યે ધમાકા પૂરા ફિલ્મી હૈ!

રેટિંગઃ **½ (અઢી સ્ટાર)

 • parmanuમસાલા હિન્દી ફિલ્મોના દર્શક તરીકે આપણને (અને એટલે જ આપણા ફિલ્મમેકર્સને) ઝીણું કાંતવું ખાસ ગમતું નથી. ફિલ્મનો હીરો દેશના દુશ્મનોની સામે પડ્યો હોય, તો દેશના દુશ્મનોને સિમ્પ્લિફાય કરીને ‘મોગેમ્બો’ જેવા એકાદ માણસમાં આરોપિત કરવા પડે. જેથી ફિલ્મને અંતે એ માણસના ફુરચા ઊડે એટલે આપણને ‘દેશ કે દુશ્મનો’ને હરાવ્યાનો સંતોષ મળે. ‘પોટબોઈલર’ તરીકે ઓળખાતી મસાલા ફિલ્મોમાં આ તરકીબ ચાલે, પણ નજીકના ભૂતકાળમાં જ બનેલી કોઈ રિયલ લાઈફની પોલિટિકલ ઘટના પર ફિલ્મ બનાવીએ, અને એ ઘટના પાછી અતિશય કોમ્પ્લેક્સ હોય, ત્યારે આવું સિમ્પ્લિફિકેશન ન ચાલે. એમાં તે ઘટનાને, તેની સાથે સંકળાયેલા લોકોને અને ખુદ ઈતિહાસને પણ ભારોભાર અન્યાય થવાનું જોખમ રહે છે. છતાં આવું સળગતું ઝાલ્યું છે જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પરમાણુ’ના મેકર અભિષેક શર્માએ.
 • ડિરેક્ટર અભિષેક શર્મા અગાઉ ‘તેરે બિન લાદેન’ અને તેની સિક્વલ તથા ‘ધ શૌકીન્સ’ જેવી હળવીફુલ ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ વખતે એમણે ભારતના 1998ના પોખરણ ખાતે કરેલા ન્યુક્લિયર ટેસ્ટનો પરમાણુ જેવો જ બારીક વિષય પકડ્યો છે. ઈ.સ. 1974ના ‘સ્માઈલિંગ બુદ્ધા’વાળા ટેસ્ટ, 1995ના પી.વી. નરસિંહ રાવની સરકાર વખતે આટોપી લેવા પડેલા ન્યુક્લિયર ટેસ્ટ અને ત્યાર પછી 1998ના ‘પોખરણ-2’ના સફળ ટેસ્ટ્સની ટાઈમલાઈન તથા તેની આસપાસની ઘટનાઓ વાંચો તો ખ્યાલ આવે કે આ કેટલો સંકીર્ણ અને સંવેદનશીલ મુદ્દો છે. શૂજિત સરકાર કે વિશાલ ભારદ્વાજ ટાઈપના ઝવેરીનુમા ફિલ્મમેકર્સ આવા પ્રોજેક્ટ હાથમાં લે તો તેનાં તમામ ઝીણાં ઝીણાં પાસાંનું ધ્યાન રાખે અને કોઈક ને કોઈક રીતે તેને ફિલ્મમાં સમાવી લે. અફસોસ કે રોકડીયા પેટ્રિયોટિઝમની પંચવર્ષીય યોજનામાં રળી લેવા માટે ડિરેક્ટર અભિષેક શર્મા અને એમની રાઈટિંગ ટીમે એવું કર્યું નથી. એમને ‘શું થયું હતું’ એ બતાવવા કરતાં ‘આમ થયું હોવું જોઈતું હતું’ એ કહેવામાં વધુ રસ હોય તેવું લાગે છે.
