Transformers: The Last Knight

  • transformers-5-two-worlds-collideક્લાસિક કોમિક સ્ટ્રિપ ‘કૅલ્વિન એન્ડ હોબ્સ’ના તોફાની ટેણિયા કૅલ્વિનને ભણવાનું નામ પડે એટલે કીડીઓ ચટકા ભરે છે. એટલે જ ક્લાસમાં કે પોતાના બૅડરૂમમાં બેઠો બેઠો કલ્પના કરવા માંડે છે કે પોતે એક સ્પૅસ શટલનો પાઇલટ છે કે એના પર કોઇક દૈત્યો હુમલા કરી રહ્યા છે ને પોતે લડી રહ્યો છે, પૃથ્વી બચાવવાની જવાબદારી એના પર જ છે (જેને અંતે કાં તો એનાં ટીચર મિસ વૉર્મવૂડ આવીને એને જગાડે અથવા તો એનો કાલ્પનિક દોસ્તાર ‘હોબ્સ’ વાઘ આવીને એના પર તૂટી પડે). એવા જ કોઈ માણસે નવરા બેઠાં આ ફ્રેન્ચાઇઝની એટલે કે ટ્રાન્સફોર્મર્સની કલ્પના કરી હોય તેવું લાગે છે. જેમ કે, મને પણ ઘરમાં બેઠાં વિચાર આવે કે હું નવું લૅપટોપ, નવો મોબાઇલ, નવું LED ટીવી લઇ આવું, અને ધારો કે એનાથી ઘરમાં રહેલાં જૂનાં ટીવી, વૉશિંગમશીન, ફ્રિજ, મિક્સર ગ્રાઇન્ડરને જલન થાય અને એ બધાં જીવતાં થઇને એકબીજા સાથે યુદ્ધ ચાલુ કરી દે તો? એક તરફ ‘લૅપબોટ’, ‘મોબોટ’, ‘ફ્લૅટબોટ’ની આર્મી હોય, અને બીજી તરફ ‘કૂલડૉર’, ‘વૉશી’, ‘મિક્સોટ્રોન’ની સેના હોય. બધા ભેગા મળીને બાખડે અને આખું ઘર ખેદાનમેદાન કરી નાખે!
  • રીડિક્યુલસ લાગે છે? વેલ, મેં ‘ટ્રાન્સફોર્મર્સ’ સિરીઝની (મારી) પહેલી ફિલ્મ તરીકે ‘ટ્રાન્સફોર્મર્સઃ ધ લાસ્ટ નાઇટ’ જોઈ અને મને એ આના કરતાં એક હજાર ગણી વધુ રીડિક્યુલસ લાગી. આ સિરીઝ શા માટે અસ્તિત્વ ધરાવે છે? આઈ મીન એનાં રમકડાં વેચાય એટલા માટે ફિલ્મો બને છે? કે પછી ફિલ્મો જોઇને તેનાં રમકડાં રમકડાં ખરીદવા માટે પડાપડી થાય છે? માત્ર કાર કે ઇવન સ્કૂટરમાંથી કન્વર્ટ થતા રોબોટને બાદ કરતાં આ સિરીઝમાં એવું એક પણ ઍલિમેન્ટ નથી જે અગાઉ અનેક વખત લગભગ એવા જ ફોર્મમાં ન આવ્યું હોય.
