ગેમ ઑફ થ્રોન્સ

***

છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ચર્ચા જગાવનારી આ એપિક ફિલ્મ પર્ફેક્ટ કન્ક્લુઝન છે અને અચૂક થિયેટરમાં જ જોવી પડે એવી ગ્રૅન્ડ છે.

***

baahubali2-02523477રાજમાતા શિવગામી દેવી દર ૨૬ વર્ષે કરવામાં આવતો યજ્ઞ કરી રહી છે. માથા પર અગ્નિ મૂકીને મંદિરને પ્રદક્ષિણા કરવામાં ક્યાંય પગ અટકવા ન જોઇએ, નહીંતર યજ્ઞ ફળે નહીં. ત્યાં જ બે હાથી તોફાને ચડે છે. રાજમાતાને હટફેટે લે તે પહેલાં જ અમરેન્દ્ર બાહુબલિ એન્ટ્રી લે છે. એક વિરાટકાય રથને પોતાના હાથવડે ખેંચીને રાજમાતાને માતેલા હાથીઓથી બચાવી લે છે. એટલું જ નહીં, હાથીને વશમાં કરીને તેની સૂંઢ પર પગ મૂકીને હાથી પર ચડે છે. હાથી પોતાની સૂંઢથી મોટું ધનુષ પકડે છે અને બાહુબલિ તેમાં તીર ચડાવીને રાવણદહન જેવું રાક્ષસના પૂતળાનું દહન કરે છે.

જો આગળ પાછળના એકેય રેફરન્સ ખબર ન હોય, તોય માત્ર આ એક જ નાનકડું દૃશ્ય જોઇએ ત્યાં જ ડિરેક્ટર એસ. એસ. રાજમૌલિની કલ્પનાનું ફલક કેવું વિરાટ છે તેનો ખ્યાલ આવી જાય (અને ત્યાં સુધીમાં તમારાં રૂંવાડાં પણ ઊભાં થઈ ગયાં હોય). પરંતુ આપણે આ વિશ્વથી પરિચિત છીએ. છેલ્લાં બે વર્ષથી ‘કટપ્પાએ બાહુબલિને શા માટે માર્યો?’ તે પૂછી પૂછીને આખો દેશ ગાંડો થયો છે. તે સવાલનો જવાબ તો આ દિલધડક સિક્વલમાં છે જ, સાથોસાથ આપણી આંખો આંજી નાખે તેવું બીજું એટલું બધું અહીં ભર્યું છે કે એક ભરચક ગુજરાતી થાળી જમ્યા હોઇએ તેવો સંતોષનો ઓડકાર આવે.

માહિષ્મતિનું હસ્તિનાપુર

જલપર્બત ચડીને માહિષ્મતિમાં કેદ થયેલી દેવસેના (અનુષ્કા શેટ્ટી)ને છોડાવી આવેલા શિવા યાને કે મહેન્દ્ર બાહુબલિ (પ્રભાસ)ને કટપ્પા (સત્યરાજ) તેના પિતાની ગાથા સંભળાવી રહ્યો છે. માહિષ્મતિની ગાદી પર છળકપટથી મહેન્દ્ર બાહુબલિનો ક્રૂર કાકો ભલ્લાલદેવ (રાણા દગુબતી) ચડી બેઠો છે. કઈ રીતે? એની પાછળ વધુ એક લાંબો ફ્લૅશબેક છે, જેમાં સત્તાનો સ્વાર્થ, રાજકીય કાવાદાવા, દગો, એક બોલ પર મરી ફીટવાની અને મારી નાખવાની ભાવના બધું જ પડેલું છે. હવે મહેન્દ્ર બાહુબલિની સામે એક જ લક્ષ્ય છે, માહિષ્મતિની ગાદી પરથી ક્રૂર ભલ્લાલદેવને પદભ્રષ્ટ કરીને ત્યાં ધર્મનું રાજ્ય સ્થાપવું. આ રીતે એના પિતાની મોતનો બદલો પણ લેવાશે અને કટપ્પા પર લાગેલું કલંક પણ ધોવાશે.

