વરસ્યાં વિનાનાં વાદળ

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

 • l3jkpc5મારા રિવ્યુઝ અને ફિલ્મ વિષયક લેખોમાં મેં અનેક વખત એક વાક્ય વાપર્યું છે કે, ‘શૉ, ડોન્ટ ટેલ.’ યાને કે ડાયલોગ્સનું કામ ફિલ્મના કેમેરાએ લેવું જોઈએ. જે વસ્તુ માત્ર કેમેરાથી બતાવીને કહી શકાય, તે માટે એક શબ્દનો પણ ઉપયોગ ન થવો જોઈએ. કુશળ ફિલ્મમેકર્સ કેમેરાને ‘બોલતો’ કરવાની આ કળામાં પાવરધા હોય છે. આ કળામાં ઈરાનના ફિલ્મમેકર્સનાં નામનાં ઓવારણાં લેવાય છે. એવા જ એક ઈરાનિયન ફિલ્મમેકર છે માજિદ મજિદી. એમણે જથ્થાબંધ નહીં પણ ‘ચિલ્ડ્રન ઓફ હેવન’ જેવી ટકોરાબંધ ફિલ્મો બનાવી છે (જે ‘ઑસ્કર’ના આંગણે આંટો મારી આવી હતી). હવે મજિદી સાહેબ પ્રતિબંધોથી પીડાતા ઈરાનના સીમાડા વટાવીને ઈરાન બનવા તરફ આગળ વધી રહેલા ઈન્ડિયામાં ફિલ્મ બનાવવા આવ્યા છે. તેઓ લઈને આવ્યા છે ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’.
 • આમ તો ઈરાનિયન ફિલ્મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોની શાન બનતી હોય છે. ત્યાં લોકો તેના દેશનું નામ વાંચીને જ જોવા માટે પડાપડી કરતા હોય છે (અને મોટે ભાગે નિરાશ પણ નથી થતા). લેકિન આપણે ત્યાં ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ દર્શાવી રહેલાં થિયેટરોમાં તમે ચાલુ ફિલ્મે લિટરલી સંતાકૂકડી રમી શકો એવી સ્થિતિ છે! એની વે…
 • તેમ છતાં આ ફિલ્મ આપણે ત્યાં ચર્ચામાં આવી એનું પહેલું કારણ હતું એક લબ્ધપ્રતિષ્ઠિત ઈરાનિયન
  majidmajidi
  ઈરાનિયન ફિલ્મમેકર અને ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ના ડિરેક્ટર માજિદ મજિદી

  ફિલ્મમેકર ભારતમાં આવીને ફિલ્મ બનાવી રહ્યા હતા. બીજું, એમાં દીપિકા પદુકોણને લેવાની વાત આવી હતી. અને ત્રીજું, આ ફિલ્મથી શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી રહ્યો હતો.

