sacred231એક હાઈરાઈઝ બિલ્ડિંગના ઉપરના ફ્લોર પરથી એક જીવતા પોમેરેનિયન કૂતરાનો ઘા થાય છે. કૂતરું હવામાં ફંગોળાઈ રહ્યું છે. ધડ્ કરતું તે ડૉગી રસ્તા પર સ્કૂલ બસની રાહ જોઈ રહેલી નાનકડી છોકરીઓની પાસે પટકાય છે. નૅચરલી છોકરીઓ પૅનિક થઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો વોઈસ ઓવર ચાલે છે, ‘ભગવાન કો માનતે હો? ભગવાન કો (અપશબ્દ) ફરક નહીં પડતા…’ એ જ બૅકગ્રાઉન્ડમાં ‘દો બીઘા ઝમીન’નું આઈકનિક સોંગ ‘ધરતી કહે પુકાર કે… અપની કહાની છોડ જા, મૌસમ બીતા જાય’ વાગી રહ્યું છે. લોહીના ખાબોચિયમાંથી પૅન થતો કેમેરા કટ થઈને સીધો બીજા એક ઠેકાણે પોતાના જ લોહીમાં ઘસડાઈ રહેલી એક યુવતી પર ફોકસ થાય છે. પેટમાં ગોળી વાગેલી હાલતમાં પણ એ યુવતી (સુરવીન ચાવલા) ધિક્કારપૂર્વક હસીને એક પુરુષને લલકારી રહી છે….

***

આ છે પહેલો સીન ‘નેટફ્લિક્સ’ પર અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી તેમની પહેલી ભારતીય ઑરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ (Sacred Games)નો પહેલો સીન. આપણે ગઈ કાલે વાત કરી તેમ ‘સેક્રેડ ગેમ્સ’ એ NRI લેખક વિક્રમ ચંદ્રાની 2006માં આવેલી એ જ નામની ક્રાઈમ નોવેલનું અડૅપ્ટેશન છે. આ સિરીઝના ડિરેક્ટરો છે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે. મુંબઈ પર આધારિત ક્રાઈમ ડ્રામાની આપણને નવાઈ નથી. ખુદ અનુરાગ કશ્યપ અને એમણે જેની સાથે કરિયરની શરૂઆત કરી તે રામગોપાલ વર્માએ મુંબઈ અન્ડરવર્લ્ડ અને ગેંગવોરની પુષ્કળ કથાઓ આપણને પીવડાવી છે. તેમ છતાં ઈન્ટરનેટિયા મનોરંજનનું પાન કરતા રસિયાઓમાં સેક્રેડ ગેમ્સે સનસનાટી મચાવી છે તેનાં એક નહીં, અનેક કારણો છે. આપણેય તે આ વેબસિરીઝની તેની જેમ જ જરા ખૂલીને વાત કરીએ.

‘સેક્રેડ ગેમ્સ’ એ NRI લેખક વિક્રમ ચંદ્રાની 2006માં આવેલી એ જ નામની ક્રાઈમ નોવેલનું અડૅપ્ટેશન છે.

