ભૂતિયાનાશ!

રેટિંગઃ * (એક સ્ટાર)

mv5boge3yjqzotatndbims00ytu1lwixnjytoge2mdjmntu5y2m4xkeyxkfqcgdeqxvynjq2mjq5nzm-_v1_ql50_sy1000_cr006921000_al_અભય દેઓલ સુપર ચૂઝી એક્ટર હોવાનું કહેવાય છે. બે ફિલ્મ વચ્ચે એ આમિર ખાન કરતાં પણ વધુ સમય લે છે. છેલ્લે એ 2016માં આવેલી ઓકે-ઓકે કોમેડી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’માં દેખાયો હતો. હવે એણે દસ ગળણે ગાળીને સિલેક્ટ કરેલી ફિલ્મ આપી છે ‘નાનુ કી જાનુ’. ટ્રેલર કહે છે કે આ ફિલ્મ ‘ગોલમાલ અગેઈન’ (કે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ માઈનસ નંગુપંગુવેડા) જેવી હોરર કોમેડી છે. હોરર કોમેડી યાને કે ફિલ્મમાં સાચુકલાં ભૂત રખડતાં હોય, પણ આપણે ડરવાને બદલે ખિખિયાટા કાઢતા હોઈએ. પરંતુ શરત એ છે કે હોરર કોમેડીમાં હસવું આવવું જોઈએ. ‘નાનુ કી જાનુ’માં પ્રોબ્લેમ એ છે કે તેમાં ભૂત ડરાવતું નથી, જોક્સ હસાવતા નથી, ઈમોશન્સ રડાવતાં નથી અને આખી ફિલ્મ માત્ર અકળાવે છે કે એક્ઝેક્ટ્લી તમારે બતાવવું છે શું?

ભૂતનિયા પે દિલ આ ગયા

નાનુ યાને કે અભય દેઓલ દિલ્હીનો એક ગુંડો છે, જે લોકોનાં ઘરોમાં ભાડુઆત તરીકે રહેવા આવે અને પછી ‘ખોસલા કા ઘોંસલા’ના ખુરાનાની જેમ એના પર કબ્જો કરી લે. લેકિન અભય અપુન કી પિચ્ચર કા હીરો હૈ, એટલે એ ગમે તે કરે પાછો હોય એકદમ નેકદિલ- ભગવાન કા આદમી. એક્સિડન્ટનો ભોગ બનેલી વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડે, પાડોશીઓ સાથે સારા સંબંધો રાખે, એમની ઑટિસ્ટિક દીકરીને ચોકલેટો આપે, મમ્મી બહારગામથી આવે તો ‘માં, તુમ આ ગયી, માં?!’ કરી ઊઠે વગેરે વગેરે. આવો જ એક પરોપકાર કરવામાં એક દિવસ એ બરાબરનો સલવાય છે. પોલીસ-બોલીસ નહીં, સીધી એક પ્રેતાત્મા જ એની પાછળ પડી જાય છે. પણ પછી એ પ્રેતાત્માના પપ્પા એન્ટ્રી મારે, હીરોની મમ્મી એન્ટ્રી મારે, માતારાનીના જગરાતા આવે, CIDની ‘કુછ તો ગડબડ હૈ, દયા’ ટાઈપની ડિટેક્ટિવગીરી આવે, થોડી સમાજસેવા, બહુ બધા રોનાધોના આવે અને બિલિવ મી, જીવતો માણસ અને એક ભૂતનિયાની લવસ્ટોરી પણ આવે… ત્યાં સુધીમાં આપણે એ ભૂલી ચૂક્યા હોઈએ કે હાઈલા, આપણે તો એક કોમેડી ફિલ્મ જોવા આવેલા!

બર્દાશ્ત કે બાહર હો ગઈલ

ચાઈનીઝ ખીચડી જેવી ‘નાનુ કી જાનુ’ ત્રણ વર્ષ પહેલાંની તમિળ ફિલ્મ ‘પિસાસુ’ની રિમેક છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમિળના ડિરેક્ટર મિસ્કિને ક્રાઈમ-પનિશમેન્ટ-પસ્તાવાની થીમ પર કરોડરજ્જુ હલબલાવી મૂકે એવી હોરર ફિલ્મ બનાવેલી. પરંતુ હિન્દીના ડિરેક્ટર ફરાઝ હૈદરને લાગ્યું હશે કે અહીંયા કોઈને ક્રાઈમ કર્યા પછી પસ્તાવા જેવું કંઈ થતું નથી એટલે એવી થીમ પર તો કોમેડી જ બને ને? બસ, એમણે મૂળ સ્ટોરીની ઈવેન્ટ્સ યથાતથ રાખીને આજુ બાજુ કોમેડી જેવો દેખાતો મસાલો ભભરાવી દીધો. નતીજા? ‘નાનુ કી જાનુ’!

