રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)+ 0.5* (મૅચ્યોર ટ્રીટમેન્ટ અને સરસ અડૅપ્ટેશન માટે) = ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

 • 1200px-reva_poster2013ના આવા જ ગરમીના માહોલમાં હું FTII, પુણેમાં ‘ફિલ્મ એપ્રિશિયેશન કોર્સ’ કરવા ગયેલો. ત્યાં એક દહાડે બધા પાર્ટિસિપન્ટ્સ પોતપોતાની ભાષામાં છેલ્લાં થોડા સમયમાં આવેલી મસ્ત ફિલ્મો એકબીજાને બતાવવાની હોડમાં ઊતર્યા હતા. સાઉથની અને બંગાળી ફિલ્મોના બાશિંદાઓ પાસે તો નૅચરલી આખો ફેસ્ટિવલ કરીએ તોય ન ખૂટે એટલી ચકાચક ફિલ્મો હતી. મરાઠીભાષીઓ ‘નટરંગ’, ‘બાલગંધર્વ’, ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’થી લઈને ‘બાલક પાલક’નાં નામ આપી રહ્યાં હતાં. મારી પાસે ‘કેવી રીતે જઈશ’ સિવાય ખાસ કોઈ નામ નહોતું. પણ ધારો કે આ વર્ષે કોઈ ત્યાં કોર્સ કરવા જાય અને એવી સ્થિતિ આવે તો એ ખોંખારો ખાઈને ‘રેવા’નું નામ આપી શકે!
 • ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘વી આર અ કન્ટ્રી ઑફ વૉચર્સ, નોટ રીડર્સ.’ એટલે જ અહીંયા રાઈટર્સ કરતાં એક્ટર્સ વધુ પોંખાય છે. બહુ ઓછા લેખકોને સેલિબ્રિટી સ્ટેટસ મળે છે ને માત્ર લખીને-પુસ્તકોના સેલિંગમાંથી ‘ફોર્બ્સ’ના ધનાઢ્યોનાં લિસ્ટમાં શુમાર થયા હોય એવા લેખકો ધોળે દહાડે પણ જોવા મળતા નથી. આ જ વસ્તુ રિફ્લેક્ટ થાય છે આપણી ફિલ્મોમાં. કોઈ સર્જક પુસ્તક પરથી ફિલ્મ બનાવવાની ભાગ્યે જ હિંમત કરે છે. કેમ કે, પુસ્તકની સેંક્ટિટી જાળવવી, લેખક-પુસ્તકને ન્યાય કરવો (ફિલ્મ જોઈને મૂળ લેખક રિસાઈ ન જાય એ જોવું), ફિલ્મ જોતી વખતે નવલકથા વાંચતા હોઈએ એવું ન લાગે એનુંય ધ્યાન રાખવું અને આ બધું કર્યા પછીયે ઑડિયન્સ થિયેટરમાં આવે એ માટે તો ફિંગર્સ ક્રોસ્ડ કરીને બેસવું! એટલે જ મોટાભાગના મૅકર્સ બુક્સનું ફિલ્મમાં અડૅપ્ટેશન કરવાની હિંમત જ કરતા નથી (હા, વિશાલ ભારદ્વાજની વાત અલગ છે!). આપણે ત્યાં ગુજરાતીમાં તો મોસ્ટ્લી ફિલ્મ બનાવવી એ જ મોટી હિંમતનું કામ છે, ત્યારે કોઈ નવલકથા પરથી ફિલ્મ બનાવે એટલે પાસિંગ માર્ક્સ તો એ હિંમતના જ આપી દેવા પડે! ડિરેક્ટર જોડી રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ ધ્રુવ ભટ્ટની ‘તત્ત્વમસિ’ને ફિલ્મ સ્ક્રીન માટે અડૅપ્ટ કરીને આવી હિંમત કરી છે. નર્મદાને જ લીડ કેરેક્ટર તરીકે પેશ કરતી આ ફિલ્મનું નામ પણ છે ‘રેવા’. આમેય નર્મદાના નામે આપણે ત્યાં અત્યાર સુધી રાજકારણ જ થયું છે, કોઈ ફિલ્મ બનાવે ત્યારે અમથો અમથોય હરખ થાય.
