એક નારી, સબ પે ભારી!

stree-movie-review-1રેટિંગઃ ***½ (સાડા ત્રણ સ્ટાર)

‘સ્ત્રી’ ફિલ્મના એક સીનમાં બે યુવાન ઘોર અંધારિયા રસ્તા પર ડરતાં ડરતાં વાતો કરતાં જઈ રહ્યા છે. ત્યાં જ અચાનક બૅકગ્રાઉન્ડમાંથી એક સોલિડ અવાજ આવે છે. થિયેટરનું આખું ઓડિયન્સ પણ એ ‘જમ્પ સ્કેર’થી ડરીને આંચકો ખાઈ જાય છે. પણ ત્યાં ખબર પડે છે કે એ તો ભૂત-બૂત કંઈ નથી, ફિલ્મનું જ એક પાત્ર છે. એટલે આખા થિયેટરમાં હસાહસીનું મોજું ફેલાઈ જાય છે. ફિલ્મની શરૂઆતમાં જ બનતી આ ઘટના પરથી એટલું તો કન્ફર્મ થઈ જ જાય છે કે ફિલ્મ એક્ઝેક્ટ રાઈટ પાથ પર આગળ વધી રહી છે.

***

બૉલિવૂડમાં ફ્રેશ સ્ટોરીઝ લાવવા માટે અમેરિકામાં IT ફિલ્ડ છોડીને આવેલી દોસ્તાર જોડી રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડી.કે. બીજી વાર હોરર કોમેડી લઈને આવ્યા છે. આ પહેલાં એ લોકો ‘શાઉન ઑફ ધ ડેડ’ની સ્ટાઈલની ઝોમ્બી કોમેડી ‘ગો ગોવા ગોન’ લઈને આવેલા. અલબત્ત, ‘સ્ત્રી’ એમણે લખી છે, ડિરેક્ટ કરી છે ‘ગો ગોવા ગોન’માં એમના આસિસ્ટન્ટ રહી ચૂકેલા અમર કૌશિકે. (Btw, અમર કૌશિક નામ સાંભળીને કોઈને ‘અકેલે હમ અકેલે તુમ’ યાદ આવ્યું?!)

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ‘સ્ત્રી’ ફિલ્મની સ્ટોરી નેવુંના દાયકામાં બેંગલુરુમાં ફરતા કોઈ સો કોલ્ડ ‘ભૂત’ પર આધારિત છે. એ ‘ભૂત’ અડધી રાત્રે લોકોનાં ઘરના દરવાજા પર એમનાં સ્વજનો-મિત્રોનાં અવાજમાં ટકોરા મારતું. બહાર આવ્યું તે ગયું. એટલે જ લોકો પોતાના ઘરના દરવાજાઓ પર ‘નાલે બા’ (કાલે આવજે) એવું લખાવી રાખતા. ‘સ્ત્રી’માં પણ મધ્ય પ્રદેશના ચંદેરી ગામમાં વર્ષમાં એક વખત ચાર દિવસ ચાલતા એક ઉત્સવની રાતોએ ‘સ્ત્રી’ નામની એક ચુડેલ નગરચર્યાએ નીકળે છે. પુરુષને એકલો ભાળીને એ તેનું નામ બોલે તે પુરુષને ઉઠાવી જાય. બાકી રહે મા્ત્ર એનાં કપડાં. આવું ન થાય એટલે જ ગામલોકો પોતાના ઘરની બહારની દીવાલો પર ‘ઓ સ્ત્રી કલ આના’ લખાવી રાખે છે (અને આજ્ઞાંકિત ભૂત એ વાંચીને તેનો અમલ પણ કરે!).

હવે આ ઘટનાક્રમની પેરેલલ ચાલતી સ્ટોરી છે ગામના એક યુવાન ફેશનેબલ દરજી વિક્કી (રાજકુમાર રાવ)ની અને એના દોસ્તારોની. વિક્કીની એક ભેદી ગર્લફ્રેન્ડ છે (શ્રદ્ધા કપૂર), જેનું નામ-ઠામ કોઈને ખબર નથી. એ કોઈને મળતી નથી, સિવાય કે વિક્કી. એટલે એક એવી મજબૂત શંકા છે કે એ શ્રદ્ધા કપૂર જ ‘સ્ત્રી’ છે. એમાં એક પછી એક પુરુષો ગાયબ થતા રહે છે અને ‘ઑપરેશન સ્ત્રી’ ચાલે છે.

ફાઈન, આ તો થઈ ટ્રેલરમાં બતાવે છે એટલી સ્ટોરી. જેમ રોલરકોસ્ટરની મજા તેમાં બેસીને થ્રિલ અનુભવવામાં છે, એવું જ આ ફિલ્મનું પણ છે. ‘સ્ત્રી’ એક હોરર ફિલ્મનાં તમામ ક્લિશેનો ઉપયોગ કરે છે. ડરામણું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, ડરામણા કેમેરા એન્ગલ્સ, ફિમેલ ભૂત, જોઈને જ બીપી વધી જાય એવાં ભૂતિયાં ખંડેરો, અંધારિયાં લોકેશન્સ, ઐન મૌકે પર લાઈટ જતી રહેવી, વાહન બંધ પડી જવું, ચામાચીડિયાં-બિલાડી જેવાં પ્રાણીઓ, જાદુટોના ને પાછળથી અચાનક છળી મરીએ તેમ પ્રગટ થતી માનવ કે ભૂતિયા આકૃતિઓનાં ‘જમ્પ સ્કેર’. છતાં ‘સ્ત્રી’ બાલટી ભરી ભરીને મજા કરાવે છે. એનું એક નહીં ઘણાં કારણો છે.

