Warning: Contains mild spoilers

***

વો જો થા ખ્વાબ સા

***

પ્રીડિક્ટેબલ હોવા છતાં આ ક્યુટ, સ્માર્ટ, હિલેરિયસ ફિલ્મ એકદમ ફનફિલ્ડ જોયરાઇડ છે.

***

રેટિંગઃ *** + 1/2 = ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

 • qqsક્યારેક ફિલ્મ જોતી વખતે આપણે તેનાં પાત્રોનાં એવા પ્રેમમાં પડી જઇએ કે ફિલ્મ પૂરી થયા પછીયે અંદરખાને એવું થાય કે યાર, આની સાથે વધુ સમય રહેવા મળે તો કેવી મજા આવે! (ફિલ્મોની સિક્વલ બનાવવાના ટ્રેન્ડ પાછળ એક કારણ આ પણ હોઈ શકે!) ડિરેક્ટર તનુજા ચંદ્રાની લેટેસ્ટ રિલીઝ ‘કરીબ કરીબ સિંગલ’નું મુખ્ય કેરેક્ટર યોગેન્દ્રકુમાર પ્રજાપતિ ઉર્ફ ‘મિસ્ટર યોગી’ આવું જ પાત્ર છે. ફુલ ઑફ લાઇફ અને ફુલ ઑફ કલર્સ. યોગી અને જયાની રોમેન્ટિક કોમેડી લઇને તનુજા ચંદ્રાએ નવ વર્ષના ગૅપ પછી ડિરેક્ટર્સ કૅપ પહેરી છે.
 • કેટલીક ફિલ્મો ઇન્ટ્રોવર્ટ લોકો જેવી હોય છે, જે છાનીમાની આવે, આપણને દિલથી એન્ટરટેઇન કરે અને એવા જ બિલ્લીપગે જતી રહે. સલમાનભાઈની ફિલ્મોની જેમ તે બૉક્સ ઑફિસ પર ટંકશાળ ન પાડે કે ભણસાલીની જેમ દેશભરમાં તેના નામનાં છાજિયાં પણ ન લેવાય. છતાં જોતી વખતે સતત આપણા ચહેરા પર એક મસ્ત સ્માઇલ રમતું રહે. એ ફિલ્મ આપણી અંદર પણ એક સરસ પૉઝિટિવ ખુશનુમા ઍનર્જી ભરી જાય. તનુજા ચંદ્રાની ઇરફાન-પાર્વતી સ્ટારર બેશક ફોર્મ્યૂલા ડ્રિવન રોમ-કોમ રોડમુવી છે. સિનેમેટિક ગ્રેટનેસની ફૂટપટ્ટી પર તે ઝંડા ખોડી લાવે એવી પાથબ્રેકિંગ પણ નથી. છતાં તેમાં કુછ તો બાત હૈ જે મૅગ્નેટિક આકર્ષણથી આપણને જકડી રાખે છે.
 • ટ્રેલર પરથી ક્લિયર હતું તેમ ‘કરીબ કરીબ સિંગલ’ સ્ટોરી છે મિસ્ટર યોગી અને જયાની. બ્યુટી એ છે કે 201710081429098541_irrfan-khan-qarib-qarib-singlle-trailer-is-out_10151_l_albvpfબેમાંથી એકેય મૉડલ જેવાં શરીરો ધરાવતાં ફિલ્મી રોમેન્ટિક કપલ નથી. બંનેની ઉંમર લેટ થર્ટીઝમાં છે અને બંને ફિલહાલ સિંગલ છે. યોગી (ઇરફાન) હૅપી ગો લકી, ચૅટર બૉક્સ ટાઇપનો અને કંઇક અંશે ‘ઝોરબા ધ ગ્રીક’ જેવો માણસ છે. એ ઊંઘમાં હોય ત્યારે જ એનું બોલવાનું બંધ થાય! પૈસા કમાવા માટે એ કંઇક કરે છે, પરંતુ તબિયતથી કવિ છે. એમની સૂટકેસ પણ એમના કલરફુલ સ્વભાવના રિફ્લેક્શન જેવી જ છે. એમનું નામ અને ચહેરો