અપના ટાઈમ આયેગા

રેટિંગઃ ****

film_companion_review_berlin_gully-boy_lead_1

Spoiler Warning: Contains spoilers!
મહેણું ભાંગ્યું છે, બોસ! બરાબર, ચકનાચૂર કરી નાખે એવું મહેણું ભાંગ્યું છે ઝોયા અખ્તરે! યાદ કરો, ઝોયા અખ્તર માટે સતત એવું કહેવાતું રહ્યું છે (ખાસ કરીને ‘ZNMD’ અને ‘દિલ ધડકને દો પછી’) કે ઝોયા તો માત્ર પૈસાદારો માટે પૈસાદારોની જ મુવી બનાવે છે. બીજું હિન્દી સિનેમાનું એક સનાતન મે’ણું છે કે આપણા પડદા પરથી ગરીબી ગાયબ થઈ ગઈ છે. ઝોયાએ સિનેમેટિક ખાંડણી-દસ્તો લઈને આ બંને મે’ણાંનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે. આ મે’ણાભાંગું ફિલ્મનું નામ છે, ‘ગલી બોય’. એન્ડ બ્વોય, ઓ બ્વોય, વ્હોટ અ ફિલ્મ!
ટ્રેલર જોઈ લીધા પછી ફિલ્મની બેઝિક સ્ટોરી આપણને બધાને ખબર છે. ફિલ્મ રિયલ લાઈફ રેપ સિંગર્સ ડિવાઈન અને નેઝીની સાચુકલી સ્ટોરી પર આધારિત છે, ખુદ ઝોયા ફિલ્મની શરૂઆતમાં આખો સ્ક્રીન ભરીને બંનેને ફેન્સી ક્રેડિટ પણ આપે છે. અહીં એમનું મુવી વર્ઝન છે મુરાદ (રણવીર સિંહ). મુરાદ બમ્બઈ કી ધારાવી, બોલે તો એશિયા કી સબસે બડી સ્લમમાં રહે છે. એની ખોલી નાની છે, પણ સપનાં મોટાં છે. એને રેપર અથવા તો રેપ સિંગર બનવું છે (ના, રેપિસ્ટ અલગ!). લેકિન આર્થિક બદહાલી છે, જલ્લાદ જેવો બાપ (વિજય રાઝ) આ સપનું પૂરું થવા દે તેમ નથી. એક ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ છે, સફીના (આલિયા ભટ્ટ), જે મેડિકલના છેલ્લા વર્ષમાં છે. એ મુરાદને બધી વાતે સપોર્ટ કરે છે, લેકિન છે સક્રિય જ્વાળામુખી જેવી, ગમે ત્યારે ફાટે! અને જ્યારે ફાટે, ત્યારે કો’ક તો અડફેટે આવે જ! હવે તમામ અડચણો વચ્ચેથી રસ્તો કાઢીને મુરાદ પોતાના મનની મુરાદ કેવી રીતે પૂરી કરે છે એ ફિલ્મની વાર્તા. ટિપિકલ અન્ડરડોગ સ્ટોરી. પ્રીડિક્ટેબલ? યસ, બટ નો. અન્ડરડોગની સ્ટોરી પરથી કોઈપણ ફિલ્મ પ્રીડિક્ટેબલ જ હોય, કેમ કે જે પાત્ર પ્રત્યે આપણી સિમ્પથી ન હોય, તે છેવટે જીતે નહીં તો દર્શક તરીકે આપણને સંતોષ કેવી રીતે થાય? લેકિન રાઈટરાણીઓ ઝોયા અખ્તર અને રીમા કાગતીએ વાર્તામાં પાત્રો, ઈશ્યૂઝ અને હિન્દી સિનેમા માટે સાવ નવા એવા ‘હિપ હોપ’ મ્યુઝિકની એવી બારીક ગૂંથણી કરી છે કે ફિલ્મ બેનમૂન દાગીના જેવી બની છે. હું આંખોનું આઈમેક્સ કરીને જોતો રહ્યો તે હતું ‘ગલી બોય’નાં લૅયર્ડ પાત્રોનું ચિત્રણ, ઓલમોસ્ટ આખી ફિલ્મમાં ચાલતું (પાત્રોની સાથે ફરતા અને હલકડોલક થતા) સ્ટેડીકેમનું કેમેરાવર્ક, કહ્યા વગર ઘણું બધું કહી જતી મૅચ્યોર સિનેમેટોગ્રાફી, એક્ટિંગ અને અફ કોર્સ, શાંતિથી વારંવાર સાંભળીને શબ્દો સમજીને વિચારવા પડે એવાં બુલેટ ટ્રેનની સ્પીડે દોડતાં ગીતો! આપણે પરત-દર-પરત ફિલ્મને ડિકોડ કરીએ…

