અસા પુ.લ. હોણે નાહી

પૂર્વાર્ધઃ ***½ (સાડા ત્રણ સ્ટાર)

ઉત્તરાર્ધઃ *** (ત્રણ સ્ટાર)

bhai-vyakti-ki-valli_960x540

દૃશ્ય-1
પુ.લ. દેશપાંડેએ લખેલા મરાઠી નાટકનો પ્રયોગ ચાલી રહ્યો છે. ઓડિટોરિયમ હકડેઠઠ ભર્યું છે. અદાકારો પૂરા જોશથી પર્ફોર્મ કરી રહ્યા છે. લોકો પણ પેટ પકડીને હસી રહ્યા છે. ખુદ પુ.લ. પણ ઓડિયન્સમાં બેઠા છે. પરંતુ ઓડિયન્સમાં એક દાઢીધારી શખ્સને જરાય મજા નથી પડી રહી. એ અકળાઈને આજુબાજુ લોકોનાં એક્સપ્રેશન્સ અને પુ.લ.ને જોતો રહે છે. એ શખ્સ છે પ્રખ્યાત નાટ્યકાર-સ્ક્રીનરાઈટર વિજય તેંડુલકર. પ્રયોગ પત્યે એ પુ.લ. પાસે જઈને કહે છે, ‘ક્યારેક તો તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું કરો, લોકોને રિયાલિટી બતાવો…’ જવાબમાં પુ.લ. કહે છે, ‘લોકો ચોવીસમાંથી એકવીસ કલાક રિયાલિટી જ જુએ છે. ત્રણ કલાક તો એમને સપનાં જોવા દો!’

દૃશ્ય-2
ઈમર્જન્સીની આસપાસનો સમય છે. જનતા પાર્ટીના મંચ પરથી પુ.લ. કહી રહ્યા છે, ‘પુરુષોની નસબંધી કરી તો કરી, પણ લોકોના વિચારોની નસબંધી ક્યારેય કરશો નહીં. એના જેવું મોટું બીજું કોઈ પાપ નથી.’

દૃશ્ય-3
ઈમર્જન્સી હટી ગઈ છે. ઈન્દિરા ગાંધીની સરકાર ફેંકાઈ ગઈ છે ને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર છે. જનતા પાર્ટીનો એક ટિપિકલ નેતા એમને કોઈ રેલીમાં આમંત્રણ (કમ પાર્ટીનો આદેશ) આપવા આવે છે. પુ.લ. એ નેતાને કહે છે, ‘મેં વિદૂષકનો માસ્ક પહેર્યો છે. પણ દેશમાં ઈમર્જન્સી આવી, લોકોની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી, ત્યારે મેં એ માસ્ક ઉતારીને જે સાચું હતું એ કહ્યું. જો તમે (જનતા પાર્ટી) પણ એ જ રસ્તે ચાલી નીકળશો, તો મને આ નકાબ ફરી પાછો ઉતારી નાખતાં જરાય વાર નહીં લાગે.’
***
પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે. હાસ્યલેખક, નાટ્યકાર, પર્ફોર્મર, એક્ટર, સ્ક્રીનરાઈટર, સંગીતકાર, ગાયક, સમાજસેવી.

