1
Photo by: Charmie Soni

આમ તો હું મને પોતાને એવો કોઈ પ્રાણીપ્રેમી માનતો નથી, પણ આજે એક ઘટના બની અને એ પછી જે મિક્સ્ડ ફીલિંગ્સ મનમાં આવી તો થયું કે શૅર કરવી જોઇએ.

અમારા અપાર્ટમેન્ટમાં જ જન્મીને મોટી થયેલી એક બિલાડીએ થોડા મહિનાઓ પહેલાં ત્રણ બચ્ચાંને જન્મ આપેલો. બિલ્લીઓની ઘર ટ્રાન્સફર કરવાની મેન્ટાલિટીમાં એ ત્રણેય બચ્ચાંને અમારા ફ્લૉર પર મૂકી ગયેલી. જેમાં એક અત્યંત નબળું હતું અને લગભગ ત્રણ-ચાર દિવસમાં જ ક્યાંક ગાયબ થઈ ગયેલું (અમે લોકોએ તર્ક લગાવ્યો કે એ ગુજરી ગયું હશે. પરંતુ જાતે ક્યાંય જઈ ન શકતું બચ્ચું ‘ગાયબ’ કેવી રીતે થઈ જાય એ સમજાયું નહીં). ગોલ્ડન કલર-વ્હાઇટ સ્ટ્રાઇપ્સ ધરાવતાં બાકીનાં બે બચ્ચાં ખાસ્સાં હેલધી અને એક્ટિવ હતાં. અપાર્ટમેન્ટનાં લોકો અને આવતાંજતાં દૂધવાળા પણ એમને દૂધ પીવડાવતા જાય એટલે એમની સાઇઝ પણ થોડા મહિનાઓમાં જ ઠીક ઠીક વધી ગયેલી. અપાર્ટમેન્ટની બચ્ચાંપાર્ટીને તો લાઇવ રમકડાં મળી ગયેલાં. મારાં મમ્મીમાં મેનકા ગાંધીનો પ્રાણીપ્રેમી સ્વભાવ ખરો, એટલે એ દરરોજ ભૂલ્યાં વગર એમને બે વખત દૂધ આપે અને માખણ ગરમ કર્યા પછીનું કીટું પણ એમને મળે (એ બચ્ચાં પણ લુચ્ચાં કે ટાઇમ થાય એટલે હકથી દરવાજે આવીને ઊભાં રહે. અરે, એ તો દરવાજો ખખડાવતાં પણ શીખી ગયેલાં!). બિલ્લીઓની નેચરલ ક્યુટનેસ ઉપરાંત લોકોના પેમ્પરિંગનું એક કારણ એ પણ ખરું કે એ બંને બચ્ચાંની માતાએ એમને થોડાં અઠવાડિયાંમાં જ ત્યજી દીધેલાં.

3
Photo by: Charmie Soni

હવે થોડા દિવસ પહેલાં બેમાંથી વધુ એક્ટિવ એવું એક બચ્ચું રાતોરાત ગાયબ થઈ ગયું. જ્યારે બીજું બચ્ચું ક્યાંક રણમેદાનમાંથી પાછલા પગે ઘાવ લઇને આવ્યું. આખો દિવસ નિમાણું થઇને પડ્યું રહે એટલે નેચરલી કરુણાની સરવાણીઓમાં વધારો થયો. અમેય તે વિચારેલું કે આને લઇને પ્રોપર પાટાપીંડી કરાવી આવીએ તો થોડા દિવસમાં ફરીથી દોડતું થઈ જશે. પણ અમે નોકરીનાં એવાં કામોમાં બિઝી રહ્યાં જે પહેલી નજરે ન કરીએ તો ધરતી રસાતળ જશે એવાં અગત્યનાં લાગે, પણ લાર્જર પિક્ચરમાં એનું કોઈ મહત્ત્વ જ ન હોય. અને એ બચ્ચાને વેટરિનરી ડૉક્ટર પાસે ન લઈ જવાયું. હવે ગઇકાલથી એ ઘાયલ પ્રાણી પણ રાતોરાત ગાયબ થઈ ગયું. આખા અપાર્ટમેન્ટમાં પણ ક્યાંય દેખાયું નહીં. બની શકે કે ઘાવને લીધે ચેપના ભયથી કોઈ એને બહાર મૂકી (વાંચો, ફેંકી) આવ્યું હોય. પણ આજે ઑફિસ જતી વખતે એ જ બચ્ચાને ઘરની પાસેના રોડની વચ્ચોવચ મરેલી હાલતમાં જોયું. એક કાગડો લિજ્જતથી એની જ્યાફત ઉડાવતો હતો.

