lamhe

કોઇનેય વિશ્વાસ નથી આવતો કે અકાળે શ્રીદેવીની શ્રદ્ધાંજલિ લખવાનો વારો પણ આવશે!

***

શ્રીદેવી નથી રહી, ખરેખર?

ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, 2018, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

‘શ્રી, આઈ લવ યુ યાર!

માણસ જ્યારે સમજણો થાય, આસપાસની દુનિયા જોતો થાય ત્યારથી એનું સૌથી પહેલું કનેક્ટ આવે ફિલ્મસ્ટાર્સ

beauty-with-cat-sridevi-36959630-589-720

સાથે. એમની ફિલ્મો જુએ, એમનાં રૂપ-સૌંદર્ય-હીરોગીરીથી ઘાયલ થાય, ઘરમાં-હૉસ્ટેલ્સની દીવાલો પર એમનાં પોસ્ટર્સ ચિપકાવે, પોતાની જાતને એમની સાથે જોડીને કલ્પનાની દુનિયામાં ફરે… એંસીના દાયકામાં જન્મીને સમજણા થયેલા લોકો માટે આ નામ હતું શ્રીદેવી. આમ તો સિનિયર લોકોને માન આપીને ‘તમે’ કહીને બોલાવવાનો રિવાજ છે, પણ શ્રીદેવી જેવી કરોડો લોકોની ‘રૂપ કી રાની’ માટે ‘તમે’ સંબોધન ડિસ્ટન્સ પેદા કરનારું છે. એના માટે તો લાડથી ‘તું’કારો જ નીકળે.

સાઉથની સમ્રાજ્ઞી, બોલિવૂડની મહારાણી

ભારતની ધ ગ્રેટ લૅન્ગ્વેજ ડિવાઇડને કારણે નોર્ધન બૅલ્ટમાં શ્રીદેવી એની હિન્દી ફિલ્મોને કારણે જ જાણીતી છે. પરંતુ ફૅક્ટ એ છે કે શ્રીદેવીએ કરેલી ૩૦૦ ફિલ્મોમાંથી 80 જેટલી ફિલ્મો જ હિન્દીમાં છે, બાકીની તમામ ફિલ્મો દક્ષિણ ભારતીય ભાષાઓમાં છે. કલ્પના કરવી પણ અઘરી છે કે શ્રીદેવીએ દક્ષિણ ભારતની ચારેય ભાષાઓમાં ભરપુર કામ કરેલું. માત્ર 54 વર્ષની ઉંમરમાં એણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 50 વર્ષ આપ્યાં! એમાંય 1997માં અનિલ કપૂર-ઉર્મિલા સાથેની ફિલ્મ ‘જુદાઈ’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ વચ્ચેના દોઢ દાયકાના બ્રેકને બાદ કરો તો, આંકડો બેસે 35 વર્ષમાં લગભગ 297 ફિલ્મો! યાને કે વર્ષની સરેરાશ આઠથી નવ ફિલ્મો! શ્રીદેવી એ જાણે ફિલ્મ મશીન હતી. છતાં આજે પણ એની સાથે કામ કરનારા સ્ટાર્સ કહે છે કે એની એક્ટિંગ આજે પણ એટલી જ ફ્રેશ લાગતી હતી.

મુવી મશીન

શિવકાશીના મિડલક્લાસ પરિવારમાં જન્મેલી શ્રીએ ઈ.સ. 1969માં માત્ર ચાર જ વર્ષની ઉંમરે એક્ટિંગ ડૅબ્યુ કરેલું. ‘તુનૈવન’ નામની એ ફિલ્મ ટિપિકલ ધાર્મિક ફિલ્મ હતી. પછી એણે ક્યારેય બ્રેક લીધો જ નહીં. આજે પાછું વળીને એની ફિલ્મોગ્રાફી અને રિલીઝ થયેલી ફિલ્મોનાં વર્ષ ચૅક કરીએ તો સડક થઈ જઇએ. એક જ વર્ષમાં 10-12-15 ફિલ્મો? એણે બાળપણ ક્યારે માણ્યું હશે? ભારતના કરોડો યુવાનો જેને પોતાની ડ્રીમગર્લ માનતા હશે એણે પોતાની યુવાની માણી હશે ખરી?

