ફિલ્મી, વેરી ફિલ્મી!

mv5bmmq5mdq0otqtogq5mc00zgrjlwiymzutodrlyzzlnty4yzblxkeyxkfqcgdeqxvymdc2ntezmw4040._v1_sx1777_cr001777999_al_રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

‘મર્દ કો દર્દ નહીં હોતા’ (MKDNH) ફેન મુવી છે. જુડો-કરાટે-કુમિતે જેવી માર્શલ આર્ટ્સ, તેના પર બનેલી જથ્થાબંધ એક્શન ફિલ્મો, એંસી-નેવુંના દાયકાની બોલિવૂડ મસાલા ફિલ્મો, એંસી-નેવુંના દાયકાથી લઈને અત્યાર સુધીના પોપ-કલ્ચરના રેફરન્સીસ… આ બધું જ ડિરેક્ટર વાસન બાલાએ આ તોફાની, તરંગી, મસાલા એન્ટરટેનમેન્ટથી ભરપુર ફિલ્મમાં ઠાંસ્યું છે. જેટલો આપણને આ ફિલ્મો-પોપ કલ્ચરમાં ઈન્ટરેસ્ટ હોય તેટલી જ આ ફિલ્મની મજાનું લેવલ વધ-ઘટ થતું રહે. ‘માર્વેલ’ની ફિલ્મોની જેમ વાસન બાલાએ MKDNHમાં એટલા બધા રેફરન્સીસ છાંટ્યા છે કે તેને પકડવા માટે ફિલ્મને બીજી-ત્રીજી વખત શાંતિથી જોવી પડે અને સાથોસાથ ઈન્ટરનેટ પર સર્ચંગ-વર્ચિંગ પણ કરતા રહેવું પડે.
MKDNHની શરૂઆત ઓલમોસ્ટ ‘ડેડપૂલ-1’ની જેમ જ થાય છે. ડેડપૂલની જેમ જ આપણો હીરો સૂર્યા (ભાગ્યશ્રીનો દીકરો, અભિમન્યુ દસાણી) જથ્થાબંધ ગુંડાઓની સાથે દો-દો હાથ કરી રહ્યો છે. ફ્રેમ અલ્ટ્રા સ્લોમોશનમાં છે. પાછળથી ખુદ સૂર્યા વોઈસ ઓવરમાં બોલી રહ્યો છે કે, ‘હર માઈન્ડબ્લોઇંગ કહાની કે પીછે કુછ બહોત હી બૂરે ડિસિઝન્સ હોતે હૈ.’ (આ લાઈન પોતે જ ‘બેડ ડિસિઝન્સ મેઇક ગુડ સ્ટોરીઝ’નું વર્ઝન છે!) ત્યાંથી એની સ્ટોરી રિવાઈન્ડ થઈને ફ્લેશબેકમાં યાને કે હીરોના બાળપણમાં જાય છે. રિવાઈન્ડ થવાની આ પ્રોસેસ પણ એંસી-નેવુંના દાયકાની VHS/વીડિયો કેસેટ્સના રિવાઈન્ડની તર્જ પર જ થાય છે. આપણને ખબર પડે છે કે સૂર્યા ‘કન્જેનિટલ ઈન્સેન્સિટિવિટી ટુ પેઈન’ એટલે કે કોઈપણ સ્થિતિમાં શરીરને કોઈ પીડા/દર્દનો અહેસાસ જ ન થાય એવી દુર્લભ તકલીફ સાથે જન્મ્યો છે. એની માતા (શ્વેતા બાસુ પ્રસાદ)ની ગેરહાજરીમાં એના ઓવર ચિંતિત પિતા (જિમિત ત્રિવેદી) અને નાના (મહેશ માંજરેકર)ની સાથે મોટો થતો સૂર્યા એક પછી એક તોફાની પરાક્રમોની સ્થિતિ સર્જે છે. પરિણામે ભાઈને બારેક વર્ષ સુધી ઘરમાં જ નજરકેદ રાખવામાં આવે છે. પરંતુ આ દરમિયાન એ ટીવી-VHS પર માર્શલ આર્ટ્સની ફિલ્મો જોઈ જોઈને હોમ ગ્રોન જૅકી ચૅન-બ્રુસ લી બની ગયો છે.
