સલામ બોમ્બે

film_companion_review_berlin_photograph_lead_1-1100x600રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

ડિરેક્ટર રિતેશ બત્રાને ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મ બનાવવાનો આઇડિયા કેવી રીતે આવ્યો હશે તે જાણવું ઈન્ટરેસ્ટિંગ છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ પર પ્રવાસીઓનો ફોટો પાડી આપતા ફોટોગ્રાફર પાસેથી એકાદી અમેઝિંગ લાઈન સાંભળીને કે તેનું ફોટો આલ્બમ જોઈને? કે પછી શહેરના કોઈ ખૂણે એક માણસ આજે પણ પોતાના જૂનવાણી ઘરમાં બંધ પડી ગયેલું સોફ્ટ ડ્રિંક બનાવે છે, કેમ કે એની કોઈ પ્રિય વ્યક્તિને એ ગમતું હતું… એવા ન્યૂઝ/આઇડિયા પરથી? કે ટ્યૂશન્સનાં હોર્ડિંગ્સમાં દેખાતાં ‘તેજસ્વી તારલા’ઓના ફોટોગ્રાફ જોઈને?

જે હોય તે, પણ એમની લેટેસ્ટ રિલીઝ ‘ફોટોગ્રાફ’નાં પાત્રો એમની અગાઉની હિન્દી ફિલ્મ ‘ધ લંચબોક્સ’માં ઈરફાન અને નિમ્રત કૌરનાં પાત્રો જે ફેબ્રિકમાંથી વણેલાં તેમાંથી જ ઉપસાવ્યાં હોય તેવું લાગે છે. એ જ મુંબઈ શહેર, એ જ ભીડભાડ, ભીડની વચ્ચે પણ એકલતાથી પીડાતાં લોકો, નોસ્ટેલ્જિયા, મિનિમમ ડાયલોગ્સ અને મેક્સિમમ વિઝ્યુઅલ્સ, જાતભાતના સાઉન્ડ્સ અને કૂવો ભરીને સેન્ટિમેન્ટાલિટી. આ બધું જ ‘ફોટોગ્રાફ’માં છે.

ફોટોગ્રાફ ફિલ્મ એવાં બે પાત્રોની નિકટતાની સ્ટોરી છે જે પ્રોબેબિલિટીના સિદ્ધાંત પ્રમાણે પણ રેરેસ્ટ ઓફ ધ રેરની કેટેગરીમાં આવે. સ્ટોરી છે, રફી (નવાઝુદ્દીન સિદ્દીકી) અને મિલોની (સાન્યા મલ્હોત્રા)ની. રફી ફોટોગ્રાફર છે. પણ બોલિવૂડે જેને ગ્લેમરાઈઝ કર્યા છે એવા ફેશન ફોટોગ્રાફર કે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર નહીં, બલકે ગેટવે ઓફ ઈન્ડિયા પર પ્રવાસીઓની પાછળ ફરી ફરીને ફોટા પડાવવા માટે આજીજી કરતો ફોટોગ્રાફર. જેના માટે ફોટોગ્રાફી એ પેશન કે શોખ કરતાં મજબૂરી વધારે છે. મિલોની શાહ મુંબઈના ઉચ્ચ મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારની દીકરી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણે છે. ભણવામાં એવી ટોપર છે, કે ક્લાસિસવાળા એનો માથા પર ક્રાઉન પહેરાવેલો ફોટો ગામનાં હોર્ડિંગ્સમાં છપાવે છે. એ બંને અનાયાસે મળે છે અને એમની વાત આગળ ચાલે છે. પરંતુ ફિલ્મની ખામોશીમાંથી સતત ગુલઝારની ‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો’ સંભળાયા કરે એવી.

