કુછ નહીં હોતા હૈ, રાહુલ, અબ તો સમઝો!

રેટિંગઃ ** (બે સ્ટાર)

Spoiler Warning: આ રિવ્યુમાં ફિલ્મની સ્ટોરી વિશે ડિટેઇલમાં ચર્ચા કરાયેલી છે. એટલે ફિલ્મ ન જોઈ હોય તો તમારી મજાના દૂધપાકમાં કડછો વાગી શકે છે.

 • maxresdefault‘ઝીરો’ સુપર્બ એનર્જી સાથે સ્ટાર્ટ થાય છે. હોલિવૂડની કાઉબોય ટાઈપની સ્પેઘેટી વેસ્ટર્ન મુવીનો સીન ચાલી રહ્યો છે. વિલન (તિગ્માંશુ ધુલિયા) અને એના ગુંડાઓ એક અબલા નારીની પાછળ પડ્યા છે. ડેમ્સેલ ઈન ડિસ્ટ્રેસ એવી એ અબલા નારીને બચાવવા માટે હીરો (શાહરુખ)ની એન્ટ્રી થાય છે. ઓલમોસ્ટ સાડા પાંચ ફૂટની નોર્મલ હાઈટનો એ હીરો સ્પેનિશ જેવી કોઈ વિદેશી જિબરિશ ભાષામાં ડાયલોગબાજી સ્ટાર્ટ કરે છે. એ સીનની વિઝ્યુઅલ કોમેડી પણ મસ્ત છે. મોઢામાં બીડી સાથે આવેલા શાહરુખની પાછળ લપાયેલી અબલા નારી શાહરુખ પાસેથી એ બીડી લઈને પોતાના મોંમાં ખોંસી દે છે! શાહરુખ એ વિલનની ઐસી તૈસી કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં જ સીન કટ અને મેરઠના સિમ્પલ જૂનવાણી ઘરમાં શાહરુખ ઠિંગણા બવ્વા સિંઘ તરીકે જાગી જાય છે. એ અબલા નારી એની કામવાળી છે. એને પણ ખબર છે કે બવ્વાએ કયું સપનું જોયું હશે. યાને કે બવ્વો રોજ એવું જ સપનું જુએ છે. અને સપનાનો એ વિલન (તિગ્માંશુ ધુલિયા) એનો પોતાનો પર્સનલ સગ્ગો બાપ છે. (Btw, બવ્વા, બૌવા, બઉવા કે સ્પેલિંગ (Bauua) પ્રમાણે બઉઆ સિંઘ?!)
 • બાપ સાથે બવ્વાને છત્તીસ કા આંકડા છે. એનાં મલ્ટિપલ કારણો છે. એક તો બવ્વો 38નો છે. કોઈ કામધંધો કરતો નથી. આખો દિવસ પોતાના નાકારા દોસ્તારો સાથે આવારાગર્દી કરે છે. ઉપરથી બાપના પૈસા ઉડાડે છે. લિટરલી ઉડાડે છે. ડિમોનેટાઈઝેશન પછીની લેટેસ્ટ કરન્સીમાં ઉડાડે છે. એના બાપને અંદરખાને ઠિંગણા રહી ગયેલા એ મોટા દીકરા પ્રત્યે અણગમો છે. અને એ અણગમાનું દીકરાને ઈરિટેશન છે. એટલે જ એ બાપને એના નામથી ‘અશોક’ કહીને બોલાવે છે. નતીજા? બંને વચ્ચે સતત સેલિબ્રિટીઝ અને ઇન્ટરનેટ ટ્રોલ્સ જેવી તડાફડી બોલતી રહે છે. હા, બાપ-બેટા વચ્ચે બેલેન્સિંગ એક્ટ કરતી મા (શીબા ચઢ્ઢા) પ્રત્યે દીકરાને સોફ્ટ કોર્નર છે.
