Social Scroll_730 X 548_11_New18 સપ્ટેમ્બરે બીજા ‘નેશનલ ઈન્ટરેસ્ટ’ના સમાચારોની વચ્ચે એક ન્યૂઝ દબાઈને ભુલાઈ ગયા. ભારતમાં પ્રોપર હોરર ફિલ્મોના યુગની શરૂઆત કરનારા ‘રામસે બ્રધર્સ’ના શ્યામ રામસેનું મુંબઈ ખાતે 67 વર્ષની ઉંમરે અવસાન થયું. હોરર યાને કે ભૂત-પ્રેતની ડરામણી ફિલ્મોનો પર્યાય બની ગયેલા ‘રામસે બ્રધર્સ’ને એમના કન્ટેન્ટ અને ખાસ તો ટ્રીટમેન્ટને કારણે ક્યારેય મેઈનસ્ટ્રીમ મેકર્સ ગણવામાં નથી આવ્યા. તેમ છતાં એમની ફિલ્મોનો એક ચોક્કસ ચાહક વર્ગ રહ્યો છે, જેમાં નાનાં શહેરોનાં સિંગલ સ્ક્રીન થિયેટર્સના દર્શકો, વીડિયો થિયેટર્સ-વીડિયો લાઈબ્રેરીના યુઝર્સ અને અત્યારના ઓનલાઈન દર્શકોથી લઈને શ્રીરામ રાઘવન જેવા ડિરેક્ટર્સનો પણ સમાવેશ થાય છે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ એક આર્ટિકલમાં લખેલું કે ‘દો ગઝ…’ ફિલ્મ જોઈને ઘરે પાછા આવતી વખતે એણે કબ્રસ્તાનના રૂટ પરથી જતી બસમાંથી ઊતરી જઈને બીજા ‘સલામત’ રસ્તેથી બે કિલોમીટર ચાલતા જવાનું પસંદ કરેલું!

રામસેઃ યુનાઈટેડ વી હોન્ટ

જેમ કલ્યાણજી-આનંદજી કે જતીન-લલિત જેવા સર્જકોમાં કઈ ટ્યૂન કોણે કમ્પોઝ કરી હશે તે કહેવું અઘરું છે તે જ રીતે રામસે બ્રધર્સમાં કયા ભાઈએ શું કર્યું હશે એ પ્રચંડ કન્ફ્યુઝનનો મામલો છે. આઝાદી પહેલાં કરાંચીમાં રેડિયોની દુકાન ધરાવતા ફતેહચંદ ઉત્તમચંદ રામસિંઘાણીએ પોતાના અંગ્રેજ ગ્રાહકોને સરળતા પડે એ માટે પોતાની અટક બદલાવીને ‘રામસે’ કરી. ભાગલા પછી ભારત આવ્યા અને મુંબઈના લેમિંગ્ટન રોડ પર દુકાન રાખીને ‘મર્ફી રેડિયો’ના ડીલર બન્યા. આમ તો એ લોકો ફિલ્મોમાં અને ત્યાંથી હોરર ફિલ્મોમાં કઈ રીતે આવ્યા તેની આખી સ્ટોરી જ ભારે રસપ્રદ છે, પરંતુ આપણે સીધા ફતેહચંદ ઉત્તમચંદ એટલે કે એફ. યુ. રામસેની પહેલી સૌથી જાણીતી અને પહેલી સૌથી મોટી હિટ એવી ‘હોરર’ ફિલ્મ ‘દો ગઝ ઝમીન કે નીચે’ પર આવી જઈએ. આ ફિલ્મના મેકિંગમાં સાતેસાત રામસે ભાઈઓ જોડાયેલા હતા. આ સાત ભાઈઓ એટલે અર્જુન, કિરન, કુમાર, ગંગુ, કેશુ, તુલસી અને શ્યામ રામસે. એક ભાઈએ સ્ટોરી-સ્ક્રીનપ્લે લખ્યા હોય તો કોઈકે સિનેમેટોગ્રાફી સંભાળી હોય. એક એડિટર હોય તો તુલસી અને શ્યામ રામસેએ ડિરેક્શન સંભાળ્યું હોય. ‘રામસે બ્રધર્સ’ એટલે કે એફ. યુ. રામસેના સાત ભાઈઓએ મળીને બનાવેલી પહેલી ફિલ્મ હતી ‘નકલી શાન’, જે ફિલ્મમેકિંગની ‘પ્રેક્ટિસ’ તરીકે સિંધી થિયેટરના કલાકારોને લઈને બનાવાઈ હતી!

