રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

 • jumanji-welcome-to-the-jungle-2017-poster-jumanji-40796280-1000-6621995 કે 1996નું વર્ષ હતું. અમે તાજોતાજો જ ટીનએજમાં પ્રવેશ કરેલો. ઇન્ટરનેટ હજી આવ્યું નહોતું. સેટેલાઇટ ટેલિવિઝનનો માહોલ ‘પદ્માવતી’ની જેમ ગરમ થઈ રહ્યો હતો. આખી દુનિયાની ચેનલો અમારા માટે એક્સ્ટ્રા મનોરંજન અને એક્સપોઝરનો પ્રાઇમ સોર્સ હતો. ‘સ્ટાર મુવીઝ’ પર નાના અક્ષરે ‘18’ લખેલી ફિલ્મો આવી જતી! અમેય તે (ચોરીછૂપે) યથાશક્તિ તેનું પાન કરી લેતા. એમાં એક દિવસ વેકેશનમાં ‘જુમાનજી’ નામનું મુવી આવ્યું. અમે એ વખતે ‘શ્રીમાન-શ્રીમતી’ના (અને એના ટાઇટલ સોંગ ‘શ્રીમાનજી… બોલો શ્રીમતીજી’)ના ફૅન હતા. પણ આ મુવી જબરું અલગ હતું. એક બૉર્ડ ગેમ અને રમવાની ચાલુ થાય એટલે લિટરલી અંદર ખેંચી લે. પછી તો ગમે ત્યાંથી હાથી, ગેંડા, મગરમચ્છ, વાંદરાં, સ્કૂટરની સાઇઝના કરોળિયા ત્રાટકે… પિક્ચરમાં તો એવી મજા આવેલી કે પછી તો જેટલી વાર સ્ટાર મુવીઝમાં આવ્યું, અમેય તે કસ કાઢ્યો (એ વખતે ‘સૂર્યવંશમ’ની શોધ નહોતી થઈ!). એ વખતે એમાં બ્લ્યુ આંખોવાળો એક એક્ટર ગમી ગયેલો. પાછળથી ખબર પડી કે એનું નામ રોબિન વિલિયમ્સ હતું. પાણિયારે એના નામના બબ્બે દીવા કર્યા હોત તો બિચારો આજે હજી અલાઇવ અને કિકિંગ હોત! ખેર…
 • હવે એના ઓલમોસ્ટ બે દાયકા પછી એ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય એટલે જોવી એટલે જોવી (એવું અમારાં ‘એ’નું પણ ફરમાન હતું. કેમકે એ પણ એ વખતે એ ભૂરી આંખોવાળા એક્ટરની અદાયગીના કાયલ હતાં!) રિલીઝ થયાનાં ત્રણ વીક પછી અમે ફાઇનલી એ ફિલ્મ જોઈ આવ્યાં (ત્રણ વીક શું કામે લગાડ્યાં એનું સિક્રેટ અમે કૉર્ટના ચુકાદાની જેમ રિઝર્વ રાખીએ છીએ).
 • આમ તો અમે કોઇપણ ભાષાની ફિલ્મો તેના મૂળ સ્વરૂપે જ જોવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ આમાં સમય દેવતાએ ઐસા ટેંટવા દબાયા કિ હમ પહૂંચ ગયે સીધે ‘જુમાનજીઃ વેલકમ ટુ ધ જંગલ (3D-હિન્દી)’માં. એટલે આખી ફિલ્મમાં ‘ટુ-જી ઘોટાલા’, ‘ચારા ઘોટાલા’, ‘ડિમોનેટાઇઝેશન’ (ના, ત્યાં ઘોટાલા નહોતું. આ તો રિલીઝ થયેલું મુવી છે!), ‘હાર કર જીતનેવાલે કો બાઝીગર કહતે હૈ’ અને સૌથી ગ્રેટ ‘આઓ કભી હવેલી પે’ જેવા ડાયલોગ્સ અને શબ્દપ્રયોગોનો ફુલ ડોઝ હતો. બટ, એટલું તો કહેવું પડે કે ફિલ્મ ખરેખર સારી રીતે ટ્રાન્સલેટ થયેલી છે અને મોટાભાગના જોક્સ હિન્દીમાં પણ એટલી જ અસરકારકતાથી વર્ક કરે છે.