 • નર્મદાનાં પાણીમાં માથાબોળ સ્નાન કરીને નીકળતા નાયકવાળું ટીઝર અને પછી ટ્રેલર જોઈને એટલી તો ખાતરી થયેલી આ ફિલ્મ પાછળ મહેનત તો ખાસ્સી થઈ છે. ટ્રેલર જોઈને એક ધાસ્તી હતી કે નોવેલને પડદા પર ઉતારવાના ઉત્સાહમાં આખી ફિલ્મ ઓવર સાહિત્યિક ન થઈ જાય તો સારું. કેમ કે, ટ્રેલરમાં એવા ઘણા સંવાદો ભભરાવેલા હતા.
 • વેલ, ‘રેવા’ એક મૅચ્યોર ફિલ્મ છે. છેલ્લા થોડા સમયમાં આવેલી ફિલ્મોમાં કદાચ સૌથી વધુ મૅચ્યોર. 2 કલાક ને 20 મિનિટ લાંબી આ ફિલ્મની મૅચ્યોરિટી તેના રાઇટિંગમાં, અડૅપ્ટેશનમાં, એક્ટિંગમાં, મ્યુઝિકમાં અને સિનેમેટોગ્રાફીમાં દેખાય છે.
 • વાર્તાના કેન્દ્રમાં છે એક યુવાન, જે પોતાના સ્વાર્થ માટે નર્મદાના સંપર્કમાં આવે છે અને એ પછી એનું આખું જીવન બદલાઈ જાય છે. ફિલ્મ કે નોવેલ બેમાંથી જેના સંપર્કમાં પહેલીવાર આવ્યા હો, તે પછી બીજું વર્ઝન જાણવાની તાલાવેલી ટ્રિગર કરે તેવી આ સ્ટોરી છે. મેં પોતે ‘તત્ત્વમસિ’ આખી વાંચી નથી. ફિલ્મ જોયા પછી તેનાં સાતેક ચેપ્ટર વાંચ્યાં અને આનંદ એ વાતનો થયો કે રાઇટર-ડિરેક્ટરે મૂળ વાર્તાને ક્લટર ફ્રી કરીને, તેની ભાષા સુધારીને, તેમાં એક ફિલ્મને છાજે એવાં રસપ્રદ-ટ્વિસ્ટી એલિમેન્ટ્સ ઉમેરીને અને લાર્જર ઑડિયન્સને પચે એવા વાઘા પહેરાવીને પેશ કરી છે. સાથોસાથ નોવેલના ‘લે ખાઈ લે’… ‘આપી દે’, ‘તમે પુનર્જન્મમાં માનો છો?… તમે આ જન્મમાં માનો છો?’, ‘નદી તે રક્ષા કરે કે ડુબાડે?… એ તો જેવી જેની ભાવના’, ‘ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ’… આવા ક્વોટેબલ ક્વોટ્સ જેવા મોટાભાગના ડાયલોગ્સ આવરી લીધા છે. અને આનંદની વાત એ છે કે તે ફોર્સફુલ નથી લાગતા. વધુ એક આનંદ એ વાતે પણ થયો કે આ ફિલ્મ નખશિખ ગુજરાતી લાગે છે (અંગ્રેજીમાં ટાઇટલ-એન્ડ ક્રેડિટ્સને બાદ કરતાં). અધકચરું-હિન્દી મિશ્રિત ઉચ્ચારોવાળું ગોબરું ગુજરાતી પણ અહીંયા નથી. ઇવન નોન-ગુજરાતી કલાકારો પણ સારું ને સાચું ગુજરાતી બોલે ત્યારે હૈયે મસ્ત ટાઢક થાય! હા, એટલું ખરું કે આ ડાયલોગ્સ અને નોવેલની ઘણી બધી બાબતો આવરી લેવાની લ્હાયમાં ફિલ્મ ખાસ્સી વર્બોઝ બની ગઈ છે. એટલે કે બધાં પાત્રો સતત કંઈક ને કંઈક બોલ્યા કરે અને કેમેરાને બોલવા માટે બહુ ઓછી જગ્યા બચે.