પુ.લ. દેશપાંડેની ઓળખ માટે આ આઠ શબ્દો વાપરીને છટકી જઈએ તો એમની પ્રચંડ પર્સનાલિટી અને એમના ધરખમ પ્રદાન વિશે ટચલી આંગળીના વધેલા નખ જેટલી જ માહિતી ન મળે. પુ.લ. દેશપાંડેની વિદાયને ઓગણીસ વર્ષ થયાં, પરંતુ આજેય એમની લોકપ્રિયતાના કાંગરાનો એક કાંકરો પણ ખર્યો નથી. આજે પણ કોઈપણ મરાઠીભાષી સામે પુ.લ. ઉર્ફ ‘ભાઈ’નું નામ બોલો એટલે એમના ચહેરા પર ગર્વીલા સ્મિતની ચમક પથરાઈ જાય. ઈવન મરાઠીનો એક શબ્દ પણ સમજાતો ન હોય, છતાં યુટ્યૂબ પર પુ.લ. દેશપાંડે સર્ચ કરીને એમને પર્ફોર્મ કરતા વીડિયો જુઓ એટલે એમની પ્રતિભાથી તાબડતોબ અંજાઈ જાઓ.
એવા મહારાષ્ટ્રના લાડકા ‘ભાઈ’ પુ.લ. દેશપાંડેના પ્રેમને વશ થઈને મંજાયેલા એક્ટર-ડિરેક્ટર મહેશ માંજરેકરે એમની બાયોપિક બનાવી છે. બાયોપિકનું નામ છે ‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’. આપણા વિનોદ ભટ્ટના ‘વિનોદની નજરે’ જેવો પુ.લ.નો એક વ્યક્તિ ચરિત્રોનો પ્રસિદ્ધ સંગ્રહ છે, ‘વ્યક્તિ આણિ વલ્લી’ (વલ્લી એટલે નમૂના જેવાં વ્યક્તિત્વો). એના પરથી આ ફિલ્મનું નામ લેવાયું છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ ‘પૂર્વાર્ધ’ અને ‘ઉત્તરાર્ધ’ એમ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ 4 જાન્યુઆરી, 2019એ રિલીઝ થયો, જ્યારે બીજો ભાગ હમણાં 8 ફેબ્રુઆરીએ આવ્યો.
‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’ની એકેએક ફ્રેમમાંથી પુ.લ. પ્રત્યેનો પ્રેમ-અહોભાવ ટપકે છે. આમ તો આ ફિલ્મ વિશેનો કાચો માલ એકઠો કરવા માટે પુ.લ.નાં પત્ની સુનીતા દેશપાંડેની પ્રસિદ્ધ સ્મરણાત્મકથા ‘આહે મનોહર તરી’ની મદદ લેવામાં આવી છે (આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સુરેશ દલાલે ‘મનોહર છે પણ’ નામે કર્યો છે). આ ઉપરાંત પુ.લ.નાં પ્રસિદ્ધ જીવન પ્રસંગો અને એમનાં વ્યક્તિચિત્રો પણ ‘ભાઈ’માં વણી લેવાયાં છે. એટલે જ આ ફિલ્મ જાણે આપણે પુ.લ.નાં જીવનનું ફોટો આલ્બમ જોતા હોઈએ એવી ફીલ આપે છે. એક પછી એક પાનું ફરતું જાય અને નવા નવા પ્રસંગો ઊઘડતા જાય. આ બાયોપિકમાં પુ.લ. દેશપાંડેની ભૂમિકા ભજવી છે મરાઠી એક્ટર સાગર દેશમુખે. જ્યારે એમનાં પત્ની સુનીતાનાં પાત્રમાં છે ઈરાવતી હર્ષે.
**
‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’નો પહેલો ભાગ એમનાં પત્ની સુનીતા ઠાકુર-દેશપાંડેના વોઈસ ઓવરથી થાય છે. જેમાં તેઓ કહે છે, ‘ભાઈની આસપાસ હાસ્ય-વિનોદવૃત્તિ એ સ્વાભાવિકતાથી વીંટળાયેલી રહેતી, જેમ ફૂલોની આસપાસ સુગંધ.’ પરંતુ પહેલા જ દૃશ્યમાં આપણને ખબર પડે છે કે એંશી વર્ષના પુ.લ. દેશપાંડે હોસ્પિટલના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. ICUની બહાર એમનાં પત્ની સુનીતા બેઠાં છે. એક પછી એક સગાંવહાલાં આવતાં જાય છે, ‘ભાઈ’ને કોમામાં જોઈને ને ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે એ જાણીને ભાંગી પડે છે. ત્યારે સુનીતા ઠાકુર શાંતિથી કહે છે, ‘જે સ્થિતિમાં આપણે કશું જ કરી શકીએ એમ ન હોઈએ ત્યારે શાંત રહેવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે.’
હોસ્પિટલની બહાર પણ પુ.લ.ના ચાહકોનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો છે. સૌ શાંત-વ્યગ્ર ચહેરે પુ.લ.ની તબિયત જાણવા ઉત્સુક છે. એક પછી એક સેલિબ્રિટીઓ પણ આવતી જાય છે, ને મીડિયા પણ એમની ઝલક-બાઈટ મેળવવા ધક્કામુક્કી કરી રહ્યું છે. કાં તો હોસ્પિટલમાં આવતા લોકો મારફતે અથવા તો સુનીતા દેશપાંડેની સ્મૃતિઓના માધ્યમથી આપણી સમક્ષ પુ.લ. દેશપાંડેની લાઈફસ્ટોરીની રીલ શરૂ થાય છે.
***
ટીનેજર પુરુષોત્તમ શાળામાં ભજવવાના શિવાજીના નાટકનું રિહર્સલ કરી રહ્યા છે. નાટકમાં એમનું પર્ફોર્મન્સ-એમના સંવાદો વગેરે જોઈને એમના પિતા ત્યારે જ ભાખી લે છે કે આ છોકરો કાયમ એને જેમાં મજા પડે છે એ જ કરવાનો છે, ને બીજા લોકોને પણ મજા કરાવશે. ઘરમાં ‘બાબુલ’ તરીકે સંબોધાતા પુ.લ.ની હાર્મોનિયમ પ્રીતિ જોઈને એના પિતાએ ત્રણ મહિનાના પૈસા બચાવીને દીકરાને હાર્મોનિયમ લઈ આપેલું.

