‘ક્યા ભીડુ, પિક્ચર દેખને કા, સવાલ નહીં પૂછને કા!’

total-dhamaal-h-2_layers-digital_1

રેટિંગઃ ** (બે સ્ટાર)

લોકેશનઃ ડિરેક્ટર ઈન્દ્ર કુમારની ઓફિસ

ઈન્દ્ર કુમારઃ ‘મને એક સોલ્લિડ ક્રિએટિવ આઈડિયા આવ્યો છે. આપણે આપણી ‘ધમાલ-1’ની જ રિમેક બનાવીએ તો?’

રાઈટર/આસિસ્ટન્ટ લોગઃ ‘બ્રિલિયન્ટ આઈડિયા, સર! લેકિન એ તો હજી 12 વર્ષ પહેલાં જ આવેલી…’

IK: ‘અબ્બે ઢક્કન, લોકો દસ-પંદર વર્ષ પહેલાંનાં રિમિક્સ રોજેરોજ ચાટી જાય છે, આપણી ફિલ્મ નહીં ચલાવે? અને યાદ રાખ, રોહિત શેટ્ટીનું જ એક્ઝામ્પલ લે, બધી જ રિમેક બનાવે છે, લેકિન ક્લીન કોમેડીના નામે લોકો 200 કરોડનો બિઝનેસ આપે જ છે ને?!’

ફોલ્ડરિયા લોગઃ ‘તો સર, નામ શું રાખીશું? ‘ડબલ ધમાલ’ તો આપણે કરી નાખી, ‘ગ્રેટ’ અને ‘ગ્રાન્ડ’ એડ્જેક્ટિવ્સ તો આપણે ‘મસ્તી’માં વાપરી નાખ્યાં. ‘સુપર’ પણ ‘સુપર નાની’માં ખર્ચાઈ ગયું. હવે?’

IK: ‘તો શું થયું? લખ, ‘ટોટલ ધમાલ’. અને હા, ‘એબ્સોલ્યુટ ધમાલ’, ‘કમાલ ધમાલ’, ‘કમાલ ધમાલ માલામાલ’, ‘કમ્પ્લિટ ધમાલ’, ‘રિયલ ધમાલ’, ‘સોલિડ ધમાલ’, ‘અનલિમિટેડ ધમાલ’, ‘રાપચિક ધમાલ’, ‘ચકાચક ધમાલ’ અને બીજાં સમાનાર્થી તું ગૂગલ કરીને લિસ્ટ બનાવી નાખ ને ટાઈટલ રજિસ્ટર કરાવી લે.’

ફોલ્ડરિયા લોગઃ ‘ગુડ આઈડિયા, સર. બાય ધ વે, કમાલ ધમાલ માલામાલ ફિલ્મ તો ઓલરેડી બની ગઈ છે. એક મલયાલમ ફિલ્મની રિમેક હતી.’

IK: ‘ઓહ શિટ! હવે તો ચોરી કરવા માટે પણ માલ બચ્યો નથી. આમાં કશું ક્રિએટિવ કોઈ ક્યાંથી બનાવે?’

ફોલ્ડરઃ ‘યુ આર રાઈટ, સર. અને આ ટોટલ ધમાલની સ્ટોરી?’

IK: ‘અબ્બે ગધેડા, ધમાલની રિમેક છે. સ્ટોરી તો એની એ જ રહેશે ને!’

ફોલ્ડરઃ ‘યાને કે આ વખતે પણ આપણે ‘It’s a mad mad mad mad world’માંથી સ્ટોરી ઉઠાવવાની છે ને?

