કોમિક્સનું કુરુક્ષેત્ર

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

landscape-1522924460-avengers-infinity-war-posterઆ શુક્રવારે રિલીઝ થયેલી હોલિવૂડની સુપરહીરો મુવી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’માં પડદા પર ધબાધબી બોલી રહી હતી, ઑડિયન્સમાં બેઠેલા જુવાનિયાંવ ચિચિયારીઓ કરીને પાગલ થઈ રહ્યા હતા અને મને આપણું ‘મહાભારત’ યાદ આવી રહ્યું હતું. દર શુક્રવારે હિન્દી ફિલ્મોની વાત કરતાં કરતાં આપણે અચાનક હોલિવૂડ પર ક્યાં ચડી ગયા અને એમાં વળી ‘મહાભારત’ ક્યાં આવ્યું એવો સવાલ થતો હોય તો જરા માંડીને વાત કરીએ.

‘માર્વેલ કોમિક્સ’ લગભગ આઠ દાયકાથી અમેરિકામાં જથ્થાબંધ સુપરહીરોને ચમકાવતી કોમિકબુક્સ વેચે છે. દસ વર્ષ પહેલાં એમણે ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ (MCU) રચીને જાતે જ આ સુપરહીરોઝની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. આ સુપરહીરોઝમાં આયર્નમેન, હલ્ક, થોર, કેપ્ટન અમેરિકા, ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ ગ્રૂપના હીરોલોગ, એન્ટ મેન, ડોક્ટર સ્ટ્રેન્જ, સ્પાઈડરમેન વગેરેનો સમાવેશ થતો હતો. છેલ્લા એક દાયકાથી દર થોડા મહિને આવી એક સુપરહીરો મુવી રિલીઝ થતી હતી. એ દરેક ફિલ્મમાં તે સુપરહીરોના મૅકિંગની સ્ટોરી હોય, દરેકના આગવા સુપરપાવર્સ હોય અને દરેકની કંઈક ને કંઈક મર્યાદા હોય. તે દરેક ફિલ્મની સ્ટોરી એકાદા વિલનના ખાત્મા સાથે એક તબક્કે આવીને અટકે. મજા એ છે કે બધા સુપરહીરોના છેડા એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે અડતા હોય. હવે દસ વર્ષમાં આવી 18 સુપરહીરો મુવીઝ આવી ગયેલી. હવે ફાઈનલી 19મી ફિલ્મમાં સુપરહીરોઝની લડત ચરમસીમાએ પહોંચી છે. વાર્તાનું વર્તુળ એવા ઠેકાણે આવીને પહોંચ્યું છે કે અત્યાર સુધીનો સૌથી ખૂંખાર વિલન ત્રાટકી રહ્યો છે. તેની સામે લડવા માટે અત્યાર સુધીની 18 ફિલ્મોમાં દેખાયેલા તમામ સુપરહીરોલોગ એક જ ફિલ્મમાં દેખાઈ રહ્યા છે. તે ફિલ્મ એટલે આ શુક્રવારે રિલીઝ થયેલી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’. એટલે જ આ ફિલ્મે આખી દુનિયામાં જબરદસ્ત ઉત્તેજના જગાવેલી. એક અફવા એવી પણ હતી કે આ ફિલ્મમાં અમુક સુપરહીરો કાયમ માટે ઢબી જવાના છે. એને કારણે પણ વહેલી તકે આ ફિલ્મ જોઈ લેવા માટે પડાપડી થઈ રહી હતી.