 • શરૂઆતમાં જે ‘શૉ, ડોન્ટ ટેલ’ (બોલ બોલ ન કરો, બતાવો)ની વાત કરી તેનાં અફલાતૂન ઉદાહરણો છે ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં ઘણે ઠેકાણે વેરાયેલાં છે. ખાસ કરીને તેનાં ઑપનિંગ (એકદમ પહેલો) શૉટ અને ક્લોઝિંગ (એકદમ છેલ્લો) શોટ. છેલ્લા સીનની વાત કરવામાં સ્પોઈલર તરીકે ઓળખાતી રસક્ષતિ થાય તેમ છે. એટલે આપણે ઓપનિંગ શૉટની વાત કરીએ. મુંબઈ (જે આપણને પાછળથી ખબર પડે છે) શહેરના એક ફ્લાયઓવરનો લોંગ (એટલે કે દૂરથી લેવાયેલો શોટ છે). રોડની સામેના છેડે એક કાર ઊભી છે. એક યુવાન કારમાં બેઠેલા લોકો સાથે કંઈક મસલત કરે છે. કાર ચાલતી થાય છે. યુવાન પણ રોડ ક્રોસ કરીને આગળ આવે છે. ચકાચક સ્મૂધ રોડ, બૅકગ્રાઉન્ડમાં દેખાતાં અને આધુનિક મોબાઈલ ટેક્નોલોજીની છડી પોકારતાં હૉર્ડિંગ પ્રગતિ કરી રહેલા ઈન્ડિયાની છડી પોકારે છે. એ જ દૃશ્યમાં ‘કટ્’ વાગ્યા વિના તે યુવાનની સાથે કેમેરા હળવેકથી પાછળ જઈને ફ્લાયઓવરની નીચે આવે છે. અને ત્યાં આપણને બીજું ઈન્ડિયા, સોરી ભારત દેખાય છે. ગટરોની પડખે, ગંદી-ગીચ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા-ખદબદતા ગરીબ લોકોનું ભારત. એ યુવાન ત્યાં જઈને બીજા એક યુવાનની પાછળ મોટરસાઈકલમાં બેસીને નીકળી પડે છે. માંડ અડધી મિનિટ ચાલતા આ દૃશ્યમાં એકેય શબ્દ પણ બોલ્યા વિના ડિરેક્ટર આપણને કહી દે છે કે શહેરની સપાટી પરની ચકાચૌંધની નીચે એક જોવું ન ગમે તેવું બીજું ઈન્ડિયા પણ વસે છે, જેમાંથી આપણી સ્ટોરીનો નાયક આવે છે. ક્લોઝિંગ શૉટમાં આ રીતે માત્ર હાથની મદદથી જ વીતી ગયેલો સમય બતાવવામાં આવ્યો છે. માત્ર કેમેરા દ્વારા ઈફેક્ટિવ સ્ટોરીટેલિંગનો આ બેસ્ટ ઉપયોગ છે!
 • ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ (‘વાદળને પેલે પાર’) સ્ટોરી છે ભાઈ બહેન આમિર (ઈશાન ખટ્ટર) અને તારા (માલવિકા મોહનન)ની. ઉપરવાળાએ એમના નસીબમાં કઠણાઈઓ જ લખી છે. નાનપણમાં જ મા-બાપનું અવસાન, બહેનને દારૂડિયો-અબ્યુઝિવ પતિ મળવો અને ફટાફટ અમીર બની જવાની લ્હાયમાં ઘરેથી ભાગી જઈને માંડ પાછો આવેલો ભાઈ. બહેન ધોબીઘાટમાં કામ કરીને ગુજરાન ચલાવે અને ભાઈ સફેદ પાઉડરની હેરાફેરી કરીને પૈસાદાર થઈ જવાના ખ્વાબ જુએ. બહેનની પાછળ પડેલા લાલચુઓ અને ભાઈની પાછળ પડેલી પોલીસનો ત્રાસ ઓછો ન હોય, એમ કહાનીમાં વધુ એક કરુણ ટ્વિસ્ટ આવે. એક ભયંકર યાતનામાં ફસાઈ ગયેલી બહેનને ઉગારવા માટે ભાઈને ભારોભાર અણગમતા લોકો સાથે પનારો પાડવો પડે. એક સાથે બે બાજુ સમાંતરે વાર્તા ચાલતી જાય અને નૈતિકતા-અનીતિ, વેર-માનવતા વચ્ચે ચલકચલાણું ચાલ્યા કરે.
 • જ્યારે બહારના કોઈ ફિલ્મમેકર આવીને આપણે ત્યાં ફિલ્મ બનાવે ત્યારે આતુરતા એ રહે કે એક આઉટસાઈડર તરીકે તે આપણા દેશને કેવી રીતે જોશે? તે શેના પર કેમેરા માંડશે? જોકે નિરાશાની વાત એ છે કે માજિદ મજિદીને પણ આપણા દેશમાં ગરીબી અને તેની સાથે આવતી પારાવાર યાતનાઓ જ દેખાઈ છે. એટલે સહેજે બહારના મૅકર્સને ગરીબી, ભૂખમરો, ગંદકીવાળું ભારત જ દેખાય છે એ વર્ષોથી ચાલી આવતી વાત રિપીટ કરવાનું મન થાય. ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ જોતાં આપણને મીરાં નાયરની ‘સલામ બોમ્બે’, સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’, ડેની બોયલની ‘સ્લમડોગ મિલ્યનેર’ અને બે વર્ષ પહેલાં આવેલી દેવ પટેલ સ્ટારર ‘લાયન’ યાદ આવ્યા વિના રહે નહીં. કેમકે અહીં તે તમામ ફિલ્મોના શૅડ્સ મોજુદ છે.
