• maxresdefaultઈ.સ. ૧૯૯૦માં સદ્દામ હુસૈનના ઇરાકે કુવૈત પર કરેલા હુમલામાં ભારત સરકારે માનવ ઇતિહાસનું સૌથી મોટું રેસ્ક્યુ ઑપરેશન પાર પાડેલું. તે પરથી ગયા વર્ષે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘એરલિફ્ટ’ આવેલી. ડિટ્ટો, એ જ રીતે ત્રણ વર્ષ પહેલાં ઇરાકમાં ઇરાકી સૈન્ય અને ISIS વચ્ચેના જંગમાં ભારતીય (મોસ્ટ્લી કેરળની) નર્સો ISISની ચુંગાલમાં ફસાઈ ગયેલી. અગેઇન ભારત સરકારે વાયા ડિપ્લોમેટિક ચૅનલ એક દિલધડક રેસ્ક્યુ ઑપરેશન આદરીને તે તમામ નર્સોને સહીસલામત ભારત લાવવામાં સફળતા મેળવેલી. તે ઘટનાક્રમ પર એક અફલાતૂન મલયાલમ રેસ્ક્યુ થ્રિલર ફિલ્મ ‘ટૅક ઑફ’ રિલીઝ થઈ છે.
  • મહેશ નારાયણ નામના ડૅબ્યુટન્ટ ડિરેક્ટરની આ ફિલ્મ આપણને એક સેન્ટ્રલ કેરેક્ટર સમીરા (સુપર્બ એક્ટર પાર્વતી)ની લાઇફમાં ડોકિયું કરાવે છે અને તેની આંગળી પકડીને જ આ થ્રિલિંગ ઘટનાક્રમમાં લઈ જાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સંપૂર્ણપણે સમીરાનો છે. સમીરા કેરળની એક ડિવોર્સી મુસ્લિમ નર્સ છે. પોતાના પરિવારને આર્થિક મદદ કર્યા વિના ચાલે તેમ નથી, નહીંતર એમનું ઘર હાથમાંથી જતું રહે તેવી સ્થિતિ છે. હજુ એક નાની બહેન પણ પરણાવવાની બાકી છે. પહેલાં લગ્નથી એને સાતેક વર્ષનો એક દીકરો પણ છે. પ્રમાણમાં રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા એના પહેલા પતિને જરાય પસંદ નહીં કે એની બેગમ બહાર જઇને નોકરી કરે. એને બદલે એ માથે બુરખો પહેરીને ઘરકામ કરે એ જ એનો આગ્રહ. સમીરાની સ્ટોરીનો પાસ્ટ અને પ્રેઝન્ટ પેરેલલ ચાલ્યા કરે. સમીરાનું પાત્ર એક્ઝેક્ટ્લી મણિ રત્નમનાં પાત્રો જેવું સ્ટ્રોંગ અને અપરાઇટ છે. જેમ કે, ધોધમાર વરસાદમાં પોતાના ઘરના નળિયામાંથી પાણી ટપકતું હોય તો કોઇને મદદ માટે બોલાવવાને બદલે એ જાતે જ ટેબલ પર ખુરશી રાખીને ચડે અને રિપેર કરે.
  • મજાની વાત એ છે કે સમીરાની બૅકસ્ટોરી કહેવા માટે મૂળ વાર્તા ક્યાંય સાઇડમાં ધકેલાતી નથી અને ખોટાં ગીતો હેરાન કરતાં નથી. પહેલા જ સીનમાં સમીરા પોતાની સાથી નર્સોની સાથે ઇરાક જવા માટેની પ્રોસેસની લાઇનમાં ઊભેલી દેખાય છે. અમુક ટેન્સ મોમેન્ટ્સ પછી એને આ મંજૂરી મળી પણ જાય છે. ત્યાં આપણને ખબર પડે છે કે એની જ બૅચમાં રહેલા શહીદ (એક્ટર કુંચાકો બોબન)ને સમીરા ગમે છે (પરંતુ લગ્ન વિચ્છેદની પીડામાંથી પસાર થયેલી સમીરાનું ફોકસ ક્લિયર છે, કોઇપણ ભોગે ઇરાક જવું અને પરિવારને નક્કર વર્તમાન તથા પોતાના દીકરાને એક સલામત ભવિષ્ય આપવું). શહીદ અને સમીરાની મેરેજ પ્રપોઝલનો ક્વિક સીન મણિ રત્નમની આર. માધવન સ્ટારર ‘કન્નથિલ મથમ્મિતાલ’ની યાદ અપાવી દે છે, બસ અહીં જૅન્ડર રિવર્સલ છે અને બૅકગ્રાઉન્ડમાં હૉસ્પિટલ છે. સમીરાનું ફોકસ એ હદે બ્રુટલી ક્લિયર છે કે લગ્ન પછી એને જ્યારે ખબર પડે છે કે પોતે પ્રેગ્નન્ટ છે, ત્યારે એ જાતે પિલ્સ લઇને તેને ટાળવાની પણ કોશિશ કરે છે.
