Social Scroll_730 X 548_10કોઈ ફિલ્મ રિલીઝ થાય અને અખબારો-સોશિયલ મીડિયામાં તેને લઈને ચિંતનાત્મક લેખો કે લાંબાં સ્ટેટસો લખાવા માંડે એટલે સમજી લેવાનું કે તે ફિલ્મ ‘મેસેજ ઓરિએન્ટેડ’ હશે. ડોન્ટ વરી, આ લેખ ‘ચિંતનાત્મક’ નથી! હા, ત્રણેક અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ જોઈને જે થોડા વિચારો આવ્યા તેનું શૅરિંગ માત્ર છે. અગાઉ આમિર ખાન સાથે સુપર્બ ‘દંગલ’ બનાવી ચૂકેલા નિતેશ તિવારીએ આ વખતે એન્જિનિયરિંગ કોલેજનો માહોલ પકડ્યો છે. આ ફિલ્મ પછી જેને લઈને ચિંતનાત્મક લેખો લખાવા શરૂ થયા તે થોટ આ ફિલ્મના પાયામાં છે. કોલેજના સાતેક દોસ્તોની હળવીફુલ સ્ટોરી સાથે નિતેશભાઉ આપણને કહે છે કે નિષ્ફળ થવામાં તે વળી શરમાવાનું કેવું? ફેલ્યોર ઇઝ અ પાર્ટ ઓફ લાઇફ. કશુંક મેળવવા માટે પ્રયત્ન કરો તો ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા. સફળ ન થઈએ તો કંઈ જિંદગીનો અંત નથી આવી જતો. ખાસ કરીને ભણવામાં. ઈટ્સ ઓકે. સક્સેસ ઈઝ નોટ એવરીથિંગ.

આ મેસેજ આપવા માટે નિતેશ તિવારીએ એજ્યુકેશનથી શરૂ કરીને સ્પોર્ટ્સનો જૂનો ને જાણીતો રસ્તો પકડ્યો છે. કોલેજની હોસ્ટેલના અલગ અલગ બ્લોક વચ્ચેની હરીફાઈ અને એમની વચ્ચે ઈન્ટર હોસ્ટેલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન જીતવા માટે થતી ચડસા ચડસી, હૂંસાતૂંસી વગેરે. નિતેશ તિવારી અને એમની રાઈટિંગ ટીમે નિષ્ફળતા પચાવવાનો મેસેજ આપવા માટે હળવી ટ્રીટમેન્ટની મદદ લીધી છે. ફાઈન. લેકિન 2019ની આ ફિલ્મ જોતી વખતે એક્ઝેક્ટ એક દાયકા પહેલાં આવેલી રાજકુમાર હિરાણીની ‘3 ઈડિયટ્સ’નો મેસેજ મગજમાં પડઘાવા લાગે. બાબા રણછોડદાસે સક્સેસ ઈઝ નોટ એવરીથિંગથી આગળ વધીને કહેલું, એક્સલન્સ ઈઝ એવરીથિંગ. કાબિલ બનો બચ્ચા કાબિલ, સક્સેસ સાલી જખ માર કે પીછે આયેગી.

પરંતુ કોલેજનું બેકગ્રાઉન્ડ, સ્પોર્ટ્સની થીમ અને તીવ્ર હરીફાઈની વાત માંડતી સ્ટોરી વિચારીએ એટલે નાઈન્ટીઝ કિડ્સને મન્સૂર ખાને ડિરેક્ટ કરેલી ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ યાદ આવ્યા વિના ન રહે. છેક 1992માં એટલે કે આજથી 27 વર્ષ પહેલાં આવેલી આ આમિર ખાન-આયેશા ઝુલ્કા-કુલભૂષણ ખરબંદા સ્ટારર એ ફિલ્મ આટલાં વર્ષેય સહેજ પણ આઉટડેટેડ નથી થઈ. કમનસીબી કહો કે બદલાતા સમયનો તકાજો, આ ફિલ્મ રિલીઝ થયા પછી જન્મેલાં અને મિલેનિયલ્સ તરીકે ઓળખાતાં જુવાનિયાંવ ‘જો જીતા વોહી સિકંદર’ (JJWS)ની અતિશય ઝાંખી ઝેરોક્સ કોપી જેવી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જેવી મીડિયોકર ફિલ્મો જોઈને જ ખુશ થઈ જાય છે. JJWS વિશે ઘણી વાતો કરી શકાય. પરંતુ તેનો સેન્ટ્રલ થોટ તેના નામમાં જ હતો, ‘જો જીતા વોહી સિકંદર’. યાને વિનિંગ ઈઝ એવરીથિંગ. યાને કે હારેલાનું, નિષ્ફળ ગયાનું કોઈ કહેતા કોઈ મહત્ત્વ નથી.