IK: ‘હા. પણ લોકોને એકનો એક માલ પધરાવી દીધો એવું ન લાગે એટલે નવા કલાકારો નાખી દઈશું. તને નેટફ્લિક્સ-પ્રાઈમ વીડિયોનું સબસ્ક્રિપ્શન બંધાવી આપ્યું છે ને? બસ, ત્યારે એમાંથી બીજી કોમેડી ફિલ્મો જોઈને નવા કોમેડી ગેગ્સ ઉઠાવી લે. બે-એક રિમિક્સ પણ ભભરાવી દેજે. જે ઓડિયન્સ વાસી માલ ચાટવા માટે પણ પૈસા ખર્ચવા તૈયાર હોય, તો પછી આપણે નવું બનાવવાની મહેનત શું કામ કરવી? એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ, વૉર એન્ડ બિઝનેસ! બાય ધ વે, mad પરથી સૂઝ્યું કે MAD ટાઈટલ પણ રજિસ્ટર કરાવી લે, આપણે ‘મસ્તી એન્ડ ધમાલ’ નામે બનાવીશું! અને હા, આમાં જાતભાતનાં એનિમલ્સ નાખી દેજે, ક્લીન કોમેડીનાં નામે બાળકોનું ઓડિયન્સ પણ મળી જશે.

ફોલ્ડરઃ ‘પણ સર, CGIનો ખર્ચો વધી જશે ને?’

IK: ‘અરે, સિંહ-વાઘ-ચિમ્પાન્ઝીના કૂદકા જોઈને લોકો હસતા હશે, લલ્લુ CGI પણ કોમેડીના ભાગરૂપે ખપી જશે… આપણે દિમાગ ઘરે મૂકીને જોવા જજો એવું કહી દઈશું, એટલે ચાલી જશે. રોહિત શેટ્ટીએ પણ ‘નો લોજિક ઓન્લી મેજિક’ કહીને 300 કરોડ કમાઈ લીધેલા ને?!’

ફોલ્ડરઃ ‘બટ સર, આપણે આમ ફેમસ ફિલ્મોના સીનની બેઠ્ઠી ઉઠાંતરી કરીશું, તો એટલિસ્ટ રિવ્યુઅર્સને તો ખબર પડી જ જશે ને? એ લોકો લખશે નહીં?’

IK: ‘અબ્બે ઢક્કન, આટલાં વર્ષોથી બોલિવૂડવાળા બિનધાસ્ત ઉઠાંતરી કરે છે, તોય કરોડોની કમાણી કરે જ છેને? ભલે ખોટી બટ એક ક્લિશે વાત યાદ રાખી લે, આ દુનિયામાં કશું જ ઓરિજિનલ નથી. એન્ડ રિમેમ્બર, તુમ જાનતે હો કી યે ચોરી છે, રિવ્યુઅર્સ જાનતે હૈ કિ યે ચોરી હૈ, લેકિન ઓડિયન્સ કો ઘંટા પતા હૈ કિ યે ચોરી હૈ?! ઓડિયન્સ આવવા માંડશે એટલે ચૌદસિયા રિવ્યુઅરો પણ લખવા માંડશે કે લોજિક-બોજિક ઠીક મારા ભૈ, મસ્ત મુવી છે જોઈ આવો… બસ, બે વીક પછી આપણે માલ ઊસેટીને બોક્સ ઓફિસ પરથી સંપલા…’

ફોલ્ડરઃ ‘રાઈટો સર, લેકિન આ હિન્દી ડાયલોગ તો અમિતજીની ‘ડોન’ ફિલ્મનો છે!’

IK: ‘શીશશશશશ…. નો લોજિક, ઓન્લી મેજિક! અને હા, શરૂઆતમાં જે પૈસાની વાત આવે છે તેમાં બ્લેક મની અને ડિમોનેટાઈઝેશનની વાત નાખી દેજે, સેન્સર ભી ખુશ, ગોરમિન્ટભી ખુશ ને ઓડિયન્સ ભી ખુશ!’

ફોલ્ડરઃ ‘બ્રિલિયન્ટ આઈડિયા, સર!’