થેનોસ આલા રે આલા

‘એવેન્જર્સ’ પ્રકારની સુપરહીરો મુવીમાં ફિલ્મની સ્ટોરી વિશે જરાક પણ વધારે બફાઈ જાય તો ખાવામાં કાંકરી આવી ગઈ હોય એવું ચાહકોનું મોં થઈ જાય. ફિલ્મોની ભાષામાં આને ‘સ્પોઈલર’ કહે છે. આપણે આવા સ્પોઈલર્સથી દૂર રહીને સ્ટોરીની આઉટલાઈન જાણી લઈએ. ‘થેનોસ’ નામનો એક પડછંદ રાક્ષસ શનિના ઉપગ્રહ ‘ટાઈટન’થી છ ‘ઈન્ફિનિટી સ્ટોન’ની શોધમાં આવ્યો છે. જો એને આ છએ છ સ્ટોન્સ મળી જાય તો આખું બ્રહ્માંડ એની રાક્ષસી મુઠ્ઠીમાં આવી જાય. ઉપરથી એની હિટલરછાપ ફિલોસોફી એવી છે કે વિશ્વમાં અડધા લોકોને સારી રીતે જીવાડવા માટે બાકીના અડધા લોકોને મારવા એ પુણ્યનું કામ છે. હવે જો ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ (MCU)ની અગાઉની ફિલ્મો ધ્યાનથી જોઈ હોય, તો ખ્યાલ હોય કે આ છ ઈન્ફિનિટી સ્ટોન્સ અલગ અલગ સુપરહીરોઝ પાસે સચવાયેલા પડ્યા છે. બસ, એટલે આ થેનોસ વન બાય વન સુપરહીરોને પકડીને એમની પાસેથી એ સ્ટોન્સ આંચકી લેવાની ફિરાકમાં છે. એને રોકવો કેવી રીતે એની મથામણ એટલે ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’.

વોહી પુરાની, સુપરહીરોઝ કી કહાની

MCUની સુપરહીરો ફિલ્મોની મજા એ છે કે તેનાં મુખ્ય પાત્રો જાતભાતની અતીન્દ્રિય શક્તિઓ ધરાવતા સુપરહીરો હોવા છતાં એમની કંઈક ને કંઈક સંવેદનશીલ બેકસ્ટોરીઝ છે. એમના સુપરહીરો બનવા પાછળ પણ રસપ્રદ કહાણીઓ છે. એમની પોતીકી પર્સનાલિટીઝ પણ છે. જેમ કે, ‘આયર્નમેન’ બહુ ઈગોઈસ્ટિક છે, ‘હલ્ક’ ગુસ્સે થાય ત્યારે લીલો દૈત્ય બની જાય છે-બાકીના સમયમાં એ શાંત-સેવાભાવી માણસ છે વગેરે. પ્લસ, એમની વચ્ચે અંદરોઅંદર પણ લવ-હેટના સંબંધો છે. જેમ કે, હલ્ક અને બ્લેક વિડો તથા હિપ્નોટિઝમ જાણતી સ્કારલેટ વિચ અને વિઝન એકબીજાના પ્રેમમાં છે, જ્યારે હલ્ક-કેપ્ટન અમેરિકા અને થોર તથા એનો ભાઈ લોકી વચ્ચે સતત તૂતૂ મૈંમૈં થતી રહે છે. વધુ ને વધુ શક્તિશાળી બનતા જતા વિલનોની સામે ક્યારેક તેઓ ઘૂંટણિયે પણ પડે. આવું બધું ડિટેઈલમાં લખવાનો આશય એટલો જ કે આવી ખાસિયતો આ સુપરહીરોઝને એક માનવીય ટચ આપે છે. એટલે આપણને ‘આ તો સુપરહીરો છે, એ સપાટો મારીને બધા પ્રોબ્લેમ્સ સોલ્વ કેમ ન કરી લે’ એવો સવાલ થવા દેતી નથી.

તમામ બેકસ્ટોરીઝ, સબપ્લોટ્સ છતાં સુપરહીરો મુવીઝ ગુડ વર્સસ ઈવિલનો જંગ જ હોય છે. મોટેભાગે થીમ પણ એવી જ કે એક વિલન ક્યાંકથી ચડી આવે અને જો એને રોકવામાં ન આવે તો આ પૃથ્વીનો સર્વનાશ નક્કી. ઑબ્વિયસલી એમને રોકવા માટે આપણા સુપરહીરો જ કામે લાગે. આ ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’ પણ એ જ બીબામાં ઢળે છે. છતાં માર્વેલની આ ફિલ્મોના મૅકર્સને અભિનંદન એ વાતે આપવા જોઈએ કે એ લોકો આટલી સિમ્પલ થીમમાં પણ બારીક કોતરણી કરીને નવીનતા લાવતા રહે છે અને ઘણે અંશે ફિલ્મની ફ્રેશનેસ જળવાઈ રહે છે.

