ટોઇલેટઃ એક પ્રેમ કથા

ખુલાસો ખરો, પણ પૂરેપૂરો નહીં

***

આ ફિલ્મ વાત તો ગંભીર મુદ્દાની કરે છે, પણ અંતે તો એ ‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રચાર જાહેરાત જ બની રહે છે.

***

toilet-ek-prem-kathaકોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વર્ષો પહેલાં પોતાના પાત્ર ‘ગજોધર’ની સ્ટાઇલમાં એક જોક કરેલો કે, ‘યે જો ફિલ્મી હિરોઇનેં હૈ, વો સંડાસ જાતી હોગી ક્યા? ક્યોંકી ફિલ્મો મેં કભી દિખાતે નહીં ના.’ નૅચરલી, પ્રેમની વાત આવે એટલે આપણને બર્ફીલા પહાડો કે સરસોંનાં ખેતરોમાં રોમેન્સ કરતાં હીરો-હિરોઇન જ યાદ આવે. લવસ્ટોરીની રોમેન્ટિક વાતો થતી હોય ત્યારે કોઈ જાજરૂનું નામ લે તોય ભાતમાં કાંકરી આવી ગઈ હોય એવું મોઢું થઈ જાય. કંઈ લૈલા-મજનૂ, રોમિયો-જુલિયેટ, રાજ-સિમરન જાજરૂની લાઇનમાં એકબીજાના પ્રેમમાં પડે ખરાં? (હા, તાજેતરમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ તેમાં અપવાદ છે.) ફિલ્મી લવસ્ટોરીમાં ટોઇલેટ-કુદરતી હાજતને વચ્ચે લાવીએ તોય હાહાકાર મચી જાય. ત્યારે ખુલ્લામાં હાજતે જવાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર સાથે મેઇન સ્ટ્રીમ ફિલ્મ બને એ વાતે ‘ટોઇલેટ- એક પ્રેમકથા’ના મૅકર્સને ઇક્કીસ નહીં તોય એકાદ તોપની સલામી તો આપવી જ પડે. પરંતુ બોલ્ડ સબ્જેક્ટ પસંદ કરવો અને તેના પર જબરદસ્ત ફિલ્મ બનાવવી તેમાં ભારત અને અમેરિકાનાં પબ્લિક ટોઇલેટ જેટલું અંતર છે.

જાને કો ટોઇલેટ નહીં, સારા જહાં હમારા

આમ તો આ ફિલ્મની સ્ટોરી કોઇપણ ટિપિકલ ટેલિશૉપિંગ એડવર્ટાઇઝમેન્ટ જેવી જ છે. મંજે, ‘પહલે મૈં બહોત પરેશાન રહતા થા. મેરે ઘર મેં ટોઇલેટ નહીં થા, ઔર બાબુજી ભી ઘર મેં ટોઇલેટ બનાને કે ખિલાફ થે. ઇસીલિયે મેરી બીવી ભી માયકે ચલી ગયી. લેકિન જબસે સ્વચ્છ ભારત અભિયાન શુરુ હુઆ હૈ, અબ હમારે ઘર મેં ટોઇલેટ ભી આ ચૂકા હૈ ઔર બીવી ભી. બાબુજી ભી માન ગયે હૈ. શુક્રિયા, મંત્રીજી.’ ડિટ્ટો, આમાં કશો મીનમેખ નહીં. બસ, ટોઇલેટની પહેલાં એક સ્મોલ ટાઉન લવ સ્ટોરી નાખી દો અને પાછળના ભાગે ‘પીપલી લાઇવ’ ટાઇપનું મીડિયા સર્કસ નાખી દો. ભરચક ઉપદેશોના પૅકેટમાં પૅક કરો એટલે ‘ટોઇલેટ એક પ્રેમકથા’ તૈયાર.