mv5bywuzndm4otqtytbmzc00m2i1lwjlymutnjbjntnjymzkowrjxkeyxkfqcgdeqxvymty4nzk3mzi40._v1_ql50_sy1000_sx1500_al_
પુ.લ. દેશપાંડે અને પત્ની સુનીતા દેશપાંડે તરીકે સાગર દેશમુખ અને ઈરાવતી હર્ષે

પુ.લ. દેશપાંડેની લાઈફના એક પછી એક પ્રસંગ બાયોસ્કોપની રીલની જેમ આપણી સામેથી પસાર થતા રહે છે. કોલેજમાં પુ.લ.ની વિનોદવૃત્તિના ચમકારા, એમના પિતાનું ને લગ્ન પછી તરત જ એમનાં પહેલાં પત્ની સુંદરનું અવસાન, ત્યારપછી કોલેજમાં પ્રોફેસરની જોબ દરમિયાન સહકર્મચારી એવાં સુનીતા ઠાકુર સાથે મુલાકાત, પ્રેમ, એમની એકદમ ક્યુટ લવસ્ટોરી, નાટકોનાં રિહર્સલ-મંચન, ગામડામાં એમનાં રજિસ્ટર્ડ મેરેજ, લગ્ન પછી ફિલ્મોનાં પટકથાલેખનમાં પુ.લ.ની વ્યસ્તતા, એમનો છોકરમતવાળો સ્વભાવ અને એમાં જ કડક-શિસ્તપ્રિય સ્વભાવનાં સુનીતા ઠાકુર-દેશપાંડેનો એક ચોંકાવનારો નિર્ણય, સાથી હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયક-મિત્રો સાથે એમની મહેફિલો… આ બધું જ ‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’ના પહેલા ભાગમાં વણી લેવાયું છે.