  • સજોડે ઇરાક પહોંચ્યા પછી પાછળથી ત્યાં એનો દીકરો પણ જોડાય છે. ઇન ફેક્ટ, સમીરાનો ભૂતપૂર્વ પતિ જ એને ત્યાં મૂકવા આવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે છૂટાછેડા લીધા હોવા છતાં સમીરાનો એ ભૂતપૂર્વ પતિ અબ્યુઝિવ નથી (જેવું આપણને ‘નીરજા’માં બતાવવામાં આવેલું). સમીરાના બીજા-સમજુ પતિનું પાત્ર પણ એવી સરસ રીતે લખાયેલું છે કે આપણને એના પ્રત્યે સહાનુભૂતિ તો નહીં, પણ પ્રેમ જરૂર ઊપજે. બસ, સમીરા અને પહેલા પતિના વિચારો મેળ નહોતા ખાતા. મણિ રત્નમ સ્ટાઇલમાં જ અહીં સ્ટોરીનાં અન્ય લૅયર પણ ઉમેરવામાં આવ્યાં છે. જેમ કે, સમીરાનો નાનકડો દીકરો હજી પોતાની માતાને પરપુરુષ સાથે (પોતાના સાવકા પિતાને) સ્વીકારી શકતો નથી. એક તરફ પૂરા દિવસોની પ્રેગ્નન્ટ સમીરા, બીજી તરફ એના દીકરાની બાળહઠ અને એ જ વખતે ISISના હુમલાને લીધે પેદા થઈ જતું ખોફનાક ટેન્શન. જસ્ટ ઇમેજિન કરો, ગુસ્સે ભરાયેલો નાનકડો દીકરો હૉસ્પિટલમાંથી દોડીને બહાર ભાગી રહ્યો છે. પાછળ પ્રેગ્નન્ટ સમીરા-એનો પતિ દોડી રહ્યાં છે, અને બહાર આર્મીની હાજરીમાં બેફામ પથ્થરમારો થઈ રહ્યો છે.
  • સમીરાનો પતિ શહીદ અન્ય ભારતીય નર્સો સાથે તિકરિતથી મોસુલ જાય અને એ જ વખતે ન્યુઝ બ્રેક થાય કે મોસુલ પર તો ISISએ કબ્જો જમાવી લીધો છે. હવે? ‘રોજા’માં જેમ મધુ પોલીસ અધિકારીઓ પાસે ધક્કા ખાય છે એ જ રીતે અહીં સમીરા ભારતીય એમ્બેસીમાં જાય છે. ત્યાં એન્ટ્રી થાય છે બીજા એક દમદાર એક્ટર ફહદ ફાઝિલની (બાય ધ વે, આ પાર્વતી અને ફહદ બંને એક મસ્ત યુથફુલ મલયાલમ ફિલ્મ ‘બૅંગ્લોર ડેય્ઝ’માં સાથે હતાં). ભારતીય એલચી કચેરીમાં ઉચ્ચાયુક્ત મનોજ (ફહદ ફાઝિલ) દિલ્હીમાં ફોરેન મિનિસ્ટ્રીના બીજા એક ઉપરી અધિકારી (પ્રકાશ બેલાવાડી) સાથે મળીને તે નર્સોના રેક્સ્યુનું ઑપરેશન ડિઝાઇન કરે છે. (‘એરલિફ્ટ’માં ઇરિટેટિંગ અંકલના પાત્રમાં દેખાયેલા પ્રકાશ બેલાવાડી સાઉથ ઇન્ડિયન બ્યુરોક્રેટના રોલમાં ઓલમોસ્ટ ટાઇપકાસ્ટ થઈ ગયા છે.) પ્રોબ્લેમ એ છે કે પતિને શોધવા નીકળેલી સમીરા પણ હવે પોતાના દીકરા સાથે ISISના કબ્જામાં છે.
  • અહીંથી છેક સુધીની ફિલ્મ લિટરલી ઍજ ઑફ ધ સીટ થ્રિલર છે. દુબઈમાં શૂટ થઈ હોવા છતાં આ ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન એટલી ઑથેન્ટિક છે કે એક સૅકન્ડ માટે પણ ફિલ્મ જોતા હોઇએ એવું ફીલ થતું નથી. વળી, નકશા, ડિપ્લોમેટિક વાટાઘાટો, વચ્ચે વચ્ચે આવતાં રિયલ ફૂટેજ અને અન્ય લોજિસ્ટિક બાબતોના મિશ્રણથી આપણે કોઈ ડૉક્યુમેન્ટરી જોતા હોઇએ એવું જ લાગ્યા કરે. એટલે જ વાતાવરણમાં સતત એક ભય તોળાતો રહે. સિનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને ટાઇમિંગ કેવાં જબરસ્ત છે તેનું એક જ ઉદાહરણ કાફી છે. ISISની કૅપ્ટિવિટીમાં રહેલી નર્સોને હજી તો માંડ થોડી શાંતિની પળો મળી હોય, ત્યાં એવો પ્રચંડ બ્લાસ્ટ થાય કે આપણે રીતસર ખુરશી પરથી ઊછળી પડીએ. આ હદનો રિયલિસ્ટિક બ્લાસ્ટ ભાગ્યે જ જોવા મળે છે. ‘વિકિપીડિયા’ કહે છે કે આ ફિલ્મના સિનેમેટોગ્રાફર સાનુ વર્ગીઝના બાયોડૅટામાં ‘વિશ્વરૂપમ’ પણ બોલે છે.
  • ફિલ્મની શરૂઆતમાં બીજા વિશ્વયુદ્ધથી લઇને મધર ટેરેસા સુધીની પરિચારિકાઓનાં સાચુકલાં ફૂટેજ આપણને બતાવવામાં આવે છે. ફિલ્મમાં પણ એક તબક્કે બોલાય છે કે ભારતમાં નર્સના વ્યવસાયને માનભેર જોવામાં નથી આવતો. એટલે જ એક કરુણાસભર સિગ્નેચર ટ્યુન આખી ફિલ્મમાં સતત ચાલ્યા કરે છે અને આપણને નર્સોના વ્યવસાયને માન આપવાનું યાદ કરાવતી રહે છે.
  • ISIS જેવા રાક્ષસોમાં પણ અમુક લોકો માનવતાવાદી હોઈ શકે, અથવા તો ધર્મ કેવી રીતે માણસને બચાવી શકે વગેરે બાબતો થોડી (એટલે કે ‘ઇત્તુ સી’) ફિલ્મી લાગે છે. છતાં એ વાત અન્ડરલાઇન કરીને નૉટ કરવા જેવી છે કે અહીં પાર્વતીના પાત્રને ‘નીરજા’ની જેમ લીડ કરતું બતાવાયું હોવા છતાં આખી ફિલ્મમાં કોઇપણ ઠેકાણે ખોટી હીરોગીરી બતાવાઈ નથી. ફિલ્મ મૅલોડ્રામેટિક પણ નથી બની. સ્ટાર્ટિંગમાં સખ્ખત લાંબી ‘થૅન્ક્સ’ની નામાવલિ ધરાવતી આ ફિલ્મમાં અવાજ સ્વરૂપે સુષમા સ્વરાજ અને તસવીર સ્વરૂપે નરેન્દ્ર મોદી પણ હાજરી પુરાવે છે. ‘એરલિફ્ટ’ની જેમ અહીં પણ છેલ્લે તિરંગો દેખાય છે, બૅકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીતની ટ્યુન સંભળાય છે અને છેલ્લે રિયલ નર્સોનાં ફૂટેજ પણ આવે છે. નૅચરલી, આ ફિલ્મ ‘સત્યઘટનાથી પ્રેરિત’ છે, એટલે તેમાં સમીરાના પાત્ર જેવી લિબર્ટીઝ ઉમેરવામાં આવી છે. પરંતુ તેનાથી આપણા દેશની જાંબાઝીમાં જરાય ઊણપ આવતી નથી.
  • ‘ટૅક ઑફ’નું સ્ટોરી ટેલિંગ એટલું જબરદસ્ત છે કે મેં સબટાઇટલ્સ વિના આ ફિલ્મ જોઈ હોવા છતાં મારી મજામાં જરાય ઓટ આવી નથી. જો સબટાઇટલ્સ વિના જોઈ શકો તો અત્યારે આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. નહીંતર થોડા દિવસોમાં DVD બહાર પડી જાય ત્યારે તો અચૂક જોવા જેવી છે. હું દિલથી એક્સપેક્ટ કરું કે આ ફિલ્મની હિન્દી રિમેક બને કોઈ સશક્ત અદાકારા તેમાં સમીરાનું પાત્ર ભજવે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s