‘નાનુ કી જાનુ’ના રાઈટર છે મનુ રિશિ ચઢ્ઢા, જેમણે સુપર્બ ‘ઓયે લક્કી લક્કી ઓયે’ના ડાયલોગ્સ પણ લખ્યા હતા. અભય દેઓલની આ બંને ફિલ્મોમાં મનુ રિશિએ પણ એક્ટિંગ કરી છે. પરંતુ આ જ મનુ રિશિએ ‘નાનુ કી જાનુ’ લખવામાં ભયંકર વેઠ ઉતારી છે (અને પોતે સ્ક્રીન પર દેખાતા રહે એનું ધ્યાન રાખ્યું છે!). કોઈ જ કારણ વિનાના લાંબા લાંબા સીન ચાલ્યા કરે, જેમાં કોમેડી કે હોરર તો છોડો, એ સીન્સનો હેતુ જ સમજાય નહીં. જેમ કે, એક સીનમાં અભય દેઓલ પાડોશી પાસે બોટલ ઓપનર માગવા જાય છે, બીજા લગભગ અડધો ડઝન સીનમાં અભય અને એની ગેંગ પોઈન્ટલેસ બકવાસ કર્યા કરે,પિતા-પુત્રી સિગારેટના વ્યસનની મગજમારી કરે, કોઈ યુવાન વચ્ચે આવીને ઉધાર પૈસા માગવા માંડે (એ જોઈને આપણને પણ ટિકિટના પૈસા પાછા માગવાનું મન થઈ આવે!)… કોઈ એનાકોન્ડા છાપ સોપ ઓપેરાની જેમ નિરાંતે બધું આવ્યા કરે. કંટાળો તમતમારે તબિયતથી! આખી ફિલ્મમાં ભાગ્યે જ કોઈ યાદ રહી જાય એવાં વનલાઈનર્સ છે. જાણે ફિલ્મની સ્ક્રિપ્ટના રફ ફર્સ્ટ ડ્રાફ્ટ પરથી જ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે. ફિલ્મ કેટલી ડાબા હાથે ઉતાવળે બની હશે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવે છે કે આખા સ્ક્રીન પર ખોટા અંગ્રેજીમાં ‘After Few Weeks’ને બદલે ‘After Few Week’ લખેલું દેખાય છે! હમ લોજિક માર ડાલા, ગ્રામર કા ચીજ હૈ?!

ફિલ્મ થોડી સિરિયસ થઈ રહી છે એવું લાગે એટલે તરત જ બેકગ્રાઉન્ડમાં સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં આયા ભાગો આયા… ભૂત આયા’ વાગવા માંડે. જેથી આપણને યાદ આવે કે ફિલ્મમાં ભલે બધું સિરિયસ બનતું હોય, પણ આપણે તો પેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કહે છે એમ ‘ઠહાકે’ જ લગાવવાના છે (પણ બેમાંથી એકેયમાં ક્યાંય ઠહાકા દેખાતા નથી!).

આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ કદાચ બાળકો હોઈ શકત. પરંતુ પીટ ક્લાસ પબ્લિકને ખુશ કરવા માટે મૅકર્સે શરૂઆતમાં જ ભોજપુરી ડાન્સર સપના ચૌધરીનું આઈટેમ સોંગ ઘુસાડીને એ પણ બરબાદ કરી દીધું છે. એના ભળતા ચેનચાળા, અંગોના ઉલાળા અને ફુલ સ્ક્રીનમાં એની છાતી પર ફોકસ થતો કેમેરા જોઈને છૂટ્ટું ખાસડું ફેંકવાનું મન થાય. બાકીનાં સોંગ્સ પણ ભાતમાં કાંકરી જેવાં છે.

