આઠોં જામ ખુમારી

banner-4

તખ્તાના પાછળના ભાગે બૅક પ્રોજેક્શનથી શીશ મહલનો આલિશાન વ્યુ દેખાય છે, આગળ ચાલીસ, રિપીટ, ચાલીસ ડાન્સરો જરા સરખી ચૂક વિના પર્ફેક્ટ અલાઇનમેન્ટમાં નાચી રહી છે, ઉપર લટકતી ઝુમ્મરનુમા તક્તીઓ પર અનેક બાજુએથી લાઇટો આપાત થઈ રહી છે, જેનું રિફ્લેક્શન સ્ટેજ પર અને આખાં ઑડિયન્સ પર પડી રહ્યું છે, ગ્રેટ સાઉન્ડ સિસ્ટમ પર ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા ગવાઈ રહ્યું છે’… અને તમે આંખો-મોં પહોળાં કરીને ઓલમોસ્ટ હિપ્નોટાઇઝ્ડ અવસ્થામાં જોઈ રહ્યા છો… મારી સામે આ જે કંઈ ભજવાઈ રહ્યું છે એ સાચું છે? હું ફિલ્મ જોઈ રહ્યો છું કે પછી ટાઇમ ટ્રાવેલ કરીને કે. આસિફના ઑરિજિનલ ‘મુઘલ-એ-આઝમ’ના સેટ પર પહોંચી ગયો છું?

img_1478

પણ ના. હું વાસ્તવિકતાની ધરતી પર જ હતો. મારી આંખ સામે ફિરોઝ અબ્બાસ ખાનનું બ્રોડવે સ્ટાઇલમાં તૈયાર થયેલું ‘મુઘલ-એ-આઝમ’નું થિયેટર વર્ઝન ભજવાઈ રહ્યું હતું. જેમ, તાજ મહલની ખૂબસૂરતીને વર્ણવવા માટે શબ્દો નાકાફી પુરવાર થાય, એવું જ આ મ્યુઝિકલ પ્લેનું છે. મુઘલ-એ-આઝમની સ્ટોરી સૌને ખબર છે, ડાયલોગ્સ ઝબાની યાદ છે અને બે-પાંચ સેકન્ડનો કોઈ મ્યુઝિક પીસ પણ સંભળાઈ જાય તો આખું ગીત યાદ આવી જાય એ હદે ગીતો આપણા ઝહનમાં વસેલાં છે. ભારતીય સિનેમાના આ ગ્રૅન્ડ ઍપિકને સ્ટેજ પર ઉતારવું એટલે આગ સે ખેલના. કેમ કે, આ આઇકનિક મુવીના રિ-પ્રેઝન્ટેશનમાં જરાસરખી ચૂક થાય તો ‘શોલે’માંથી ‘RGV કી આગ’ બનતાં વાર ન લાગે. બટ થેન્કફુલ્લી એવું નથી થયું. મુઘલ-એ-આઝમની ભવ્યતા એઝ ઇટ ઇઝ તખ્તા પર ઊતરી આવી છે.

