sexy-durga-825ઈ.સ. 2017ના ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ (IFFI)ની વાત છે. સેંકડો સિનેપ્રેમીઓની ભીડમાં એક દાઢીધારી વ્યક્તિ દરરોજ ત્યાં જોવા મળે. ચહેરા પર સહેજ ટેન્શનના ભાવ. ચોખ્ખું દેખાતું હતું કે એને બાકીની ફિલ્મો જોવામાં રસ નથી. બે દિવસ તો એ પ્રસિદ્ધ ફિલ્મમેકર આનંદ ગાંધી સાથે ચર્ચા કરતો પણ જોવા મળ્યો. ચોથા કે પાંચમા દિવસે જ્યારે એણે દોઢેક ડઝન મીડિયાનાં બૂમ (માઈક્રોફોન) સામે ઈંગ્લિશમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે પિક્ચર ક્લિયર થયું. દરઅસલ, એ મલયાલમ ફિલ્મેકર સનલ કુમાર શશીધરન હતો અને પોતાની ફિલ્મ ‘એસ. દુર્ગા‘ માટે ત્યાં આવેલો. એની ફિલ્મનું મૂળ નામ તો ‘S$%Y દુર્ગા’ હતું, જેને લઈને પ્રચંડ કોન્ટ્રોવર્સી ઊભી થઈ. ભારે વિરોધ વચ્ચે એણે પોતાની ફિલ્મનું નામ ચેન્જ કરીને ‘એસ. દુર્ગા’ કરવું પડ્યું. આ ફિલ્મ IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ હોવા છતાં તેને દર્શાવવામાં આવી નહીં. આઇરની જુઓ કે સંખ્યાબંધ દેશોના ફિલ્મ મહોત્સવોમાં તેનાં નામનાં ઓવારણાં લેવાયાં, પણ એના પોતાના જ દેશમાં એની ફિલ્મનો ભાવ પુછાયો નહીં. ‘એસ. દુર્ગા’ તો નખશિખ થ્રિલર હતી, પણ તેનું નામ એને નડી ગયું. જ્યારે એ જ અરસામાં જાણીતા મરાઠી ફિલ્મમેકર રવિ જાધવની ફિલ્મ ‘ન્યુડ’ને તો તેનું નામ, (સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં આવતી ન્યુડ મૉડલ જેવો) ફિલ્મનો સબ્જેક્ટ અને તેમાં કરાયેલી સોશિયો-પોલિટિકલ કમેન્ટ્રી બધું જ નડી ગયું. ‘ન્યુડ’ પણ IFFIમાંથી પડતી મુકાઈ હતી.

આઠેક મહિના જૂની વાત અત્યારે ઉખેળી કારણ છે સેન્સરશિપ. એક્ચ્યુઅલી, આજે બીજા વિષય પર લખવાનુંnude-marathi-movie-first-look-poster હતું, પરંતુ વહેલી સવારે જ ખ્યાલ આવ્યો કે 1918માં ‘સિનેમેટોગ્રાફ એક્ટ – 1918’ પાસ થયો હતો. ત્યારથી ભારતમાં સત્તાવાર રીતે ફિલ્મ સેન્સરશિપનાં મંડાણ થયાં એવું કહી શકાય. યાને કે ભારતમાં સિનેમા પર લગામ તાણવામાં આવી એને એક્ઝેક્ટ 100 વર્ષ પૂરાં થયાં. એ વખતે ફિલ્મ રીલ બનાવવામાં ‘નાઈટ્રોસેલ્યુલોઝ’ વપરાતું હતું, જે અત્યંત જ્વલનશીલ હતું. તેને કારણે આગ લાગ્યાના અને લોકોએ જીવ ગુમાવ્યાના પણ દાખલા હતા. એવો કોઈ બનાવ ન બને તે માટે સલામતીની વ્યવસ્થા કર્યાનું લાઈસન્સ લીધા પછી જ ફિલ્મ દર્શાવવાનો અને ‘જાહેરમાં બતાવી શકાય તેવી’ ફિલ્મ હોય, તે જોવાનું આ એક્ટનું કામ હતું. એમાં જોકે પછી બ્રિટિશ સરકારે સ્વતંત્રતાની લડતમાં પેટ્રોલ રેડતી ફિલ્મો પર કોરડો વીંઝવાનો હેતુ પણ ઉમેર્યો. ભારતની ‘અપરિપક્વ’ ઓડિયન્સને માફક નહીં આવે એવું માનીને આપણે ત્યાં બહારથી આયાત થતી ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન્સ સેન્સર થયાનું પણ નોંધાયેલું છે. જોકે એ જ વખતે એ પણ સ્વીકારવું જોઈએ કે એ વખતની 1920-1930ના દાયકાઓની ફિલ્મોમાં જે પેશનેટ કિસિંગ સીન્સ જોઈએ તો આજે પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય.

