ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો

***

ફિલ્મો બનતી રહેવી જોઇએ અને જોવાતી રહેવી જોઇએ.

***

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

***

maxresdefault1‘સપનાં જોવાં એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.’ આવું ભલે ભારતના બંધારણમાં ન લખ્યું હોય, પરંતુ વડોદરાના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં રહેતી પંદર વર્ષની ઇન્સિયા આ વાત બહુ દૃઢપણે માને છે. માને તો એની અમ્મી નજમા પણ છે, પરંતુ રાક્ષસ જેવા પતિના પંજા હેઠળ દબાયેલી છે. પતિના હાથનો માર ખાઈ ખાઈને પણ એ દીકરીનાં સપનાંને પાંખો આપવા મથતી રહે છે.

યસ્સ, આપણે વાત કરી રહ્યા છીએ રાઇટર-ડિરેક્ટર અદ્વૈત ચંદનની પહેલી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ની. ટ્રેલર જોઇને જ લાગે કે અરે યાર, આ તો નાગેશ કુકૂનૂરની શ્રેયસ તળપદે સ્ટારર ‘ઇકબાલ’ના ફીમેલ વર્ઝન જેવી અન્ડરડૉગ સ્ટોરી છે. માત્ર ટ્રેલર પરથી જ આખી સ્ટોરી કળી શકાય એવી પ્રીડિક્ટેબલ છે. સેન્સર સર્ટિફિકેટ જોઇને હાયકારોય નીકળી જાય, કે ‘વોય મા, અઢી કલાકની ફિલમ?’

છતાં આ ફિલ્મ પ્યોર ગોલ્ડ છે. રાઇટર-ડિરેક્ટર ઉપરાંત ફિલ્મમાં દેખાયેલા તમામ કલાકારોએ એમાં જીવ રેડી દીધો છે. એટલે જ આપણે સતત પ્રાર્થના કરતા રહીએ કે ગમે તે થાય, પણ આ છોકરીનું સપનું પૂરું થવું જ જોઇએ. અને જો આ ઘોર કળિયુગે આપણું હૈયું પ્લાસ્ટિકનું ન કરી મૂક્યું હોય તો ફિલ્મ જોતાં જોતાં આંખના ખૂણે એકાદું ખારું ટીપું પણ બાઝી જાય.

ટેક્નોલોજી વર્સસ મેન્ટાલિટી

બહુ ઓછા એવા ખુશનસીબ લોકો હોય છે જેમને નાનપણથી જ જીવનનું ધ્યેય મળી જાય છે. વડોદરાની ઇન્સિયા (ઝાઇરા વસીમ) એમાંની જ એક છે. એને સિંગર બનવું છે. અમ્મી નજમા (મહેર વિજ)એ ગિટાર લઈ આપ્યું છે. અલ્લાહે હુન્નર આપ્યું છે-કંઠ આપ્યો છે. ગિટાર પર એના હાથ ફરે અને ગળામાંથી અવાજ નીકળે એટલે ચાલુ ટ્રેન શાંત થઈ જાય છે, ઘોંઘાટ શમી જાય છે અને હવામાં માત્ર એનો જ અવાજ તરવા લાગે છે. પરંતુ આ જ અલ્લાહે એને જલ્લાદ જેવો એક બાપ પણ આપ્યો છે. બાપ ફારુખ (રાજ અર્જુન) માને છે કે ઔરત તો મર્દના પૈરની જૂતી છે. ઠીકઠાક છોકરો મળે એટલા ખાતર ભણો અને નાની ઉંમરે જ પરણીને બચ્ચાં પેદા કરવાનું મશીન બની જાઓ. પરંતુ ઇન્સિયા બાપના પાંજરામાં સમાય એવું પંખી નથી. જે પ્રતિબંધોએ એને કેદ કરી, એની જ મદદથી એ ‘સિક્રેટ સુપરસ્ટાર’ બને છે. પણ પછી? ટેક્નોલોજી પ્લેટફોર્મ આપે, પણ મેન્ટાલિટીનું શું કરવું?

મૈં રાખ હૂં, યા આગ હૂં?