ઓહ, બાય ધ વે, એની એક ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ પણ છે, સુપ્રી (રાધિકા મદાન), જે આ મહાશયથી બાળપણમાં બિછડી ગઈ છે. એને શોધવાની છે. અધવચ્ચેથી આ સ્ટોરીમાં એક રોલમોડલ કરાટે મણિ (સુપર્બ ગુલશન દેવૈયા) અને એક સાઈકો વિલન જિમી (અગેઈન, સુપર્બ ગુલશન દેવૈયા)ની પણ એન્ટ્રી થાય છે. અહીં પાછો બોલિવૂડિયન ટ્વિસ્ટ એવો છે કે નોર્થ પોલ-સાઉથ પોલ જેવાં આ બંને કેરેક્ટર પાછા જુડવા ભાઈ છે. અને આ બંધન ઈઝ નોટ પ્યાર કા બંધન! એ બધાની વચ્ચે આપણો સૂર્યા ‘પાપ કો જલાકર રાખ’ કરી દેશે કે કેમ એ ફિલ્મની સ્ટોરી.
સૂર્યા (અભિમન્યુ દસાણી) મારા-તમારા સહિત એવા કરોડો ફિલ્મી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જે ફિલ્મી-વેરી ફિલ્મી છે. એમનું બ્લડગ્રૂપ સી+ (સિનેમા પોઝિટિવ) છે. એમના મનમાં સતત એક ફિલ્મી બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું રહે છે. જે પોતાની સ્ટોરીના હીરો કે હિરોઈન છે. સતત ઈચ્છે છે કે પોતાની પણ ફિલ્મો જેવી એકાદી હીરો મોમેન્ટ આવી જાય, જેમાં એ ‘ડેમ્સેલ ઈન ડિસ્ટ્રેસ’ યાને કે મુસીબતમાં મુકાયેલી સુંદરીને બચાવે. પોતે ફિલ્મી સ્ટાઈલમાં જમ્પ મારે, ડાન્સ કરે, ડાયલોગબાજી કરે, સોંગ્સ પણ ગાય અને રોમાન્સ પણ કરે. ઈન શોર્ટ, એ સતત એક કાલ્પનિક ફિલ્મી દુનિયામાં જ જીવતા રહે અને બહારની રૂક્ષ-ડાર્ક દુનિયામાં આવવાનો/ગ્રો થવાનો સતત ઈન્કાર કરે. સૂર્યા પોતે એવો જ છે અને એ વાત એ ફિલ્મના ટ્રેલરમાં પણ ક્લિયર કરી દે છે, જેમાં એ કહે છે, ‘સબકો લગતા હૈ કિ અપના મન કા લાઈફ રિયલ હોના ચાહિયે. મુઝે ભી ઐસા હી લગતા હૈ.’
મોસ્ટ્લી આવાં કેરેક્ટર્સ રિયલ લાઈફમાં હોય તો તેની આસપાસના લોકો એને સમજી શકે નહીં, ને ચક્રમથી લઈને વંઠેલ સુધીનાં ટેગ મળતાં રહે. લેકિન બેઝિક કમનસીબીને બાદ કરતાં સૂર્યા થોડો નસીબદાર છે કે એને એકદમ સપોર્ટિવ આજોબા યાને કે નાના (મહેશ માંજરેકર) મળ્યા છે, જે સૂર્યાને એની દુર્લભ શારીરિક તકલીફ બદલ ડરપોક બનાવવાને બદલે એકદમ ટફ બનાવે છે. ઘરમાં રહીને પણ એને કલ્પનાની દુનિયામાં ઊડતાં, હીરો બનતાં, તમામ બુરાઈની સામે લડતાં (પાપ કો જલાકર રાખ કરતા!) શીખવે છે.
