maxresdefault‘આ હાળા ફિલમવાળા મુરખ જ બનાવવા બેઠા છે ને!’

જ્યારે પણ કોઈ ફિલ્મમાં કોઇન્સિડન્સ કે સિનેમેટિક લિબર્ટીવાળો સીન આવે એટલે અમારા એક વડીલ સ્વજન અચૂક આ વાક્ય બોલે. હિરોઇનને કેટલાક મવાલીઓ છેડતા હોય, દૂર દૂર સુધી કોઈ કાગડો પણ દેખાતો ન હોય. તોય ગમે ત્યાંથી હીરો મૌકા-એ-વારદાત પર પહોંચી જાય. હીરો-હિરોઇન એક જ બસ-ટ્રેક-પ્લેનમાં જતા હોય અને બંનેની સીટો પણ અડી અડીને જ આવે. અને મનમોહન દેસાઈ સ્પેશિયલઃ ત્રણ ભાઈ બચપનમાં બિછડી ગયા હોય, છતાં એક જ શહેરમાં હોય. એકબીજાની સાથે રોજ અથડાતા હોય. એનો બિછડેલો બાપ પણ એ જ શહેરમાં હોય. નોટ ઓન્લી બાપ, માં પણ ત્યાં જ આંટા મારતી ફૂલ વેચતી-વહેંચતી હોય. ફિલ્મોમાં આવતા આવા કોઇન્સિડન્સીસનું લિસ્ટ બનાવવા બેસીએ તો પાર ન આવે. પણ રિયલ લાઇફમાં કોઇન્સિડન્સ થવાની શક્યતા કેટલી? પરમ્યુટેશન-કોમ્બિનેશનની ગણતરીઓ કરીએ તો હજારોમાં કે લાખોમાં એકનો આંકડો મળે. લેકિન, આ કોઇન્સિડન્સીસના જ પાયા પર એક ફિલ્મ બનાવવી હોય તો?

જસ્ટ ચૅક ઇન ટુ માર્ચ, 2017માં આવેલી તમિળ ફિલ્મ ‘માનગરમ’ (Maanagaram-માને, ધ બિગ સિટી). લોકેશ 1471694880_maanagaram-upcoming-tamil-movie-directed-by-lokesh-kanagaraj-produced-by-sr-prabhu-underકનગરાજ નામના મરોડદાર મુછો ધરાવતા યંગમેને આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. સ્વભાવે આ ફિલ્મ ડાર્ક થ્રિલર અને બ્લૅક હ્યુમરની કેટેગરીમાં આવે. ફિલ્મ જોતાં જોતાં આપણને સતત ‘દિલ્લી બેલી’ યાદ આવતી રહે (માઇનસ તમામ અશ્લીલતા).

ફિલ્મના કેન્દ્રમાં છે ત્રણ પાત્ર. એક જુવાનિયો નાનકડા ગામમાંથી ચેન્નઈ આવ્યો છે, BPOમાં જોબ કરવા. એની જોબ ફાઇનલ થઈ ગઈ છે, માત્ર બેએક દિવસની અંદર ઑરિજિનલ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે. એનો ઇન્ટરવ્યૂ લેનારી ક્યુટ HR હેડની પાછળ બીજો એક જુવાનિયો પડ્યો છે. ઇન ફૅક્ટ, કોલેજકાળથી એના પર લટ્ટુ છે. ભાઈ દિલથી એકદમ સલમાન ભાઈ જેવો ગોલ્ડન હાર્ટ, પણ ગરમ થાય તો સીધો કલર બદલ્યા વિનાનો હલ્ક બની જાય. એ કશો કામધંધો કરતો નથી. જો પોતાની સ્વીટહાર્ટના BPOમાં જ જોબ લઈ લે તો એને રોજ મળવા મળે એ વિચારે એ પણ ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જવાની ફિરાકમાં છે. ત્રીજા એક આધેડ વયના ભાઈ પણ થોડાં વર્ષથી ચેન્નઈ આવ્યા છે. એ ટેક્સી ભાડે લઇને એ જ BPOમાં ડ્રાઇવર તરીકે લાગે છે. એમણે જેની પાસેથી ટેક્સી ભાડે લીધી છે એ છે P.K.P, ચેન્નઈનો સૌથી મોટો ડૉન. એને ત્યાં કામ કરનારા લોકો માટેનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા મિનિમમ ચાર ખૂન કરવાનો છે! આપણા હલ્કભાઈએ એક પાર્ટી સાથે પંગો લઈ લીધો છે, એટલે પાર્ટી એને ટીપી નાખવા માટે પૂરા પ્લાનિંગ સાથે ઊભી છે. એ પ્લાનિંગવાલી પાર્ટીમાં પણ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે, જે બધા સાથે મળીને એક કિડનેપિંગને અંજામ આપવાના છે. આમાંથી બેએકને બાદ કરતાં બધાં જ પાત્રો એક જ સસ્તા ઠેકા પર દારૂ પીતા બેઠા છે. પ્લાનિંગવાલી પાર્ટીને સૂચના અપાઈ છે કે લાલ ચૅક્સવાળો શર્ટ પહેરીને જે નીકળે એ જ તમારો શિકાર છે. લેકિન, ત્રણેય મુખ્ય પાત્રોએ લાલ ચૅક્સવાળો શર્ટ પહેર્યો છે. એમાં જ પેલા હલ્કને બદલે BPOવાળો કુટાઈ જાય છે.

