Trailer Link:

આપણે ત્યાં માત્ર ભણતરનું માધ્યમ જ નહીં, કપડાં, સાઇકલ-કાર, ઘર, કરિયર ચોઇસ, મોજ-શોખ, ટ્રાવેલ, લગ્ન- હનીમૂન બધું જ જરૂરિયાત, આનંદ કે સંતોષ નહીં, બલકે સ્ટેટસ સાથે જ જોડી દેવામાં આવે છે. આપણા આ દંભ પર ચાબખા મારતો ‘હિન્દી મીડિયમ’નો આ સબ્જેક્ટ મસ્ત સટાયરનો મસાલો ધરાવે છે. મસ્ત પોટેન્શિયલ હોવા છતાં સાકેત ચૌધરીની ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સેક્સિસ્ટ કોમેડી બની ગયેલી. જોકે ‘હિન્દી મીડિયમ’નું ટ્રેલર ઇરફાને નરેટ કર્યું છે અને દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો દુરાગ્રહ એની મમ્મીનો છે એટલે આ ફિલ્મ પણ મૂળ મુદ્દો ચૂકીને સેક્સિઝમમાં ન ઘૂસી જાય તો સારું! અફ કોર્સ, ઇરફાન છે એટલે પોતાના સુપર્બ કોમિક ટાઇમિંગથી એક છેડો તો એ સાચવી રાખવાનો જ છે. પાકિસ્તાની એક્ટર સબા કમર જબરદસ્ત કોન્ફિડન્ટ દેખાઈ રહી છે {હાઈલા, પાકિસ્તાની?! જાગો, (અલ્ટ્રા) દેશપ્રેમીઓ જાગો!}. ઇરફાન-સબાની ક્યુટ ટેણી અત્યારે ટેલિવિઝન પર મમ્મી ટિસ્કા ચોપરાને ‘સિર્ફ તીસ રૂપયે, મમ્મા’ કહીને હેરડાઈ વેચતી દેખાય છે.
ટ્રેલરના પહેલા સીનમાં ખબર પડે છે કે દીકરીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્કૂલમાં એડમિશન લેવડાવતાં પહેલાં મમ્મી-પપ્પા પોતાના ઇંગ્લિશના કોઈ ખાંટુ પ્રોફેસર પાસેથી દીકરી વિશે ઇંગ્લિશમાં બોલવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે (જોકે છાંટવાળું ફ્લુઅન્ટ ઇંગ્લિશ માત્ર ગોરી ચમડીવાળા વિદેશીઓ જ બોલી શકે એવો ક્લિશે દેખાઈ રહ્યો છે). મોટાભાગની સ્ટોરી તો ઇઝિલી પ્રીડિક્ટ કરી શકાય તેવી છેઃ દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ઍડમિશન અપાવવા મિડલક્લાસ મમ્મી-પપ્પા પહેલાં ફર્નિચર-ગાડી-કપડાં (મોસ્ટ્લી ભાડે લઇને) બદલે. ગુરુદ્વારાથી લઇને મસ્જિદ-ચર્ચમાં જઇને દીકરીનું ઍડમિશન ‘હાઈફાઈ સ્કૂલ’માં થઈ જાય તે માટે દુવાઓ પણ માગે. પરંતુ એમાં એડમિશન ન મળે એટલે ગરીબ ક્વોટામાં ઘૂસવા માટે ગરીબની લાઇફસ્ટાઇલ અપનાવે. ત્યાં ગરીબો વિશેની સ્ટેન્ડઅપ કોમેડી અને એમની સ્થિતિ પર સટાયર કરવા દીપક ડોબ્રિયાલની એન્ટ્રી થાય. પરંતુ ત્યાં જ રહીને આ કપલને રિયલાઇઝ થાય કે લાઇફ કોઈ મીડિયમ કે સ્ટેટસની મોહતાજ નથી. ગરીબ બસ્તીમાં રહીને એમને પાણી ભરવાથી લઇને બસ-ટ્રેનમાં મુસાફરી કરવા સુધીની ડેઇલી સ્ટ્રગલનો પણ અહેસાસ થાય. નોર્મલ નોન-હાઈફાઈ સ્કૂલો પણ આપણે ધારીએ છીએ એટલી ખરાબ નથી એવો પણ અહેસાસ થાય અને બની શકે કે ઇરફાન દેશનાં ઇંગ્લિશ મીડિયમ ઘેલાં પેરેન્ટ્સજોગ એક લાંબો ઉપદેશાત્મક મોનોલોગ પણ આપે. પરંતુ આ ફિલ્મનો એન્ડ શું લાવે છે તે જાણવું રસપ્રદ થશે. આમાં કેન્દ્ર સરકારની કોઈ નીતિ ડોકિયું કરે છે કે કેમ તેની પણ ઇન્તેજારી રહેશે. આઈ હોપ કે ફિલ્મ માત્ર હસાવીને છટકી જવાને બદલે ઇંગ્લિશના ક્રેઝની સામે કોઈ નક્કર સોલ્યુશન પેશ કરે. રિલીઝનું ટાઇમિંગ પર્ફેક્ટ છે, ૧૨ મે. યાને કે વેકેશન.
એક્સાઇટમેન્ટ લેવલઃ વિથ ફેમિલી જોવા જેટલો અને (જો નક્કર મેસેજ આપતી હોય તો) ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવાની અપીલ કરવા જેટલો એક્સાઇટેડ.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
Advertisements