 • 790945-gully-boy-trailer-collageપાત્રો

પહેલી નજરે તો ‘ગલી બોય’ રણવીર સિંહના કેરેક્ટર મુરાદની રેપ સિંગર બનવાની સ્ટ્રગલની સ્ટોરી લાગે. છે પણ ખરી, લેકિન આ જર્નીમાં એ એકલો નથી. પણ પહેલાં એની જ વાત લઈએ. ધારાવીની એક ગલીની એક ખોલીના એક ખૂણામાં રહેતા મુરાદના પલંગના એક ખૂણા નીચે રાખેલા મેગેઝિનમાં એના હૃદયના એક ખૂણામાં સાચવી રાખેલું સપનું છે, રેપ સિંગર બનવાનું. એણે એમિનેમ જેવા ઈન્ટરનેશનલ રેપ સ્ટાર (અને જેની મુવી ‘8 માઈલ’ પરથી ‘ગલી બોય’ પ્રેરિત હોવાનું કહેવાય છે તે)ના મેગેઝિન કવરને નોટબુકમાં સાચવી રાખ્યું છે. લેકિન બને કૈસે? પૈસા છે નહીં. પોતે હજી કોલેજમાં છે, બાપ કોઈ માલેતુજારને ત્યાં ડ્રાઈવર છે, અબ્યુઝિવ છે, વારેવારે પોતાના પર કેટલા રૂપિયા ખર્ચ્યા તે ગણાવતો ફરે છે, ઘરમાં બે ભાઈ, બે પત્ની, એક દાદી અને એક બાપ રહે છે. પ્રચંડ ટેન્શન છે. ઉપરથી ભારોભાર લઘુતાગ્રંથિ પણ છે. ચારેકોરથી રોજેરોજ સતત એને અહેસાસ અપાવાતો રહે છે કે એ સાવ મામુલી છે, એની કોઈ ઔકાત નથી અને એ નોકરનો દીકરો નોકર બનવા માટે જ સર્જાયેલો છે. એની અંદર મહત્ત્વાકાંક્ષા, ઘૂટન, આક્રોશ, ગૂંગળામણ અને આકાશ ફાડીને ઊડવાની તમન્ના લાવારસની જેમ ખદબદી રહી છે.

એટલે જ એના બાપે ક્યારેય સપના જોવાની હિંમત કરી જ નથી. નીચી મૂંડીએ મામુલી નોકરી જ કરી ખાધી. નબળો ધણી બૈયર પર શૂરો એ ન્યાયે પત્નીની ધોલધપાટ-ગાળાગાળી કરે, ધર્મની છટકબારીનો લાભ લઈને બીજી પત્ની પણ લઈ આવ્યો છે. એ પણ વળી પોતે જ્યાં ચાકરી કરે છે ત્યાં નોકર છે. એ જ રીતે મુરાદની માતા પણ હેવાન અને બેવફા પતિની હિંસા-સેક્સ્યુઅલ અબ્યુઝથી ત્રાસેલી છે અને એની અંદર પણ વલોપાત ચાલી રહ્યો છે. એક દાદી છે, જે ધૃતરાષ્ટ્રની જેમ આંખ આડા કાન કરી રહી છે.
મુરાદની મારફાડ ગર્લફ્રેન્ડ મેડિકલમાં. ડોક્ટર બનીને સ્વતંત્ર પ્રેક્ટિસ કરવી છે, પણ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં પિસાય છે. એના પિતા પણ ડોક્ટર છે, પણ જ્યારે દીકરીને સ્વતંત્રતા આપવાની વાત આવે ત્યારે એ પણ ચૂપ થઈ જાય છે. દીકરી બેઝિક સ્વતંત્રતાની માગણી કરે ત્યારે એની મમ્મી (શીબા ચઢ્ઢા) જુવાન દીકરીની ધોલધપાટ કરે ત્યારે પણ પિતા ચૂપચાપ જોયા કરે. એણે પોતાનો બોયફ્રેન્ડ પસંદ કરી રાખ્યો છે, એની સાથે જ લગ્ન કરવાં છે. એને ખબર છે કે એના ઘરમાં એને ક્યારેય પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા મળવાની નથી, એટલે જ મુરાદ સાથેની રિલેશનશિપમાં એ એકદમ પઝેસિવ થઈ ગઈ છે.
મુરાદને રેપ સ્ટાર મિત્ર કમ મેન્ટર કમ ગાઈડ મળે છે, MC શેર (સુપર્બ સિદ્ધાંત ચતુર્વેદી). એ રેપ સિંગિંગના સીનમાં ક્યાંય આગળ છે, પણ એ પણ ચાલીમાં રહે છે ને દારૂડિયા બાપનાં અપમાન સહે છે. મુરાદનો એક દોસ્ત છે, મોઈન (અગેઈન, સુપર્બ વિજય વર્મા). કાર મિકેનિક છે, ગાડીઓ ચોરે છે, નાનાં અનાથ બાળકો પાસે ગાંજો પણ વેચાવે છે.
હવે માર્ક કરો કે માત્ર મુરાદ જ નહીં, આ બધાં જ કેરેક્ટર્સ પોતપોતાની લાઈફની લડાઈ લડી રહ્યાં છે. દરેકની પોતપોતાની સ્ટ્રગલ છે. લેકિન કાં તો એમની પાસે કોઈ સપનું નથી, કાં ટેલેન્ટ નથી, કાં સપનું સાકાર કરવાની હિંમત નથી, કાં પોતાના ફ્રસ્ટ્રેશનને ચેનલાઈઝ કરીને પોતાના ટેલેન્ટની દિશામાં વાળવાની ધીરજ નથી. જે મુરાદમાં છે. અને એટલે જ આ સ્ટોરીનો હીરો મુરાદ છે. એ પોતાના યુનિવર્સની તમામ અંધાધૂંધીને કવિતામાં ઢાળે છે, તક મળે ત્યારે ઝડપે છે, પર્ફોર્મ કરે છે, અને એટલે જ જીતે છે.
બીજો એક એન્ગલ એવો પણ છે કે બીજાં કેરેક્ટર્સ દરેક સ્થિતિમાં પોતાના વિશે જ વિચારે છે. આલિયાનું કેરેક્ટર ઓવર પઝેસિવ છે, મેનિપ્યુલેટિવ છે. પોતાની સ્કિન બચાવવા એ કંઈપણ ખોટું બોલી શકે. મુરાદની માતા પોતાની સૌતનથી ખફા છે. એટલે જ દીકરાની વાટ લગાડતા એક અતિશય ટેન્સ સીનના અંતે એને એ ચિંતા છે કે એની સૌતને દીકરાના કાનમાં શું કહ્યું? બાપ ફાઈનાન્શિયલ સિક્યોરિટીનું જ વિચારે છે અને દરવાજો બંધ કરીને બીજી પત્નીના પલ્લુમાં ઘૂસી જાય છે (એસ્કેપિઝમ). દાદી પણ એના દીકરા (મુરાદના પિતા)નાં બીજાં લગ્નથી ખફા છે, પણ જ્યારે પૌત્ર-પુત્રવધૂ અને પુત્રમાંથી પસંદગી કરવાની આવે ત્યારે એ અચાનક પાર્ટી બદલીને દીકરાની સાઈડ લેવા માંડે છે.
હા, એક ‘MC શેર’ (સિદ્ધાંત ચતુર્વેદી)નું કેરેક્ટર સેલફિશ નથી. એ પૂરા દિલથી મુરાદને સપોર્ટ કરે છે. શરૂઆતમાં

