• dunkirk-poster-2349857-600x875વરસેક દિવસ પહેલાં ‘ડન્કર્ક’નું પહેલું ટીઝર બહાર પડ્યું ત્યારથી જ તન-બદનમાં ગલગલિયાં થવા શરૂ થઈ ગયેલાં કે લાવ્યો ભાઈ, નોલન પાછું કંઇક નવું લાવ્યો. અગાઉનો એકેય રેફરન્સ ખબર ન હોય અને ‘ડન્કર્ક’ નામને વિકિપીડિયામાં પણ સર્ચ કરવાની તસ્દી ન લીધી હોય તોય એટલું તો સાફ હતું કે આ કોઈ વૉર ફિલ્મ છે. હરોળબંધ પડેલી રાઇફલો પરથી પણ એ સમજાતું હતું કે આ દાયકાઓ પહેલાંના યુદ્ધની (મોસ્ટ્લી બીજા વિશ્વયુદ્ધ વખતની) વાત લાગે છે. જથ્થાબંધ સૈનિકોના મૃતદેહો પણ દેખાય છે, મતલબ કે વાત બહુ પૉઝિટિવ નથી. ટીઝરના છેલ્લા સીનમાં જેટ્ટી પર ખીચોખીચ ઊભેલા સૈનિકોમાંથી એક ઉપર જુએ છે, બૅકગ્રાઉન્ડમાંથી કંઇક ભેદી-ડરામણો સાઉન્ડ વધુ ને વધુ મોટો થતો જાય છે અને છેલ્લે બધા જ સૈનિકો જીવ બચાવવા માટે નીચા નમી જાય છે. એટલે મોસ્ટ્લી વિમાનમાંથી હવાઈ હુમલો થઈ રહ્યો છે. છતાં એક શંકા હતી, નોલનનું કંઈ કહેવાય નહીં. એ આકાશમાંથી કુછ ભી વરસાવી શકે. ખુદ એ જ સૈનિકો ટાઇમટ્રાવેલ કરીને પોતાની જ માથે પડે એવુંય બની શકે! જે હોય તે, ફિલ્મ માટે રાહ જોયા વિના છૂટકો નહોતો. આમેય નોલન બહુ ગણ્યાગાંઠ્યા મૅકર્સમાંનો એક છે જેની ફિલ્મ હીરો-હિરોઇનને કારણે નહીં પણ લોકો ડિરેક્ટરને કારણે જોવા માટે હડી કાઢે છે.
  • હવે રિલીઝ થયાના દિવસો પછી આ ફિલ્મ મોટાભાગના લોકોએ જોઈ નાખી છે અને એના વિશે એટલું બધું લખાઈ-ચર્ચાઈ ચૂક્યું છે કે ભાગ્યે જ કશું નવું આપી શકાય. છતાં ક્રિસ્ટોફર નોલનની આ જ ફિલ્મની ટેક્નિકની જેમ આપણે પણ ફર્સ્ટ પર્સન પોઇન્ટ ઑફ વ્યૂથી વાત માંડીએ.સો, SPOILERS AHEAD…
  • ખબર નહીં એવું ક્યાંથી કોઇને લાગ્યું હશે ને ‘યુદ્ધસ્ય કથા રમ્યઃ’ની ઑવરક્વોટેડ લાઇન શોધાઈ હશે. મને તો કાયમ ‘યુદ્ધસ્ય કથા ભયાવહ’ જ લાગી છે. કતલખાને જતાં પ્રાણીઓની જેમ જંગમાં ગ્લોરીના નામે વધેરાવા માટે જતા સૈનિકો, આડેધડ ગોળીબારથી વીંધાતાં શરીરો, ક્યાંક કોઈ સુરક્ષિત બંકર કે ઑફિસમાં બેઠેલા રાજનેતાઓની મુનસફીથી બરબાદ થઈ જતાં શહેરો અને આંસુ-લોહી પર રચાતી સો કોલ્ડ દેશપ્રેમ અને બહાદૂરીની દાસ્તાન. આમાં બીજાં જે ઍલિમેન્ટ્સ-રસ હોય તે, પરંતુ રમ્ય તો ખબર નહીં ક્યાં હોય છે! એમાંય ‘ડન્કર્ક’ (ઉચ્ચાર પ્રમાણે ‘ડંકર્ક’) તો હારની-પીછેહઠની-સર્વાઇવલની દાસ્તાન છે. છતાં વીસમી સદીના સૌથી ભયાવહ યુદ્ધની વચ્ચે આકાર લેતી કથા નવી ફ્રેશ સ્ટાઇલથી (ને પીછેહઠ, હારને પણ વિજયની જેમ) કેવી રીતે કહી શકાય તે જોવા માટે પણ ડન્કર્ક મસ્ટ વૉચ છે, પ્રિફરેબલી આઇમૅક્સ સ્ક્રીન પર (અફસોસ, મોટા ભાગના લોકોને તે એક્સેસિબલ નથી).
  • ડન્કર્ક ભલે 3D મુવી ન હોય, પણ એમાં ત્રણ ડાયમેન્શન્સ તો છે જ. જમીન, પાણી અને હવા. ત્રણ બાજુએ નાઝી સૈનિકોથી ઘેરાઈ ગયેલા એલાઇડ ફોર્સિસના ચારેક લાખ સૈનિકો, જેમની પાસે બચવા માટે હવે ફ્રાન્સના ડન્કર્કનો એક દરિયા કિનારો જ બચ્યો છે. સામે ઇંગ્લિશ ચૅનલનો છીછરો દરિયો ઘૂઘવે છે. ત્યાંથી ઇવેક્યુએશન માટે મદદ આવે તે પહેલાં દર થોડીવારે Luftwaffe/લુફ્ટવેફ-નાઝી એરફોર્સનાં ફાઇટર વિમાનો આવીને બોમ્બમારો-ગોળીબાર કરીને ચાલ્યાં જાય છે. સૈનિકો પાસે છુપાવા માટે કશું જ નથી, એટલે શાહમૃગની જેમ ઊંધું માથું કરીને સૂઈ રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. એવા દરેક હવાઈ હુમલામાં ડઝનબંધ સૈનિકો મરાય છે-ઘવાય છે, અને બાકીના ઊભા થઇ-કતારોમાં ઝોમ્બીની જેમ ઊભા રહીને ફરી પાછા મદદની રાહ જોવા માંડે છે. કોઈના ચહેરા પર કશા હાવભાવ નથી-માત્ર મોતની કાળી છાયા જ છે.છીછરો દરિયો મોટાં રેસ્ક્યુ જહાજોને ખમી શકે તેમ નથી અને બ્રિટિશ સરકાર પણ ફસાયેલા સૈનિકોને કાઢવા માટે વધુ જહાજો મોકલી શકે તેમ નથી (કેમ કે વર્ષ 1940નું છે, બીજું વિશ્વયુદ્ધ હજી શરૂ જ થયું છે, એટલે આગળના યુદ્ધ માટે સરંજામ બચાવી રાખવાનો છે અને આમેય ડન્કર્ક છોડ્યા પછી હથિયારોનો જંગી જખીરો નાઝીઓ પચાવી પાડવાના છે). ઉપરથી જે કોઈ જહાજો ત્યાં છે-જઈ રહ્યાં છે તેને પણ નાઝી વિમાનો બોમ્બમારાથી, સબમરીનથી છોડાતા ટોરપિડોથી કે દરિયાઈ સુરંગથી બ્લાસ્ટ કરીને ડૂબાડી રહ્યાં છે. એટલે દરિયાઈ મોરચેથી નાનકડાં સિવિલિયન જહાજો-યૉટ-ફિશિંગ બોટ વગેરેને સૈનિકોને બચાવીને પાછા લાવવાનું કામ સોંપાય છે.