હવે વિચારો પાછલાં 27 વર્ષમાં આપણે પરિસ્થિતિ કઈ હદે બદલી નાખી છે અથવા તો બગાડી નાખી છે કે યંગસ્ટર્સને જીતવાનું નહીં, હાર પચાવવાનું શીખવવું પડી રહ્યું છે! 

એજ્યુકેશન સિસ્ટમ છે કે ફૂલ કચડવાનાં કતલખાનાં?

રેન્ડમ ગૂગલ સર્ચથી મળેલા આંકડા સ્તબ્ધ કરી દે તેવા છેઃ છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં 40 હજાર, રિપીટ 40 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ગયા વર્ષે 8,492 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી. યાને કે દરરોજ 23 વિદ્યાર્થી. બીજી રીતે કહીએ તો ગયા વર્ષે લગભગ દર કલાકે એક વિદ્યાર્થીએ જિંદગી પર પૂર્ણવિરામ મૂકવાનું પસંદ કરેલું. 2007થી 2016ની વચ્ચે ભારતમાં લગભગ 75 હજાર વિદ્યાર્થીઓએ આપઘાત કરેલો. આ આંકડા લોકસભામાં પણ ચર્ચાઈ ચૂક્યા છે. ‘લાન્સેટ’ નામની મેડિકલ જર્નલે પણ કહ્યું છે કે 15થી 29 વર્ષના યુવાનોના આપઘાતની બાબતમાં ભારત વિશ્વમાં સૌથી ઊંચો રેટ ધરાવે છે. ટીનએજ ડિપ્રેશનની બાબતમાં પણ આપણો દેશ ટોપ પર છે. તેલંગણામાં આ વર્ષે જ બોર્ડની પરીક્ષાનાં પરિણામો આવ્યાં પછી અલગ અલગ જિલ્લાઓમાં થઈને 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી. એ પછી તેલંગણાના મુખ્યમંત્રીએ પણ વિદ્યાર્થીઓને આત્મહત્યા ન કરવા વિનંતી કરીને કહ્યું કે પરીક્ષામાં નિષ્ફળ જવું એ કંઈ જીવનનો અંત નથી. 

‘કોટા ફેક્ટરી’ જેવી વેબ સિરીઝ જોનારાને અથવા તો રાજસ્થાનના કોટા શહેરમાં ચાલતાં ટ્યુશનનાં કારખાનાંઓ વિશે જાણતા લોકોને ત્યાંની પરિસ્થિતિ વિશે પણ ખ્યાલ હશે જ. દેશભરમાંથી એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી/કોચિંગ માટે વર્ષે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ કોટામાં ઠલવાય છે. ઉનાળામાં ભઠ્ઠાની જેમ તપતા આ શહેરમાં વિદ્યાર્થીઓનું સ્ટ્રેસ લેવલ એના તાપમાન કરતાં પણ ક્યાંય ઊંચું હોય છે. દર વર્ષે કેટલાય ટીનેજર્સ એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેલ થઈશું તો ઘરે શું મોઢું બતાવીશું એવું વિચારીને ઘરે જવાને બદલે મોટા ગામતરે ઊપડી જાય છે. ત્રણ વર્ષ પહેલાં બાળકોની આત્મહત્યાઓના કિસ્સાઓથી હચમચી ઊઠેલા કોટાના તત્કાલીન કલેક્ટર રવિ કુમાર સુરપુરે પાંચ પાનાંનો એક પત્ર લખેલો. વિદ્યાર્થીઓનાં માતાપિતાઓને ઉદ્દેશીને લખાયેલા એ પત્રનો સૂર પણ એ જ હતો, કે તમને (માતાપિતાને) ખ્યાલ જ નથી કે તમે સીધી કે આડકતરી રીતે કેટલું પ્રેશર લાવી રહ્યાં છો. સંતાન કોઈપણ ભોગે તમારાં સપનાં પૂરાં કરે તેને બદલે તેઓ પોતાનાં સપનાં પૂરાં કરે એ સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. અખબારો-હોર્ડિંગ્સ વગેરેમાં તેજસ્વી તારલાઓના ફોટોગ્રાફ્સ જોઈ જોઈને એ બાળકો પર કેટલું પ્રચંડ પ્રેશર આવે છે એ ક્યાંય દેખાતું નથી..’ રવિ કુમારે આ પત્ર અદભુત રીતે પૂરો કરેલો, ‘વિશ્વનાં બેસ્ટ માતાપિતા બનો. એ બાબતમાં કોઈ જ સ્પર્ધા નથી.’ ભારતનાં તમામ માતાપિતાઓએ અચૂક વાંચવો જોઈએ એવો એ પત્ર કલેક્ટર રવિ કુમારે અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરાવીને જે તે ક્લાસીસ મારફતે વાલીઓને પહોંચાડેલો. એ પછી તો કોટાના કોચિંગ ક્લાસીસોએ કાઉન્સેલર રાખવાની પણ શરૂઆત કરેલી. આપણે આશા રાખી શકીએ કે તેનાથી કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓનો કાળમુખો સિલસિલો અટકી ગયો હશે. પણ ના. છેલ્લા એક પખવાડિયામાં કોટામાં ચાર દિવસની અંદર બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એટલે આપણા પ્રધાનમંત્રી અમેરિકાની માલીપા ભલે કહેતા હોય, પરંતુ એટલિસ્ટ આ બાબતમાં તો અહીંયા ‘બધા મજામાં નથી.’ 

