રેટિંગઃ ** (બે સ્ટાર)
સેડિસ્ટ છે, સેડિસ્ટ! ‘બાગી -2’ના મૅકર્સ કમ્પ્લિટલી સેડિસ્ટ છે! એમણે એક તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’નો પ્લોટ સત્તાવાર રીતે ઉછીનો લીધો. રૅરેસ્ટ ઑફ ધ રૅર ઘટના તરીકે એમણે ઑરિજિનલ ફિલ્મને ક્રેડિટ પણ આપી. સાઉથની એ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર. એટલે એને જો પૂરેપૂરી ફેઇથફુલ રહીને બનાવી હોત તો આપણને એક મજેની ‘દૃશ્યમ’ છાપ સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ જોવા મળત. લેકિન નો. નડિયાદવાલા ગ્રાન્ડસને નક્કી કર્યું છે કે આ વખતે તો દર્શકોને એમની ગ્રાન્ડમધર યાદ આવી જાય એવું જ કરવું છે.
- સેડિઝમની એ પરંપરાના પહેલા પગલા તરીકે એમણે ટાઈગર શ્રોફને સાઇન કર્યો. એવું વિચારીને કે ‘પહેલું (બ)’થી લઇને ‘વાણિજ્ય-વિનયન પ્રવાહ’ સુધીના મોટા ભાગના પોલિટિકલ નોન વોટબેંકમાં આવતા લોકો ટાઈગરને જ વોટ આપવાના છે. એટલે થિયેટર તો ભરાઈ જ જવાનું છે. અધૂરામાં પૂરું બિનસાંપ્રદાયિક તહેવારોની હારમાળા આવી ગઈ, એટલે જૅકી ઘેર આનંદ ભયો! પણ ટાઈગરનો લોચો એ છે કે એને એક હાથની ટચલી આંગળી પર શીર્ષાસનની સ્થિતિમાં 100 પુશઅપ્સ કરવાનું કહો તો એ હસતાં હસતાં કરી આપે, પણ કેમેરા સામે રડવાનું આવે તો એ સાચોસાચ રડી પડે, પણ કેમેરા સામે સાચું લાગે તેવું ન રડી શકે! ટૂંકમાં એ ચહેરા સિવાય શરીરના બાકીના તમામ સ્નાયુઓ પાસેથી સારી એક્ટિંગ કરાવી શકે છે! એટલે આપણે પણ વે’વારે સમજીને આપણું ધ્યાન ટાઈગરના ચહેરાને બદલે બાકીના ઉબડખાબડ સ્નાયુઓ પર જ રાખવું. પણ બાકીના જે લોકો એવું વિચારીને આવ્યા હોય કે ફિલ્મ છે તો કંઇક એક્ટિંગ પણ હશે, તો એ લોકોને ભરોસાની ભેંસે નીરવ મોદી જણ્યા જેવું થાય.
- બીજો વિકૃત આનંદ લીધો ગીતોમાં. ટાઈગરના હાથ-પગ ભારતના કાયદાઓની જેમ સારા વળે છે, એટલે એ નાચવા જેવું કરે તો મજા આવે પણ ખરી. પણ આ તો દર થોડી વારે એક ગીત. જાણે ગીત ન થયું, અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો મેસેજ થઈ ગયો! આપણને જ્યાં એવું થાય કે હવે ‘ગ્યો હો, ટાઈગરિયાનો મગજ… હમણાં એ શેરડીના સાંઠાની જેમ ઓલા વાયડીનાના ઢીંઢાં ભાંગી નાખશે…’ ત્યાં એ ફ્લૅશબેકમાં સરી પડીને નાચવા માંડે! બાકી હતું તે બબ્બે રિમિક્સ નાખ્યાં. એમાંય એક તો માધુરીવાળું ‘એક દો તીન’. નો ડાઉટ, હિલ સ્ટેશનના રસ્તાઓ જેવા જૅકલિનના વળાંકો જોવાની મજા આવે, પણ યાર, ‘એક દો તીન?’ સિરિયસલી? અને આટલું ખરાબ રિમિક્સ? એવાં રિમિક્સ બનાવનારાઓને તો ચોવીસે કલાક ઢીનચાક પૂજાઓનાં ગીતો સાંભળવાની સજા કરવી જોઇએ. ફિલ્મમાં આ ગીત એટલી ખરાબ જગ્યાએ આવે છે કે પડદા તરફ હડી કાઢીને મૅકર્સનો ટોટો પીસી નાખવાનો પૈશાચિક વિચાર આવી જાય. મૅકર્સનું સેડિઝમ બીજું શું?