    ત્રીજું પરિમાણ છે હવાઈ. બ્રિટિશ ‘રૉયલ એરફોર્સ’નાં ‘સ્પિટફાયર’ વિમાન નાઝી ફાઇટર વિમાનો સાથે દો-દો હાથ કરી, એમને તોડી પાડીને નીચે રહેલા સૈનિકો-રેસ્ક્યુ જહાજોને હવાઈ કવર પૂરું પાડે છે.

  • હવે નોલન હોય એટલે સિમ્પલ ચકા-ચકીની વાર્તા પણ એ આગળ-પાછળ તોડી-મરોડીને જ કહે. એ સ્ટાઇલ
    Bodega Bay
    ક્રિસ્ટોફર નોલન (ડાબે):માસ્ટર એટ વર્ક

    એણે અહીં પણ વાપરી છે. જમીન, હવા અને પાણી ત્રણેય નૅરેટિવ એકબીજાને સમાંતરે ચાલતાં રહે છે. એટલું જ નહીં, જમીનની કથા એક અઠવાડિયામાં, દરિયાની કથા એક દિવસમાં અને હવાઈ કથા એક કલાકમાં આકાર લે છે. એટલે લિટરલી કયું લશ્કર ક્યાં લડે છે તે વિશે માથું ખંજવાળવાનું કામ આપણું. વળી, આ ત્રણેય નૅરેટિવ તેમાં સામેલ પાત્રોના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાયાં છે. એટલે એ લોકો જે જુએ, સાંભળે, અનુભવે એ જ આપણને પણ અનુભવાય. એમાંના કોઇને દુશ્મનના ચહેરા દેખાતા નથી, એટલે આપણને પણ આખી ફિલ્મમાં એકેય નાઝી સૈનિક દેખાતો નથી. ગોળીબાર થતો હોય તોય તે ગોળીઓ કોણ ચલાવી રહ્યું છે તે એમને કે આપણને ખબર ન પડે. છતાં આપણે પાત્રોની સાથે હોઇએ એટલે ફાઇટર પ્લેન દૂરથી નજીક આવી રહ્યું હોય તો તેનો સતત મોટો થતો જતો અવાજ આપણા કાનને પણ વીંધી નાખે. પાઇલટ (મોસ્ટ્લી ટોમ હાર્ડી, જે ‘બૅટમેન રાઇઝીઝ’ના ‘બૅન’ની જેમ માસ્ક પહેરી રાખે છે)ની જેમ આપણને પણ કોકપિટમાંથી અને નિશાન લેતી વખતે ટાર્ગેટના સર્કલમાંથી સામેનું દૃશ્ય દેખાય. દુશ્મનના વિમાનને વીંધી નાખ્યું હોય તોય તેમાંથી ધુમાડો નીકળે ત્યારે જ ખબર પડે કે ટાર્ગેટ હિટ થયું છે. નાઝી વિમાનમાંથી ગોળીબાર થાય ત્યારે કેમેરા માથું રેતીમાં નાખીને સૂતેલા સૈનિકની અત્યંત બાજુમાં હોય, જેથી નીચે પટકાતી ગોળીઓથી ઊડતી રેતી સૈનિકના ચહેરાની સાથોસાથ આપણને પણ ફીલ થાય, એ પણ 3D વગર.