જ્યારે બીજા ભાગમાં પુ.લ.ની સેવાકીય પ્રવૃત્તિઓ, એમના પોલિટિકલ સ્ટેન્ડ અને એમનાં પ્રખ્યાત સોલો પર્ફોર્મન્સ તથા એમની પાછલી અવસ્થાને આવરી લેવાઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ડિરેક્ટર મહેશ માંજરેકર અને રાઈટર પિતા-પુત્ર ગણેશ અને રત્નાકર મતકરીએ પુ.લ.ના જીવનપ્રસંગોની સાથોસાથ એમનાં પ્રખ્યાત શબ્દચિત્રો પણ વણી લીધાં છે. જેમ કે, જાતે ગાંડીઘેલી કવિતા લખીને પુ.લ. પાસે કમ્પોઝ કરાવતા સર (મોસ્ટ્લી ચીતળે માસ્ટર), પ્રખર સાહિત્યકારોનાં ઓટોગ્રાફ એકઠા કરતો ઓવર સંનિષ્ઠ યુવાન સખારામ ગટણે, વારે વારે ડિસ્ટર્બ કરવા આવી ચડતા પ્રોડ્યુસર મિત્ર, પુણેની ફર્ગ્યુસન કોલેજના મિત્ર અને નેકદિલ પણ એકદમ પકાઉ એવા નંદુ કામત, બાળપણનો ગોઠિયો અને હવે ડોન બનીને જેલની સજા કાપીને ભરી બંદૂકે ઘરે આવી ચડેલો મિત્ર બારક્યા ડોન… પુ.લ.નાં લખાણોમાં આવેલાં આ વ્યક્તિચિત્રો જો વાંચ્યાં હોય તો ફિલ્મના પડદે તેને જોવાની પણ એક અલગ મજા છે.
***
પુ.લ.ના જીવનમાં કોઈ ને કોઈ તબક્કે આવેલા જવાહરલાલ નેહરુ, બાળાસાહેબ ઠાકરે, કુમાર ગંધર્વ, પંડિત ભીમસેન જોશી, વસંત દેશપાંડે, ભક્તિ બર્વે, જબ્બાર પટેલ, બાબા આમટે, વિજય તેંડુલકર જેવાં વ્યક્તિત્વો પણ અહીં ડોકાયાં કરે છે. જેમ કે, ભારતમાં નવા સવા શરૂ થયેલા દૂરદર્શન માટે (જે એ વખતે આકાશવાણીનો ભાગ હતું) પુ.લ.એ કામ કરેલું. પં. નેહરુનો સૌપ્રથમ ટેલિવિઝન ઈન્ટરવ્યૂ લેવાનું શ્રેય પુ.લ.ને જાય છે. ઈન ફેક્ટ, એમણે પં. નેહરુને પોતાની સ્ટાઈલમાં સૂચવેલું કે ‘જો રેડિયો માટે આકાશવાણી વપરાય તો ટેલિવિઝન માટે પ્રકાશવાણી શબ્દ વાપરવો જોઈએ. દૂરદર્શનમાં તો દુર્દશાની ફીલ આવે છે!’ પં. નેહરુ પી.એમ. હોવા છતાં અને પોતે દૂરદર્શનમાં કામ કરતા હોવા છતાં નેહરુની પાર્ટી મીટિંગ કવર કરી નહોતી (કેમ કે, પાર્ટી મીટિંગનું કવરેજ નેશનલ ટીવી પર ન હોય) અને આ મુદ્દે જ એમણે સામેથી રાજીનામું ધરી દીધેલું. ‘ભાઈ’માં પં. નેહરુ તરીકે દલીપ તાહિલ (માઈનસ ટ્રેડમાર્ક ગુલાબ) દેખાય છે. ટેલિવિઝન પ્રોગ્રામ ડિરેક્ટ કરી રહેલા પુ.લ.ને કેમેરા પાછળ લેન્સ બદલવાની સૂચના આપતા જુઓ ત્યારે એમની ચીવટનો પણ ખ્યાલ આવે.
બાળાસાહેબ ઠાકરે પુ.લ.ના વિદ્યાર્થી હતા. એમની કાર્ટૂનિંગની કળાને એમણે નાનપણમાં જ પારખી લીધેલી.

P L Deshpande Bala Saheb
‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરષ્કાર આપ્યો એ વખતે પુ.લ.ને પગે લાગી રહેલા એમના શિષ્ય બાળાસાહેબ ઠાકરે

ઠાકરેએ 1996માં ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કારની શરૂઆત પુ.લ. દેશપાંડેથી જ કરી હતી. એ વખતે પુ.લ. પાર્કિન્સન્સ ડિસીઝનો ભોગ બનેલા અને ઠાકરેની આપખુદશાહી નીતિથી ખફા હતા. એમણે પુરસ્કાર સ્વીકાર્યો, પણ ઠાકરેની ખફગી સ્વીકારીને એવુંય કહ્યું કે ‘લોકશાહીમાં ઠોકશાહી ન ચાલે’. હવે લખાતું નથી તો ડિક્ટેટ કરાવતા હો તો એવા સવાલના જવાબમાં પુ.લ.એ (ઠાકરેના સંદર્ભમાં) કહેલું, ‘એક ડિક્ટેટર ઓછો પડે છે?’