ઉપક્રમ અત્યારે ભારતમાં ફિલ્મ સેન્સરશિપનો ઈતિહાસ જણાવવાનો નથી. જે રીતે આપણા દેશમાં મલ્ટિપલ સેન્સર બોર્ડ્સ ઊભાં થઈ રહ્યાં છે, લાગણીઓ દુભવવાના નામે આપણે વધુ ને વધુ આળા થઈ રહ્યા છીએ, સર્જકોનું આર્ટિસ્ટિક ફ્રીડમ છિનવાઈ રહ્યું છે તેના પર પ્રકાશ પાડવાનો છે. તે પહેલાં ફિલ્મ સેન્સરશિપ મુદ્દે ઈરાનમાં કેવા કેવા કાયદા છે એની ક્વિક વાત કરી લઈએ. સેક્સ, વાયોલન્સ, ડિસ્ટર્બિંગ રિયાલિટી કે ડાર્ક થીમવાળી ફિલ્મો બનાવવા વિશે તો ત્યાં વિચાર જ નહીં કરવાનો (યાને કે અનુરાગ કશ્યપ ઈરાનમાં હોય તો બિચારો ભૂખે મરે!). સ્ત્રીઓના હિજાબને પૂરતું સન્માન આપવાનું. સ્ક્રીન પર સ્ત્રી-પુરુષને એકબીજાને સ્પર્શ કરતા પણ નહીં બતાવવાનાં (હવે કલ્પના કરો કે ગયા વર્ષની ઑસ્કર વિનર ઈરાનિયન ફિલ્મ ‘ધ સેલ્સમેન’માં બાથરૂમમાં નહાઈ રહેલી સ્ત્રી પર થયેલા સેક્સ્યુઅલ અસોલ્ટનું દૃશ્ય ડિરેક્ટર અસગર ફરહાદીએ કેવી રીતે બતાવ્યું હશે?). ફિલ્મમાં સારા પાત્રને ટાઈ પહેરેલું નહીં બતાવવાનું. સારા પાત્રને પવિત્ર ઈસ્લામિક નામ આપવાનાં. ફિલ્મમાં પોલિટિકલ-ઈકોનોમિકલ મુદ્દાઓ પર કમેન્ટ નહીં કરવાની…. માર્ક કરો કે કેવી ચાલાકીથી ઈરાનિયન સરકારે ધર્મ અને પોલિટિક્સને સેન્સરશિપમાં મર્જ કરી દીધાં છે. જાફર પનાહી જેવો ધુરંધર ફિલ્મમેકર આ નિયંત્રણોને લલકારવા બદલ વર્ષોની નજરકેદ અને ફિલ્મ લખવા-બનાવવા પર પ્રતિબંધ વેઠી રહ્યો છે (અને છતાં ચોરીછૂપે બનાવી રહ્યો છે).