તેના પર ચોંટાડેલો છે. ઉપરથી શાયરાના અંદાઝમાં સૂચના પણ છે કે, ‘તુમ મિલે ના મિલે કોઈ ગમ નહીં યોગી, પર યે કભી મિલે તો ઝરૂર લૌટા દેના…’ યોગી ત્રણેક વખત ‘ઘનઘોર ઇશ્ક’માં ઊંધેકાંધ પડ્યા છે. એમનું માનવું છે કે (પ્રેમમાં નિષ્ફળ ગયા પછી) આત્મહત્યા કરી શકતા લોકો ખુશનસીબ હોય છે. જે ‘કાયર’ લોકો એવું નથી કરી શકતા એ શાયર બની જાય છે. ત્રણ ત્રણ વખત વિયોગ વેઠી ચૂક્યા છે એટલે જ કદાચ એમણે પોતાનું તખલ્લુસ ‘વિયોગી’ રાખ્યું છે! (એમની આ દર્દભરી નઝમોનું સંકલન એમણે ‘વિયોગી કા વિલાપ’ નામે બહાર પાડેલું!) એનું ડ્રેસિંગ પણ એની પર્સનાલિટી જેવું જ લાઉડ. નિયોન કલરનાં ટીશર્ટ્સ, ચિત્ર-વિચિત્ર જીન્સ, બાંધણી જેવી ડિઝાઇન ધરાવતાં બૉટમ્સ, ક્વર્કી એક્સેસરીઝ એનો યુનિફોર્મ. ઋષિકેશના ઘાટ પર તો એણે શર્ટની નીચે ચણિયા જેવું સ્કર્ટ, ગળે ગમછો વીંટ્યો છે અને પગમાં લાકડાંની પાદુકા પહેરી છે!
 • જયા શશીધરન (પાર્વતી)નો હસબંડ આર્મીમાં હતો અને દસેક વર્ષ પહેલાં શહીદ થઈ ગયેલો. ત્યારથી એની લાઇફમાં કોઈ જ નથી. પોતે મુંબઈમાં એકલી રહે છે. માતા-પિતા કેરળમાં ક્યાંક રહે છે અને નાનો ભાઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. પોતે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં ઊંચા હોદ્દે છે અને ઘરમાં તદ્દન એકલી રહે છે. એની લાઇફ કેવી છે તે ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ના મસ્તીભર્યા રિમિક્સ્ડ સોંગમાં પર્ફેક્ટ્લી ઝિલાઈ છે. સેમ્પલ ધિસઃ ‘ખુદ કો મૈં કૉફી પિલાઉં, ખુદ કો હી શોપિંગ કરાઉં, ખુદ સે હી નઝરે લડાઉં… ખુદ સે હી ગપ્પે લડાઉં, ખુદ કા મૈં ટાઇમપાસ કરાઉં, લોંગ ડ્રાઇવ પે ખુદ કો મૈં લે જાઉં… બિન સૈંયા કે સેલ્ફી ન ભાયે… મૈં તો હૂં બેગમ તન્હા..’
 • રિલક્ટન્ટ્લી-અનિચ્છાએ હી સહી, બંને એક ડૅટિંગ સાઇટ થ્રુ એકબીજાને મળે છે. બંનેની પર્સનાલિટી એકદમ ઉત્તર-દક્ષિણ, મે-ડિસેમ્બર જેવી છે. એકની સવાર કૉફીથી પડે, તો બીજી વ્યક્તિ ‘લાત્તે’ (કૉફી)નું નામ સાંભળીને જ હસી પડે. એકની લાઇફ એક નિશ્ચિત સર્કિટ પર ચાલ્યા કરે છે, જ્યારે બીજો પહેલાં નીકળી પડે ને પછી રસ્તો ક્યાં જાય છે તે પૂછે! ટૂંકમાં બંને એટલાં બધાં ઑડ (Odd) છે કે કપલ બનવાના ચાન્સ જ નથી. છતાં બંને એકબીજા સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરે છે, જેમાં પ્રસ્તાવ મુકાય છે કે મિસ્ટર યોગીની જૂની પ્રેમિકાઓને મળવા જવું (હા, મધુ રાય-કેતન મહેતાવાળા મોહન ગોખલે ફેમ ‘મિસ્ટર યોગી’ની જેમ અહીં પણ મિસ્ટર યોગી વન બાય વન કન્યાઓની મુલાકાતે નીકળે છે! જોકે પરણવાના હેતુથી નહીં, પરંતુ તે એમની યાદમાં આજે પણ આંસુડાં સારે છે કે કેમ તેની ખરાઈ કરવા!). નૅચરલી, બહારની આ જર્નીની સાથોસાથ એમની અંદર પણ એક સફર ખેડાય છે. મુંબઈથી શરૂ થયેલી આ સફર દહેરાદૂન-ઋષિકેશ, જયપુર-અલવર અને છેક ગંગટોક (સિક્કીમ) સુધી લંબાય છે.
 • ‘કરીબ કરીબ સિંગલ’માં એવું કશું નથી જે આપણે માત્ર ટ્રેલર જોઇને પણ ન કળી શકીએ. ‘જબ વી મૅટ’ના રિવર્સ વર્ઝન જેવી આ ફિલ્મની મૂળ વાર્તા તનુજા ચંદ્રાની માતા કામના ચંદ્રાએ લખેલા એક રેડિયો નાટક પરથી લેવામાં આવી છે (કામના ચંદ્રાએ ‘ચાંદની’, ‘1942 અ લવસ્ટોરી’, ‘પ્રેમરોગ’ જેવી ફિલ્મો લખી છે). પરંતુ ફિલ્મના ડાયલોગ્સ, પાત્રાલેખન અને રિયલ લાઇફ ડિટેલિંગ પર જબરદસ્ત કામ કરાયું છે, જે ફિલ્મના એકેએક સીન પરથી ખબર પડે છે. ક્રેડિટ ગોઝ ટુ રાઇટર ગઝલ ધાલીવાલ.
 • ‘યે શહરોં કા રૂટિન ઇન્સાન કો અંદર સે એકદમ ખોખલા બનતા દેતા હૈ…’ જેવી સંજીદા-ગંભીર વાતથી લઇને ‘તુમ તો અંજલિ સે અંજલિના જોલી બન ગયી..’ જેવી હળવી લાઇન્સ સુધીની રૅન્જ છે. પણ એને અહીં વાંચી નાખવા કરતાં ઇરફાનના મોઢેથી સાંભળશો તો વધુ મજા આવશે.
 • 213107d1256098106-yetiblog-yeti-normally_crazy-tata-nano-drive-delhi-dsc_3470_lઅહીં બે પાત્રોની જર્ની ‘પ્લેન્સ ટ્રેન્સ ઑટોમોબાઇલ્સ’ મુવીની જેમ કાર, પ્લેન, ટ્રેન, હૅલિકોપ્ટર, રિવર રાફ્ટિંગની બૉટ, રેગ્યુલર બૉટ, એરપોર્ટની ગો કાર્ટ અને ઇવન રોપવેમાંથી પસાર થાય છે. ઋષિકેશની ગંગા આરતી-રિવર રાફ્ટિંગ હોય કે રાજસ્થાનની હૅરિટેજ ટ્રેન હોય કે પછી સિક્કીમમાં બાગડોગરાથી ગંગટોક સુધીની હેલિકોપ્ટર રાઇડ હોય, ગંગટોકનો બેહદ ખૂબસૂરત ‘એમ. જી. રૉડ’ હોય… દરેક શહેરની મસ્ત ફ્લેવર તનુજા ચંદ્રાએ ઝીલી છે. અરે, રાજસ્થાનમાં એક ઠેકાણે નોર્થ પોલ અને ન્યુ યૉર્કનું અંતર દર્શાવતો માઇલસ્ટોન છે, તે પણ સ્ક્રીન પર દેખાય છે! ઋષિકેશનું રિવર રાફ્ટિંગ કે ગંગટોક જેવાં બેહદ ખૂબસૂરત લોકેશન્સ કોઈ હિન્દી ફિલ્મમાં કદાચ પહેલી જ વાર દેખાયાં છે.