જો ચાન્સ મળે તો આ ઍપિક મ્યુઝિકલ પ્લેના સાક્ષી બનવાનાં કેટલાંય કારણો છેઃ

કારણ નં. 1 સેટ ડિઝાઇનિંગ

mughal-e-azam-featured

જલાલુદ્દીન મોહમ્મદ અકબરની એક નિઃસંતાન બાપ તરીકેની યાત્રા, એનો મહેલ, શીશ મહલ, અકબરનો દરબાર, યુદ્ધભૂમિ, કાળકોટડી… આ બધું સ્ટેજ પર કેવી રીતે ઊતરી શકે? સ્ટેજની સૌથી આગળના ભાગે એક સફેદ અર્ધપારદર્શક પડદા પર ડ્યુઅલ પ્રોજેક્ટર્સની મદદથી વિવિધ આકૃતિઓ આપાત થતી રહે, પછી મુખ્ય તખ્તો, તેના પાછળના ભાગે સતત આવ-જા થતું સ્ટેડિયમ સ્ટાઇલ જાયન્ટ પોડિયમ અને બૅકગ્રાઉન્ડમાં વધુ એક ગંજાવર સ્ક્રીન. તે સ્ક્રીન પર બૅકપ્રોજેક્શનથી ક્યારેક મહેલ તો ક્યારેક કાળકોટડીની ઇમેજિસ આપાત થતી રહે. સ્ટેડિયમ સીટિંગ સ્ટાઇલનું તે પગથિયાંનુમા પોડિયમ ક્યારેક બાદશાહ સલામતનો તખ્ત બને, તો ક્યારેક ડાન્સરો માટેનું સ્ટેજ બને, ક્યારેક પ્રેમમાં પડેલા આશિક સલીમનું એકાંતમાં આહ ભરવાનું લોકેશન બને, તો ક્યારેક સલીમ-અનારકલીના ઇશ્કનું ચશ્મદીદ બને. ઉપરથી કળાત્મક કમાનો ઊતરી આવે તો મહેલ બની જાય અને ક્યારેક એવી જ ફ્રેમ યુદ્ધમેદાનના તંબુની આભા ઊભી કરી દે! આ ઉપરાંત સતત અલગ અલગ ઍન્ગલ્સથી આપાત થતી લાઇટોની આંખમિચૌલી. આ બધાનું કમાલ કોમ્બિનેશન આપણે જાણે થ્રી-ડી ફિલ્મ જોતા હોઇએ એવી આબેહૂબ આભા ઊભી કરે. તેનું વર્ણન  પણ શબ્દોનું કામ નથી.

કારણ નં. 2 કોશ્ચ્યુમ્સ

mughal-e-azam-cover

બૉલિવૂડના ફેવરિટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું નામ આ મ્યુઝિકલ પ્લેના કોશ્ચ્યુમ ડિઝાઇનર તરીકે બોલે છે. નતીજો એ છે સ્ટેજ પર રચાતી અનગિનત રંગોની અટખેલિઓ. જસ્ટ એક ‘મોહે પનઘટ પે નંદલાલ’ સોંગમાં જ રંગોની વેરાયટી જોઇને દિલ ખુશ થઈ જાય. સંગેમરમરની મૂરત જેવી અનારકલીના શાંત સફેદ ડ્રેસ, સતત ઇર્ષ્યામાં બળતી બહારના લાલ-કેસરી-યલ્લો ડ્રેસ, રિચ-રૉયલ-દૈદીપ્યમાન ફીલ આપતા શહેશાદા સલીમના કોશ્ચ્યુમ્સ, પર્સનલ ફીલિંગ્સની સામે બાદશાહ તરીકેની ડ્યુટીઝને કાયમ પહેલી પ્રાયોરિટી આપતા અકબરના ફૌલાદી કોશ્ચ્યુમ્સ… એકદમ રિચ-બ્રાઇટ લુક આપતા તમામ કોશ્ચ્યુમ્સની આભા લાઇટ અરેન્જમેન્ટને કારણે ઓર વધી જાય છે. ત્રણ ડઝન કરતાં પણ વધુ નૃત્યાંગનાઓના મેઘધનુષી રંગોથી આખો તખ્તો વૅલી ઑફ ફ્લાવર્સમાં કન્વર્ટ થઈ જાય છે!