વન વુમન ઇન્ડસ્ટ્રી

શ્રીદેવીના સહકલાકારોનું લિસ્ટ તપાસીએ તો આંખો પહોળી થઈ જાય એવડી ગંજાવર રૅન્જ જોવા મળે. એમ. જી.

sridevi-jaya-em
જયલલિતા સાથે બાળ કલાકાર શ્રીદેવી 1971ની ફિલ્મ ‘આતિ પારશક્તિ’માં

રામચંદ્રન, જયલલિતા, શિવાજી ગણેશન, જેમિની ગણેશન, રજનીકાંત, કમલ હાસન, ચિરંજીવી, વેંકટેશ, નાગાર્જુન, અજિત, વિજય જેવા સાઉથના દિગ્ગજો, ઉપરાંત હિન્દીમાં જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપ કુમાર, ફિરોઝ ખાન, વિનોદ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર, શાહરુખ ખાન, સની દેઓલ, અક્ષય કુમાર, જૅકી શ્રોફ, સલમાન ખાન અને ઇવન નવાઝુદ્દીન સિદ્દીકી જેવી વિરાટ ફોજ હતી. શ્રીદેવી એવા સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી જ્યારે દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાતા સુપરસ્ટાર્સનો દબદબો હતો, ધાર્મિક ઍન્ગલવાળી ફિલ્મો બનતી હતી. શ્રીએ જ્યારે મેઇન લીડના રોલ કરવા માંડ્યા ત્યારે સાઉથમાં રજનીકાંત-કમલ હાસનનો સૂર્ય તપવા લાગેલો. હિન્દીમાં પણ રાજેશ ખન્ના, ધર્મેન્દ્રના સ્ટારડમને જીતેન્દ્ર, અનિલ કપૂર, ગોવિંદા, જૅકી શ્રોફ ચેલેન્જ આપવા માંડેલા.

પરિવર્તનની સાક્ષી

ક્રિએટિવિટીની બાબતમાં બોલિવૂડમાં એંસીનો દાયકો કંગાળ ગણાય છે. કેમ કે, એ વખતે મોટાભાગે પોટબોઇલર ટાઇપની મસાલા ફિલ્મો અને સાઉથની રિમેક ફિલ્મો જ બની રહી હતી. એ ફિલ્મોમાં શ્રીદેવી લગભગ ફ્રન્ટ રનર હતી. ઇન ફૅક્ટ, શ્રીદેવીની પહેલી હિન્દી ફિલ્મ ‘સોલવાં સાવન’ પણ એની જ તમિળ ફિલ્મ ’16 વયાથિનિલે’ (ગુજરાતીઃ ૧૬ વર્ષની ઉંમરે)ની હિન્દી રિમેક હતી. એની ‘સદમા’, ‘હિમ્મતવાલા’, ‘તોહફા’, ‘મવાલી’, ‘કલાકાર’, ‘મકસદ’, ‘આખરી રાસ્તા’ જેવી ઢગલાબંધ અને મોસ્ટ્લી હિટ ફિલ્મો પણ સાઉથની ફિલ્મોની સીધી રિમેક જ હતી. એટલે સ્ટાર્સ હોય કે રિમેડ ફિલ્મો, શ્રીદેવીએ અત્યંત ઇન્ટરેસ્ટિંગ પરિવર્તનના દોરમાં કામ કર્યું હતું. એણે શૂટ શરૂ થઈ ગયા પછીયે સ્ક્રિપ્ટનાં ઠેકાણાં ન હોય ત્યાંથી લઇને, માન રાખવા માટે કરાતી ફિલ્મો અને અત્યારના એકદમ પ્રોફેશનલ માહોલમાં પણ કામ કરેલું.

mv5bytzjyte3mdqtyte4os00mzm3lwfinjgtntawnmrhmwi3nwi0xkeyxkfqcgdeqxvymjm3njawodc-_v1_
શ્રીદેવીએ સાઉથની અઢળક રિમેક ફિલ્મોમાં કામ કરેલું. એની ‘સદમા’, ‘આખરી રાસ્તા’, ‘હિમ્મતવાલા’, ‘તોહફા’ જેવી સુપરહિટ ફિલ્મો રિમેક જ હતી.