 • એક રીતે જોવા જાઓ તો આ ‘જુમાનજી-2’ પણ પાર્ટ વનની જેમ જ સ્ટાર્ટ થાય છે. કોઇને ગેમ મળે, કશુંક થાય, સ્ટોરી જમ્પ મારે, ગેમનો નવેસરથી આરંભ થાય અને રોલરકોસ્ટર રાઇડ શરૂ થાય. ભરચક જંગલમાં ગમે ત્યાંથી ગેંડા, હાથી, દીપડા, સાપ અને ‘ધૂમ સ્ટાઇલે’ ચલાવતા બાઇકસવારો આવી ચડે છે. અધવચ્ચે ખ્યાલ આવે કે હાઇલા, આમાં તો અગાઉની એક ઘટનાના તાર પણ જોડાયેલા છે. હવે ગેમમાંથી બહાર નીકળવું હોય તો ગેમ સફળતાપૂર્વક પૂરી કરવી પડે. હા, આ વખતે બદલાયેલા ટાઇમ પ્રમાણે બડી ક્યુટલી બૉર્ડગેમનું સ્થાન વીડિયોગેમે લઈ લીધું છે.
 • ફિલ્મ સતત દોડતી ભાગતી રહે છે અને ટ્વિસ્ટ્સ ટર્ન્સની સાથે લાફ્ટરનો સ્ટૉક પણ પૂરો પાડતી રહે છે. આમ તો આ ફિલ્મનું પ્રાઇમ ટાર્ગેટ ઑડિયન્સ બાળકો છે, પણ એમાં આવેલા ઘણા જોક્સમાં શરીરના બૉડીપાર્ટ્સને લઇને ઓલમોસ્ટ અશ્લીલ જોક્સ ઠૂંસવામાં આવ્યા છે. એવી લાલચ ખાળી હોત તો સારું થાત. ફની રાઇટિંગ ઉપરાંત આ ફિલ્મ જોવાની મજા આવી છે તેના ત્રણ મુખ્ય મેલ એક્ટર્સને કારણે. પડછંદ ટકલુ ડ્વેઇન ‘ધ રૉક’ જ્હોનસન, ગોળમટોળ જૅક બ્લેક અને સતત ગૂફી ફૅસ રાખીને ફરતા કૅવિન હાર્ટ, એ ત્રણેયની કેમિસ્ટ્રી અને કોમિક ટાઇમિંગ એકદમ સ્ફોટક છે.
 • ‘જુમાનજી-2’ ક્રિસ્મસ મુવી અથવા તો હૉલિડે મુવી છે. એટલે એમાં બાળકો-સમગ્ર પરિવારને સાથે બેસીને જોવાની મજા પડે એવા તમામ મરી-મસાલા છે. પ્લસ, ફિલ્મમાં આપણને દિમાગની હાર્ડડિસ્કમાં કાયમ માટે સૅવ કરી રાખવાનું મન થાય એવી જિંદગી જીતવાની જડીબુટીઓ પણ છે. આ જડીબુટીઓને અમે કંઇક આ રીતે જોઈઃ ‘જુમાનજી-2’નાં કેરેક્ટર્સ ટીનએજર્સ છે, જે એક સજાના ભાગરૂપે કોલેજના સ્ટોરરૂમમાં ભેગા થાય છે અને ત્યાંથી આ ગૅમમાં સલવાઈ જાય છે. ગૅમમાં એમણે પસંદ કરેલાં કેરેક્ટર્સનો અવતાર એમને મળી જાય. દરેક કેરેક્ટર સાથે અમુક સ્ટ્રેન્ગ્થ અને અમુક વીકનેસ પણ આવે. એમણે જો આ ગેમ સફળતાપૂર્વક પૂરી કરીને રિયલ લાઇફમાં પાછા ફરવું હોય, તો લાખ ડિફરન્સીસ છતાં એકબીજાની મદદ લેવી જ પડે.
  હવે આખી ‘જુમાનજી’ ગેમને લાઇફના મૅટાફર તરીકે જુઓ. આપણે સૌ જિંદગી નામની જુમાનજી ગૅમ જ રમી રહ્યા છીએ. લાઇફના ગોલ તરીકે ઓળખાતો હીરો આપણે શોધવાનો છે અને તેને લઇને એક ટોચે પહોંચવાનું છે. આપણા સૌની પાસે અમુક સ્ટ્રેન્ગ્થ અને અમુક વીકનેસ છે, જેને અફકોર્સ આપણે જ ઓળખવાની છે. સ્ટ્રેન્ગ્થનો ઉપયોગ કરીને આગળ વધતા રહેવાનું છે. વીકનેસને ઑવરકમ કરવાની છે. લેકિન આ ગેમ પણ એવી છે કે એમાં કોઈ વ્યક્તિ એકલી આગળ વધી શકે નહીં. એટલે ફેમિલી-ફ્રેન્ડ્સ અને અજાણ્યા અનેક લોકોની મદદ લેતાં લેતાં આગળ વધવાનું છે. ક્યારેક ‘રામાયણ’ના હનુમાનજીની જેમ કે કુરુક્ષેત્રના અર્જુનની જેમ આપણી સ્ટ્રેન્ગ્થ વીસરીને વિષાદયોગમાં સરી પડીએ તો બીજાની મદદ લઇને-બીજાને હિંમત આપીને એમને ઉત્સાહનાં ઇન્જેક્શન આપવાની પણ આપણી ફરજ છે. ગોલ પૂરો કરી લો તો તમારું અને બીજાનું જીવન પણ પૉઝિટિવલી ચૅન્જ થઈ શકે.