dc-cover-nilf3lrmm5qakfh7d9vl81juk6-20190122112521.medi_
‘ગલી બોય’માં રેપર ‘MC શેર’ના પાત્રમાં સિદ્ધાંત ચતુર્વેદીએ જબરદસ્ત સિનેમેટિક ડેબ્યૂ કર્યું છે.

મુરાદ પોતાની પોએટ્રી એને આપી દેવા તૈયાર હોવા છતાં એ કહે છે, ‘તેરે ગાને હૈ, મૈં ક્યૂં ગાઉં?’ મતલબ, તારી સ્ટોરી છે, તારું દર્દ છે, તારે જ બયાં કરવાનું હોય. ઈવન એક તબક્કે મુરાદથી એ પાછો પડતો હોવા છતાં જેલસ ફીલ કરવાને બદલે એને સપોર્ટ કરે છે. એ રીતે જોઈએ તો આ ફિલ્મ એક મસ્ત બડ્ડી મુવી પણ છે. (આ સિદ્ધાંત ચતુર્વેદીને આપણે ‘ઈન્સાઈડ એજ’ વેબસિરીઝમાં જોયેલો, જ્યાં એ સો કોલ્ડ ‘નીચી જાત’નો હોવાનું ડિસ્ક્રિમિનેશન અને લઘુતાગ્રંથિ વેઠે છે.)
મુખ્ય સ્ટોરીને જરાય ન નડે એ રીતે આ બધાં ડાયનેમિક્સ પણ ઝોયાએ બખૂબી ઝીલ્યાં છે.

 • 3e4p5xrugbcsbc3cjqk3r6k2bqકેમેરા અને વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ

મુરાદ અને સફીના ફિલ્મમાં પહેલીવાર એક સ્થળે બસમાં ભેગાં થાય છે. મુરાદ બસની છેલ્લી સીટમાં બેઠો બેઠો ઈઅરપ્લગ્સમાં મ્યુઝિક સાંભળે છે. સફીના એની મમ્મી સાથે ચડે છે. વચ્ચે એક સીટ ખાલી છે, સફીના એની મમ્મીને બેસાડે છે, પોતે ઊભી રહે છે. આગળનું એક સ્ટોપ આવતાં એની મમ્મી ઊતરી જાય છે. ત્યાં સુધી સફીના મુરાદની સામે સીધું જોતી પણ નથી. પછી સીટ ખાલી થવા છતાં એ ત્યાં બેસતી નથી અને સીધી મુરાદની પાસે જાય છે. મુરાદ પણ પહેલેથી બે સીટની જગ્યા રોકીને પહોળો બેઠો છે. એ હટી જાય છે ને સફીના માટે જગ્યા કરી દે છે. સફીના ત્યાં બેસે છે. હકથી મુરાદના એક કાનમાંથી ઈઅરપ્લગ કાઢે છે ને સાંભળવા માંડે છે. બંને હાથમાં હાથ પરોવીને બેસી જાય છે.