***

તો વાત એવી છે કે હોલિવૂડમાં સ્ટેનલી ક્રેમર નામના એક ફિલ્મમેકર ભાઈ હતા. એમણે કોઈ એક મેસેજને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવવાનો ચીલો પાડેલો. રંગભેદ, ન્યુક્લિયર વૉર, આપખુદશાહી, ક્રિએશનિઝમ (ઈશ્વરે ચપટીમાં આ દુનિયાનું સર્જન કરેલું એ થિયરી) વર્સસ ઉત્ક્રાંતિવાદ વગેરે થીમ પર એમણે ચકાચક ફિલ્મો બનાવેલી. એમાંની લાલચની થીમ પરની ફિલ્મ હતી ‘ઈટ્સ અ મેડ મેડ મેડ મેડ વર્લ્ડ’. વાર્તા એવી કે એક મરતો માણસ ચોરાઉ માલનો દલ્લો કોઈ ગાર્ડનમાં ચોક્કસ જગ્યાએ છુપાવ્યાનો ક્લુ અજાણ્યા લોકોને આપીને વૈકુંઠવાસી થાય. એ ક્લુ પરથી એ અજાણ્યા લાલચુ લોકોની ચાર જોડીઓ સૌથી પહેલાં તે મત્તા સુધી પહોંચવાની રેસ માંડે.

અત્યારે કોઈએ નામ પણ ન સાંભળ્યાં હોય, પરંતુ એ વખતે જેઓ હોલિવૂડનાં ‘હૂઝ હૂ’ ગણાતા એવા કોમેડીના ખેરખાંઓએ તે ફિલ્મમાં કામ કરેલું. ફિલ્મ સુપરહિટ ગઈ, વિશ્વની ઓલટાઈમ ટોપ 100 કોમેડી ફિલ્મોમાં સ્થાન પણ મળ્યું. વિકિપીડિયા જોશો એટલે ખ્યાલ આવશે કે એના પરથી દર થોડાં વર્ષે ‘સ્કેવેન્જર હન્ટ’ (1979), ‘મિલિયન ડૉલર મિસ્ટ્રી’ (1987), ‘મિ. બીન’ રોવાન એટકિન્સનને ચમકાવતી ‘રેટ રેસ’ (2001), મલયાલમ મુવી ‘થ્રી કિંગ્સ’ (2011) અને તે પહેલાં 2007માં આપણી ‘ધમાલ’ જેવી ફિલ્મો બની.

ટ્રેઝર હન્ટની સિમ્પલ થીમ પરથી બનેલી આ ફિલ્મોનું સ્ટ્રક્ચર બહુ કન્વિનિયન્ટ છે. ફિલ્મની પહેલી થોડી મિનિટોમાં તમામ પાત્રોનું ઈન્ટ્રોડક્શન કરાવી દો. સાથોસાથ એ કેટલાં લાલચુ છે એ પણ એસ્ટાબ્લિશ કરી દો. બસ, પછી ક્લાઈમેક્સમાં છુપાવેલા ખજાના સુધી પહોંચે ત્યાં સુધી એકબીજાથી તદ્દન સ્વતંત્ર એવાં કોમેડી ગેગ્સ નાખતા રહો. ફિલ્મની લેન્થ પણ લાંબી-ટૂંકી કરવા માટે આ ગેગ્સની સંખ્યા વધારતા કે ઘટાડતા જવાનું.

પરંતુ ટ્રિકી મામલો હવે આવે છે. હસાવી હસાવીને પેટ દુખાડી દે એવાં ગેગ્સ લખવાં એ ભારે અઘરું કામ છે. સાયન્ટ ફિલ્મોના જમાનામાં ચાર્લી ચેપ્લિન, બસ્ટર કીટન, હેરોલ્ડ લોઈડ, થ્રી સ્ટૂજીસ, માર્ક્સ બ્રધર્સ, લોરેલ હાર્ડી વગેરેની માસ્ટરી હતી. ફિઝિકલ કોમેડીમાં એમનો કોઈ જવાબ નહોતો. આજની તારીખે પણ એમના ગેગ્સના વીડિયો જુઓ તો એમનાથી ઈન્સ્ટન્ટ્લી પ્રભાવિત થયા વિના ન રહો. એમના જેવું ક્રિએટિવલી વિચારવાનાં સમય, શક્તિ કે દાનત અત્યારના મેકર્સ પાસે નથી. એટલે જ અનુરાગ બાસુઓથી લઈને ઈન્દ્ર કુમારો ઓલરેડી ઉપલબ્ધ મટિરિયલમાંથી સીધો ‘કોપી+પેસ્ટ’નો સરળ ઓપ્શન જ પસંદ કરે.

