રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)
ટૉમ ક્રુઝની લેટેસ્ટ રિલીઝ ‘અમેરિકન મેઇડ’ (American Made) જોતી વખતે સતત એવો વિચાર આવતો હતો કે આવી ફિલ્મ આપણે ત્યાં બની શકે ખરી? એક્ચ્યુઅલ આર્કાઇવલ ફૂટેજ વાપરીને, સરકારની ખોખલી નીતિઓનાં, દંભનાં છોતરાં ફાડી નાખતું જક્સ્ટાપોઝિશન કરી શકે ખરી? અમેરિકન મેઇડ પ્રિસાઇસલી એ જ કરે છે.
- અમેરિકન મેઇડ રિયલ લાઇફ સ્ટોરી છે બેરી સીલ નામના ‘TWA’ (ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સ) પાઇલટની. નૅચરલી, બેરી સીલના પાત્રમાં છે ખુદ ટૉમ ક્રુઝ. 117 મિનિટની આ ફિલ્મની ફ્લાઇટ ટૅક ઑફ થાય છે એક ખુરાફાતી પાઇલટની બોરિંગ-મોનોટોનસ લાઇફથી. ત્યાંથી સાહેબ ડ્રગ સ્મગલર બને અને જીવ બચાવવા અમેરિકન સરકારનો પણ હાથો બને. ફિલ્મની અમુક વાતો સતત તમારા દિમાગમાં ફાઇટર પ્લેનની જેમ ચકરાવા મારતી રહે.
ચકરાવો નં. 1. ટૉમ ક્રુઝનો ચાર્મ
આ બંદો અંકે પૂરાં 55 વર્ષનો છે. છતાં આ જ ઉંમરના કોઈ ફદફદી ગયેલા અંકલ જેવો નહીં, બલકે સીધો ફાઉન્ટેન ઑફ યૂથમાં ડૂબકી મારીને નીકળ્યો હોય એવો યંગ એન્ડ સુપર હૅન્ડસમ લાગે છે. અહીં તો ડાર્ક એવિએટર ગોગલ્સ સાથે એ બિલકુલ એની જ જૂની ફિલ્મ ‘ટૉપ ગન’ના મૉડમાં છે. અતિશય ગંભીર પરિસ્થિતિમાં પણ એ જે રીતે ખંધું હસે છે એ જોઇને લાગે કે આ બંદાના દિમાગમાં ખરેખર શેતાન અટ્ટહાસ્ય કરી રહ્યો છે.
ચકરાવો નં. 2. ફિલ્મનો હળવો ટૉન, બ્લેક હ્યુમર અને સ્માર્ટનેસ
ફિલ્મનું સ્ટાર્ટિંગ જ પેસેન્જર વિમાનની કોકપિટથી થાય છે. ક્રુઝ સાહેબ યુનિફોર્મમાં સજ્જ છે ને જાતભાતનાં કંટ્રોલ્સ સાથે અટખેલિઓ કરી રહ્યા છે. ધેટ્સ હાઉ વી નૉ કે સરજી પાઇલટ છે. પ્લૅન લૅન્ડ થયા પછી એક જ પૉઝમાં હાથ જોડીને વિદાય લઈ રહેલા મુસાફરોને કહી રહ્યા છે, ‘વેલકમ ટુ ફલાણા શહેર, વેલકમ ટુ ઢીંકણા શહેર…’ મીન્સ કે પાઇલટ તરીકે સાહેબની લાઇફ મોનોટોનસ છે. એ જ તબક્કે એક ખેપમાં ચાલુ ફ્લાઇટે કો-પાઇલટ ઘોરી ગયો છે. પેસેન્જર્સ પણ ઘોંટાઈ ગયા છે. એ જોઇને આ મહાશય ઑટોપાઇલટની સ્વિચ સાથે એવું અડપલું કરે છે કે આખું પ્લૅન ભયંકર ઝાટકો ખાય છે. મુસાફરોમાં હાહાકાર, ઑક્સિજનના માસ્ક લબડી પડે છે, કો-પાઇલટ સફાળો જાગી જાય છે, ને આ ભાઈ મોગેમ્બો જેવું હસે છે! યાને કે મહાશય છે બડા ખુરાફાતી.
કૉલ્ડ વૉરના એ સમયમાં એ અમેરિકામાં ચોરીછૂપે ક્યુબન સિગાર પણ ઘુસાડે છે. મતલબ કે એને રાતોરાત રિચ થઈ જવાનો કીડો પણ છે (એની આ જ લાલચનો ઉપયોગ પછી CIA કરે છે). એકપણ શબ્દનો ઉપયોગ કર્યા વિના માત્ર વિઝ્યુઅલ્સથી જ ડિરેક્ટર ડગ લિમન બેરી સીલનું કેરેક્ટર એસ્ટાબ્લિશ કરી દે છે. અઠંગ દાણચોર બન્યા પછી એને અમેરિકન ગેંગસ્ટર અલ કપોનની બાયોગ્રાફી પણ વાંચતો બતાવાયો છે.
