karsandas-pay-and-use

 • સવા બે કલાક સુધી જકડી રાખે તેવી સ્ટોરી ન હોવા છતાં પર્ફોર્મન્સીસ અને ડિટેલિંગ તમને કંટાળવા ન દે તેનું પર્ફેક્ટ એક્ઝામ્પલ એટલે ‘કરસનદાસ પૅ એન્ડ યુઝ’.
 • તમે ગુજરાતી સિનેમાની કદાચ સૌથી વધુ કમાણી કરાવતી અને હાડોહાડ યુથ-અર્બન ફિલ્મ બનાવી હોય, ત્યારે તમારા પર અપેક્ષાનો કેવો ઍવરેસ્ટ હોય તે સમજી શકાય તેવી વાત છે. એ વખતે ચીલો ચાતરીને જાણે ‘સૉ કૉલ્ડ રિયલ’, રુરલ કે ટ્રેડિશનલ ગુજરાતી સિનેમામાંથી ચકતું કાપીને લઈ આવ્યા હોય તેવી ઑથેન્ટિક-રૉ ફીલવાળું બૅકડ્રોપ લાવવું, હીરોને જાજરૂમાં બેસાડવો, હિરોઇન પાસે ઘર ઘરનાં વાસણ ઘસાવવાં… તે માટે છપ્પન નહીં તોય નોર્મલ કરતાં ઍટલિસ્ટ પાંચ-સાત ઇંચ વધારેની છાતી તો જોઇએ જ! સબ્જેક્ટ માટે વેલડન કૃષ્ણદેવ યાજ્ઞિક!
 • આમ જુઓ તો ટ્રેલર પરથી અમુક બાબતો એકદમ ક્લિયર હતી. હીરો ‘તિલોક’ (સુપર્બ મયુર ચૌહાણ aka ‘માઇકલ’) ‘કરસનદાસ પૅ એન્ડ યુઝ’ નામે જાહેર શૌચાલય ચલાવે છે, હિરોઇન જયા aka ‘ઝયા’ (દીક્ષા જોશી) ત્યાં પૅ કરીને યુઝ માટે આવે છે. જાજરૂની માલીપા ડબલા-સાવરણાની સાક્ષીએ બંનેનો પ્રેમ પાંગરે છે. તભી લડકી કા અમરીશ પુરી છાપ બાપ આવીને બંનેને નાત-જાતની અદૃશ્ય છતાં અભેદ્ય દીવાલ બતાવે છે. એટલે આ સ્ટોરી ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ની કૅટેગરીમાં જઇને બેસે છે. મને સૌથી વધુ એ જાણવામાં ચટપટી હતી કે આખા ગોમની વચાળે હંધાયને ઇમની ઓકાત બતાવી દેવા માટે હીરો તિલોક એવું શું તિકડમ ચલાવશે, જે જોઇન આપણેય એનાં ઓવારણાં લઈ લઇએ.
 • ફિલ્મમાં સૌથી પહેલી નૉટિસ થાય તેવી વાત એટલે તેનું ડિટેલિંગ. એક પૅ એન્ડ યુઝ ટોઇલેટ ચલાવનાર વ્યક્તિ કેવી હોય, એની રોજિંદી લાઇફ કેવી હોય, એ આખો વખત ત્યાં માથું ફાડી નાખે એવી દુર્ગંધની વચ્ચે કઈ રીતે રહી શકતી હશે-ત્યાં જ કેવી રીતે ખાઈ-પી શકતી હશે, લોકો એને અને એ લોકોને કેવી નજરે જોતા હશે, એના મિત્રો કેવા હશે, એની બોલી કેવી હોય, એની વોકેબ્યુલરી કેવી હોય, એનો મિજાજ કેવો હોય અને એ જ્યારે પ્રેમમાં પડે ત્યારે એનો પ્રેમ, એની ફૅન્ટેસી આપણા કરતાં અલગ હોય કે પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ એવું હોય?