આ ફિલ્મ જોતી વખતે ‘મહાભારત’ યાદ આવવાનું કારણ એ કે તેમાં બતાવેલી ‘ઈન્ફિનિટી વોર’ પણ એક રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ જ છે. પાંડવો અને એમના અન્ય સાથીઓ પોતપોતાના અંગત મતભેદો ભૂલીને કર્તવ્ય માટે લડવા તૈયાર થાય. ત્યાં ‘હસ્તિનાપુર’ પર કબ્જા માટે યુદ્ધ ખેલાયેલું, અહીં ઈન્ફિનિટી સ્ટોન્સ થકી સમગ્ર બ્રહ્માંડ પર કબ્જા માટે ભીષણ જંગ ખેલાય છે. ત્યાં દુર્યોધનની સેના હતી, અહીં થેનોસની સેના છે. મહાભારતની જેમ અહીં પણ કોઈ હીરો ખરે ટાણે પોતાની શક્તિઓનો ઉપયોગ નથી કરી શકતો. એટલે અલ્ટિમેટલી તો તમામ વાર્તાઓના છેડા આપણી આ મહાગાથાને અડકે જ છે.

માર્વેલની તમામ સુપરહીરો મુવીઝની જેમ ‘ઈન્ફિનિટી વોર’માં પણ કમ્પ્યુટર ગ્રાફિક્સ, વીરરસનો સ્રાવ થાય એવી ગગનભેદી સાઉન્ડ ઈફેક્ટ્સ, સુપરહીરોની પર્સનાલિટીને છાજે એવી એન્ટ્રી અને ફાઈટ સિક્વન્સીસ, વચ્ચે હસી હસીને પેટમાં આંટી આવી જાય એવા ડાયલોગ્સ અને દર થોડી વારે આવતા નવા નવા ટ્વિસ્ટ્સ… આ બધું જ છે. ઈન ફેક્ટ, અહીં તો ફિલ્મ એક્શન સિક્વન્સથી શરૂ થાય છે અને લગભગ આખી ફિલ્મમાં ચાલતી જ રહે છે. વચ્ચે ડાયલોગ્સ આવે ત્યારે આપણને અકળામણ થવા માંડે! આ ફિલ્મમાં એટલા બધા સુપરહીરો ઠાંસીને ભર્યા છે કે કોનું લશ્કર લિટરલી ક્યાં લડે છે એ યાદ જ ન રહે. ફિલ્મમાં પણ એક સાથે કેટલાય મોરચે લડાઈઓ ચાલતી રહે છે. આ બધા મોરચા ફિલ્મના ડિરેક્ટર બંધુઓએ સફળતાપૂર્વક સંભાળ્યા છે. આ સિરીઝની ફિલ્મોની બીજી સફળતા એ છે કે સુપરહીરોઝની વાર્તા હોવા છતાં તે ક્યાંય બાલિશ બનતી નથી. આ ફિલ્મનાં મોટાભાગનાં પાત્રો પીડા, વિરહનાં બેગેજ લઈને ફરતાં રહે છે. ઈવન ફિલ્મનો સુપરવિલન પણ તેમાંથી બાકાત નથી, જે એક ઈન્ટરેસ્ટિંગ પાસું છે.

પરંતુ પ્રોબ્લેમ એ છે કે અમુક સિક્વન્સીસને બાદ કરતાં આ ફિલ્મ એવું કશું નવું કે સરપ્રાઈઝિંગ ઑફર નથી કરતી, જે જોઈને આપણી આંખો ખુલ્લી જ રહી જાય. આટલી ફિલ્મોના અનુભવે આપણે બરાબર કળી શકીએ કે કયું પાત્ર કઈ રીતે બિહેવ કરશે. આ ફિલ્મોમાં આવતી મજાનું એક કારણ તેનાં કેરેક્ટર્સની નોસ્ટેલ્જિક રિકોલ વેલ્યુ પણ છે. આ સ્થિતિને થોડી અઘરી ભાષામાં ‘સિક્વલ ફટીગ’ પણ કહી શકાય. યાને કે ધબાધબીને બાદ કરતાં નવું ખાસ કશું કહેવાનું ન હોય, ત્યારે થતી ફીલિંગ. એમાંય આ સિરીઝ તો તેના સુપરહીરોઝના ચાર્મ પર ટકેલી છે. તેનું હ્યુમર પણ ટિપિકલ છે. આનાથી વિપરિત માર્વેલની જ ‘ડેડપૂલ’ પોતાની તોફાની સ્ક્રિપ્ટ પર વધુ મદાર રાખે છે. એટલે આ એવેન્જર્સની ફિલ્મમાં અમુક પ્રકારની ટ્રીટમેન્ટ જ હશે એવી અપેક્ષા સાથે જ જવું હિતાવહ છે.