  • ‘વિકિપીડિયા’ પરથી મને જાણવા મળ્યું કે ‘ધ લાસ્ટ નાઇટ’ એ તેની ત્રણ વર્ષ અગાઉ આવેલી ‘ઍજ ઑફ એક્સ્ટિંક્શન’ની સીધી સિક્વલ છે. એટલે હું માર્ક વૉલબર્ગનું કેરેક્ટર અને એના દોસ્તારો જેવા અગાઉથી આંટાફેરા કરતા ટ્રાન્સફોર્મર્સને હું ઓળખતો નહોતો. પરંતુ શરૂઆતમાં ‘પિછલે ઍપિસોડ મેં આપને દેખા’ ટાઇપના રિકેપ પરથી મને સમજાયું કે કોઈ ડિસ્ટોપિયન ટાઇપના ગાડીઓના જંકયાર્ડમાં એ લગભગ સંતાઇને રહે છે. એની સાથે કેટલાક ઑટોબોટ, ડાયનોબોટ પ્રકારનાં ટ્રાન્સફોર્મર્સ પણ રહે છે. પરંતુ પૃથ્વી પર ટ્રાન્સફોર્મર્સ પ્રતિબંધિત છે અને એમના ઉત્પાતવાળા એરિયાને કોર્ડન કરી દેવાયા છે. ત્યાં જ દૂરની ગૅલેક્સીના કોઈ ‘સાઇબરટ્રોન’ જેવું નામ ધરાવતા ગ્રહ પર એક ક્વીન જેવી રોબોટિકા મંથરાગીરી કરે છે, રોબોટને ચડાવે છે અને પૃથ્વીનો સર્વનાશ કરવા પ્રેરે છે. પૃથ્વી પર ચિત્રવિચિત્ર ટ્રાન્સફોર્મર્સ અને વિરાટ યાનોનું દળકટક ઊતરી આવે છે. માર્ક વૉલબર્ગબર્ગ એના સારાં ટ્રાન્સફોર્મર્સ અને બહારથી આવેલા નઠારાં ટ્રાન્સફોર્મર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલે છે. પિરામિડ જેવી કેટલીયે ઇમારતોનો સત્યાનાશ વળે છે. અંતે નૅચરલી સતનો અસત પર વિજય થાય છે. પણ ના, વાત એમ થોડી પતે? વચ્ચે એન્થની હોપકિન્સ સાહેબની એન્ટ્રી થાય છે. એ ઇંગ્લેન્ડમાં પંદરસો વર્ષ જૂનું (કિંગ આર્થરના જમાનાનું) સિક્રેટ સાચવીને બેઠા છે. આખી વાતમાં ગ્લેમરની ઊણપ હતી એટલે કોઈ જ કનેક્શન વિના એક સેક્સી ફિમેલ પ્રોફેસરની પણ એન્ટ્રી કરાવવામાં આવે છે. છેલ્લે વધુ એક સિક્વલના વાયદા સાથે ફિલ્મ પૂરી થાય છે.
  • પ્રોબ્લેમ એ છે કે ન તો આ સ્ટોરીમાં એક ટકોય ફ્રેશનેસ છે, ન આગળ વધતી ઘટનાઓમાં કંઈ નવું છે, કે ન તો ક્યાંય કોઈ લોજિક છે કે ન ક્યાંય ટાંગામેળ છે. આખી ફિલ્મ ટ્રાન્સફોર્મર્સના જ વારે વારે છૂટા પડતા સ્પેરપાર્ટ્સ જેવી ઢીલીઢાલી છે. પ્લસ યુગો યુગોથી ચાલ્યા આવતા ક્લિશેનો આખો ડૅટાબેઝ છે. જેમ કે, ગુડ વર્સસ ઇવિલનો જંગ, એક જ એક્સપ્રેશન લઇને ફરતો ઍક્શન હીરો, જે બિચારો પોતાના પીડાદાયક ભૂતકાળથી દુઃખી છે અથવા તો કોઇના વિરહમાં જીવી રહ્યો છે, એક ફિમેલ કેરેક્ટર છે જેનું કામ માત્ર ક્લિવેજ બતાવવાનું છે (ને હીરોના પ્રેમમાં પડવાનું છે), એક બ્લેક કેરેક્ટર છે જેનું કામ માત્ર સિલી ફની લાઇન્સ બોલવાનું છે, ફરી પાછી પૃથ્વી સર્વનાશને આરે છે, બધા દેશોની એક વિશાળ બેઠક મળે છે, આખી કટોકટીની સ્થિતિમાં શું થઈ શકે તેમ છે તેનો આઇડિયા એક ચશ્મિશ ગીક ઍક્સપર્ટ પાસે જ છે (જે જિંદગીમાં ક્યારેય ઑફિસની બહાર નીકળતો નથી, જેનું કદાચ કોઈ ઘર પણ નથી), સિક્યોરિટી ગાર્ડ્સ-સૈનિકો લેટેસ્ટ હથિયારોથી સજ્જ થઇને-હૅલિકોપ્ટર્સ લઇને વિરાટ દૈત્યોની સામે ધસી જાય છે અને અચૂક એમનો ખંગ વળી જાય છે, નૅચરલી એ દૈત્યો પર ‘ગોલિયોં કા ભી અસર નહીં’, એ દૈત્યોને કેવી રીતે જેર કરવા એનું સિક્રેટ માત્ર હીરો-હિરોઇન પાસે જ છે, કટોકટીની સ્થિતિમાં હિરોઇન-હીરોને કિસ કરે છે, આખી દુનિયાનો કચ્ચરઘાણ વળે છે પણ ક્યાંય કોઈ માણસ દેખાતો નથી…
  • ઇવન વચ્ચે કોમિક રિલીફ લાવવા માટે વનલાઇનર્સ પણ ક્લિશે વપરાયાં છે. જેમ કે, ‘વ્હોટ હેપન્સ ઇન ઍલિયન શિપ, સ્ટેય્ઝ ઇન ઍલિયન શિપ’ (ઍલિયન શિપની જગ્યાએ ‘વેગસ’ મૂકી દો), ‘યુ આર ગોના નીડ અ બિગર ડૉર’ (રેફરન્સઃ ‘ધ જૉઝ’). એ સિવાય જ્યાં પણ હસાવવાનો પ્રયાસ થયો છે, હરામ જો ક્યાંય હસવું આવ્યું હોય તો!