 • તિલોકના ‘કરસનદાસ પૅ એન્ડ યુઝ’નું બિલ્ડિંગ એ ઓલમોસ્ટ એનું કિંગ્ડમ છે, જ્યાં એનું જ રાજ ચાલે છે. એ જંગલમાં ફરતા વાઘની જેમ ફુલ સ્વૅગર, ફુલ ઍટિટ્યુડથી એમાં આંટા મારે છે, ટેબલ પર પગ ચડાવીને બેસે છે. દિલથી બીડીઓના કશ લગાવે છે. ટેબલ પર નાનકડો ઍક્ઝોસ્ટ ફૅન મૂકીને હવા ખાય છે. બહાર મોટા ભા થઇને ફરતા લોકો એને ત્યાં આવે એટલે એની પરમિશન વિના અંદર નહીં આવવાનું, એ કહે તે જાજરૂમાં જવાનું ને એ કહે એટલે બહાર પણ આવવાનું. હા, બહાર બીજાના કિંગ્ડમમાં જાય ત્યારે ભોડું ભાંગી જાય, પણ સ્વૅગ ન છૂટે. ડિરેક્ટર અને કેમેરા પણ આ સ્વૅગના આશિક છે તેવું દર થોડી વારે આવતા ફુલ ક્લોઝઅપ્સ, લૉ એન્ગલ શૉટ્સ અને ફ્રિક્વન્ટ સ્લો મોશન્સ પરથી જોઈ શકાય છે.
 • ફાઇન. હવે આ મહાશય પ્રેમમાં પડે ત્યારે? હિરોઇન સાબુના પાણીવાળી જાજરૂની ટાઇલ્સ પર લપસે. હિરોઇનની કાર ખરાબ ન થાય, બલકે એના ટોઇલેટમાં ડબલું ન હોય કે પછી એના ઘરના ટોઇલેટમાં ગ્લાસ ફસાઈ જાય. બંનેના હાથ એકમેકને ડબલું કે દસની નોટ આપ-લે કરતી વખતે સ્પર્શે. કોલેજમાંથી બંક મારીને CCDમાં નહીં, પણ જાજરૂ જવાનું લૅટ કરીને મંહીં જાજરૂમાં જ બંને મળે. ફેસ ટાઇમ પર નહીં, કોઇના ઘરે કામે જતી વખતે બંનેની આંખો મળે. હિરોઇન પર ઇમ્પ્રેશન જમાવવા હીરો એને દોસ્તની લારી પર મફતની પાણીપુરી ખવડાવે. ડ્રીમ સિક્વન્સમાં સરી પડેલો ‘તિલિયો’ સ્કૂટરના ચોરાઉ ટાયરના હીંચકે ઝૂલે, અને તાજ્જી પ્રેમમાં પડેલી ‘ઝયા’ કો’કના ઘરનાં વાસણ માંજતી વખતે સ્ટીલની થાળીમાં પોતાનો બ્લશિંગ ચહેરો જુએ. બંને મલ્ટિપ્લેક્સમાં નહીં, સિંગલ સ્ક્રીનમાં ‘વિક્રમ’ (ઠાકોર!)નું મુવી જોવા જાય. આ પર્ફેક્ટ સ્લાઇસ ઑફ લાઇફ રોમાન્સ છે. આમાંનું ઘણું ખરું આપણે ટ્રેલરમાં જોયેલું હોવા છતાં અને ફર્સ્ટ હાફમાં ટાઇમ ખાઈ જતું હોવા છતાં જોવું ગમે છે.