કારણ નં. 3 મ્યુઝિક એન્ડ ડાન્સ

mughal-e-azam-1280

આ પ્લેમાં નૌશાદ સાહેબે કમ્પોઝ કરેલાં ઑરિજિનલ સોંગ્સને જ રિક્રિએટ કરાયાં છે. એટલે અહીં ‘મોહેં પનઘટ પે’, ‘તેરી મહેફિલ મેં કિસ્મત આઝમા કર’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘મોહબ્બત કી જૂઠી કહાની પે રોયે’, ‘ઝિંદાબાદ’ જેવાં તમામ ગીતો છે જ. લેકિન તે અલગ એક્ટર-સિંગર્સ દ્વારા ગવાયાં છે. ‘મુઘલ-એ-આઝમ’ બે ભાગમાં વહેંચાયેલાં-દુવિધામાં અટવાયેલાં પાત્રોની પણ કહાણી છે. અકબર બાપ અને  બાદશાહમાં વહેંચાયેલો છે, જોધાબાઈને ઔલાદ કે સુહાગમાંથી એકથી પસંદગી કરવાની આવે છે, સલીમ પ્રિન્સ રહે કે પ્રેમી, અનારકલી કનીઝની મર્યાદામાં રહે કે પ્રેયસી તરીકે બગાવત કરે, દુર્જન મૈત્રી નિભાવે કે શાહી ઝિમ્મેદારી…? આવી જ દુવિધામાં ઑડિયન્સ તરીકે આપણે પણ અટવાતા રહીએ. મુકેશ છાબડાની કાસ્ટિંગ કંપની દ્વારા ગાઈ-નાચી શકે તેવા કળાકારોની જ પસંદગી કરાઈ છે. આપણને કહેવામાં આવે છે કે આ કળાકારો (ખાસ કરીને અનારકલી અને બહારનાં પાત્ર) સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે જ ગાય છે, પરંતુ એમના અવાજનું પિચ-પર્ફેક્શન અને પર્ફોર્મ કરવાની સાથોસાથ જરાય હાંફ્યા વિના પર્ફેક્ટ્લી શી રીતે ગઈ શકે તે દુવિધા સતત આપણા મનને પજવતી રહે છે. ઇન ફૅક્ટ, ફાઇનલ ક્રેડિટ્સ વખતે બંને પાત્રોનાં સિંગિંગનો સાચુકલો પરચો પણ આપણને બતાવવામાં આવે છે, છતાં દિલ હૈ કિ માનતા હી નહીં!

‘મુઘલ-એ-આઝમ’ માટે દેશભરમાંથી કથકમાં માસ્ટરી ધરાવતી નૃત્યાંગનાઓને પસંદ કરવામાં આવેલી. ચાલીસેક જેટલી એ નૃત્યાંગનાઓને પર્ફેક્ટ સિન્ક્રોનાઇઝેશનમાં નાચતી જોઇને જે ઑવરવેલ્મિંગ ફીલિંગ આવે તે અગેઇન શબ્દોમાં બયાં કરવી શક્ય નથી. લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે રિકમ્પોઝ કરાયેલાં સોંગ્સ ઓબ્વિયસલી લતા મંગેશકરના લૅવલે તો ન જ પહોંચે, છતાં તમારી તમામ સેન્સિસને ખેંચી રાખવામાં તો સફળ થાય જ છે. એમાંય એક સોંગ પૂરું થયે તમામ ડાન્સર્સ દ્વારા એકસાથે અને ધીમે ધીમે વધતો જતો માત્ર ઘૂંઘરુનો રણકાર બાદશાહ સલામતના કાન વીંધી નાખે અને આખું ઑડિટોરિયમ માત્ર તે રણકારથી જ ભરી દે! ‘જબ રાત હૈ ઐસી મતવાલી’ સોંગને અંતે મૂર્છિત થયેલા સલીમને મેલ કળકારો ઊંચકી લે અને મનથી મૃત્યુ પામેલી અનારકલીને ફિમેલ ડાન્સર્સ ઊંચકી લે. બંનેના ઓલમોસ્ટ જનાઝા ઊઠતા હોય એ રીતે… આવી કેટલીયે સિનેમેટિક મોમેન્ટ્સ અહીં ક્રિએટ કરાઈ છે.