 • અગેઈન, આ સ્ટાર્ટ સુપર્બ છે. બવ્વા સિંઘ હાડોહાડ ફિલ્મી છે, ઉદ્ધત છે, સ્વાર્થી છે, સેલ્ફ ઓબ્સેસ્ડ છે (એ સવારે ઊઠીને પહેલું કામ સેલ્ફી લેવાનું કરે છે!), એ બટકબોલો છે, લુચ્ચો છે, અને ‘ઝીરો’ના ફર્સ્ટ ટીઝરમાં એના માટે વાપરવામાં આવેલાં તમામ વિશેષણોનો સરવાળો છે. પોતાની ઓછી હાઈટથી એ લઘુતાગ્રંથિથી પીડાતો નથી. કદાચ, એ લઘુતાગ્રંથિમાંથી જ એની આ ઉદ્ધતાઈ જન્મી હોઈ શકે. ‘પત્રકાર પોપટલાલ’ની જેમ શાદી માટે ડેસ્પરેટ છે. અને કેટરિના કૈફના જ સિનેમેટિક વર્ઝન જેવી સુપરસ્ટાર ‘બબીતા કુમારી’ પાછળ પાગલ છે (રિયલી? 2018માં બબીતા કુમારી? બબીતા પાછળ પાગલ થવાનો હોલસેલ કોન્ટ્રાક્ટ જેઠાલાલનો જ છે!). એટલે સુધી કે એના મોબાઈલના કવર પર પણ બબીતા કુમારીનો ફોટો જ છે. બવ્વા સિંઘ કવિતા પણ કરી જાણે છે અને કોઈપણ છોકરી ફ્લેટ થઈ જાય એવી ક્રિએટિવ પિક અપ લાઈન્સ પણ બોલી જાણે છે.
 • આ ઈન્ટરેસ્ટિંગ કેરેક્ટરને લઈને ‘ધ એડવેન્ચર્સ ઓફ બવ્વા સિંઘ’ જેવી સિરીઝ ક્રિએટ કરી શકાઈ હોત. જેમાં બવ્વા એના ગામ મેરઠમાં ધમાલ મચાવે. બીજા પાર્ટમાં એ પોતાના બાપની સામે સાબિત કરી બતાવે કે અપુન ગુડ ફોર નથિંગ નહીં હૈ. ત્રીજામાં એ પોતાના જેવી જ અધૂરપથી પીડાતી સેરેબ્રલ પૉલ્સીની પેશન્ટ આફિયા (અનુષ્કા શર્મા) સાથે પ્રેમમાં પડે. ચોથા પાર્ટમાં એ ભારતની કરંટ સુપરસ્ટારની નજીક પહોંચી જાય અને મે બી એની સાથે ફિલ્મ પણ કરી લે. પાંચમા પાર્ટમાં એ સ્પેસ ટ્રાવેલ પણ કરે. આ બધું ‘મિસ્ટર બીન’, ‘પિંક પેન્થર’ કે ‘ઓસ્ટિન પાવર્સ’ની તર્જ પર ક્રિએટ કરી શકાય. અરે, બટકબોલા બવ્વા અને એના ‘અસ્તગફિરુલ્લાહ’ બોલ્યા કરતા ડબલ બટકબોલા દોસ્ત (મોહમ્મદ ઝીશન અયુબ)ને લઈને એક ધમ્માલ બડ્ડી કોમેડી મુવી પણ બનાવી શકાય! લેકિન, આટલો ટાઈમ કોની પાસે છે? એટલે રાઈટર હિમાંશુ શર્મા અને ડિરેક્ટર આનંદ એલ. રાયે આ બધી જ પોસિબિલિટીઝને સ્ટારડમની ખરલમાં લસોટીને એક જ ફિલ્મમાં પધરાવી દીધી. પરિણામે જે 164 મિનિટ લાંબો ખીચડો તૈયાર થયો એના એકેય પાર્ટમાં સંતોષ નથી થતો. એક સ્ટોરીમાંથી બીજી સ્ટોરીનું ટ્રાન્ઝિશન પણ ની-જર્ક આવે એવું છે. પૈસાદાર કુટુંબના બુફે ડિનરની જેમ બધી વાનગીઓ ચાખવામાં જ પેટ ભરાઈ જાય અને અંતે શું ખાધું એ જ યાદ ન હોય, ને આખરે ભળતો-સળતો જ ઓડકાર આવે!