‘સેક્રેડ ગેમ્સ’ (એટલે કે ‘પવિત્ર રમતો’) સ્ટોરી છે પોતપોતાની લાઈફના ક્રોસ સેક્શન પર આવીને ઊભેલાં બે પાત્રો સરતાજ સિંઘ (સૈફ અલી ખાન) અને ગણેશ ગાયતોંડેની. સરતાજ સિંઘ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં સંઘર્ષ કરી રહેલો પોલીસ ઈન્સ્પેક્ટર છે. મુંબઈના બહુ જૂજ સરદાર પોલીસ અધિકારીઓમાંનો તે એક છે. જ્યારે ગણેશ ગાયતોંડે મહારાષ્ટ્રના એક નાનકડા ગામેથી ભાગી આવીને મુંબઈ અંડરવર્લ્ડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપનારો મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન છે. એક રાતે ગણેશ સરતાજને ફોન કરીને કહે છે કે તારું આ શહેર મુંબઈ ખતરામાં છે. આજથી 25 દિવસમાં કંઈક એવું થવાનું છે કે એમાં એક ત્રિવેદી નામના માણસ સિવાય કોઈ નહીં બચે. બસ, આટલી અમથી વાત. હવે સરતાજ સિંઘ પાસે ટાસ્ક છે ગાયતોંડેને શોધીને એની પાસેથી માહિતી ઓકાવવાનું કે 25 દિવસ પછી એવું તે શું થવાનું છે મુંબઈમાં? તેને રોકવું કેવી રીતે? આ ત્રિવેદી કોણ છે? અને દોઢ દાયકાથી ગાયબ રહેલા માફિયા ડોને એક મામુલી પોલીસવાળાને શા માટે ફોન કર્યો? ક્રેડિટની ઝૂંટાઝૂંટ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનું નામ કરવાનો આનાથી વધુ ગોલ્ડન ચાન્સ બીજો કયો હોઈ શકે સરતાજ સિંઘ માટે? એટલે એ પણ એકલે હાથે ગાયતોંડેને શોધવા નીકળી પડે છે. જેમાં એને સપોર્ટ મળે છે RAW એજન્ટ અંજલિ માથુર (રાધિકા આપ્ટે)નો. આ બધાની સાથોસાથ 19 વર્ષના એક મુસ્લિમ યુવાનનો ફેક એન્કાઉન્ટર કેસ પણ ચાલી રહ્યો છે, જેમાં સરતાજ સિંઘ અને એના જ સિનિયર પોલીસ અધિકારીઓ સામસામે છે.

લગભગ 45થી 51 મિનિટનો એક એવા આઠ હપ્તામાં પથરાયેલી ‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સિઝનમાં એકસાથે બે સ્ટોરી એકબીજાને સમાંતરે ચાલે છે. એક સ્ટોરીમાં ગણેશ ગાયતોંડે મુંબઈના માફિયા બનવાનો ફ્લેશબેક પોતાના જ વોઈસ ઓવરમાં કહી રહ્યો છે. બીજી બાજુ વર્તમાનમાં સરતાજ સિંઘ મુંબઈને બચાવવાની ફિરાકમાં પડ્યો છે. 25 દિવસ પહેલાં કેસ સોલ્વ કરવાની તલવાર માથા પર લટકતી હોવાને કારણે રેસ અગેન્સ્ટ ટાઈમ પ્રકારનું ટેન્શન પણ સમાંતરે ચાલતું રહે છે.

***

અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘મિશન કશ્મીર’ વખતે એણે મુંબઈ, અન્ડરવર્લ્ડ, ટેરરિઝમ પર પુષ્કળ રિસર્ચ કરેલું અને વિધુ વિનોદ ચોપરાને મફતમાં સ્ક્રિપ્ટ પણ લખી આપેલી. પરંતુ એનો ડ્રાફ્ટ ઊડી ગયો. એ ફિલ્મની શરૂઆતમાં જે નામો આવે છે તે આંખો પહોળી કરી દે તેવાં છે. મિશન કશ્મીરની ઓરિજિનલ સ્ટોરીની ક્રેડિટ અપાયેલી આ જ સેક્રેડ ગેમ્સવાળા વિક્રમ ચંદ્રાને. (બાય ધ વે, વિક્રમ ચંદ્રા એટલે ડિરેક્ટર તનુજા ચંદ્રા અને વિધુ વિનોદ ચોપરાની પત્ની અનુપમા ચોપરાના સગા ભાઈ! યાને કે વિધુ વિનોદ અને વિક્રમ ચંદ્રા જીજા-સાલા થાય.) સ્ટોરી સ્ક્રીનપ્લેમાં ખુદ વિધુ વિનોદ અને વિક્રમ ચંદ્રા ઉપરાંત બીજાં નામો હતાં અભિજાત જોશી અને સુકેતુ મહેતા. અનુરાગના કહેવા પ્રમાણે બધા જ રાઈટરો પોતપોતાની રીતે મુંબઈ પર રિસર્ચ કરી રહ્યા હતા. તે રિસર્ચ પછી સુકેતુ મહેતાએ પોતાની બહુ વખણાયેલી અને પુલિત્ઝર પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ થયેલી ‘મેક્સિમમ સિટી’ બુક લખી. અનુરાગે ‘બ્લેક ફ્રાઈડે’ ફિલ્મ બનાવી અને વિક્રમ ચંદ્રાએ લખી ક્રાઈમ નોવેલ ‘સેક્રેડ ગેમ્સ’. એટલે જ આપણને બહારથી આવીને મુંબઈ અન્ડરવર્લ્ડ પર વર્ચસ્વ જમાવતા ડૉન, જેનું પાછું ફેમિલી પણ હોય, ધર્મ-ક્રાઈમ-પોલિટિક્સ-બૉલિવૂડની સાંઠગાંઠ, ગેંગવોર જેવી જૂની થીમનું રિફ્લેક્શન સેક્રેડ ગેમ્સમાં પણ જોવા મળે છે, જેમાં મુંબઈ પોતે એક સ્ટ્રોંગ કેરેક્ટર તરીકે ઊપસી આવે છે.