અનુભવોનો અકબંધ ખજાનો

એક સધર્ન સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ થયા પછી બોલિવૂડમાં પણ ઓલમોસ્ટ નંબર વનનું સ્ટારડમ ભોગવનારી બહુ રૅર અભિનેત્રીઓમાં શ્રીદેવી શુમાર થતી હતી. શ્રીદેવીની માતૃભાષા તમિળ હતી. એના નબળા હિન્દીની સ્થિતિ એ હતી કે નાઝ જેવી વીતેલા જમાનાની અભિનેત્રી શ્રીદેવી માટે હિન્દીમાં ડાયલોગ્સ ડબ કરતી હતી. ‘આખરી રાસ્તા’માં તો રેખાએ શ્રીદેવી માટે ડબિંગ કરેલું. હિન્દી દર્શકોને યશ ચોપરાની ‘ચાંદની’માં પહેલીવાર શ્રીદેવીનો ઑરિજિનલ અવાજ સાંભળવા મળેલો. જયાપ્રદા વર્સસ શ્રીદેવી અને માધુરી વર્સસ શ્રીદેવી જેવો પ્રોફેશનલ રાઇવલરીનો યુગ પણ આવેલો. એની મમ્મી સેટ પર સતત સાથે રહેતી અને પોતે દીકરી જાહ્નવીની સાથે સેટ પર નહીં રહી શકે એવું એ એક ઇન્ટરવ્યૂમાં કહી ચૂકી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આ પરિવર્તન પણ એણે અનુભવેલું. એટલે જ શ્રીદેવીએ એવા ગંજાવર વૈવિધ્યમાં કામ કરેલું કે એની પાસે અનુભવોનો ખજાનો ભેગો થયો હતો. શ્રીદેવી પોતાના અલ્ટ્રા રિઝર્વ્ડ નૅચર માટે ‘કુખ્યાત’ હતી. ભાગ્યે જ ખૂલીને વાત કરતી આ અદાકારા પાસેથી એક આખું સંસ્મરણાત્મક પુસ્તક લખાવી શકાય તેમ હતું. પરંતુ આર. ડી. બર્મન, જગજિત સિંઘ કે ફિલ્મ આર્કાઇવિસ્ટ પી. કે. નાયરનાં અવસાન પછી અફલાતૂન ડૉક્યુમેન્ટરી ફિલ્મો બની છે, એ જ રીતે શ્રીદેવી માટે પણ એક ડૉક્યુમેન્ટરી-એટલિસ્ટ દસ્તાવેજીકરણના ભાગરૂપે પણ બનાવવી જોઇએ.

ડિરેક્ટર્સ એક્ટર

શ્રીદેવી કાયમ પોતાને ‘ડિરેક્ટર્સ એક્ટર’ કહેતી હતી. યાને કે ડિરેક્ટરના વિઝન પર પૂરેપૂરો વિશ્વાસ રાખવો અને એ કહે એમ એને ફોલો કરવું. વિવેચકો એને ‘ઑન-ઑફ’ એક્ટર કહેતા. સેટ પર એક ખૂણામાં ચૂપચાપ બેઠી હોય અને કેમેરા રોલ થવાનું સ્ટાર્ટ થાય એટલે તરત જ એ કેરેક્ટરની સ્કિનમાં ઘૂસી જાય. એનો આ ‘પરકાયા પ્રવેશ’ જોઇને શ્રીદેવીને નજીકથી ઓળખનારા લોકો આજે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા રહે છે. ‘આખરી રાસ્તા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાલબાઝ’ જેવી ફિલ્મોમાં એની પાવરહાઉસ એક્ટિંગ જોઇએ ત્યારે કલ્પના પણ ન આવે કે આ યુવતી આનાથી એક્સ્ટ્રીમ અપોઝિટ હશે.

ઈમોશન્સનું ઍપિટોમ

કોઇપણ કળાકાર-સર્જકને સાચી અંજલિ આપવી હોય તો એમનું કામ ફરી ફરીને યાદ કરવું જોઇએ. શ્રીદેવીની