ઝાઇરા વસિમનું કેરેક્ટર ઇન્સિયા પહેલી વાર જ્યારે આપણી સામે આવે છે ત્યારે તે ટ્રેનના સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં સ્કૂલનાં મિત્રો સાથે સફર કરી રહી છે. અંતાક્ષરીમાં બહેનપણીઓ બૉલિવૂડનાં આઇટેમ સોંગ્સ ગાય છે. પરંતુ બારી પાસે બેઠેલી ઇન્સિયાને એમાં કોઈ રસ નથી. અચાનક એને કોઈ ગીત સ્ફૂરે છે અને એ ગિટાર પર ગાવાનું શરૂ કરે છે, ત્યારે સૌ સાંભળતા રહી જાય છે. એક શબ્દ બોલ્યા વિના આપણને સમજાઈ જાય છે કે ઇન્સિયા કેવી વ્યક્તિ છે અને એનું સપનું શું છે. આ સપનું અને તેને સાકાર કરવાને આડે આવતી મુશ્કેલીઓ એટલે જ આ ફિલ્મ. એક સિમ્પલ વાર્તાને કહેવા માટે રાઇટર-ડિરેક્ટર અદ્વૈત ચંદને જે ઝીણું કાંત્યું છે એમાં જ આ ફિલ્મની મજા છે.

***

ક્લાસમાં કોઈ ગીતની ધૂન વિચારી રહેલી ઇન્સિયાને ટીચર ‘આઇરની’ (વક્રતા)નો સ્પેલિંગ પૂછે છે. જો ઇન્સિયા કશું બોલે તો વિચારભંગ થાય અને સ્ફૂરેલી ધૂન હાથતાળી આપીને કાયમ માટે જતી રહે. પૅશનેટ ઇન્સિયા સોટી ખાઈ લેવાનું પસંદ કરે છે. માત્ર એ સીન જ નહીં, આખી ફિલ્મ આવી આઇરનીઓથી ભરચક છે.

બુરખો દમનનું-સ્વતંત્રતા પર તરાપનું પ્રતીક છે (કોઇને આ મુદ્દે વાંધો હોય તો એમણે ISISના ચુંગાલમાંથી મુક્ત થયેલી સ્ત્રીઓએ બાળેલા બુરખાની તસવીરો જોઈ લેવી). પરંતુ અહીં એ જ બુરખો એક વ્યક્તિને દુનિયા સમક્ષ અભિવ્યક્ત થવા માટેનું માધ્યમ બને છે. પરિવાર જે સોસાયટીમાં રહે છે તેનું નામ ‘મૉડર્ન’ છે, પરંતુ તેમાં રહેનારા મહાશયના ખયાલાત અને હરકતો એટલી દકિયાનૂસી છે કે આદિમાનવને પણ લઘુતાગ્રંથિ આવી જાય. આપણી ટેવ મુજબ પિતા ફારુખના વિચારો-વર્તનને એના ધર્મ સાથે સાંકળી લેવાની નાદાની કરી દઇએ તો પણ જોવા જેવી વાત એ છે કે એ મહાશય ઍન્જિનિયર છે છતાં પછાત છે. જ્યારે માતા નજમા માંડ કંઈ ભણેલી છે છતાં એના વિચારો અનેકગણા મૉડર્ન છે. યાને કે દિમાગ જો બંધિયાર પાણી જેવો હોય તો કોઈ ધર્મ-ગમે તેવું ઉચ્ચ શિક્ષણ પણ વ્યક્તિને જાનવર બનતાં ન અટકાવી શકે. ફિલ્મમાં પણ ઝાઇરાને બુરખો ઉતારીને દુનિયા સમક્ષ આવતી એ રીતે જ બતાવાઈ છે જાણે એ તમામ પ્રતિબંધોની સાંકળો તોડીને આઝાદ વિશ્વમાં વિહરવા નીકળી પડી છે. અરે, અફઘાનિસ્તાનના કાબુલમાં તો ખરેખર આવું એક ‘બુરકા બૅન્ડ’ છે, જે તાલિબાનીઓથી પોતાનો ચહેરો છુપાવીને પોતાની કળા દુનિયા સમક્ષ મૂકે છે.