નો ડાઉટ, ભૂતની એન્ટ્રી વખતે થોડી મજા પડે છે. કેમ કે ત્યાં જેન્યુઈન સરપ્રાઈઝ, થ્રિલ અને કોમેડી છે. પણ ત્યાં જ અલ્ફ્રેડ હિચકોકની યાદ અપાવે એવા ટ્વિસ્ટ સાથે એક દુઃખી પિતા તરીકે રાજેશ શર્માની એન્ટ્રી થાય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ ઓછો હોય તેમ હિમાની શિવપુરી પણ દેખા દે છે. કંઈ નહીં તો એક લાં..બા સીન માટે મનોજ પાહવા પણ આવે. વારે ઘડીએ દડાથી રમતી એક ઑટિસ્ટિક બેબલી આવે, ફુલ ટાઈમ પત્નીને ટીપવાનું જ કામ કરતો એક જાનવર જેવો પતિ આવે, પત્નીથી સંતાઈને બિયર પીતો પતિ (બ્રિજેન્દ્ર કાલા) આવે, હીરો અને ભૂતનિયાનું લવ સોંગ આવે… આ તમામ સબપ્લોટ્સનો હેતુ શું છે એ સમજવા માટે થિયેટરમાં એક ગાઈડબુક વહેંચવી પડે એવું છે. ઈવન ભૂતનો પ્રોબ્લેમ શું છે કે જૅપનીસ હોરર ફિલ્મ ‘રિંગ’ની સ્ટાઈલમાં ‘અવતાર’ જેવો બ્લ્યુ મેકઅપ કરીને રખડ્યા કરે છે. અરે, આ ભૂત તો સમાજ સેવા પણ કરે છે, બોલો! એક્ચ્યુઅલી, આ ફિલ્મ નથી રેલવે સ્ટેશન છે, જ્યાં કોઈ ગમે ત્યારે આવે અને જાય છે. બસ, આપણે જ્યાં જવું છે એ ‘મજા એક્સપ્રેસ’ જ નથી આવતી!

અભય દેઓલ ટેલેન્ટેડ એક્ટર છે, પણ એને સત્વરે એક સરસ સ્ક્રિપ્ટ અને મંજાયેલા ડિરેક્ટરની જરૂર છે (બાકી એ ભલે ગાયબ રહેતો, આપણને વાંધો નથી!). આ ફિલ્મમાં એના ચહેરા પર પણ ખોટી ફિલ્મમાં ફસાઈ ગયાનો કંટાળો ચોખ્ખો જોઈ શકાય છે! કાગળ પર તો પત્રલેખા ફિલ્મની હિરોઈન છે, પણ એ બિચારીના ભાગે એટલી ઓછી સ્ક્રીનસ્પેસ આવી છે કે એના કરતાં હિમાની શિવપુરી સ્ક્રીન પર વધુ દેખાય છે! હંસલ મહેતાની ‘સિટી લાઈટ્સ’માં પ્રોમિસિંગ લાગેલી આ ક્યુટ અદાકારાને પણ એટલિસ્ટ આવી સ્ક્રિપ્ટ તો ન જ મળવી જોઈએ (બાય ધ વે, આ કુપોષણની દર્દી જેવી લાગતી પત્રલેખાને કો’ક ખવડાવો બાપલ્યા!). નબળી સ્ક્રિપ્ટ અને એવા જ ડિરેક્શનનો પ્રતાપ છે કે ગમે તેવા નાનકડા રોલમાં પણ છવાઈ જનારા રાજેશ શર્મા, બ્રિજેન્દ્ર કાલા પણ અહીં સાવ કૃત્રિમ લાગે છે.

ગઈલ ભૈંસિયા પાની મેં

થોડા દિવસોનો સવાલ છે, અભય દેઓલ સહિત સૌ કોઈ આ ફિલ્મને ભૂલી જવાના છે. પરંતુ એકદમ પોઝિટિવ એટિટ્યુડ રાખીને પણ જો આ ફિલ્મ જોઈએ તો તેમાં યાદ રાખવા જેવી ત્રણ બાબતો છેઃ સિગારેટ-બિયર ન પીવાં જોઈએ, સ્કૂટર ચલાવતી વખતે હેલમેટ પહેરવું જોઈએ અને ગાડી ચલાવતી વખતે ફોન ન વાપરવો જોઈએ. અને આવી મહાન સૂચનાઓ ફિલ્મમાં એક પ્રેતાત્મા આપે છે! હવે તમે જ વિચારી લો કે દેખના ચાહી યે સનિમા?!

Reviewed for DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “નાનુ કી જાનુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s