 • એમણે એક્ઝેક્ટ્લી શું કર્યું છે એની વાત કરતાં પહેલાં ફિલ્મમાં એક્ઝેક્ટ્લી શું છે તે સ્પોઈલરપ્રૂફ સ્ટોરીલાઈનમાં જાણી લઈએ. અશ્વથ રૈના (જ્હોન અબ્રાહમ) IIT એન્જિનિયર પ્લસ IAS ઑફિસર છે, જેની પાસે એક ક્લિયર અજેન્ડા છે, દેશને આંતરરાષ્ટ્રીય દબાણની વચ્ચે ટટ્ટાર ઊભો રાખવો હોય તો ન્યુક્લિયર ટેસ્ટ કરવા અનિવાર્ય છે. લેકિન નઠોર બાબુશાહીમાં એની સેન્સિબલ વાત પણ કોણ સાંભળે? એક વખત કરિયર પર દાગ લાગ્યા બાદ જ્યારે બીજો મોકો મળે છે ત્યારે આ મહાશય આખું ઑપરેશન એકલે હાથે ઉપાડી લે છે. પરંતુ ન્યુક્લિયર ટેસ્ટ કરવા આસાન નથી. આકાશમાં અમેરિકાના શકરા જેવા સેટેલાઈટ્સ છે, જમીન પર ઘોરખોદિયા જેવા દુશ્મન દેશોના જાસૂસો છે, અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલી કેન્દ્ર સરકાર છે અને આંતરરાષ્ટ્રીય પ્રેશર છે. એ બધાની વચ્ચે આપણા હીરોમહાશય કેવી રીતે લિટરલી ભડાકા કરે છે એની વાત એટલે બે કલાક પ્લસ દસેક મિનિટની આ ફિલ્મ, ‘પરમાણુ’.
 • કાગળ પર આ સ્ટોરી આપણા નખની વસ્તી ઓછી કરી દે અને પીઠમાં દુખાવો કરી દે એવી થ્રિલિંગ છે. નેચરલી, આપણે તો આખી દુનિયાને અંધારામાં રાખીને પાંચ ન્યુક્લિયર ટેસ્ટ કરેલા અને આખી દુનિયાને આપણી તાકાતનો પરચો બતાવી દીધેલો. એટલે 11થી 13 મે, 1998 નિઃશંકપણે આપણા માટે ગર્વની ક્ષણો હતી. આપણે ભલે ડંખ ન મારીએ, પણ ફૂંફાડો તો રાખવો જ પડે એ દૃષ્ટિએ પોખરણ-2 પર્ફેક્ટ સ્ટ્રોક હતો. પરંતુ જ્યારે તેના પર ફિલ્મ બને, ત્યારે આગળના રેફરન્સીસ પણ લેવા પડે અને તેને એઝ ઈટ ઈઝ બતાવવા પડે, એક હદથી વધુ સિમ્પ્લિફાય કર્યા વિના અને કોઈ રાજકીય સ્ટેન્ડ લીધા વિના.
 • ફિલ્મ બમન ઈરાનીના હેવી વોઈસ ઓવરથી સ્ટાર્ટ થાય છે, જેમાં આર્કાઈવલ ન્યુઝ ફૂટેજ વાપરીને જસ્ટિફાય કરાય છે કે શા માટે ભારત માટે ન્યુક્લિયર ટેસ્ટ કરવા અનિવાર્ય થઈ પડેલા. 1995ના એ અરસામાં (જ્યારે કેન્દ્રમાં પી. વી. નરસિંહરાવની કોંગ્રેસી સરકાર હતી), યંગ, ડાયનેમિક અને દેશભક્ત IAS ઑફિસર અશ્વથની એન્ટ્રી થાય છે. એ મંત્રીઓની મીટિંગમાં ચીનને જડબાંતોડ જવાબ આપવા માટે ન્યુક્લિયર ટેસ્ટનો પ્રસ્તાવ મૂકે છે. એ પ્રસ્તાવને મજાકમાં લઈને તેની શી વલે થાય છે તે ફિલ્મમાં જોજો, પરંતુ પરિણામ એ આવેલું કે 1995માં ભારતે ન્યુક્લિયર ટેસ્ટની બાબતમાં વૈશ્વિક સ્તરે બૅકફૂટ પર આવીને ટેસ્ટની વાતને રદિયો આપી દેવો પડેલો. તેનાં ત્રણ વર્ષ બાદ વાજપેયીની સતત પડું પડું થઈ રહેલી સરકાર આવી અને 1998માં ફરી પાછો ન્યુક્લિયર ટેસ્ટ્સ કરવાનો નિર્ણય લેવાયો. વાજપેયી સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી બ્રજેશ મિશ્રના રોલમાં અહીં ‘નો નોનસેન્સ’ હિમાંશુ શુક્લા તરીકે બમન ઈરાની દેખાય છે.