 • સતત બકબક કર્યે રાખતા યોગીનું પાત્ર ઘણે અંશે મિસ્ટિરિયસ-ભેદી છે. એક સમયે એ ફટીચર-મુફલિસ હતો, પણ અત્યારે મર્સીડિઝમાં ફરે છે અને બેફામ પૈસા ઉડાડે છે. એ કઈ રીતે માલદાર થયો, એનું ફેમિલી ક્યાં છે, શું કરે છે, છે કે કેમ, આપણને કશી જ ખબર નથી. એની પાસે પ્લેનમાં એણે ખાધેલી બેસ્ટ ‘બિરયાની ઔર રાયતા’ની વાતો, શા માટે બેસ્ટ રાયતું બનાવવું તે રોકેટ સાયન્સથી કમ નથી તેની ફિલોસોફી, કઈ કેરી ચીરીને ખાવી ને કઈ ચૂસીને ખાવી, મેરેથોન રેસની તૈયારી કેવી રીતે કરવી, શા માટે એ ઇન્ટરનેટ પર નથી… બધી જ વાતોનો અખૂટ ખજાનો એની પાસે છે. બીજી મજા એ છે કે એ ગમે તેની સાથે ‘બેટા જી, બેટા જી’ કહીને દોસ્તી કરી લે છે. પછી તે ટેક્સી ડ્રાઇવર હોય કે હેરિટેજ ટ્રેનનો રસોઇયો હોય કે પછી રેલવે પ્લેટફોર્મ પર ભજિયાં વેચનારો હોય. અરે, ખોટી ટ્રેનમાં ચડી ગયા પછી તેના મુસાફરો સાથે પણ એવી ભાઈબંધી કરી લે કે એમની સાથે ખાવા-પીવા-ગાવા ને પત્તાં રમવાનાં રિલેશન કાયમ કરી લે છે. પોતાની ખાલી ટેક્સીમાં એ રસ્તે ચાલતા કે અટવાયેલા અજાણ્યા મુસાફરોને પણ બિનધાસ્ત લિફ્ટ આપી દે છે. યાને કે યોગી કોઇના પર પણ ભરોસો કરતાં સહેજ પણ ખચકાતો નથી. જ્યારે એક દાયકાથી એકલી રહેતી જયા હવે ઝટ કોઇના પર વિશ્વાસ મૂકતી નથી. પુરુષો પર તો ખાસ. વળી, એના સરળ સ્વભાવને કારણે લોકો એને ‘ફોર ગ્રાન્ટેડ’ લઇને આસાનીથી એનો યુઝ પણ કરી જાય છે. એક તબક્કે અનાયાસે જ એને ઇરફાનનો સ્પર્શ થઈ જાય છે ત્યારે એનાં એક્સપ્રેશન્સ જોઇને ખબર પડે છે કે વર્ષોથી એને કોઈ પુરુષનો આ રીતે સ્પર્શ જ નહીં થયો હોય. પર્સનાલિટીઝની આવી બારીકીઓ રાઇટિંગમાં સરસ ઝીલાઈ છે. ઇવન યોગીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ્સ, ટેક્સી ડ્રાઇવર-મૅડિકલ સ્ટોર ઑનર-હૉટેલ મેનેજર-ભૂતપૂર્વ પ્રેમિકાનો વર્તમાન પતિ જેવાં સાવ નાનકડાં પાત્રો પણ એમની પર્સનાલિટીની આગવી ખાસિયતોને કારણે આપણને યાદ રહી જાય છે.