ખાસ્સી અઢી કલાક લાંબી આ નોઈઝી ફિલ્મ સિરીઝના કટ્ટર ચાહક ન હોઈએ તો સતત ચાલતી ફાઈટ સિક્વન્સીસથી થાક પણ લાગે. આમ તો ફિલ્મમાં મોટાભાગના સુપરહીરોઝને ઠીકઠાક સ્ક્રીન સ્પેસ મળી છે, પણ ‘બ્લેક વિડો’ બનતી સ્કાર્લેટ જોહાનસનના ભાગે ફિલ્મમાં કંઈ કહેતાં કંઈ કરવાનું આવ્યું જ નથી, જે કઠે એવું છે. કંઈક એવું જ ‘હલ્ક’નું ને ‘કેપ્ટન અમેરિકા’નું છે. હલ્કનું પાત્ર હવે ખાસ્સું ‘સેલ્ફ અવેર’ થઈ ગયું હોય તેવું લાગે છે. ખબર નહીં કેમ, પણ આ ફિલ્મનો સુપર વિલન થેનોસ- જેને ‘મોશન કેપ્ચર ટેક્નિક’થી ક્રિએટ કરવામાં આવ્યો છે તે- અન્ય પાત્રોની સરખામણીમાં એકદમ કૃત્રિમ લાગે છે.

બને તો ફિલ્મ ઑરિજિનલ અંગ્રેજીમાં જ જોવાનો આગ્રહ રાખવો. કેમ કે, ફિલ્મના હિન્દી ટ્રાન્સલેશનમાં પરાણે ‘ઉડતા હુઆ મેદુવડા’ જેવા સસ્તા જોક્સ ઘુસાડવામાં આવ્યા છે. સટલ-સ્માર્ટ હ્યુમરને બદલે ‘યે સ્પેસશિપ હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં’, ‘યે હાથ મુઝે દે દે’, તૂને ABCD દેખી હૈ?… મૈંને તો ABCD-2ભી દેખી હૈ’ (બાય ધ વે ABCD અને આ એવેન્જર્સ હિન્દીનું રાઈટિંગ મયુર પૂરીનું છે!) જો તમને તમારા ફેવરિટ સુપરહીરોઝના મોઢે આવા ક્લિશે ફિલ્મી ડાયલોગ્સ સાંભળવામાં ચીતરી ચડતી હોય, તો અંગ્રેજી વર્ઝન સિવાય થિયેટરમાં પગ ન મૂકવો.

એક કહાની ખતમ તો દૂજી, શુરુ હો ગઈ, મામુ!

‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’ તેના ફૅન્સને જલસો કરાવશે, જ્યારે માઈલ્ડ અથવા તો નોન-ફૅન લોગને રિપિટેટિવ લાગી શકે તેવી છે. એવું મનાતું હતું કે આ ફિલ્મથી એવેન્જર્સ સિરીઝ પર પૂર્ણવિરામ મુકાશે. પરંતુ એવું થયું નથી. ફિલ્મ એવા સ્થાને લાવીને અટકાવી દેવાઈ છે કે આપણે તેના નેક્સ્ટ ભાગની રાહ જોઈએ જ. આમેય આ ફિલ્મો સોનાનાં ઈંડાં આપતી મરઘી છે, જેને મારવાની મુર્ખામી કોઈ ન કરે. આ ફિલ્મની મજા થિયેટરમાં 3Dમાં જોવામાં જ છે, એટલે કોઈ સસ્તો શૉ શોધીને થિયેટરમાં જોઈ કાઢવામાં જરાય વાંધો નથી.

બાય ધ વે, ‘માર્વેલ’ની ફિલ્મોની પ્રથા પ્રમાણે અહીં પણ તેના સુપરહીરોઝના સર્જક સ્ટેન લીનો નાનકડો કેમિયો છે. અને ફિલ્મ પૂરી થયે તેમાં તમામ હજારો નામ ડિસ્પ્લે થઈ ગયા બાદ ‘પોસ્ટ ક્રેડિટ સીન’ પણ છે, જેમાં આવનારી ફિલ્મની એક નાનકડી ઝલક છે. એ જોયા વિના થિયેટરમાંથી બહાર નીકળશો નહીં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “Avengers: Infinity War

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s