 • કલાકારોના લુક, લૅંગ્વેજ, લાઇફનું ડિટેઇલિંગ પણ જબરદસ્ત છે. પબ્લિક ટોઇલેટની દીવાલ પર મંદિર તરીકે મેલડી માતાનો ફોટો હોય (ગામને ચેલેન્જ આપ્યા પછીની એક સવારે તિલોક માતાજીના ફોટા સામે જે લુક ઍક્સચેન્જ કરે છે, માશાઅલ્લાહ!), વૉશબેસિન પર માછલી સાબુ લટકતો હોય, તિલોક ભડકીલાં તો સુંદર ઑવરસાઇઝ્ડ (મોસ્ટ્લી કો’કનાં ઊતરેલાં) કપડાં પહેરે, તિલોક જ્યારે હિસાબ કરવા બેસે બટકું પૅન્સિલ હોય, એ કેવી રીતે પકડે, ગડબડિયા અક્ષરોમાં લખે, બૅન્ક અકાઉન્ટમાં નહીં પણ થેલામાં આભલાંવાળી થેલીની અંદર કોથળીમાં પૈસા મૂક્યા હોય (ને એમાંય મોસ્ટ્લી નાની નોટો-પરચૂરણ જ હોય), જાજરૂની નજીકમાં પાણીપુરીની લારી ચલાવતો એમનો દોસ્તાર કાળુભા (જય ભટ્ટ) દિવસની પહેલી પૂરી બનાવીને લારીના ટાયર નીચે મૂકે, હિરોઇનના એક રૂમના ઘરમાં છએક દીકરીઓ રહેતી હોય ત્યાં કેવો કકળાટ હોય (માય ગૉડ, ભયંકર છે!), ચકી નામની એક નાનકડી દીકરી આખો વખત ઝાડની ડાળીની જેમ બારીએ જ ટિંગાયેલી હોય (ત્યાં જ ઊંઘી પણ જતી હોય), એક દીકરી સતત ચિક્કી-ચવાણું ખાવાનું જ માગતી હોય, એ દીકરીઓ પોતાના પપ્પાને ‘ડેડી’ (ઑલમોસ્ટ ‘ડેળી’ના ઉચ્ચારમાં) કહે, હૅવીલી પ્રેગ્નન્ટ પત્ની પણ માવો મસળતી હોય અને પતિ-પત્ની બંને ચાવતાં હોય, ટોઇલેટનું કમોડ ન હોય- ‘મરઘો’ હોય… તિલોકનું ટોઇલેટ કે જયાના ઘરના ઓરડાના સીન ક્લસ્ટરોફોબિક છે, પણ આપણા દિમાગમાં બંનેની જ્યોગ્રાફી એવી છપાઈ જાય છે કે અત્યારે પણ કહી શકીએ કે એ પબ્લિક ટોઇલેટમાં લેડિઝનાં ટોઇલેટ લૅફ્ટ સાઇડે અને જેન્ટ્સ ટોઇલેટ રાઇટ સાઇડે છે, ને જયાના ઘરમાં પાણીનું માટલું ડાબી બાજુએ નીચે પડ્યું છે! માઇકલ, દીક્ષા અને હેમાંગ શાહ (વાસ પરથી ગઈકાલનું મૅન્યુ કહી દે તેવો ‘હુંદરિયો’)એ ટિપિકલ બોલી બરાબર પકડી છે. જોકે મારા કાઠિયાવાડી કાને કાઠિયાવાડી બોલી પણ પડતી હતી.
 • બીજી મસ્ત વાત એ છે કે હીરો પબ્લિક ટોઇલેટ ચલાવતો હોવા છતાં કે સમાજના પિરામિડમાં છેક નીચે આવતો હોવા છતાં એ પોતાના કામ પ્રત્યે જરાય અપોલોજેટિક નથી. ભલે ચિલ્લર કમાતો હોય, પણ એણે સપનાં જોવાનું-જીવવાનું-ખુશ થવાનું બંધ નથી કર્યું.
