ડરના મના હૈ!

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

pari-787x1024હોરર-સુપરનેચરલ ટાઇપની ફિલ્મો માટે આપણે ત્યાં બે ફૅક્ટ દાયકાઓથી ચાલ્યાં આવે છે. એક, લોકોને કંટ્રોલ્ડ સ્થિતિમાં ડરવું ગમે છે, અને એટલે જ આવી ફિલ્મો જોવામાં અને થિયેટરમાં સામુહિક રીતે ડરવામાં રોલર કોસ્ટર રાઇડ જેવો જલસો પડે છે. પહેલું ફૅક્ટ જાણતા હોવા છતાં બીજું ફૅક્ટ એ છે કે આપણે ત્યાં ભાગ્યે જ કોઈ સારી, ગ્રિપિંગ અને ફ્રેશ હોરર ફિલ્મો બને છે. કાં તો એ ‘રામસે બ્રધર્સ’ ટાઇપ ક્લિશૅમાં ઘૂસી જાય અને અનઇન્ટેન્શનલ કોમેડી બની જાય અથવા પછી એ કોઈ ફોરેન ફિલ્મની બેશર્મ ઉઠાંતરી હોય. આ બંનેમાં પગ રાખતી વધુ એક હોરર ફિલ્મ રિલીઝ થઈ છે ‘પરીઃ નોટ અ ફેરીટેલ’.

આ ફિલ્મ કેવી છે તે વિશે વાત કરતાં પહેલાં અનુષ્કા શર્માની એ વાતે પીઠ થાબડવી પડે (અલબત્ત, દૂરથી જ!) કે આ મૅલ ડોમિનેટેડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ પોતાને ગમે એવી ફિલ્મ એ જાતે પ્રોડ્યુસ કરે છે અને સ્ટાર્સની મદદ લીધા વિના પોતાના ખભા પર ફિલ્મ ઊંચકવાનો પ્રયાસ કરે છે (ફોર એક્ઝામ્પલ્સ, ‘NH 10’, ‘ફિલ્લૌરી’, ‘પરી’…).

એક થી ડાયન

વાર્તા શરૂ થાય છે કોલકાતાના એક અલ્ટ્રા શરમાળ યુવાન અર્નબ (પરંબ્રત ચૅટર્જી)થી. ‘અર્નબ’ નામ હોવા છતાં એ અત્યંત ઓછું બોલે છે! એક ઠેકાણે લગ્ન માટે છોકરી જોઇને પરત આવતી વખતે એની સાથે એક શૉકિંગ ઇન્સિડન્ટ બને છે. આ શૉકિંગ ઇન્સિડન્ટનું પગેરું એને એક દુર્ગમ સ્થળે ઝંજીરોથી બાંધીને રાખેલી લગભગ પ્રાણીની જેમ જીવતી યુવતી રુખ્સાના ખાતુન (અનુષ્કા શર્મા) સુધી લઈ જાય છે. રુખ્સાના પણ સાવ ઓછું બોલે છે, ભયંકર ડરે છે અને પોતાની સાથે અનેક ખોફનાક રહસ્યો લઇને ફરે છે. રુખ્સાનાની એન્ટ્રી સાથે જ અર્નબની લાઇફમાં પણ ‘રિપબ્લિક ટીવી’ની જેમ ન સમજાય તેવી અને સનસનાટીભરી વાતો બનવા લાગે છે. એમાં સબ્જેક્ટના ‘એક્સપર્ટ’ તરીકે બાંગ્લાદેશી પ્રોફેસર ખાતિમ અલી (રજત કપૂર)ની એન્ટ્રી થાય છે. એમની પાસે દિમાગનું વર્લપૂલ થઈ જાય એવી ભેદી થિયરીઓ અને એનું અત્યંત ક્રૂર એક્ઝિક્યુશન છે. આ બધામાં ડિરેક્ટર પ્રોસિત રોય ભૂલી જાય છે કે આપણે પૈસા ખર્ચીને આવેલા પ્રેક્ષકોને ડરાવીને પાછા મોકલવાના છે!

ના જાને કહાં સે આયી હૈ, ના જાને કહાં કો જાયેગી?