અમિતાભ યુગ પહેલાંનો તહેલકો

‘દો ગઝ ઝમીન કે નીચે’ ઈ.સ. 1972માં આવેલી. યાને કે ‘શોલે’, ‘ઝંજીર’, ‘દીવાર’, ‘બોબી’ જેવી સુપરડુપર હિટ ફિલ્મોના અને ‘અમિતાભ યુગ’ના પણ આગમન પહેલાં. એ ફિલ્મનું માર્કેટિંગ ‘ભારતની પહેલી હોરર ફિલ્મ’ તરીકે કરાયેલું. અલબત્ત, હોરર એટલે કે જેમાં સુપરનેચરલ એલિમેન્ટ હોય એવી ‘મહલ’, ‘મધુમતી’, ‘વો કૌન થી’, ‘એક પહેલી’ જેવી ફિલ્મો ‘દો ગઝ…’ પહેલાં પણ આવી ચૂકેલી. પરંતુ એક તો જેમાં પ્રોપર હોરર એક્સપિરિયન્સ અને એવા એલિમેન્ટ્સ હોય તેવી ફિલ્મોનો ભારતમાં ઉદય નહોતો થયો. સ્વાભાવિક રીતે જ સેન્સર બોર્ડ જેને ‘એ’ સર્ટિફિકેટ આપે અને આખો પરિવાર (ટીવીના આગમન પહેલાં) થિયેટરમાં જઈને જોઈ શકે તેવી મર્યાદિત ઓડિયન્સ ધરાવતી ફિલ્મો બનાવવાનું જોખમ કોણ લે? પણ રામસે બ્રધર્સે લીધું.

મિનિમમ બજેટ, મેક્સિમમ આઉટપુટ

માત્ર પંદર લાખ રૂપિયાના ખર્ચે એમણે ‘દો ગઝ ઝમીન કે નીચે’ બનાવી નાખેલી! આખી ફિલ્મનું શૂટિંગ મહાબળેશ્વરમાં થયેલું. એ પણ માત્ર છ અઠવાડિયાંમાં. કેમેરા પાછળનો તમામ સ્ટાફ ઘરનો, એટલે કોઈને ફી તો ચૂકવવાની હોય નહીં. કલાકારોમાં સત્યેન કપ્પૂ અને જયંત (અમજદ ખાનના એકદમ ડેશિંગ પપ્પા) એ બે જ જાણીતા ચહેરા. બાકીના ચહેરા તદ્દન નવા. હા, જૂની ફિલ્મોના કોમેડિયન ધુમાલને નાનકડા રોલ માટે લેવાયેલા (અને એમના ‘સ્ટારડમ’ને કારણે સૌથી મોટી ફી પણ ચૂકવાયેલી!). આખી કાસ્ટ અને ક્રૂ બસ બાંધીને મહાબળેશ્વર ગયેલી. ત્યાં એક ગેસ્ટહાઉસમાં 12 રૂપિયાના ભાડે આઠ રૂમ ભાડે રખાયેલા. તમામ શૂટિંગ ઓન લોકેશન. એટલે સેટની પણ જરૂર નહીં. હા, મુખ્ય બંગલા તરીકે ગવર્નર્સ બંગલો રોજના પાંચસો રૂપિયાના ભાડે લીધેલો. કેમેરા સહિત તમામ સાધનો પણ ભાડે લીધેલાં. કાસ્ટ અને ક્રૂ માટે રાંધવાની અને મેકઅપ-કોશ્ચ્યુમ્સની જવાબદારી ઘરની સ્ત્રીઓએ ઉપાડી લીધેલી.

