રાબતા

બે ભવનો કંટાળો

***

૧૦૦ ટકા શુદ્ધ કંટાળો કોને કહેવાય તેનો અનુભવ કરવો હોય તો આ ફિલ્મ જોઈ આવો.

***

thequint2f2017-042f38b61631-20fe-4ed8-830e-6c941ccb7d392fraabta20first20look‘રાબતા’ એટલે જોડાણ-કનેક્શન. ફિલ્મનું સ્લોગન પણ છે ‘એવરીથિંગ ઇઝ કનેક્ટેડ’. ફિલ્મ જોયા પછી સમજાય છે કે તે એવરિથિંગ એટલે બેહદ કંટાળો, માથાનો દુખાવો, સાઉથની ફિલ્મમાંથી ઉઠાંતરી, એક ટકો પણ ક્રિએટિવિટીનો અભાવ, અઢી કલાકનું કચુંબર અને પૈસાનો બગાડ. વળી, ફિલ્મના પોસ્ટરમાં આપેલા ‘ઇન્ફિનિટી-અનંત’ના સિમ્બોલની જેમ આ બધું સતત ચાલ્યા જ કરે છે.

હમારી અધૂરી કહાની

અગાઉ ‘ધોની’ બનીને રિટાયર થયેલો શિવ (સુશાંત સિંઘ રાજપુત) બુડાપેસ્ટ-હંગેરીમાં બૅન્કની નોકરી કરવા જાય છે. જોકે ત્યાં જઇને એ સુશાંત સિંઘમાંથી રણવીર સિંઘ બનીને રૂપાળી છોકરીઓ પટાવવા માંડે છે તે અલગ વાત છે. આ જ ક્રમમાં એને સાયરા સિંઘ (ક્રિતી સેનન) મળે છે. બે જ દિવસમાં બંનેનો પ્રેમ બૅડરૂમ સુધી પહોંચી જાય છે. એમની પ્રેમ-પ્રેમની રમત ચાલુ હોય છે ત્યાં જ એક લિકર કિંગ ઝાકિર મર્ચન્ટ ઉર્ફ ‘ઝૅક’ (‘નીરજા’ ફૅમ જિમ સાર્ભ)ની એન્ટ્રી થાય છે. શિવ સાથે કમિટેડ હોવા છતાં સાયરા સાઇકો ઝૅક સાથે લટુડી પટુડી થાય છે. દારૂનો નશો ઊતરે ત્યારે સાયરાને ટ્યુબલાઇટ થાય છે કે ઝૅક તો આઠસો વર્ષથી એની પાછળ પડ્યો છે. મીન્સ કે, એ ગયા ભવનો અધૂરો પ્રેમ પામવા પાછો આવ્યો છે. ઇવન પોતે અને શિવ પણ પ્રેમની બીજી ઇનિંગ્સ રમવા પૃથ્વી પર આવ્યાં છે.

૮૦૦ વર્ષ જૂની મગજમારી

બૉલીવુડમાં ‘શાયરા’ અને ‘કાયરા’ના ઉપદ્રવ પછી હવે ‘સાયરા’ તરીકે આવેલી ક્રિતી બુડાપેસ્ટમાં ‘ચૉકલેટિયર’ છે. પણ એક તો એ ગ્લવ્સ પહેર્યા વિના ચૉકલેટ બનાવે છે અને પોતાની જ ચૉકલેટમાં આંગળી ખેંસીને ચાટે છે. સુશાંત બૅન્કર છે, પણ એની પાસે બૅન્કિંગ સિવાય બધું જ કરવાનો સમય છે. ક્રિતી એની ઑફિસમાં બૉસ હોય ત્યારે એના ટૅબલ પર પણ બેસે છે. પ્રોડ્યુસરમાંથી ડિરેક્ટર બનેલા દિનેશ વિજનનું વિઝન કેટલું ક્લિયર (યાને કે બ્લર) છે તે આટલી નાની ડિટેઇલમાંથી પણ ખબર પડી જાય છે. જોકે ડિરેક્ટરની હિંમતને દાદ દેવી પડે. એમણે સીધો ‘બાહુબલિ’ના ડિરેક્ટર એસ. એસ. રાજમૌલિના ઘરે જ હાથ માર્યો છે. એમની ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘મગધીરા’ની જ વાર્તા બેઠ્ઠી લઈ લીધી છે. આ મુદ્દે કૉર્ટમાં કૅસ પણ થયેલો. એક જમાનામાં ઘરે દરજી બેસાડતા એમ સિદ્ધાર્થ-ગરિમા નામની લેખકજોડીને મગધીરાની વાર્તામાં ‘બેફિકરે’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘લવ આજકલ’, ‘મિર્ઝયા’નો મસાલો ઉમેરીને એક ભેળપુરી તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. પરિણામે અઢી કલાકની આ ફિલ્મ રૂપે જે કંઈ બન્યું છે તે આપણે કોઈ કરુણ ઘટનાના મૂક સાક્ષી બનતા હોઇએ એવી પીડા સાથે સહન કરતા રહીએ છીએ.