ઈન્દ્ર કુમારે ‘ધમાલ-1’માં ઓરિજિનલ મુવીના પ્લોટ અને ગેગ્સ ઉપરાંત ‘ધ રોડ ટ્રિપ’, ‘મિસ્ટર બીન’ અને એમને ચમકાવતી ‘જ્હોની ઈંગ્લિશ’ એટ સેટરામાંથી બહુ વફાદારીપૂર્વક ઉઠાંતરી કરેલી. હવે આ ધમાલમાં પણ અલગ અલગ ગેગ્સ અલગ અલગ ફિલ્મોમાંથી લીધા છે. આગળ કહ્યું તેમ બેઝિક પ્લોટ તો ‘ઈટ્સ એ મેડ મેડ મેડ મેડ વર્લ્ડ’નો જ છે. તે ઉપરાંત ઊંચી બિલ્ડિંગ પરથી બારીઓના છજ્જા ટાઈપના પડદા પર પડવાનો સીન મૂળ બસ્ટર કીટનનો છે, જેને જેકી ચેને પણ ઉઠાવેલો. ‘ટોટલ ધમાલ’માં અજય દેવગણ પેરેશૂટથી હિપ્પોપોટેમસ પર લેન્ડ થાય છે તે સીન ડ્ર્યુ બેરીમોર સ્ટારર ‘બ્લેન્ડેડ’નો છે. બે બાજુ બોનેટ ધરાવતી કાર, હાઈવે પર બાજુની કારમાં ખુબસૂરત યુવતીને જોતાં જોતાં એક્સિડન્ટ થવાનો (સહેજ ફેરફાર સાથેનો સીન), ફની ઓડિયો GPS (અહીં જેકી શ્રોફના અવાજમાં) વગેરે ‘વેકેશન’ ફિલ્મમાંથી, રેતીના કળણમાંથી બહાર નીકળવા માટે દોરડાને બદલે સાપ આપવાનો આઈડિયા ‘ઈન્ડિયાના જોન્સ-4’માંથી, વાઘથી બચવા નાળિયેરી પર ચડતી માધુરી અને વળાંક લેતું ઝાડ તથા સાઈકલ પર આગળની ડંડી પર બેઠેલા જાવેદ જાફરીનું દરેક પેડલ સાથે ઉપર-નીચે થવું એ બંને ‘ગોડ્સ મસ્ટ બી ક્રેઝી’માંથી, એકની ઉપર એક ડોમિનો ઈફેક્ટથી પડતા કબાટોનો સીન ‘ધ મમી-1’માંથી, હોટેલની બિલ્ડિંગ પર ચડવાનો-કૂદવાનો સીન ‘હેન્ગઓવર-1’માંથી, ચિમ્પાન્ઝીવાળી સિક્વન્સ ‘બેબીઝ ડે આઉટ’માંથી,  સ્ટાર્ટિંગમાં ફેમિલી કોર્ટમાં જજની સામે ડિવોર્સ માટે ઝઘડતાં અનિલ-માધુરીનો સીન ‘તનુ મનુ રિટર્ન્સમાંથી’ (જે ઈરાનિયન મુવી ‘અ સેપરેશન’થી ઈન્સ્પાયર્ડ હતો)… (હજી બાકીના ગેગ્સ વિશે પણ અમને પૂરતી શંકા છે, બટ તેનાં ખાંખાખોળાં કરવાનો ચાન્સ નથી મળ્યો).