આ ફિલ્મની સ્ટોરીની એક મૅજર ડિવાઇસ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એક વ્યક્તિને ‘ઇન્ટરનેટ સેન્સેશન’ કે ‘સેલિબ્રિટી’ બનાવી શકે છે અને આખી દુનિયામાં જાણીતી કરી શકે છે. આ વાત ભલે ફિલ્મી લાગતી હોય, પરંતુ તે હકીકત છે. ઇન્ટરનેટ અત્યારે વિશ્વનું સૌથી મોટું અને સૌથી પાવરફુલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. ઇન્ડિયન-કેનેડિયન લિલી સિંઘ (‘સુપરવુમન’)થી લઇને ભારતમાં ભુવન બામ (BB), આશિષ ચંચલાણી, મલ્લિકા દુઆ જેવા લોકો અને AIB, TVF જેવી વેબ ચેનલ્સ અને તેના સ્ટાર્સ ઇન્ટરનેટની જ દેન છે. આ ‘સિક્રેટ સુપરસ્ટાર’માં જ પંજાબી ઍન્કર તરીકે દેખાતો અભિનેતા જસમીત સિંઘ ભાટિયા પણ ઇન્ટરનેટ રિવોલ્યુશનનું જ ફરજંદ છે. મતલબ કે જો કમ્પ્યુટર-ઇન્ટરનેટનો સહી ઇસ્તેમાલ કરવામાં આવે તો ગમે તેવી રૂઢિચુસ્તતાના કાંગરા ખરી પડે છે. અરે, અફઘાનિસ્તાનના કાબુલમાં તો ખરેખર આવું એક ‘બુરકા બૅન્ડ’ છે.

આમ તો આ ફિલ્મ એકદમ સિમ્પ્લિસ્ટિક છે, છતાં તેમાં સટલ્ટીના ચમકારા તો છે જ. જેમ કે, ઇન્સિયા જે એરલાઇનમાં મુસાફરી કરે છે તેનું નામ છે ‘આઝાદ એર’. યાને કે એ એની સ્વતંત્રતાની ઉડાન છે. જો પ્લેનની વિન્ડો સીટને સ્વતંત્રતા-સપના સાથે સરખાવો, તો ફિલ્મમાં બંને વખત ઇન્સિયાની વિન્ડો સીટ પર કોઈ આવીને બેસી જાય છે અને ઊઠવાની પણ ના પાડે છે. ઇન્સિયા એને ઉઠાડે છે અને પોતાની સીટ મેળવ્યે છૂટકો કરે છે. મતલબ કે તમારે તમારું ધ્યેય-સપનું-સ્વતંત્રતા અચિવ કરવાં હોય તો જાતે જ લડવું પડશે, એ સામેથી પાકેલી કેરીની જેમ તમારા ખોળામાં આવીને નહીં પડે.

એક જમાનામાં સોલફુલ મ્યુઝિક આપતો સંગીતકાર શક્તિ કુમાર (આમિર) હવે માર્કેટની સામે ઝૂકી ગયો છે અને કદાચ એટલે જ ફેંકાઈ ગયો છે. તમારા અંદરના અવાજને અવગણીને, ‘આજકાલ તો આવું જ ચાલે છે’, ‘લોકોને આવું જ જોઇએ છે’ એવું વિચારીને ક્વિક પોપ્યુલારિટી-સક્સેસ માટે સસ્તું સર્જન કરવા માંડો તો તમારી હાલત પણ શક્તિ કુમાર જેવી જ થાય.

‘સિક્રેટ સુપરસ્ટાર’ની સ્ટોરી વડોદરામાં આકાર લે છે. શહેરમાં છૂટથી તેનું શૂટિંગ પણ થયું છે. આપણા ગુજરાતી કાને ટાઢક થાય એ રીતે એક દૃશ્યમાં શિક્ષક વિદ્યાર્થીઓને કલાપીની ‘મને જોઇને ઊડી જતાં પક્ષીઓને’ કવિતા પણ ભણાવતા સંભળાય છે. મીન્સ કે ફિલ્મ હિન્દી હોવા છતાં તેમાં ગુજરાતીપણું દેખાઈ આવે છે. આ વાત આપણા ગુજરાતી ફિલ્મમૅકર્સે પણ દિમાગમાં બુકમાર્ક કરીને નોંધી રાખવા જેવી છે, કે શૉબાજી નહીં, સાચું-કોન્ક્રિટ કન્ટેન્ટ જ ખરેખરો સિક્રેટ સુપરસ્ટાર છે.

ફિલ્મોમાં ‘બડ્ડી મુવી’ (Buddy Movie) પર દોસ્તારોની જ મોનોપોલી છે. પરંતુ આ ફિલ્મમાં મા-દીકરી જે રીતે બહેનપણીની જેમ એકબીજાના સપોર્ટમાં ઊભાં રહે છે, મા દીકરીને મદદ કરે-દીકરી એક ઠરેલ મિત્રની જેમ પોતાની માતાને તેના અબ્યુઝિવ પતિથી તલ્લાક લઈ લેવા માટે વિનંતી કરે-મદદ કરે, એ જોતાં આ ફિલ્મને ‘મધર ડૉટર બડ્ડી મુવી’ તરીકે પણ જોઈ શકાય.