 • ‘છેલ્લો દિવસ’ સામે બહુ બધા લોકોની એક ફરિયાદ તેના બિલો ધ બૅલ્ટ અને ટોઇલેટ હ્યુમર વિશે હતી (તેમાં ટોઇલેટની અંદર જ શૂટ થયેલા ત્રણ સીન તો મને અત્યારે પણ યાદ આવે છે). જ્યારે અહીં આખા મુવીના કેન્દ્રમાં જ ટોઇલેટ છે, છતાં (એક ટૉપ ઍન્ગલને બાદ કરતાં) ઍક્ઝેક્ટ ટોઇલેટની અંદરનો-કમોડનો લગભગ એકપણ સીન નથી. અહીં ટોઇલેટમાં હ્યુમર છે, પણ ટોઇલેટ હ્યુમર મિનિમમ છે (એમાં ફિલ્મનું નામ પણ આઈ જ્યું!). તિલોક કોઇના જાજરૂમાં ફસાયેલો ગ્લાસ હાથ નાખીને કાઢતો હોય ત્યારે પણ કેમેરા બહાર જ રહે અને આપણને માત્ર અવાજ સંભળાય. હાઇટ તો એ છે કે એ વખતે હીરો-હિરોઇન શરમાતાં મીઠી વાતો પણ કરતાં હોય!
 • તિલોક (માઇકલ), સુંદર (હેમાંગ શાહ), કાળુભા (જય ભટ્ટ) અને ચિનુભા (ચેતન દૈયા) આ ચાર કલાકારોના મજબૂત ખભા પર આખી ફિલ્મ ઊભી છે (કેરેક્ટરાઇઝેશન અગેઇન એટલું સ્ટ્રોંગ છે કે પાત્રોનાં નામ પણ યાદ રહી જાય). પહેલા ત્રણ જણની ફ્રેન્ડશિપની વૉર્મ્થ આપણને ઠંડાગાર ઑડિટોરિયમમાં પણ ફીલ થાય. જ્યારે ચેતન ‘ચિનુભા’ દૈયાનો ખોફ એવો ભયંકર છે કે સતત મને બીક રહ્યા કરતી હતી કે આ ઘરમાં કકળાટ કરતી એમની એકાદ દીકરીને તો ખેંચીને ઝાપટ ન મારી દે તો સારું! ઇન્ટરવલ પહેલાંની એકદમ રિયલિસ્ટિક ફાઇટ કોઈ ઉમદા સાઉથ ઇન્ડિયન મુવીનો ટેસડો કરાવે તેવી છે. ખોખલું સોશ્યલ સ્ટેટસ કેવું પૈસા સાથે જોડાયેલું છે એ વાત પણ એમાં માર્ક કરજો. આખા મુવીનો એ બેસ્ટ સીન છે. બધા સીનમાં વચ્ચે એક કોમિક હૂક નાખવાની સ્ટાઇલ પણ મસ્ત. દીક્ષા જોશીને થોડો વધુ સશક્ત રોલ આપવા જેવો હતો.
 • પરંતુ સૅકન્ડ હાફમાં રાઇટિંગનો પનો ખાસ્સો ટૂંકો પડે છે. તિલોક હંધાયને એમની ઓકાત બતાવી દેવાની છડેચોક ચૅલેન્જ મારે છે તેને ફુલફિલ કરવા માટે એ જે કરે છે એમાં ખાસ નવીનતા કે ઍક્સાઇટમેન્ટ નથી. કોમેડીનો પાલવ ન છોડવો હોય કે ગમે તે, પરંતુ પૈસા કમાવા માટે જે કંઈ કીમિયા અજમાવાય છે તે ઓલમોસ્ટ ફારસ જ બની જાય છે. એક સળંગ બિલ્ડ થતી ઇવેન્ટ્સ આપણને હાઈ ટેન્શન ડ્રામેટિક ક્લાઇમૅક્સ તરફ લઈ જાય એવું કશું બનતું નથી. એને બદલે આપણે બહાર નીકળીએ ત્યારે બે મોટા ફૅડ આઉટની વચ્ચે આવતા અલગ અલગ સીનના ટુકડા જ યાદ રહે. જેમ કે, ન્યુઝ ચૅનલના રિપોર્ટરવાળો સીન, ટોઇલેટની પબ્લિસિટીવાળો સીન, મૅરેજવાળો સીન વગેરે. એમાંના પહેલા બે તો અતિશય લાંબા સ્ટેન્ડ અપ ઍક્ટ્સ જ છે. બંને વધુ પડતા ખેંચાયા છે. ચાલતા હોય તો જોવા ગમે, પણ ફિલ્મમાં તેની હાજરીથી કોઈ ફરક ન પડે. (બાય ધ વે, ‘હુંદરિયો’ ‘મચ્છરદાનીમાંથી બે બ્લાઉઝ બનાવ્યાં’ એવાં બે ભેદી ગીતો ગાય છે, એ શું છે?!) અને છેલ્લે કોઈ જ ઍક્સાઇટમેન્ટ વગર સગવડિયા સ્ટાઇલમાં ઘીના ઠામમાં ઘી પડી રહે.