‘રાબતા’માં લગભગ બધું જ ઇલ્લોજિકલ અને કંટાળાજનક છે. સુશાંત બૅન્કર અને ક્રિતી ચૉકલેટિયર નથી લાગતી. એક સાદી દેશીહિસાબ પણ ન વેચી શકે એવો સાઇકો માણસ અહીં ‘લિકર બૅરન’ છે. સુશાંત આસ્થા ચૅનલમાંથી ડાઉનલોડ કર્યો હોય એવો સંસ્કારી પ્લેબોય લાગે છે. બંનેની લવસ્ટોરી પણ હૉસ્પિટલના ભોજન જેવી ફિક્કી છે. કશા જ કારણ વિના બંને ભેગાં થાય, છૂટાં પડે, ફરી પાછાં ભેગાં થાય, ફરી છૂટાં થાય… બસ, એક આપણો જ છૂટકારો નથી થતો.

જાણે કંટાળાની કોટડીમાં પૂરી દીધા હોય એવી હાલત થાય એટલે આપણું દિમાગ પણ જથ્થાબંધ સવાલો પૂછવા પર ચડી જાય છે. જેમ કે, ધૂમકેતુ અહીં ઉલ્કાપાત જેવો કેમ દેખાય છે? શહેર સાથે કશું જ કનેક્શન ન હોવા છતાં ફિલ્મની સ્ટોરી બુડાપેસ્ટમાં શા માટે આકાર લે છે? દર બીજી મિનિટે હંગેરી ટુરિઝમની જાહેરાત કરતા હોય એમ બુડાપેસ્ટ-દર્શન જ કેમ કરાવવામાં આવે છે? ક્રિતી સેનન એને મળતા દરેક પુરુષના પ્રેમમાં કેમ પડી જાય છે? અજાણ્યા પુરુષને એ પોતાના ઘરમાં કેમ આવવા દે છે? જળોની જેમ ચોંટતો હોવા છતાં ક્રિતી સુશાંતના પ્રેમમાં શું કામ પડે છે? ક્રિતી સહિત સૌ ક્રિતીનું જ સાઇકોઍનાલિસિસ શા માટે કર્યા કરે છે? પુનર્જન્મની સ્ટોરી છે તે ખબર હોવા છતાં સૌ ‘હમ પહલે કભી મિલ ચૂકે હૈ’ એવી ક્લિશૅ લાઇનો શા માટે બોલ્યા કરે છે? ૮૦૦ વર્ષ પહેલાંની આગલા ભવની સ્ટોરીમાં સુશાંત ફરહાન અખ્તર જેવા હસ્કી અવાજમાં શા માટે બોલે છે? એ લોકોની ભાષા ‘મોહેંજો દારો’ જેવી કેમ લાગે છે? તેમાં કશું સમજાતું ન હોવા છતાં સબટાઇટલ્સ કેમ નથી? એ બધું ‘ગૅમ ઑફ થ્રોન્સ’ જેવું કેમ લાગે છે? ગયા ભવનાં ક્રિતી-સુશાંત જંગલમાં શા માટે દોડાદોડી કરે છે? રાત્રે સરખું ઊંઘી ન શકતી ક્રિતી પાણીની અંદર આખો આગલો ભવ કઈ રીતે યાદ કરી લે છે અને ત્યાં સુધી એ જીવતી કઈ રીતે રહી શકે છે? ૧૦૦-૨૦૦ ફૂટ ઊંચેથી પટકાવા છતાં એને કેમ કશું થતું નથી? રાજકુમાર રાવ ૮૦૦ વર્ષથી મૅકઅપ કરાવતો બેઠો હોય એમ ‘રામસે બ્રધર્સ’ના ભૂત જેવો કેમ દેખાય છે? માંડ બસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલા ગાબિલનો શૅર ૮૦૦ વર્ષ પહેલાંનો રાજકુમાર રાવ કઈ રીતે મારી શકે છે? એક મિનિટ, એ ફિલ્મમાં જ શા માટે છે? સાવ નિર્જન સ્થળે સુશાંત મિનરલ વૉટરની બૉટલ કેવી રીતે શોધી લાવે છે? દીપિકા જૂની ફિલ્મનું ગીત ગાવા શા માટે આવે છે? વરુણ શર્મા (ઉર્ફ ‘ફુકરે’નો ‘ચૂચો’) બધા કલાકારોનો દોસ્તાર કઈ રીતે હોઈ શકે? આપણે આ ફિલ્મમાં શા માટે બેઠા છીએ?