 • છતાં રાહતની વાત એ છે કે કેમેરા બોલ્યો તો છે જ. નર્મદા એટલે આપણે ત્યાં ‘સરદાર સરોવર’-ડૅમ અને દૂર દૂર સુધી ફેલાયેલી રક્તવાહિનીઓ જેવી કૅનાલ્સ. પણ ‘રેવા’ જોઈએ એટલે ક્યાંક પહાડોની વચ્ચેથી મસ્તીમાં વહેતી નર્મદા, ક્યાંક તોફાની અલ્લડ છોકરીની જેમ ધોધની જેમ ખાબકતી નર્મદા, ક્યાંક શાંત વિદૂષીની જેમ વહેતી નર્મદા… એવાં એનાં જાતભાતનાં સ્વરૂપોનાં દર્શન થાય. મૅકરે મહેશ્વરથી લઇને પોળો ફોરેસ્ટ સુધીનાં લોકેશન્સ વાપર્યાં છે, પણ ક્યાંય કદરૂપી બિલ્ડિંગ્સ આંખને ખૂંચતી નથી. હા, દર થોડીવારે આવતાં ડ્રોન શૉટ્સ વધુ પડતા લાગી શકે, પણ નર્મદાની બ્યુટી, ગાલીચાની જેમ પથરાયેલી લીલોતરી અને મંદિરોના એરિયલ શૉટ્સ આંખ ઠારે છે એટલે ફરિયાદ કરવાનું મન થતું નથી (બાકી ગુજરાતી ફિલ્મમૅકર્સ ડ્રોન શૉટ્સની પાછળ ઈન્ટરપોલની જેમ પડી ગયા છે એય હકીકત છે).
 • ‘રેવા’ને મસ્ટ વૉચની કેટેગરીમાં મૂકતી બીજી એક બાબત છે તેની સોલિડ સ્ટારકાસ્ટ. ફિલ્મનો મેઇન પિલર છે લીડ એક્ટર ચેતન ધાનાણી. અલબત્ત, એનું ગુજ્જુ છાંટવાળું અંગ્રેજી જોઈને સપનામાં પણ વિશ્વાસ ન આવે કે આ યુવાન અમેરિકામાં જ ઊછરીને મોટો થયો હશે. એમનું ગિટારવાદન પણ એટલું જ કૃત્રિમ લાગે છે! પણ હા, એ કેમેરા સામે સુપર કોન્ફિડન્ટ છે અને પોતાના જિમમાં કસાયેલા ખભા-સેલોંમાં સેટ થયેલા માથા પર આખી ફિલ્મ ઊંચકી જાણે છે. મોનલ, સોરી, એમ. મોનલ ગજ્જરના ભાગે કડક સ્ટાર્ચ્ડ સાડી અને પર્ફેક્ટ મેકઅપ-સ્ટ્રેટન હેર સાથે ક્યુટ દેખાવા સિવાય ખાસ કામ નથી આવ્યું. આટલું બધું સજના-સંવરના પતાવ્યા પછી એ આખા આશ્રમનું કામ કઈ રીતે સંભાળતી હશે એ સવાલ થાય! સતત ‘બાજીરાવ મસ્તાની’ના ગેટઅપમાં આવેલા યતીન કર્યેકર આટલું શુદ્ધ ગુજરાતી બોલી શકે છે એ જ મારા માટે તો હરખની વાત હતી. બાકીની કાસ્ટ પણ મસ્ત અને નૅચરલ. અભિનય બૅન્કર (શું કામ એ વધુ ફિલ્મોમાં ને વધુ દમદાર રોલમાં દેખાતા નથી?), દયાશંકર પાંડે (aka ચા.લુ. પાંડે), ક્યુટ રૂપા બોરગાંવકર (આટલી સરસ એક્ટિંગ હોવા છતાં એ ‘કાળો ભમ્મરિયાળો’ સોંગમાં તદ્દન નકલી ને પરાણે હોઠ શા માટે ફફડાવે છે?), પ્રશાંત બારોટ (‘શ્રીહરિ’), અતુલ મહાલે (‘બિત્તુ-બંગા’માંના એક ઓલમોસ્ટ ‘સિયામિઝ’ ટ્વિન) અને મોટા ચાંલ્લાવાળાં ને નાનકડી ભૂમિકાવાળા સેજલ શાહ-ઝા… હંધાય ઈમ્પ્રેસિવ. હા, ફિરોઝ ભગતના ભાગે વન નૉટ કેમિયો સિવાય કશું આવ્યું નથી. થેન્ક ગોડ કે આ ફિલ્મમાં એકાદને બાદ કરતાં નોન-એક્ટર એક્ટર્સને લેવાયા નથી એ પણ સારું જ થયું છે.