માત્ર ફિલ્મ નહીં, મહાગાથા

બે વર્ષ પહેલાં આદરેલી પોતાની ગાથાને યોગ્ય અંત આપવા માટે ડિરેક્ટર રાજમૌલિએ ક્યાંય પોતાની કલ્પનાની પાંખો કાપી નથી. આ વાત ફિલ્મના પહેલા જ શૉટમાં વિરાટ સાઇઝમાં ‘2’ લખેલું દેખાય છે ત્યારે જ સમજાઈ જાય છે. ગઈ ફિલ્મનો રિકેપ કહેવા અને પોતે સર્જેલાં પાત્રો લાર્જર ધેન લાઇફ છે તે કહી આપવા માટે રાજમૌલિએ ‘બાહુબલિ-1’ની મુખ્ય ઘટનાઓના પૉઝમાં તેનાં પાત્રોને મૂર્તિ સ્વરૂપે ફ્રીઝ કરી દીધાં છે. શિલ્પોનો આવો ઇનોવેટિવ ઉપયોગ ભાગ્યે જ જોવા મળ્યો છે.

આમ જુઓ તો બાહુબલિ ફિલ્મો ‘રામાયણ’ અને ‘મહાભારત’ની કથાઓનું ડિરેક્ટર રાજમૌલિ વર્ઝન છે. ઇવન bahubali-2-releaese-date-new-baahubali-2-poster-latest-2017-hd-imagesગયા પાર્ટના મહાપ્રશ્નનો ઉત્તર પણ ઇન્દ્રાણી કોને વરેલી હોય તે પૌરાણિક કથામાં જ સમાયેલો છે. બાહુબલિ એક મર્યાદાપુરુષોત્તમ સુપરહીરો છે. અપાર શક્તિ, કુશાગ્ર બુદ્ધિ, સોનાના હૃદયનો માલિક છે. અસીમિત સામર્થ્ય ધરાવતો યોદ્ધો છે, ગરીબો-દુર્બળનો બેલી છે, ખરેખરો મિત્ર છે, ઉત્કટ પ્રેમી છે, રામરાજ્ય સ્થાપી શકે તેવો આદર્શ રાજા છે. એ ધર્મને ખાતર રાજપાટ પણ છોડી શકે અને જરૂર પડ્યે નિર્બળમાં પણ જોમ-જુસ્સો ફૂંકી શકે. રાજમૌલિએ બાહુબલિ તરીકે સફળતાપૂર્વક આવો પર્ફેક્ટ હીરો સર્જી બતાવ્યો છે. પડછંદ કાયા અને સૌમ્ય ચહેરો ધરાવતા પ્રભાસમાં આ તમામ ગુણ શૅડ કાર્ડની જેમ વન બાય વન જોઈ શકાય છે. એ માટે એને જરાય પ્રયાસ કરવાની જરૂર પડતી નથી.

ranas-first-look-as-king-bhallaladeva-from-baahubali-the-conclusionઅલબત્ત, સુપર હીરોની સામે રાજમૌલિ અને એમના પપ્પા પ્લસ રાઇટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે ભલ્લાલદેવ તરીકે ખૂંખાર વિલન સર્જ્યો છે, પણ સત્તાપ્રાપ્તિ માટે દુર્યોધનની જેમ કોઈપણ હદ સુધી જવા સિવાય ખાસ વિટંબણા એના પાત્રમાં જોવા મળતી નથી. જેમ કે, કટપ્પા માહિષ્મતિ સિંહાસન પ્રત્યેની પોતાની વફાદારી અને બાહુબલિ પ્રત્યેના પ્રેમ વચ્ચે વહેંચાયેલો છે. શિવગામી દેવી એક રાજમાતા અને બે સંતાનોની માતાની વચ્ચે તથા ધર્મ અને મમતા વચ્ચે ફસાયેલી છે. રાજકુમારી દેવસેના સીતાજીની જેમ પ્રત્યેક ડગલે પતિનો સાથ આપે છે, પણ ગમે તેવી સ્થિતિમાંય સાચું કહેતાં અને માન-રક્ષણ ખાતર હથિયાર ઉઠાવતાં ખચકાતી નથી. આ બંને સ્ત્રીપાત્રો એટલાં પાવરફુલ છે કે એક ઘડીએ સૌમ્ય લાગતાં હોય, તો બીજી જ ક્ષણે નજરોથી બાળી મૂકે એવાં રૌદ્ર લાગે.