પહેલું કારણ તે ફિલ્મની સ્ટોરી. ચંદેરી જેવા નાના ગામનાં ફ્રેશ લોકેશન્સમાં આકાર લેતી આ વાર્તા ટિપિકલ ભૂતિયા સ્ટોરીઝથી થોડી અલગ છે. ફિલ્મના પહેલા જ સીનથી ભૂતિયો ને ભેદી માહોલ એકદમ ઘટ્ટ રીતે જામી જાય છે. દર થોડી વારે આપણને અબ તેરા ક્યા હોગા જેવી ચટપટી થયા કરે.

બીજું કારણ છે ફિલ્મનું રાઈટિંગ. ‘ઉસકો સબકે નામ કૈસે પતા હૈ?’… ‘સબકે આધાર લિંક્ડ હૈ ઉસકે પાસ!’ આવાં હિલેરિયસ વનલાઈનર્સ (કર્ટસીઃ ડાયલોગ રાઈટર સુમિત વર્મા) અને હિલેરિયસ સિચ્યુએશન્સ આખી ફિલ્મમાં વેરાયેલી પડી છે. એક ‘વિક્કી પ્લીજ’ સીન છે, ક્યાંક અલ્ટ્રા એજ્યુકેટેડ સર્વજ્ઞાતા જનાબ પંકજ ત્રિપાઠી ગામલોકોને ‘સ્ત્રી’ વિશે જ્ઞાન આપે છે તો ક્યાંક પોતાની લાઈબ્રેરી ઊલેચે છે (ને ઉપરથી અત્યારની યુવાપેઢીને શીખામણો પણ આપે છે), તો ક્યાંક રાજકુમાર રાવને એના પિતા (મસ્ત અતુલ શ્રીવાસ્તવ) સેક્સનું જ્ઞાન આપે છે (આ સીન ઓલમોસ્ટ ‘શુભ મંગલ સાવધાન’ના મેલ વર્ઝન જેવો જ છે)… ઈન શોર્ટ, મુવીમાં સતત હોરર અને કોમેડી એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રહે છે.

ત્રીજું કારણ છે, ફિલ્મનું અમેઝિંગ કાસ્ટિંગ. એક વાત તો હવે ઓલમોસ્ટ સત્તાવાર છે કે રાજકુમાર રાવ ડાઈલેક્ટ્સનો ચેમ્પિયન છે. ભારતના કોઈપણ વિસ્તારની બોલી એને પકડાવી દો એ કેરેક્ટરની સ્કિનમાં ઘૂસીને તેને આત્મસાત્ કરી લેવાનો છે. અહીં ઓબ્વિયસલી એ ફુલ ફોર્મમાં છે. એની સાથે છે ડેડ પાન ફેસ રાખીને માત્ર ડાયલોગ ડિલિવરીથી પણ કોમેડી પેદા કરી શકતા પંકજ ત્રિપાઠી. અફસોસ એ જ વાતનો છે કે ઈન્ટરવલ પહેલાં એ લગભગ એક જ સીનમાં દેખાય છે. રાજકુમાર રાવના દોસ્તારો તરીકે અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી. અપારશક્તિને (વિચારો, પેરેન્ટ્સને પોતાના દીકરા પર કેવો પ્રચંડ વિશ્વાસ હશે કે એમણે આવું નામ પાડ્યું!) આપણે ‘દંગલ’માં જોયેલો. અભિષેક બેનર્જીને કેટલીયે વેબ સિરીઝ અને ફિલ્મોમાં નાના નાના રોલ્સમાં જોયો હશે. ‘ફિલ્લૌરી’માં એ હીરો દિલજિત દોસાંજનો મિત્ર બનેલો. આ ચારેય કલાકારોનું કોમિક ટાઇમિંગ તો જબરદસ્ત છે જ, એમની એક્ટિંગની રેન્જ પણ ખાસ્સી વિશાળ છે. એક જ સીનમાં ગુસ્સો, બેવકૂફી, ભયંકર ડર અને કોમેડી બધું કલાઈડોસ્કોપિક સ્ટાઈલમાં બતાવી શકે છે. હા, ક્યુટનેસ ફેક્ટર તરીકે શ્રદ્ધા કપૂર છે, જેમાં આ વખતે એક મિસ્ટરીનું પડ ચડાવવામાં આવ્યું છે. ફિલ્મમાં યુટ્યુબ ચેનલ ‘સ્ક્રીનપત્તી’ ફેમ એક્ટર બદ્રી ચવાણ પણ છે, પરંતુ બિચારાના ભાગે એક ઢંગનો ડાયલોગ પણ નથી આવ્યો.