પોતાની પહેલી ફિલ્મમાં અદ્વૈત ચંદને ઘણી બધી વાતો એકસાથે ઠાલવી દીધી છે. ડૉમેસ્ટિક વાયોલન્સ, તેની બાળકો પર થતી અસર, સ્ત્રી ભ્રૂણહત્યા, સપનાં જોવાં અને તેને પૂરાં કરવા માટે કોઇપણ હદ સુધી જવું, પોતાના હક્ક માટે લડવું, ન્યાય માટે ઊભા રહેવું, મા-દીકરીનું એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનવું, ટીનઍજનો પહેલો લવ, ઇન્ટરનેટ રિવોલ્યુશનનો પાવર, અંદરના અવાજને ભૂલવાથી થતું નુકસાન… કંઈ કેટલાય મુદ્દા ફિલ્મમાં સમાવી લેવાયા છે.

નૉટ સો સિક્રેટ સુપરસ્ટાર્સ

આ ફિલ્મ આટલી જીવંત બની છે તેનું સૌથી મોટું કારણ છે તેનાં તમામ મુખ્ય કલાકારોની પાવરફુલ ઍક્ટિંગ. કુરાને શરીફમાં જેને ‘ઇન્સિયા’ એટલે કે માનવજાતની એક સભ્ય ગણી છે તેવી ઝાઇરા વસીમ આ ફિલ્મનો આત્મા છે. ઝાઇરાનો ક્યુટ છતાં મક્કમ ચહેરો એટલો પારદર્શક છે કે એમાં ચાલતા તમામ મનોભાવો આપણને સ્પષ્ટ દેખાઈ આવે. એનો ગુસ્સો, એનું ભયંકર ફ્રસ્ટ્રેશન, માતા પર થતા અત્યાચાર વખતે એને થતી ભયાનક વેદના, એનું બટકબોલાપણું, પહેલા પ્રેમનાં પગરણ વખતે એનું બ્લશિંગ, એની આંખોમાંથી પસાર થતી સપનાં, આશાઓ, ગૂંગળામણ, નિરાશા, મક્કમતાની વણઝાર… દરેક વખતે ઝાઇરા એકદમ પિચ પર્ફેક્ટ પર્ફોર્મન્સ આપે છે. બાય ધ વે, અલગ અલગ ભાષાઓમાં ઝાઇરા એટલે ‘પ્રિન્સેસ’, ‘એક નવી શરૂઆત’, ‘ગુલાબ’, ‘યાત્રા’ જેવા અર્થો થાય છે. આ દરેક મીનિંગ આ મહાટેલેન્ટેડ છોકરીને અક્ષરશઃ લાગુ પડે છે.

ઝાઇરાની બડ્ડી-અને ખરી સિક્રેટ સુપરસ્ટાર એની મમ્મી બનતી મહેર વિજ પણ એટલી જ પાવરફુલ છે. અગાઉ secret-superstar-02એ ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાની ‘મુન્ની’ની મમ્મીના રોલમાં દેખાઈ હતી. ફિલ્મનો એકમાત્ર હોરર શૉ એટલે રાક્ષસી પિતાના રોલમાં આવેલો રાજ અર્જુન. અલબત્ત, એના ભાગે પાશવી ગુસ્સો કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી, છતાં એની હાજરી માત્ર વાતાવરણમાં ખોફ ભરી દે છે, કે હવે એ કયો ત્રાસ વર્તાવશે! ઇન્સિયાના બેસ્ટ ફ્રેન્ડ કમ બૉય ફ્રેન્ડના રોલમાં ગુજરાતી પોયરો તીર્થ શર્મા છે. એનું શાંત ક્યુટ કંટ્રોલ્ડ ડેડિકેટેડ પર્ફોર્મન્સ જોઇને એના પર વ્હાલ ન આવે તો જ નવાઈ. ઇન્સિયાનો નાનો ભાઈ બનતો નાનકડો ટેણિયો કબિર સાજિદ રાયનો દાણો છે.