આટલા સીનમાં એક પણ શબ્દ બોલાતો નથી. છતાં આપણને ઘણી બધી વાતો કહી જાય છે. સફીના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની દીકરી છે. માતા-પિતાથી છુપાવીને રાખેલી એની એક રિલેશનશિપ છે, જે અત્યારે જાહેર કરી શકે તેમ નથી. બંને અલગ અલગ સ્ટેન્ડથી ચડે છે, યાને કે ખાસ્સાં દૂર રહે છે. બંને જે હક્ક એકબીજાં પર જતાવે છે એ જોઈને લાગે છે કે એમની રિલેશનશિપ ખાસ્સી જૂની છે (આગળ ઉપર આલિયા કહે છે કે 13 વર્ષથી ઉંમરથી બંને સાથે છે). મુરાદ મ્યુઝિકનો શોખીન છે અને સફીના પણ તેમાં ઈન્ટરેસ્ટેડ છે.
વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગનું આ બ્યુટિફુલ એક્ઝામ્પલ છે. આવાં ઘણાં સીન છે ફિલ્મમાં જેમાં કશું જ બોલ્યા વગર ઘણું બધું કહેવાઈ જાય છે. જેમ કે, ફિલ્મમાં એકથી વધુ વખત ધારાવીની ઝૂંપડપટ્ટીનો એરિયલ-ડ્રોન શોટ આવે છે. તે સતત આપણને કહે છે કે મુરાદ મધપુડા જેવા કયા જંગલમાં કીડી-મંકોડાની જેમ રહેતા લોકોની વચ્ચે રહે છે. ક્યાંથી ઉપર ઊઠીને એને પોતાની ઓળખ બનાવવાની છે. સફીના ડોક્ટર પિતાની-સંપન્ન પરિવારની દીકરી છે. મુરાદ ધારાવીનું ફરજંદ છે. બંને અવારનવાર ઝૂંપડપટ્ટીની બહાર આવતા એક ગંદકીથી ખદબદતા નાળા પરના પૂલ પર મળે છે. તેનો ટોપ એન્ગલ શોટ જાણે કહે છે કે બંનેની દુનિયાને જોડતા પુલ પર એ બંને છે. મુરાદને તેમાંથી બહાર આવવું છે અને નેચરલી સફીનાને તેમાં અંદર આવવું નથી. બાપની જગ્યાએ મુરાદને પરાણે ડ્રાઈવરી કરવી પડે છે. તે દરમિયાન એક સીનમાં ચારેકોર ન્યુ યર ટાઈપનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, તેની રંગબેરંગી લાઈટ્સનું પ્રતિબિંબ કાર પર ઝીલાય છે, પરંતુ તેની અંદર મુરાદ અંધારામાં બેઠો છે. લાઈફમાં એ વખતે એની એ એક્ઝેક્ટ સિચ્યુએશન છે. બીજા એક તબક્કે મુરાદને પરાણે સેલ્સની નોકરીમાં ધકેલાવું પડે છે. તેની 9 ટુ 5ની નોકરીમાં લોકલ ટ્રેનના ધક્કા ખાતી વખતે મુરાદની નજર (એટલે કે કેમેરા) ટ્રેનના અન્ય મુસાફરોના ચહેરા પર ફોકસ થાય છે (મોસ્ટ્લી, ‘એક હી રસ્તા’ સોંગ વખતે). સૌ કોઈ નિસ્તેજ ઝોમ્બીની જેમ બીબાંઢાળ જિંદગીની સફરમાં ટ્રાવેલ કરી રહ્યા છે. કેમેરા જુવાનથી વૃદ્ધના કરચલીવાળા ચહેરા પર પણ મંડાય છે. યાને કે મુરાદને આ ઝોમ્બી-પ્રવાહમાં ફસાઈને પોતાની લાઈફ વેડફી નથી નાખવી (યાદ કરો, ‘તમાશા’ના રણબીરની લાઈફનું રોજેરોજનું ચિત્રણ). લાઈફના કોઈ તબક્કે મુરાદનો ભેટો સ્કાય (કલ્કી કેકલાં) સાથે થાય છે, જે અત્યંત ધનાઢ્ય પરિવારની છોકરી છે. મુરાદ જ્યારે એના ઘરે જાય છે, ત્યારે એના બાથરૂમને એ ડગલાં ભરીને માપે છે. આપણે ઈન્સ્ટન્ટ્લી જાણી જઈએ કે મુરાદની આખી ખોલી કરતાં કલ્કીનો બાથરૂમ મોટો હશે! મુરાદે બાથરૂમમાં પોતે વાપરેલો નેપ્કિન પણ એ અત્યંત ચીવટપૂર્વક પાછો મૂકે છે (એને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે પૈસાદારોની દુનિયાથી કઈ રીતે દૂર રહેવું, અને જ્યારે એ એમાં પગ મૂકે). પોતાના માલિકના બંગલામાં એમના માટેનો હાઈફાઈ બ્રેકફાસ્ટ પર ફોકસ થતો કેમેરા પણ બંનેની સોશિયો-ઈકોનોમિક સ્થિતિનો પ્રચંડ તફાવત બતાવે છે. ફાઈનલ ગિગ (પર્ફોર્મન્સ) વખતે મુરાદે આર. કે. લક્ષ્મણના કોમનમેનની યાદ અપાવે તેવો ચેક્સવાળો વ્હાઈટ શર્ટ પહેર્યો છે, જેનું એ પર્ફોર્મ કરતી વખતે બટન ખોલીને ઈનડાયરેક્ટ્લી એલાન કરે છે કે ‘નાઉ આઈ એમ નો મોર અ કોમન મેન.’