પહેલાં તો ગિલ્ટનો તીવ્ર હુમલો આવ્યો કે મેક્સિમમ બે કલાકનું કામ હતું તેને પાટાપીંડી કરાવવા લઈ જવાનું, અમે વિચારેલું, છતાં ન કર્યું અને આખરે એ મરી ગયું. સામે પક્ષે એ ત્રણેક દિવસોમાં મેં એવાં કોઈ કામ નહોતાં કર્યાં જેનાથી દુનિયાને એક ટકોય ફરક પડવાનો હોય. પણ એમાંથી બે કલાક કાઢી હોત તો એક જીવ બચી ગયો હોત.
***
ખેર, હવે ગિલ્ટી ફીલ કરવા સિવાય આખી વાતનો કોઈ અર્થ નથી. અને લાર્જર પિક્ચરમાં જુઓ તો એક નાનકડું બિલાડીનું બચ્ચું જીવે કે મરે બ્રહ્માંડને એનાથી કોઈ જ ફરક પડતો નથી. રોજનાં કેટલાંય પ્રાણીઓ વાહનોની અડફેટે ચગદાઈને કરુણ મોતે મરે છે. એ જ તો કુદરતે સેટ કરેલું ગ્રાન્ડ લાઇફ-સાઇકલ છે. પણ કન્ફ્લિક્ટિંગ થૉટ્સ હવે આવે છે.

એક તો એ ઘાયલ બચ્ચું જાતે ચાલીને જઈ શકે તેમ નહોતું, એટલે કોઈ તેને પકડીને છેક બહાર મૂકી આવ્યું હશે તે નક્કી વાત છે. અને બહાર તે ચોવીસ કલાકમાં મરી જાત એ પણ નક્કી જ હતું. એટલે સ્વિસ બૅન્કનાં લોકર કરતાં માણસોનાં દિમાગ વધુ રહસ્યો સાચવીને બેઠાં હોય છે તે નક્કી વાત છે.

