નાયક 2.0

રેટિંગઃ **½ (અઢી સ્ટાર)

 • bharat-ane-nenu-new-hd-poster-and-stillજે રીતે તમિલનાડુમાં રજનીકાંતનું સ્ટારડમ સેલિબ્રેટ થાય એ રીતે આંધ્રપ્રદેશમાં મહેશ બાબુનું ઊજવણું થાય. આંધ્રથી દૂર અહીં અમદાવાદમાં બેઠાં બેઠાં પણ એના સ્ટારડમનો અંદાજ એ વાતે આવી જાય કે ટાઈટલ ક્રેડિટ્સમાં થિયેટરનો આખો ફુલ સાઈઝનો સ્ક્રીન પણ નાનો પડે એટલા મોટા અક્ષરમાં લખાયેલું આવે, ‘સુપરસ્ટાર મહેશ’, અને અહીંયા પણ ઑડિયન્સ ચિચિયારીઓથી ઑડિટોરિયમ ભરી દે! (એમાં અમારોય યથાસ્વરપેટી ફાળો હોય!) એવા સુપર હેન્ડસમ મહેશ બાબુની ફિલ્મ રિલીઝ થાય ત્યારે આંધ્રપ્રદેશનાં થિયેટરોમાં કેવો માહોલ સર્જાતો હશે એ જાણવા માટે મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરે ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલી આ (જમણી બાજુની) તસવીર કાફી છે.Mahesh Babu
 • ગયા વર્ષે એ. આર. મુરુગાદૌસ સાથે મસ્ત થ્રિલર એવી ‘સ્પાયડર’ (જેનું શૂટિંગ અમદાવાદમાં થયેલું) આપ્યા પછી હવે મહેશ બાબુ લઈને આવ્યો છે ‘ભરત અને નેનુ’ યાને કે ‘હું, ભરત’.
 • ‘ભરત અને નેનુ’ સ્ટોરી છે એક હૈદરાબાદી યુવાન ભરત રામ (મહેશ બાબુ)ની, જે વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં ભણીને પા ડઝનથી પણ વધુ ડિગ્રીઓ લઈ ચૂક્યો છે. એની ફિલોસોફી છે ‘આઈ ડોન્ટ નૉ’. એ માને છે કે, ‘હું જેટલું જાણું છું એ સાથે જ મને ખબર પડે છે કે હું હજી ઘણું બધું નથી જાણતો.’ એની આ ફિલોસોફી રિફ્લેક્ટ કરતું એક સોંગ પણ ફિલ્મમાં છે, જિસ કો આવાઝ દી હૈ ફરહાન અખ્તર ને. (સોંગ અહીંયા પેસ્ટ કર્યું છે)
  https://www.youtube.com/watch?v=pwxrkgQ7qME
 • અચાનક એના પર એક મોટી જવાબદારી આવી પડે છે અને ભાઈને આખું રાજ્ય સંભાળવું પડે છે. એટલે જ ફિલ્મનું નામ ‘ભરત અને નેનુ’ (હું, ભરત) શપથવિધિના પહેલા શબ્દોમાંથી લેવામાં આવ્યું છે. પણ હવે આ ભાઈની ફિલોસોફી છે કે દેશ-બંધારણના નામના શપથ લીધા હોય તો તેમ થવું જ જોઈએ. શાસકે જનતાને માતા-પિતાની જેમ ટ્રીટ કરવી પડે. જો જનતા કંઈક ખોટું કરતી હોય તો તેને કડકાઈથી સબક શીખવવો પણ પડે. અને રામ રાજ્ય સ્થાપવા માટે ગમે તેની સામે લડવું પડે તો લડી લેવાનું. એક ડ્રીમી યુવાનમાંથી રામ રાજ્ય સ્થાપતા સાચા લીડરની પરીકથા એટલે આ ફિલ્મ.
 • બ્રોડ સ્ટોરીલાઈન પરથી જ આ ફિલ્મ આપણને શંકરની અનિલ કપૂર સ્ટારર ‘નાયક’ની યાદ અપાવી દે. ફિલ્મના સબપ્લોટ્સ જૅકી ભગનાણી-ફારુખ શેખ સ્ટારર ‘યંગિસ્તાન’ અને મણિ રત્નમની ‘યુવા’ની પણ યાદ અપાવી દે છે. રાધર, આ ત્રણેય ફિલ્મોની ખીચડી એટલે મહેશ બાબુની ‘ભરત અને નેનુ’.