 • ફિલ્મના એક સીનમાં બમન ઈરાની કહે છે, ‘ક્લિન ધ સ્લેટ’. અફ કોર્સ, એ વાત એણે બોર્ડ પર જ્હોને ચીતરેલા ન્યુક્લિયર ટેસ્ટના પ્લાનની ડિટેલને ભૂંસી નાખવાના સંદર્ભમાં અને જ્હોનના કેરેક્ટરને પણ ભૂતકાળના કડવા અનુભવને ભૂલીને નવું સ્ટાર્ટ કરવાના ડબલ હેતુસર કહી છે. લેકિન ત્રીજો મીનિંગ જે એમણે કહ્યો નહોતો, પણ ફિલ્મમાંથી રિફ્લેક્ટ થાય છે કે અગાઉના ફેક્ટ્સ ભૂંસીને નવો ઈતિહાસ લખો. ફિલ્મનું સ્ટાર્ટિંગ જોઈને આપણને ખાતરી થઈ જાય કે નરસિંહ રાવની કોંગ્રેસી સરકારે ભલે લિબરલાઈઝેશન-પ્રાઈવેટાઈઝેશન કર્યું હોય, પણ ડિફેન્સની બાબતમાં એમની સરકારમાં ડફોળ અને ડરપોક લોકો જ ભર્યા હતા. મંત્રાલયની એ દીવાલોની અંદર એક્ઝેક્ટ્લી શું બન્યું હશે, એ આપણે કદાચ પત્રકાર રાજ ચેંગપ્પાની ‘વેપન્સ ફોર પીસ’ જેવી ‘પોખરણ-2’ પરની બુક વાંચીએ તો ખ્યાલ આવે. ફિલ્મમેકર્સે ‘પરમાણુ’ની સ્ટોરી લખવા માટે કયા પુસ્તકનો રેફરન્સ તરીકે ઉપયોગ કર્યો છે એ તો એ લોકો જ જાણે, પરંતુ હકીકત એ છે કે નેવુંના દાયકામાં ભારત પર સતત CTBT અને NPT પર હસ્તાક્ષર કરવાનું દબાણ હતું. મિલિટરી ટેક્ટિક્સ તરીકે ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઈલ્સને પણ વધુ ને વધુ તાકતવર બનાવવાનું કામ ચાલુ હતું. કહેવાનું તાત્પર્ય એ કે વિસ્ફોટ કરવાની પરવાનગી આપનારી સરકારને સ્ટ્રોંગ બતાવવા માટે અન્ય સરકારોને ડફોળ ચીતરવામાંથી ફિલ્મમેકર્સે બચવું જોઈએ.
 • દર્શકોને ઝાઝું વિચારવામાંથી મુક્તિ મળે ને સ્ટેન્ડ લેવામાં સરળતા રહે તે માટે કરાયેલું આવું સિમ્પ્લિફિકેશન CIA અને ‘નાસા’ના કિસ્સામાં પણ ખૂંચે તેવું છે. ઓબ્વિયસલી ભારતનું પરમાણુ પરીક્ષણ CIAની સૌથી મોટી ઈન્ટેલિજન્સ ફેલ્યોર હતી. પરંતુ એમાં નાસાના સાયન્ટિસ્ટોને ડફોળ સાબિત કરવાની જરૂર ખરી? જેમ કે, અહીં ભારત પરથી આંટો મારતા ‘લાક્રોસ’ સિરીઝના સેેટેલાઈટના ડેટાનું એનાલિસીસ કરતા (અને પોતે જગત-જમાદાર છે એવું મેટાફરિકલી બતાવવા માટે હાથમાં પૃથ્વીના ગોળાનો સોફ્ટ સ્ટ્રેસ બોલ લઈને રમતા રહેતા) સાયન્ટિસ્ટને બુદ્ધુ ચીતરવાની શી જરૂર પડી હશે?
