The Salesman (Iranian Film)

 • the-salesman_poster_goldposter_com_20o_0l_800w_80qસ્ક્રીન પર જ્યારે ફેડ ઇન એટલે કે લાઇટ્સ ઑન થાય ત્યારે આપણને એક ડબલ બૅડ દેખાય. પણ ઇરાનિયન સિનેમામાં બૅડરૂમનું દૃશ્ય? બીજી લાઇટ્સ ઑન થાય ત્યારે ખબર પડે કે આ કોઈ પ્રોફેશનલ થિયેટરનો તખ્તો છે. આગળ ઉપર આપણને ખ્યાલ આવે છે કે ફિલ્મનું લીડ કપલ પતિ-પત્ની (ઇમાદ અને રાના) બંને પાર્ટટાઇમ થિયેટર એક્ટર્સ છે અને તહેરાનમાં જ આર્થર મિલરના ‘ડૅથ ઑફ અ સેલ્સમેન’ નાટકમાં સેલ્સમેન ‘વિલી’ અને ‘લિન્ડા’નાં પાત્રો ભજવી રહ્યાં છે.
 • ‘ધ સેલ્સમેન’ ઇરાનના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મમેકર અસગર ફરહાદીની ફિલ્મ છે, જેણે હમણાં (૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૭એ) ‘બેસ્ટ ફોરેન ફિલ્મ’નો ઑસ્કર જીત્યો હતો. ફરહાદીની અગાઉની ફિલ્મ ‘અ સેપરેશન’એ પણ આ જ કેટેગરીમાં ઑસ્કર જીત્યો હતો અને તે ઇરાન તરફથી ઑસ્કર મેળવનારી પહેલી ફિલ્મ બનેલી.
 • જેમણે અસગર ફરહાદીની અગાઉની એક પણ ફિલ્મ જોઈ હશે તેમને ખ્યાલ હશે જ કે એમની ફિલ્મમાં કોઈ પણ સીન કારણ વિનાનો ન હોય અને દરેક વાતનો કોઈ મીનિંગ હોય. ટાઇટલ ક્રેડિટ્સ પૂરાં થયા પછી તરત જ રાતના અંધકારમાં ચીસો સંભળાય અને સૌ અપાર્ટમેન્ટમાંથી પોતપોતાનાં ઘર છોડીને ભાગી રહેલાં દેખાય. જાણવા મળે છે કે બાજુમાં ચાલી રહેલા ખોદકામને કારણે ઇમારતના પાયાને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને આખો અપાર્ટમેન્ટ ગમે ત્યારે તૂટી પડે તેવી બીક છે (તે પણ આપણને કહેવાતું નથી, માત્ર નાયક બારીમાંથી જુએ ત્યારે બાજુમાં ગંજાવર બુલડોઝર દ્વારા ચાલતું ખોદકામ દેખાય. ધૅટ્સ ઇટ). આ મિડલક્લાસ યંગ કપલ નાટકમાં જ કામ કરતા પોતાના એક મિત્રની મદદથી શહેરના બીજા વિસ્તારમાં એક ફ્લૅટ ભાડે રાખે છે. થોડાં અઠવાડિયાં પહેલાં સુધી ત્યાં કોઈ રહેતું હતું અને તેનો સામાન પણ હજી ત્યાં પડ્યો છે.
 • એક દિવસ રાના નાહવા જઈ રહી છે, ત્યાં નીચેથી એમના ઘરે કોઈ આવ્યું છે તેની છડી પોકારતું બઝર વાગે છે. તે રાનાના પતિ ઇમાદના આવવાનો ટાઇમ છે એટલે રાના દરવાજો ખોલીને બાથરૂમમાં જતી રહે છે. પણ તે એનો પતિ નથી. બલકે અગાઉ આ ફ્લૅટમાં એક ગણિકા રહેતી હતી, તેનો ગ્રાહક છે. ખાસ્સી વારે ઇમાદ ઘરે આવે છે. જુએ છે કે સીડી પર કોઈ લોહીવાળા પગે ચાલીને ગયું છે. પાડોશી કહે છે કે તમારા ઘરમાંથી કોઈના ચીસો પાડવાના અવાજો સંભળાતા હતા. ઘરનો દરવાજો ખુલ્લો છે અને બાથરૂમમાં લોહીનું ખાબોચિયું ભરેલું છે (જે આપણને બતાવવામાં આવતું નથી). ત્યારપછીના સીનમાં આપણને ખ્યાલ આવે છે કે ઇમાદની પત્ની રાના હૉસ્પિટલમાં છે અને એના માથા પર ગંભીર ઇજાને કારણે ટાંકા લેવાઈ રહ્યા છે. તે હુમલાખોર કોણ હતો અને એની સાથે શું થયું તે કશું જ રાનાને યાદ નથી.