 • અમર ખાંધાએ કમ્પોઝ કરેલા ‘રેવા’ના OSTમાં ‘કાળો ભમ્મરિયાળો જામો પહેરાવો કાળા કાનને’ ગીત સૌથી વધુ ઇમ્પ્રેસિવ બન્યું છે. જ્યારે પણ સાંભળીએ રૂંવાડાં ઊભાં થઈ જાય. મિનિમમ મ્યુઝિક સાથેનું આ ગીત ગિરનારની ખીણમાં વહેલી સવારે પડઘાતા પ્રભાતિયા જેવું ભાસે છે. એવાં જ આહલાદક વર્ઝન છે ‘મા રેવા’નાં બંને વર્ઝન. એ બંનેના પહાડી અવાજના માલિક ગાયકો એવા કીર્તિદાન ગઢવી અને દિવ્યા કુમારની પસંદગી પણ પર્ફેક્ટ (આદિત્ય ગઢવી પણ સારી ચોઈસ બની શકત). આ ફિલ્મનાં પાંચેક ગીતો ખુદ લીડ એક્ટર ચેતન ધાનાણીએ લખ્યાં છે એ ખાસ નોંધવું જોઈએ. આ આલ્બમ મોબાઈલમાં સંઘરી રાખવાની લાલચ રોકી શકાય એવું તો નથી જ.
 • જોકે લગભગ અઢી કલાકની આ ફિલ્મ નર્મદાના ફ્લોની જેમ ફ્લૉલેસ નહીં, પણ અત્યારની સાબરમતીના ફ્લો જેવી વચ્ચે વચ્ચે પાણીનો પ્રવાહ ઘટી જાય એવી છે. આગળ કહ્યું તેમ ‘રેવા’ ખાસ્સી વર્બોઝ છે ને કેમેરા કરતાં કેરેક્ટર્સ વધુ બોલે છે. ભલે નોવેલ પર આધારિત હોય, પણ ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે પ્રીડિક્ટેબલ છે ને આપણે ન ઈચ્છીએ તોય ‘સ્વદેશ’ સાથે સરખામણી થઈ જાય એવી છે. ભારતથી અજાણ્યા NRI યુવાનનું ગામડામાં આગમન, સતત સાડીમાં ફરતી બ્યુટિફુલ એજ્યુકેટેડ યુવતી, ગરીબી-અંધશ્રદ્ધાના અનુભવો, ઠરેલ ને સાલસ લોકો, રામલીલા જેવો સંગીત જલસો… આ બધું જ સીધાં પેરેલલ દોરી શકાય એવું છે. ‘સ્વદેશ’ની જેમ અહીં દયા શંકર પાંડે પણ છે, બોલો! મને તો બીક લાગતી’તી કે ‘રેવા’ના નાયકને પણ અમેરિકાથી ‘નાસા’નો કૉલ ન આવી જાય!