 • થીમને કારણે આ ફિલ્મની નાગરાજ મંજુળેની મરાઠી ‘સૈરાટ’ કે તે પહેલાંની ‘ફૅન્ડ્રી’ સાથે સરખામણી થઈ જાય. પરંતુ આ ફિલ્મ દૂર દૂર સુધી સૈરાટ નથી. કેમકે થોડાઘણા રિયલિસ્ટિક ટચ પછી તરત જ આ ફિલ્મ તેનાથી દૂર જઇને રોમ-કોમ ટાઇપની પરીકથા બની જાય છે. એક લાંબા ઉપદેશાત્મક મોનોલોગને બાદ કરતાં આ ‘કરસનદાસ…’ કોઈ બૉલ્ડ સ્ટેટમેન્ટ પણ રજૂ કરતી નથી કે બૉલ્ડ સ્ટેન્ડ પણ લેતી નથી. આ ફિલ્મ પાથબ્રૅકિંગ બની શકી હોત, બટ ઇઇઇટ્સ અ લોસ્ટ અપોર્ચ્યુનિટી.
 • ભાર્ગવ પુરોહિત-કેદાર ઉપાધ્યાયે કમ્પોઝ કરેલાં ‘આઈ જ્યો’ અને ‘મને કહી દે’ બંને સોંગ્સ એકદમ કૅચી અને ચિપકુ છે. પણ ખબર નહીં કેમ, મને સતત રહેમાનનાં ‘મુસ્તફા મુસ્તફા’નું પ્રિલ્યુડ, ‘હમસે હૈ મુકાબલા’નું ‘પ્રેમિકા ને પ્યાર સે’ની ટ્યુન તથા ‘આઈ જ્યો’ માટે એક તમિળ સોંગનું મ્યુઝિક જ યાદ આવતું હતું.
 • સૅકન્ડ હાફમાં કોઈ આઉટકમ વિનાના વણજોઇતા લાં…બા સીન, થ્રિલ વિનાનો ક્લાઇમૅક્સ અને ફિલ્મમાં વારેવારે આવતા સ્લો મોશનની જેમ જ સ્લો મોશનમાં ચાલતી ફિલ્મની લંબાઈને કારણે છેલ્લે તો ‘થાકી જ્યો’ જેવી ફીલ થાય છે. છતાં સુપર્બ પર્ફોર્મન્સ, નવો ડૅરિંગ બૅકડ્રોપ અને અર્બન-રુરલ સિનેમાની ‘આભડછેટ’ દૂર કરે તેવી થીમ અને સિક્વન્સ માટે પણ આ ફિલ્મ એક વખત અવશ્ય જોવા જેવી છે. કાશ થોડી વધુ હિંમત દાખવીને ફિલ્મને મૅચ્યોર પણ બનાવી હોત!

  રૅટિંગઃ *** (ત્રણ સ્ટાર)

  Read English version of this review here.

  Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s