 • આપણે ત્યાં ઈરાનિયન ફિલ્મોને અને તેના ચાહકોને ક્લાસી અને દંભી કહીને ઉતારી પાડવાની પણ એક ફેશન છે. પરંતુ પૂર્વગ્રહનાં ચશ્માં બાજુ પર ફગાવીને તટસ્થ રીતે જોઈએ તો આ ફિલ્મમાં પણ ઈરાનિયન સ્ટાઈલનો અને માજિદ મજિદીનો ટચ જોવા મળે જ છે. જેમ કે, શરૂઆતમાં જે બે શૉટ્સની વાત કરી તે, સતત પડછાયા-છાયાકૃતિઓ અને પડદાની પાછળ દેખાતી આકૃતિઓ સાથે કરાતી રમત, એક સીનને લગભગ અધવચ્ચે છોડીને પછીના સીન માટે સસ્પેન્સ ઊભું કરવાની અને પછી જે કંઈ થયું હોય તે સમજવાની જવાબદારી આપણા પર નાખી દેવાની કરામત, ક્યાંક અરીસાના પ્રતિબિંબ દ્વારા તો ક્યાંક અવાજ દ્વારા વાત કહી દેવાની કરામત, પાત્રોને નાટ્યાત્મક બનાવવાને બદલે એકદમ રિયલ જ રાખવાં, એમની મનોસ્થિતિ જાણવા માટે ચહેરાના એકદમ ક્લિયર ક્લોઝઅપ બતાવવા, શહેરનો-આસપાસનાં લોકેશન્સનો માત્ર સ્ટોરીના ભાગરૂપે નહીં, બલકે એક પાત્રની જેમ ઓતપ્રોત થઈ જાય તે રીતે ઉપયોગ કરવો (અહીં મુંબઈ, ત્યાંના ધોબીઘાટ, ઝૂંપડપટ્ટીઓ, બંધ પડેલી મિલ, જેલ, લોકલ ટ્રેન વગેરેનો ઉપયોગ કરાયો છે), સંવાદો ઓછામાં ઓછા રાખીને કેમેરાને જ બોલવા દેવો… આવું ઘણું બધું ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ને આપણી રેગ્યુલર ફિલ્મોથી અલગ બનાવે છે. આ માટે સિનેમેટોગ્રાફર અનિલ મહેતાને પણ ક્રેડિટ આપવી પડે. બાળકો પાસેથી કામ લેવા માટે મજિદી સહિત ઈરાનિયન ફિલ્મ મેકર્સ પાવરધા છે. અહીં પણ મજિદીએ બાળકો પાસેથી એવું જ ઈમોશનલી અપીલિંગ કામ કઢાવ્યું છે.
 • ફિલ્મનાં બંને મુખ્ય પાત્ર સતત એક મોરલ ડાઈલેમા-નૈતિક દ્વિધામાં રહે છે, ખાસ કરીને ઈશાન ખટ્ટરનું પાત્ર. પૈસાની સખત જરૂર છે, પણ એ માટે ખોટો રસ્તો અપનાવવો કે કેમ? તક મળ્યે ખૂન કરવાની ઈચ્છા થતી હોય એવા લંપટ માણસની સલામતી પર જ આપણું ભવિષ્ય દાવ પર લાગ્યું હોય, એની ને એના પરિવારની સેવાચાકરી કરવાનો વારો આવે તો? આપણા પર જેણે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હોય તેની સાથે આપણા સ્વાર્થ ખાતર-આપણી જરૂરિયાત પૂરી કરવા માટે દગો કરવો કે કેમ? પોતાનાં વર્તમાન-ભવિષ્યનાં ઠેકાણાં ન હોય ત્યારે સ્વાર્થી બનવું કે બીજાની મદદ કરવી? જેના પર પૂરેપૂરો ભરોસો મૂક્યો હોય એ જ દગો કરે તો? આવી સતત ચાલતી માનસિક દ્વિધાઓ ફિલ્મને એક બિટર-સ્વીટ ટેસ્ટ આપે છે.
 • પરંતુ પ્રચંડ અફસોસની વાત એ છે કે માજિદ મજિદીની હોવા છતાં ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ જોઈએ તેટલી ઊડતી નથી. બહેન અને ભાઈ એકબીજાની અત્યંત પરવા કરતાં હોવા છતાં એમને અલગ રહેવું પડે છે. ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ તેઓ પોતાના માટે એક પરિવાર શોધી લે છે. લેકિન આ પરિસ્થિતિઓમાં તેઓ કેવી રીતે વર્તશે તે આપણે અગાઉથી જ કળી શકીએ છીએ. તેમનાં ઈમોશન્સ આપણને સ્પર્શે છે, પણ માત્ર સપાટી પર. આપણને હચમચાવી મૂકવા માટે ફિલ્મનો પનો ટૂંકો પડે છે. હંસલ મહેતાની ‘સિટીલાઈટ્સ’માં થયું હતું એમ ફિલ્મનાં પાત્રોને પડતાં દુઃખ કુદરતી કમ અને ઊભાં કરેલાં વધારે લાગે છે. એટલે જ તે આપણને એટલાં બધાં સ્પર્શતાં નથી. કલાકારો જે રીતે પોતાનું ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, દુઃખ વ્યક્ત કરે છે તે મોમેન્ટ્સ પણ વધુ પડતી ડ્રામેટિક અને અગેઈન પ્રીડિક્ટેબલ લાગે છે.
 • Mumbai: Actors Ishaan Khatter and Malavika Mohanan at the song launch of their upcoming film "Beyond the Clouds" in Mumbai on April 6, 2018. (Photo: IANS)
  ઈશાન ખટ્ટર અને માલવિકા મોહનન