કન્ફ્યુઝિંગ લાગ્યું? સોરી, માય ફૉલ્ટ, નોટ ઑફ ધ મુવી! ફિલ્મની પહેલી પંદર જ મિનિટમાં બધાં પાત્રોનો સુપર્બ પરિચય, પ્લોટ, બધાંની બૅકસ્ટોરી બધું જ એસ્ટાબ્લિશ થઈ જાય છે. શરૂઆતમાં સહેજ કન્ફ્યુઝિંગ લાગશે, પરંતુ ગડ બેસતાં વાર નહીં લાગે. જો આ શરૂઆતી કોઇન્સિડન્સથી ધરાઈ ગયા હો તો સબુર, અહીંયા દર પાંચ-દસ મિનિટે કોઇન્સિડન્સ આવશે. ફિલ્મનાં બધાં જ પાત્રો પર ‘મર્ફીઝ લૉ’નો કોપ ઊતર્યો હોય એમ બધાંની વાટ લાગે છે, બધાં ખોટા સમયે ખોટી જગ્યાએ પહોંચી જાય છે, કરવા જાય કંઇક અને થઈ જાય કંઇક ભળતું જ અને ડિસિઝન લે તેમાંય ઊંધું વાગે. દર વખતે તમે ધારો કે અચ્છા હવે આવું થશે, એટલે ડિરેક્ટર પાસે તરત જ તમને ખોટા પાડવા માટે અથવા તો સરપ્રાઇઝ કરવા માટે નવો ટ્વિસ્ટ-નવો કોઇન્સિડન્સ તૈયાર જ હોય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતાં પહેલાં ડિરેક્ટરે જાણે એક મોટો ફ્લૉચાર્ટ બનાવ્યો હોય એમ બધાં પાછાં એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ પણ હોય (આવી ફિલ્મોને ‘હાઇપરલિંક સિનેમા’ પણ કહે છે).

આટલા બધા જોગાનુજોગ હોવા છતાં ફિલ્મ તમને ક્યાંય નકલી કે ફિલ્મી લાગતી નથી, એનું કારણ એકદમ રિયલિસ્ટિક પાત્રો, ફિલ્મની ટ્રીટમેન્ટ અને ફિલ્મનું ફાસ્ટ પૅસિંગ છે. ડિરેક્ટરની ક્રિએટિવિટી જોવી હોય તો તેનાં ઇનોવેટિવ ટાઇટલ ક્રેડિટ્સ જ પૂરતાં છે, ત્યાંય પાછી સ્ટોરી તો આગળ વધતી જ રહે. ફિલ્મમાં મુઠ્ઠા ભરી ભરીને ડાર્ક હ્યુમર છે, એટલે અત્યંત ટેન્સ સિચ્યુએશનમાં પણ આપણે હસતા જ રહીએ. બીજી રસપ્રદ વાત એ છે કે અહીં ત્રણમાંથી એકેય મુખ્ય કેરેક્ટરને કોઈ નામ જ આપવામાં નથી આવ્યું. ફિલ્મના કોઈ ને કોઈ તબક્કે આ ત્રણેય પાત્રો બીજાને મદદ કરવા જાય છે અને ભાઠે ભરાય છે. મતલબ કે જરૂર પડ્યે આપણને મદદ કરવા માટે આવી જતા આપણા જ શહેરના લોકોને આપણે નામથી ઓળખીએ છીએ? (યાદ કરો, ‘અ વેન્સડે’નો ડાયલોગ, ‘હમ એકદૂસરે કો સિર્ફ ‘હલો’ સે જાનતે હૈ…’)