આ સિનોપ્સિસ વાંચીને રખે કોઈને લાગે કે આ તો ટિપિકલ બોય મીટ્સ ગર્લ-ઓડ કપલ ટાઈપની કેન્ડીફ્લોસ લવસ્ટોરી હશે. આ એવી ફિલ્મ છે જે કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જોઈએ અને પછી કલાકો સુધી તેને મમળાવતા રહીએ. જે સ્લો બર્નિંગ સ્પીડે આ ફિલ્મ ચાલે છે એ જ ધીમી આંચથી આપણે પણ આ ફિલ્મનાં પાત્રોની સાથે ફરતા રહીએ. ડિરેક્ટર રિતેશ બત્રા આપણને સીધું કશું જ કહેતા નથી. પાત્રોની સાથે ફરતા કેમેરાથી અને આસપાસથી આવતા અવાજોથી ધીમે ધીમે આપણને તેમનાં પાત્રોની દુનિયામાં લઈ જાય છે. સાઉન્ડનો બહુ સલુકાઈથી એમણે ઉપયોગ કર્યો છે. મોટાભાગનાં પાત્રો કેમેરાને બદલે સૌથી પહેલાં સાઉન્ડથી ઈન્ટ્રોડ્યુસ કરે છે. ઈવન ફિલ્મમાં પણ પસાર થતી ટ્રેન, વાહનોનો ટ્રાફિક, લોકોનો શોરબકોર, બેકગ્રાઉન્ડમાં ક્યાંક વાગતો રેડિયો, કેમેરાની ક્લિક્સ… અને એક સબ પ્લોટની એન્ટ્રી પછી સિલિંગ ફેન અને લાકડાની ફર્શ પર કોઈકના ચાલવાથી થતો કિચૂડાટ ને એ બંનેની સહિયારી હોન્ટિંગ ફીલિંગ!

film_companion_photograph_nawazuddin-siddiqui_sanya-malhotra_lead_5આ ફિલ્મના માર્કેટિંગમાં એક લાઈન વપરાઈ છે કે ફોટોગ્રાફ એ મુંબઈને એક લવ લેટર છે. બેશક છે. ગેટવે ઓફ ઈન્ડિયા, એલિફન્ટાની ગુફાઓ સુધીની બોટ રાઈડ, તાજ મહાલ હોટેલ, મરીન ડ્રાઈવ, લોકલ બસ, લોકલ ટ્રેન, સસ્તી કેફે-રેસ્ટોરાં, બેશુમાર ભીડ, ગરીબી, ઝૂંપડપટ્ટીઓ, પૈસા કમાવા ને ગરીબીથી છૂટવા મુંબઈ આવીને આમતેમ અથડાતા ફરતા માઈગ્રન્ટ્સ, કાળી-પીળી ટેક્સીઓ… પરંતુ બીજી એક મજા છે આ ફિલ્મનાં અનોખાં લીડ કેરેક્ટર્સની શાંત લવસ્ટોરીમાં. આ બંને કેરેક્ટર્સ એક જ શહેરનાં હોવા છતાં બંનેની દુનિયા વચ્ચે અમેરિકા અને સોમાલિયા જેટલું અંતર છે. આપણી રેગ્યુલર બમ્બૈયા ફિલ્મોથી વિપરિત બેમાંથી એકેય લીડ કેરેક્ટર ચેટરબોક્સ નથી. એમની આસપાસના તમામ લોકો આ બંને કરતાં વધારે બોલ બોલ કરે છે. આ બંને તદ્દન અનલાઈક્લી પ્રોટાગનિસ્ટ્સ છે. આપણી બોલિવૂડિયા વ્યાખ્યામાં આ બંનેની કોઈ લવસ્ટોરી સંભવી જ ન શકે. બેમાંથી કોઈ ટિપિકલ રોમેન્ટિક નથી, અથવા તો રોમાન્સ/ફીલિંગ્સ વ્યક્ત કરી શકે તેવા આઉટ સ્પોકન નથી. બલકે અનહદ અંતર્મુખી અને ‘બોરિંગ’ છે. એમનું અંતર્મુખીપણું બતાવવા માટે બંને જ્યારે બહુ બધા લોકોની વચ્ચે બેઠાં હોય ત્યારે બાકીના લોકોના ચહેરા સુદ્ધાં આપણને બતાવવામાં આવતાં નથી (એમાં જ આપણા ગુજરાતી એક્ટર કેનેથ દેસાઈ એક જ સીનમાં માત્ર અવાજ તરીકે જ સંભળાય છે!). અહીં પણ પોસ્ટ ઓફિસના એક સીનમાં અને બીજાં છૂટક દૃશ્યોમાં માત્ર સંભળાય અને દેખાય નહીં એવાં પાત્રો છે (‘ધ લંચબોક્સ’માં ઉપરનાં માળે રહેતાં આન્ટી (ભારતી આચરેકર) યાદ કરો).