લગભગ પોણા ત્રણ કલાકની ‘બાહુબલિ-2’ની શરૂઆતમાં બાહુબલિ-દેવસેનાની લવસ્ટોરીએ ખાસ્સો સમય લીધો છે. પરંતુ તેમાં રહેલા કટપ્પા-બાહુબલિના કોમિક ઍલિમેન્ટને કારણે આ લંબાઈનો ભાર વર્તાતો નથી. માત્ર કારણ વગર ટપકી પડતાં અતિશય કંગાળ ગીતોએ દાટ વાળ્યો છે. આ લવસ્ટોરીને નિરાંતે કહેવામાં સૅકન્ડ હાફને સીધો ચોથા ગિયરથી જ શરૂ કરવો પડ્યો છે. હસ્તિનાપુરની ગાદી માટે ખેલાયેલા ‘મહાભારત’ને જાણતા આપણા માટે આ ફિલ્મની સ્ટોરીની પ્રોગ્રેસ કળવાનું ખાસ અઘરું નથી. પરંતુ અહીં સ્ટોરી કરતાં રાજમૌલિ તેને જે રીતે કહે છે તેમાં વધારે મજા છે. અહીં એક ધનુષમાંથી એકસાથે ત્રણ તીર છૂટે છે, રાજકુમારી તરફ છૂટેલાં હોવા છતાં તેમાંથી બે તીર એના બંને ઝૂમકાંને ચુંબન કરીને પસાર થઈ જાય છે, એક ભાલો સળંગ ત્રણ-ચારને વીંધી શકે છે, નાળિયેરી જેવું વૃક્ષ માનવગોફણ બની શકે છે, એક મુક્કો મસમોટા સ્તંભને કે ગંજાવર પ્રતિમાને તોડી શકે છે, નદીમાં તરતું જહાજ એકઝાટકે હૅલિકોપ્ટરની જેમ હવામાં ઊડવા લાગે છે, મિજાગરામાંથી ખેંચી કાઢેલો હડિમદસ્તા જેવો દરવાજો કે મૂળમાંથી ઉખાડેલું તોતિંગ વૃક્ષ હથિયાર બની જાય છે, જેને બાથ ભીડવા માટે હાથ પણ ટૂંકા પડે એટલી જાડી સાંકળોને હથોડાના ઘાથી તોડી પડાય છે, ભલ્લાલદેવની તોતિંગ પ્રતિમા શુદ્ધ સોનાની હોય કે તે સોનાની જનોઈ પહેરે ત્યાંથી લઇને રોજ પહેરે તોય એક વર્ષ સુધી વારો ન આવે તેટલાં ઘરેણાં ભેટ અપાય કે પછી રાજાનું સિંહાસન ડોલી ઊઠવું કોને કહેવાય વગેરે બધું જ અતિશયોક્તિની બાઉન્ડરીની પણ પેલે પારનું છે. છતાં બધું જ તદ્દન સ્વાભાવિક અને બિલિવેબલ લાગે છે તે રાજમૌલિના સિનેમેજિકનો કમાલ છે.