એક હોરર ફિલ્મમાં લોકોને ડરાવવા માટે શું શું જોઇએ? ડરામણું લાગતું વાતાવરણ, વીજળીના ચમકારે જ મોતીડાં પરોવવાનાં હોય એમ સમ ખાવા પૂરતી રાખેલી લાઇટો, જે લાઇટો ચાલુ હોય એ પણ યુપી-બિહારની જેમ ચાલુ-બંધ થયા કરતી હોય, સતત વરસતો વરસાદ, બેતહાશા ચમકતી-ગર્જતી વીજળી, ધડાધડ ખોલ-બંધ થતાં બારી-દરવાજા અને તેનો કિચૂડાટ, બિહામણાં મકાનો, રિયલ લાઇફમાં ક્યાંક જોઈ લઇએ તો બે દિવસ સુધી એકલા સૂસૂ જવાની પણ હિંમત ન થાય એવા બિહામણા ચહેરા, છૂટ્ટા વાળ રાખીને ફરતી ધોળાધબ ચહેરાવાળી સ્ત્રીઓ, ઓટલા પરિષદોમાં સાંભળ્યા હોય એવી વેરાયટી ધરાવતા શેતાન અને એમને પૂજતા ભેદી સંપ્રદાય, માણસો-પ્રાણીઓનો બલિ, અમથું અમથું બીપી હાઈ થઈ જાય એવું ડરામણું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, કેમેરાની ટ્રિકથી આપણું ધ્યાન ક્યાંક બીજે દોરીને પાછળથી ‘બૂઉઉ’ કરીને આવતું ભૂત, એકાએક પાછળથી દેખાતા હાથના પંજા, ઇવિલ ચાઇલ્ડ, ઇવિલ વુમન, હૉન્ટેડ પ્લેસ, અમર સિંહ કે સુબ્રહ્મણ્યમ સ્વામીની જેમ ક્યાંકથી ફૂટી નીકળતા અને અમને બધી જ ખબર છે એવો ફાંકો લઇને ફરતા તાંત્રિક-પ્રોફેસર-ડૉક્ટર, ભૂત-પલિત કશું જોયા વગર પ્રેમમાં પડી જતા હીરોલોગ, છળી મરીએ એવી ચીસો… હોરર ફિલ્મોના આ લાંબા ચૅકલિસ્ટથી કંટાળ્યા હો તો સોરી, લેકિન અનુષ્કા શર્માની ‘પરી’માં બધાં જ ઍલિમેન્ટ્સ ઠૂંસેલાં પડ્યાં છે! અને છતાં આ ફિલ્મ ભાગ્યે જ આપણને ડરાવે છે!

શરૂ થયા પછી તરત જ એક પછી એક મિસ્ટિરિયસ ઘટનાઓ બનવા માંડે છે અને આપણે વન બાય વન ભેદી સવાલોથી ઘેરાતા જઇએ છીએ. કોઈ સ્ત્રી ભેંકાર જંગલમાં શા માટે રહે? આજુબાજુ સંખ્યાબંધ કૂતરાં શા માટે પાળે? કોઈ યુવતીને સાંકળેથી શા માટે બાંધી રાખવી પડે? એને આધુનિક જગતની એકેય વસ્તુની શા માટે ખબર જ ન હોય? આખી સ્ટોરીનું બાંગ્લાદેશ કનેક્શન શું છે? અનુષ્કા શર્મા એક્ઝેક્ટ્લી કોણ છે, શું છે અને શા માટે કેટલાક લોકો એની પાછળ પડ્યા છે? આવા કેટલાય સવાલો ઇન્ટરવલ સુધી આપણને માથું ખંજવાળવા માટે મજબૂર કરતા રહે છે. અહીં સુધી આપણને આવો ચેલેન્જિંગ રોલ સ્વીકારવા બદલ અનુષ્કા શર્મા પર પણ માન થવા લાગે.