  • ડન્કર્ક તેના પહેલા અને સૌથી બેસ્ટ સીનથી આપણને સીધા બોચીએથી પકડી લે છે અને વૉરઝોનમાં લાવીને મૂકી દે છે. કેટલાક ભૂખ્યા-તરસ્યા સૈનિકો કોઈ ભેંકાર ગામમાં ચાલતાં ચાલતાં કશુંક ખાવાનું, નળ ખોલીને પીવાનું પાણી કે કોઈ ઘરની બારીમાં રહેલી એશટ્રેમાંથી બચેલી સિગારેટ શોધી રહ્યા છે. આકાશમાંથી પ્રોપેગન્ડા પેમ્ફલેટ્સનો વરસાદ થાય છે, જેમાં એક નકશો દોરીને બતાવાયું છે કે, ‘તમે ત્રણેય તરફથી ઘેરાઈ ગયા છો ને ચોથી બાજુએ દરિયો છે. માટે બચવું હોય તો આત્મસમર્પણ કરી દો.’ ત્યાં જ ક્યાંકથી ગોળીબાર શરૂ થાય છે. અગેઇન ગોળીઓ કોણ ચલાવે છે, ક્યાંથી આવે છે કશી ખબર નહીં. સૈનિકો જીવ બચાવવા ભાગે છે, વન બાય વન મરતા જાય છે અને એક સૈનિક એક ઝાંપો કૂદીને બચવામાં સફળ રહે છે. એ આખા સીનમાં ‘ફિઅર ઑફ અનનૉન’ એની ચરમસીમાએ છે. એ હદનો ભય પછીની આખી ફિલ્મમાં ભાગ્યે જ ક્યાંય દેખાય છે.
  • ટેક્નિકલી ‘ડન્કર્ક’ ક્રિસ્ટોફર નોલનની સૌથી નાની (106 મિનિટની) ફિલ્મ છે અને સ્ક્રીનપ્લે પણ અત્યંત ટૂંકો છે. ફિલ્મમાં ડાયલોગ્સ પણ મિનિમમ છે. એટલે મોટાભાગની સ્ટોરી નોલને વિઝ્યુઅલ્સની મદદથી જ કહી છે. જે રીતે વિમાનમાંથી, બૉટમાંથી, પાણીની અંદર, આકાશમાં ચકરાવા લેતાં વિમાન, અફાટ દરિયામાં રહેલી અટૂલી બૉટ વગેરે શૂટ થયું છે તેનાં વર્ણન માટે શબ્દો નાકાફી છે. નોલને કઈ રીતે આ દૃશ્યોને તેના સ્ક્રીનપ્લેમાં લખ્યાં હશે અને કઈ રીતે એણે પોતાના સિનેમેટોગ્રાફર હોયતે વાન હોયતેમા (Hoyte van Hoytema)ને પોતાના દિમાગમાં રહેલાં આ દૃશ્યો સમજાવ્યાં હશે તે એક ઇન્ટરેસ્ટિંગ કૅસ સ્ટડી બની રહે તેમ છે.
  • ફિલ્મની સિંગલ લાઇન સ્ટોરી છે શક્ય તેટલા વધુ સૈનિકોને સહીસલામત બ્રિટન પાછા લાવવા. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ થ્રી-ઍક્ટ સ્ટ્રક્ચર નૅરેટિવ (સેટઅપ-કન્ફ્રન્ટેશન-રિઝોલ્યુશન)ને પૂરેપૂરી અનુસરતી નથી. તેમ છતાં તેમાંના બહુ બધા સીન એવા છે જે આ રીતે કન્સ્ટ્રક્ટ થયા છે. જેમ કે, કેટલાક સૈનિકો જીવ બચાવવા ભાગી રહ્યા છે, એ બચશે? બે સૈનિક ત્રીજા એક ગંભીર રીતે ઘાયલ સૈનિકને સ્ટ્રેચરમાં સૂવડાવીને રેસ્ક્યુ બૉટ તરફ લઈ જઈ રહ્યા છે, ઉપરથી બોમ્બ ત્રાટકી રહ્યા છે, બૉટ પણ ઊપડી રહી છે, એ બંને સમયસર-સલામત રીતે પહોંચી શકશે? રેસ્ક્યુ જહાજમાં સહીસલામત પહોંચેલા સેંકડો સૈનિકો ચેનથી બ્રેડનો ટૂકડો ખાઈ રહ્યા છે, ત્યાં જ ટોરપિડો તે જહાજનું પડખું ચીરી નાખે છે, હવે? રૉયલ એરફોર્સનો ફાઇટર પાઇલટ ખોબો ભરાય એટલા બળતણમાં પણ નાઝી વિમાનને વીંધવાનું બીડું ઝડપે છે. એ વીંધીને બળતણ વિના સફળતાપૂર્વક લૅન્ડ કરી શકશે? એક ખાલી વહાણમાં બચવા માટે મરણિયા થયેલા સૈનિકો ભરાયા છે, બહારથી નાઝીઓ તેના પર ગોળીબાર કરીને ‘ટાર્ગેટ પ્રેક્ટિસ’ કરી રહ્યા છે, તેનાં છિદ્રોમાંથી પાણી વહાણમાં ભરાઈને તેને ડુબાડી રહ્યું છે. સૈનિકો પણ જીવ બચાવવા સ્વાર્થી બની ગયા છે. તે સૈનિકો બચી શકશે? આવા કેટલાય સીનને ફિલ્મમાંથી કાપીને જોવામાં આવે તો એકએક સ્વતંત્ર શૉર્ટફિલ્મ બની શકે તેમ છે.
  • નાઝી વિમાનોના અટૅક સિવાય ‘ડન્કર્ક’માં ક્યાંય જર્મન સૈનિકો આગળ આવી રહ્યા હોય એવું બતાવાયું નથી. એટલે કે સેન્સ ઑફ અર્જન્સી ક્યાંય નથી. છતાં આપણને એવું ફીલ થાય છે તેનું કારણ છે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. ઑસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર હાન્સ ઝિમરે વારેઘડીએ કરેલો ઘડિયાળની ટિકટિકનો ઉપયોગ આપણને સતત કંઇક થશે તેવું ફીલ કરાવતો રહે છે. અલબત્ત, મ્યુઝિક ઘણે ઠેકાણે લાઉડ થઈ જાય છે, છતાં ફિલ્મમાં ભયનો માહોલ સર્જવામાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હવા, પાણી અને જમીન ઉપરાંત ચોથું પરિમાણ બની રહે છે.