રાઇટિંગ, ઍડિટિંગ અને ડિરેક્શનનો સહિયારો કમાલ એવો છે કે એક તો દર થોડી વારે ચિયરવર્ધી મોમેન્ટ્સ, ડાયલોગ્સ કે ઍક્શન સિક્વન્સ આવીને ઊભી રહે છે. બીજું, તેના રાઇટિંગનો કમાલ એવો છે કે પર્ફેક્ટ જિગસૉ પઝલની જેમ અગાઉના તમામ લૂઝ ઍન્ડ્સને અહીં સજ્જડ રીતે જોડી દેવાય છે. ફિલ્મમાં આપણો એક પણ પ્રશ્ન અનુત્તર રહેતો નથી.

અલબત્ત, નબળાં સોંગ્સ અને તોતિંગ લંબાઈ ઉપરાંત આટઆટલી સ્પેશ્યલ ઇફેક્ટ્સ કંપનીઓને કામે લગાડ્યા પછીયે ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી સાચુકલી લાગવાને બદલે કૅન્વસ પર દોરી હોય તેવી નકલી ભાસે છે. રાજમૌલિના પ્રેરણાસ્રોત એવા ‘અમર ચિત્રકથા’માંથી પાનાં ફાડીને જ સીધાં ચોંટાડી દીધાં હોય તેવી જ લાગે છે. એટલું જ નહીં, એક અત્યંત મહત્ત્વની સિક્વન્સમાં સરળ લોજિકને બદલે સગવડિયું બિહેવિયર નાખી દેવાયું છે. તેમ છતાં બાહુબલિ-પ્રભાસની બોલવા-ચાલવા-લડવા અને ઇવન મરવાની સ્ટાઇલ પર, દેવસેના-અનુષ્કા શેટ્ટીનાં સૌંદર્ય-સામર્થ્ય, શિવગામી-રામ્યા ક્રિશ્નનની તેજસ્વી આંખો અને પડછંદ અવાજ, કટપ્પાની વફાદારી, નિઃસહાયતા, હાજરજવાબી, કોમિક અને યુદ્ધ ટાઇમિંગ, બાહુબલિ સાથેનું એનું કોમ્બેટ કૉઑર્ડિનેશન અને સુપર વિલન ભલ્લાલદેવ-રાણા દગુબતીની ક્લાઇમેક્સની ક્રૂરતા જોઇને એક સૅકન્ડ માટે પણ તમારી આંખો સ્ક્રીન પરથી નહીં હટે. અફસોસ કે ગઈ ફિલ્મની મુખ્ય હિરોઇન તમન્નાના ભાગે આ વખતે એક વાક્ય પણ નથી આવ્યું. ઉર્દૂ શબ્દોના નહિવત્ ઉપયોગ છતાં રાઇટર મનોજ મુન્તાશિરે કેવા પાવરફુલ સંવાદો સરજ્યા છે તે ખાસ માર્ક કરજો.

શુભસ્ય સિનેમા શીઘ્રમ

‘બાહુબલિ’ લૅપટોપ કે મોબાઇલમાં નહીં, બલકે થિયેટરના વિશાળ પડદે સમગ્ર પરિવાર સાથે જોવાની ફિલ્મ છે. પ્રિક્વલના જરાય ભાર વિના બનેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી શ્રેષ્ઠ સિક્વલ ફિલ્મ છે તેમાં મીનમેખ નથી. ફિલ્મ પૂરી થયા પછી રોલિંગ ક્રેડિટ્સ સ્ટાર્ટ થાય ત્યાં સુધી શાંતિથી બેસી રહેશો તો આવનારા ભવિષ્યનો એક મસ્ત અણસાર પણ મળશે. હા, ‘કટપ્પાએ બાહુબલિને શા માટે માર્યો’ એ સિક્રેટ કોઇને કહેશો નહીં, અને જો તમને કોઇએ કહી દીધું હોય તો પણ તમારી ફિલ્મની મજામાં એક ટકોય ઘટાડો નહીં થાય તેની ગૅરન્ટી છે. જય માહિષ્મતિ.

P.S. ‘બાહુબલિ-1: ધ બિગિનિંગ’નો રિવ્યુ વાંચો અહીં.

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

One thought on “બાહુબલિ-૨: ધ કન્ક્લુઝન

Leave a comment