 

ચોથું ફેક્ટર છે, કોમેડી. ‘સ્ત્રી’માં ભૂત છૂટ્ટાં રખડતાં હોય, માણસો ‘અર્બન નક્સલાઈટ્સ’ની જેમ ઊપડી જતાં હોય, રામસેની ફિલ્મોની યાદ અપાવે તેવું ભૂત નજર સામે ઊભું હોય છતાં ફિલ્મ ક્યાંય પોતાનો કોમિક ટચ ગુમાવતી નથી. જેમ કે, કોઈનો દીકરો ઊપડી ગયો હોય અને એનાં પરિવારજનો એનો જાંગિયો હાથમાં લઈને રડતાં હોય એવી બ્લેક કોમેડી આ ફિલ્મની રિચનેસ વધારે છે.

અને આ ફિલ્મને મસ્ટ વૉચ બનાવતું પાંચમું ફેક્ટર છે, તેનું શાર્પ સટાયર. ‘સ્ત્રી’ સટાયર છે વિમેન સેફ્ટીની બાબતમાં તદ્દન નરક થઈ પડેલી આપણા દેશની સ્થિતિ પર. (ટ્રેલરમાં રિવીલ કરાયેલી વાર્તા પ્રમાણે) સ્ત્રી પુરુષોના અત્યાચારોનો ભોગ બનેલું ભૂત છે, જે પ્રેમ અને રિસ્પેક્ટનું ભૂખ્યું છે. એ વિચિત્ર સ્થિતિની કલ્પના કરો કે જેમાં એક ફિમેલ ભૂતના ખોફને કારણે ગામની તમામ સ્ત્રીઓ સુરક્ષિત છે, માત્ર પુરુષો જ ડરેલા છે. ઘરની બહાર નીકળતી સ્ત્રી પોતાના પતિને સૂચના આપે છે કે ‘જોજો ઘરની બહાર નીકળતા!’ અહીં પુરુષોએ જીવ બચાવવા સાડી પહેરવી પડે છે ને કપડાં પણ પુરુષોનાં જ ઊતરે છે. એક જગ્યાએ કહે છે, ‘સ્ત્રી પુરુષોં કી તરહ જબરદસ્તી નહીં કરતી, વો પહલે આપસે અનુમતિ માંગતી હૈ…’ ક્યાંક ‘હમેં ચાહિયે આઝાદી’ ટાઈપની નારેબાજી થાય છે, તો ક્યાંક ‘ભક્ત’ ન બનવાની સલાહ પણ અપાય છે! ફિલ્મનું એક સરપ્રાઈઝ કેરેક્ટર કાયમ ‘ઈમર્જન્સી’ના મેન્ટલ સ્ટેટમાં રહે છે ને એની પાસે પૂછવામાં આવે છે કે ‘એક સ્ત્રી શહર કે મર્દો કો ઉઠા કે લે જા રહી હૈ!’ આ ટાઈપની તીખી તમતમતી પોલિટિકલ સટાયર આવી હળવી ફિલ્મમાં હોય તે સરપ્રાઈઝિંગ છે.

જો તમને અમારી જેમ પડદા પરના લાઈટિંગમાં રસ હોય, તો આ ફિલ્મમાં લેમ્પ, મશાલ, ચંદ્ર, મોબાઈલની ફ્લેશ, બૅટરી, દીવા, અંધારિયા ઓરડામાં બહારથી ગળાઈને આવતો સૂર્યપ્રકાશ વગેરે જોવાની મજા પડશે.

લેકિન ભૈયા, આ ફિલ્મ પણ બૉલિવૂડનાં અનિવાર્ય અનિષ્ટ જેવાં ફાલતુ ગીતોથી ત્રસ્ત છે. માંડ ફિલ્મની પૅસનું ગિયર પડ્યું હોય ત્યાં એક ફાલતુ આઈટેમ જેવું સોંગ આવી જાય. આવાં ત્રણેક આઈટેમ સોંગ્સ અને એકાદું લવ સોંગ છે, ને બિલીવ મી, ફિલ્મમાં એકેયની જરૂર નહોતી.

સિક્વલ બનાવવાની લાલચમાં ફિલ્મમૅકર્સે ‘સ્ત્રી’નો ક્લાઈમેક્સ થોડો કન્ફ્યુઝિંગ બનાવી નાખ્યો છે. એટલે ફિલ્મ જોયા પછી એક્ઝેક્ટ્લી થયું શું એની ચર્ચાઓ ચાલતી રહેશે. બેએક સબપ્લોટ્સને પણ લટકતા રાખી દીધા છે. આશા રાખીએ કે તેની સિક્વલમાં એ કંઈક ક્લેરિફાય થાય.

જે હોય તે, આપણને તો આ ફિલ્મની સિક્વલ આવે તેમાં પૂરેપૂરો રસ છે. યાર-દોસ્તો સાથે એક રજાના દિવસે હસતાં હસતાં ડરવાની ને ડરતાં ડરતાં હસવાની મજા પડે એવી મસ્ત ફિલ્મ.

Published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s