ઉઠાંતરીના આ સોર્સિસ ગણાવવાનો હેતુ માત્ર એટલું જ એસ્ટાબ્લિશ કરવાનો છે કે મેકરનો ઉદ્દેશ એક સારી ફિલ્મ બનાવવાનો નહીં, બલકે મિનિમમ મહેનતમાં મેક્સિમમ માલ ઊસેટીને ઘરભેગાં થઈ જવાનો જ છે. બહુ નિષ્પક્ષ રીતે પણ જોઈએ તો આખી ફિલ્મ અને તેના ગેગ્સ માઈલ્ડ એન્ટરટેનિંગ છે. યાને કે ક્યાંક ક્યાંક આપણને હસવું આવે. ફિલ્મમાં હસાવવા માટે બિલ્ડિંગ પરથી પડતા, ઝાડ સાથે અથડાતા, પાણીમાં તણાતા, કાર-પ્લેન-હેલિકોપ્ટરમાં ક્રેશ થતા, પ્રાણીઓના હાથે માર ખાતા લોકોનો ઉપયોગ કરાવાયો છે. બિલીવ મી, જો ખૂબ ધ્યાનથી આવાં ગેગ્સ પર કામ કરાયું હોય તો તે બાલિશ લાગવાને બદલે ખાસ્સાં ઈનોવેટિવ લાગી શકે. બસ્ટર કીટનનાં ગેગ્સ આજે 90 વર્ષ પછીયે ફ્રેશ અને અનબિલિવેબલ લાગે છે!

દરેક પાત્રને બીજાંથી અલગ પાડવા માટે જમાના જૂનાં સ્ટિરિયોટાઈપ આપી દેવાયાં છે. જેમ કે, ગુજરાતી હસબંડ, મરાઠી વાઈફ, ‘મદ્રાસી’, બંગાળી, ભોજપુરી વગેરે. ભલે મોટા ભાગનાં ગેગ્સ ફ્લેટ જાય, પણ કોઈપણ ભોગે ઓડિયન્સને હસાવવી. ઓડિયન્સ પોતાની ઉંમર, અનુભવ અને હાસ્યની ચોઈસ પ્રમાણે હસતી રહે એટલે મેકર્સ ખુશ.

અનિલ-માધુરીને વર્ષો પછી સ્ક્રીન પર સાથે જોયાનો આનંદ આવે, પણ હસાવવા માટે એ બંનેની મહેનત પર લિટરલી પાણી ફરી વળતું ચોખ્ખું દેખાય છે. ઓડિયન્સ માધુરીની એન્ટ્રી પર સીટીઓ વગાડે છે, એમની કોમેડી પર નહીં. માત્ર ગુજરાતી નાટકોએ પણ હવે જેને વાપરીને ફેંકી દીધા છે એવા ‘મોદી-અમેરિકાના વિઝા’ના જોક પર તાળીઓ વગાડે છે (હા, અનિલ કપૂરનું ગંદું ગુજરાતી અને શ્રીનાથજી ‘બાપ્પા’ બોલવા પર એમને કશું ફીલ નથી થતું!).

‘ટોટલ ધમાલ’માં ઠીક ઠીક માત્રામાં ‘મેટા હ્યુમર’ પણ છાંટવામાં આવી છે. મેટા હ્યુમર યાને કે ફિલ્મની કાલ્પનિક સ્ટોરીમાં રિયલ લાઈફના રેફરન્સ. માધુરી માટે ‘ધક ધક કરને લગા’, અનિલ કપૂર માટે ‘વન ટુ કા ફોર, માય નેમ ઈઝ ઢક્કન’, રોહિત શેટ્ટી, સોનાક્ષી સિંહા-દબંગ, એક થા ટાઈગર-ટાઈગર ઝિંદા હૈ… જો સ્ક્રિપ્ટમાં થોડી મહેનત કરાઈ હોત તો સિંહની સામે આવી જતા અજય દેવગણ અને ‘સિંઘમ’નો જોક પણ નાખી શકાયો હોત! ખેર…