આપણે ત્યાં પોપ કલ્ચર પર, તેના રેફરન્સીસથી ભરચક, સેલ્ફ અવેર, સેલ્ફ ડેપ્રિકેટિંગ, કોમિક બુક સ્ટાઈલમાં, કોમિક બુક્સ પર, ફોર્થ વૉલ બ્રેકિંગ કે મેટા હ્યુમરથી ભરચક ફિલ્મો બનાવવાનો રિવાજ નથી. જો આ વાક્યમાં રહેલા શબ્દો ન સમજાયા હોય તો એનો અર્થ જ એ છે કે આપણે ત્યાં આવી ફિલ્મો બનાવવાનો રિવાજ નથી! વાસન બાલાની ‘મર્દ કો દર્દ નહીં હોતા’ આવી ઝોનરામાં એક મસ્ત શરૂઆત છે. આ ફિલ્મે એકથી વધુ બાબતોમાં મને જલસો કરાવ્યો. લેટ્સ સી…

પોપ કલ્ચર રેફરન્સીસ અને નેસ્ટેલ્જિયા
આખી ‘MKDNH’ ફિલ્મ અન્ય મસાલા ફિલ્મો, કોમિક્સ, સિરીઝ, સોંગ્સ, એડ્સ વગેરેના સંદર્ભોથી લિટરલી ફાટ ફાટ થાય છે. આ સંદર્ભો શોધી કાઢતા આર્ટિકલ્સ કોઈ હિન્દી ફિલ્મ માટે પહેલીવાર ફરતા થયા છે (શરૂઆત તો આ બંદાએ જ કરેલી!). અત્યાર સુધી આ ઈજારો માર્વેલની ફિલ્મો માટે અબાધિત રહેતો હતો! ફિલ્મના પ્રમોશન માટે બનાવાયેલું ‘રપ્પન રપ્પી રાપ’ સોંગ અને ફિલ્મનાં પોસ્ટર્સ-સ્ટિલ્સમાં પણ સંખ્યાબંધ ફિલ્મો વગેરેના રેફરન્સીસ છુપાયેલા હતા, જેના પર મેં એક આખો આર્ટિકલ કરેલો. પરંતુ ફિલ્મના ફર્સ્ટ સીનથી લઈને છેક છેલ્લે સુધી સતત ઠેર ઠેર આવતા રહેતા પોપ કલ્ચર રેફરન્સીસ સ્પોટ કરવાની મસ્ત ક્વાયત આ ફિલ્મની સૌથી મોટી મજા છે. ‘રપ્પન રપ્પી રાપ’ સોંગને બાદ કરો તો ફિલ્મમાં અમુક ઓબ્વિયસ રેફરન્સીસ છે. જેમ કે, સૂર્યા ‘ગિરફ્તાર’, ‘ગેમ ઓફ ડેથ’, ‘સિટી હન્ટર’, ‘રેમ્બો’ વગેરે ફિલ્મનાં પોસ્ટર્સ કે VHS દેખાય. સૂર્યાની મમ્મી પ્રેગ્નન્ટ હોય ત્યારે તેઓ સપરિવાર ચિરંજીવીની ‘આજ કા ગુન્ડારાજ’ જોવા જાય છે. અને તેની જસ્ટ પહેલાં સૂર્યા ટર્મિનેટર સ્ટાઈલમાં એન્ટ્રી મારે છે (અલબત્ત, એની કલ્પનામાં!). ‘ગિરફ્તાર’, ‘પાપ કો જલાકર રાખ કર દૂંગા’, ‘મધર ઈન્ડિયા’, ‘શહેનશાહ’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘જંગલ બુક’, ‘અલીબાબા ચાલીસ ચોર’, ‘ડ્રન્કન માસ્ટર’, ‘બિગ ટ્રબલ ઈન લિટલ ચાઈના’, ‘રોકી’, ‘આયર્નમેન’, સોંગ્સ ‘એક મૈં ઔર એક તૂ’ (ફિલ્મઃ ખેલ ખેલ મેં), ‘નખરેવાલી’ (ફિલ્મઃ ન્યૂ દિલ્હી), ‘ઢેન ટેણેન’ (ફિલ્મઃ કમીને) વગેરે તો પહેલે જ ધડાકે પકડી શકાય તેવા સંદર્ભો છે.