આત્મવિશ્વાસ મેળવેલો મુરાદ ચોરીછૂપે સફીનાને મળવા આવે છે, ત્યારે એ ડિટ્ટો ‘રોમિયો જુલિયેટ’ના રોમિયોની સ્ટાઈલમાં વાંસના બામ્બુના માંચડા ચડીને સફીનાની બારીએ પહોંચે છે. એ સફીનાના પરિવારના સોશિયો-ઈકોનોમિક લેવલે પહોંચ્યાનું પણ આડકતરું એલાન છે.
‘ગલી બોય’ની શરૂઆત સઈદ મિર્ઝાની ક્લાસિક ફિલ્મ ‘સલીમ લંગડે પે મત રો’ (1989)ની જેમ જ થાય છે. મુરાદ એના મિત્રોની પાછળ-લિટરલી પાછળ-અંધારામાં ચહેરો પણ દેખાય નહીં એ રીતે સાઉથ બોમ્બેના રસ્તા પર નીકળે છે અને કોઈ પૈસાદારની કાર ચોરે છે (જોકે મુરાદ આ કારચોરીના કામ સાથે અગ્રી નથી, એનો કોન્શિયસ જીવતો છે). કારની અંદર મ્યુઝિક સિસ્ટમમાં અત્યારનું હિટ ઈન્ડિયન હિપહોપ સોંગ વાગે છે. જાણે કે એ ગરીબ લોકોએ ધનાઢ્ય લોકોની લાઈફમાં પણ ઘૂસ મારી છે. ત્યારે મુરાદ કહે છે કે આ કંઈ સાચું હિપ હોપ થોડું છે? દારૂ, પૈસા, ગાડી, છોકરી એ જ હિપહોપ નથી. એમાં તમારું દર્દ, પીડા, સંઘર્ષની દાસ્તાન બયાં થવી જોઈએ. ઝોયા-રીમા કાગતી અને ડાયલોગ રાઈટર વિજય મૌર્ય (જેને છેલ્લે આપણે ‘તુમ્હારી સુલુ’માં જોયેલા)એ બમ્બૈયા બોલી અને મુસ્લિમ પરિવારની બોલીને બરાબર પકડી છે. ‘સલીમ લંગડે પે મત રો’માં બોલાતી ભાષા પણ ડિટ્ટો આ જ હતી.
મોટાભાગની ફિલ્મ હાથમાં કેમેરા પકડીને ઓપરેટ થતા સ્ટેડીકેમથી ગેરિલા સ્ટાઈલમાં શૂટ થઈ છે. પાત્રોની સાથે કેમેરા પણ અંદર-બહાર-ગલીમાં-રસ્તા પર ટ્રાવેલ કરતો રહે છે. જાણે કોઈ અજાણ્યો ગલી બોય રણવીરની જર્ની જોતો હોય. ઘણા ખરા સીન રણવીરના પોઈન્ટ ઓફ વ્યૂથી કેપ્ચર થયા છે, એટલે જ જ્યારે રણવીર ભીડમાં હોય ત્યારે કેમેરા પણ ભીડમાં ખોવાઈ જાય. રણવીર જે જુએ-સાંભળે તે જ આપણને સંભળાય-દેખાય. જેમ કે, પોતાની રિયલ લાઈફના કેઓસથી છૂટવા રણવીર ઈઅરપ્લગ્સ ભરાવે તો આપણને પણ એ મ્યુઝિક સંભળાય, પણ એનો બાપ ઈઅરપ્લગ ખેંચી લે તો ફરી પાછો એ ઘોંઘાટ સંભળાવા લાગે. મુરાદ (રણવીર) પર્ફોર્મન્સ માટે કોઈ ચકાચક ડિસ્કોથેક જેવી જગ્યાએ પહોંચે ત્યારે અંદરનું દૃશ્ય મુરાદની જેમ આપણા માટે પણ સરપ્રાઈઝ જ હોય અને કેમેરા પણ એની સાથે જ અંદર પ્રવેશે. સાંકડી ગલીઓમાં કે કબૂતરખાના જેવા ઘરમાં ફરતો કેમેરા આપણને ત્યાંની ગૂંગળાવી નાખે તેવી લાઈફ બતાવે, તો ‘જિંગોસ્તાન’ અને ‘આઝાદી’ જેવાં સોંગ્સમાં પ્રચંડ ક્લાસ ડિવાઈડ પણ આપણી સામે ધરી દે. ચેક આઉટઃ ‘મેરે ગલી મેં’ સોંગમાં ફિલ્મ વિધિન ફિલ્મમાં શૂટ થતા સ્ક્રીનની અંદર દેખાતા કેમેરામાંથી ઈન્વિઝિબલ કટથી કેમેરા ફિલ્મના કેમેરામાં ભળી જાય છે (0.21 મિનિટ પર). એ જ રીતે 0.52થી 0.56 મિનિટ સુધી ઊંધા ચાલતા રણવીરને ફોલો કરતો કેમેરા જુઓ. ક્રેડિટ ગોઝ ટુ મૂળ વડોદરાના ગુજ્જુ સિનેમેટોગ્રાફર જય ઓઝા. બાય ધ વે, ડિવાઈન અને નેઝીનું ઓરિજિનલ ‘મેરે ગલી મેં’નું પિક્ચરાઈઝેશન પણ આવું જ અફલાતૂન છે.