 • જરાય વોકલ થયા વિના કે ગંભીર બન્યા વિના આપણને ખ્યાલ આવી જાય છે કે ભૂતકાળમાં ત્રણ યુવતીઓ સાથે ‘ઘનઘોર ઇશ્ક’ હોવા છતાં એનો સંઘ કાશીએ કેમ પહોંચ્યો નહીં. એક યુવતીને પોતાના ડ્રીમ મેનનું મસ્ક્યુલર-ગઠીલું બદન જોઇતું હતું, બીજી પ્રેમિકા એની મુફલિસીથી-કંગાલિયતથી ખફા હતી, જ્યારે ત્રીજીને પોતાનું કરિયર વધુ વહાલું હતું. યાને કે ત્રણમાંથી એકેય યુવતી ખરેખરા યોગીને પસંદ નહોતી કરતી. જ્યારે યોગી આજે પણ એ જૂની રિલેશનશિપ્સમાં અટકેલો છે. કોઇકની હરકતો, એણે આપેલાં નિકનેમ્સ યાદ રાખીને બેઠો છે તો કોઇકે આપેલું કીચેઇન અને જૂના સ્કૂટરનો રિઅર વ્યૂ મિરર સાચવીને બેઠો છે-જેમાંથી એ એને ચાલુ સ્કૂટરે જોઈ લેતો હશે. તો જયાએ પોતાના પતિને કમ્પ્યુટર પાસવર્ડમાં કેદ રાખ્યો છે. જો પાસવર્ડને દિલ-દિમાગ ગણો તો આજે પણ એમાં બીજા કોઈ પુરુષ માટે જગ્યા નથી એવું સમજી શકાય. ત્યારે આ ‘કરીબ કરીબ સિંગલ’ મુઠ્ઠીમાં સજ્જડ રીતે પકડી રાખેલા ભૂતકાળને જવા દઇને જીવનમાં આગળ વધવાની-મુવ ઑન થવાની અને અત્યારે જે પર્ફેક્ટ છે તેની સાથે નવી કહાની સ્ટાર્ટ કરવાની પણ સ્ટોરી છે. સ્વીટ વાત એ છે કે આમાંથી એકેય વાત જરાય વોકલ-લાઉડ થયા વિના હળવેકથી-સટલ્ટીથી કન્વે કરી દેવાઈ છે.
 • જોકે ઇન્ટરવલ નામના અનિવાર્ય અનિષ્ટને કારણે 125 મિનિટની આ ફિલ્મ ઇન્ટરવલ પછી રીતસર સ્લો પડી જાય છે. એમાંય (સ્લીપિંગ પિલ્સના ઑવરડોઝવાળી) એક આખી સિક્વન્સ હદ બહાર ખેંચવામાં આવી છે.
 • થેન્કફુલ્લી ફિલ્મનાં સોંગ્સ એકદમ મસ્તીભર્યાં અને ફ્રેશ છે. પ્લસ ફિલ્મના ફ્લોને તે ક્યાંય અવરોધતાં નથી.
 • આગળ કહ્યું તેમ ‘કરીબ કરીબ સિંગલ’ની સ્ટોરી જરાય નવી કે યુનિક નથી. ઇન ફેક્ટ, પોતાની જૂની પ્રેમિકાઓને મળવાની કે યાદ કરવાની થીમ પર તમિળમાં ‘ઑટોગ્રાફ’ અને મલયાલમમાં ‘પ્રેમમ’ જેવી સુપરહીટ ફિલ્મો આવી ચૂકી છે. લેકિન તનુજા ચંદ્રાની આ ફિલ્મ કોઈ હળવી રોમ-કોમ નવલકથા વાંચતા હોઇએ એવી રિચ ફીલ આપે છે. કહેવાની જરૂર નથી કે એમાં સુપર ફેન્ટાસ્ટિક ઇરફાન અને ડુપર નૅચરલ પાર્વતીનો હિમાલય ફાળો છે. એટલે થોડી પ્રીડિક્ટેબિલિટીથી પ્રોબ્લેમ ન હોય તો આ લવયાત્રા મંગલમય બની રહેશે તે નક્કી વાત છે.

P.S. આમ તો આ ફિલ્મ અંકે ત્રણ સ્ટાર જ ડિઝર્વ કરે છે, પરંતુ ફિલ્મ જોયા પછી હળવે હળવે તેનો જે નશો ચડ્યો છે, તે ખુમારનો અડધો સ્ટાર વધુ આપ્યો છે.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

One thought on “કરીબ કરીબ સિંગલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s