  • ફિલ્મ અત્યંત ટાઇટ છે, માત્ર 106 મિનિટની છે અને વિઝ્યુઅલ ટ્રીટ છે. બહુ બધા નેશનલ-ઇન્ટરનેશનલ ઇંગ્લિશ રિવ્યુઝમાં કહેવાયું છે તેમ આમાં ‘વૉર મુવીઝ’ ક્લિશૅ નથી (લિસ્ટ પણ ઑબ્વિયસ છેઃ સૈનિકોનાં ઘરની-પરિવારજનોની બૅકસ્ટોરી બતાવીને ઇમોશન્સ ઊભાં કરાયાં નથી, સૈનિકોનાં ક્ષત-વિક્ષત શરીરો નથી બતાવ્યાં, બે સૈનિકને યુદ્ધ પૂરું થયા પછી ‘હું તો ગામડે જઇને ખેતી કરીશ’ એવી વાતો કરતા નથી બતાવ્યા વગેરે. ટૂંકમાં ફિલ્મને સેન્ટિમેન્ટલ નથી કરાઈ. તેમ છતાં ફિલ્મનો વચ્ચેનો પૉર્શન મને ખાસ્સો રિપિટેટિવ લાગ્યો. ખાસ કરીને હવાઈ ડૉગફાઇટ અને રેસ્ક્યુ માટે આવી રહેલી સિવિલિયન બૉટનો પૉર્શન. એમાં પણ વધારાનો એક સબ પ્લોટ ઓલમોસ્ટ પરાણે ઘુસાડ્યો છે. નોલને ભલે પાત્રોને બદલે ઘટનાઓ કે ઑવરઑલ ઘટનાક્રમ પર ફોકસ રાખ્યું હોય, અને દરેક નૅરેટિવમાં સમ ખાવા પૂરતાં પાત્રો મૂક્યાં હોય કે એમનાં કોઈ નામ હોય, પરંતુ આ જ કારણને લીધે આપણે એકેય સૈનિકની કફોડી સ્થિતિ સાથે ઇમોશનલી કનેક્ટ થઈ શકતા નથી અને ફિલ્મ લગભગ ડૉક્યુમેન્ટરી બની રહે છે. નકશો કે જ્યોગ્રાફિકલ ડિટેલિંગ ન કરવા પાછળ નોલનનું લોજિક જે હોય તે, પણ આપણને તેનાથી એક્ઝેક્ટ લોકેશન અને એલાઇડ ફોર્સિસના હાથમાં રહેલા વિસ્તારનો ખ્યાલ આવતો નથી. કદાચ નોલનની ઇચ્છા એવી હશે કે આપણે ‘ઑપરેશન ડાયનેમો-ડન્કર્ક ઇવેક્યુએશન’ના વિકિપીડિયા પૅજની હિટ્સ વધારીને પછી જ ફિલ્મ જોવા જઇએ. ફિલ્મમાં માત્ર માંડ બેએક વખત જ બોલાય છે કે અહીં તો ચારેક લાખ સૈનિકો છે. ચર્ચિલે જેને ‘મિરેકલ ઑફ ડન્કર્ક’ કહેલું તેવા આ સમગ્ર રેસ્ક્યુ ઑપરેશનમાં સવા ત્રણ લાખથી પણ વધુ સૈનિકોને સહીસલામત બચાવી લેવાયેલા. એવા લાર્જ સ્કૅલની કોઈ ઇમ્પેક્ટ અહીં દેખાતી નથી. મતલબ કે તે રેસ્ક્યુ ઑપરેશન કેટલું વિરાટ હતું તેનો ખ્યાલ આપણને આવતો નથી. માત્ર અમુક હજાર સૈનિકોને જ બચાવ્યા હશે એવું જ લાગે છે. ‘ડન્કર્ક’ પાછળ નોલનનો ઇરાદો જે હોય તે, પણ ફિલ્મ જોયા પછી એવી જ છાપ પડે કે તે રેસ્ક્યુ ઑપરેશનમાં માત્ર બ્રિટિશ અને ફ્રેન્ચ સૈનિકો જ હતા. ‘ધ ગાર્ડિયન’ દૈનિકમાં સની સિંઘ નામના લેખકે પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે એ વખતે ત્યાં ભારત, મોરોક્કો, અલ્જિરિયા, ટ્યુનિશિયા સહિતના દેશોના સૈનિકો પણ ફસાયેલા હતા. નોલને કેમ બીજા કોઈ રંગની ચામડી ધરાવતા સૈનિકોને બતાવવાની તસ્દી ન લીધી? આમેય જે રીતે ફિલ્મ એક પૉઝિટિવ નોટ પર પૂરી થાય છે, જે રીતે ‘સર્વાઇવલ એ જ વિક્ટરી’ એવું બતાવવામાં આવ્યું છે, જે રીતે જીવતા પાછા ફરેલા સૈનિકોને હીરોનું વેલકમ મળે છે, ‘તમે જીવતા આવ્યા એ જ પૂરતું છે’ એવું કહેવાયું છે, જે રીતે વિન્સ્ટન ચર્ચિલની સ્પીચનો ઉપયોગ કરાયો છે… એ જોઇને લાગે કે ‘ડન્કર્ક’ બ્રિટનનો જય જયકાર કરવા માટે જ બનાવાયેલી બ્રિટિશ ફિલ્મ છે (છે જ જોકે, રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર નોલન પોતે હાફ બ્રિટિશ છે, એની પત્ની ઍમા થોમસ બ્રિટિશ છે અને પ્રોડક્શન કંપની ‘સિન્કૉપી’ પણ બ્રિટિશ છે. નોલનની ફિલ્મની જેમ આ પણ જજમેન્ટલ થયા વિના એઝ અ મૅટર ઑફ ફેક્ટ!).
  • dunkirk-rylance
    માર્ક રાયલૅન્સ