 • એક્ટિંગ

ફિલ્મમાં લગભગ પહેલા પોણોએક કલાક સુધી મુરાદ રેપ ગાતો નથી. ધીમે ધીમે એની લઘુતાગ્રંથિ, ફિઅર ઓગળે છે અને એનામાં કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. તેની પેરેલલ ચાલતી એની લાઈફની મુશ્કેલીઓ, સ્ટ્રેસ અને એની છટપટાહટને રોકીને એ કવિતામાં વાળે છે-ચેનલાઈઝ કરે છે. છેલ્લે જ્યારે એ પોતાની ‘ગલી’માં પાછો આવે છે અને એ સ્ટાર બની ગયો છે, છોકરાંવ એને આઈડોલાઈઝ કરે છે, એ પોતે કોઈનો રોલ મોડલ બની ગયો છે, લોકો એને આશીર્વાદ આપે છે… ત્યારે એની આંખમાં આંસું સાથેનો અહોભાવ, પોતે સફીના સાથે લોંગ ડિસ્ટન્સ ટાઈપની રિલેશનશિપ જીવે છે, ઈચ્છે ત્યારે-ઈચ્છે તેવી મોકળાશથી મળી શકતો નથી… એ અકળામણ… પહેલી વાર એ જ્યારે અન્ડરગ્રાઉન્ડ હિપહોપ સીન અને રેપ બેટલ્સ એક્સપ્લોર કરે છે, જેલમાં ગયેલા પોતાના દોસ્તારને ગિલ્ટ સાથે મળે છે… આ એકેએક ભાવ રણવીરના મુરાદમાં આપણને દેખાય. દેખાય નહીં તો એટલિસ્ટ ફીલ તો થાય જ. મા પર હાથ ઉપાડતા બાપને રોકતા મુરાદ અને એના બાપ વચ્ચેનો લુક એક્સચેન્જ જુઓ, બાપને એક ઝાટકે સમજાઈ જાય કે દીકરો જુવાન છે પોતે ઘરડો, એ સાચો છે પોતે ખોટો, હવે હાથ ઉપાડશે તો દીકરો બાપની આમન્યા નહીં રાખે. બિના બોલે ટંટા ખતમ! કલ્કી સાથે કારમાં ગાંજો ફૂંકતા રણવીરને ડાયલોગ્સ બોલતો જુઓ તો લાગે કે ક્યાંક એમાં રિયલ ગાંજો નહોતો ને?! બાય ધ વે, ઘણાં વર્ષે ‘બેન્ડ બાજા બારાત’નો રિયલ લુકિંગ વિન્ટેજ રણવીર સિંહ દેખાયો!
ડિટ્ટો આલિયાની સફીનામાં એની સંબંધ છુપાવવાની, ઠંડી ચાલાકીથી ખોટું બોલીને મેનિપ્યુલેટ કરવાની, ફાટતા ગુસ્સાની, મુરાદને સપોર્ટ કરવાની, રોમાન્સની જે તક મળે તે ઝડપી લેવાની, પોતાના ઘરના બંધિયાર-રૂઢિચુસ્ત એટમોસફિયરને ચીરવાની અકળામણ… આલિયાના સતત બદલતા ટેન્ટ્રમ્સ અને તેની એ બંનેની રિલેશનશિપ પર પડતી અસર… આ બધાની ધારી અસર આપણા પર પડે છે. જ્યારે જ્યારે આલિયા અને રણવીર બંને સ્ક્રીન પર હોય ત્યારે આપણને મીઠી કન્ફ્યુઝન થાય કે કોના પર નજર રાખવી! ઈન ફેક્ટ, ફિલ્મનું કોઈ પણ કેરેક્ટર લઈ લો, મુરાદના બાપ પર ધિક્કાર છૂટે, એની મા પર દયા આવે, એના દોસ્તને ભેટી પડવાનું મન થાય… પર્ફેક્ટ કાસ્ટિંગ અને પર્ફેક્ટ એક્ટિંગ.