મિલોની અને રફી બંને પોતપોતાના વડીલોથી દબાયેલાં છે. આપણને કહેવામાં આવે છે કે મિલોની કોલેજમાં એક્ટિંગમાં ભારે ઈન્ટરેસ્ટેડ હતી, અનેક અવોર્ડ્સ પણ જીતી લાવેલી. પરંતુ માતાપિતા ઈચ્છતાં હતાં કે દીકરી CA ટાઈપ ઉચ્ચ અભ્યાસ કરે, એટલે એક્ટિંગ છોડાવી દીધી. મિલોની ભણવામાં એકદમ બ્રાઈટ છે, પણ એને કદાચ CA બનવું પણ નથી. કપડાંથી લઈને લગ્ન માટે મુરતિયા સુધી એ માતાપિતાની પસંદગી પ્રમાણે જ ચાલે છે. એક તબક્કે સિટી બસમાંથી એનું હોર્ડિંગ જોઈને કોઈ અજાણી યુવતી મિલોનીને કહે છે કે, પેલું હોર્ડિંગમાં તમે જ છો ને? ત્યારે મિલોની માથું ધુણાવીને ના પાડે છે. મતલબ કે હોર્ડિંગમાં દેખાતી મિલોની તો એનાં માતાપિતા એને જે બનાવવા માગે છે એ છે, સાચુકલી મિલોની તો અલગ જ છે.

રફી અને મિલોની વચ્ચે મિનિમમ સંવાદોની આપ-લે થાય છે, છતાં બંને એકબીજાની નજીક પણ આવે છે અને આપણા ટિપિકલ હીરો-હિરોઈનની જેમ બસ-ટેક્સીમાં જાય છે, એકબીજાને નક્કી કરેલાં સ્થળે મળે છે, મુવી જોવા-રેસ્ટોરાંમાં પણ જાય છે! ઈવન રફીના ભાગે એક હિરોઈક મોમેન્ટ પણ છે, જેમાં એ મુશ્કેલીમાં મુકાયેલી પોતાની હિરોઈનને બચાવે છે. પરંતુ એકદમ સટલ્ટીથી, જરાય ઢિશૂમ ઢિશૂમ કર્યા વિના. ફિલ્મની શરૂઆતમાં (અને ટ્રેલરમાં બતાવાય છે તેમ) નવાઝ પોતાની ગોખી રાખેલી લાઈન મિલોનીને પણ કહે છે કે, ‘સાલોં બાદ જબ આપ યે ફોટો દેખેંગી તબ આપકો આપકે ચેહરે પર યહી ધૂપ દિખાઈ દેગી…’ બની શકે કે આવી સેન્ટિમેન્ટલી રોમેન્ટિક લાઈન મિલોનીને કદાચ ક્યારેય કોઈએ નહીં કહી હોય (એ વખતે નવાઝ બીજી એપિક લાઈન બોલે છે, ‘મેડમ, આજ કા દિન પ્લાસ્ટિક મેં!’). એ જ સીનની શરૂઆતમાં મિલોની ગેટવે ઓફ ઈન્ડિયાની ભીડમાં પોતાના પરિવારથી જાણી-જોઈને વિખૂટી પડી જાય છે (એ કશું બોલ્યા વિના પણ કહી દે છે કે એ પરિવારથી કેવી ડેસ્પરેટલી છૂટવા માગે છે!). ફોટો પડાવતી વખતે પરિવારની બૂમ પડતાં જ મિલોની પૈસા ચૂકવ્યા વિના જતી રહે છે (અગેઈન બતાવે છે કે એ પરિવારથી કેટલી ડરેલી-દબાયેલી છે). રફીએ પાડેલો એનો ફોટોગ્રાફ એનો અત્યાર સુધીનો બેસ્ટ ફોટોગ્રાફ હશે, કેમ કે એ પોતાના આખા ક્લાસને તે ફોટોગ્રાફ બતાવે છે. એટલું જ નહીં, ફિલ્મમાં આગળ ઉપર મિલોની કહે છે, ‘જબ મૈંને વો ફોટો દેખી તો મુઝે લગા કી વો લડકી કોઈ ઔર હી હૈ. વો લડકી મુઝસે ઝ્યાદા ખુશ લગ રહી થી, ઔર સુંદર ભી!’ ફિલ્મમાં આ કદાચ એકમાત્ર એવી લાઈન છે, જ્યાં આપણને મિલોનીના મનમાં શું ચાલી રહ્યું છે તેનો તાગ મળે છે. નહીંતર રિતેશ બત્રાએ આપણને-દર્શકોને પણ મિલોનીના દિમાગમાં ઝાંકવાની તક નથી આપી.