ભૂતપ્રેતના તમામ મરી-મસાલાથી ભરપૂર

‘દો ગઝ…’ મુંબઈનાં લગભગ ત્રીસેક થિયેટરોમાં રિલીઝ થયેલી. બધું મળીને ફિલ્મે 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલો. ભલે ‘બી ગ્રેડ’ની લાગે, પરંતુ મર્યાદિત ઓડિયન્સ અને અજાણ્યા ચહેરા ધરાવતી ફિલ્મ માટે એ સમયે આટલો મોટો નફો એ પ્રચંડ સફળતા હતી. આજે એ ફિલ્મ જોઈએ તો તેની નબળી પ્રોડક્શન વેલ્યૂ, કન્ટિન્યૂટી એરર્સ, કલાકારોની ભંગાર એક્ટિંગ બધું જ ઊડીને લમણે વાગે. કેટલાય પ્રશ્નો પણ એમાં જવાબ આપ્યા વિના જ અધૂરા રહી ગયેલા. અને સૌથી મહત્ત્વનું, ‘હોરર’ ફિલ્મ તરીકે જેનું માર્કેટિંગ કરાયેલું તે વાસ્તવમાં એક સ્ટાન્ડર્ડ રિવેન્જ સ્ટોરી હતી. છતાં આજે પણ જોઈએ તો તે ફિલ્મે પોતાની એન્ટરટેનમેન્ટ વેલ્યૂ ગુમાવી નથી તે ફીલ થયા વિના રહે નહીં. કબ્રસ્તાનનાં દૃશ્યો, ડરામણું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અંધારી રાતે ચમકતી વીજળી અને અબોવ ઓલ, જ્યાં ત્યાં રઝળતું એક ભૂત… એક હોરર ફિલ્મને છાજે એવા તમામ મસાલા એમાં હતા.

હોરર ફિલ્મના શૂટિંગમાં ભૂતિયા અનુભવ

ફિલ્મની શરૂઆત જ એક ખ્રિસ્તી કબ્રસ્તાનથી થાય છે, જેમાં એક માણસ કબર ખોદતો દેખાય છે. ફિલ્મના શૂટિંગ માટે ચર્ચના પાદરીને મનાવીને કબ્રસ્તાનમાં શૂટિંગની પરમિશન લીધેલી. ફિલ્મ રિસર્ચર શમ્ય દાસગુપ્તાના ભારે રસપ્રદ પુસ્તક ‘ડોન્ટ ડિસ્ટર્બ ધ ડેડ’માં રામસે ભાઈઓ ‘દો ગઝ ઝમીન કે નીચે’ના શૂટિંગ વખતના બે ડરામણા પ્રસંગોની મજેદાર વાત કરે છે. શૂટિંગ માટે સ્થાનિકોને પૂછીને કબ્રસ્તાનમાં ખોદકામ માટેની સલામત  જગ્યા શોધી કાઢેલી. અગાઉ ક્યારેય દફનવિધિ ન થઈ હોય તેવી જગ્યા શોધીને ખોદકામ શરૂ થયું. થોડીવારમાં ચીસાચીસ અને હાહાકાર મચી ગયો. કેમ કે, જમીનની અંદરથી લાશ નીકળી! હાડપિંજર પણ નહીં, કોહવાયેલી લાશ. દેકારો થયો. લોકોએ રામસે બ્રધર્સ પર તડાપીટ બોલાવી. એ લોકો પણ ગભરાઈ ગયેલા. આખરે પાદરીને બોલાવીને તે લાશની ફરીથી પ્રોપર દફનવિધિ કરાઈ. મીણબત્તીઓ સળગાવીને તેના આત્માની શાંતિ માટેની પ્રાર્થના પણ કરાઈ. ત્યારે મામલો શાંત થયો.