પરંતુ રહસ્યનું મકાન પત્તાંના મહેલની જેમ ફ્લૅટ થવા માંડે જ્યારે હિન્દી ફિલ્મોના અનનેસેસરી ઇવિલ જેવી લવસ્ટોરીનો ટ્રેક સ્ટાર્ટ થાય. ગમે તે ફિલ્મ હોય, હીરો-હિરોઇન જ્યાં સુધી પ્રેમનાં પુષ્પો ન ખીલવે, અરિજિતની દુકાન ચાલતી રહે એ માટે લવ સોંગ્સ ન ગાય ત્યાં સુધી પ્રેક્ષકોને એક ફિલ્મ જોયાનો સંતોષ જ ન થાય! હોરરનો ટ્રેક છોડીને પ્યાર કી પટરી પર ચડી ગયેલી આ ફિલ્મની ગાડી એકાએક એવી સ્લો પડી જાય છે કે પસાર થતી લિટરલી એકેએક મિનિટ ગણી શકો!

હોરર ફિલ્મમાં પ્રેક્ષક તરીકે આપણને ડરાવવા માટેનું એક ઍલિમેન્ટ હોય છે, ‘ફિયર ઑફ અનનૉન’. ભૂત-પ્રેત-આત્મા કોણ છે, ક્યાંથી આવે છે, નીરવ મોદીની જેમ ક્યાં ગાયબ થઈ જાય છે, શા માટે અમુક લોકોને જ દેખાય છે… એવી બાબતોની અનિશ્ચિતતા આપણને સીટના ટેકે બેસવા દેતી નથી. પરંતુ જો ટ્રેક ચૅન્જ થયો, ભૂત ભાઈ-બહેન ‘યૂં કિ, હમેં ઝ્યાદા બાત કરને કી આદત તો હૈ નહીં…’ કરતાં કરતાં ચપડ ચપડ કરવા માંડે એટલે આપણા મનમાં રહેલો ડર પણ પતલી ગલીથી ગાયબ થઈ જાય છે. ‘પરી’ના સૅકન્ડ હાફમાં આ જ થયું છે. ફિલ્મ જેમ જેમ આપણને ફર્સ્ટ હાફમાં ઊભા કરેલા સવાલોના જવાબો આપવા માંડે એટલે ડર અને થ્રિલ તો ગાયબ થાય છે જ, સાથોસાથ હવે શું થશે એવું કુતૂહલ પણ જતું રહે છે. બાકી રહી જાય છે પ્લૅન કંટાળો.

નથી આ ફિલ્મમાં પૂરતી સ્કૅરી મોમેન્ટ્સ, કે નથી ઇમ્પ્રેસિવ ડાયલોગ્સ (યાદ કરો, મોટી આંખો કરીને મોટા અવાજે બોલતા ‘રાઝ’ના આશુતોષ રાણાઃ ‘અગર આપ ભગવાન મેં વિશ્વાસ રખતે હૈ, તો આપકો શૈતાન મેં ભી યકીન કરના હોગા!’). અને ફિલ્મ પૂરી થયા પછીયે કેટલાય સવાલો વણઉકલ્યા જ રહે છે. જેમ કે, કોઈપણ કૅસને પોલીસ પૂરતી છાનબીન વગર જ અધવચ્ચે છોડી દે? કોઈ યુવતીને જંગલમાં સાંકળેથી બાંધીને શા માટે રાખી હોય, તે સવાલ કોઇને થાય જ નહીં? એવી કોઈ યુવતી મળી આવે, જેણે જીવનમાં ક્યારેય ટીવી સુદ્ધાં ન જોયું હોય, એ તો આખા દેશની હેડલાઇન્સ બનાવે. અહીં તો કોઇને એમાં રસ જ નથી! કોઈ યુવતી રોજ નખ કાપતી હોય, ભેદી રીતે બિહેવ કરતી હોય, એક ટ્રેઇન્ડ સ્કૅચ આર્ટિસ્ટ જેવાં ચિત્રો દોરતી હોય, તોય શંકા ન જાય? આ ફિલ્મ રેગ્યુલર હોરર ફિલ્મ છે કે વામ્પાયર ફિલ્મ છે? હજી આવા બીજા સવાલોય છે, પણ એની ચર્ચા કરવા જતાં સ્પોઇલર આવી જવાનો ભય છે.

માન્યું કે આ ફિલ્મનું બજેટ ઓછું હશે, પણ એમાં બતાવાયેલા કૅબલ જમ્પ એટલા હાસ્યાસ્પદ અને ઍમેચ્યોરિશ છે કે તે ભયને બદલે અનઇન્ટેન્શનલ કોમેડી પેદા કરે છે. ઘણે ઠેકાણે ફિલ્મના ડાયલોગ્સ પણ કશું સમજાય નહીં તે રીતે બોલાય છે.