રફી અને મિલોની બંને રિતેશ બત્રાની ‘ધ લંચબોક્સ’ના સાજન ફર્નાન્ડિઝ (ઈરફાન)ની જેમ કંઈક અંશે ભૂતકાળમાં જીવે છે. મિલોનીએ દાદાના સમયની ‘કેમ્પા કોલા’ની યાદમાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનું છોડી દીધું છે (જેથી દાદાના સમયની કોલાનો સ્વાદ મગજમાંથી ભૂંસાય નહીં), તો રફી પોતાના વડીલની યાદમાં દર મહિનાની આખરમાં કુલ્ફી ખાય છે. અહીં સેલ્ફી નથી લેવાતો, ફોટોગ્રાફની પ્રિન્ટ નીકળે છે. મલ્ટિપ્લેક્સ નહીં, અહીં સિંગલ સ્ક્રીન થિયેટરમાં ‘તીસરી મંઝિલ’ જોવા જવાય છે. પ્રેમ મોહમ્મદ રફીના (‘તુમને મુઝે દેખા’) સોંગ અને નીતિન મુકેશના ‘નૂરી’ પર થાય છે.

મિલોની એનાં માતાપિતાએ રચેલા અદૃશ્ય પરપોટાની લિમિટેડ દુનિયામાં જીવે છે (એટલે જ બહારનો એક બરફ ગોલો ખાવા માત્રથી માંદી પડી જાય છે). જેમ જેમ એ રફી (નવાઝ)ની વધુ નિકટ આવે છે, તેમ તેમ એ પોતાના ઘરમાં કામ કરતાં કામવાળાં બહેન (મરાઠી અભિનેત્રી અને અદાકાર અતુલ કુલકર્ણીનાં પત્ની ગીતાંજલિ કુલકર્ણી)-જે પોતે પણ કોઈ ગામડેથી મુંબઈમાં આવ્યાં છે- તેની લાઈફમાં વધુ રસ લેવા માંડે છે.