  • મને તો સતત જાતભાતના લોજિકલ સવાલો થયા કરતા હતા કે ભઈ, આ ટ્રાન્સફોર્મર્સ મશીનો છે તો એમણે માણસોની ભાષામાં બોલવાની શી જરૂર? એ લોકો પણ સિગાર પીવે? જો ડાયનોસોર પણ અહીં હોય, ‘વૉલ ઈ’ જેવો રોબોટ પણ અહીં હોય, ‘સ્ટાર વૉર્સ’ના ‘C3PO’ જેવો રોબો પણ અહીં હોય, ઍલિયન પણ હોય અને ઍલિયન શિપ પણ હોય, તો પછી એ ફિલ્મો અને આ ટ્રાન્સફોર્મર્સમાં શો ફરક છે? અમુક ટ્રાન્સફોર્મર્સ મોંમાંથી આગ શી રીતે કાઢી શકે છે? એમની અંદરની સર્કિટો બળી ન જાય? એમનો પાવર કેવી રીતે ચાર્જ થાય છે? સાવ તકલાદી પતરામાંથી બનતી રેગ્યુલર કારમાંથી બનતો રોબોટ-ટ્રાન્સફોર્મર આટલો શક્તિશાળી કઈ રીતે કઈ રીતે હોઈ શકે? ટ્રાન્સફોર્મર્સ પાસે તો જાતભાતના પાવર્સ છે, તો પછી તે સની દેઓલની જેમ શા માટે લડે છે? લોખંડના હાલતા ચાલતા ડબાઓ પર ગોળીબાર કરવાનો શો અર્થ? રોબોટ પોતાની આંગળી પર મીણબત્તી શા માટે પેટાવે, એ સીધી લાઇટ જ ન ફેંકી શકે?અને ધારો કે એ ટ્રાન્સફોર્મર્સ મશીન હોય તો એ મરી કઈ રીતે શકે (ઘવાયા પછી રિપેર ન થઈ જાય)? પાછા મરતાં મરતાં નિરુપા રૉયનાં ફિલ્મી પાત્રોની જેમ તાવીજ આપીને કહે કે ‘આ તારું રક્ષણ કરશે!’ રિયલી?! અને કયા લોજિકથી આ ફિલ્મને ‘સાયન્સ ફિક્શન’ ગણાવવામાં આવે છે? (જેમાં જાદુટોનાની વાતો હોય એ કઈ રીતે ‘સાયન્સ’ની કેટેગરીમાં આવી શકે?!)
  • તદ્દન ભંગાર કેરેક્ટર્સ, કાનના પડદા ધ્રુજાવી દે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, હજારો વખત જોઈ ચૂક્યા છીએ એવી ચીલાચાલુ સ્પેશ્યલ ઇફેક્ટ અને સાવ બાલિશ સ્ટોરીલાઇનવાળી આ ફિલ્મમાં માંડ પાંચ-દસ મિનિટ એવી હશે જેમાં આપણને રસ પડે છે. મિનિટ પરથી યાદ આવ્યું, આ ફિલ્મ પૂરા અઢી કલાક લાંબી છે.
  • શા માટે આવી ફિલ્મો બને છે? શા માટે તેમાં કરોડો રૂપિયાનું આંધણ થાય છે? શા માટે પાંચ-પાંચ ફિલ્મો સુધી તેની ફ્રેન્ચાઇઝ ચાલતી રહે છે? અને શા માટે આપણે આવી કચરાછાપ ફિલ્મો જોવી જોઇએ?

રેટિંગઃ * (એક સ્ટાર) {માત્ર ગણીગાંઠી મોમેન્ટ્સ માટે}

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s