‘મસ્તી’ સિરીઝની સેક્સ કોમેડીઓ બનાવી ચૂકેલા ઈન્દ્ર કુમાર આ વખતે પ્રયત્નપૂર્વક ડબલમિનિંગ જોક્સથી દૂર રહ્યા છે (જેકી શ્રોફનો ઓફ સ્ક્રીન તકિયા કલામ ‘મૌસી ચી $@’ પણ મ્યુટ કરી દેવાયું છે (હા, રેસિઝમ, સેક્સિઝમ ચાલે)! ઉપરથી બાળકોને મજા પડે એ માટે સ્ક્રીન પર સાપ, સિંહ, વાઘ, હાથી, ચિમ્પાન્ઝી, ગેંડો વગેરે કમ્પ્યુટર ગ્રાફિક્સથી ક્રિએટ કરેલાં પ્રાણીઓ આવતાં રહે અને કાર્ટૂન ફિલ્મની જેમ બિહેવ કરતા રહે. ‘હેંગઓવર’ ફિલ્મનું તો સાચુકલું વાંદરું જ અહીં લાવવામાં આવ્યું છે. એટલે ‘ટોટલ ધમાલ’ને મળતી ઓડિયન્સમાં બાળકોનો પણ મોટો ફાળો રહેવાનો છે. કોમેડી કે નામ પે કુછ ભી ચલતા હૈ એટિટ્યુડને કારણે જ અહીં સ્પેશિયલ ઈફેક્ટ્સ એટલી નબળી છે કે એય તે કોમેડી સેટઅપનો ભાગ ગણાઈ જાય!

આ ફિલ્મનું કોમેડીનું લેવલ ખાસ્સું જુવેનાઈલ/બાલિશ છે. એટલે જ રમકડાંનાં બોક્સની જેમ આ ફિલ્મની સાથે પણ લખવું જોઈએ કે ‘માત્ર 5થી 8 વર્ષનાં બાળકો માટે’. આવી માઈન્ડલેસ અને માત્ર ગિલ્ટી પ્લેઝર માટે જ જોઈ શકાય એવી ફિલ્મોના માર્કેટિંગ માટે એક દલીલ કરાતી રહે છે કે ‘મગજ ઘરે મૂકીને જજો’ વગેરે. પરંતુ અનુભવે લાગ્યું છે કે આવી નબળી અને આઉટડેટેડ દલીલો કરીને મેકર્સ નબળો માલ પધરાવવાના મનસુબા સેવે છે. યાને કે અમે તો નબળો, ફૂવડ માલ જ તૈયાર કર્યો છે, પરંતુ મોટું મન રાખીને પૈસા ખર્ચો અને અમને માલામાલ કરો. ફિલ્મની ક્વોલિટી સામે સવાલ ઉઠાવો તો એવું કહી દેવાનું કે તમે મગજ ચલાવીને ‘ઓવર એનાલિસીસ’ કરો છો!

અહીં ‘ટોટલ ધમાલ’માં કલાકારો કે સ્ક્રીનપ્લે કરતાં ગેગ્સમાં શું નવું છે એ જ હસવાનો મુખ્ય સોર્સ છે. તેમ છતાં રિતેશ દેશમુખ, પિત્તોબાશ ત્રિપાઠી, અર્શદ વારસી, જાવેદ જાફરી, જ્હોની લીવર, બમન ઈરાની, સંજય મિશ્રા વગેરે કલાકારો પોતાના કોમિક ટાઈમિંગને લીધે સ્વાભાવિક રીતે જ હસાવી શકે છે. જ્યારે અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અજય દેવગણ વગેરેને બહુ તકલીફ પડી છે, જે ચોખ્ખું દેખાઈ આવે છે.

મ્યુઝિક તો હવે ફિલ્મોમાં ક્રિએટ નહીં, બલકે રિક્રિએટ થાય છે. એટલે ફિલ્મનાં ટાઈટલ ક્રેડિટ્સ વખતે ‘પૈસા યે પૈસા’નું રિમિક્સ, એ પૂરું થાય અને બધાં પાત્રોનો પરિચય કરાવતો એકેક સીન પતે એ પછી કશા જ કારણ વિના સોનાક્ષીનું ‘મુંગડા’ રિમિક્સ આવે. એ પછી રિયલ સ્ટોરી સ્ટાર્ટ થાય. આ મ્યુઝિક ફિલ્મ માટે નહીં, બલકે ફિલ્મના માર્કેટિંગ, યુટ્યુબ વ્યુઝ, પાર્ટી વગેરે માટે જ ક્રિએટ થયું છે.