દિગ્ગજ ગાયક પદ્મવિભૂષણ કુમાર ગંધર્વ (અદાકારઃ સ્વાનંદ કિરકિરે), ભારતરત્ન પંડિત ભીમસેન જોશી અને વસંતરાવ દેશપાંડે સાથેની ખુદ પદ્મભૂષણથી સન્માનિત પુ.લ.ની સંગીત મહેફિલોને તો ડિરેક્ટર મહેશ માંજરેકરે જે લિજ્જતથી ફિલ્માવી છે એ મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં તો વિચારી પણ ન શકીએ! ફિલ્મના પહેલા ભાગને અંતે આ તમામ દિગ્ગજોની ‘સાંવરે આઈજૈયો’ અને ‘કાનાડા રાજા પંઢરીચા’ની સળંગ સાડા આઠ મિનિટની મહેફિલ મૂકી છે, જેમાં ખુદ પુ.લ. હાર્મોનિયમ વગાડે છે. તે સાંભળીને થિયેટરની બહાર નીકળો તો તેની સુખદ અનુભૂતિ દિલોદિમાગને તરબતર કરી ગઈ હોય. (આ ‘સાંવરે આઈજૈયો’નો ઉપયોગ નાના પાટેકરની 1997ની ફિલ્મ ‘યશવંત’માં પણ થયેલો.)

પુ.લ.એ બાબા આમટેની સંસ્થા ‘આનંદવન’ માટે અને ‘મુક્તાંગન ડિએડિક્શન સેન્ટર’ માટે કરેલાં સેવાકાર્યોની પણ એકદમ હૃદયસ્પર્શી અને હળવાશથી આ ફિલ્મમાં નોંધ લેવાઈ છે.
કોઈ ધરખમ પર્સનાલિટી ફિલ્મમાં એન્ટર થાય અને રખે ને આપણે ઓળખીએ નહીં એ બીકે તમામ પાત્રોનાં ઈન્ટ્રોડક્શન રૂપે તેમનાં નામ ડાયલોગ્સમાં વણી લેવાયાં છે!
***
પુ.લ.નાં વિખ્યાત નાટકોની પણ અહીં ઝલક ઝીલાઈ છે. જેમ કે, ‘સુંદર મી હોણાર’ના રિહર્સલનો અહીં એક સીન

542
પુ.લ. દેશપાંડેની પ્રખ્યાત રચના ‘બટાટ્યાચી ચાળ’ અને તેના પ્રયોગમાં ખુદ પુ.લ.