આ ઉપરાંત ફિલ્મની એક આખી ફાઈટ સિક્વન્સ બ્રુસ લીના અકાળે અવસાનને કારણે અધૂરી રહી ગયેલી ફિલ્મ ‘ગેમ ઓફ ડેથ’ને અંજલિ છે. તેમાં સૂર્યાએ બ્રુસ લીને જ ચમકાવતી ટેલિવિઝન સિરીઝ ‘લોંગસ્ટ્રીટ’માં પહેરેલો એવો જ મરૂન ટ્રેક સૂટ પહેર્યો છે. આ ફાઈટ સિક્વન્સ ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલે છે અને વિલન જિમી બારમા માળે બેઠો છે. વિલન સુધી પહોંચવું હોય તો તેના ફોલ્ડરિયા ફાઈટરોને મારીને હરાવવા પડે. તે ફોલ્ડરિયા ફાઇટરોમાં એક સાતેક ફૂટિયો પણ સામેલ છે. આ બધું જ બ્રુસ લીની ‘ગેમ ઓફ ડેથ’માં હતું. તેમાં પણ 7 ફૂટ 2 ઈંચ હાઈટવાળો બાસ્કેટ બોલ પ્લેયર કરીમ અબ્દુલ જબ્બાર હતો. ‘ગેમ ઓફ ડેથ’ પરથી ઈન્સ્પાયર થઈને 2011માં ‘રેઇડઃ રિડેમ્પ્શન’ નામની ફેમસ એક્શન પેક્ડ ઈન્ડોનેશિયન મુવી પણ બનેલી (અને આપણે ત્યાં ટાઈગર શ્રોફ સ્ટારર ‘બાગી’નો સેકન્ડ હાફ!). ‘રેઇડઃ રિડેમ્પ્શન’ની જ સિક્વલ ‘રેઇડ-2’ની એક મારફાડ વિલન ‘હેમર ગર્લ’ની સ્ટાઈલમાં ને તેના જ ગેટઅપમાં ‘MKDNH’ની હિરોઈન યુવાન સુપ્રીની એન્ટ્રી પડે છે. પોતાનો ફ્લેશબેક કહેતી વખતે સૂર્યા ‘ટર્મિનેટર’ ફિલ્મની સ્ટાઈલ પણ મારે છે.
એક સીનમાં સૂર્યા અને કરાટે મણિ બંને લિફ્ટમાં જાય છે. સૂર્યા સુપરહીરોના કોશ્ચ્યુમમાં છે (જે કોશ્ચ્યુમની આંખો પર બાંધેલી પટ્ટી ‘નિન્જા ટર્ટલ’ જેવી છે). તે સીન જુઓ અને સ્પાઈડર મેન-2નો એલિવેટરવાળો સીન જુઓ.