 • કોઈ કાળે આપણા ગુજરાતી ફિલ્મમેકર મનમોહન દેસાઈ પાસે એવી હથોટી હતી કે એ ગમે તેવો ક્રેઝી આઈડિયા આપણી સામે પેશ કરે અને આપણે કોઈ સવાલ કર્યા વગર તેને ગળે ઉતારી જઈએ. ફોર એક્ઝામ્પલ, ‘અમર અકબર એન્થની’. બચપનમાં બિછડી ગયેલા ત્રણ ભાઈ સતત એકબીજાને અથડાયે રાખે પણ ઓળખે નહીં, ત્રણેય જણા પોતાની જ માતાને ઓળખ્યા વગર લોહી આપતા હોય અને તે પણ એકસાથે, સાંઈબાબાની એક કવ્વાલી ગાવા માત્રથી માતાની આંખોની રોશની પાછી આવી જાય! આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માએ ‘ઝીરો’માં આપણને આવા જ કેટલાક ક્રેઝી આઈડિયાઝ પિરસ્યા છે, પણ ગળે ઉતારવાનું મન થતું નથી. જેમ કે, મેરઠનો મફતિયો બવ્વા સિંઘ મંગળ ગ્રહ પર પાણી શોધી આપનારી વિશ્વવિખ્યાત સાયન્ટિસ્ટને પોતાના પ્રેમમાં પાડી શકે, ભારતની બિગેસ્ટ સુપરસ્ટારના ઘરના ટોઈલેટમાં-પથારીમાં ઘુસી શકે તેવો હમસફર બની જાય, બવ્વા સિંઘ એવી ડાન્સ કોમ્પિટિશન જીતી જાય જેમાં સલમાન ખાન, રેમો ડિસોઝા, ગણેશ આચાર્ય જજ હોય અને જેમાં એ પોતે જ એકમાત્ર સ્પર્ધક હોય, બવ્વા કેન ગો એનીવ્હેર- ગમે તેટલા પૈસા ખર્ચી શકે, બવ્વા માર્સ મિશન માટે સિલેક્ટ થઈ જાય અને જે મિશન વિશે એવું કહેવાતું હોય કે તેમાં ‘સોતે સોતે જાના હૈ ઔર સોતે સોતે આના હૈ’ એમાં એ જાગીને મંગળ પર અટખેલિઓ કરતો નજરે પડે…!
 • અફ કોર્સ, મને આવા ક્રેઝી આઈડિયાઝ સાથે કોઈ વાંધો નથી. વાંધો એ છે કે દર્શક તરીકે મને ફિલ્મના કોઈ જ કેરેક્ટર માટે કોઈ જાતની ફીલિંગ્સ આવતી નથી. થેન્કફુલ્લી, બવ્વા પોતાની જાત પર દયા ખાતો નથી કે સહાનુભૂતિની ભીખ માગતો નથી. લેકિન જો એની ઓછી હાઈટનું કોઈ સિગ્નિફિકન્સ જ ન હોય, તો પછી એના ડ્વૉર્ફ હોવાનું લોજિક શું છે? કેમ કે, સાડા ચાર ફૂટ હાઈટ હોવા છતાં એ પૂરેપૂરો શાહરુખ ખાન જ છે, આખી ફિલ્મમાં સતત. એટલે બવ્વાનું ડ્વૉર્ફ હોવું, અનુષ્કાની સેરેબ્રલ પૉલ્સી, કેટરિનાનું બ્રેકઅપ અને ડેસ્પરેશન, કશું જ આપણને ટચ થતું નથી.