થોડા સમય પહેલાં જ પોતાની (ઈશાન ખટ્ટર સ્ટારર) ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ના પ્રમોશન માટે અન્ય એક દિગ્ગજ ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદી ભારત આવેલા. ત્યારે ફિલ્મ પત્રકાર રાજીવ મસંદે એમને એક ઓબ્વિયસ સવાલ પૂછેલો, ઈરાનમાં સિનેમા પરની સેન્સરશિપ વિશે. ત્યારે એમણે કોન્ટ્રોવર્સી ટાળીને જે સલામત જવાબ આપ્યો તે શૉકિંગ અન્ડરકરન્ટવાળો હતો. એમણે કહ્યું કે, ‘જાફર પનાહી જેવા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મમાં પોલિટિકલ સ્ટેટમેન્ટ કરે છે, સ્ટેન્ડ લે છે, અને એટલે વિવાદમાં ફસાય છે…’ જ્યારે એક સર્જક પોતાની જાતે સેલ્ફ સેન્સરશિપ કરતો થઈ જાય તે સ્થિતિ સૌથી ખરાબ છે. ઈરાનિયન ફિલ્મો વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે, એનો અર્થ એ નથી કે સેન્સરશિપ ક્રિએટિવિટીને કશી અસર જ નથી કરતી. એક લિમિટ પછી સર્જકો તે સેન્સરશિપ સામે ઝૂકીને પોતાની રીતે રસ્તો કાઢતા થઈ જાય છે.

ભારતમાં ફિલ્મ સેન્સરશિપના કિસ્સા ગણાવવા બેસીએ તો એક આખી આર્ટિકલ સિરીઝ કરવી પડે. પરંતુ ગઈકાલે જ ‘મિન્ટ’ અખબારે આ મુદ્દે શ્યામ બેનેગલનો ઈન્ટરવ્યુ કર્યો તે ઈન્ટરેસ્ટિંગ છે. શ્યામ બેનેગલની બસ્તરના આદિવાસીઓ પરની એક ડોક્યુમેન્ટરીમાં પોતાની પરંપરા પ્રમાણે ઉઘાડી છાતીએ ફરતી આદિવાસી સ્ત્રીનું દૃશ્ય કાપવામાં આવ્યું. ‘ફિલ્મ્સ ડિવિઝન’ માટે જ 1967માં બનાવેલી બીજી એક ડોક્યુમેન્ટરી નામે ‘ઈન્ડિયન યુથઃ એન એક્સપ્લોરેશન’માં સંસદ ભવનની સામે પ્રદર્શન કરવા આવેલા વિદ્યાર્થીઓ પર તૂટી પડતી પોલીસનાં સાચુકલાં વિઝ્યુઅલ્સ પણ સેન્સર બોર્ડે કઢાવી નાખેલા. સેન્સર બોર્ડે એમની ‘નિશાંત’ ફિલ્મને સરકારવિરોધી ગણાવીને બૅન કરી દીધેલી. ત્યારપછી ઈન્દિરા ગાંધીએ તે ફિલ્મ જોઈને તેને લીલી ઝંડી આપેલી. એમની ‘ભૂમિકા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોને તેની સ્ટ્રોંગ થીમને કારણે ‘A’ સર્ટિફિકેટ અપાયેલું.

ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જ શ્યામ બેનેગલને સરકારે (પહલાજ નિહલાણીના સંખ્યાબંધ તરંગી ભોપાળાં પછી) આખાય સેન્સર બોર્ડનું ઈવેલ્યુએશન કરવાનું કામ સોંપેલું. પ્રચંડ સ્ટડી અને સ્ટેક હોલ્ડર્સ સાથે સંખ્યાબંધ મિટિંગ્સ પછી શ્યામ બેનેગલ કમિટીએ ચાર મુખ્ય સુધારા સૂચવેલાઃ

એક, આ ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ છે. તેનું કામ ફિલ્મને રેટિંગ આપવાનું છે, કટ સૂચવીને ફિલ્મોને કાપવાનું નહીં.

બે, સામાન્ય કરતાં વધારે સેક્સ-હિંસા ધરાવતી ફિલ્મોને ‘Adult with caution’ સાથે રિલીઝ કરવી, જે અમેરિકાના ‘NC-17’ (એટલે કે નો ચિલ્ડ્રન અન્ડર 17 એડમિટેડ) સર્ટિફિકેટને સમકક્ષ હતું.