 • images_1547454173570_maxresdefault__2_સોંગ્સ

અફ કોર્સ, સોંગ્સ. રિયલ લાઈફ રેપ સિંગર્સનાં ઓરિજિનલ સોંગ્સને કાળજીપૂર્વક ક્યુરેટ કરીને અહીં રિક્રિએટ કરવામાં આવ્યા છે. ઘણાં વર્ષથી પર્ફોર્મ થતાં ‘આઝાદી’, ‘મેરે ગલી મેં’, ‘કામ ભારી’ જેવાં રેપ સોંગ્સને અહીં શબ્દોના થોડા ફેરફાર સાથે લેવામાં આવ્યા છે. ગાયક-સંગીતકાર અંકુર તિવારીએ નવાં સોંગ્સ પણ બનાવ્યાં છે. એમ કરીને કુલ 18 સોંગ્સનું એક દળદાર આલ્બમ તૈયાર થયું છે, જેમાં સિચ્યુએશન્સની સાથોસાથ સ્ટોરીને આગળ ધપાવતાં સોંગ્સ છે. ફોર એક્ઝામ્પલ્સ, સ્ટાર્ટિંગમાં આપણને મુરાદની સ્ટોરી બેકગ્રાઉન્ડમાં વાગતા રેપ સોંગમાં સંભળાવી દેવાય છે. કોલેજ કેમ્પસમાં જસલીન રોયાલના અવાજમાં પર્ફોર્મ કરતી યુવતીને ઉતારી પાડતા જુવાનિયાને MC શેર સ્ટેજ પરથી ‘આયા શેર આયા શેર’ ગાઈને જ ભોંયમાં દાટી દે છે, માત્ર શબ્દોથી. રોહિત વેમુલાની આત્મહત્યા પછી JNUની પ્રોટેસ્ટથી ફેમસ થયેલા ‘આઝાદી’ અને ડબ શર્માનું ‘જિંગોસ્તાન’ તો આપણા હાઈપર સેન્સિટિવ સેન્સર બોર્ડની નજરમાંથી છટકી ગયું હશે, યા તો એમણે શાંતિથી પૂરું સાંભળ્યું જ નહીં હોય. નહીંતર દરેક પ્રકારની આઝાદી પર રાક્ષસી પંજો આવી ગયો હોય એવી ડિસ્ટોપિયન સોસાયટીની કલ્પના કરતા આ સોંગ પર પહેલેથી જ કાતર ફરી વળી હોત (એની સામે રણવીર-આલિયાનો એક પ્યોર, નેચરલ અને એકદમ ડિવાઈન એવો કિસિંગ સીન ટ્રિમ કરી નાખ્યો છે). એક વિચાર એ પણ આવ્યો કે આ ફિલ્મનાં ફાસ્ટ રેપિંગવાળાં સોંગ્સ લોકો ઈચ્છવા છતાં ગાઈ નહીં શકે (તેની ધ્રુવપંક્તિની લાઈનને બાદ કરતા).

