખતે ઘરે આવીને પોતાના પિતાને લાઈફની ઈમ્પોર્ટન્ટ ઈવેન્ટનું જ્ઞાન આપવા માંડે અને એના પપ્પા એ જ્ઞાન લઈ પણ લે એ સીન પર્સનલી મને તદ્દન ફેક લાગ્યો. અર્જુન એના ઘરમાં છેલ્લી વ્યક્તિ હશે જેની સલાહની કોઈને જરૂર હોય!).

***

અર્જુન રેડ્ડી અને કબીર સિંઘ બંનેની સફળતામાં તેના પાવરફુલ મ્યુઝિકનો જબરદસ્ત ફાળો હતો. પહેલાં તો તેનું પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે આ ફિલ્મના સેન્ટ્રલ કેરેક્ટર જેવું જ લાઉડ, એનર્જેટિક અને મારફાડ છે. આખી ફિલ્મ દરમિયાન આપણાં ઈમોશન્સને ડ્રાઈવ કરવા માટે પણ આ BGMએ જબરદસ્ત કામ કર્યું છે. પ્લસ, ઈર્શાદ કામિલના કમાલના શબ્દો (લાઈક, ‘દર્દ તુમ્હારા, બદન મેં મેરે, ઝહર કી તરહા, ઊતર રહા હૈ…’).

અર્જુન રેડ્ડીમાં અર્જુન પ્રીતિના ઘરેથી હડધૂત થઈને બહાર નીકળે છે અને પ્રીતિને લાફો ઝીંકી દે છે એ વખતે એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે, તે પ્રખ્યાત મેક્સિકન ફિલ્મ ‘એમોરેસ પેરોસ’માંથી લેવાયું હતું (આ વાત સંદીપ રેડ્ડીએ પણ સ્વીકારી છે). ઈન ફેક્ટ, આખી ફિલ્મમાં છએક જગ્યાએ સંદીપ રેડ્ડીએ ફોરેન મ્યુઝિક વાપર્યું છે. તેનું કમ્પાઈલેશન આ રહ્યુંઃ

***

કેન યુ ઈગ્નોર કબીર? નોવ્વે!

ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ (કંઈક પોતાના અનુભવો પરથી પોતાના ઓલ્ટર ઈગો જેવું) ‘અર્જુન રેડ્ડી’/‘કબીર સિંઘ’ તરીકે જે કેરેક્ટર સર્જ્યું તેને ચાહનારા અને ધિક્કારનારા લોકોની સંખ્યા પ્રચંડ છે. તમે બેમાંથી ગમે તે પાર્ટીમાં હો, ઈવન ‘હમજ્યા હવે’ ટાઈપની ત્રીજી પાર્ટીમાં પણ હો, છતાં તેને ઈગ્નોર કરી શકાય એમ તો નથી જ. ઈન ફેક્ટ, અર્જુન રેડ્ડી/કબીર સિંઘ ફિલ્મ પણ લોકોને અપીલ કરી જાય એ રીતે બનાવાયેલી હતી એ તો સ્વીકારવું પડે. નહીંતર આપણે ચાર હજાર પ્લસ શબ્દોનો આ ‘મહા શોધનિબંધ’ થોડો લખ્યો હોત? અને તમે થોડો વાંચ્યો હોત?!world_famous_lover_first_look

બાય ધ વે, ‘અર્જુન રેડ્ડી’ના હીરો વિજય દેવરાકોન્ડાનું નવું મુવી આવી રહ્યું છે, ‘વર્લ્ડ ફેમસ લવર’. તેનું પોસ્ટર જોઈને એના જ એક મુવીની યાદ આવી જાય છે. જોઈને કહો, આ પોસ્ટર કયા મુવી જેવું લાગે છે!!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 thoughts on “અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

 1. આ જે અર્જુન રેડ્ડી અને કબીર સિંઘ ના ફિલ્મ સીન્સની વાત કરી છે એ બધાં સીન્સ હિન્દીમાં પણ શૂટ થયા હતા પણ ફિલ્મની લેન્થના લીધે આ સીન્સ કાપવા પડ્યા હતા ને અત્યારે ટી સીરીઝનાં યુટ્યુબ ચેનલ પર ડિલીટેડ સીન્સ કહીને મોડે મોડે મુકી દીધા છે.😂😂

  Like

  1. હા, એમાંથી અમુક ‘ડિલીટેડ સીન્સ’ જોયા મેં. પણ એમાં કબીરીયો બિચારો મિસોજીનિસ્ટ થઈ ગયો ઉસકા ક્યા?! 😊

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s