    આમ તો આ ફિલ્મનો હીરો નોલન પોતે જ છે. છતાં કોઈ એક વ્યક્તિના પર્ફોર્મન્સ પર આંગળી મૂકવી હોય તો બિનધાસ્ત માર્ક રાયલૅન્સનું નામ આપી શકાય. સ્પીલબર્ગની ‘બ્રિજ ઑફ સ્પાઇઝ’ માટે ‘ઑસ્કર અવૉર્ડ’ જીતનારા આ સિનિયર એક્ટરે એવું તો નહીં પણ એનાથી ખાસ ઊતરતું પણ નહીં એવું પર્ફોર્મન્સ આપ્યું છે. ‘બ્રિજ ઑફ સ્પાઇઝ’ના એક સીનમાં ટૉમ હૅન્ક્સ એને પૂછે છે કે, ‘આ લોકો (રશિયનો) તને ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને પતાવી નાખશે. તને બીક નથી લાગતી?’ રાયલૅન્સ ભયંકર ઠંડકથી કહે છે, ‘એનાથી કંઈ વળવાનું છે?’ એવી જ ટાઢકથી એ અહીં પણ કહે છે કે, ‘ધેર ઇઝ નો હાઇડિંગ, સન.’ (‘યુદ્ધથી સંતાવાનો-ભાગવાનો કોઈ અર્થ જ નથી, દીકરા.’)