 • ઘરમાંથી કશું ચોરાયું નથી અને પોલીસને ફરિયાદ કરીશું તો હજાર જાતની વાતો થશે, સવાલો પુછાશે અને રાનાને ફરીથી એ જ ઘટનાક્રમને ફરી ફરીને યાદ કરવો પડશે. એટલે પોલીસ કૅસ ફાઇલ કરવાનું માંડી વળાય છે. રાના સખત આઘાતમાં છે. ચાલુ નાટકે પ્રેક્ષકોમાંથી કોઇકની આંખો જોઇને પણ એ ડરીને ડાયલોગ્સ ભૂલી જાય છે. છતાં એ ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવી રહી છે. પરંતુ ઇમાદના મનમાં શંકા, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન ઘેરો ઘાલે છે. એનો મૅલ ઇગો હર્ટ થાય છે. એટલે સાહેબ પોતે જ તે હુમલાખોરને શોધી કાઢવાનું અભિયાન હાથમાં લે છે. આ સાથે જ ફિલ્મ એક ડ્રામામાંથી ડાર્ક થ્રિલરની કેટેગરીમાં પ્રવેશે છે. તેનો અત્યંત રિયલિસ્ટિક ક્લાઇમેક્સ તો જાણે આપણો કાંઠલો પકડીને ખેંચી લે તેવો છે.
 • અસગર ફરહાદી ભાગ્યે જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કરે છે. પરંતુ એનું સ્ટોરીટેલિંગ એટલું બધું asghar-farhadiપાવરફુલ હોય કે એ વાત આપણે નૉટિસ જ ન કરીએ. બીજું, વાર્તાને સ્પૂન ફીડ કરવાને બદલે તે દૃશ્યોને અલગ અલગ ટુકડામાં વહેંચી દે. કોઇપણ બે ટુકડાની વચ્ચે શું થયું હશે તે આપણે મનમાં જોડી લેવાનું (ફોર એક્ઝામ્પલ, તમે ઘરેથી ઑફિસે જવા નીકળ્યા. ત્યારપછીના દૃશ્યમાં તમે ઑફિસે છો અને તમારા કપાળ પર એક બૅન્ડએઇડની પટ્ટી લગાવેલી છે. મીન્સ, વચ્ચે કંઇક એવું થયું જેથી તમને પટ્ટી લગાવવાની જરૂર પડી. શું થયું તે આગળ ઉપર ખબર પડે). નાયિકા નાટકના સંવાદો ભૂલી જાય એટલે આપણે સમજવાનું કે તે હજી ટ્રોમામાંથી બહાર નથી આવી. હાઈસ્કૂલમાં ભણાવતો નાયક પોતાના ક્લાસમાં વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવતાં બતાવતાં સૂઈ જાય એનો અર્થ એ થયો કે આખો ઘટનાક્રમ એના દિમાગ પર એવો સવાર થયો છે કે એ રાત્રે સૂઈ પણ શકતો નથી.
 • ત્રીજું, ફરહાદી જબરદસ્ત મૅટાફરમાં વાત કરી શકે છે. જેમ કે, એમની ઑસ્કર વિનર ફિલ્મ ‘અ સૅપરેશન’નાં તમામ પાત્રો વર્તમાન ઇરાનની અલગ અલગ પેઢીનું રૂપક હતાં. એ જ રીતે અહીં શરૂઆતમાં કૉલેપ્સ થતી ઇમારત અને તેમાં પડતી તિરાડો પરથી સમજી લેવાનું કે તે આ લીડ કપલનાં લગ્નની ઇમારત છે અને આગામી દૃશ્યોમાં એવું કંઇક બનવાનું છે કે તેનો પાયો હચમચી ઊઠવાનો છે {બાય ધ વે, નાયક (એક્ટરઃ શહાબ હોસૈની)નું નામ ‘ઇમાદ’ છે, જેનો અર્થ થાય પિલર-સ્તંભ. લીડ એક્ટ્રેસ રાના (એક્ટ્રેસ તારાનેહ અલીદૂસ્તી) પણ એના નામની જેમ જ બ્રીધટેકિંગ્લી બ્યુટિફુલ છે}.