એક રોમેન્ટિક સીન પછી સુપ્રીને ખ્યાલ આવે છે કે પોતે પ્રેમમાં છે અને એ નાનકડો ડાન્સ કરે છે. હવે એ ડાન્સ જુઓ અને 1952માં આવેલી મ્યુઝિકલ ફિલ્મ ‘સિંગિંગ ઈન ધ રેઈન’ના સિમિલર સિચ્યુએશનવાળું ટાઈટલ સોંગ જુઓ. ‘બિગ ટ્રબલ ઈન લિટલ ચાઈના’ના કર્ટ રસેલ જેવી અભિમન્યુની હેર સ્ટાઈલથી લઈને મહેશ માંજરેકરના ‘વાસ્તવ’ના સંજય દત્તના કેરેક્ટરના નામ (રઘુનાથ શિવાળકર) સુધી ગમે તે સીન ગમે ત્યાં પૉઝ કરીને જુઓ તો તમને કોઈ જૂની ફિલ્મનો રેફરન્સ મળી જાય. આ હદે વાસન બાલાએ આ ફિલ્મમાં જૂના સંદર્ભો ભભરાવ્યા છે. મજા એ છે કે આટલા બધા સંદર્ભો હોવા છતાં તે ક્યાંય પરાણે ઘુસાડેલા કે મુખ્ય વાર્તા પર હાવી થતા લાગતા નથી. ઊલટું હજી સૂર્યા ઘરમાં જ માર્શલ આર્ટ્સની ફિલ્મો જોઈ જોઈને પોતે જુડો-કરાટે શી રીતે શીખે છે એનું એક મોન્ટાજ બતાવવા જેવું હતું.
MKDNHનાં પોસ્ટર્સ, ફિલ્મમાં આવતો સમયગાળો, VHS, ફિલ્મના પ્રમોશનમાં પણ વપરાયેલી VHS અને ઓડિયો કેસેટ્સ, સિંગલ સ્ક્રીન થિયેટર, મારુતિ 800 કાર, બધા જ પોપ કલ્ચર રેફરન્સીસ, જેકી ચેન કે બ્રુસ લીની ફિલ્મોની જેમ કેબલ્સ બાંધ્યા વિનાની એકદમ ફાસ્ટ કોરિયોગ્રાફ્ડ એક્શન… બધું જ આપણને સીધા એંસી કે નેવુંના દાયકામાં ટેલિપોર્ટ કરી દે છે. આ દાયકાઓમાં ઊછરેલા લોકો માટે તો આ મુલી ઓલમોસ્ટ ટાઈમ ટ્રાવેલ જેવી છે. ઈવન ફિલ્મનાં ગીતો પણ એવાં જ ક્વર્કી અને રેફરન્સફુલ છે. જેમ કે, ‘રપ્પન રપ્પી રાપ’. એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમની યાદ અપાવે તેવું જિમી-મણિની સ્ટોરી કહેતું સોંગ. મ્યુઝિક ડિરેક્ટર કરણ કુલકર્ણીએ MKDNHનાં ગીતોમાં એંસી-નેવુના દાયકાના સાઉન્ડ્સ એકઠા કર્યા છે એ પકડવા માટે ગીતો શાંતિથી વારંવાર સાંભળવાં પડે તેમ છે!

કેરેક્ટર્સ
MKDNHની બીજી મજા એ છે કે આ મુવીનું સેટિંગ એકદમ મિડલ ક્લાસનું છે. યાને કે હીરો-હિરોઈન, સપોર્ટિંગ કેરેક્ટર્સ, એમની રહેણીકરણી, મેન્ટાલિટી… બધું જ જાણે સઈ પરાંજપે, બાસુ ચેટર્જી કે હૃષિકેશ મુખર્જીની ફિલ્મોમાંથી બેઠું થયું હોય તેવું છે. હીરો સૂર્યા દુર્લભ જનીનિક ખામીને કારણે 12 વર્ષ સુધી ઘરની બહાર નથી નીકળ્યો. એને મન બહારની દુનિયા એટલે માર્શલ આર્ટ્સની ને બોલિવૂડની ફિલ્મો. એટલે એ સતત તે કલ્પનાની દુનિયામાં જ જીવે છે. સુપ્રી એક તરફ કરાટે મણિ પાસેથી માર્શલ આર્ટ્સ શીખીને ‘પાપ કો જલાકર રાખ’ કરી દેતાં શીખી છે, પરંતુ બીજી તરફ એ નાનપણથી પોતાના દારૂડિયા-અબ્યુઝિવ બાપ અને પછી કંટ્રોલ ફ્રીક ફિયાન્સેથી દબાયેલી રહે છે. એક તરફ એ સૂર્યાને ‘બાળપણની બાલિશ સ્ટોરીઝમાંથી ગ્રો અપ’ થવાની સલાહ આપે છે, બીજી બાજુ એ પોતે પણ એ સ્ટોરીઝનો ભાગ બનતી રહે છે. સૂર્યાના નાના કૂલેસ્ટ ગ્રાન્પા એવરની કેટેગરીમાં સામેલ થાય એવા છે. એ જાણે છે કે દોહિત્ર (દીકરીનો દીકરો!)ને દુર્લભ જનીનિક તકલીફ છે, પરંતુ એમણે ક્યારેય એની વધુ પડતી આળપંપાળ કરીને તેને ડરપોક બનાવ્યો નથી. ફિલ્મો બતાવીને કે પોતાની કાલ્પનિક એડવેન્ચરસ વાર્તાઓ સંભળાવીને એને પોચટ બનાવ્યો નથી, રાધર પોતે ભલે પેઈન ફીલ ન કરી શકતો હોય, પણ બીજનું પેઈન ફીલ કરી શકે તેવો ‘સુપરહીરો’ બનાવ્યો છે. જિમી અને મણિ વિશે ફિલ્મમેકર પોતે જ કહે છે કે પહેલો ટિપિકલ સાઈકોટિક વિલન છે ને બીજો ટિપિકલ કરાટે માસ્ટર છે. એ બંનેની પણ બ્રીફ મેકિંગ સ્ટોરી આપણને બતાવવામાં આવે છે. આ બધાં જ કેરેક્ટર્સ એકદમ ઈન્ટરેસ્ટિંગ છે. એટલું જ નહીં, પર્ફેક્ટ કાસ્ટિંગ અને એ કાસ્ટ્સની પર્ફેક્ટ એક્ટિંગ. સુપર કોન્ફિડન્ટ ચાર્મિંગ અભિમન્યુ દસાણી, ‘રિઈન્ટ્રોડ્યુસ્ડ’ રાધિકા મદાન, મહેશ માંજરેકર અને અબોવ ઓલ ડિલિશિયસલી વર્સેટાઈલ ગુલશન દેવૈયા, બધાની એક્ટિંગ લિટરલી લાજવાબ છે. એક પેરેનોઈડ પપ્પા તરીકે જિમિત ત્રિવેદી અને સતત સહન કરતી કેરિંગ માતા તરીકે લવલીન મિશ્રાએ પણ મસ્ત એક્ટિંગ કરી છે.

ટેસ્ટી કોમેડી
લોકોને હસાવવા માટે કોમેડી કરવી અને લોકોને હસાવતા જવાની સાથોસાથ પોતે શું કરી રહ્યા છે તે પણ કહેતા જવું અને બીજાની સળી પણ કરતા જવી, એવા ફિલ્મમેકિંગ માટે એક અલગ પ્રકારનું મેચ્યોરિટી લેવલ જોઈએ. અહીં વાસન બાલાને ખબર છે કે તે દુનિયાભરની ફિલ્મોની સ્ટાઈલ મારી રહ્યા છે, અનેક ઠેકાણેથી નાની મોટી વસ્તુઓ એકઠી કરીને લોકોને કહ્યું પણ છે કે અમે અહીંથી લીધું છે. એમને ખબર છે કે અમારી ફિલ્મ કોમિક બુક જેવી છે, એટલે જ દર થોડી વારે અલ્ટ્રા સ્લો મોશનમાં દૃશ્યો આવે છે. તમે ફિલ્મના કોઈપણ સીનને પૉઝ કરીને પાત્રો પર ‘સ્પીકિંગ ક્લાઉડ’ બનાવીને તેને કોમિક બુકમાં કન્વર્ટ કરી શકો (જોકે સતત સ્લો મોશન બતાવવાની લ્હાયમાં લોઢાનો નાનો સખત સળિયો બેન્ડ વળતો દેખાય, જેના પરથી ખબર પડી જાય કે તે લોઢાનો નહીં, પરંતુ એકદમ સોફ્ટ મટિરિયલનો છે!). દર થોડી વારે હીરો અભિમન્યુ અદાકારો અને દર્શકો વચ્ચેની અદૃશ્ય એવી ફોર્થ વૉલ તોડીને સીધો દર્શકો સાથે જ સંવાદ કરતો રહે છે. રિયલ લાઈફ સ્ટાર્સ અને પેટ્રિયોટિઝમથી ફાટ ફાટ થતી ફિલ્મોને સળી પણ કરે છે, જેમ કે એક સીનમાં એ કહે છે કે ‘…આવું થયું હોત તો મારી પાછળ પણ તિરંગો લહેરાતો હોત ને રાષ્ટ્રગીત વાગતું હોત, પણ એ માટે તમારે બાજુના સ્ક્રીનમાં જવું પડશે!’ (MKDNH અક્ષય કુમારની ‘કેસરી’ સાથે રિલીઝ થઈ હતી!) આ ફિલ્મની કોમેડીનો ટેસ્ટ પણ એકદમ ઓફ બીટ છે. એકદમ અનઅપેક્ષિત જગ્યાઓએથી કોમેડી મળે. જેમ કે, સાઈકો વિલન બધાના પગ બાંધવાનું કહે તો અક્કલ ચલાવ્યા વિના ગુંડાલોગ એક પગવાળા કેરેક્ટરના પગમાં પણ ડક્ટ ટેપ વીંટી દે. તે એક પગવાળું કેરેક્ટર કૂદતું કૂદતું આખો રૂમ ક્રોસ કરીને બહાર જાય, પછી યાદ આવે કે બૂટ પહેરવાનું બાકી છે, એટલે ફરી પાછું આવે ને પહેરીને પાછું બહાર જાય. આ બધું જ અનકટ સીનમાં ચાલે! હીરોના હાથનો માર ખાતો વિલનનો આદમી જાણી જોઈને બેહોશ થઈ જવાનું નાટક કરે, જેથી એને વધુ માર ન ખાવો પડે. મારવા માટે જાણે ચિલ્લમચિલ્લી કરવી ફરજિયાત હોય તેમ બરાડા પાડતા આદમીલોગને ખુદ એનો વિલન બોસ જ ચૂપ કરાવે, એવું કહીને કે આ રેસિડેન્શિયલ એરિયા છે, શાંતિ રાખો! આવી ફ્લેવરની કોમેડી આપણને ‘એરપ્લેન’, ‘મોન્ટી પાઈથોન’, ‘ઓસ્ટિન પાવર્સ’, ‘પિન્ક પેન્થર’, ‘હેન્ગઓવર’ સિરીઝ વગેરેની યાદ અપાવે. અને જેકી ચેનની ફિલ્મોને આટલી અંજલિઓ આપી, તો જેકીની ફિલ્મોના અનિવાર્ય અંગ એવા એન્ડ ક્રેડિટ્સ સાથેના બિહાઇન્ડ ધ સીન્સ પણ શું કામ નહીં મૂક્યા હોય?!

લેકિન નોટ સો માઈન્ડબ્લોઇંગ
MKDNH મારી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ હતી. તેની એકેએક સેકન્ડ હું લિજ્જતથી માણવા માટે પૂરેપૂરો સજ્જ હતો અને તેનો પૂરેપૂરો આનંદ ચૂસ્યો પણ છે. લેકિન મને ફીલ થયું કે હજી ફિલ્મમાં જોઈએ તેટલી મજા આવી નથી. સૂર્યા, સુપ્રી, જિમી-મણિ એ તમામ કેરેક્ટર્સ બહુ પાતળા તાંતણાથી બંધાયેલાં છે. ઓલમોસ્ટ ફોર્સફુલી. જે આખી ફિલ્મના કેન્દ્રમાં છે તે સૂર્યાની દુર્લભ જનીનિક બીમારી, તે ઓલમોસ્ટ ગિમિક લાગે છે. શાહરુખ ‘ઝીરો’માં જે રીતે ઠિંગુ બનેલો, એ જ રીતે અહીં સૂર્યાની પેઈન ફીલ ન થવાની તકલીફ બાદ કરી નાખો તો ફિલ્મમાં ઝાઝો કશો જ ફરક ન પડે.