 • એટલે ફિલ્મની સ્ટોરીમાં કંઈ કહેતાં કંઈ જ નવું નથી. આપણી જે અપેક્ષાઓ રિયલ લાઈફમાં પૂરી ન થતી હોય તે પડદા પર પૂરી થતી જોવા મળે એટલે એક વર્ચ્યુઅલ સંતોષ મળે. એવી યુટોપિક ફીલ આપવા માટે આપણે ત્યાં હિન્દીમાં ‘ફેન્ટમ’, ‘ડી ડે’, ‘બેબી’ જેવી ફિલ્મો બની ચૂકી છે, જેમાં ભારતના દુશ્મન ત્રાસવાદીઓને ભારત લાવવાની ફેન્ટેસી સંતોષવામાં આવી હતી. ‘નાયક’માં કરપ્શનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યારે અહીં અત્યારના રિલેવન્ટ ટોપિક્સ લેવાયા છે, જેમ કે, ટ્રાફિકમાં અરાજકતા, સરકારી શાળાઓનું પતન અને ચીરીને ફી વસૂલતી ખાનગી સ્કૂલો, માફિયાની જેમ કોન્સ્ટિટ્યુઅન્સીઝ પચાવીને બેઠેલા બાહુબલિ નેતાઓ (જેને આપણા મીડિયાવાળાઓ ‘ગઢ’ કહે છે. ‘ફલાણાનો ગઢ’ ને ‘ઢીંકણાનો ગઢ’!) વગેરે.
 • એક યંગ ડાયનેમિક નેતા આવે, પોતે કશું જાણતો નથી એવો એકરાર કરે, ફટાફટ નિર્ણયો લે, લોકોની વચ્ચે ફરે, એમના વતી જોખમ લેવામાં પણ પાછીપાની ન કરે… ઈન શોર્ટ, પબ્લિક લાઈફ માટે એ પર્ફેક્ટ રોલમોડલ હોય. આ બધું જોયેલું અને અતિશય પ્રીડિક્ટેબલ છે, છતાં લોકોને સ્પર્શે તેવું છે. એટલે જ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ચિક્કાર બિઝનેસ કરી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં તો ફિલ્મે દોઢસો કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે! ફિલ્મની પ્રીડિક્ટેબિલિટીનો આલમ એ છે કે ઈન્ટરવલ ક્યાં અને કેવી રીતે પડશે એ કેમેરા એન્ગલ સાથે કળી શકાય!
 • ‘ભરત અને નેનુ’ સોએ સો ટકા મહેશ બાબુના ચાર્મ પર ટકેલી છે. પાછો એ છે પણ એટલો હેન્ડસમ કે મોટા ભાગની ફ્રેમ્સમાં એ દેખાતો હોવા છતાં અને ફિલ્મ ચવાયેલા ટ્રેક પર જતી હોવા છતાં હળવી હળવી મજા આવ્યા કરે. મહેશ બાબુની હીરોગીરી સેલિબ્રેટ કરવા માટે જ એનો અર્બન લુક-રુરલ લુક, ડાન્સ, સાઉથની ફિલ્મોની ટ્રેડમાર્ક ફાઈટ્સ, રોમાન્સ, ઑડિયન્સ તાળીઓ પાડીને ગાંડી થઈ જાય એવા ડાયલોગ્સ બધું જ ધબધબાવીને નાખવામાં આવ્યું છે. અને એમાં જ ફિલ્મ ધીમે ધીમે ત્રાસ વર્તાવવાનું શરૂ કરી દે છે.
 • એક તો આ ફિલ્મ ઓલમોસ્ટ ત્રણ કલાક લાંબી છે. જૂની સ્ટોરી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી આર્કને કારણે આપણી ધીરજની બરાબર કસોટી થઈ જાય છે. આ ફિલ્મને બડી આસાનીથી મિનિમમ અડધો કલાક કાપી શકાઈ હોત. ગીતો પણ પાર વિનાનાં છે. હીરોની ફિલોસોફીનું સોંગ, એક શાસક તરીકે એની કાર્યક્ષમતાને સેલિબ્રેટ કરતું સોંગ, હિરોઈન સાથે રોમેન્સનું અને ડ્રીમ સિક્વન્સનું સોંગ, પ્રજામાં સરજી અમરેન્દ્ર બાહુબલિની જેમ કેવા ભળી જાય એનું સોંગ… હા, દેવી શ્રી પ્રસાદનું મ્યુઝિક મસ્ત છે, અને ટ્રાન્સલેશનથી સમજીએ તોય સાંભળવાની મજા પડે એવાં ગીતો છે. પણ ક્લાઈમેક્સ આવતાં સુધીમાં તો આપણે હાથ જોડીએ કે પ્રભુ, હવે ખમૈયા કરો!
 • ફાઈટ્સ સરસ છે, એમાં પડછાયા, લાઇટ્સ અને સ્લો-મોશનનો સરસ ઉપયોગ કરાયો છે. અને ગમે તેટલા ગુંડાલોગની હડ્ડીઓ ચૂર ચૂર કરે તોય મજાલ છે કે આપણા ચોકલેટી હીરોના વાળની એક લટ પણ વીખાય કે એના શર્ટ પર એક ક્રીઝ પણ પડે! વિલનનો ટટપૂંજિયો ગુંડો હીરોની પાછળ બેહોશ ઊંધે લટકેલો હોય અને આપણા ભાઈ સ્ટાઈલથી સ્લો મોશનમાં ચાલતા હોય એ શોટ ખાસ્સો ઈન્ટરેસ્ટિંગ છે.