અચ્છા, આ બાળકો જે મહાન યુનિવર્સિટીઓ-કોલેજોમાં એડમિશન ન લઈ શકવા બદલ જીવતર ટૂંકાવી દે છે એ શિક્ષણ સંસ્થાઓની શી હાલત છે? આ મહિને આવેલો વિશ્વની ટોપ યુનિવર્સિટીઓનો ‘ટાઈમ્સ હાયર એજ્યુકેશન’ સર્વે કહે કે પહેલી 300 યુનિવર્સિટીઓમાં ભારતની એકેય નથી. ટોપ 500માં પણ માંડ છ ભારતીય યુનિવર્સિટીઓને જ સ્થાન મળ્યું છે. જૂન મહિનામાં આવેલો આવો જ બીજો એક ‘QS વર્લ્ડ યુનિ. રેન્કિંગ’ નામનો સ્ટડી પણ વિશ્વની ટોપ 200 યુનિ.માં ભારતની માત્ર ત્રણ જ યુનિવર્સિટીઓ (IIT, દિલ્હી, બોમ્બે અને IISc, બેંગલોર)ને મૂકે છે. કહેવાનો અર્થ એ નથી કે આ રેન્કિંગ્સમાં સામેલ ન થઈ શકનારી કોલેજો તદ્દન ઘટિયા કિસમની છે. પણ હા, થાય સરખામણી તો આપણે ઊતરતા છીએ એ પણ એટલું જ વિકરાળ સત્ય છે. પ્રોફેશનલ કોર્સીસની ડિગ્રી લઈને બહાર પડતા પાર વિનાના યુવાનો એમ્પ્લોયેબલ નથી હોતા અને એમને જોબ્સ નથી મળતી એ વાત પણ આંકડા અને ક્વોટ્સ ટાંકીને કહી શકાય. એટલે માતાપિતા અને વિદ્યાર્થીઓ સુધી તમામ વચ્ચે એ મેસેજ તો પાસ થવો જ જોઈએ કે જે કોલેજ, જે ડિગ્રીને આપણે ત્યાં જીવન-મરણનો ખેલ બનાવી દેવાયો છે તે પેપર ટાઈગરથી કમ નથી.

મેસેજ સહી, લેકિન રાસ્તા?