ફિલ્મની વધુ એક જમાવટ છે, ખુદ આમિર ખાન. એની લાઉડ, પોતાની અને ખાલીપીલી શૉબાજી કરતા ફૂટી ગયેલી કારતૂસ જેવા સ્ટાર્સની પૅરોડી જેવી એક્ટિંગ, છેલછોગાળો લુક અને રિયલ લાઇફમાં પોતે અવૉર્ડ ફંક્શન્સમાં જતો ન હોવા છતાં અવૉર્ડભૂખ્યા સંગીતકારનો એનો રોલ (વધુ એક આઇરની!)… બહુ વર્ષો પછી ‘અંદાઝ અપના અપના’નો આમિર દેખાયો છે! બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેવો હોય એ જોવા માટે પણ આમિરની આ ફિલ્મની એક્ટિંગનું ઉદાહરણ આપવું પડે. એક સુપરસ્ટાર હોવા છતાં એણે ક્યાંય ફિલ્મની મુખ્ય સ્ટાર (ઝાઇરા વસીમ) પર હાવી થવાની કોશિશ નથી કરી. ફિલ્મમાં એ મૅન્ટરની ભૂમિકામાં છે, છતાં ક્યાંય પેટ્રનાઇઝિંગ ટોન નથી (યાને કે ‘અગર શક્તિ કુમારજી ન હોતે તો આજ મૈં યહાં ન હોતી’ જેવા ડાયલોગ્સ નથી). ઇવન ફિલ્મના છેલ્લા સીનમાં આમિર હાજર હોવા છતાં કેમેરા મા-દીકરી પર જ ફોકસ્ડ રહે છે અને બૅકગ્રાઉન્ડમાં રહેલો આમિર પણ ડિફોકસ (ઝાંખો) થઈ જાય છે.

હા, કાન ખેંચવાનું મન થાય એવું કામ છે સંગીતકાર અમિત ત્રિવેદીનું. એણે એકમાત્ર ‘મૈં કૌન હૂં’ જ દિલથી કમ્પોઝ કર્યું હોય એવું લાગે છે. બાકીનાં એકેય સોંગમાં અમિત ત્રિવેદીનો ટચ ફીલ થતો નથી. આ ફિલ્મની વધુ એક સિક્રેટ સુપરસ્ટાર છે ઇન્સિયાનો વોઇસ બની રહેલી યંગ ગાયિકા મેઘના મિશ્રા. એના એડોલેસન્ટ વોઇસમાં ઇન્સિયાનું પેઇન સ્પષ્ટ પામી શકાય છે. એક ‘હિંગુલિશ’ સોંગ (‘આઇ વિલ મિસ યુ’) પૂરતા સંભળાતા યુવા ગુજરાતી સિંગર કુશલ ચોકસીનો પણ ઉલ્લેખ કરવો ઘટે. એનો અવાજ પણ એક ટીનેજરને છાજે એવો સરસ છે (ગીતના શબ્દો પણ ઇન્ટરેસ્ટિંગ છે). જોકે હાઇટ તો એ છે કે આમિરનું સોંગ ‘તેરી બોલી બોલુંગી, તેરી બાની ગાઉંગી’ એ તો ‘લવ સેક્સ ઔર ધોખા’ના ટાઇટલ સોંગ જેવું જ લાગે છે. જે ફિલ્મના પાયામાં જ મ્યુઝિક છે, જે ફિલ્મને મ્યુઝિકલ કહીને આમિરે માર્કેટિંગ કર્યું છે એ ફિલ્મનું સંગીત જ કંગાળ હોય તે પણ કેવી આઇરની!

નવા વર્ષનું શુભસ્ય શીઘ્રમ

આટલી લંબી-ચૌડી વાતો કર્યા પછી એટલું ક્લિયર છે કે નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે ‘સિક્રેટ સુપરસ્ટાર’ પર્ફેક્ટ ફિલ્મ છે. પૂરા પરિવાર સાથે આ ફિલ્મ વહેલી તકે જોઈ નાખવી અને આનંદ પામવાની સાથોસાથ ઇન્સ્પાયર થવાનો સોદો પૂરેપૂરો ફાયદાનો જ છે. સરકારે પણ આ ફિલ્મને GST ઇત્યાદિના ચક્કરમાંથી મુક્ત કરીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવી જોઇએ.

(શીર્ષક પંક્તિ વેણીભાઈ પુરોહિતની છે. આખી રચના વાંચવા માટે અને દિલીપ ધોળકિયાના અવાજમાં સાંભળવા માટે ક્લિક કરો અહીં)

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s