 • film_companion_bharat-ane-nenu_lead_3મહેશ બાબુના ચાર્મ અને એના હિરોઈઝમમાં ત્રણેક મુદ્દા લિટરલી દબાઈ ગયા છે. એક તો આ ફિલ્મ બડી ક્યુટનેસથી ડાયનેસ્ટિક પોલિટિક્સ-વંશપરંપરાગત રાજનીતિને જસ્ટિફાય કરે છે. વળી, એ મુદ્દે ફિલ્મમેકર પોતે પણ સજાગ છે એટલે પોતે જ એ મુદ્દો ઉઠાવે છે અને હીરો પાસે ડાયલોગ બોલાવીને તેને જસ્ટિફાય પણ કરે છે! ફિલ્મમાં ઈલેક્શન આવે છે, પણ આપણા હીરોને ચૂંટણી લડવાની કે જીતવાની જરૂર જ નથી! ત્રીજું એ કે આપણા હીરો પોતાને ગમી ગયેલી યુવતી વસુમતિ (કિયારા અડવાણી, જેના માટે ફિલ્મના ક્રેડિટ્સમાં ‘ઈન્ટ્રોડ્યુસિંગ કિયારા અડવાણી’ લખેલું આવે છે!)નાં નામ-નંબર શોધાવી અને પોતાના પોલિટિકલ પાવરનો ઉપયોગ કરીને એને ફોન સુદ્ધાં કરે છે. મતલબ કે એ એક યુવતીની જાસૂસી કરાવે છે. ફિલ્મમાં રોમેન્ટિક ટ્રેક એસ્ટાબ્લિશ કરવામાં એમાં કંઈ વાંધાજનક ન લાગે, પણ રિયલ લાઈફમાં આવા જ મુદ્દે ગુજરાતમાં મોદી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડેલો.
 • આખી ફિલ્મમાં હીરોના દરેક પગલા માટે દર થોડી વારે પબ્લિક રિએક્શન્સ અને ન્યુઝ ચેનલોના ન્યુઝ-ડિબેટ્સ બતાવવામાં આવે છે. આ સ્ટાઈલ પણ એટલી વધી વપરાઈ છે કે હવે હવે વાસી થઈ ગઈ છે. અને અહીં તો એનું પ્રમાણ એટલું બધું છે કે ઈરિટેટ કરવા માંડે છે. ફિલ્મની લંબાઈ વધારવામાં તેનોય ફાળો છે.
 • પહેલી તેલુગુ ફિલ્મ કરી રહેલી કિયારા અડવાણી સ્ટ્રિક્ટ્લી ગ્લેમર ક્વોશન્ટ વધારવા માટે જ છે. હીરો સાથેKiara Advani Mahesh Babu Bharat Ane Nenu Movie New Poster ડ્રીમ સિક્વન્સમાં ગીત ગાવા સિવાય એનું કંઈ કહેતાં કંઈ જ કામ નથી. હા, સાઉથની ફિલ્મોના એવર ડિપેન્ડેબલ પ્રકાશ રાજ છે ખરા. અને આમેય એ પોતાની સારી એક્ટિંગ-સારા રોલ સાઉથની ફિલ્મો માટે બચાવીને રાખે છે (અને હિન્દીમાં જોકરછાપ રોલ જ કરે છે) એ વાત ફરીથી અહીં સાબિત થઈ છે. યશપાલ શર્માએ કોઈ જ મીટ-ફૂટેજ-વેઈટેજ વગરનો તદ્દન મીનિંગલેસ રોલ સ્વીકાર્યો છે.
 • જોકે ‘ભરત અને નેનુ’ને ‘નાયક’થી એક ડગલું આગળ મૂકતી વાત છે તેમાં બતાવાયેલાં મહેશ બાબુના કેરેક્ટરની પર્સનાલિટીનાં પાસાં. એક આદર્શ નેતા હોવા ઉપરાંત એ એક તેજસ્વી વિદ્યાર્થી છે, માતા-પિતાના સુખથી વંચિત હોવા છતાં પોતે કડવાશ લાવ્યા વિના પોતાના સાવકા ભાઈ-બહેનોની નજીક જવા પ્રયાસ કરે છે. આ બાબતો એને હીરો ઉપરાંત એક નોર્મલ બોય નેક્સ્ટ ડૉર ટાઈપનો યુવાન પણ બનાવે છે.
 • ‘ભરત અને નેનુ’ સંપૂર્ણપણે મહેશ બાબુના હીરોઈઝમનું સેલિબ્રેશન જ છે. સ્ટોરી જૂની હોવા છતાં ફિલ્મનું પોલિશ્ડ એક્ઝિક્યુશન, સોંગ્સ, ફાઈટ્સ, ઈમોશન્સ, રોમાન્સ, ડાયલોગ્સ તમામ મસાલાનું પર્ફેક્ટ કોમ્બિનેશન પણ છે. ઈન ફેક્ટ, હિન્દી ફિલ્મમેકર્સે એ વાત શીખવા જેવી છે કે હાડોહાડ મેઈનસ્ટ્રીમ મસાલા ફિલ્મ હોવા છતાં ‘ભરત અને નેનુ’ ક્યાંય બાલિશ બનતી નથી.
  ‘ભરત અને નેનુ’નું ટ્રેલરઃ
  https://www.youtube.com/watch?v=KMWS5y2gZ6E

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s