કમિંગ બેક ટુ છિછોરે. ફિલ્મનો મેસેજ અને તેનું હૃદય 24 કેરેટ સોનાનું છે. પૂરેપૂરા સહમત. લેકિન નિષ્ફળ જવામાં કંઈ પાપ નથી એ વાત સમજાવવા માટે નિતેશ તિવારીએ સ્પોર્ટ્સની એવી ટુર્નામેન્ટનો રસ્તો લીધો જે એના મૂળ મુદ્દાને ખાસ ઉપયોગી થાય તેવો પણ નથી. (સ્પોઈલર્સ વોર્નિંગ) એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળ જઈને હીરો સુશાંત સિંહ રાજપૂતનો ટીનેજર દીકરો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. એેને ડર છે કે એનાં મમ્મી પપ્પા બંને ટોપ રેન્કર, એન્જિનિયર છે અને પોતે ફિસડ્ડી. દીકરામાં જિજીવિષા પ્રગટાવવા, એને પાછું જોમ ચડાવવા પિતા હોસ્પિટલના બિછાને પડેલા દીકરાને પોતાના કોલેજકાળના કિસ્સા સંભળાવે છે, જેમાં એના કોલેજના મિત્રો પણ સામેલ થાય છે. પિતા દાસ્તાન કહે છે કે કોલેજની સ્પોર્ટ્સ ટ્રોફીમાં કેવા કેવા ખેલ કર્યા પછીયે એ લોકો હારી ગયેલા અને છતાં ખુશ હતા. ફિલ્મમાં તો દીકરાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે કરિયરમાં જરાય મહત્ત્વ ન રાખતી એ સ્પોર્ટ્સ ટ્રોફીમાં હારવાની વાતથી દીકરાની JEE જેવી અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં મળેલી નિષ્ફળતામાં કઈ રીતે સધિયારો મળી શકે? હા, JEEમાં બીજા વર્ષે ફરીથી પ્રયાસ કરીને કે કહેવાતી નોન હાઈફાઈ કોલેજમાં એડમિશન લઈને પણ એ ડિગ્રી હાંસલ કરી જ શકે. 

લેકિન ખરેખરી મજા ત્યારે આવી હોત, જ્યારે સ્પોર્ટ્સનો સલામત ટ્રેક પકડીને ફિલ્મ પૂરી કરવાને બદલે પરીક્ષામાં નિષ્ફળ ગયા પછી સુશાંત અને એના ‘લૂઝર્સ’ મિત્રોએ પોતાની કરિયર કેવી રીતે બનાવી એ બતાવ્યું હોત. પૂરી મહેનત કર્યા પછીયે પરીક્ષામાં નિષ્ફળતા મળે, ત્યારે ડિગ્રીની ઐસીતૈસી કરીને એ મિત્રો પોતાનું એક્સલન્સ શોધે, પોતાના મનગમતા, પોતાના કોર કોમ્પિટન્સવાળા ક્ષેત્રમાં કારકિર્દી બનાવે ત્યારે કંઈક વાત જામે. એક ફ્રેન્ડ ચેસનું કોચિંગ આપે, કોઈ એક્ટિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ, રાઈટિંગ જેવાં ક્ષેત્રોમાં આગળ વધે. કોઈ પોતાનો દિમાગ લગાવીને OYO, ઉબર, AirBNB, એમેઝોન જેવું સ્ટાર્ટઅપ શરૂ કરે. અને ત્યાંય સફળ થવાના પ્રેશરથી નહીં, બલકે દિલથી કામ કર્યાના સંતોષ સાથે પોતાનો એક મુકામ બનાવ્યો હોય. ‘છિછોરે’ના એ સાતેય મિત્રો હતાશાની ખાઈમાં ગરકાવ થઈને આત્મહત્યા કરવા તૈયાર થયેલા ટીનેજર પાસે આવે અને પોતપોતાની આવી રંગબેરંગી લાઈફસ્ટોરીઝ સંભળાવે ત્યારે કંઈક વાત જામી હોત. હા, માત્ર કોલેજમાં જઈને રંગબેરંગી ખાટીમીઠી મેમરીઝ બનાવવાની જ વાત હોય તો ઓકે.

ચલો, કંઈ નહીં, ધેર ઈઝ ઓલ્વેઝ નેક્સ્ટ ટાઈમ. દર અઠવાડિયે એક નવો શુક્રવાર આવે જ છે!

Originally published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

5 thoughts on “છિછોરેઃ ‘જો જીતા વોહી સિકંદર’થી ‘રણમાં હારે તે પણ શૂર’ સુધી

    1. આટલું આંકડા-ફેક્ટ્સ સાથે લખવા છતાં તમારે એ જ જોવું હોય તો હું હેલ્પલેસ છું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s