લગભગ 45થી 51 મિટનો એક એવા આઠ હપ્તામાં પથરાયેલી ‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સિઝનમાં એકસાથે બે સ્ટોરી એકબીજાને સમાંતરે ચાલે છે.

તેમ છતાં સેક્રેડ ગેમ્સ મસ્ટ વૉચ બની રહી છે તેનું કારણ છે સ્ટ્રોંગ રાઈટિંગ, ડીપ રિસર્ચ, કાબેલ ડિરેક્શન, પર્ફેક્ટ કાસ્ટિંગ અને એમની મજબૂત એક્ટિંગ. 900+ પાનાં ધરાવતી અને બે ત્રણ પેઢીઓ-દાયકાઓમાં ફેલાયેલી એક દળદાર નોવેલને 18 હપ્તાની વેબ સિરીઝમાં કઈ રીતે અડૅપ્ટ કરી શકાય તેનું પણ ‘સેક્રેડ ગેમ્સ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. આ વેબ સિરીઝની રાઇટિંગ ટીમમાં ત્રણ નામો વંચાય છે, વરુણ ગ્રોવર, સ્મિતા સિંઘ અને વસંત નાથ. આ ત્રણેયે નોવેલ વાંચી. 900+ પાનાંની બુકમાં ડઝનબંધ પાત્રો હોય એટલે દરેક પાત્રનો ટ્રેક રાખવાનું અશક્યવત્ બની જાય. એટલે આ રાઈટિંગ ટીમની મંત્રા વત્સા નામની આસિસ્ટન્ટે આખી નોવેલની ચેપ્ટર વાઈઝ 70 પાનાંની એક સમરી બનાવી રાખેલી. દરેકે દરેક ચેપ્ટરમાં વિવિધ પાત્રો સાથે શું થાય છે તેની નોંધ. આ ત્રણેય લેખકોએ પણ આ બુકનાં પાત્રો-તમામ પાસાં વિશે ત્રણેક મહિના સુધી પુષ્કળ ચર્ચાઓ કરેલી. લખવાનું સ્ટાર્ટ થયું એ પછી તેમાં સ્મિતા નાયર નામની સિનિયર પત્રકારની રિસર્ચ પણ ભળી. જેમ કે, પોલીસ અધિકારીઓ અંદરોઅંદરની વાતચીતમાં કેવા શબ્દો વાપરે, ઈન્ક્વાયરી ચાલતી હોય તે રૂમ કે RAWની ઑફિસ કેવી હોય વગેરે. રાઈટર વરુણ ગ્રોવરે આમાં એક ઈન્ટરેસ્ટિંગ વાત કહેલી. સેક્રેડ ગેમ્સનું એક પાત્ર નામે કોન્સ્ટેબલ કાટેકર પોતાની પોલીસ ચોકીમાં રાખેલી ફિશ ટેન્કની માછલીઓને ચારો નાખતું રહે છે. સ્મિતા નાયરની રિસર્ચ કહે છે કે મુંબઈની તમામ પોલીસ ચોકીઓમાં ફિશ ટેન્ક છે. તેનું કારણ એ છે કે કોઈ કાળે મુંબઈના એક પોલીસ કમિશનર ફિશ ટેન્કના શોખીન હતા અને એમણે પોતાની ઓફિસમાં ફિશ ટેન્ક રાખેલી. એમને ખુશ કરવા માટે એમના ઈમિડિએટ જુનિયરોએ પણ પોતપોતાની ચેમ્બરમાં ફિશ ટેન્ક રાખી અને આ વાત આગળ વધતાં વધતાં તમામ પોલીસ સ્ટેશનો સુધી વિસ્તરી ગઈ! ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણેના ઘરમાં પાત્રો અને એપિસોડ્સ પ્રમાણે વાર્તા કેવી રીતે આગળ વધશે તે નાનકડાં કાર્ડ્સમાં લખી લખીને દીવાલો પર ચોંટાડવામાં આવેલાં. આ પ્રોસેસથી સ્ક્રીનપ્લે લખાતો ગયો. એમાં પાછું નેટફ્લિક્સ પૈસા નાખતુું હોય એટલે તેમને સંતોષ ન થાય ત્યાં સુધી ડ્રાફ્ટમાં ચેન્જીસ કરાવ્યે રાખે. આ રીતે કંઈક પાંચેક ડ્રાફ્ટ પછી વર્તમાન સ્વરૂપમાં સ્ક્રીનપ્લે તૈયાર થયો એવું રાઈટર વરુણ ગ્રોવર આ સિરીઝની પ્રેસ મીટમાં કહે છે. ‘કભી કભી લગતા હૈ, અપુન હી ભગવાન હૈ…’ જેવી અફલાતૂન અને રાતોરાત વાઈરલ બની ગયેલી લાઈન્સ ત્રણમાંથી કોના દિમાગની ઊપજ છે એ તો વરુણ ગ્રોવરને ખોપચામાં લઈ જઈને પૂછીએ તો જ ખબર પડે!