છે. આ નાટક પરથી અશોક કુમાર-સુનીલ દત્ત-નંદા-તનુજા સ્ટારર ‘આજ ઔર કલ’ નામની હિન્દી ફિલ્મ પણ બનેલી. પુ.લ.એ જ્યોર્જ બર્નાર્ડ શૉના નાટક ‘પિગ્મેલિયન’નું ‘તી ફુલરાણી’ નામે મરાઠીમાં અડેપ્ટેશન કરેલું, જેમાં મુખ્ય ભૂમિકા ભજવીને ભક્તિ બર્વેને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ થયેલી (આપણા મધુ રાયે ‘પિગ્મેલિયન’ને ‘સંતુ રંગીલી’ તરીકે ગુજરાતીમાં અવતરિત કરેલું). એમની પ્રસિદ્ધ અને યુટ્યૂબ પર આજે પણ ધૂમ જોવાતી સોલો પર્ફોર્મન્સ સિરીઝનો ‘બટાટ્યાચી ચાળ’ની શરૂઆત પણ ‘ભાઈ-ઉત્તરાર્ધ’માં છે. આપણે ત્યાં જેમ શાહબુદ્દીનભાઈ રાઠોડ પર્ફોર્મ કરતા હોય, એ રીતે સ્ટેજ પર પુ.લ. પોતાની ડાયરી લઈને ઊભાં ઊભાં સોલો પર્ફોર્મ કરતા હોય, બાજુમાં તાંબાનો લોટો અને તાંબાનો ગ્લાસ પડ્યા હોય ને સામે ચિક્કાર ભરેલું ઓડિટોરિયમ ઊછળી ઊછળીને હસતું હોય એ પુ.લ.ના કરિયરનો એક અવિભાજ્ય અને આહલાદક હિસ્સો છે. ‘બટાટ્યાચી ચાળ’ ઉપરાંત પુ.લ.ની આવી ‘અસા મી અસામી’, ‘હસવિણ્યાચા માઝા ધંદા’, ‘વા-યાવરચી વરાત’, ‘નિવડક પુ.લ.’ સોલો સિરીઝ પ્રચંડ પોપ્યુલર હતી.
‘ભાઈ’ પુ.લ. અને સુનીતાની નાટકોનાં રિહર્સલ્સ-પ્રયોગોમાંથી પાંગરેલી લવસ્ટોરી અને એક નાટકના સફળ પ્રયોગ પછી કેવી રીતે પુ.લ.એ સુનીતા ઠાકુરને ગ્રીનરૂમમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું એનો એકદમ સ્વીટ સીન ‘ભાઈ-પૂર્વાર્ધ’માં છે. પુ.લ.ની પ્રપોઝલ સાંભળીને હસી પડેલાં સુનીતા કહે, ‘આ (ગ્રીનરૂમ) કંઈ મેરેજ માટે પ્રપોઝ કરવાની જગ્યા છે?’ ત્યારે પુ.લ. પોતાની ટિપિકલ સ્ટાઈલમાં કહે, ‘હું નાટ્યકાર, તું એક્ટર, આપણા માટે પ્રપોઝ કરવાની આનાથી શ્રેષ્ઠ જગ્યા બીજી કઈ હોય?!’ ત્યાં પુ.લ.ની પાછળ ગ્રીનરૂમના દરવાજા પર ટિપિકલ ‘પુણેરી પાટ્યા’નો પરચો કરાવતી મસાલેદાર સૂચના (અફ કોર્સ, મરાઠીમાં) લખેલી હોય, ‘મેકઅપવાળા હાથ દરવાજા પર લૂછવા નહીં.’
***
‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’ની ઘણીખરી સામગ્રી આગળ લખ્યું તેમ એમનાં પત્ની સુનીતાનાં સંસ્મરણાત્મક પુસ્તક ‘આહે મનોહર તરી’માંથી લેવાઈ છે, એટલે તેમાં પુ.લ.ના છોકરમતવાળા બેજવાબદાર છતાં સંવેદનશીલ, ઉદાર સ્વભાવ પણ ઝીલાયો છે. સુનીતા દેશપાંડેનું આ પુસ્તક એક પત્નીની દૃષ્ટિએ પુ.લ.ની છબિ ઝીલતું હોવા છતાં તેણે પુ.લ.પ્રેમીઓનો રોષ વહોર્યો હતો.
આ રિવ્યુની શરૂઆત ફિલ્મના જે ત્રણ પ્રસંગોથી કરી છે તે પણ પુ.લ.ના સ્વભાવનું જ વૈવિધ્ય દર્શાવે છે. જે વિજય તેંડુલકરના વિખ્યાત નાટક ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ની પ્રશંસા કરીને પુ.લ. એસ્કેપિઝમવાળી વાત કરે છે, એ જ પુ.લ. (દૃશ્ય 1-2માં) અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની પણ પ્રચંડ હિમાયત કરે છે. એન્સાઈક્લોપીડિયા નોંધે છે કે ઈમર્જન્સી વખતે પુ.લ. તેની કડક ટીકા કરતા હોવા છતાં એમની પ્રચંડ લોકપ્રિયતાને પગલે જ એમની ધરપકડ કરવાની સરકારની હિંમત ચાલી નહોતી.