ફિલ્મનો સબ્જેક્ટ અત્યંત સિરિયસ છે. કેવી રીતે અમેરિકા માત્ર પોતાના સ્વાર્થ માટે, બિઝનેસ માટે સ્પાઇંગ કરાવે એ તો સમજ્યા, પણ જે તે દેશના વિદ્રોહીઓને હથિયારો-દારૂ-પૉર્ન મેગેઝિન્સ ઍટસેટરા પણ સપ્લાય કરે. સાહેબ પાબ્લો એસ્કોબાર જેવા કુખ્યાત કોલંબિયન ડ્રગ લૉર્ડ પાસેથી કોકેઇન લઇને અમેરિકામાં ઘૂસાડતો હોય (એ પણ સરકારી પ્લેનમાં), ચિક્કાર પૈસા સાથે પકડાય, તોય એને ચુટકિયોંમાં છોડી મૂકવામાં આવે. અમેરિકાના દંભને ઉઘાડો પાડતો એ સીન જબરદસ્ત છે. થોડા સમય પહેલાં જ ડ્રગ ટ્રાફિકિંગમાંથી છૂટેલો બેરી સીલ વ્હાઇટ હાઉસમાં CIAના ઉચ્ચ અધિકારીઓને મળવાની રાહ જોઈ રહ્યો છે. અને બરાબર એ જ વખતે પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સન મીડિયા સામે ડ્રગ ટ્રાફિકર્સને જરાય સાંખી લેવામાં નહીં આવે એવી બડાશો હાંકતા હોય! ત્યારે વિચાર આવે કે આ પ્રકારે (કોઈ પક્ષના કે વિચારધારાના ખોળામાં બેઠા વિના) સરકારી દંભને ઉઘાડો પાડતી ફિલ્મ બનાવવાની હિંમત આપણે ત્યાં કોઈ કરી શકે ખરું?
અમેરિકન બૉર્ડર પોલીસનું વિમાન ક્રુઝની પાછળ પડ્યું હોય, ક્રુઝનું પ્લૅન ક્રેશ થઈ રહ્યું હોય, પોલીસ ગમે ત્યારે રેડ પાડીને ભેજું ઉડાવી દેવાની ફિરાકમાં હોય અને ત્યારે મહાશય પૈસાની થેલી એકઠી કરી રહ્યા હોય, મારી મારીને ઠૂસ કાઢી નાખી હોય ને ત્યારે મહાશયનો એક દાંત ગાયબ થઈ ગયો હોય, ટૂંકા રનવે પરથી પ્લૅન ટેક ઑફ કરાવવાનું હોય અને પ્લેન ઊડશે કે ક્રેશ થઈ જશે એ મુદ્દે સટ્ટો લાગતો હોય, ડ્રગ્સની હેરાફેરીમાં એટલો પૈસો કમાતો હોય કે જ્યાં જુઓ ત્યાં ડૉલર્સની થપ્પીઓ જ દેખાતી હોય (ઘર, ગેરેજ, ગોડાઉન, ઘોડાનો તબેલો, બધે જ. એક તબક્કે તો પૈસા હેઠળ દબાઈ જાય એવી નોબત આવે!). અરે જૂતાં શોધવાં હોય તો પૈસા ભરેલાં બે બૉક્સ ઑપન કરે એ પછી ત્રીજા બૉક્સમાંથી જૂતાં નીકળે! આવી કેટલીયે બ્લૅક કોમેડીથી આખી ફિલ્મ ભરચક છે. ચારેકોર ઊછળતી પૈસાની છોળો અને તે પછીનું બેશરમ બિહેવિયર સહેજે ‘વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ’ની યાદ અપાવી દે. એક તબક્કે બેરી સીલને પોતાનું ભવિષ્ય ખબર પડી જાય એ પછીયે એ જરાય અપોલોજેટિક ફીલ નથી કરતો. રાધર, એણે તમામ પરિણામો ભોગવવાની તૈયારી સાથે જ ડબલ ક્રોસ કરવાની ગૅમનો ભાગ બન્યો હોય એવું લાગે.
ચકરાવો નં. 3. કેમેરા અને કલરટોન
‘અમેરિકન મેઇડ’ ખુદ બેરી સીલ એટલે કે ટૉમ ક્રુઝના વોઇસ ઑવરમાં છે. એ પોતે પોતાની લાઇફસ્ટોરી વીડિયો કેસેટ્સ (VHS)માં શૂટ કરી રહ્યો છે અને તેની થપ્પીઓ બનાવી રહ્યો છે. કદાચ એટલે જ આખી ફિલ્મનું કેમેરાવર્ક પણ એ રીતે રખાયું છે કે જાણે કોઈ સતત એની સાથે રહીને હેન્ડિકૅમથી શૂટ કરતું હોય. ડિટ્ટો ફિલ્મનો કલરટોન પણ જૂના જમાનાની વીડિયો કૅસેટ્સ જોતા હોઇએ એવો રખાયો છે. બાય ધ વે, ફિલ્મની સ્ટોરી ઈ.સ. 1978થી 1986 વચ્ચે આકાર લે છે.
‘અમેરિકન મેઇડ’ ગ્રેટ ફિલ્મ નથી. પરંતુ ક્રાઇમ, પોલિટિકલ ક્રાઇમ, વિશ્વના પડદા પાછળ ચાલતી ગંદી રાજરમતો, બે બિલાડાંને લડાવીને મલાઈ ખાઈ જવાની ટિપિકલ અમેરિકન ફિતરત અને અબોવ ઑલ ટૉમ ક્રુઝ માટે આ ફિલ્મ જોવી જોઇએ.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
કોઈ મનપસંદ હીરો ને ચમકાવતી ફિલ્મ વિશે સારૂ લખે ત્યારે અલગ જ આનંદ થાય છે.
ધન્યવાદ….
LikeLike
👌
LikeLike