  અનુષ્કાની સેરેબ્રલ પૉલ્સીની અસરમાં સતત વધઘટ થતી રહે છે-ખાસ કરીને પ્રિ અને પોસ્ટ ઈન્ટરવલ. અનુષ્કાના કેરેક્ટરની રિએન્ટ્રી સુધી એટલે કે પોણી ફિલ્મ પૂરી થયા સુધી એ ક્લિયર નથી થતું કે બવ્વા સિંઘને એની સાથે ખરેખરો પ્રેમ થયેલો કે પછી બવ્વાએ માત્ર પોતાનો ઈગો સંતોષવા માટે તેની સાથે પ્રેમનું નાટક કરેલું? શરૂઆતમાં અનુષ્કાને વ્હીલચેર પર જોઈને આઘાત પામેલા બવ્વાને કદાચ અંદરથી એવું ફીલ થયું હશે કે પોતે એના કરતાં તો ક્યાંય વધુ કેપેબલ છે, છતાં પેલી પોતાને ભાવ કેમ નથી આપતી? તો પછી એવું સાબિત તો કરવું જોઈએ ને કે પોતે એના કરતાં ક્યાંય ચડિયાતો છે. છતાં પાર્ટીમાં શશી કપૂરના સોંગ પર ડાન્સ હોય કે લાખો રૂપિયા ખર્ચીને કરાયેલું એક પ્રોપર ફિલ્મી રોમેન્ટિક સોંગ (‘મેરે નામ તુ’) હોય, બવ્વાને આફિયા સાથે ખરેખર પ્રેમ થયેલો કે કેમ એ રફાલ ડીલ જેવી મિસ્ટ્રી જ રહે છે (એટલિસ્ટ, મારા માટે તો ખરી જ)!

  કેટરિના કૈફનું કેરેક્ટર એના કોઈ કપૂર સ્ટાર (અહીં અભય દેઓલ) સાથેના બ્રેકઅપથી જ ઈન્ટ્રોડ્યુસ થાય છે. એ વખતે એ લેડી દેવદાસ કમ ‘રોકસ્ટાર’ના જોર્ડનની સ્થિતિમાં છે. આપણને ખબર નથી કે એ સિંગલ સ્ક્રીનની સમ્રાજ્ઞી બબીતા કુમારી રિયલ લાઈફમાં કેવી છે? એ એક અજાણ્યા ઠિંગુજીને શા માટે પોતાની આટલી નજીક આવવા દે છે? એ ખરેખર એનાથી એટ્રેક્ટ થઈ છે કે પછી એ એનો ઈમોશનલ પાર્કિંગ તરીકે ઉપયોગ કરી રહી છે? (ઈમોશનલ પાર્કિંગ=જેના માટે હિમાંશુ શર્માએ ‘તનુ-મનુ પાર્ટ-2’માં ‘કંધા’ જેવો મસ્ત વર્ડ આપેલો!)

  છેલ્લી ઘડીએ તરછોડાયેલી આફિયા એક જ વર્ષની અંદર નવો બોયફ્રેન્ડ (ભેદી હેરસ્ટાઈલ ધરાવતો માધવન) પણ બનાવી લે, એ એની ટણી છે, કે એ એનું પણ ઈમોશનલ પાર્કિંગ છે?

 • ફિલ્મનો ફર્સ્ટ હાફ બવ્વા સિંઘના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવામાં આવ્યો છે અને સેકન્ડ હાફ આફિયાના દૃષ્ટિકોણથી. છતાં બંનેનાં મનમાં એક્ઝેક્ટ્લી શું ચાલે છે એ રાઈટર-ડિરેક્ટર આપણને કન્વે કરી શક્યા નથી. હા, આપણે આખી ફિલ્મની સ્ટોરી એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ કળી શકીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આ જ સ્ટોરી આપણે અનેક વખત-અને ખુદ આનંદ એલ. રાયની ફિલ્મોમાં પણ જોઈ ચૂક્યા છીએ.