  • ‘ડન્કર્ક’ ઑબ્વિયસલી અફલાતૂન સિનેમા છે, પરંતુ તેને અત્યાર સુધીની બેસ્ટમબેસ્ટ વૉર કે વૉર બેઝ્ડ ફિલ્મની કેટેગરીમાં મૂકતાં મારો જીવ નથી ચાલતો. ક્લિશૅ બન્યા વિના પણ સંવેદના, યુદ્ધની ભયાનકતા અને સર્વાઇવલની ગાથાઓ કહેતી ચડિયાતી ફિલ્મો છે જ. ડન્કર્ક સર્વાઇવલ ખરું, વિક્ટરી નથી.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

3 thoughts on “Dunkirk

  1. મૂળ વાતઃ સચોટ રિવ્યૂ.
    આડવાતઃ “નોલનનું કંઈ કહેવાય નહીં. એ આકાશમાંથી કુછ ભી વરસાવી શકે. ખુદ એ જ સૈનિકો ટાઇમટ્રાવેલ કરીને પોતાની જ માથે પડે એવુંય બની શકે!” આ વાંચતી વખતે અવાજ સાથે, મોટેથી હસી પડાયું.

    Liked by 1 person

  2. “નવલકથા હોય, નાટક કે પછી ફિલ્મો. નવું નવું થતું જ રહેવું જોઈએ. આઉટ ઓફ બોક્સ થિન્કિંગ થવું જ જોઈએ. પણ નવું કરવાના ધખારામાં કોઈ દરજી તમારા શર્ટમાં આગળને બદલે પાછળ ગાજબટન લગાવી દે તે કંઈ થોડું ચાલે અને વર્સ્ટ, તમારા પાટલૂનમાં આગળને બદલે પાછળ ઝિપ સીવી દે તો શું કામ લાગે?

    ‘ડન્કર્ક’માં ક્રિસ્ટોફર નોલને નવું કરવાના ધખારામાં, આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરવાના ચાળામાં, અત્યાર સુધીની વૉર ફિલ્મો કરતાં કંઈક જુદું જ પ્રેક્ષકો સામે પીરસવાની હોંશમાં પાટલૂનમાં આગળને બદલે પાછલી બાજુએ ઝિપ સીવી આપી છે. કેટલાક શિશુ અવસ્થામાં હોય એવા માસૂમ, ભોળા પ્રેક્ષકોને ઝિપનું બદલાયેલું સ્થાન ખૂબ ગમી ગયું છે.

    અફસોસ એ છે કે આપણને એ ઝિપ ખોલીને કશુંય કરતાં ફાવતું નથી. આપણે માટે તો આગળ ઝિપ ધરાવતાં પાટલૂનો અને આદિ-મધ્ય-અંત ધરાવતી ફિલ્મો જ કામની છે અને હૉલીવૂડે એવી ચિક્કાર ફિલ્મો બનાવી છે, જેમાં કેટલીક અફલાતૂન વૉર ફિલ્મો પણ છે.

    ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’. વીસેક વરસ પહેલાં બનેલી આ ફિલ્મ તમે આજે પણ જુઓ તો પહેલી વખત જોતા હો એવો રોમાંચ થાય. પ્રોડ્યુસરોએ શું જાલિમ ખર્ચો કર્યો છે, એની એક એક ફ્રેમ પાછળ. સ્ક્રિપ્ટ એકદમ ટાઈટ અને સંવાદો જબરદસ્ત ક્રિસ્પ. હ્યુમર માટે અમુક સીન નાખવામાં આવ્યો છે એવું તમને લાગે ને તમે એન્જોય પણ કરો પરંતુ પાછળથી એક ગંભીર સિક્વન્સ વખતે સમજાય કે એ હ્યુમર પરપઝફુલ હતી, ગુજરાતી નાટકોમાં સંસ્થાઓ અને મંડળોના ઑડિયન્સને ખુશ કરવા માટે ઘુસાડવામાં આવે એવી ઢંગધડા વિનાની નહોતી.

    નાટક હોય, ફિલ્મ હોય કે પછી નવલકથા હોય. ઑડિયન્સને કે વાચકને વાર્તા જોઈતી હોય છે. બાકીનું બધું પછી. રૉબર્ટ રોડાટે લખેલી ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’માં લેખક પોતે અને ડાયરેક્ટરનું સ્ટોરી ટેલિંગ ચુંબકીય છે. વાર્તામાં આદિ, મધ્ય અને અંત હોવા જોઈએ એટલે હોવા જ જોઈએ. એના વિના વાર્તા, વાર્તા ન બને. કોઈ આર્કિટેક્ટ તમને કહે કે હું તમને દીવાલ વિનાનું, છાપરા વિનાનું, ફર્સ વિનાનું ઘર બનાવી આપું તો તમે એને કઈ મેન્ટલ હૉસ્પિટલમાં મોકલી આપશો? અરે ભાઈ, ખુલ્લી જમીનના પ્લૉટ પર જ રહેવું હતું તો તને બોલાવ્યો શું કામ?

    ફિલ્મોમાં પણ આવા દેખાડા કરનારા કેટલાક સ્યુડો ક્રિયેટિવ લોકો દરેક ભાષામાં હોવાના. ફિલ્મોમાં જ શું કામ, દરેક ફિલ્ડમાં. આહા, રાજાએ કેવાં સરસ કપડાં પહેર્યાં છે એવાં વખાણ સાંભળીને ઘડીભર આપણે પણ નાગા રાજાની વેશભૂષા વખાણતા થઈ જઈએ એવી માર્કેટિંગકળા બધે જ ચાલતી હોવાની.

    ‘મારે તો આદિ, મધ્ય, અંત વિનાની વૉર ફિલ્મ બનાવવી હતી’ એવું કહીને ક્રિસ્ટોફર નોલન તમને ‘ડન્કર્ક’માં ચૂહા બનાવી જાય અને તમે બની જાઓ તો ભોગ તમારા. ચાર લાખમાંથી ત્રણ લાખ જ સૈનિકોને તમે પાછા લાવો, એક લાખ સૈનિકો યુદ્ધ લડ્યા વિના, કોઈકની બેવકૂફીથી ઘેરાઈ ગયા હતા એટલે શહીદ થઈ જાય એમાં તમને બહાદુરી દેખાતી હોય તો ભોગ તમારા.

    ‘ડન્કર્ક’નું મ્યુઝિક માઈન્ડ બ્લોઈંગ છે, કબૂલ. પણ વૉર ફિલ્મોમાં જઈને તમારે માઈન્ડ બ્લોઈંગ મ્યુઝિક જ સાંભળવું હોય તો એનો અર્થ એ થયો કે એકદમ રૂપાળા પેકિંગમાં વીંટળાયેલી ચાર દિવસ વાસી-ફૂગ ચડેલી વાનગીને હોંશે હોંશે વખાણીને આરોગવી.

    ક્રિસ્ટોફર નોલન મિઝરેબલી ફેઈલ ગયા છે ‘ડન્કર્ક’ બનાવવામાં. નેવીના નહીં પણ પ્રાઈવેટ સિટિઝન્સનાં નાનાં નાનાં હોડકાં જેવાં જહાજો કે યૉટ્સે પણ આ મિશનમાં ઘણો મોટો ભાગ ભજવ્યો એવો પ્રચાર થાય છે. હકીકતમાં નાગરિકોએ આ બચાવકાર્યમાં મિનિસ્ક્યુલ ભાગ ભજવ્યો હતો. કુલ જેટલા લોકોને બચાવવામાં આવ્યા એમાંના માંડ એક ટકો સૈનિકો નૉર્મલ નાગરિકોના પ્રયાસથી બચ્યા.