મેસેજ બનામ મનોરંજન

જ્યારે આપણા ‘ફિલ્મ સર્ટિફિકેશન બૉર્ડ’ના વડા પહલાજ નિહલાણીએ ‘ટોઇલેટઃ એક પ્રેમકથા’નાં એવું કહીને વખાણ કર્યાં કે, ‘આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવી જોઇએ, કેમ કે તે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કરે છે. ત્યારે જ ‘ACP પ્રદ્યુમ્ન’ની સ્ટાઇલમાં હાથ હલવા શરૂ થઈ ગયેલા કે ‘કુછ તો ગડબડ હૈ.’ પછી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું શક પર સિમેન્ટિંગ થયું અને હવે ફિલ્મ જોયા પછી એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ભલે એકદમ બોલ્ડ સબ્જેક્ટ પર બની હોય, પરંતુ તેનું ટાઇમિંગ, તેમાં કહેવાયેલી વાતો અને લેવાયેલું સ્ટેન્ડ બધા પાછળ એક સંવેદનશીલ મુદ્દો આગળ ધરવા કરતાં સત્તાધારી પક્ષને ખુશ કરવાનો હેતુ વધારે છે.

ખુલ્લામાં હાજતે જવાના મુદ્દે આપણા દેશનું કામકાજ ડ્રોઇંગરૂમમાં બેસાડેલા હાથી જેવું છે. બધાની સામે હોય, છતાં કોઇને તેની સામે ન જોવું હોય કે તેની વાત જ ન કરવી હોય. એટલે જ દેશમાં જાજરૂ કરતાં મોબાઇલની સંખ્યા ક્યાંય વધારે છે. ફિલ્મમાં મથુરા પાસેનું ‘મંદગાંવ’ આવું જ એક સૂચક નામ ધરાવતું કાલ્પનિક ગામ છે, જ્યાંના લોકો એવા જ છે, મંદ. જે પોતાની જમાના જૂની માન્યતાઓને જળોની જેમ વળગી રહ્યા છે અને બદલવા માગતા નથી.

‘ટોઇલેટ-એક પ્રેમકથા’નાં હીરો-હિરોઇનની પહેલી મુલાકાત ટ્રેનના જાજરૂની બહાર થાય છે અને જાજરૂ જ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ બની રહે છે. કેશવ શર્મા (અક્ષય કુમાર) મરજાદી બ્રાહ્મણનો દીકરો છે અને ગામમાં સાઇકલ સ્ટોર ચલાવે છે. ભાઈ પરંપરા, આધુનિકતા, પરિવર્તન અને મૅલ શૉવિનિઝમની બાબતમાં દહીં-દૂધમાં છે. ઘરમાં બાબુજી સામે અવાજ નીકળતો નથી, પરંતુ અઢાર ગર્લફ્રેન્ડ રાખી ચૂક્યો છે. બલા ટળતી હોય તો ભેંસ સાથે લગ્ન કરવામાં પણ એને વાંધો નથી. જ્યારે જયા જોશી (ભૂમિ પેડનેકર) કોલેજની ટૉપર છે, સ્વતંત્ર મિજાજની અને પોતાના હક્કો માટે જાગ્રત એવી આધુનિક યુવતી છે. એ બંનેની ટિપિકલ સ્મૉલ ટાઉન લવસ્ટોરી અડધી ફિલ્મ ખાઈ જાય છે, છતાં એટલું તો માનવું પડે કે આ ફિલ્મનાં લોકેશન, તેનાં પાત્રો, એમની બોલી વગેરે બધું જ એકદમ ઑથેન્ટિક લાગે છે. એમાં ફિલ્મના ચારેય મુખ્ય કલાકાર અક્ષય કુમાર, (‘દમ લગા કે હઇશા’ ફૅમ) ભૂમિ પેડનેકર, દિવ્યેન્દુ શર્મા અને સુધીર પાંડે. એકદમ મસ્ત. અક્ષય ફિલ્મમાં કહેવાયા પ્રમાણે 36 વર્ષનો નથી લાગતો, પણ એનો ચાર્મ (અને લાઉડનેસ) બંને બરકરાર છે. ભૂમિને જોઇને હૈયે ટાઢક થાય કે હાશ, ચલો ફાઇનલી ગ્લેમર માટે નહીં, ઍક્ટિંગ માટે હિરોઇન આવી ખરી. ફિલ્મમાં અક્ષયનો નાનો ભાઈ બનતો દિવ્યેન્દુ ‘પ્યાર કા પંચનામા’ વખતે ‘લિક્વિડ’ તરીકે ઓળખાતો હતો. આ ટેલેન્ટેડ ઍક્ટરનું કોમિક ટાઇમિંગ અને ડાયલોગ ડિલિવરી ખરેખર ગજબ છે. રૂઢિચુસ્ત મૅન્ટાલિટીનું પ્રતીક બનેલા સિનિયર ઍક્ટર સુધીર પાંડેને જોઇએ એટલે થાય કે ‘બહોત જાન હૈ રે ઇન બુઢી હડ્ડિયોં મેં.’ એમની માથાભારે મૅલોડ્રામેટિક ઍક્ટિંગ તો જાતે જ જોવી પડે. બાય ધ વે, આ ફિલ્મમાં (સની લિયોનીના નામની લાળ પાડતા) અનુપમ ખેર ખરેખર શા માટે છે? એમની ઑફસ્ક્રીન દેશભક્તિ માટે?