 • કોઈ ઉત્સાહી ફિલ્મ રિસર્ચરે સ્ટડી કરવો જોઈએ કે છેલ્લાં દસ-વીસ વર્ષમાં એવી કેટલી હિન્દી ફિલ્મો આવી જેમાં કાં તો છેલ્લી ઘડીએ હીરો કે હિરોઈનને કમિટમેન્ટ ફોબિઆથી ‘કોલ્ડ ફીટ’ આવી ગયો હોય અને લગ્ન મોકુફ રાખ્યાં હોય અથવા તો એમણે ત્યાંથી ચોરીછૂપે કલ્ટી મારી લીધી હોય!

  આનંદ રાયની છેલ્લી ત્રણેય ફિલ્મો સેઇમ પેટર્ન ફોલો કરતી આવી છે. હીરો હિરોઈનને ચેઝ કરતો રહે, સ્ટોકિંગની હદે ચેઝ કરતો રહે અને લવ ટ્રાયેંગલ ઊભો થઈ જાય. ‘ઝીરો’માં પણ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ઓલમોસ્ટ આખી સ્ટોરી કળી શકાય તેવું હતું. મેં કરેલા પ્રીડિક્શનમાંથી 17-18ના ફરકને બાદ કરતાં આખી સ્ટોરી એ જ નીકળી છે. બોલિવૂડની ફિલ્મો ધ્યાનથી જોતા કોઈપણ દર્શક સાથે આવું જ થયું હશે. તમે ‘રાંઝણા’ના ધનુષ દ્વારા સોનમ કપૂરનું સ્ટોકિંગ જુઓ અને અહીં શાહરુખને અનુષ્કાને સ્ટોક કરતો જુઓ. ‘તનુ-મનુ-2’ની ‘અભી તો હમેં ઔર ઝલીલ હોના હૈ’વાળી સિચ્યુએશન લો અને ‘ઝીરો’નો શાહરુખને કેટરિના દ્વારા હજી વધુ ઝલીલ કરવાની માગ કરતો સીન જુઓ. ‘તનુ-મનુ-2’માં બીજી વાર પરણવા જતા માધવનને મનાવવાનું કંગનાનું ડેસ્પરેશન જુઓ અને ‘ઝીરો’માં અનુષ્કાને મનાવવા આવેલા શાહરુખનું ડેસ્પરેશન જુઓ. ડિટ્ટો. (Btw, શાહરુખ માત્ર એટલા માટે જ અવકાશયાત્રા ખેડી લે છે કે જેથી અનુષ્કા એને રોકી લે? અગેઈન, ટણી કે પ્રેમ?!)

 • આ રીતે પરત દર પરત ઊકેલતા જાઓ એટલે ખ્યાલ આવે કે આ ફિલ્મો સેઈમ DNA ધરાવે છે. બસ, શાહરુખનું વામન હોવું કે અનુષ્કાનું સેરેબ્રલ પૉલ્સીના પેશન્ટ હોવું એ બધું ગિમિક કે કોટિંગ માત્ર છે. એક સેકન્ડ માટે ધારી લો કે ‘ઝીરો’માં શાહરુખ વામન ન હોત તો? તોય એ નક્કામો-ગુડ ફોર નથિંગ-ઉડાઉ દીકરો જ હોત, એ બબીતા કુમારીનો ફેન હોત, એણે ‘રાંઝણા’ના ધનુષની જેમ કે ‘તનુ-મનુ-2’ના માધવનની જેમ હિરોઇનનો સતત પીછો કરતા રહીને એને પટાવવાના પ્રયત્નો જ કર્યે રાખ્યા હોત, એ બબીતા કુમારીને મળવાની કોન્ટેસ્ટ પણ જીત્યો હોત અને એણે એ જ રીતે અંતરિક્ષયાત્રા પણ કરી હોત. એ જ રીતે અનુષ્કા વ્હીલચેર-બાઉન્ડ ન હોત તો પણ વાર્તાને કશો જ ફરક ન પડ્યો હોત. ઊલટું આવું ન હોત તો વામન, સેરેબ્રલ પૉલ્સી, એક આંખ ધરાવતી વ્યક્તિ (મોહમ્મદ ઝીશન અયુબ) પ્રત્યે ઈન્સેન્સિટિવિટીની બાદબાકી થઈ શકી હોત. આ બધાંને કારણે એકમાત્ર કેટરિનાનું પાત્ર રિલેટિવલી રિલેટેબલ લાગે છે.
 • રાઈટર હિમાંશુ શર્માના તોફાની ડાયલોગ્સ, મસ્ત મ્યુઝિક અને મોહમ્મદ ઝીશન અયુબ જેવી સુપર્બ ડિસ્કવરીને કારણે ક્લિશે લાગી નહોતી. પણ અફસોસ કે અહીં એવું નથી થતું. શરૂઆતની તોફાની તડાફડી ધીમે ધીમે આથમવા માંડે છે. એની સાથે ફિલ્મનું એનર્જી લેવલ પણ ડાઉન થવા માંડે છે. હિમાંશુ શર્માના મસાલેદાર ડાયલોગ્સને બદલે પોચાં પોચાં ઈમોશનલ ડાયલોગ્સ અને મેલોડ્રામાનો ટ્રાફિક વધવા માંડે છે.
 • આપણે નથી જાણતા કે નાના શહેરની ઓથેન્ટિક ફીલિંગ છોડીને સ્પેસ ટ્રાવેલ, ફિલ્મ સ્ટાર, રિયલ સ્ટાર્સના જથ્થાબંધ કેમિયો, સલમાનને જ સેલિબ્રેટ કરતું સોંગ વગેરે કમર્શિયલ એલિમેન્ટ્સ શાહરુખ ખાનની એન્ટ્રી સાથે આવ્યાં હશે કે કેમ, પરંતુ એનાથી ફેન્સને ખુશ કરીને રૂપિયા રળવાનું ડેસ્પરેશન તો જરૂર દેખાય છે (આમેય બોક્સઓફિસ પર ટિકિટોના ભાવ તો વધારી જ દેવાયેલા). આપણે શાહરુખ કે સલમાન બંનેમાંથી કોઈનાયે ‘ડાઈ હાર્ડ ફેન’ ન હોઈએ તેમ છતાં આપણને એ વાતની વિચિત્ર ફીલ તો આવે જ કે ‘ઝીરો’માં શાહરુખની એન્ટ્રી વખતે ચિચિયારીઓ બોલે એનાથી ક્યાંય વધારે સલમાનની એન્ટ્રી વખતે દેકારો મચે છે!
 • પ્રમોશનલ ન્યુઝમાં કહેવાયું હતું તેમ ‘ઝીરો’માં જુહી ચાવલા, કરિશ્મા કપૂર, કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને (છેલ્લી વખત) શ્રીદેવીના કેમિયો છે. (ફિલ્મ ક્રિટિક ભારદ્વાજ રંગને નોંધ્યું એમ આ તમામ અભિનેત્રીઓ કોઈ તબક્કે શાહરુખની કો-એક્ટર રહી ચૂકી છે.) બટ, એ એટલી શુષ્ક રીતે ફિલ્માવવામાં આવ્યા છે કે એમાં એક ટકો પણ મોં પહોળું થઈ જાય એવી ફીલ આવતી નથી. આ તમામ સ્ટાર અભિનેત્રીઓ એક જ ફ્રેમમાં હોય ત્યારે લિટરલી ઝીરો એનર્જી ફીલ થાય છે. સુપરસ્ટાર્સના કેમિયો કેવા હોવા જોઈએ એ પણ મનમોહન દેસાઈ પાસેથી જ શીખવું જોઈએ. આજે પણ ‘નસીબ’ ફિલ્મનું ‘જ્હોન જોની જનાર્દન’ સોંગ જુઓ અને એમાં વન બાય વન એન્ટ્રી લેતા સ્ટાર્સ અને એમના ઑરાને જોઈએ તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય!