‘માનગરમ’માં એના નામ પ્રમાણે ખુદ ચેન્નઈ શહેર પણ એક પાત્ર તરીકે છે. ત્રણમાંથી બહારથી આવેલાં બે પાત્રોને તો આ શહેર ગમતું જ નથી. ત્રીજો (પેલો હલ્ક) સિટીના એવા પ્રેમમાં છે કે એને શહેર છોડીને જતા રહેવાનો હુકમ થાય તોય જવાનું નામ લેતો નથી. છતાં શહેર કેટલું બ્રુટલ-ક્રૂર છે તે આપણે અલગ અલગ પાત્રોનાં મોઢે કે સ્ક્રીન પર આકાર લેતી ઘટનાઓ તરીકે જોવા મળતું રહે છે. આઇરની તરીકે ફિલ્મમાં બૅકગ્રાઉન્ડમાં FM સ્ટેશનનો RJ ચેન્નઈ શહેર કેટલું સલામત છે તેનો મહિમા ગાતો હોય અને એક જુવાન લોહીલુહાણ હાલતમાં રસ્તાની વચ્ચે પડ્યો હોય, રાતની સવાર થઈ જાય, લોકો સાઇડમાંથી વાહન તારવીને જાય પણ કોઈ એને ઊભું કરવા ન આવે (અને બૅકગ્રાઉન્ડમાં રજનીકાંતની ફિલ્મોનાં ગીત વાગતાં હોય. કર્ટસીઃ સબટાઇટલ્સ+ગૂગલ!). આપણે પણ અનુભવ કર્યો હોય તેવા બીજા એક સીનમાં ભિખારીને બદલે મિડલક્લાસનો લાગતો કોઈ માણસ આવીને કહે કે મારું પાકિટ ખોવાઈ ગયું છે, મને પ્લીઝ થોડા રૂપિયાની મદદ કરો ને? ત્યારે બધા એને કાઢી મૂકે છે. એ ઘટનાનો સાક્ષી બનેલો BPO કુમાર જ્યારે એ જ સ્થિતિમાં મુકાય ત્યારે એની સ્થિતિ જોવા જેવી થાય છે. મીન્સ, મોટું શહેર વિશાળ ડાયનોસોર જેવું છે, એક્ઝેક્ટ્લી કેવું છે તેનો આધાર તમને કેવા લોકો ભટકાય છે તેના પર છે.

સવા બે કલાકની આ ફિલ્મનો એકમાત્ર મોટો માઇનસ પોઇન્ટ છે તેમાં વચ્ચે ટપકી પડતાં બે લવ સોંગ્સ. કમર્શિયલ ઍન્ગલ ઍનકેશ કરવા માટે જ નખાયેલાં આ સોંગ્સ ફિલ્મની ઝોનરા સાથે પણ ફિટ બેસતાં નથી.

***

લાંબી વાતનાં ગાડાં ભરાય. એના કરતાં તમે જાતે જ આ અફલાતૂન થ્રિલર ફિલ્મ જોઈ કાઢો. ‘એમેઝોન પ્રાઇમ’માં આખી ફિલ્મ પર્ફેક્ટ સબટાઇટલ્સ સાથે પડી છે. ઑપન એન્ડિંગ ધરાવતી ‘માનગરમ’ જોઇને સુખદ આશ્ચર્ય થશે કે આની તો સિક્વલ આવે તેવી પણ પૂરેપૂરી ગુંજાઇશ છે. એટલિસ્ટ એની ગંદીગોબરી હિન્દી રિમેક આવે તે પહેલાં તો જોઈ જ કાઢજો.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s