અને લાશે પગ પકડી લીધો…

એ જ ફિલ્મના શૂટિંગ વખતનો બીજો કિસ્સો રાત્રે ત્રણ વાગ્યે બનેલો. શૂટિંગ પૂરું થઈ ગયેલું. મોટા ભાગના લોકો જતા રહેલા. માત્ર ક્રૂ મેમ્બર્સ વાયર્સનાં ગૂંચળાં વગેરેનું પેકિંગ કરી રહ્યા હતા. રામસે ભાઈઓમાંના એક એવા અર્જુન રામસેએ પોતાની કારની ડિકીમાં રાખેલા આઈસબોક્સમાંથી ચિલ્ડ બિયરની બોટલ કાઢી. એ વખતનો માહોલ અમથોય એમની ફિલ્મ જેવો જ હતો. ઠંડી, શાંત, ડરામણી રાત. નિશાચર પક્ષીઓના ભેદી અવાજો. ત્યાં જ અચાનક જોરથી રાડ પડી, ‘મુર્દે ને પકડ લિયા… મુર્દે ને પકડ લિયા…’ કોરસમાં લોકોની ચીસાચીસ પણ સંભળાઈ. અર્જુન રામસેને પણ બરાબરની બીક લાગી. એ દોડીને ત્યાં પહોંચ્યા. ત્યારે આખો મામલો સમજમાં આવ્યો. થયેલું એવું કે એમનો એક ક્રૂ મેમ્બર પચ્ચીસેક કિલો વજનની લાઈટ ઊંચકીને જઈ રહ્યો હતો. ત્યાં એનો પગ લપસ્યો અને કોઈ ભેદી કારણોસર ખુલ્લી રહેલી કબરમાં પડ્યો. એ કબરમાં જૂનું સડી ગયેલું કોફિન પણ હતું. તેના પર પગ પડતાં કોફિન તૂટ્યું અને પેલા માણસનો પગ અંદર ફસાઈ ગયો. ઓલરેડી ડરેલા એ માણસે ધારી લીધું કે મડદાએ એનો પગ અંદર ખેંચી લીધો!

***

અલવિદા શ્યામ રામસે

‘દો ગઝ ઝમીન કે નીચે’ની સફળતા પછી રામસે બ્રધર્સે ‘અંધેરા’, ‘દરવાઝા’, ‘પુરાના મંદિર’, ‘વીરાના’, ‘પુરાની હવેલી’ જેવી હોરર ફિલ્મો અને ‘ઝી હોરર શૉ’ જેવા હોરર ટેલિવિઝન શોઝ પણ આપ્યા. ‘દો ગઝ…’માં સિનેમેટોગ્રાફી કરનારા કેશુ રામસેએ ભાઈઓથી અલગ ચીલો ચાતરીને ફિલ્મો ડિરેક્ટ-પ્રોડ્યુસ કરી. તેમણે જ વેદપ્રકાશ શર્માની નોવેલ પરથી પ્રોડ્યુસ કરેલી ‘સબસે બડા ખિલાડી’ ફિલ્મથી અક્ષય કુમારને ‘ખિલાડી કુમાર’ બનાવવાની નક્કર શરૂઆત કરેલી. 

હોરર અને બોર્ડર લાઈન અશ્લીલતાની સાથે ગિલ્ટી પ્લેઝર ટાઈપનું મનોરંજન પીરસતી ફિલ્મો હવે તો મેઈન સ્ટ્રીમ બની ગઈ છે. રામસેની ફિલ્મ જોઈને બસ બદલી નાખનારા રામ ગોપાલ વર્માએ ‘રાત’ અને ‘ભૂત’ જેવી ફિલ્મોથી સ્લિક અને વેલમેઇડ હોરર ફિલ્મોનો યુગ નવેસરથી શરૂ કર્યો. લોકોને કંટ્રોલ્ડ સ્થિતિમાં ડરવું ગમે છે. એટલે જ હોરર ફિલ્મોની સતત ડિમાન્ડ રહે છે. પરંતુ સામે સપ્લાય કાયમ ઓછો રહે છે (અને આપણે વિક્રમ ભટ્ટની ફિલ્મોથી ચલાવવું પડે છે). 

ભારતમાં જરાય એપોલોજેટિક બન્યા વિના હોરરનો તામસિક મસાલો પીરસનારા રામસે બ્રધર્સ આજે પણ પોતાની એ પહેલી સુપરહિટ ‘હોરર’ ફિલ્મ ‘દો ગઝ ઝમીન કે નીચે’ની રોયલ્ટી રળે છે. એ સફરમાં પાયાના પથ્થર બની રહેનારા શ્યામ રામસેને અમારા તરફથી શ્રદ્ધાંજલિ.

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s