PL Sunita
સાચુકલાં પુ.લ. અને સુનીતા દેશપાંડે

‘ભાઈ’ના બંને ભાગ કોઈએ હવામાં પીંછું તરતું મૂક્યું હોય તેવી હળવાશથઈ જોવાઈ જાય એવા બન્યા છે. તેમાં ધરખમ ફાળો પુ.લ.ની ભૂમિકામાં સાગર દેશમુખ અને સુનીતા દેશપાંડે તરીકે ઈરાવતી હર્ષેનો છે. એક સીન માટે પણ એવું લાગતું નથી કે આપણી સામે સ્ક્રીન પર સાચુકલા પુ.લ. કે એમનાં પત્ની નહીં, બલકે એમની ભૂમિકા ભજવનારા કલાકારો છે. ઈવન બંને કલાકારોનું કાસ્ટિંગ પણ ઓલમોસ્ટ પર્ફેક્ટ છે. રિયલ પુ.લ. અને સુનીતાની તસવીરો જુઓ ત્યારે આ ફિલ્મના કાસ્ટિંગ માટે માન થયા વિના ન રહે. ફિલ્મમાં પુ.લ. દંપતીની કેમિસ્ટ્રી, હળવી નોકઝોંક, ગમે ત્યારે બાળક બની જતા કે પત્નીને વીસરીને નાટકો-સંગીત-ફિલ્મ રાઈટિંગમાં ખોવાઈ જતા પુ.લ. બધું જ એકદમ સહજતાથી પસાર થતું રહે છે. તેમાં ફિલ્મની સિનેમેટોગ્રાફી-પ્રોડક્શન ડિઝાઈન અને મ્યુઝિકને પણ માર્ક્સ આપવા પડે.

અલબત્ત, ફિલ્મની ટ્રીટમેન્ટ સિમ્પલ રાખવામાં, પુ.લ.ના જીવનપ્રસંગો-વિવિધ પાત્રોને સમાવવાની ક્વાયતમાં ઘણે ઠેકાણે આપણે કોઈ સ્ટેજ પ્લે જોતા હોઈએ એવી ફીલ પણ આવે છે. એક પાત્ર એક્ઝિટ કરે ને બીજું એન્ટ્રી લે. પુ.લ. દેશપાંડેની પ્રચંડ પર્સનાલિટી, લોકોનો અપાર પ્રેમ અને પાંચ દાયકામાં ફેલાયેલું એમનું સર્જનકાર્ય એ બધાને આ બે ભાગમાં પથરાયેલી ચાર કલાકની ફિલ્મ પણ આપી તો નથી જ શકી. જેમ કે, અહીં આપણને પુ.લ. અલપ ઝલપ લખતા દેખાય, પણ એમની સર્જન પ્રક્રિયા પાછળનાં કોઈ ઈન્સાઈટ્સ મળતાં નથી. ઈવન બીજો ભાગ ખાસ્સો ખેંચાતો હોય અને પરાણે કોઈ પાત્ર કે સીન ઉમેર્યાં હોય તેવી ફીલ આપે છે. યાને કે મહેશ માંજરેકરે પોતાના પ્રિય એવા પુ.લ.ને આપેલી આ બે ભાગની આદરાંજલિ પછી પણ એમના સર્જનકાર્ય અને અન્ય પાસાં પરની વધુ એકાદ બાયોપિકનો સ્કોપ તો છે જ. ફિલ્મ એક આર્ટિસ્ટિક ફ્રેમ સાથે ફ્રીઝ કરીને પૂરી કરી દેવાઈ છે. તે સૅડ ટોન છોડી જવાને બદલે રિયલ પુ.લ.ની ઈન્ટરનેટ પર ન હોય તેવી દુર્લભ અને ઈન્ટરેસ્ટિંગ તસવીરો બતાવીને કે રિયલ પુ.લ.ના વીડિયોઝની ક્લિપ્સ બતાવીને પૂરી કરી હોત તો દર્શકો થિયેટરમાંથી એકદમ બ્રોડ સ્માઈલ સાથે બહાર નીકળત.
***
આ રિવ્યુ લખાઈ રહ્યો છે ત્યારે ‘ભાઈઃ વ્યક્તિ કી વલ્લી’ના બંને ભાગ જૂજ થિયેટરોમાં અંગ્રેજી સબટાઈટલ્સ સાથે ચાલી રહ્યાં છે. પરંતુ આગામી થોડાં અઠવાડિયાંમાં જ આ ફિલ્મ ઓનલાઈન ઉપલબ્ધ થઈ જશે. પુ.લ.ને વાંચનારા, ચાહનારા કે પુ.લ. દેશપાંડેને ઓળખવા માગતા કોઈપણ રસિકજન માટે આ ફિલ્મ બિલકુલ જોવા જેવી જ છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “ભાઈઃ વ્યક્તિ કી વલ્લી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s