નૅચરલી, ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ શહેરી લોકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ નથી. એટલે જ તેને એકદમ સિમ્પ્લિસ્ટિક અને ઉપદેશાત્મક રખાઈ છે. આપણને વિચારવામાં તસ્દી ન પડે એ માટે ફિલ્મ પોતે જ કહી દે છે કે ઘરમાં શૌચાલય ન રાખવાનો દુરાગ્રહ આપણી જૂનવાણી અને બંધિયાર માનસિકતાનું પ્રતીક છે. શાસ્ત્રોનું આપણે ખોટેખોટું અર્થઘટન કર્યું છે અને આપણી વિચારસરણી જ આપણો સૌથી મોટો દુશ્મન છે.

મુંબઈની લોકલ ટ્રેનની ફ્રિક્વન્સીથી અહીં એક પછી એક નબળાં ગીતો આવ્યા કરે છે (માન્યું કે ફિલ્મી પડદે મથુરાની લઠમાર હોલી નોવેલ્ટી છે, પણ બબ્બે વખત ઠૂંસવાની?). પોણા ત્રણ કલાકની આ અજગરછાપ લાંબી ફિલ્મ જોતાં જોતાં આપણને તેના માઇનસ પોઇન્ટ્સ દેખાયા વિના રહેતા નથી. જેમ કે, અહીં ફોકસ માત્ર ખુલ્લામાં હાજતે જવા પર જ છે. એટલે શરૂઆતમાં કેમેરા એક યુવતીનો ક્લિવેજ દેખાય એ રીતે મંડાયો હોય, હીરો હિરોઇનને સ્ટૉક કરતો હોય એટલે કે તેનો પીછો કરતો હોય, પરવાનગી વિના એના ફોટા-વીડિયો ઉતારતો હોય, અરે એનો ફોટો પોતાના સ્ટૉરની જાહેરખબર માટે વાપરી લેતો હોય, તે મૅકર્સને વાંધાજનક લાગતું નથી. બલકે તે લોકોને હસાવવા માટે મુકાયું છે. ફિલ્મ ગમે તેટલી પ્રોગ્રેસિવ થવાની વાત કરતી હોય, પણ હજીયે સુપરસ્ટાર હીરોને હાજતે બેસતો દેખાડવાની જુર્રત કરી શકાઈ નથી (કેમ જાણે ખુલ્લામાં હાજતે જવું એ માત્ર સ્ત્રીઓની જ સમસ્યા હોય, પુરુષો બેસે તો કોઈ વાંધો જ ન હોય!). જે રીતે ફિલ્મમાં સ્ત્રીઓ માટે-એમની હાજરીમાં ડબલ મીનિંગ ડાયલોગ્સ બોલાયા છે તે પણ આપણને કઠે તેમ છે. (ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ‘ટોઇલેટ’ના ડિરેક્ટર શ્રી નારાયણ સિંઘ ‘અ વૅન્સડે’, ‘સ્પેશ્યલ 26’, બૅબી’ અને ‘એમ. એસ. ધોની’ જેવી હિટ અને ચુસ્ત ફિલ્મોના ઍડિટર રહી ચૂક્યા છે. એમની પોતાની ફિલ્મમાં એમણે કેમ ઍડિટિંગ પર ધ્યાન નહીં આપ્યું હોય?! બિનજરૂરી સબપ્લોટ્સ (જેમ કે હાથમાં છઠ્ઠી આંગળીનો ટ્રેક, અનુપમ ખેરનો આખો રોલ વગેરે) અને અમુક ગીતો કાપીને ફિલ્મને આરામથી 20-25 મિનિટ ટૂંકાવી શકાઈ હોત.) બાય ધ વે, આ ફિલ્મ સાચુકલાં પાત્રો પર આધારિત છે અને છેલ્લે તેમનો ફોટો પણ બતાવે છે, પરંતુ માત્ર ફોર્માલિટી ખાતર!