 • પોખરણ-2 વખતે વિસ્ફોટ કરનારી ટીમમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, પદ્મ વિભૂષણ રાજગોપાલ ચિદંબરમ, પદ્મ વિભૂષણ અનિલ કાકોડકર, પદ્મશ્રી સતિન્દર સિક્કા, પદ્મશ્રી એમ.એસ. રમણકુમાર, DRDOના સિનિયર ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કે. સંતાનમ જેવા ધુરંધરો સામેલ હતા. આ તમામ નામો ભારતનાં અત્યંત વિચક્ષણ માઈન્ડ્સ રહ્યાં છે. (હા, કે. સંતાનમે 2009માં ‘પોખરણ-2’ ટેસ્ટ્સ નિષ્ફળ હતા એવો દાવો કરીને સનસનાટી મચાવી દીધેલી.) ફિલ્મમાં આ સાયન્ટિસ્ટોની એક સિમ્પ્લિફાઈડ ટીમ જોઈએ તો ટિપિકલ કેરિકેચરિશ પાત્રોથી વિશેષ કશું જ ન લાગે. એક ભૂલકણા સાયન્ટિસ્ટ, એક સતત ચિપ્સ ખાતા સાયન્ટિસ્ટ, બીજા એક સાયન્ટિસ્ટ (કલાકાર આદિત્ય હિતકારી)ને ક્લસ્ટરોફોબિયા ને ડસ્ટ એલર્જી હોય… વળી, આર્મીના યુનિફોર્મમાં ગરમીની ફરિયાદ કરતા સાયન્ટિસ્ટને મિલિટરી મેન પણ ઉતારી પાડતો હોય… આઈ થિંક એ પાત્રો વધુ કાળજીથી લખાવા અને તે માટે અદાકારો પણ કાળજીથી પસંદ થવા જોઈતા હતા (જો એવું થયું હોત તો જ્હોન પર કેટલું ફોકસ રહેત એ પણ એક સવાલ છે!).
 • હા, ક્વિક રિસર્ચથી મળી જાય તેવાં ઈન્સ્ટન્ટ ફેક્ટ્સનું ધ્યાન રખાયું છે. જેમ કે, સરકારોની ટાઈમલાઈન, ઓન ગ્રાઉન્ડ લોકેશન્સ, સેટેલાઈટ્સ-બોમ્બનાં નામ, બોમ્બને ઈન્સ્ટોલ કરવાની પ્રોસેસ ઈત્યાદિ. વિસ્ફોટ કરવાના શાફ્ટ (ભૂગર્ભ કૂવા)નું લોકેશન, સેટેલાઈટની નજર, પ્લાનિંગ વગેરે એક નાનકડા મૉડલની મદદથી સરસ રીતે સમજાવી દેવાયું છે.
 • ગણતરીના કલાકો-મિનિટોમાં સેટેલાઈટ અને દુનિયાની નજરથી બચીને કેવી રીતે વિસ્ફોટ કરવા, તેમાં આવતાં વિઘ્નો વગેરેનું થ્રિલ સેટ કરેલું લાગે છે, છતાં હળવી હળવી મજા તો આવ્યા જ કરે છે. આટલા સંવેદનશીલ મિશન પર કામ કરતા લોકો આ હદે ગાફેલ હોય અને એમનું કોઈ સિક્યોરિટી કવર ન હોય એ જોઈને થ્રિલ ફીલ કરવાને બદલે હસવું આવવા માંડે. જો ટટપૂંજિયા જાસૂસો આટલી સહેલાઈથી આખા પ્રોગ્રામમાં ભાંજી મારી શકતા હોત તો-તો ભારતે સાયન્સ-ડિફેન્સમાં આટલી પ્રગતિ ક્યારેય કરી જ ન હોત!