 • નો ડાઉટ, ફિલ્મના કેન્દ્રમાં નર્મદા છે, પણ ફિલ્મનાં બધાં જ પાત્રો સેન્ટિમેન્ટલ થઈને નર્મદાને સતત રોમેન્ટિસાઈઝ કરતાં હોય એવું લાગ્યા કરે. બેહોશ થયેલો હીરો ભાનમાં આવે અને પૂછે કે ‘હું ક્યાં છું’ ત્યારે સામેની વ્યક્તિ ‘મા નર્મદાના ખોળે’ એવો કાવ્યાત્મક જવાબ આપે? કમ ઑન યાર! આખી ફિલ્મમાં અનહદ વખત ‘નર્મદા નર્મદા’ બોલાય છે, જે ટાળી શકાયું હોત (પર્સનલી મને આ ફિલ્મની સેન્ટિમેન્ટાલિટી બહુ અડી નહીં અને એટલે જ ફિલ્મના નાયકની જેમ મને ‘રેવા’ મળી નહીં!). અમુક સીનમાં મને એ ન સમજાયું કે ફટાફટ કટ થતા દૃશ્યમાં એ જમ્પ કટ્સ છે કે લોચાવાળા કટ્સ. ટ્રેનવાળા સીનમાં ક્રોમા પણ બકવાસ. એક સીનમાં હીરો કોઈ ઈમોશનલ ડાયલોગ બોલતો હોય ત્યારે સંવાદ ચાલુ હોય પણ કેમેરા એન્ગલ ફરે એટલે એક્સપ્રેશન પણ બદલી જાય!
 • ફિલ્મ પૂરી થયા બાદ પણ અમુક પ્રશ્નોના મને લોજિકલ જવાબો પણ ન જડ્યા. જેમ કે, નર્મદાપ્રેમી દાદાના હાથ નીચે ઊછરવા છતાં આ હીરો આટલો કડવો અને નર્મદાથી આટલો અલિપ્ત કઈ રીતે રહ્યો હોઈ શકે? દાદાએ એને નર્મદાની વાતો નહીં કહી હોય? ક્યારેય પોતાની સાથે નર્મદા દર્શને લઈ જ નહીં આવ્યા હોય? આશ્રમવાસીઓને કરોડોની સંપત્તિ વિશે સમજાવીને એમની સાથે પ્રેક્ટિકલી વાત કરવાને બદલે એમને અંધારામાં રાખીને સહીઓ લેવાનો શો અર્થ? એમને મળેલી સંપત્તિથી એમનું કલ્યાણ રાતોરાત થઈ ગયું હોત! અને સૌથી ખરાબ, ‘વિચ હન્ટિંગ’-સ્ત્રીને ડાકણ જાહેર કરી દેવાની સિક્વન્સ હાડોહાડ અંધશ્રદ્ઘાની તરફેણમાં કેમ નમે છે?
 • અને બાય ધ વે, સ્મૂધલી ચાલતી વાર્તામાં યંગ ગુજરાતી સ્ટારનો (એઝ હિમસેલ્ફ) કેમિયો નાખવાનું શું લોજિક? માત્ર એના સ્ટારડમને ઍનકેશ કરીને યંગર ક્રાઉડને આકર્ષવા સિવાય તે કેમિયોનો બીજો શો પર્પઝ હોઈ શકે? સોરી, બટ એ સ્ટાર આવીને એ જ ફિલ્મમાં એ જ નોવેલ વાંચતો હોય અને એનું માર્કેટિંગ કરતો હોય એ થોડું વિચિત્ર લાગે છે.
 • બટ અગેઈન, ‘રેવા’ના પ્રવાહની આડે આ હર્ડલ્સ બહુ મોટા નથી. ઘણા સમયે એક સરસ પૅકેજિંગવાળી ક્લીન કમ્પ્લિટ ફેમિલી ગુજરાતી મુવી આવી છે. ચૂકશો નહીં. હા, આ ફિલ્મ જોયા પછી તમને નર્મદાનાં અફલાતૂન લોકેશન્સ પર ફરવા જવાની ઈચ્છા થયા વિના નહીં રહે!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s