Photograph‘ફોટોગ્રાફ’ આપણને પણ એકથી વધુ ફિલ્મો-સાહિત્યકૃતિઓની યાદ અપાવી દે છે. એનું મુંબઈનું ચિત્રણ રિતેશ બત્રાની જ ‘ધ લંચબોક્સ’ તો યાદ કરાવે જ છે, સાથોસાથ ગ્રેગરી ડેવિડ રોબર્ટ્સની સુપરહિટ નવલકથા ‘શાંતારામ’ પણ યાદ કરાવે છે. તેમાં પણ ગેટવે ઓફ ઈન્ડિયાથી જ સ્ટોરી શરૂ થાય છે. ‘ફોટોગ્રાફ’માં મુંબઈની ‘બેસ્ટ’ની બસમાં હિરોઈનની બાજુમાં બેસવાનો એક ક્યુટ સાઇલન્ટ સીન છે, જે શોખીનોને તરત જ બાસુ ચેટર્જીની અમોલ પાલેકર-વિદ્યાસિંહા સ્ટારર ‘છોટી સી બાત’ યાદ કરાવી દે તેવો છે! એ અમોલ પાલેકરની જેમ અહીં રફી ક્યારેય પોતાની હદ ક્રોસ કરતો નથી. એને પોતાની અને મિલોનીની દુનિયા (વાંચો, ઔકાત!) વચ્ચેનો તફાવત બરાબર ખબર છે. એ મિલોનીને સામે ચાલીને ટચ કરતો નથી, એના માટે ટેક્સીનો દરવાજો ખોલી આપે છે… એક પર્ફેક્ટ જેન્ટલમેન જોઈ લો. રેગ્સ અને રિચિઝ વચ્ચેની શહેરની સડકો પર રચાતી છોટી સી લવ સ્ટોરી આપણને ગ્રેગરી પેક અને ઓડ્રી હેપબર્નની ક્લાસિક કોમેડી ફિલ્મ ‘રોમન હોલિડે’ પણ યાદ અપાવી દે.

દાદી (ફારુખ જાફર)નું અનએક્સપેક્ટેડલી સુપર્બ કેરેક્ટર અને સિમ્પલ પ્લસ ડાર્ક હ્યુમર ધરાવતી રિતેશ બત્રાની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ એમની જ 2013ની મુંબઈ બેઝ્ડ ફિલ્મ ‘ધ લંચબોક્સ’ની ઊંચાઈએ પહોંચી શકતી નથી. કેમ કે, આ ફિલ્મ બિનજરૂરી રીતે આર્ટી બની રહી છે. તેમાં લવસ્ટોરી સિમ્પલ હોવા છતાં રિતેશે તેને આર્ટી વળ ચડાવીને, મેજિકલ રિયાલિઝમનો વઘાર નાખીને વધુ કોમ્પ્લિકેટેડ બનાવી નાખી છે. જેમ કે, ફિલ્મનું ઓપન એન્ડિંગ. ફિલ્મ અનોખી રીતે ફ્લેશબેક પર પૂરી થાય છે! એટલે આપણે વિચારતા રહી જઈએ કે એન્ડમાં એક્ઝેક્ટ્લી થયું શું! (Btw, રિતેશ બત્રાએ ‘ધ લંચબોક્સ’ પછી ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ અને જેન ફોન્ડા-રોબર્ટ રેડફોર્ડ જેવા સ્ટાર્સને લઈને ‘અવર સોલ્સ એટ નાઈટ’ જેવી વખણાયેલી ફિલ્મો બનાવી છે. પરંતુ આપણે ત્યાં કોઈને એમાં રસ પડ્યો નથી.) ફોટોગ્રાફ એનાં પાત્રોની જેમ જ અતડી ફિલ્મ છે, જે પ્યોર સિનેમા લવર્સ સિવાય બહુ ઓછા લોકોને અપીલ કરી શકે તેવી બની છે. તેમ છતાં નવાઝ-સાન્યા-ફારુખ જાફરની મસ્ત એક્ટિંગ, મસ્ત સાઉન્ડ ડિઝાઈન, બોમ્બે એઝ અ કેરેક્ટર, વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ વગેરે માટે પણ આ ફિલ્મ ધીરજ રાખીને પણ અવશ્ય જોવી જોઈએ. ‘એમેઝોન સ્ટુડિયોઝ’એ પ્રોડ્યુસ કરી છે, એટલે ફિલ્મ થોડા સમયમાં જ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવી જશે.

P.S. 1 રિતેશ બત્રાની સુપર્બ ફિલ્મ ‘ધ લંચબોક્સ’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો આ લિંકઃ https://bit.ly/2UMoJJj

P.S. 2 રિતેશ બત્રાની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ અને તારક મહેતાની એક વર્ષો જૂની વાર્તા વચ્ચેના અદભુત સામ્ય વિશે વાંચવા માટે આ લિંક ક્લિક કરોઃ https://bit.ly/2HQ4Lto

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “Photograph

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s