ત્રણ, ફિલ્મને સર્ટિફિકેટ આપતી પૅનલને નેશનલ ફિલ્મ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, નેશનલ કમિશન ફોર વિમેન જેવી સંસ્થાઓ ઉપરાંત લેખકો, સમાજશાસ્ત્રીઓ, વકીલો વગેરેને લઈને બનાવવી જોઈએ.

ચાર, ફિલ્મ જોવાની મજાને ખલેલ પહોંચાડતી હેલ્થ એડવાઈઝરીઓ (નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ વગેરે)ને નડે નહીં તે રીતે બતાવવી.

પરંતુ આ કમિટીનો રિપોર્ટ પણ ક્યાંક કોઈ સરકારી ઑફિસમાં ધૂળ ખાતો પડ્યો હશે, કેમ કે એટલિસ્ટ હજી સુધી તો તેનું ઈમ્પ્લિમેન્ટેશન નથી થયું.

***

અંગત રીતે મને એવું લાગે છે કે ફિલ્મમેકરે શું બનાવવું-બતાવવું અને લોકોએ શું જોવું તેનો નિર્ણય આ બંને પક્ષો પર છોડી દેવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતે જ પોતાની એક બૉડી બનાવે અને જાતે જ પોતાની ફિલ્મોને સર્ટિફિકેટ આપે તે આદર્શ પરિસ્થિતિ છે. કોઈને પણ કોઈ ફિલ્મ સામે વાંધો હોય તો તે કાયદાનાં દ્વાર ખખડાવી શકે છે. આવું ન થાય અને દર ત્રીજી-ચોથી ફિલ્મમાં કોઈ ધર્મ-સમુદાય-સંપ્રદાય-રાજકીય પાર્ટીઓને વાંકું પડી જાય, તેઓ કાયદો હાથમાં લઈ લે, કોર્ટના આદેશ છતાં ફિલ્મને રિલીઝ ન થવા દે, આખાં ને આખાં રાજ્યો બાનમાં લે, સર્જકો પર હુમલા કરે અને સરવાળે તે સ્થિતિનો શૅડો ગ્લોરી ઊસેટવા માટે, ક્વિક પબ્લિસિટી માટે કે રાજકીય ઉપયોગ થઈ જાય… આ બધી પરિસ્થિતિ ડિસ્ટોપિયન (Dystopian) છે. ધ્યાનથી માર્ક કરશો તો દેખાશે કે આપણી ફિલ્મોની શરૂઆતમાં આવતાં ડિસ્ક્લેમર્સ વધુ ને વધુ લાંબાં થઈ રહ્યાં છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો એ હોય કે રિયલ લાઈફ પર્સનાલિટી-ઈવેન્ટ્સ પર બનેલી ફિલ્મોને પણ ‘વાસ્તવિકતા સાથે સંબંધ નથી’ તેવી ચોખવટ સાથે રિલીઝ કરવામાં આવે! પુખ્ત વયનાં ‘A’ સર્ટિફિકેટ સાથે રિલીઝ થયેલી ફિલ્મને પણ કાટછાંટ અને શબ્દો મ્યુટ-વિઝ્યુઅલ્સ બ્લર કરીને રિલીઝ કરવામાં આવે એ કેવી હાસ્યાસ્પદ સ્થિતિ છે!

અત્યારે OTT (ઓવર ધ ટોપ) તરીકે ઓળખાતી ‘નેટફ્લિક્સ’, ‘પ્રાઈમ વીડિયો’, ‘હોટસ્ટાર’ જેવાં ઑનલાઈન પ્લેટફોર્મ્સ રિલેટિવલી ‘સેન્સરશિપ’થી મુક્ત છે. એનુંય મુક્ત ભવિષ્ય દેખાતું નથી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Published on DivyaBhaskar.com

Advertisements

One thought on “ફિલ્મ સેન્સરશિપઃ પબ્લિક હૈ યે સબ જાનતી હૈ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s