 • વિધિવત્ રીતે થિયેટર ભણી ચૂકેલા અસગર ફરહાદીએ આ વખતે ‘અ પ્લે વિધિન ફિલ્મ’ પ્રકારનું સ્ટોરી ટેલિંગ પસંદ કર્યું છે. ફિલ્મમાં ભજવાતા નાટક ‘ડૅથ ઑફ અ સેલ્સમેન’ના ‘સેલ્સમેન’ની જેમ ફિલ્મનો નાયક ઇમાદ પણ ઇનસિક્યોર છે. ફિલ્મમાં એ પોતાના વિદ્યાર્થીઓને એક ઇરાનિયન નાટક ‘ધ કાઉ’ ભણાવે છે અને પાછળથી તેના પરથી બનેલી ફિલ્મ પણ બતાવે છે. તેમાં એક ઇરાનિયન નિઃસંતાન માણસ પાસે એક ગાય છે. એની ગેરહાજરીમાં તે ગર્ભવતી ગાય મૃત્યુ પામે છે. આ વાત જ્યારે તેને ખબર પડે છે ત્યારે ભયંકર આઘાતમાં સરી પડેલો તે માણસ પોતે જ ગાય છે તેવું માનવા લાગે છે. ‘ધ સૅલ્સમેન’ના નાયક ઇમાદની પણ કંઇક તે ગાયના માલિક જેવી જ સ્થિતિ છે. ફિલ્મના એક તબક્કે એને આવનારા સમયમાં સંતાન આવશે તેનો પણ ઉલ્લેખ થાય છે. જે રીતે શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’માં અમુક સમય પછી આપણે કોણ વિલન અને કોણ હીરો તે નક્કી કરવાની સ્થિતિમાં ન રહીએ, તેવું જ કંઇક અહીં પણ બને છે. એક પ્રેમાળ પતિ અને પૅશનેટ થિયેટર એક્ટરમાંથી એ ક્યારે વેરની આગમાં સળગતો માણસ બની જાય છે તે ખ્યાલ જ નથી આવતો. ડિરેક્ટર ફરહાદીના રાઇટિંગ અને ડિરેક્શનનો કમાલ છે કે આપણે એક પણ તબક્કે કન્ક્લુઝનમાં કૂદકો મારવાનું વિચારીએ ત્યાં જ પાસું પલટાઈ જાય અને આપણે ત્રિશંકુની જેમ વચ્ચે ઝૂલ્યા કરીએ. જ્યારે સિક્રેટ આપણી સામે અનફોલ્ડ થઈ જાય ત્યારે પણ આપણે નક્કી ન કરી શકીએ કે કોનો પક્ષ લેવો. દરેકની પોતાની મજબૂરી છે, પોતાનાં વર્તન પાછળનાં વૅલિડ રીઝન છે.
 • આમેય ફરહાદી આપણને બધું પીરસી દેવાને બદલે વિચારતાં વિચારતાં બહાર નીકળીએ તેમાં વધારે માને છે (આપણે ‘અ સૅપરેશન’ની વાત કરીશું ત્યારે આ વાત વધુ ડિટેઇલમાં ચર્ચીશું). ફિલ્મના ઘણા બધા સીનમાં આપણને થાય કે અહીં ઇમાદે એની પત્નીને એક મસ્ત આલિંગન આપવું જોઇએ (જ્યારે એને ખરેખર એની જરૂર હોય), પરંતુ આ ઇરાનની ફિલ્મ છે. ત્યાં એવું ‘અભદ્ર’ થોડું બતાવાય? પ્રોટાગનિસ્ટ પ્રેમથી-સહાનુભૂતિથી પોતાની પત્નીનો હાથ પકડે તે દૃશ્ય પણ એની પીઠ પાછળથી લેવાનું, જેથી એકબીજાને સ્પર્શતા બંનેના હાથ દેખાય નહીં!