આ સિરીઝના મૅકર્સ અને ખુદ નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે ઈન્ટરનેટ જેવું સેન્સરશિપ વિનાનું ઓપન પ્લેટફોર્મ અને એક-એક સિઝનના નવ-નવ હપ્તાની મોકળાશને કારણે જ એ લોકો દરેક પાત્રની ડેપ્થમાં જઈ શક્યા. એટલું જ નહીં, ટાઈટલ ટ્રેકની ડિઝાઈન, તેની પાછળની ફિલોસોફી, સિરીઝમાં પેરેલલ ચાલતો ધર્મનો ઉપયોગ કરીને પોતાનો લાભ ખાટવાની ક્વાયતનો અન્ડરટોન, સતત આવતા પોલિટિકલ રેફરન્સ, પાનના ગલ્લે બોલાતી હોય એવી ઓપન ભાષામાં રાજકારણીઓ વિશે કમેન્ટ્સ, કેરેક્ટર્સની સાઈકોલોજી અને ગ્રે શૅડ્સ, પ્રોડક્શન ડિઝાઈન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સિનેમેટોગ્રાફી જેવાં પાસાંમાં બારીક નકશીકામ કરવાનો પણ એમને મોકો મળ્યો હશે એવું માની શકાય. જો ‘સેક્રેડ ગેમ્સ’ના મૅકર્સે એકાદ વર્ષનો સમય લઈને ‘બિન્જ વર્ધી’ (Binge Worthy) સિરીઝ આપી હોય (બિન્જ વર્ધી એટલે કે એક પછી એક એપિસોડ્સ જોયા વિના ચેન જ ન પડે એવી, એડિક્ટિવ), તો આપણે પણ આ સિરીઝની વાતને એક જ આર્ટિકલમાં પતાવી દઈએ એ તો કેમ ચાલે? ‘સેક્રેડ ગેમ્સ’ વિશે વધુ વાતો આવતી કાલે કરેંગે, હમલોગ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s