 • ટ્રેલરમાં શાહરુખ કહે છે એમ પ્રેમને ખાતર એણે સ્પેસમાં જવાની વાતને સિરિયસલી લઈ લીધી. મંગળ પર જવાનું કામ દેખીતી રીતે જ જોખમી હોઈ અનુષ્કા એક ટ્રેઇન્ડ ચિમ્પાન્ઝીને મોકલવા માગે છે. પણ એને બદલે કોની પસંદગી થાય છે? યસ્સ, અપણા બવ્વા (કોઈને આમાં એવો વિચાર પણ આવી જાય કે ડિરેક્ટરે ઠિંગણા લોકોની સરખામણી ચિમ્પાન્ઝી સાથે કરી છે!).આ આખી સિક્વન્સ પૂરી થવાનું નામ જ નથી લેતી. પર્સનલી મને તો એ આખો ટ્રેક (બિલીવ ઈટ ઓર નોટ) શિરીષ કુંદેરની સલમાન-અક્ષય સ્ટારર ‘જાન-એ-મન’ની યાદ અપાવતો હતો. એમાં પણ રિસામણે ગયેલી હિરોઈન છે, એની એક દીકરી છે, હીરોને એ દીકરી વિશે પાછળથી ખબર પડે છે, એ ચોરીછૂપે પોતાની દીકરીને રમાડી જાય છે, એ વખતે હીરોને પોતાની ભૂલ સમજાય છે અને ઘીના ઠામમાં ઘી પડી રહે છે (ઈન્ટરેસ્ટિંગલી, એમાં પણ સ્પેસ ટ્રાવેલ હતું અને એક ઠિંગણા-અનુપમ ખેર-નું કેરેક્ટર પણ હતું!)
 • તેમ છતાં એટલું તો માનવું જ પડે કે શાહરુખને હજીયે સ્ક્રીન પર જોવાની એટલી જ મજા પડે છે. ‘મેરે નામ તુ’ સોંગના પિક્ચરાઈઝેશનમાં શાહરુખના પર્ફોર્મન્સમાં આજે પણ એટલી જ કશિશ છે જેટલી DDLJ વખતે હતી, આદિત્ય ચોપરા કે કુંદન શાહના ડાયલોગ્સ બોલતી વખતે હતી.
 • શાહરુખ ઉપરાંત આ ફિલ્મમાં મને ગમેલી બીજી વાતો હોય તો તે છે ભલે ચપટી તો ચપટી, પણ હિમાંશુ શર્માનાં વનલાઈનર્સ. એક સીનમાં શાહરુખ પોતાના મુસ્લિમ દોસ્ત ગુડ્ડુ (મોહમ્મદ ઝીશન અયુબ)ને પૂછે છે, ‘અમરિકા ચલોગે?’ ત્યારે ઝીશન સુપર્બ ક્લાસિક લાઈન બોલે છે, ‘અગર એક મુસલમાન કા વિઝા લગવા સકતે હો તો ઝરૂર ચલેંગે!’ ધીસ ઈઝ સાર્કેઝમ એટ ઈટ્સ બેસ્ટ. ‘મેરઠ કે મુઘલ-એ-આઝમ’ હોય કે પીઠી ચોળાવી રહેલા શાહરુખને ઝીશન કહે છે, ‘અરે, તુમ યહાં મેરિનેટ હુએ જા રહે હો…’ ઈન શોર્ટ, ફિલ્મ પૂરેપૂરી કરન જોહર ટાઈપના રોનાધોનામાં કન્વર્ટ થાય છે તેમાં વચ્ચે વચ્ચે પ્યોર હિમાંશુ શર્મા દેખાઈ જાય છે. આ ફિલ્મમાં એટલી બધી સ્માર્ટ પિકઅપ લાઈન્સ છે કે હિમાંશુ શર્મા માત્ર એવા એક દિલફેંક આશિક માટેની ફિલ્મ બનાવે તો એન્સાઈક્લોપીડિયા બને!