 • અસગર ફરહાદીની ફિલ્મોના કેન્દ્રમાં એક મધ્યમવર્ગીય પરિવાર હોય છે, જેમાં એક પથ્થર પડે છે અને તે પરિવાર ખળભળી ઊઠે છે. ઇરાનના સમાજનું અને માણસના સ્વભાવનું અત્યંત બારીક ઑબ્ઝર્વેશન કરવામાં અને તેને ફિલ્મમાં પરોવીને પેશ કરવામાં એની માસ્ટરી છે. એ વાત તમે આ ફિલ્મ જોશો એટલે બખુબી સમજાઈ જશે (જેમ કે, પાડોશીને સ્ત્રીની ચીસો સંભળાય છે, છતાં તેઓ મદદ કરવા માટે સામે નથી આવતા. જ્યાં વ્યભિચાર ગંભીર ગુનો હોવા છતાં એક રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં કોઈ સ્ત્રી બિનધાસ્ત સેક્સ ટ્રેડ કરતી હોય). છતાં ૧૨૮ મિનિટની આ ફિલ્મમાં અમુક વાતો મારા ગળે ઊતરી નહીં, જે કદાચ આપણે ઇરાનના કલ્ચરને અને ત્યાંની સામાજિક પરિસ્થિતિથી પરિચિત નથી એટલે સમજાઈ ન હોય તેવું બની શકે.
 • જો માત્ર મનોરંજન કે ટાઇમપાસ માટે જ નહીં, પરંતુ એક્સપ્રેશનના એક સબળ માધ્યમ તરીકે ફિલ્મો જોતા હો, પૅશનથી સિનેમા ફોલો કરતા હો તો ઇરાનિયન સિનેમાની બેસ્ટ ફિલ્મો ચૂકવી ન જોઇએ. તેમાં અસગર ફરહાદીની આ ફિલ્મને નિર્વિવાદપણે મૂકી શકાય. મિનિમમ બજેટ, અત્યંત રિયલિસ્ટિક અને સામાન્ય લોકેશન્સ, જ્યાં ફિલ્મો બનાવવા માત્રથી ફિલ્મમેકરને વર્ષો સુધી જેલમાં ધકેલી દેવાતો હોય અને ફિલ્મ બનાવવા પર બબ્બે દાયકાનો પ્રતિબંધ ઠોકી દેવાતો હોય (રેફરન્સઃ જાફર પનાહી), ત્યાં કેવી ગજબનાક ફિલ્મો બની શકે છે તે માટે પણ ઇરાનિયન સિનેમા ફોલો કરવું જોઇએ.
 • અહીં એક રેડ અલર્ટ આપણા-ભારત દેશ માટે પણ છે. સૌ જાણે છે કે ઇરાનિયન સિનેમા વિશ્વનું સૌથી વધુ સેન્સર થતું અને ભયંકર પ્રતિબંધોના ફિલ્ટરમાંથી પાસ થઇને બનતું સિનેમા છે. પરંતુ ત્યાંથી પાસ થઇને આવેલી ફિલ્મમાં પણ આપણા હાઇપર સેન્સિટિવ ‘સૅન્સર બૉર્ડ’ને વાંધો દેખાયો છે. ‘ધ સેલ્સમેન’માં બે-ત્રણ ઠેકાણે જ્યાં ‘પ્રોસ્ટિટ્યુટ’ શબ્દપ્રયોગ થાય છે તે શબ્દો મ્યુટ કરી દેવાયા છે અને એટલો સમય તેનાં સબટાઇટલ્સ પણ ગાયબ કરી દેવાયાં છે. જેથી આપણને એક અત્યંત અગત્યના સીનમાં ફિલ્મના નાયકની વર્તણૂક સમજમાં જ ન આવે એવી સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ બેફામ ગંદી ગાળો, ડબલ મિનિંગ અને સજેસ્ટિવ ચેનચાળા ધરાવતી ફિલ્મો બિનધાસ્ત પાસ થઈ જાય છે. ઇરાનની ફિલ્મો પણ આપણે ત્યાં સેન્સર થતી હોય તેનાથી વધુ વક્રતા અને ડરામણી સ્થિતિ બીજી કઈ હોઈ શકે?
 • સુપર્બ એક્ટિંગ, ડિરેક્શન, રાઇટિંગ, સિનેમાના બૅઝિક ગ્રામરનું અફલાતૂન એક્ઝિક્યુશન અને રિયલિસ્ટિક હેન્ડહેલ્ડ કેમેરાવર્ક ધરાવતી ‘ધ સેલ્સમેન’ ગમે ત્યાંથી મેળવીને અચૂક જોવી જોઇએ. અલબત્ત, તે અસગર ફરહાદીની અગાઉની માસ્ટરપીસ ‘અ સૅપરેશન’ના લેવલે નથી પહોંચતી તે નોંધવું જોઇએ.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

2 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s