******************** સ્પોઇલર અલર્ટ********************

હોરર-ફૅન્ટેસી ફિલ્મ હોવાને કારણે તેમાં લોજિક તો શોધવાનું હોય નહીં, તેમ છતાં જરાક બિલોરી કાચમાંથી જોઇએ તો આ ફિલ્મમાં રહેલો એક ડીપ મૅટાફર પણ દેખાઈ આવે છે. ‘પરી’માં બાંગ્લાદેશના એક રેફ્યુજી ક્રાઇસિસનો ઉલ્લેખ છે, તે અને ફિલ્મને બ્રોડ અર્થમાં લઇએ તો સ્ત્રીઓ પર થતા અત્યાચારો સાથે આ સ્ટોરીનો તાળો મેળવી શકાય. ખરેખરા હેવાન કોણ છે, કાલ્પનિક શક્તિઓ કે રિયલ લાઇફમાં સ્ત્રીઓને પીંખી નાખતા લોકો? સ્ત્રી માત્રને બાળકો પેદા કરવાનું મશીન ગણતા લોકો? નફરત-બળાત્કારથી પેદા થતાં બાળકનો કોઈ વાંક ખરો? પીંખાતી સ્ત્રીની સાથે પીંખાતાં એમનાં સપનાં, ભવિષ્યનું શું? કેટકેટલી અદૃશ્ય સાંકળોથી સ્ત્રીઓ બંધાયેલી હોય છે!

*************** સ્પોઇલર અલર્ટ પૂરો******************

પૂરા સવા બે કલાકે ક્લાઇમેક્સ આવતાં આવતાં આ ફિલ્મ એવા પોઇન્ટ પર પહોંચી જાય છે, જ્યાં આપણે ડર, થ્રિલ, મજા, ધીરજ તમામ લાગણીઓથી પર થઈ ચૂક્યા હોઇએ છીએ. મનમાં માત્ર એક જ ફીલિંગ તરતી રહે છે, WTF! આમ છતાં એટલું સ્વીકારવું પડે કે ‘પરી’ સ્ટાર્ટ ટુ ફિનિશ એક પ્રોપર સ્ટોરીટેલિંગ ધરાવતી હોરર ફિલ્મ છે, જેને આપણે ત્યાં કોઈ ગણકારતું નથી. અફસોસ, કે આ ફિલ્મ ખાસ કશું એન્ટરટેનમેન્ટ પીરસી શકે તેમ નથી. અનુષ્કા શર્મા અને પરંબ્રત ચૅટર્જીને સિમ્પથી આપવા સારુ આ ફિલ્મ એકાદ વખત નિરાંતે જોઈ શકાય.

P.S.-1 ‘પરી’ના યંગ ડિરેક્ટર પ્રોસિત રૉયે ત્રણેક વર્ષ અગાઉ ‘બ્લડી મસ્ટેશ’ નામની એક સાઇકોલોજિકલ થ્રિલર શૉર્ટ ફિલ્મ બનાવેલી. તે જોવી હોય તો ક્લિક કરો અહીં. જોકે એ ફિલ્મ ‘લૅ મસ્ટેશ’ (La Moustache) નામની એક ફ્રેન્ચ ફિલ્મની કૉપી હતી એ જસ્ટ જાણ સારું. એ ફ્રેન્ચ ફિલ્મ જોવી હોય તો ક્લિક કરો અહીં.

P.S.-2 ‘પરી’ જોયા પછી મને આ સદીની મહાનતમ ફિલ્મોમાંની એક એવી શ્રી કાંતિ શાહની કલ્ટ ફિલ્મ ‘ગુંડા’ના એક કેરેક્ટર ઈબુ હટેલાની આઇકનિક લાઇન યાદ આવી ગઈ. એ લાઇન આ ફિલ્મના રેફરન્સમાં બરાબર ફિટ બેસે છેઃ
‘મેરા નામ હૈ ઈબુ હટેલા,
માં મેરી ચુડૈલ કી બેટી,
બાપ મેરા શૈતાન કા ચેલા…’

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s