    ક્રિસ્ટોફર નોલને એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મ બનાવવા પાછળના હેતુ વિશે કહ્યું હતું કે, ‘પ્રેક્ષકોને આ ફિલ્મનાં પાત્રો માટે સહાનુભૂતિ થાય કે લોકો આ પાત્રો સાથે પોતાને જોડી શકે એવો મારો હેતુ હતો જ નહીં. સ્ટોરી કહેવા માટે મેં મારા પાત્રોને સંવાદો આપ્યા જ નથી. આ પાત્રો કોણ છે, ક્યાંથી આવે છે એની સાથે પણ કોઈ નિસબત નથી. એ લોકો બચે છે કે નહીં તે જ અગત્યનું છે. હવે પછી આવનારા દુશ્મનના પ્લેનમાંથી પડનારો બૉમ્બ એમને ખતમ કરી નાખશે કે નહીં એ જ ખરું સસ્પેન્સ છે.’

    લેટ મી ટેલ કે અહીં દિગ્દર્શકે એક કરતાં વધુ જુઠ્ઠાણાં પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે કહ્યાં છે. ફિલ્મમાં ભાગ્યે જ એકાદ વખત તમારો જીવ અધ્ધર થઈ જાય એવું સસ્પેન્સ સર્જાય છે અને તે પણ કાચુંપાકું. પાત્રો દ્વારા એમણે સહાનુભૂતિ ઉઘરાવવાની ખૂબ કોશિશ કરી છે પણ એમાં તેઓ નિષ્ફળ ગયા છે.

    માર્ક રાયલન્સ નામના એક જબરજસ્ત ઍક્ટરને ક્રિસ્ટોફર નોલને ‘ડન્કર્ક’માં વેડફી નાખ્યો છે. રાયલન્સ ૨૦૧૫માં આવેલી સ્પીલબર્ગની એક ઔર અફ્લાતૂન વૉર ફિલ્મ ‘બ્રિજ ઑફ સ્પાયસ’માં જર્મન જાસૂસનો રોલ કરીને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ઓસ્કાર અવૉર્ડ મેળવી ચૂક્યો છે. ફિલ્મમાં માર્ક રાયલન્સ અને એનો દીકરો પોતાની યૉટમાં બચાવકાર્ય માટે નીકળી પડે છે.

    માર્ક રાયલન્સવાળો આખો ટ્રેક દિગ્દર્શક-રાઈટરે ઑડિયન્સની સહાનુભૂતિ ઉઘરાવવા માટે જ ક્રિયેટ કર્યો છે પણ કમનસીબે એ ટ્રેક બિલકુલ ફિસ્સો બન્યો છે, જામતો જ નથી. છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવી કહેવત હોલીવૂડમાં કોઈએ સાંભળી છે કે નહીં એની ખબર નથી, પણ આવું ઘણા લોકો કરતા હોય છે. ભાઈદાસ કે તેજપાલમાં ભજવવા જેવા નાટકો બનાવતાં ન આવડે એટલે કહેવાનું કે વહાલા, હું તો પૃથ્વીના સમજદાર ઑડિયન્સ માટે જ નાટકો બનાવું છું. ”

    ~ Saurabh Shah

    ***

    ‘ડન્કર્ક’ ફિલ્મ બાબતે વરિષ્ઠ લેખક સૌરભ શાહના જે ચાબૂક જેવા નિરીક્ષણો છે, એ મોડેથી ફિલ્મ જોયા પછી શબ્દશ: મને સાચા લાગ્યા છે. મોટા પડદે જોવામાં વિઝ્યુઅલી રિચ ફિલ્મ કન્ટેન્ટ ને ઈમ્પેકટમાં કેવી કંગાળ છે, એ સૌરભભાઈએ બખૂબી દર્શાવ્યું છે. એમની ‘ગુડ મોર્નિંગ’ કોલમમાં વૉર ફિલ્મો વિશે જે રસપ્રદ સીરિઝ એમણે લખી એમાંના આ ચોટદાર નિરીક્ષણો શેર કરવાની લાલચ રોકી શક્યો નહિ. કાશ, ઓવરરેટેડ નોલાને આવી કોઈ પંચલાઈન ફિલ્મમાં લખી હોત ! આભાર સૌરભભાઈ.

    Like

    1. સૌરભ શાહ અને JVના રિવ્યુઝ અહીં પોસ્ટ કરવાનું લોજીક શું છે. મેં આ સ્ટેટસ વાંચ્યું છે. અહીં તમે તમારા ઓપિનિયન મૂકશો તો વધુ ગમશે.

      Liked by 2 people

Leave a comment