- આ તો સારું હતું કે ‘બાગી 2’માં દિશા પટ્ટણી પણ હતી, કે એને જોઇને આંખોને જરાતરા ગરમાવો મળી રહેતો હતો. બાકી સેડિઝમના ભાગરૂપે એમણે અડધો ડઝન કલાકારોને પણ ઠૂંસીને ભરી દીધા છે. મનોજ બાજપાઈ, રણદીપ હૂડા, દીપક ડોબ્રિયાલ, દર્શન કુમાર, વિપિન શર્મા ઉપરાંત અલ્ટ્રા સેડિઝમના તરીકે પ્રતીક બબ્બરને પણ લીધો છે! એણે પોતાની આખી નાનકડી કરિયરમાં ટોટલ જેટલી એક્ટિંગ નથી કરી એના કરતાં વધારે ઑવર એક્ટિંગ આ ફિલ્મમાં ડ્રગ એડિક્ટના રોલમાં કરી છે. એના કરતાં સાચુકલો ‘માલ’ સુંઘાડી દીધો હોત તો આ ફિલ્મ કરતાં તો સારી જ એક્ટિંગ કરત. દીપક ડોબ્રિયાલને માધવન અને ઈરફાન વિના એકલું એકલું લાગે છે એટલે એણે ફોર્માલિટી ખાતર જ સેન્સિબલ એક્ટિંગ કરી છે. મનોજ બાજપાઈએ કદાચ વ્રત લીધું લાગે છે કે એક સમયે એક જ એક્સપ્રેશનવાળી ફિલ્મ કરવાની. પણ એમનું કામકાજ ક્લાસના લુચ્ચા હોશિયાર વિદ્યાર્થી જેવું છે, પરીક્ષાના આગલા દિવસે ચોપડી ખોલે તોય ડિસ્ટિંક્શન લઈ આવે. રણદીપ હૂડાનું નામ ફિલ્મમાં ‘લોહા સિંહ ધૂલ’ ઉર્ફ ‘LSD’ છે. આવા નશીલા નામ સાથે એ ડ્યુટી પર પણ હિપ્પીની જેમ ફરે છે અને ગાંજો પણ ફૂંકે છે. એણે વિચાર્યું હશે કે આ ફિલ્મમાં સર્વાઈવ થવાનો આ એકમાત્ર રસ્તો છે.
- વધુ એક સેડિઝમ છે, કન્ફ્યુઝન. મૅકર્સ આપણને સતત કન્ફ્યુઝનમાં રાખે છે કે આ કોલેજ રોમાન્સ-લવ સ્ટોરી છે કે રિવેન્જ ડ્રામા? સાઈકોલોજિકલ થ્રિલર છે કે મર્ડર મિસ્ટ્રી? કે નડિયાદી ભૂસાની જેમ બધું જ? દર થોડી વારે મોંમાં આવતી ફ્લેવર બદલાયે રાખે. તમને થાય કે હોય હોય, અત્યારે મિક્સ એન્ડ મૅચની ફૅશન છે, એમ વિચારીને તમને મજા આવવા માંડે ત્યાં રાઇટરલોગ લોજિકનો છેદ ઉડાડી દે! તમને થાય કે આણે પોલીસ સ્ટેશનમાં આવું કર્યું તોય ફ્રી થઈ ગયો? આવડા મોટા રાજ્ય વચાળે આવું ચાલે? આવું ઘણું છે, જેનાથી બચવા માટે તમારે ધ્યાન પ્રયત્નપૂર્વક ટાઈગરના સ્નાયુઓના ગઠ્ઠા પર કેન્દ્રિત રાખવું પડે.
- આમ જુઓ તો સ્ટોરી ટિપિકલ ‘ડૅમઝેલ ઈન ડિસ્ટ્રેસ’ કેટેગરીની છે. ડૅમઝેલ એટલે કે રૂપાળી દિશા પટ્ટણીની દીકરી ગાયબ છે અને એ વખતે એ પોતાના ભૂતપૂર્વ પ્રેમી અને વર્તમાન આર્મી ઑફિસર ટાઈગરના નામની સાંકળ ખેંચે છે. પ્રોબ્લેમ એ છે કે દિશાની આસપાસના તમામ લોકો કહે છે કે એને કોઈ દીકરી હતી જ નહીં. ટાઈગર બાહુબલિની જેમ બધે ફરી વળે છે, પણ એને એ ખબર નથી કે આમાં કોણ ભલ્લાલ દેવ છે ને કોણ કટપ્પા. આ સ્ટોરીમાં સસ્પેન્સનાં અમુક લૅયર છે, પણ આપણને તેમાં સહેજેય મજા ન આવી જાય તેનું ડિરેક્ટર-રાઇટરોએ બરાબર ધ્યાન રાખ્યું છે.