ds7qqusu0aaill3

(પોટબોઇલર) ‘હિમ્મતવાલા’, ‘સદમા’, ‘ચાંદની’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાલબાઝ’, ‘લમ્હેં’, ‘નગિના’, ‘ખુદા ગવાહ’, ‘જુદાઈ’ અને ભારોભાર મૅલ શૉવિનિસ્ટ છતાં ‘લાડલા’ અને તેની અપોઝિટ એવી મસ્ત ફેમિનિસ્ટ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી હિન્દી ફિલ્મો કોઇપણ સિનેમાપ્રેમીએ ચૂકવી ન જોઇએ. ખરેખરા સિનેમાપ્રેમીઓએ તો શ્રીદેવીની સાઉથની નમૂનેદારો ફિલ્મો શોધી શોધીને જોવી જોઇએ. જેથી શ્રીદેવીની ઍક્ટર તરીકેની ખરેખરી રૅન્જ જોવા મળે. ‘સદમા’થી ‘ચાલબાઝ’-‘મિસ્ટર ઇન્ડિયા’ કે ‘કર્મા’થી ‘લાડલા’ કે પછી ‘લમ્હેં’, ‘ચાંદની’થી ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ કે ‘મોમ’ જેવી ફિલ્મોમાં શ્રીદેવીના રોલની વેરાયટીઓ જોઇએ ત્યારે ખ્યાલ આવે કે પોતાની ક્ષમતાઓના ઢોલ પીટ્યા વિના પણ કેવી વિરાટ રૅન્જમાં ઇમોશન્સ આપ્યાં હતાં! હજી એ માત્ર 54 જ વર્ષની હતી અને પૂરેપૂરી ઍક્ટિવ હતી. એણે પોતાના ઍક્ટિંગ કરિયરની સૅકન્ડ ઇનિંગ્સની શરૂઆત જ કરી હતી. જે રીતે અમિતાભ કે ઋષિ કપૂરની સૅકન્ડ ઇનિંગ્સમાં એમણે વધુ મીનિંગફુલ ભૂમિકાઓ કરેલી, એવું શ્રીદેવી પાસેથી પણ અપેક્ષિત હતું જ.

સોરી મિ. સ્પીલબર્ગ, ટાઇમ નથી!

પદ્મશ્રી શ્રીદેવી વિશે હજી એની પ્રોફેશનલ રાઇવલરી, મિથુન-જીતેન્દ્ર સાથેનાં અફૅર, બોની સાથેનાં લગ્ન, સ્ટિવન સ્પીલબર્ગથી લઇને ‘બાહુબલિ’ જેવી ફિલ્મો નકારવાના કિસ્સા, પાછલા ઘણા સમયથી એ શા માટે વધુ ને વધુ પાતળી-બેજાન લાગતી હતી, એનો ધ્રૂજતો અવાજ, બ્યુટિ ટ્રીટમેન્ટ્સ વગેરે અઢળક ચર્ચાઓ કરી શકાય તેમ છે. ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા શ્રીદેવીના આશિક છે. એમણે પોતાના પુસ્તક ‘ગન્સ એન્ડ થાઇસ’માં શ્રીદેવીને અદભુત અંજલિ આપતો એક આર્ટિકલ લખ્યો છે. એ આર્ટિકલને સુધારીને એણે શ્રીદેવીની ઑબિચ્યુઅરીમાં પણ કન્વર્ટ કર્યો છે. તે આર્ટિકલમાં એણે કબૂલેલું છે કે પોતે ‘ક્ષણ ક્ષણમ’ ફિલ્મ માત્ર શ્રીદેવીને ડિરેક્ટ કરવા અને પોતાના કેમેરામાં કેદ કરવા માટે જ બનાવેલી. ઑરિજિનલ આર્ટિકલમાં રામુએ લખેલું, ‘શ્રીદેવી ઈશ્વરે અત્યાર સુધીમાં સર્જેલી મોસ્ટ બ્યુટિફુલ અને સેક્સિએસ્ટ સ્ત્રી છે. ઈશ્વર આવી બેનમૂન કળાકૃતિઓ લાખો વર્ષોમાં માત્ર એક જ વાર સર્જે છે. શ્રીદેવીને સર્જવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું અને કેમેરાની શોધ કરવા બદલ લુઇસ લ્યુમિએરનો પણ. એવો કેમેરા જેમાં મેં શ્રીદેવીની સુંદરતાને કાયમ માટે કેદ કરી છે.’ જ્યારે ઑબિચ્યુઅરીની છેલ્લી લાઇનમાં રામુએ લખ્યું છે, ‘શ્રી તું જ્યાં હોઇશ ત્યાં હું તને કાયમ માટે પ્રેમ કરતો રહીશ.’ શ્રીદેવીના ચાહકો તરીકે આપણે પણ આ વાક્ય નીચે હસ્તાક્ષર કરી શકીએ.

અલવિદા શ્રીદેવી. આ પૃથ્વી પર અવતરવા બદલ થૅન્ક્સ અ લોટ!

P.S. રામ ગોપાલ વર્માએ શ્રીદેવી વિશે લખેલી ઑરિજિનલ બ્લોગ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો અહીં.

P.S.1 રામ ગોપાલ વર્માએ શ્રીદેવીને આપેલી શ્રદ્ધાંજલિ વાંચો અહીં.

Originally written for DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s