  હા, એક વાત નોંધવી પડે કે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહેલો ઈશાન ખટ્ટર અને હિન્દીમાં પહેલીવાર દેખાયેલી મલયાલમ એક્ટ્રેસ માલવિકા મોહનન બંને સરસ કોન્ફિડન્ટ છે. બેમાંથી કોઈનીયે આ પહેલી ફિલ્મ હોય તેવું લાગતું નથી (એ રીતે જોઈએ તો તનિષ્ઠા ચેટર્જીને બાદ કરતાં આ ફિલ્મમાં દેખાતા તમામ ચહેરા આપણા માટે એકદમ નવા જ છે). આ એકદમ ઓફબીટ ફિલ્મ છે, એટલે ઈશાનને પોતાની ડાન્સિંગ સ્કિલ્સ બતાવવાનો મોકો નથી મળ્યો. હા, બે ઠેકાણે ક્વિક અને ત્રીજી જગ્યાએ રહેમાનના ‘મુકાબલા’ સોંગ પર એણે ડાન્સ કર્યો છે ખરો. એના પરથી એટલું કહી શકાય કે એય તે ડાન્સની બાબતમાં ભાઈ શાહિદથી ઊતરતો નથી જ.

 • ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’નું મ્યુઝિક એ. આર. રહેમાને આપ્યું છે અને હિન્દી ડાયલોગ્સ મહામહિમ વિશાલ ભારદ્વાજે લખ્યા છે. જોકે મજિદીની જેમ જ આ બંનેનો પણ ઑરિજિનલ ટચ દેખાતો નથી.
 • ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ માજિદ મજિદીની અગાઉની ફિલ્મોની ઊંચાઈએ નથી પહોંચતી. છતાં તે સિમ્પલ સ્ટોરીટેલિંગનો પાવર તો બતાવે જ છે. લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આંજી નાખે તેવા કલર્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ, જેમનાં નામથી થિયેટર ભરાઈ જાય તેવા સ્ટાર્સ, માત્ર જલસો કરાવવા માટે નખાયેલાં તામસિક મસાલા એલિમેન્ટ્સ વગેરે કોઈપણ બાબત ન હોવા છતાં બે કલાક લાંબી આ ફિલ્મ આપણને ક્યાંય કંટાળવા દેતી નથી. ભાંગ્યું તોય ભરૂચના ન્યાયે અધકચરી હોવા છતાં વર્લ્ડ સિનેમાના અને ઑફ બીટ સિનેમાના ચાહકોએ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ને એક ચાન્સ તો આપવો જ જોઈએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

3 thoughts on “Beyond The Clouds

 1. “ઈરાન બનવા તરફ આગળ વધી રહેલા ઈન્ડિયા”

  આને લાફા નો કયો પ્રકાર કહેવાય??? સાહેબ,
  જે સટ્ટાક કરતો વાંચકો ના ગાલ પર રસીદ કરી દીધો.

  અને હા ઘણા બધા ફિલ્મો અને બુક રીવ્યુ વાંચીયે એ બધામાં માં તમે જે લાખો એ વાંચવાની મજા આવે એનું કારણ જાણતા ખબર પડી કે તમે રહ્યા સાયન્સ ના જીવ અને સાયન્સ માં પરીક્ષાઓ ની તૈયારી વખત એજ કહેવામાં આવે છે કે મુદ્દાસર અને તમે જે સમજ્યા હોય એજ લખવું જે હજુ તમે જાળવી રાખ્યું છે બાકી સત્વ હીન ફકરાના ફકરા માં એક પ્રકાર ની આળસ અને કંટાળો આવે.

  ધન્યવાદ સાહેબ

  Like

  1. આભાર. જસ્ટ એક જ વાત કે તમે જે વાક્યનો ઉલ્લેખ કર્યો એ ‘સટ્ટાક’ વાચકોના ગાલ પર નહીં બલ્કે લોકોની સ્વતંત્રતા પર તરાપ મારી રહેલાઓના ગાલ માટે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s