  ફિલ્મમાં લેવાયેલાં ચારેય ટીનેજર પણ પાછાં અલગ અલગ પર્સનાલિટી ધરાવે છે. એક શૉર્ટકટ શોધે છે, બીજો ઑવર પઢાકુ છે, ત્રીજી એક છોકરી પઢાકુ છે લેકિન બોલવામાં મૂંહફટ છે અને સોશિયલી ડિસકનેક્ટેડ છે. જ્યારે ચોથી ટીનએજર છોકરી સોશિયલી ઑવર કનેક્ટેડ છે, યાને કે આખો વખત ફોનમાં-સોશિયલ મીડિયામાં જ ચીપકેલી રહે છે. એ રીતે જુઓ તો આ ‘જુમાનજી-2’ એક ફેન્ટેસી-ઍડવેન્ચર ફિલ્મ હોવા ઉપરાંત એક કમિંગ ઑફ ઍજ મુવી પણ છે. યાને કે ફિલ્મના અંતે ટીનેજર્સ સમજદાર, મૅચ્યોર બને છે અને ફેમિલી-લાઇફની વેલ્યુ સમજે છે.

  ડૉન્ટ વરી, ફિલ્મમાં આવી બોરિંગ ફિલોસોફિકલ વાતો નથી. આ તો અમે જરા બારીક નજરે જોયું એટલે આવું બધું દેખાયું. તમને દેખાય તો વર્ચ્યુઅલ હાઈ-ફાઇવ. ન દેખાય તોય ફિલ્મના જલસામાં એક ટકો પણ ઘટાડો થવાનો નથી.

 • માંડ બે કલાકની આ મસાલા એન્ટરટેનર ફિલ્મ તમે થિયેટરમાં જુઓ કે અન્ય કોઈ સ્ક્રીન પર, એ તમારી ચોઇસ છે. હા, મસ્ત વીકએન્ડ એન્ટરટેનર છે એટલું પાકું છે. હજી આનો ત્રીજો પાર્ટ પણ આવવાનો છે. અમે તો જોવા જવાના છીએ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 thoughts on “Jumanji: Welcome To The Jungle

Leave a Reply to Sanket Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s