129 મિનિટની આ ફિલ્મમાં એકસાથે પાંચ ટ્રેક એકબીજાને સમાંતરે ચાલ્યા કરે છે. તે દરેક છેલ્લે ક્યાં અટકેલો તે ધ્યાન રાખવું શક્ય નથી. વળી, ઉપર લખ્યું તેમ આખી ફિલ્મ અલગ અલગ કોમેડી ગેગ્સનું કમ્પાઈલેશન જ છે, એટલે વચ્ચેથી કશું મિસ થઈ જાય કે તાળો ન મળે તો ફિકર નોટ. ફિલ્મમેકરે પણ એની ફિકર નથી કરી.

***

લોજિકની તો જાણે આ ફિલ્મમાં કોઈ પરવા કરાઈ જ નથી. એવું હોત તો ટેલિફોનના થાંભલા પર વીજળીનો કરંટ થતો જોઈને કોઈને સવાલ ન થયો હોત?! સિનિયર ટેલિવિઝન પત્રકાર વિનોદ દુઆએ પોતાના ખ્યાતનામ ફૂડ ટ્રાવેલ શો ‘ઝાયકા ઈન્ડિયા કા’માં એક સ્થળની કોઈ પ્રખ્યાત વાનગી ચાખીને કહેલું કે, ‘સ્વાદ મેં કુછ ખાસ નહીં હૈ, પર યહાં કે લોગોં કો પસંદ હૈ.’ બસ, ઈન્દ્ર કુમારની ‘ટોટલ ધમાલ’ માટે પણ આવું જ કહી શકાય!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

3 thoughts on “ટોટલ ધમાલ

 1. ટોટલ ધમાલનાં છોતરાં કાઢી નાખ્યાં
  ખરેખર મનોરંજનને બહાને ફાલતું રિમેક ફિલ્મો અને ફાલતું રિમિક્ષ ગીતો આપણાં પર મારવામાં આવે છે😔😕😢👍

  Like

 2. મને તમારા પર ખરેખર માન ઉપજે છે..જે મૂવી તમને નથી જ ગમતું એ પણ તમે કેટલું ધ્યાન થી અને એનાલિસિસ કરીને જુઓ છો…સલામ !!!

  Like

 3. આવી ધડ-માથા વગરની ફિલ્મો ચાલી જાય છે તે દુઃખદ એટલા માટે છે કે એને લીધે સારી ફિલ્મ બનાવવા, સારી સ્ટોરી માટે કોઈ મહેનત કરતા જ નથી. એમાંય જો મોટા સ્ટાર હોય તો-તો એ, “જુઓ ભાઈના બાવડા કેવા મજબૂત છે”, “જુઓ બાદશાહ ની રોમાન્ટિક અદા કેવી છે” વગેરે પધરાવી પધરાવી ને આપણા પૈસે ફક્ત પોતાની જ બ્રાન્ડ વેલ્યુ વધારતા રહે છે.

  એટલે છેલ્લા 5-7 વર્ષથી તો એક નિયમ લીધું છે કે કોઈ પણ ફિલ્મ તરત જ ના જોવી, મોટા સ્ટાર ની તો બિલકુલ નહિ. જો એ બાહુબલીની જેમ ખરેખર સારી હશેજ તો લોકો વારંવાર યાદ કરાવ્યા વિના રહેશે નહિ. રિસ્ક લેવું જ હોય તો મોટા સ્ટાર વગરની ફિલ્મો માં લેવું જેમાં ઘણી વખત માલ બેકાર નીકળ્યો હોય છે પણ અમુક ખરેખર સારી ફિલ્મો પણ મળી આવે છે. એ બહાને સ્ટોરી પાછળ મહેનત કરનાર ને પ્રોત્સાહન તો મળી રહે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s