 • આગળ કહ્યું તેમ શાહરુખને ઠિંગુજી દેખાડવાનું કોઈ જ નક્કર લોજિક નથી. તેમ છતાં ટેકનિકલી શાહરુખ ખાનને ઠિંગુ બતાવતી સ્પેશિયલ ઈફેક્ટ્સ ઓલમોસ્ટ પર્ફેક્ટ છે. માત્ર એક સીનને બાદ કરતાં, જેમાં શાહરુખ અને કેટરિના એક જ પથારી પર સૂતેલાં છે અને શાહરુખ કેટરિનાના પગ પર પોતાનો પગ ફેરવે છે. ત્યારે સાંધો ક્લિયર્લી દેખાય છે.
 • એક ફિલ્મ લવર તરીકે મને કાયમ એક ફિલ્મ પાસેથી એન્ટરટેન થવાની, ફેસિનેટ થવાની, આંખો પહોળી થઈ જાય એવો કોઈ સિનેમેટિક જાદુ જોવાની, હચમચાવી મૂકે તેવી લાગણીઓ જોવાની અપેક્ષા હોય છે. બસ, આ વખતે ન તો શાહરુખ એ કામ કરી શક્યો કે ન તો આનંદ એલ. રાય એ કામ કરી શક્યા.
 • ‘ઝીરો’ની બીજી એક નિરાશાજનક વાત એ પણ છે કે તેમાં અજય-અતુલનો મેજિક પણ માત્ર એક જ ગીતમાં દેખાય છે. એ ગીત ‘મેરે નામ તુ’, એમાં નવી ડિસ્કવરી એવા યુવા સિંગર અભય જોધપુરકરનો બુલંદ અવાજ, ઓપેરા સ્ટાઈલનું ‘સૈરાટ’ની યાદ અપાવે તેવું મ્યુઝિક અને તેનું અફલાતૂન ટિપિકલ બોલિવૂડ ફિલ્મોને અંજલિ આપે તેવું પિક્ચરાઈઝેશન. બધું જ પર્ફેક્ટ છે. બસ, બાકીનાં ગીતોમાં પણ આવો મેજિક હોત તો ‘ઝીરો’ એટલિસ્ટ મ્યુઝિકલ તરીકે પણ યાદગાર બની શકી હોત.
 • અફસોસ તો એ વાતનો પણ છે કે કમ્પ્લિટલી અન-ઈન્ટરેસ્ટિંગ લવસ્ટોરી બતાવવાની લાલચમાં તિગ્માંશુ ધુલિયા, મોહમ્મદ ઝીશન અયુબ, શીબા ચઢ્ઢા, માધવન, અભય દેઓલ જેવા ટેલેન્ટેડ લોકોને પૂરતો સ્ક્રીનટાઈમ નથી મળ્યો અને એ લોકો પૂરેપૂરા વેડફાઈ ગયા છે. એમને સ્ક્રીન પર વધુ જોવાની મજા પડી હોત. Btw, અહીં એક સીનમાં મલ્લિકા દુઆ પણ દેખાય છે. એને વણમાગી સલાહ કે એ હવે પોતાની ઈન્સ્ટાગ્રામવાળી ચાંપલી બોલી વેચવાનું બંધ કરે. સખત ઈરિટેટ કરે છે.
 • હવે આવનારાં વર્ષોમાં શાહરુખ કેવી કરિયર ચોઈસ કરે છે એ જોવાનું ઈન્ટરેસ્ટિંગ બની રહેવાનું છે.

P.S. શાહરુખ બોલિવૂડનો પહેલો એવો સ્ટાર છે જેણે ફિલ્મમાં બે વખત ‘નાસા’ માટે કામ કર્યું છે. એક ‘સ્વદેશ’માં અને અત્યારે ‘ઝીરો’માં (‘નાસા’ના સિનેમેટિક વર્ઝન જેવી) ‘NSAR’માં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s