બીજો થૉટ એ આવ્યો કે હું પોતે લિજ્જતથી ઍગ્સ-ચિકનની વાનગીઓ ખાઉં છું (આપણે ત્યાં હદ બહારના દંભી માહોલમાં આ વાત કોઈ સ્વીકારતું નથી એ જુદી વાત છે). ત્યારે આવા વેવલા વિચારો કરું તે દંભ નથી? હું કોઈ પ્રાણી પર સવારી કરવાનું પસંદ કરતો નથી, નોટ ઇવન ઘોડાગાડી, કોઈ દુર્લભ પ્રાણી ન હોય તો બને ત્યાં સુધી ઝૂમાં પણ જતો નથી, ગયો હોઉં તો પ્રાણીને જોયા સિવાય ખાસ મજા આવતી નથી એ હકીકત છે. પણ હું હવે ફિશનો ટેસ્ટ કલ્ટિવેટ કરવા વિશે વિચારી રહ્યો છું. આવા વિરોધાભાસી વિચારોમાં ક્લેરિટી લાવવા અજબ સવાલોના ગજબ જવાબો આપનાર વેબસાઇટ ‘ક્વોરા’માં ખણખોદ કરી. મારા જેવી વિમાસણોમાં અટવાયેલા ઘણા મનુષ્યો તેમાં હતા (એ જાણીને થોડી રાહત પણ થઈ). તેમાં અપાયેલા જવાબોની દલીલો કંઇક આવી હતી…
– ફાર્મ એનિમલ્સ (ચિકન, લેમ્બ, પિગ વગેરે) અને કમ્પેનિયન એનિમલ્સ (ડૉગ્સ, કેટ્સ, પોપટ વગેરે) અલગ હોય છે. ફાર્મ એનિમલ્સને ખોરાકના હેતુસર જ ઉછેરવામાં આવે છે. એટલે એમને મારીને ખાવાનો હરખ-શોક ન હોય.
– જો દરેક પ્રાણીમાં તમે ફીલિંગ્સ આરોપિત કરો તો તમને કોક્રોચ સાથે પણ પ્રેમ થઈ જાય (અનેક ફિલ્મોમાં પણ આવું બતાવાયું છે). જો આ જ વીગન મેન્ટાલિટી એક્સપૅન્ડ કરો તો તમે શાકભાજી પણ ન ખાઈ શકો, કેમકે ડૉ. જગદીશચંદ્ર બોઝે સાબિત કરેલું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. ઇવન દહીં-છાશ-ઇડલી-ઢોકળાં પણ ન ખાઈ શકો, કેમ કે તેમાં અબજો બૅક્ટેરિયા હોય છે. અરે એ લોજિકથી તો તુલસીમાતાની પૂજા કરનારા આપણે તુલસીપાનનો ઉકાળો કે ચામાં નાખીને પણ કન્ઝ્યુમ કરવો જોઇએ નહીં.
– જો ફાર્મ એનિમલ્સને સ્લોટર થતા જુઓ તો તમે ક્યારેય નોનવેજ ન રહી શકો.
– પણ જો આખી દુનિયા શાકાહારી થઈ જાય તો ઑલરેડી ભૂખમરાથી પીડાતી દુનિયાને આપવા માટે પૂરતું ‘શાકાહારી’ પોષણક્ષમ-અનાજ આપણી પાસે છે ખરું?
– અઢળક પ્રાણીપ્રેમીઓ પોતે પણ નોનવેજ હોય છે, અથવા તો કરોડો નોનવેજ ખાનારાઓ પ્રાણીપ્રેમી હોય છે, અને એ લોકો દંભી નથી હોતા.
– પ્રાણીઓ પોતે પણ એકબીજાને મારે છે-ખાય છે, દુશ્મની માટે પણ મારે છે (અઢી-ત્રણ દાયકા પહેલાં અમારા ઘરમાં એક બિલાડીએ ત્રણ બચ્ચાંને જન્મ આપેલો, અને બે-ચાર દિવસમાં જ ખુલ્લી રહી ગયેલી બારીમાંથી બીજાં કોઈ બિલાડાંએ આવીને એ ત્રણેય બચ્ચાંને રીતસર ચીરી નાખેલાં.)
– KFCમાં બેસીને ચિકન લેગપીસ ખાનારો વધુ ગિલ્ટી કે નજર સામે ઘાયલ બિલ્લીને દવાખાને લઈ ન જનારો વધુ ગિલ્ટી? (મારા મતે મારા જેવો બીજો વધુ ગિલ્ટી છે.)
– કોણે શું ખાવું-શું ન ખાવું, કોણે કયા પ્રાણી પર પ્રેમ ઢોળવો એ બીજી કોઈ વ્યક્તિ નક્કી કરી શકે ખરી? કે પછી જે લોકો ખાતા હોય એમની ઇટિંગ હેબિટ વિશે એમને જજ કરી શકાય ખરી?
– કયું પ્રાણી શાકાહારી-કયું માંસાહારી છે તે આપણને ખબર છે. પણ માણસનું શું? તે હજારો વર્ષોથી મિશ્રાહારી રહ્યો છે. સાથોસાથ એ પ્રાણીપ્રેમી પણ રહ્યો છે.

આ ચર્ચામાં હજી બીજા ઍન્ગલ્સ પણ ઉમેરી શકાય, પણ પછી મૂળ મુદ્દો સાઇડમાં ધકેલાઈને ચર્ચા કમ્યુનલ-પોલિટિકલ થઈ જાય તેવી ધાસ્તી છે.
***
કદાચ માણસ જેવા અત્યંત કોમ્પ્લેક્સ અને વિચારતા પ્રાણી માટે આવી મિક્સ્ડ ફીલિંગ્સથી મૂંઝાતા રહેવું એ જ ડેસ્ટિની છે. છતાં એટલું તો કદાચ ક્લિયર જ છે કે નોનવેજ ખાનારા કરતાં કે ‘હું તો ઇંડાંને પણ હાથ જ લગાવતો નથી’-‘આજે મંગળવાર છે, હું નોનવેજ નહીં ખાઉં’ એવું કહીને બાકીના દિવસોએ છાનામાના નોનવેજ ઠૂંસી આવનારા દંભીઓ કરતાં… એક મૂંગા પ્રાણીને દિવસો સુધી નજર સામે તરફડતું જોવા છતાં તેને સારવાર માટે ન લઈ જનારા મારા જેવા ક્યાંય વધુ ગિલ્ટી છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s