- એક વાતમાં જ્યાં પૂરેપૂરી મજા આવે છે તે છે ટાઈગરની ફાઈટ્સ. ભલે ડિરેક્ટર અહેમદ ખાને એની ફાઈટ્સ કોરિયોગ્રાફ કરી હોવાની ખાંડ ખાધી હોય, પણ ટાઈગરની એક્શન જોવી એ એકમાત્ર આનંદ છે આ ફિલ્મનો. ટાઈગર એક મુક્કે બે દાંત તોડી પાડે, ચાલુ વાહનોને કૂદીને બસ પર ચડી જાય, પહાડ પરથી કૂદીને ઊડતા હૅલિકોપ્ટરમાં ચડી જાય અને લિટરલી સેંકડો હથિયારધારી ગુંડાઓને મચ્છર માટેનો સ્પ્રે છાંટતો હોય એમ ઉલાળી દે, પાણીમાંથી પણ બહાર કૂદકો મારી શકે… બે પગ પહોળા કરીને કૂદકા તો એવા મારે કે એરોપ્લેનને પણ કોમ્પ્લેક્સ થઈ જાય (આ હિસાબે એ પોતાની ‘ટાઈગર એરલાઇન્સ’ શરૂ કરી શકે!). અને આ બધી અંગ કસરતમાં એને બંદૂકની એક પણ ગોળી અડી ન શકે. એટલું તો માનવું પડે કે ટાઈગર એક્ટિંગમાં ભલે ઢગલા નો ઢ હોય, પણ એની કસર એણે કૂદકા મારી મારીને પૂરી કરી છે. કદાચ એના હસ્કી અવાજવાળા ગુરુએ શીખવ્યું હશે કે, ‘બેટા, અપની તાકત પર ફોકસ કરો, કમજોરિયાં અપને આપ ઢંક જાયેગી!’ ‘બાગી 2’ની પંદરેક મિનિટની ક્લાઈમેક્સ ફાઈટ અમુક લોકોને વધુ પડતી લાંબી અને માથાના દુખાવા જેવી લાગી શકે, પણ વ્યવસ્થિત કોરિયોગ્રાફ થઈ હોવાને લીધે એ જોવામાં જલસો તો પડે જ છે. ખરેખર તો ટાઈગરને એક આઉટ એન્ડ આઉટ એક્શન પૅક્ડ ફિલ્મ મળવી જોઈએ. (Btw, ટાઈગર એકમાત્ર એવો એક્ટર છે જે પોતાની હિરોઇન કરતાં વધારે અંગપ્રદર્શન કરે છે!)
- એક વાત જે સૌથી વધુ ખૂંચી, તે એ કે સાચુકલી કોન્ટ્રોવર્સિયલ ઘટનાને ઍનકેશ કરી લેવાની ખોરી દાનત. કાશ્મીરમાં એક આર્મી ઑફિસરે એક સ્થાનિક યુવાનને જીપ સાથે બાંધીને પથ્થરમારાઓ સામે હ્યુમન શીલ્ડ તરીકે તેનો ઉપયોગ કરેલો. એ પ્રસંગ ડિટ્ટો આ ફિલ્મમાં લઈ લેવાયો છે, માત્ર દેશભક્તિનાં સ્ટેરોઈડનાં ઇન્જેક્શન આપવાં માટે. જો એવાં અત્યંત સંવેદનશીલ મુદ્દાને આ રીતે મનોરંજન માટે વાપરી લેવાની ક્વાયત સામે આંખ લાલ નહીં કરવામાં આવે તો કાલે ઊઠીને JNUથી લઇને ઉનાના દલિત કાંડ સુધીની ઘટનાઓને ‘વાપરી’ લેવાનું શરૂ થઈ જશે.
- અઢી કલાકની આ ફિલ્મ ખાસ્સું એવું ગોવા દર્શન કરાવ્યા બાદ રાઇટિંગના ડિપાર્ટમેન્ટમાં પણ હેરાન કરે છે. હુસૈન દલાલે ‘દિમાગ કા હોતા હૈ દહીં ઔર દિલ હોતા હૈ સહી’ જેવા મગજમાં કોલેસ્ટેરોલ વધી જાય એવા ડાયલોગ્સ લખ્યા છે.
- ખેર, જેમ આટઆટલાં કૌભાંડો પછી લોકોનો બૅન્કો પરથી વિશ્વાસ ઊઠતો નથી એ રીતે આવી ફિલ્મોને પણ લોકો શ્રદ્ધાપૂર્વક જોઈ નાખવાના જ છે. આ શ્રદ્ધા પર મૅકર્સને કેટલો અતૂટ વિશ્વાસ હશે કે એમણે ‘બાગી 3’ની ઑલરેડી જાહેરાત કરી દીધી છે. હશે ત્યારે, જય ટાઈગર!
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
સાચું કહું તો ટાઇગર ની અગાઉ ની બધી ફિલ્મો પૈસા વસૂલ કેટેગરી ની હતી તો આ પણ એવીજ હશે એવી આશા મને છે…(flying jutt અપવાદ )
LikeLike
તમે શંકરની ‘અપરિચિત’ અથવા કમલ હાસનની ‘વિશ્વરુપમ’ નો રીવ્યુ લખ્યો છે? Want to read
LikeLike