એક તરફ હજારો વર્ષોની જડ માન્યતાની વાત થતી હોય અને બીજી બાજુ ધડાધડ મીડિયામાં હાઇપ ઊભો થઈ જાય, ઘરમાં શૌચાલય હોવાના મુદ્દે ખિલ્લી ઉડાવતી સ્ત્રીઓ કે જડ પિતાનું તાત્કાલિક અસરથી હૃદયપરિવર્તન, સરકારી મશીનરીનું ‘ફોર્મ્યુલા-1’ની સ્પીડે ફરતું થઈ જવું, આમાં ક્યાંય કશું ગળે ઊતરે એવું નથી. ફિલ્મ ગમે તેટલા બોલ્ડ વિષય પર બનાવાઈ હોય, પરંતુ તેમાં નોટબંધીની તરફેણ કરતા, ‘સ્વચ્છ ભારત મિશન’ની એકદમ નિષ્ઠાપૂર્વક કામ કરતી ઑફિસોના, ક્લિન ઇન્ડિયા માટે થયેલાં કૌભાંડોની કોઈ જ વિગત આપ્યા વિના તેને માત્ર લોકોની જવાબદારી ગણાવી દેતા કે પછી ભણેલ-ગણેલ હિરોઇન ‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’ જેવી ક્લિશૅ અને ભારોભાર અન્યાયી લાઇન્સ ફટકારે ત્યારે આપણને સમગ્ર વિચાર પાછળ ભળતી સ્મૅલ આવવા માંડે.

ઝાડે જજો રાજ

‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ ભલે ગમે તેટલી લાંબી, ભાષણબાજીયુક્ત, સિમ્પ્લિસ્ટિક કે વાંધાજનક હોય, પરંતુ ફિલ્મમાં ભિન્ન ભિન્ન પ્રકારે હાજતે લઈ જવાની વાત હોય કે જાજરૂ બનાવવા માટે લોકોને સમજાવવાની વાત હોય, તે તમામ સિક્વન્સીસ મહદંશે મનોરંજક છે. મુદ્દે ઘરમાં જાજરૂની, સ્વચ્છતા, સૅનિટેશનની વાત જાહેરમાં ચર્ચાતી થાય તે આપણા દેશ માટે અત્યંત જરૂરી છે. ફિલ્મ ભલે ભુલાઈ જાય, આ વાત યાદ રહેવી જોઇએ.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

ACP= આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s