એક સુપર એક્સાઈટિંગ આઈડિયા
ડિરેક્ટર વાસન બાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ આ ફિલ્મની સિક્વલ વિચારી રહ્યા છે. ગ્રેટ! મને એવો આઈડિયા આવ્યો કે જે રીતે સૂર્યા સિત્તેર-એંસી-નેવુના દાયકાની માર્શલ આર્ટ્સ ફિલ્મો જોઈ જોઈને મોટો થયો છે, એ જ રીતે અલગ અલગ ફિલ્મો-કોમિક્સ-ટીવીને ખોબલે ખોબલે પીને મોટા થયેલાં કેરેક્ટર્સ પરથી અલગ અલગ ફિલ્મો બનાવવામાં આવે તો? જેમ કે, કોઈ ચાર્લી ચેપ્લિન-બસ્ટર કીટનની ફિલ્મોનો કીડો છે, કોઈ બપ્પી લાહિરી સ્ટાઈલના ડિસ્કો ડાન્સની ફિલ્મી દુનિયામાંથી આવે છે, કોઈ ચાચા ચૌધરી-નાગરાજ-ડોગાની દુનિયામાંથી આવ્યું છે, કોઈ રામસે બ્રધર્સની ફિલ્મો જોઈને કે ગુલઝારની અંગૂરના સંજીવ કુમારની જેમ વેદપ્રકાશ કમ્બોજ-વેદપ્રકાશ શર્મા-સુરેન્દ્ર મોહન પાઠક જેવી પોકેટ બુક્સનું પલ્પ ફિક્શન પીને ઉછર્યું છે, કોઈ બાબા સેહગલ, દલેર મેંહદી, ફાલ્ગુની પાઠક વગેરેનાં ઈન્ડિપોપનું દીવાનું છે… વગેરે. પછી આવી ફિલ્મોનાં કેરેક્ટર્સને ‘એવેન્જર્સ’ની જેમ એક જ ફિલ્મમાં ભેગાં કરવાનાં!
એની વે, આ 2100 શબ્દ લાંબા રિવ્યુ પરથી એક વાત તો ક્લિયર થઈ જ ગઈ હશે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ એકદમ મસ્ત મસ્ટ વૉચ છે. ઓનલાઈન રિલીઝ થાય ત્યારે પૉઝ કરી કરીને અચૂક જોજો.

P.S. 1 ‘મર્દ કો દર્દ નહીં હોતા’ના ટાઈટલ સોંગ ‘રપ્પન રપ્પી રાપ’માં આવતા બધા જ પોપ કલ્ચર રેફરન્સીસનું મેં કરેલું કમ્પાઈલેશન વાંચવા-જોવા માટે ક્લિક કરો અહીંઃ https://jayeshadhyaru.wordpress.com/2019/03/14/mard-ko-dard-nahi-hota-title-song-pop-culture-references/

P.S. 2 ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં આવતા મોટા ભાગના પોપ કલ્ચર રેફરન્સીસનું કમ્પાઈલેશન્સ કરતો આ આર્ટિકલ અચૂક વાંચશોઃ https://www.filmcompanion.in/mard-ko-dard-nahi-hota-references-spoilers-movie-vasan-bala-abhimanyu-dassani

P.S. 3 ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેનાથી કંઈક અંશે પ્રભાવિત છે તેવી હૉલિવૂડની ડેડપૂલ 1 અને 2ના મેં કરેલા રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીંઃ

ડેડપૂલ – 1ઃ https://jayeshadhyaru.wordpress.com/2016/02/18/deadpool/

ડેડેપૂલ – 2ઃ https://jayeshadhyaru.wordpress.com/2018/05/21/deadpool-2/

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s