કારણ નં. 4 ડાયલોગ્સ

multislider_mea

‘મુઘલ-એ-આઝમ’ જોવાનું કદાચ સૌથી મોટું કારણ તેનો ફૌલાદી સ્ક્રીનપ્લે અને ચિરંજીવી ડાયલોગ્સ છે. ઓલમોસ્ટ તમામ આઇકનિક ડાયલોગ્સ અહીં પ્લેમાં પણ છે. ઝબાની યાદ હોવા છતાં, અનેકાનેક વખત સાંભળ્યા હોવા છતાં ફરી પાછા એ જ ડાયલોગ્સ, એ જ શિદ્દતથી સાંભળીએ એટલે ફરી પાછાં રૂંવાડાં ઊભાં થઈ જાય અને મોંમાંથી વાહ નીકળી જાય. આ સ્થિતિ માત્ર અમારી જ નહીં, સેંકડોની તાદાદમાં આવેલા આખાય ઑડિયન્સની પણ હતી. એટલે જ બધા જ ડાયલોગ્સ ઑડિટોરિયમભેદી ઍપલોઝ મેળવતા હતા. વળી ફિલ્મનો સૂત્રધાર (સંગતરાશ) સ્ટેજની બહાર આવીને સ્ટોરી-બૅકસ્ટોરી નરૅટ કરે, બાદશાહના દરબારમાં સલીમનો પૈગામ વંચાતો હોય અને એ પૈગામ સ્ટેજની બહાર જમણી બાજુએ ખુદ સલીમ બોલતો હોય એ યુક્તિ પણ કમાલ ઇફેક્ટ પેદા કરે છે. ફિલ્મના ઓલમોસ્ટ તમામ ડાયલોગ્સ, સાફ ઉર્દૂ ઉચ્ચારો અને આરોહ-અવરોહના જે પર્ફેક્શનથી બોલાય છે, એ સાંભળીને મારા શકી દિમાગમાં સળવળાટ થતો હતો કે આ લોકો ખરેખર લાઇવ બોલે છે કે રેકોર્ડેડ છે?! અફ કોર્સ, મધુબાલા, દિલીપ કુમાર કે પૃથ્વીરાજનાં કિરદારોમાં કોઈ બીજાને જોવાનું સપનું કોઈ કેફી દ્રવ્યની અસર હેઠળ પણ ન આવે, છતાં અહીંયા ભાગ્યે જ કોઈ કલાકાર આર્ટિફિશિયલ કે ઑવર ધ ટોપ લાગે છે. ક્રેડિટ ગોઝ ટુ ઑલ ધ આર્ટિસ્ટ્સ અને ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન.

 

7879eee6-948d-11e7-afc5-62fc49bb3ae4
‘મુઘલ-એ-આઝમ’ પ્લેના સેટ પર ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન

 

કારણ નં. 5 સબટાઇટલ્સ

જી હા, વિદેશી-પરપ્રાંતીય ભાષાની ફિલ્મો જોતી વખતે નીચે આવતું અંગ્રેજી ભાષાંતર એટલે કે સબટાઇટલ્સ અહીં પણ છે! ‘મુઘલ-એ-આઝમ’માં જોધાબાઈના ડાયલોગ્સને બાદ કરતાં આખી ફિલ્મ ખાલિસ ઉર્દૂમાં છે. એટલે ઘણા ડાયલોગ્સ ન સમજાય એવું બનવાની પૂરી શક્યતા છે. એટલે જ મુખ્ય સ્ટેજની બંને બાજુએ મોટા સ્ક્રીન મુકાયા છે, જેમાં બોલાતા ડાયલોગ્સની સાથે તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ડિસ્પ્લે થતું રહે છે! આ અનોખી ગોઠવણ આ પ્લેને એક ઇન્ટરનેશનલ અપીલ આપે છે અને સાથોસાથ અપનેઆપ મેં ત્રણ કલાકની ઉર્દૂ વર્કશોપ પણ છે!

કારણ નં. 6 મુઘલ-એ-આઝમ મેમોરાબિલિયા એક્ઝિબિશન

This slideshow requires JavaScript.