 • અન્ય ઓબ્ઝર્વેશન્સ

જે રીતે ‘ગલી બોય’માં સોંગ્સનું મેકિંગ બતાવાયું છે એ મને હ્યુ ગ્રાન્ટ અને ક્યુટ ડ્ર્યુ બેરીમોરની મસ્ત રોમ-કોમ મુવી ‘મ્યુઝિક એન્ડ લિરિક્સ’ની યાદ અપાવી ગઈ. પ્લસ, જે રીતે મુરાદના કાને હિપહોપની બીટ પડે અને બીટ એને ખેંચી જાય એવું જ કંઈક રોબિન વિલિયમ્સ સ્ટારર મુવી ‘ઓગસ્ટ રશ’માં પણ હતું. અઢી કલાકની એક જ મુવીમાં ઝોયાએ એકથી વધુ ઈશ્યુઝ ઊસેટીને ભેગા કર્યા છે. ભણતરની ઉપર ચડી વાગતી ધર્મની રૂઢિચુસ્તતા, ડોમેસ્ટિક વાયોલન્સ, માનવાધિકાર, ગરીબી, પોલિગામી, દીકરા-દીકરીનો ભેદભાવ, સ્ત્રીઓને સેકન્ડ ક્લાસ સિટિઝન્સ ગણવી, સપનાં જોવાની અને એને સાકાર કરવાની આઝાદી, રિચ-પૂઅરની સતત મોટી થતી ડિવાઈડ અને તેને કારણે ઊભાં થતાં પ્રશ્નો, મીડિયામાં સ્ત્રીઓનું પોર્ટ્રેયલ, એમનું ઓબ્જેક્ટિફિકેશન, યુવતીઓમાં-ફેશન વર્લ્ડમાં સતત પાતળા થવાની એનોરેક્સિક ફેશન, ગોરેપન કી ક્રીમમાં ખુલેઆમ વેચાતો રંગભેદ, રોટી-કપડા-મકાન ઉપરાંત ઈન્ટરનેટની અનિવાર્યતા, ડ્રગ અબ્યુઝ, અન્ડરગ્રાઉન્ડ આર્ટ્સનું સબકલ્ચર, સ્લમ ટુરિઝમ… ઉફ્ફ… ફિલ્મમાં એક જગ્યાએ દીવાલ પર ખૂફિયા આર્ટિસ્ટ ‘બાન્સ્કી’ સ્ટાઈલનું ગેરિલા સ્પ્રે પેઈન્ટિંગ કરવામાં આવે છે. (ઈન્ટરનેટ પર Bansky સર્ચ મારી લેજો!) ‘અસલી હિપહોપ સે મિલાયેં હિન્દુસ્તાન કો’ લાઈન અત્યારે ચડી વાગેલા ‘યો યો’ અને ‘બાદશાહ’ને કહેવાઈ હોય એવી મેટા લાઈન છે. અસલી હિપહોપ એટલે માત્ર દારૂ-ગાડી-છોકરીનાં ગીતો જ નહીં.
મુરાદ ફેમસ હિપહોપ આર્ટિસ્ટ બને છે, લેકિન એની લવસ્ટોરીનો હેપી કે રાધર કોઈ એન્ડ નથી બતાવાયો. ફિલ્મને અંતે પણ એ બંને એ જ રીતે મળે છે. બાકીની સ્ટોરી યા તો આપણે જાતે જ વિચારી લેવાની અથવા તો એ બંને પાત્ર લડાયક છે, પોતાની રીતે પોતાનું ફ્યુચર બનાવી જ લેશે એ વિચારીને ખુશ થઈ જવાનું.

 • કોઈ ડાઉટ નહીં રખને કા

‘અપના ટાઈમ આયેગા’ એ કોઈપણ અન્ડરડોગ સ્ટોરી કે પછી જીવનમાં કંઈપણ અચીવ કરવા માગતી વ્યક્તિ માટે ‘ઓલ ઈઝ વેલ’ ટાઈપની પોઝિટિવ લાઈન છે. એટલે જ ગલી બોય ક્લાઈમેક્સ પર પહોંચે ત્યારે રણવીરની સાથે થિયેટરમાં ઓડિયન્સ પણ એની સાથે હાથ ઊંચા કરીને ‘અપના ટાઈમ આયેગા’ ગાવા માંડે છે! જેમ મુરાદ કહે છે, ‘જ્યારે સપનાં આપણી રિયાલિટીને મેચ ન કરતા હોય ત્યારે સપનું નહીં, રિયાલિટી બદલવા પર મહેનત કરવી જોઈએ.’
ડોન્ટ મિસ ધિસ મુવી!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

P.S. ‘સબકા ટાઈમ આયેગા’, ‘બોલો આઝાદી’, ‘મેરે ગલી મેં’નાં ઓરિજિનલ વર્ઝન્સ જોવા માટે નીચે પોસ્ટ કરેલી યુટ્યુબ લિંક્સ પર ક્લિક કરી શકો છોઃ

7 thoughts on “ગલી બોય

 1. ગુરુવારનો શનિવાર કેમ કર્યો, મને ખબર છે. સિનેમા લવર હોવાના નાતે રિવ્યુની રાહ હતી જે તેના દરેક પાસાને ચિવટપૂર્વક પીછાણે અને બસ, આવી ગયો તમારો રિવ્યુ અને મેં આખું મુવી ફરી વાર જોઈ લીધું. તમારા જેવું ડિટેઈલિંગ કરવાવાળો ગુજરાતી માણસ મેં નથી જોયો સર. કૉંગ્રેટ્સ (ટ છે, હોં!!) એન્ડ થેન્ક યુ ફોર મસ્ત રિવ્યુ.💐

  Like

 2. Bosss kya likha hai !! ફિલ્મોને આર્ટપીસ તરીકે જોવી એ પણ એક આર્ટ છે. ફિલ્મ વિવેચન સારુ શીખવા મળે છે. Keep it up , good luck !

  Like

 3. સુપર રિવ્યૂ…… પણ હજી… બાકી છે બીજા રિવ્યૂ….? અત્યાર સુધીમાં 220 Cr. નોં કલેક્શન કરી ચૂકેલી ફિલ્મ URI નો રિવ્યૂ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s