 • મે મહિનામાં રાજસ્થાનમાં દેશ માટે કામ કરતા લોકોનું એ મિશન ઈટસેલ્ફ દેશભક્તિના ટેસ્ટ સમું હતું. પરંતુ એવી સટલ્ટીમાં શું મજા આવે?! એટલે જ રાઈટરલોગે મુઠ્ઠા ભરીને દેશભક્તિ પણ ઠાલવી છે. સેમ્પલ ધિસ, ‘વર્દી કી કીમત જાનતે હો?’ (આવું આર્મી મેન સિનિયર સાયન્ટિસ્ટને કહે છે!), ‘(મેરા બેટા) દેશ કે લિયે શહીદ હુઆ થા… ડોન્ટ બી સોરી’, ‘હમને જો ખોયા, હમને જો કિયા વો દેશ કે લિયે થા ઔર જો પાયા વો દેશ કે લિયે હોગા…’
 • આમ તો 1998નો ગાળો એટલો દૂરનો ભૂતકાળ નથી, છતાં જૂની સ્ટાઈલનાં થર્મોસ, STD-PCO, ફેક્સ મશીન અને હડિમદસ્તા જેવા મોબાઈલ સાથેનો યુગ સારી રીતે ક્રિએટ કરાયો છે. (એમાં નખાયેલી ઈનકમિંગ કોલ્સનો ચાર્જ લાગે જેવી લાઈન્સ સાંભળીને આજે ‘જિયો જનરેશન’ના લોકોને રમૂજ થાય છે!) બટ, ઓવરઓલ પ્રોડક્શન ક્વોલિટી નબળી લાગે છે. ફાઈટ્સ અને ચેઝ એવી રીતે ડિઝાઈન કરાઈ છે, કે બધું કૃત્રિમ અને મેનેજ કરેલું લાગે, નેચરલ નહીં (જેમ કે ભરચક રસ્તા પરથી દોડતા હોય તોય વચ્ચે કોઈ હોય જ નહીં). બાય ધ વે, બી. આર. ચોપરાની ‘મહાભારત’ સિરિયલ 1988-90માં પ્રસારિત થયેલી. તો પછી ‘બેટા, (ટીવી પર) મહાભારત ચલ રહી હૈ, ચપ્પલ ઉતાર કે બૈઠો’ જેવો ડાયલોગ એક દાયકા મોડો કેમ બોલાયો હશે?!
 • આમ તો જ્હોન અબ્રાહમ પાસે એક્સપ્રેશન્સની અપેક્ષા રાખવી એટલે વિજય માલ્યા-નીરવ મોદીના પૈસા પાછા લાવવા જેવું અઘરું કામ છે, છતાં એણે પોતાના ખભા પર ફિલ્મનું પ્રોડક્શન અને એક્ટિંગ ડિપાર્ટમેન્ટ ખાસ્સી સિન્સિયારિટીથી ઉપાડ્યો છે એ કહેવું પડે. પાતળી પરમાર અને ડિઝાઈનર વસ્ત્રધારી ડાયેના પેન્ટી એકેય એન્ગલથી ‘ઈન્ટેલિજન્સ બ્યુરો’ની ઓફિસર લાગતી નથી. આમેય જાસૂસો એમના નાક નીચે કારસ્તાન કરતા રહે તેની ગંધ ન આવે એવી IB ઑફિસર શું કામની? વળી, એને વર્ણન સાંભળીને સ્કેચ બનાવતાં પણ આવડતું હોય, બોલો!
 • ‘પરમાણુ’ ભારતના એક અતિશય મહત્ત્વના પ્રસંગ પર બનેલી માઈલ્ડ અને અતિશય ફિલ્મી થ્રિલર ફિલ્મ છે. તમામ ફિલ્મી મસાલાઓ અને છૂટછાટોથી ફાટફાટ થતી આ ફિલ્મને આપણા ઈતિહાસના આ મહત્ત્વના પ્રસંગને ઉપરછલ્લો જાણવા માટે જોઈ શકાય. બટ, આ ફિલ્મને માત્ર મનોરંજન તરીકે જ લેવી, એમાં ઝાઝા ફેક્ટ્સ શોધવાની ભૂલ કરવા જેવી નથી. આઈ વિશ, જ્હોનની સાથે ‘મદ્રાસ કેફે’ની જેમ આ ફિલ્મ પણ શૂજિત સરકારે ડિરેક્ટ કરી હોત…

Reviewed for DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

3 thoughts on “પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s