ઑડિટોરિયમ સુધી પહોંચીએ તે પહેલાં આખા માહોલને શાહી અંદાજમાં કન્વર્ટ કરી નાખવામાં આવ્યો છે. જાણે મુઘલ-એ-આઝમના સેટ પર જ પહોંચી ગયા હોય એવું જોઈ લો. દીવાલો, ઝુમ્મરો, કમાનો, ગાલીચા અને આપણી સામે ઝૂકીને બા-અદબ ‘આદાબ’ કહીને આવકારતા સ્વયંસેવકો! એ બધામાં આપણું ધ્યાન ખેંચે ‘મુઘલ-એ-આઝમ’નું એક્ઝિબિશન. મુઘલ-એ-આઝમના આદમકદનાં પોસ્ટર્સ (છાપેલાં અને હાથે ચીતરેલાં બંને), ઑરિજિનલ ટિકિટો, ગ્રામોફોન રેકર્ડ્સ, હેન્ડબુક્સ અને બીજું ઘણું બધું. શૉ શરૂ થવાને ગણતરીની મિનિટો બાકી હોય ત્યારે તમને મીઠી મૂંઝવણ થાય કે આ બધું આંખોમાં ભરીકે, કેમેરામાં ભરીએ કે તેની સાથે ફોટા પડાવીએ?!

અમેરિકન બ્રૉડવે મ્યુઝિકલ્સની તર્જ પર બનેલું આ પ્લે ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું પ્લે ગણાવાઈ રહ્યું છે, અને તે જોયા પછી તેમાં અતિશયોક્તિ પણ નથી લાગતી. આખું પ્લે તો દમદાર છે જ, સાથોસાથ તેનાં એન્ડ ક્રેડિટ્સ પણ અાલાતરીન છે. જેમ કે, એકની પાછળ એક હરોળમાં ઊભેલી ચાલીસેક ડાન્સર્સ અને કોરિયોગ્રાફર્સને ક્રેડિટ અપાય ત્યારે સ્થિર રહેલી તે નૃત્યાંગનાઓ પળવારમાં એકસાથે ડાન્સની એક હરકત કરી બતાવે! (અગેઇન, મોંમાંથી ‘વાહ!’ નીકળી જાય.) પરંતુ આ નાટક જોવું દરેકને પોસાય તેમ નથી, કેમ કે તેની ટિકિટો અતિશય મોંઘી છે (છતાં બુક કરવાની ઇચ્છા થાય તો આ લિંકઃ https://goo.gl/6u4nfs પર જઈ શકો છો. આશા રાખીએ કે આ અઝીમોશાન શાહકાર થોડા ઓછા રૅટ્સ સાથે સામાન્ય લોકોને પણ પોસાય તેવા રૅટ્સ પર અવેલેબલ થાય.

આ પ્લે જોઇને બહાર નીકળ્યા પછી લાંબા સમય સુધી તેનો ખુમાર નસેનસમાં વ્યાપેલો રહે તે એકદમ સ્વાભાવિક છે. આપણનેય થઈ આવે કે શહેઝાદા સલીમની જેમ મોતીયોં કી માલા કાઢીને ગિફ્ટમાં આપી દઇએ! પછી યાદ આવે કે આપણા પપ્પા ‘ઝિલ્લે ઇલાહી’ નથી અને આપણેય તે એક આમ મુલાઝિમ છીએ! એટલે ખાસ્સી વાર સુધી તાળીઓ સાથેનું સ્ટેન્ડિંગ ઑવેશન આપીને વધાવીએ.

તાઉમ્ર યાદ રહે તેવો આ નાયાબ અનુભવ તક મળે તો ચૂકવા જેવો નથી જ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

4 thoughts on “મુઘલ-એ-આઝમઃ મ્યુઝિકલ પ્લે

  1. ટિકીટ ભલે મોંઘી છે,પણ પ્લીઝ એ કહો તો ખરા કે કેટલા રૂપિયા ટિકીટ છે?

    Like

  2. ટીકિટ મોંઘી લાગી એટલે આળસ કરી ગયો…..પણ આ રીવ્યુ વાંચ્યો હોત તો અચુક જાત. ફિલ્મ મેં કેટલીવાર જોઇ યાદ નથી…વળી સેટેલાઇટમાં રહેનારાઓને મણીનગર જવું પરદેશ જવા બરાબર લાગે…અલબત્ત મને તો લાગે છે. રીવ્યુ બદલ આભાર

    Like

Leave a comment