જેનું ધડ-માથું-મગજ એકેયનો મેળ ન પડતો હોય તેવી કાળાડિબાંગ અંધકાર જેવી આ ફિલ્મમાં ઝબૂકતા તારા જેવી ગણીગાંઠી પૉઝિટિવ બાબતો પણ છે. જેમ કે, ભલે અહીં તહીંથી ઊસેટીને ભેગાં કર્યાં હોય, પરંતુ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો સહ્ય છે. અરિજિત સિંઘે ગાયેલું ‘ઇક વારી આ’ સોંગ તો રિલીઝ થયું ત્યારથી જ હિટ છે. જ્યારે ફિલ્મનું ટાઇટલ સોંગ ‘કુછ તો હૈ તુઝસે રાબતા’ છેક ‘ઍજન્ટ વિનોદ’ના જમાનાથી હિટ છે. ‘મૈં તેરા બૉયફ્રેન્ડ’ ગીત હની સિંઘની ઝેરોક્સ જેવા દેખાતા પંજાબી ગાયક જે સ્ટારે ગાયું ત્યારથી હિટ છે. ફિલ્મમાં ‘એક લડકી ભીગી ભાગી સી’નું ક્લબ મિક્સ પણ ઘુસાડાયું છે. જે કિશોર કુમાર-મધુબાલાના યુગથી હિટ છે. ટૂંકમાં બીજું ગમે તે હોય, આ ફિલ્મનું મ્યુઝિક હિટ છે. પરંતુ બે ગીતોની વચ્ચે ચાલતી ફિલ્મ એટલી બોરિંગ છે કે ગીતો અલગથી જ સાંભળી લેવાં. ક્યાંક ડાયલોગ્સમાં સ્માર્ટનેસના ચમકારા દેખાય છે, ત્યાં જ સેક્સિસ્ટ અને હોમોફોબિક કોમેડી એમાંય પંક્ચર પાડી દે છે.

ટ્રેલરથી પણ દૂર રહેજો

‘રાબતા’માં આ ભવ કે આગલો ભવ બેમાંથી એકેયમાં ભલીવાર નથી. એના કરતાં ઑરિજિનલ કૃતિ ‘મગધીરા’ કે પછી ‘મધુમતી’, ‘મિલન’થી લઇને ‘કર્ઝ’ જેવી પુનર્જન્મની થીમ પર બનેલી ફિલ્મો વધુ એકવાર જોઈ લેવી વધુ ફાયદાનો સોદો છે. હા, તમને સુશાંત કે ક્રિતી ક્યુટ લાગતાં હોય તો ભગવાન તમારું ભલુ કરે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s